સલાહ ખાતુન કહે છે, “વર્ષો પહેલા જેવું હતું એવું હવે નથી રહ્યું. આજની મહિલાઓ કઈ કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓ ઉપલબ્ધ છે તે જાણે છે અને તે અંગે સારી રીતે માહિતગાર છે." તેઓ એક નાનકડા ઈંટ-અને-ગારાના ઘરના વરંડામાં તડકામાં ઊભા છે, ઘરની દિવાલો સમુદ્રી લીલા રંગે  રંગેલી  છે.

તેઓ અનુભવના આધારે કહે છે - છેલ્લા એક દાયકાથી  સલાહ અને તેની ભત્રીજા-વહુ શમા પરવીન બિહારના મધુબની જિલ્લાના હસનપુર ગામની મહિલાઓ માટે  અનૌપચારિક રીતે કુટુંબ નિયોજન અને માસિક સ્રાવ સ્વચ્છતા સલાહકાર બની ગયા  છે.

મહિલાઓ ગર્ભનિરોધક અંગેના પ્રશ્નો અને વિનંતીઓ સાથે અવારનવાર તેમની પાસે આવે છે, આગામી ગર્ભાવસ્થા પહેલા બે બાળકો વચ્ચે અંતર શી રીતે જાળવી શકે, રસીકરણ ક્યારે શરૂ થશે વિગેરે  અંગે તેમને જાણવું હોય છે. અને કેટલીક મહિલાઓ તો જરૂર પડ્યે છાને-છપને  હોર્મોનલ ગર્ભનિરોધક ઈન્જેકશન લેવા પણ આવે છે.

શમાના ઘરના એક ખૂણાના ઓરડામાં છાજલીઓ પર દવા ભરેલી થોડી નાનકડી શીશીઓ અને દવાની ગોળીઓ રાખવામાં આવી છે. આ છે તેમનું નાનું સરખું ક્લિનિક. આ ક્લિનિકની ગોપનીયતામાં 40-42 વર્ષના શમા અને 50-52 ના સલાહ ઇન્ટ્રા-મસ્ક્યુલર ઇન્જેક્શ આપે છે, બેમાંથી કોઈ પ્રશિક્ષિત નર્સ નથી.. સલાહ કહે છે, “કેટલીકવાર મહિલાઓ એકલી આવે, ઈંજેક્શન લઈને ઝડપથી નીકળી જાય. તેમને  ઘેર કોઈને કંઈ પણ જાણવાની જરૂર જ નહિ. તો બીજી  કેટલીક મહિલાઓ  તેમના પતિ અથવા મહિલા સંબંધીઓ સાથે આવે છે."

છેલ્લા એક દાયકાની સરખામણીએ આ નોંધપાત્ર બદલાવ છે, જ્યારે ફુલપરાસ બ્લોકની સૈની ગ્રામ પંચાયતના આશરે 2500 લોકોની  વસ્તી ધરાવતા હસનપુર ગામના રહેવાસીઓ કુટુંબ નિયોજનની પદ્ધતિઓ ભાગ્યે જ અપનાવતા હતા.

આખરે આ બદલાવ આવ્યો શી રીતે? શમા કહે છે, “યે અંદર કી બાત હૈ [આ અંદરની વાત છે].

In the privacy of a little home-clinic, Salah Khatun (left) and Shama Parveen administer the intra-muscular injection
PHOTO • Kavitha Iyer

નાના સરખા હોમ-ક્લિનિકની ગોપનીયતામાં સલાહ ખાતુન (ડાબે) અને શમા પરવીન ઇન્ટ્રા-મસ્ક્યુલર ઇન્જેક્શન આપે છે

ભૂતકાળમાં હસનપુરમાં ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઓછો ઉપયોગ એ રાજ્ય-વ્યાપી સ્થિતિ તરફ નિર્દેશ કરે છે - એનએફએચએસ-4 (2015-16) નોંધે છે કે બિહારનો કુલ પ્રજનન દર 4.4 હતો  - જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ ૨.૨ ની સરખામણીએ ઘણો વધારે  હતો. (કુલ પ્રજનન દર - ટોટલ ફર્ટિલિટી રેટ - ટીએફઆર એ પોતાના પ્રજનનક્ષમ  સમયગાળા દરમિયાન એક મહિલા કેટલા બાળકોને જન્મ આપશે એની  સરેરાશ સંખ્યા છે.)

એનએફએચએસ-5 (2019-20) માં રાજ્યનો ટીએફઆર ઘટીને 3 પર આવી ગયો અને  નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના 4 થા અને 5 મા તબક્કા વચ્ચે રાજ્યમાં ગર્ભનિરોધકના ઉપયોગમાં  24.1 ટકાથી 55.8 ટકાનો  વધારો થયો છે. પ્રજનનક્ષમતામાં ઘટાડો ગર્ભનિરોધક પદ્ધતિઓના ઉપયોગમાં વધારા સાથે સુસંગત છે.

ટ્યુબલ લિગેશન - મહિલા વંધ્યીકરણ પ્રક્રિયા - કુટુંબ નિયોજનની તમામ આધુનિક પદ્ધતિઓમાં સૌથી વધુ વ્યાપક પદ્ધતિ છે,  (એનએફએચએસ-4 નોંધે છે તે પ્રમાણે) 86 ટકા કેસોમાં તેનો ઉપયોગ  થાય છે. એનએફએચએસ -5 માટેના આંકડાની વિગતો હજી ઉપલબ્ધ નથી, પરંતુ  બાળકો વચ્ચે અંતર સુનિશ્ચિત કરવા ગર્ભનિરોધક ઈન્જેકશન સહિતની નવી પદ્ધતિઓને પ્રોત્સાહન એ  હવે રાજ્ય નીતિનો એક મુખ્ય મુદ્દો છે.

સલાહ અને શમાને લાગે છે કે  હસનપુરમાં પણ  વધુ ને વધુ મહિલાઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાનો પ્રયાસ  કરી રહી છે - મુખ્યત્વે ગોળીઓ, ઉપરાંત  ડેપો-મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ (ડીએમપીએ) તરીકે ઓળખાતા હોર્મોનલ ઈન્જેક્શન, જે ભારતમાં ‘ડેપો-પ્રોવેરા’ અને ‘પરી’ ના નામથી વેચાય  છે. સરકારી દવાખાનાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ‘અંતરા’ બ્રાન્ડ નામ હેઠળ ડીએમપીએ આપે છે. વર્ષ 2017 માં ભારતમાં ‘ડેપો’ મળતું થયું  ત્યાં સુધી તે સામાન્ય રીતે વ્યક્તિઓ અને નફાના હેતુ વિના કામ કરતા જૂથો સહિત ખાનગી સંસ્થાઓ દ્વારા પડોશી નેપાળથી બિહારમાં આયાત કરવામાં આવતું હતું. સરકારી  આરોગ્યસંભાળ કેન્દ્રો અને દવાખાનામાં તે વિના મૂલ્યે ઉપલબ્ધ છે, તે સિવાય  તેની કિંમત ઇન્જેક્શન દીઠ 245 થી 350 રુપિયા છે.

ઇંજેક્શનનો વિરોધ કરનારા પણ છે, અને  ડિસમેનોરિયા (અતિશય અથવા પીડાદાયક રક્તસ્રાવ) થી માંડીને એમેનોરિયા (રક્તસ્રાવની ગેરહાજરી), ખીલ, વજનમાં વધારો, વજનમાં  ઘટાડો, માસિકધર્મમાં  અનિયમિતતા વિગેરે સહિતની  આડઅસરોની ચિંતા વચ્ચે વર્ષો સુધી  ખાસ કરીને 1990 ના દાયકામાં મહિલા અધિકાર  જૂથો અને આરોગ્ય કાર્યકરો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ પદ્ધતિની સુરક્ષિતતા અંગે શંકાઓ, શ્રેણીબદ્ધ અજમાયશ, વિવિધ જૂથોના પ્રતિસાદ અને અન્ય પ્રક્રિયાઓના પગલે  ભારતમાં 2017 સુધી ડીએમપીએ મળવાની શરૂઆત થઈ નહોતી . હવે દેશમાં જ તેનું ઉત્પાદન થાય  છે.

બિહારમાં ઓક્ટોબર 2017 માં ઇન્જેક્શનને અંતરા તરીકે રજૂ કરવામાં આવ્યું હતું, અને જૂન 2019 સુધીમાં તે બધા શહેરી અને ગ્રામીણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રો પર ઉપલબ્ધ હતું. રાજ્ય સરકારના આંકડા મુજબ ઓગસ્ટ 2019 સુધીમાં 424427 ડોઝ આપવામાં આવ્યા હતા, જે દેશમાં સૌથી વધુ છે. એક વખત તે ઈન્જેકશન લીધું લીધું હતું તેમાંથી 48.8 ટકા મહિલાઓને બીજો ડોઝ પણ મળ્યો/મહિલાઓએ બીજો ડોઝ પણ લીધો હતો.

Hasanpur’s women trust Shama and Salah, who say most of them now ensure a break after two children. But this change took time

હસનપુરની મહિલાઓ શમા અને સલાહ પર વિશ્વાસ રાખે છે, તેઓ બંને કહે છે કે મોટાભાગની મહિલાઓ  હવે બે બાળકો કર્યા પછી આગામી ગર્ભાવસ્થા પહેલા અંતર જાળવે છે. પરંતુ આ બદલાવમાં લાંબો સમય લાગ્યો

સતત બે વર્ષથી વધુ સમય માટે ડીએમપીએનો ઉપયોગ જોખમી બની  શકે છે. જે જોખમોનો અભ્યાસ કરવામાં આવ્યો છે તેમાંનું એક છે હાડકાની ખનિજ ઘનતામાં ઘટાડો  (ઈન્જેક્શન બંધ થતા  તે ફરીથી વધી શકે છે એવું માનવામાં આવે છે) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભલામણ કરી છે કે ડીએમપીએનો ઉપયોગ કરતી મહિલાઓનું  દર બે વર્ષે પરીક્ષણ થવું જોઈએ.

શમા અને સલાહ ભારપૂર્વક જણાવે છે કે તેઓ સલામતી વિશે ખૂબ જ કાળજી લે  છે. હાયપરટેન્સિવ (ઊંચા રક્તદાબની-હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેવી) મહિલાઓને ગર્ભનિરોધક ઇન્જેક્શન સૂચવવામાં આવતા નથી, અને આ બંને આરોગ્યસંભાળ સ્વયંસેવકો ઇન્જેક્શન આપતા પહેલા દરેક વખતે લોહીનું દબાણ (બ્લડ પ્રેશર) તપાસે છે. તેઓ ઉમેરે છે  કે તેમને આડઅસરોની કોઈ ફરિયાદ મળી નથી.

ગામની કેટલી મહિલાઓ ડેપો-પ્રોવેરાનો ઉપયોગ કરે છે તેના આંકડા તેમની પાસે  નથી, પરંતુ તે સ્પષ્ટ રીતે મહિલાઓમાં વધુ લોકપ્રિય પસંદગી છે, કારણ કે તે ગુપ્તતા જાળવીને  દર ત્રણ મહિને એક જ ઈન્જેક્શનનો વિકલ્પ આપે છે. અને જે મહિલાઓના પતિ વર્ષના થોડા  મહિનાઓ માટે જ  શહેરોમાંથી ઘેર પાછા ફરે છે તેમને  ટૂંકા ગાળા માટે (ગર્ભનિરોધકની)  આ એક સરળ પદ્ધતિ લાગે છે. (આરોગ્યસંભાળ  કાર્યકરો અને તબીબી સંશોધનપત્રો કહે છે કે છેલ્લા ડોઝના ત્રણ મહિના પછી થોડા મહિનામાં પ્રજનનક્ષમતા ફરીથી સામાન્ય થઈ જાય છે.)

મધુબનીમાં હોર્મોનલ ઇન્જેક્શનની વધતી સ્વીકૃતિનું બીજું કારણ છે - વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણના અનુયાયીઓ દ્વારા 1970 ના દાયકાના અંતમાં સ્થપાયેલી વિકેન્દ્રિત લોકશાહી અને સમુદાય આધારિત આત્મનિર્ભરતાના આદર્શોથી પ્રેરિત  સંસ્થા ઘોઘારડીહ પ્રખંડ સ્વરાજ્ય વિકાસ સંઘ (જીપીએસવીએસ) દ્વારા કરવામાં આવેલું કામ. (વિકાસ સંઘે 1990 ના દાયકાના અંતમાં રાજ્ય સરકારની ટીકાકરણ ઝુંબેશ અને નસબંધી શિબિરોમાં  ભાગીદારી પણ કરી હતી, ઘણી વાર ‘લક્ષ્યાંકિત'  અભિગમ અપનાવવા માટે આવી શિબિરોની ટીકા કરવામાં આવી હતી).

વર્ષ 2000 સુધી મુખ્યત્વે મુસ્લિમ બહુમતીવાળા હસનપુર ગામમાં પોલિયો રસીકરણ અને કુટુંબ નિયોજનની હિમાયત અને ઉપયોગ પ્રમાણમાં ઓછા હતા. ત્યાર બાદ જીપીએસવીએસએ હસનપુર અને બીજા ગામોમાં મહિલાઓને સ્વ-સહાય જૂથો અને  મહિલા મંડળોમાં ગોઠવવાનું શરૂ કર્યું. સલાહ નાની બચત જૂથના સભ્ય બન્યા, અને શમાને પણ જોડાવા પ્રોત્સાહન આપ્યું.

છેલ્લા ત્રણ વર્ષોમાં બંને મહિલાઓએ  જીપીએસવીએસ દ્વારા આયોજીત માસિક સ્રાવ, સ્વચ્છતા, પોષણ અને કુટુંબ નિયોજન અંગેના પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ભાગ લીધો  છે. મધુબની જિલ્લાના લગભગ 40 જેટલા ગામોમાં જ્યાં વિકાસ સંઘ કાર્ય કરે છે ત્યાં સંસ્થાએ મહિલાઓને ‘સહેલી નેટવર્ક’ માં સંગઠિત કરી તેમને માસિક સ્રાવ સ્વચ્છતા ઉત્પાદનો, કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓવાળી કિટ-બેગ આપવાનું શરૂ કર્યું, જે આ મહિલાઓ વેચી શકતી. આ પહેલના પરિણામે ગર્ભનિરોધક મહિલાઓના ઘરના બારણે  પહોંચ્યું અને તે પણ ટીકા-ટિપ્પણી ન કરતી  સખીઓ  દ્વારા. 2019 માં ડીએમપીએ ઈન્જેકશન પરી બ્રાન્ડ નામ હેઠળ   ઉપલબ્ધ થતા તે કીટ-બેગમાં ઉમેરવામાં આવ્યું.

Salah with ANM Munni Kumari: She and Shama learnt how to administer injections along with a group of about 10 women trained by ANMs (auxiliary-nurse-midwives) from the nearby PHCs
PHOTO • Kavitha Iyer

એએનએમ મુન્ની કુમારી સાથે સલાહ: તેમણે અને શમાએ નજીકના પીએચસીમાંથી એએનએમ (ઓક્સઝિલરી-નર્સ-મિડવાઈવ્ઝ - સહાયક-નર્સ-દાઈ) પાસે લગભગ 10 મહિલાઓના જૂથ સાથે ઈન્જેક્શન કેવી રીતે આપવું તેની તાલીમ લીધી.

મધુબની સ્થિત જીપીએસવીએસના મુખ્ય કાર્યકારી અધિકારી (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) રમેશકુમાર સિંઘ કહે છે,  “સહેલી નેટવર્કની લગભગ 32 મહિલાઓનું હવે વેચાણ નેટવર્ક છે. અમે તેમને સ્થાનિક જથ્થાબંધ વેપારી સાથે જોડ્યા, જેની પાસેથી તેઓ જથ્થાબંધ દરોમાં જથ્થામાં ખરીદી કરે છે." આ માટે સંસ્થાએ કેટલીક મહિલાઓને પ્રારંભિક મૂડીની સહાય કરી હતી. સિંઘ ઉમેરે છે, "વેચાયેલી દરેક વસ્તુ પર તેઓ 2 રુપિયા નફો કમાય છે."

હસનપુરમાં જ્યારે થોડી મહિલાઓએ નિયમિત રીતે ઈન્જેક્શનની લેવાનું શરૂ કર્યું, ત્યારે તેઓએ ધ્યાન રાખવું પડતું કે બે ડોઝ વચ્ચેના ત્રણ મહિનાના અંતરાલ પછી, આગામી ડોઝ બે અઠવાડિયાની અંદર લઈ લેવામાં આવે.  તે વખતે શમા અને સલાહે નજીકના પીએચસીમાંથી એએનએમ (ઓક્સઝિલરી-નર્સ-મિડવાઈવ્ઝ - સહાયક-નર્સ-દાઈ) પાસે લગભગ 10 મહિલાઓના જૂથ સાથે ઈન્જેક્શન કેવી રીતે આપવું તેની તાલીમ લીધી.  (હસનપુરમાં પ્રાથમિક આરોગ્યસંભાળ કેન્દ્ર નથી; સૌથી નજીકના  પીએચસી ફુલપરાસ અને ઝાંઝરપુર ખાતે છે, જે 16 થી 20 કિલોમીટરના અંતરે  છે).

ફુલપરાસ પીએચસીમાં અંતરા ઈન્જેકશન લેનારામાં ત્રણ બાળકોની યુવાન માતા ઉઝમા (નામ બદલ્યું છે) પણ છે, તેમને વહેલા અને એક પછી એક તરત ઉપરાઉપરી  બાળકો થયાં હતાં. તેઓ કહે છે, “મારા પતિ કામ માટે દિલ્હી અને બીજે  જાય છે. અમે નક્કી કર્યું છે કે જ્યારે પણ તે ઘેર પાછા આવે ત્યારે સુઇ [ઇન્જેક્શન] લેવાનું સારું રહેશે. હવે સમય મુશ્કેલ છે, અમને મોટું કુટુંબ પોસાય તેમ નથી." ઉઝમાએ ઉમેર્યું હતું કે તેઓ હવે ટ્યુબલ લિગેશન દ્વારા “કાયમી” ઉકેલ અંગે  વિચારી રહ્યા  છે.

'મોબાઇલ હેલ્થ વર્કર્સ' તરીકે તાલીમબદ્ધ મહિલાઓ નિ:શુલ્ક અંતરા ઈન્જેક્શન લેવા માગતી  મહિલાઓને પીએચસીનો સંપર્ક સાધવામાં પણ મદદ કરે છે, ત્યાં તેમણે પોતાના નામની નોંધણી કરાવવી જરૂરી છે. સલમા અને સલાહ કહે છે કે ધીરે ધીરે ગ્રામ્ય સ્તરે આંગણવાડીઓમાં પણ મહિલાઓને અંતરા મળી રહે  તેવી અપેક્ષા છે. અને ગર્ભનિરોધક ઈન્જેકશન માટેની આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની  માર્ગદર્શિકા કહે છે કે ત્રીજા તબક્કામાં તે  તે પેટા કેન્દ્રોમાં પણ મળી શકશે.

શમા કહે છે હવે ગામની મોટાભાગની મહિલાઓ બે બાળકો કર્યા પછી આગામી ગર્ભાવસ્થા પહેલા અંતર જાળવે છે.

પરંતુ  હસનપુરમાં આ બદલાવ આવતા સમય લાગ્યો. શમા કહે છે, “લમ્બા લગા [તેમાં થોડો સમય લાગી  ગયો], પરંતુ અમે તે કર્યું."

શમાના પતિ 47-48 વર્ષના રેહમતુલ્લાહ અબુ હસનપુરમાં તબીબી સેવા પૂરી પાડે  છે, જો કે તેમની પાસે એમબીબીએસની ડિગ્રી નથી. પોતાના પતિની મદદથી આશરે 15 થી વધુ વર્ષ પહેલાં શમાએ મદરસા બોર્ડની આલીમ-સ્તરની મધ્યવર્તી પૂર્વ-પદવી પ્રમાણપત્ર પરીક્ષાનો અભ્યાસક્રમ પૂરો કર્યો છે. પતિની મદદ અને મહિલાઓના જૂથ સાથેના  તેમના કામે શમાને પોતાના પતિ સાથે  ક્યારેક પ્રસૂતિ માટે અથવા પોતાને ઘેર ક્લિનિકમાં દર્દીઓની સંભાળ રાખવા માટે  રાઉન્ડ પર જવાની હિંમત આપી.

PHOTO • Kavitha Iyer

જો કે શમા અને સલાહને એવું નથી લાગતું  કે તેમના મુખ્યત્વે મુસ્લિમ બહુમતીવાળા ગામમાં ગર્ભનિરોધકની બાબતે  તેમણે ધાર્મિક માન્યતાઓના સંવેદનશીલ મુદ્દા સાથે કામ કરવું પડ્યું. એથી ઊલટું તેઓ કહે છે કે સમયની સાથે  સમાજમાં વસ્તુઓ તરફનો દ્રષ્ટિકોણ બદલાવ માંડ્યો છે.

1991 માં કિશોર વયે શમાના લગ્ન થયા અને  હાલના સુપૌલ જિલ્લાના દુબિયાહીથી હસનપુર આવ્યા ત્યારે તેઓ એક બાળવધૂ હતા. તેઓ કહે છે, “અગાઉ  હું કડક પર્દાહ પાળતી; મેં મોહલ્લો જોયો પણ નહોતો." મહિલાઓના જૂથ સાથેના તેમના કામથી તેમને માટે બધું જ બદલાઈ ગયું. તેઓ કહે છે કે, “હવે હું બાળકની સંપૂર્ણ તપાસ કરી શકું છું. ઈન્જેકશન પણ આપી શકું છું કે સલાઈન ડ્રીપ પણ  કનેક્ટ કરી શકું છું. ઈતના કર લેતે હૈ [હું આટલું કરી શકું છું]."

શમા અને રેહમતુલ્લાહ અબુને ત્રણ બાળકો છે. શમા ગર્વથી કહે છે સૌથી મોટો દીકરો 28 વર્ષે હજી અપરિણીત છે. તેમની દીકરીએ તેનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પૂરો કર્યો છે અને બીએડના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા  માગે છે. શમા કહે છે, "માશાલ્લાહ, તે એક શિક્ષક બનશે." સૌથી નાનો દીકરો કોલેજમાં છે.

શમા હસનપુરની મહિલાઓને તેમના કુટુંબો નાના રાખવા કહે છે ત્યારે તેઓને  તેમની વાત સાચી લાગે છે. “તેઓ કેટલીક વખત સ્વાસ્થ્યને લગતી બીજી કેટલીક ફરિયાદ સાથે મારી પાસે આવે છે, અને હું તેમને કુટુંબ નિયોજન અંગે સલાહ આપું છું. કુટુંબ જેટલું નાનું હશે એટલા તેઓ વધારે સુખી હશે . ”

શમા તેના ઘરના હવા-ઉજાસવાળા વરંડામાં દૈનિક વર્ગો ચલાવે  છે, દિવાલો પરથી રંગની પોપડીઓ ઊખડી રહી છે  પરંતુ તેના થાંભલાઓ અને કમાનો 5 થી 16 વર્ષની વયના લગભગ 40 વિદ્યાર્થીઓ બેસીને શીખી શકે તે માટે સૂર્ય-પ્રકાશિત  વિસ્તાર પૂરો પાડે છે. શમા તેમને વ્યવહારુ પાઠ સાથે શાળાનો  અભ્યાસક્રમ, ભરતકામ અથવા સીવણ અને સંગીત પણ શીખવે છે. અને અહીં કિશોરવયની છોકરીઓ વિના સંકોચે શમાને પોતાના પ્રશ્નો પૂછી શકે  છે.

તેમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં 18 વર્ષની ગઝાલા ખાતૂન છે. શમા પાસેથી શીખેલું એક વાક્ય ફરી બોલતા તે કહે છે, “માતાનું ગર્ભાશય એ બાળકનો પહેલો  મદરસા છે. ત્યાંથી જ બધા પાઠ અને સારા સ્વાસ્થ્યની શરૂઆત થાય છે." તે ઉમેરે છે,  "માસિક ચક્ર દરમ્યાન શું કરવું જોઈએથી લઈને લગ્ન કરવા માટે યોગ્ય  ઉંમર કઈ  છે આ બધું હું અહીંથી જ શીખી છું. મારા કુટુંબની બધી મહિલાઓ હવે કાપડ નહીં પણ સેનિટરી પેડનો ઉપયોગ કરે છે. હું પોષણ અંગે  પણ કાળજી રાખું છું. હું તંદુરસ્ત હોઈશ  તો ભવિષ્યમાં મારા બાળકો તંદુરસ્ત હશે.”

સમુદાય પણ હવે સલાહ (તેઓ પોતાના પરિવાર વિશે વધુ વાત કરવા માગતા નથી) પર વિશ્વાસ રાખે  છે. તે હવે હસનપુર મહિલા મંડળના નવ નાના બચત જૂથોની અગ્રણી છે, દરેક જૂથમાં 12-18 મહિલાઓ દર મહિને 500-750 રુપિયા બચાવે છે. જૂથના સભ્યો  મહિનામાં એકવાર મળે છે. તેમાં ઘણી વાર કેટલીક યુવાન માતાઓ  હોય છે, અને સલાહ કુટુંબ નિયોજન વિષેની ચર્ચાઓને પ્રોત્સાહન આપે છે.

Several young mothers often attend local mahila mandal meetings where Salah encourages discussions on birth control
PHOTO • Kavitha Iyer

કેટલીક  યુવાન  માતાઓ  ઘણીવાર સ્થાનિક મહિલા મંડળની બેઠકોમાં હાજરી આપે છે જ્યાં સલાહ કુટુંબ નિયોજન અંગેની  ચર્ચાઓને પ્રોત્સાહન  આપે  છે

જીપીએસવીએસના મધુબની  સ્થિત ભૂતપૂર્વ અધ્યક્ષ અને 1970 ના દાયકાના અંતમાં તેના સ્થાપક સભ્યોમાંના એક જીતેન્દ્ર કુમાર કહે છે, “અમારા મહિલાઓના 300  જૂથોનું નામ કસ્તુરબા મહિલા મંડળો છે અને આના [હસનપુર] જેવા રૂઢિચુસ્ત સમાજમાં પણ ગામડાની મહિલાઓ માટે પણ સશક્તિકરણને વાસ્તવિકતા બનાવવાનો અમારો પ્રયાસ છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમના કામોનું  સર્વાંગી  સ્વરૂપ સમુદાયને  શમા અને સલાહ જેવા સ્વયંસેવકો પર સરળતાથી વિશ્વાસ મૂકવામાં મદદરૂપ થાય છે. “અહીંના વિસ્તારોમાં તો એવી અફવાઓ પણ આવતી હતી કે પલ્સ પોલિયોના ટીપાંથી છોકરાઓમાં વંધ્યત્વ આવે છે. બદલાવમાં સમય લાગે છે… ”

જો કે શમા અને સલાહને એવું નથી લાગતું  કે તેમના મુખ્યત્વે મુસ્લિમ બહુમતીવાળા ગામમાં ગર્ભનિરોધકની બાબતે  તેમણે ધાર્મિક માન્યતાઓના સંવેદનશીલ મુદ્દા સાથે કામ કરવું પડ્યું. એથી ઊલટું તેઓ કહે છે કે સમયની સાથે  સમાજમાં વસ્તુઓ તરફનો દ્રષ્ટિકોણ બદલાવ માંડ્યો છે.

શમા કહે છે, "જુઓ હું તમને એક દાખલો આપું. ગયા વર્ષે બીએની પદવી  ધરાવતી  મારી  સબંધી ફરીથી ગર્ભવતી થઈ. તેને પહેલેથી જ ત્રણ બાળકો  છે. અને  છેલ્લા બાળક વખતે તેને શસ્ત્રક્રિયા કરાવવી પડી હતી. મેં તેમને ચેતવ્યા  હતા  કે તેમણે સાવચેત રહેવું જોઈએ કારણ પહેલા એક વાર તેમનું પેટ ખોલવું પડ્યું હતું. તેમને ગંભીર ગૂંચવણો ઊભી થઈ અને આ વખતે ગર્ભાશય કાઢી નાખવા માટે એક બીજી શસ્ત્રક્રિયા કરાવવી પડી. આખામાં  તેમને 3-4 લાખનો ખર્ચો થયો." તેઓ ઉમેરે છે કે આવા બનાવો બીજી મહિલાઓને સલામત ગર્ભનિરોધક ઉપાયો શોધવા અને અપનાવવા માટે ઉત્સુક બનાવે છે.

સલાહ કહે છે કે લોકો હવે ગુનો અથવા પાપ શું છે એ વિશે બારીકાઈથી વિચાર કરવા તૈયાર છે. તેઓ કહે છે, "મારો ધર્મ એ પણ કહે છે કે તમારે તમારા બાળકની સંભાળ રાખવી, તેની સારી તંદુરસ્તી સુનિશ્ચિત કરવી, તેને સારા કપડાં આપવા, તેને સારી રીતે ઉછેરવું...એક દર્જન યા આધા દર્જન હમ પૈદા કર લિયે [આપણે એક ડઝન અથવા અડધો ડઝન બાળકોને જન્મ આપ્યો] અને પછી તેમને રખડતા છોડી મૂક્યા/  - અમારો ધર્મ એવો આદેશ નથી આપતો કે બાળકોને જન્મ આપો ને પછી તેમને તેમના હાલ પર છોડી દો."

જૂના  ડર હવે ગયા. સલાહ ઉમેરે છે કે, “હવે ઘરમાં સાસુનું રાજ નથી. દીકરો કમાઈને પૈસા ઘેર તેની વહુને મોકલે છે. તે ઘરની મુખિયા  [મુખ્ય વ્યક્તિ] છે. અમે તેને બાળકો વચ્ચે અંતર રાખતા, ઇન્ટ્રા-યુટરાઈન ઉપકરણ (કોપર-ટી) અથવા ગોળીઓ અથવા ઈન્જેક્શનનો ઉપયોગ કરતા શીખવીશું. અને જો તેને  બે કે ત્રણ બાળકો થઈ ગયા છે, તો અમે તેને શસ્ત્રક્રિયા [મહિલા વંધ્યીકરણ] કરાવવાની સલાહ આપીએ છીએ. "

આ પ્રયત્નોને હસનપુરની જનતાએ સારો પ્રતિસાદ આપ્યો છે. સલાહના જણાવ્યા મુજબ: "લાઈન પે આ ગયે [લોકો લાઈનમાં આવીગયા છે]."

ગ્રામીણ ભારતના  કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર  લખો

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Kavitha Iyer

Kavitha Iyer has been a journalist for 20 years. She is the author of ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021).

Other stories by Kavitha Iyer
Illustrations : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Editor and Series Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik