મોહમ્મદ શમીમના પરિવારમાં ત્રણ સભ્યો છે, પરંતુ તેઓ રેલ્વે ટિકિટિંગ એજન્ટને  તેમની વેઇટલિસ્ટમાંની ફક્ત એક ટિકિટ કન્ફર્મ્ડ  કરાવી આપવા આજીજી કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પોતાના ગામ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહેલા શમીમ કહે છે, “બસ મેરી બીવી કો સીટ મિલ જાએ [હું ફક્ત મારી પત્નીને કન્ફર્મ્ડ સીટ મળે તેવું ઇચ્છું છું]. હું તો ગમે તે રીતે ટ્રેનમાં ચડી જઈશ. હું કોઈપણ સંજોગોમાં મુસાફરી કરી શકું છું. ગયા વખતની જેમ પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં અમારે ઘરે પહોંચી જવું છે.

તેઓ ઉમેરે છે, “એજન્ટ કન્ફર્મ્ડ  સીટ  માટે ટિકિટ દીઠ 1600 રુપિયા માગે  છે . મેં તેની સાથે રક્ઝક કરીને ઘટાડીને 1400 રુપિયા ઠરાવ્યા છે. જો અમને એક સીટ પણ મળશે તો અમે ટ્રેનમાં ચડી જઈશું  અને પછી નિયમભંગ બદલ જે કંઈ  દંડ વસૂલવામાં આવે  તે ચૂકવી દઈશું." મુંબઈથી ઉત્તર પ્રદેશ સુધીની સસ્તામાં સસ્તી રેલ્વે ટિકિટ સામાન્ય રીતે 380-500 રુપિયામાં મળે. યુપીમાં ફૈઝાબાદ જિલ્લાના મસોધા બ્લોકના અબ્બુ  સરાય ગામમાં શમીમના બે મોટા ભાઈઓ જમીનદારોના પરિવારો માટે ખેતમજૂરો તરીકેના મોસમી વ્યવસાય સાથે સંકળાયેલા  છે.

કોવિડ -19 ના ફેલાવાને રોકવા મહારાષ્ટ્ર સરકારે લાદેલા નવા પ્રતિબંધોને કારણે  ફરી એક વાર ફેક્ટરીઓ  બંધ થઈ ગઈ છે, શ્રમિકોની છટણી શરૂ થઈ છે અને બાંધકામ સ્થળોએ હાલ પૂરતું કામ સ્થગિત થઈ ગયું છે પરિણામે  22 વર્ષના શમીમ અને મુંબઇના હજારો લાખો સ્થળાંતરિત  કામદારો માટે લગભગ 10 મહિનામાં આ બીજી વખતની ઘરવાપસીની આ બીજી સફર હશે.

રાજ્યમાં 14 મી એપ્રિલથી કામ અને પરિવહન પર નવા પ્રતિબંધો અમલી બને તે પહેલા જ સ્થળાંતરિત કામદારોએ શહેર છોડવાનું નક્કી કર્યું હોવાથી 11-12 એપ્રિલથી જ મુંબઈના મુખ્ય  રેલ્વે સ્ટેશનો, ખાસ કરીને બાન્દ્રા ટર્મિનસ અને લોકમાન્ય તિલક ટર્મિનસ, જ્યાંથી ઉત્તરીય રાજ્યો - ઉત્તર પ્રદેશ અને બિહાર માટે અનેક ટ્રેનો રવાના થાય છે, ત્યાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે.  ઘણા લોકો વધુ પ્રતિબંધોના ડરથી હજી પણ શહેર છોડવાના પ્રયત્નમાં છે.

જોકે શિવસેનાની આગેવાનીવાળી રાજ્ય સરકારે કર્ફ્યુ અને પ્રતિબંધોને બીજું  ‘લોકડાઉન’ ગણાવ્યું નથી, પણ શમીમને આ પરિભાષાથી કોઈ જ ફેર પડતો નથી  : “અમારે માટે તો આ વેતન-નુકસાનનો બીજો દોર છે. અને તેની શરૂઆત થઈ ચૂકી છે.

Mohammed Shamim, Gausiya and their son: 'If we get one seat, we’ll board and then pay whatever fine or penalty is charged'
PHOTO • Kavitha Iyer

મોહમ્મદ શમીમ, ગૌસિયા અને તેમનો દીકરો: 'જો અમને એક સીટ પણ મળશે તો અમે ટ્રેનમાં ચડી જઈશું  અને પછી નિયમભંગ બદલ જે કંઈ  દંડ વસૂલવામાં આવે  તે ચૂકવી દઈશું'.

તેઓ જ્યાં  કામ કરે છે તે ગાર્મેન્ટસ મેન્યુફેક્ચરિંગ યુનિટ(કપડા બનાવતું એકમ) 13 મી એપ્રિલ, મંગળવારે  બંધ થઈ ગયું. શમીમ કહે છે, “શેઠને લાગતું નથી કે તેઓ  ટૂંક સમયમાં કામકાજ  ફરીથી શરૂ કરી શકે. તેમણે અમને 13 દિવસનું અમારું લેણું ચૂકતે કરી દીધું." 5000 રુપિયા કરતા થોડી ઓછી તે રકમ, બસ શમીમ પાસે જે છે તે એ જ છે. તેમણે લોકમાન્ય તિલક ટર્મિનસથી ફૈઝાબાદ જતી ટ્રેનમાં બે વેઇટ લિસ્ટેડ ટિકિટ પાછળ  780 રુપિયા ખર્ચ્યા અને હવે તે કન્ફર્મ્ડ ટિકિટની ખાતરી  આપે એવા એજન્ટની શોધખોળ કરી રહ્યા છે. “ગયા અઠવાડિયે જ મેં આ ખોલીના મકાનમાલિકને એક મહિનાના આગોતરા ભાડા પેટે  5000 રુપિયા ચૂકવ્યા, અને હવે પછીના કેટલાક મહિનાઓ માટે અમે આ ખોલી ખાલી કરવાના છીએ તેમ છતાં તેઓ એક પૈસો ય  પાછો આપવાની ના પાડે  છે."

ગયા વર્ષે  માર્ચ 2020 માં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારે મોટા શહેરોમાં ફસાયેલા પરપ્રાંતિય કામદારો માટે રેલ્વે દ્વારા સંચાલિત એક ‘શ્રમિક સ્પેશિયલ’ ટ્રેનોમાંથી કોઈ એકમાં ચઢીને આ કુટુંબ કોઈક રીતે મુંબઈથી બહાર નીકળી શક્યું હતું.

તે વખતે આખરે શમીમના ફોન પર ઉત્તર પ્રદેશની ટ્રેનમાં તેમની જગ્યા આરક્ષિત  થયાની પુષ્ટિ આપતો રેલ્વેનો સ્વચાલિત સંદેશ મળ્યો ત્યારે તે મે મહિનાનો અંત હતો. તેઓ કહે છે, “અમારે [ગયા વર્ષના લોકડાઉનના પહેલા બે મહિનાના] મકાન ભાડાના અને પાણી અને વીજળી માટેની ચૂકવણીના મળીને 10000 રુપિયા ચૂકવવાના બાકી છે . અને મારી પાસે ચાર મહિના સુધી કોઈ કામ નહોતું, તેથી વેતનરૂપે મળતા 36000 રુપિયા મેં ગુમાવ્યા. અબ પંચ હઝાર વેસ્ટ  હો ગયે.” જ્યારે પાઈ-પાઈની  ગણતરી કરવી પડતી હોય ત્યારે આ તેમને ખૂબ ખટકે  છે.

શમીમની પત્ની 20 વર્ષની ગૌસિયા થાકી છે. ઉત્તર મુંબઇના બાંદ્રાની નરગિસ દત્ત નગરની ઝૂંપડપટ્ટીની વસાહતમાં આવેલા  તેમના  8x8 ફૂટના  ઘરમાં તેમનો આઠ મહિનાનો  દીકરો  નાનકડો   ગુલામ મુસ્તુફા અજાણ્યા લોકોએ ઊંચકી લેતા ખુશ થઈને બોખું હસે  છે. અગાઉના લોકડાઉન પછી તેઓ ઓગસ્ટ 2020 માં મુંબઇ પાછા  ફર્યા ત્યારે તે એક મહિનાનો પણ થયો નહોતો. તેઓ (ગૌસિયા) કહે છે, "છેલ્લા થોડા અઠવાડિયાથી તે બીમાર છે, તાવ ને પેટની ગડબડ. કદાચ ગરમીને લીધે જ હશે. અને હવે અમે ફરીથી પાછા જવા બિસ્તરા-પોટલા બાંધીએ છીએ. કોઈ ચારા ભી નહીં હૈ [અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી]. પરિસ્થિતિ સુધરશે ત્યારે અમે ફરી પાછા આવીશું. "

પરિવાર સારા દિવસો જોવા મળશે એવી આશામાં છે. ગયા વર્ષે ઓગસ્ટમાં જ્યારે તેઓ મુંબઈ પાછા ફર્યા ત્યારે શમીમ સાન્તાક્રુઝ પશ્ચિમમાં એક વર્કશોપમાં શર્ટ પેક કરવાની પોતાની નોકરી પર પાછા ગયા હતા. પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં વધારાના 1000 રુપિયા કમાવાની તક ઊભી થતા તેમણે સાન્તાક્રુઝ પૂર્વમાં એક નાના ગાર્મેન્ટસ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જોડાવા માટે જ્યાં  તેમણે  પાંચ વર્ષ સુધી કામ કર્યું હતું તે નોકરી છોડી દીધી. અહીં તેમનો પગાર  10000 રુપિયા હતો.

Moninissa and her family are also planning to return to their village in Faizabad district. Her husband lost a job as a packer in a garment factory during the 2020 lockdown, and has now once again lost his job as a driver
PHOTO • Kavitha Iyer

મોનિનિસા અને તેમનો પરિવાર પણ ફૈઝાબાદ જિલ્લામાં તેમના ગામ પાછા ફરવાનું વિચારી રહ્યા  છે. 2020 ના લોકડાઉન દરમિયાન તેમના પતિએ કપડાની ફેક્ટરીમાં પેકરની નોકરી ગુમાવી દીધી હતી અને હવે તેઓ  ફરી એક વાર ડ્રાઈવરની નોકરી ગુમાવી ચૂક્યા છે.

નરગિસ દત્ત નગરની સાંકડી ગલીઓમાં બે-ચાર ખોલી છોડીને રહેતા  મોનિનિસા અને તેના પતિ મોહમ્મદ શાહનવાઝ પણ શહેર છોડવાનું  વિચારી રહ્યા છે. તેઓ પણ અબ્બુ સરાય ગામના છે. તેઓ (મોનિનિસા) કહે છે,  “મારા પતિ [ગયા વર્ષના લોકડાઉન પહેલાં, સાન્તાક્રુઝ પશ્ચિમમાં] ગાર્મેન્ટ્સ ફેક્ટરીમાં પેકર તરીકે મહિનામાં 6000 રુપિયા કમાતા હતા. પરંતુ અમે પાછા મુંબઈ આવ્યા ત્યારે કોઈ કામ ન હતું." પરિવાર મેના અંતમાં એક શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં મુંબઈ છોડી ગયા હતા અને ઓગસ્ટમાં મુંબઈ પાછા ફર્યા હતા. મોનિનિસા કહે છે, “તેથી તેમણે ત્રણ મહિના પહેલા બાંદ્રાના એક ઘરના ડ્રાઇવરની નોકરી લીધી. તેઓ મહિને ફક્ત 5000 રુપિયા જ આપતા કારણ કે તેમને રોજ તેની (ડ્રાઇવરની) જરૂર નહોતી. હવે તેઓ કહે છે કે તેમને ડ્રાઇવરની જરાય જરૂર જ નથી. આ લોકડાઉનમાં તેને નોકરી ક્યાં મળશે?”

આ જ ઝૂંપડપટ્ટી વસાહતમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા બીજા ઘણા સ્થળાંતરિત  શ્રમિકો મહામારી દરમિયાન બીજી વાર તેમના ગામોમાં પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. 2020 માં પહેલા દોરમાં આજીવિકા ગુમાવવાને કારણે તેમાંના કેટલાકને તેમના ગામોમાં  સગાંવહાલાં અને પરિવારના સંબંધીઓને ઘેર આશરો લેવાની ફરજ પડી હતી. (આ વખતે) જો તેમનો પરિવાર તેમના ગામ પરત જાય તો સફિયા અલી કંઈક આવું જ કરવાનું વિચારે છે.

37-38 વર્ષના  સફિયા ચાર બાળકો અને પતિ સાથે 100 ચોરસ ફૂટની સાંકડી ખોલીમાં રહે છે.  પોતાની સૌથી મોટી દીકરી 14 વર્ષની નૂરને તેના ત્રણ વર્ષના ભાઈ સાથે જાહેર શૌચાલય જવાની સૂચના આપી સફિયા ઉમેરે છે, “મારી માતા સાથે થોડા દિવસો, પછી એક ભાઈ સાથે અને પછી બીજા ભાઈ સાથે, ઐસે કરતે કરતે એક દો મહિને કટ જાયેંગે [એમ કરતા કરતા એક-બે મહિના નીકળી જશે]. અમારી પાસે ગામમાં કંઈ જ નથી, નથી જમીન નથી અને નથી કોઈ કામ, તેથી પાછલા લોકડાઉન દરમિયાન અમે ત્યાં પાછા ગયા નહોતા." . નૂર બાનો છેલ્લા એક વર્ષથી શાળાએ ગઈ  નથી, અને પરીક્ષા આપ્યા વિના જ 7 મા ધોરણમાં ચડાવી દેવાતા ખુશ છે.

સફિયાના પતિ બાંદ્રાના બઝાર રોડ પર કપડાં વેચે છે અને  5 મી એપ્રિલ, જ્યારે મહારાષ્ટ્ર સરકારે રાત્રિ-કર્ફ્યુ લગાવી દીધો અને દિવસ દરમિયાન દુકાનો અને શેરી-ફેરિયાઓનું કામ બંધ રખાવ્યું  ત્યારથી પરિવારની દૈનિક આવક ઘટીને 100-150 રુપિયા જ થઈ ગઈ છે. 2020 પહેલા રમઝાન મહિનામાં સફિયાના અંદાજ પ્રમાણે  તેઓ  દિવસના 600 રુપિયા કમાતા. સફિયા કહે છે, "[ગયા લોકડાઉન દરમિયાન] રાજકારણીઓ અને સંગઠનો દ્વારા જે કંઈ  રેશન અપાતું તેના આધારે અમે નભાવ્યું હતું.  દિવસે કમાઇએ તો રાત્રે ખાવા ભેગા થઈએ. જો કમાણી ન થાય, તો અમારે ભૂખ્યા સૂવું પડે."

Migrant workers heading back home to the northern states waiting outside Lokmanya Tilak Terminus earlier this week
PHOTO • Kavitha Iyer

આ સપ્તાહની શરૂઆતમાં લોકમાન્ય તિલક ટર્મિનસની બહાર રાહ જોઈ રહેલા ઉત્તરીય રાજ્યોમાં પોતાને ગામ પાછા ફરી રહેલા  સ્થળાંતરિત શ્રમિકો

સફિયાના પરિવારજનો તેમને કામ કરવાની મંજૂરી આપતા નથી, નરગિસ દત્ત નગરના ઘણા ઘરોમાં આ સામાન્ય છે. બાંદ્રા રિક્લેમેશનના ક્લોવર-આકારના (ત્રણ-પાંદડાંના આકારના) ફ્લાયઓવરની નીચે અને તેની આસપાસ  (અહીંના રહેવાસીઓના અંદાજ પ્રમાણે)1200 ઘરોની આ વસાહત સ્થિત છે. સફિયાને કોઈએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં તેમના ગામને અડીને આવેલા ગામના ચૂંટાયેલા ગ્રામ પંચાયત પ્રતિનિધિ, પ્રધાન , બસ મોકલી રહ્યા  છે. તેઓ આશા રાખે છે કે તેમના પરિવારને તે બસમાં બેઠકો મળી જશે.

સફિયા કહે છે, "ગોંડામાં પંચાયતની ચૂંટણીઓ યોજાવાની  છે, તેથી તેઓ  ઇચ્છે છે કે તેમના ગામના લોકો મતદાન માટે સમયસર પાછા  આવે."  હલધર માઉ બ્લોકના તેમના પોતાના ગામ અખાદેરામાં પણ ચૂંટણી છે કે નહીં તે તેમને ખબર નથી , પરંતુ  આ વખતે તેઓ મુંબઈ છોડવા માગે  છે. “એક બીજું લોકડાઉન અહીં રહેવાનું અમને ન પોસાય. ઇઝ્ઝત સંભાલની હૈ [અમારે અમારી આબરૂ સાચવવાની છે]."

અગાઉથી યોજના કરીને આ વસાહત છોડીને જઈ રહેલા કેટલાક લોકડાઉન પૂરું નહિ થાય ત્યાં સુધી પાછા નહીં ફરે. 20 વર્ષના સંદીપ બિહારીલાલ શર્મા પાસે 5 મી મેની ગોંડાની કન્ફર્મ્ડ ટિકિટ છે, ત્યાંથી તે છાપિયા બ્લોકના બભનાન ગામ પહોંચશે. તેઓ કહે છે,  “કુટુંબમાં લગ્ન છે. પપ્પા અને એક બહેન ગયા અઠવાડિયે પહેલેથી જ નીકળી ગયા હતા. જ્યાં સુધી પૂરતું કામ મળી રહે છે એની ખાત્રી નહિ થાય ત્યાં સુધી અમે પાછા નહીં આવીએ."

સંદિપ ફર્નિચર બનાવનારના સહાયક તરીકે કામ કરે છે - તેઓ લાકડાના નક્શીકામમાં કુશળ  બધઈ સમુદાયના  છે. તેઓ કહે છે, "અત્યારે કોઈ કામ નથી, અત્યારના  સંજોગોમાં કોઈને ય નવું ફર્નિચર વસાવવામાં અથવા ઘરનું  નવીનીકરણ કરવામાં રસ નથી. સરકાર ફરીથી બીજું લોકડાઉન શા માટે  લાદી રહી છે એ જ મને સમજાતું નથી. ગરીબોને કેટકેટલું નુકસાન થયું છે તે તેઓને સમજી શકતા નથી? ”

તેઓ કહે છે આ વર્ષે માર્ચમાં થોડાઘણા નવા ઓર્ડર આવવા માંડતા  ધીમે ધીમે કામ અને કમાણી સુધરવાની શરૂઆત થઈ હતી ત્યાં તો કોવિડ -19 ની બીજી લહેર આવી ગઈ.

The rush at the Lokmanya Tilak Terminus and Bandra Terminus, from where several trains leave for Uttar Pradesh and Bihar, began a few days before the state government’s renewed restrictions were expected to be rolled out
PHOTO • Kavitha Iyer

રાજ્ય સરકાર દ્વારા નવા પ્રતિબંધો લાદવામાં આવશે એમ અપેક્ષિત હતું તેના થોડા દિવસ પહેલા જ   ઉત્તર પ્રદેશ અને બિહારની અનેક ટ્રેનો જ્યાંથી રવાના થાય છે તે લોકમાન્ય તિલક ટર્મિનસ અને બાન્દ્રા ટર્મિનસ ખાતે લોકોની ભીડ

સ્વરોજગાર પર નભનારા લોકો પણ સંઘર્ષ કરી રહ્યા છે. તેમાં લગભગ ત્રણ દાયકાથી નરગિસ દત્ત નગરમાં રહેતા  35 વર્ષના  સોહૈલ ખાન પણ છે. તેઓ માછલી વેચે છે,  વર્સોવા માછલી બજારમાંથી તેમનો દૈનિક જથ્થો  ખરીદે છે અને તેમની ઝૂંપડપટ્ટી વસાહતમાં અને તેની આસપાસ તે વેચે છે. તેઓ ગુસ્સે થઈને કહે છે, “રમઝાન દરમિયાન દેખીતી રીતે વેચાણ મોડી સાંજે થાય છે. પરંતુ સાંજે 7 વાગતામાં તો પોલીસ અમારા વિસ્તારમાં ચક્કર લગાવવાનું શરૂ કરી અમારા સ્ટોલ્સ બંધ કરવાનું કહે  છે.અમારી પાસે કોઈ રેફ્રિજરેશન અથવા બીજી કોઈ સુવિધા નથી. તેથી ન વેચાયેલી માછલીઓ સડી જાય છે. "

મહારાષ્ટ્રમાં નવા પ્રતિબંધોની પહેલી વાર જાહેરાત કરવામાં આવી ત્યારબાદ લગભગ એક અઠવાડિયા પહેલા ખાને તેમના પત્નીને  ગોંડાના અખાદેરા ગામે ઘેર મોકલી દીધા હતા. તેઓ  અને તેમના  ભાઈ આઝમ થોડો સમય રાહ જોઈ રહ્યા છે - અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ગયા વર્ષે તેમના પરિવારની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો  અને તેમને હજી ય આશા છે કે આ વર્ષે 14 મી એપ્રિલથી શરુ થયેલા રમઝાન મહિનામાં તેમનું અગાઉનું થોડુંઘણું નુકસાન ભરપાઈ થઈ જશે.

સોહૈલનો નાનો ભાઈ આઝમ ખાન રિક્ષાચાલક છે, તેમણે થોડા વર્ષો પહેલા પોતાની  બજાજ થ્રી-વ્હીલર/ત્રણ-પૈડાંવાળી  ઓટોરિક્ષા ખરીદી હતી. દિવસે દિવસે  4000 રુપિયાનો માસિક હપ્તો ચૂકવવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું છે. સોહૈલ પૂછે છે, “કામ મળે કે ન મળે EMI તો ચૂકવવા જ પડે. સીએમએ (મુખ્યમંત્રીએ) ઓટો ચાલુ રાખવા પર નિયંત્રણો નથી મૂક્યા - પરંતુ મુસાફરોને ક્યાંય આવવા-જવાની મંજૂરી ન હોય તો ઓટો-ચાલકો શું ધૂળ કમાશે?”

"[રાજ્ય] સરકારે ગયા વખતે કરી હતી તે પ્રમાણે (આ વખતે પણ) લોનના હપ્તા ભરનારાઓ માટે સહાયની ઘોષણા કરવી જોઈએ.જો પરિસ્થિતિ આવી જ રહેશે   તો અમે પણ ગયા વર્ષની  જેમ જ (આ વર્ષે પણ) ગોંડા જતા રહીશું.  ફરી એક વાર અમે સરકારની દયા પર છીએ. ”

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Kavitha Iyer

Kavitha Iyer has been a journalist for 20 years. She is the author of ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021).

Other stories by Kavitha Iyer
Editor : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik