અરૂણા મન્નાએ કહ્યું કે, "જ્યારે અમારા જેવી મહિલાઓ પોતાના ઘર અને ખેતરો છોડીને શહેરમાં વિરોધ કરવા આવે છે, ત્યારે તેનો અર્થ એ જ છે કે તેમના (મહિલાઓના) પગથી નીચેથી માટી (જમીન/ધરતી) સરકી રહી  છે. છેલ્લા કેટલાક મહિનામાં એવા પણ દિવસો હતા જ્યારે અમારી પાસે ખાવા માટે કંઈ જ નહોતું. બીજા દિવસોમાં  અમે માંડ માંડ એક ટંક ભોજન કરી શકતા. શું આ સમય આ કાયદાઓ પસાર કરવાનો છે? જાણે આ મહામારી [કોવિડ -19 મહામારી] અમને મારવા પૂરતી  નહોતી! "

42  વર્ષના અરુણા મધ્ય કોલકાતામાં એક વિરોધ સ્થળ એસ્પ્લેનેડ વાય-ચેનલ ખાતે  બોલતા હતા, જ્યાં ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી (એઆઇકેએસસીસી - ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિ) ના બેનર હેઠળ 9 થી 22 જાન્યુઆરી દરમિયાન  ખેડૂતો  અને ખેતમજૂરો એકઠા થયા છે. વિદ્યાર્થીઓ, નાગરિકો, કાર્યકરો, સાંસ્કૃતિક સંગઠનો પણ અહીં પણ એકઠા થયા હતા - તેઓ  સપ્ટેમ્બર 2020 માં સંસદમાં પસાર કરાયેલા ત્રણ કૃષિ  કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે એકતા દર્શાવવા ત્યાં એકઠા થયા હતા.

અરુણા  આશરે 1500 અન્ય મહિલાઓ સાથે રાજુઆખાકી ગામથી અહીં આવ્યા હતા,  જેમાંની મોટાભાગની મહિલાઓ દક્ષિણ 24 પરગણા જિલ્લાના વિવિધ ગામોની હતી. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને સમર્પિત કરી તેમના હક્કોના રક્ષણ માટે દેશભરમાં ઉજવાતા મહિલા કિસાન દિવસ નિમિત્તે તેઓ 18 મી જાન્યુઆરીએ  ટ્રેન, બસો અને ટેમ્પો દ્વારા કોલકાતા પહોંચ્યા હતા. મહિલા ખેડૂતો અને ખેતમજૂરોના 40 થી વધુ સંગઠનો, મહિલા સંગઠનો અને એઆઈકેએસસીસીએ દ્વારા પશ્ચિમ બંગાળમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોતાનો અવાજ ઉઠાવવા માટે કોલકાતા સુધીની લાંબી મુસાફરી પછી થાકી ગયા હોવા છતાં મહિલાઓનો ગુસ્સો જરા ય ઓછો થયો નહોતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ દ્વારા તાજેતરમાં કરાયેલી ટિપ્પણી - મહિલાઓ અને વૃદ્ધ આંદોલનકારીઓને કૃષિ કાયદાઓ વિરુદ્ધના વિરોધ પ્રદર્શન સ્થળ છોડી જવા ‘સમજાવવા'  જોઈએ - અંગે  પ્રતિક્રિયા આપતા શ્રમજીવી મહિલા સમિતિના સભ્ય 38 વર્ષના સુપર્ણા હાલદારે કહ્યું કે,  “તો પછી અમારે માટે વિરોધ કોણ કરશે? કોર્ટબાબુઓ [ન્યાયાધીશો]? જ્યાં સુધી અમને અમારા અધિકારો નહીં  મળે ત્યાં સુધી અમે વિરોધ ચાલુ રાખીશું!”

સુપર્ણા કોલકાતા વિરોધ સ્થળે 18 જાન્યુઆરીએ મહિલા કિસાન દિવસના ભાગ રૂપે સવારે 11:30 થી સાંજના 4 વાગ્યા દરમિયાન આયોજિત મહિલા કિસાન મજૂર વિધાનસભા સત્રમાં બોલી રહ્યા હતા. સત્રમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓની  જટિલ સમસ્યાઓ, તેમના કઠોર પરિશ્રમ, જમીનની માલિકી અને  અન્ય અધિકારો માટેના તેમના લાંબા સંઘર્ષ અને  નવા કૃષિ કાયદાઓની તેમના જીવન પર સંભવિત અસર જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

On January 18, women from several districts of West Bengal attended the Mahila Kisan Majur Vidhan Sabha session in Kolkata
PHOTO • Smita Khator
On January 18, women from several districts of West Bengal attended the Mahila Kisan Majur Vidhan Sabha session in Kolkata
PHOTO • Smita Khator

18 મી જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓની મહિલાઓએ કોલકાતામાં મહિલા કિસાન મજૂર વિધાનસભા સત્રમાં ભાગ લીધો હતો

દક્ષિણ 24 પરગણા જિલ્લાના રાઈડીઘી ગ્રામપંચાયતના પાકુરતલા ગામથી આવેલા  સુપર્ણાએ જણાવ્યું હતું કે  વધતા જતા ઇનપુટ ખર્ચ અને અવારનવાર આવતા ચક્રવાતથી તેમના વિસ્તારમાં જીવનનિર્વાહના સાધન તરીકે ખેતી બિનસલાહભરી  બની છે. પરિણામે ખેતમજૂરો અને ખૂબ જ ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવારો માટે (સ્થાનિક રીતે એક્શો દિનેર કાજ અથવા 100 દિવસની કામગીરી તરીકે ઓળખાતા) મનરેગા સ્થળોએ અને બીજા સરકાર દ્વારા ભંડોળ  પૂરા પાડવામાં આવતા અને પંચાયત-સંચાલિત કામના સ્થળોએ કામ કરવું એ નિર્ણાયક જીવાદોરી બની ગયા છે.

કોલકાતાની વિરોધ બેઠકમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું, ત્યારે મનરેગા હેઠળ કામકાજના દિવસોનો  અને સ્થાનિક પંચાયતો હેઠળ પૂરતા કામનો અભાવ એ પણ ત્યાં હાજર મહિલાઓની વારંવારની સમસ્યા હતી.

મથુરાપુર બ્લોક - II માં આવેલા રાઈડીઘી પંચાયતના બલરામપુર ગામમાં 100 દિવસની કામના વિતરણની દેખરેખ રાખતા 55 વર્ષના સુચિત્રા હાલદારે કહ્યું કે, "કામ ઉપલબ્ધ નથી. અમારા બધાની પાસે માન્ય જોબ કાર્ડ્સ છે [જોબ કાર્ડ સામાન્ય રીતે પતિ અથવા પિતાના નામે જારી કરવામાં આવે છે, અને આ પણ ઘણી મહિલાઓ માટે વિવાદનો મુદ્દો છે]. છતાં અમને કામ મળતું નથી. અમે લાંબા સમયથી આનો વિરોધ કરી રહ્યા છીએ. જો અમને કામ મળે તો પણ અમને સમયસર પૈસા ચુકવતા  નથી . કેટલીકવાર બિલકુલ ચુકવતા જ નથી."

રાજુઆખાકી ગામના  40 વર્ષના  રંજીતા સામંતાએ ઉમેર્યું, "અમારા ગામની યુવા પેઢી હાથ પર હાથ ધરીને સાવ બેકાર બેઠી છે, તેમના માટે કોઈ કામ નથી. લોકડાઉન દરમિયાન ઘણા પુરુષો જ્યાં કામ પર ગયા હતા ત્યાંથી ગામમાં પાછા ફર્યા છે. માતાપિતા પાસે મહિનાઓથી કોઈ નોકરી નથી અને તેથી નવી પેઢી પણ મુશ્કેલી ભોગવી રહી છે. અમને વરસના 100 દિવસ કામ પણ ન મળે તો અમારે જીવવું શી રીતે?"

થોડેક દૂર 80 વર્ષના  દુર્ગા નાઈયા  તેમની સફેદ સુતરાઉ સાડીની ધારથી તેમના જાડા ચશ્મા લૂછતા બેઠા  હતા. તેઓ  મથુરાપુર બ્લોક - II ના ગિલારછાટ ગામની વૃદ્ધ મહિલાઓના જૂથ સાથે આવ્યા  હતા. તેમણે કહ્યું, " શરીરમાં શક્તિ હતી  ત્યાં સુધી હું ખેત-મજૂર તરીકે કામ કરતી  હતી. હવે હું ખૂબ ઘરડી  થઈ ગઈ  છું ... મારા પતિ ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા હતા. હું હવે કામ કરી શકતી નથી. હું અહીં સરકારને કહેવા આવી  છું કે વૃદ્ધ ખેડૂતો અને ખેત-મજૂરોને  પેન્શન આપો."

દુર્ગા નાઈયાને ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો લાંબો અનુભવ છે. મથુરાપુર બ્લોક - II ના રાધાકાંતપુર ગામના 50 વર્ષના  જમીન વિહોણા મજૂર પારુલ હાલદારે કહ્યું કે, "હું દેશના અન્ય ખેડૂતો સાથે જોડાવા માટે તેમની સાથે 2018 માં દિલ્હી ગઈ  હતી. તેઓ બંને કિસાન મુક્તિ મોરચા માટે નવેમ્બર 2018 માં એકસાથે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી રામલીલા મેદાન સુધી પગપાળા ગયા હતા.

Ranjita Samanta (left) presented the resolutions passed at the session, covering land rights, PDS, MSP and other concerns of women farmers such as (from left to right) Durga Naiya, Malati Das, Pingala Putkai (in green) and Urmila Naiya
PHOTO • Smita Khator
Ranjita Samanta (left) presented the resolutions passed at the session, covering land rights, PDS, MSP and other concerns of women farmers such as (from left to right) Durga Naiya, Malati Das, Pingala Putkai (in green) and Urmila Naiya
PHOTO • Smita Khator

રંજીતા સામંતા (ડાબે) એ સત્રમાં પસાર થયેલા ઠરાવો રજૂ કર્યા, જેમાં જમીન અધિકાર, પીડીએસ, એમએસપી અને  મહિલા ખેડૂતોની અન્ય સમસ્યાઓનો સમાવેશ થતો હતો. સાથે (ડાબેથી જમણે) દુર્ગા નાઈયા, માલતી દાસ, પિંગલા પુટકી (લીલી સાડીમાં) અને ઉર્મિલા નાઈયા

પારૂલને પૂછવામાં આવ્યું કે તેઓ વિરોધ સ્થળે વૃદ્ધ મહિલાઓ સાથે શા માટે જોડાયા  છે ત્યારે તેમણે કહ્યું "અમે ખૂબ મુશ્કેલીથી જેમતેમ કરીને નભાવીએ છીએ. ખેતરોમાં હવે ખાસ કંઈ કામ મળતું નથી. લણણી અને વાવણીની સીઝન દરમિયાન અમને થોડુંઘણું  કામ મળે છે અને અમે દિવસના વધારેમાં વધારે  270 રુપિયા જેવું કમાઈ શકીએ છીએ. પરંતુ તેના પર અમે ટકી ન શકીએ. હું બીડીઓ વાળું છું અને બીજા નાનામોટા કામ કરું છું. મહામરી દરમિયાન અને ખાસ કરીને અમ્ફાન  [મે 20, 2020 ના રોજ પશ્ચિમ બંગાળમાં આવેલ ચક્રવાત] પછી ખૂબ જ ખરાબ દિવસો જોયા  છે ... ”

આ જૂથની વૃદ્ધ મહિલાઓ તેમના માસ્ક અંગે  ખૂબ કાળજી રાખતી હતી કારણ કે તેઓ જાણતા હતા કે રોગચાળા દરમિયાન તેમને વધુ જોખમ છે  - તેમ છતાં તેમણે વિરોધમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું. ગિલારછાટ ગામના 75 વર્ષના પિંગલા પુટકીએ કહ્યું, “અમે બહુ વહેલા ઊઠી ગયા હતા. સુંદરવન વિસ્તારમાં આવેલા  અમારા ગામોથી કોલકાતા પહોંચવું સહેલું નથી. અમારી સમિતિ [શ્રમજીવી મહિલા સમિતિ] એ અમારા માટે બસની વ્યવસ્થા કરી હતી.  અહીં અમને ખાદ્ય પદાર્થોનું પેકેટ  [ભાત, બટાકાનું શાક, લાડુ અને કેરીનું પીણું]આપવામાં આવ્યું. આજનો દિવસ  અમારા માટે એક વિશેષ  દિવસ છે. ”

આ જ જૂથમાં 65 વર્ષના માલતી દાસ પણ હતા, તેમણે કહ્યું  કે તેઓ મહિને 100 રુપિયાના પોતાના  વિધવા મહિલા પેન્શનની રાહ જુએ છે  - જે તેમને હજી સુધી એક પણ વાર મળ્યું નથી. તેમણે ઉમેર્યું, "ન્યાયાધીશ કહે છે કે વૃદ્ધો અને સ્ત્રીઓએ વિરોધમાં ભાગ ન લેવો જોઈએ," . જેનો બૂરો આર મોઇનમુશદાર પોશા ભોર રોજ પુલાઉ આર મોંગોશો દિછે ખેતે [જાણે તેઓ રોજેરોજ વૃદ્ધો અને મહિલાઓને પુલાવ અને માંસની કરી જમાડતા ન હોય]! ”

આ જૂથની ઘણી મહિલાઓ, જેમણે હવે ખેતીને લગતું કામ કરવાનું બંધ કરી દીધું  છે, તેમણે વૃદ્ધ ખેડૂતો અને ખેતમજૂરો માટે સન્માનપૂર્વકના યોગ્ય પેન્શનની તેમની  લાંબા સમયની માંગ દોહરાવી હતી.

બેઠકમાંની સુંદરવનની મોટાભાગની મહિલાઓ જેમની સાથે મેં વાત કરી હતી તે વિવિધ અનુસૂચિત જાતિની હતી, કેટલીક મહિલાઓ આદિવાસી સમુદાયોની પણ હતી. તેમાં ભૂમિજ સમુદાયના ભૂમિહીન ખેતમજૂર 46 વર્ષના મંજુ સિંહ પણ હતા, તેઓ જમાલપુર બ્લોકના મોહનપુર ગામથી આવ્યા હતા.

તેમણે કહ્યું, " બિ ચારપતિ [ન્યાયાધીશ] ને કહો બધું અમારે ઘેર મોકલી આપે - ખોરાક, દવાઓ અને અમારા બાળકો માટે એક ફોન.પછી અમે ય ઘેર બેસીશું. અમારા જેવી હોરભોંગા ખાતુની [કમરતોડ કાળી મજૂરી] કરવાનું કોઈને ય ગમતું નથી. આ સંજોગોમાં અમે વિરોધ ન કરીએ તો બીજું શું કરીએ? ”

'The companies only understand profit', said Manju Singh (left), with Sufia Khatun (middle) and children from Bhangar block
PHOTO • Smita Khator
'The companies only understand profit', said Manju Singh (left), with Sufia Khatun (middle) and children from Bhangar block
PHOTO • Smita Khator
'The companies only understand profit', said Manju Singh (left), with Sufia Khatun (middle) and children from Bhangar block
PHOTO • Smita Khator

મંજુ સિંહે (ડાબે) કહ્યું, 'કંપનીઓ માત્ર નફો કરવાનું જ સમજે છે', તેમની સાથે સુફિયા ખાતુન (વચ્ચે) અને ભાંગાર બ્લોકનાં બાળકો છે

તેમણે ઉમેર્યું, "પૂર્વ બર્ધમાન જિલ્લામાં તેમના ગામમાં “100 દિવસનું કામ” યોજના હેઠળ, અમને  [વરસમાં] માંડ  25 દિવસ કામ મળે છે. રોજનું વેતન 204 રુપિયા છે. જો અમને કામ ન અપાવી શકે તો અમારા એ જોબ કાર્ડનો અર્થ જ શું છે? એકશો દિનેર કાજ શુધૂ નામ-કા-વાસ્તે [100 દિવસનું કામ માત્ર નામનું જ]! હું મોટાભાગે ખાનગી ખેતરોમાં કામ કરું છું. લાંબા સંઘર્ષ પછી  હવે અમારા વિસ્તારમાં અમે  [જમીનમાલિક પાસેથી] 180 રુપિયા દાડિયું અને બે કિલો ચોખા મેળવી શક્યા છીએ."

સાંતલ આદિવાસી ભૂમિહીન ખેતમજૂર આશરે 35 વર્ષના આરતી સોરેન પણ તે જ ગામ મોહનપુરથી આવ્યા હતા. તેમણે કહ્યું, "અમારો સંઘર્ષ માત્ર વેતન માટે જ નથી, બીજી ઘણી બાબતો માટે અમે  સંઘર્ષ કરી રહ્યા છીએ. અમારે બીજાના જેવું નથી, અમારે તો એકેએક વસ્તુ માટે લડવું પડે છે. જ્યારે અમારા સમુદાયની મહિલાઓ ભેગી થઈને બીડીઓ ઓફિસ અને પંચાયતોની સામે સૂત્રોચ્ચાર કરે છે ત્યારે જ એ લોકો અમારી વાત સાંભળે છે. આ કાયદા અમને ભૂખે મારશે. બિચારપતિઓ અમને ઘેર પાછા જવાનું કહેવાને બદલે આ કાયદા કેમ પાછા નથી ખેંચતા? ”

કોલકાતાની આજુબાજુની નાની ખાનગી કંપનીઓમાંની નોકરી ગુમાવ્યા બાદ  આરતી અને મંજુના પતિ છેલ્લા 10 મહિનાથી ઘેર જ હતા. તેમના બાળકોને ઓનલાઇન અભ્યાસ કરવા સ્માર્ટફોન પોસાતો નથી. મનરેગા યોજના હેઠળ કામની તીવ્ર અછતને કારણે તેમની સમસ્યાઓ વકરી છે. મહામારીને પગલે લદાયેલા લોકડાઉનને કારણે ઘણી મહિલા ખેતમજૂરોને  મહાજન (શાહુકારો) પાસેથી લીધેલી લોન પર નભવા વારો આવ્યો હતો. મંજુએ કહ્યું, "સરકારે ફાળવેલા ચોખા ખાઈને અમે દિવસો કાઢ્યા છે. પરંતુ ગરીબો માટે ફક્ત ચોખા પૂરતા  છે?"

દક્ષિણ 24 પરગણાની રાઈડીઘી ગ્રામપંચાયત હેઠળના રાઈડીઘી ગામના  રહેવાસી અને પશ્ચિમ બંગા ખેતમજૂર સમિતિના સભ્ય 40 વર્ષના નમિતા હાલદારે  કહ્યું, "ગામડાઓમાં  મહિલાઓ એનિમિયાથી પીડાય છે. અમારે જરૂર છે  સારી સરકારી હોસ્પિટલોમાં મફત સારવારની;  મોટા ખાનગી નર્સિંગ હોમ્સ અમને પોસાતા નથી. જો આ કાયદાઓ  પાછા ખેંચવામાં  નહિ આવે તો ખેતીનું પણ એવું જ થશે! જો સરકાર બધું જ મોટી ખાનગી કંપનીઓ માટે ખોલી  દેશે તો ગરીબોને તો ભૂખે મારવા વારો આવશે. કંપનીઓ તો માત્ર નફો કરવાનું જ સમજે છે.  આપણે મરી જઈએ તો પણ તેમને કંઈ પડી નથી. આપણે ઉગાડેલું અનાજ આપણે જ નહિ ખરીદી શકીએ.”

તેમના મતે પણ  વિરોધ સ્થળો પર મહિલાઓ હાજર ન હોવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. તેમણે કહ્યું, "મહિલાઓ તો સંસ્કૃતિની શરૂઆતથી જ ખેતી કરે   છે."

Namita Halder (left) believes that the three laws will very severely impact women farmers, tenant farmers and farm labourers,
PHOTO • Smita Khator
Namita Halder (left) believes that the three laws will very severely impact women farmers, tenant farmers and farm labourers,
PHOTO • Smita Khator

નમિતા હાલદાર  (ડાબે) માને છે કે આ ત્રણેય કાયદા મહિલા ખેડૂતો, ભાગિયા  ખેડૂતો અને ખેતમજૂરોને ખૂબ જ ગંભીર અસર પહોંચાડશે

નમિતા માને છે કે તેમના જેવી મહિલાઓને  - ભાડા પર જમીન લઈને ડાંગર, શાકભાજી અને બીજા પાકની ખેતી કરતી મહિલા ભાગિયા ખેડૂતોને  અને ખેતમજૂરોને - આ ત્રણેય કાયદા ગંભીર અસર પહોંચાડશે. તેમણે પૂછ્યું, "જો અમને અમારી પેદાશ માટે યોગ્ય ભાવ નહિ  મળે, તો અમે નાના બાળકો અને વૃદ્ધ સાસુ-સસરા અને માતા-પિતાને ખવડાવીશું કેવી રીતે ? મોટી કંપનીના માલિકો નાખી દેવાના  ભાવે અમારી પાસેથી પાક ખરીદીને સંઘરો કરશે અને ભાવ નિયંત્રિત કરશે."

જે કાયદાઓ સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એ ત્રણ કાયદાઓ  છે: કૃષિક  (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ  વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ  32 ને નબળી પાડીને  તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.

આ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા ઠરાવોમાં મહિલા ખેડૂતો અને ખેતમજૂરોની વિવિધ માંગણીઓ પ્રતિબિંબિત થઈ હતી. આમાં ત્રણ કૃષિ કાયદાઓને તાત્કાલિક રદ કરવાની માગણી ઉપરાંત મહિલાઓને ખેડૂતનો દરજ્જો આપી કૃષિ ક્ષેત્રે મહિલાઓના યોગદાનને માન્યતા; નેશનલ કમિશન ઓન ફાર્મર્સ (રાષ્ટ્રીય કૃષિ આયોગ  - સ્વામિનાથન કમિશન) ની ભલામણ મુજબ ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) ની બાંયધરીની જોગવાઈનો કાયદો; અને રેશન માટે પીડીએસ (પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ - જાહેર વિતરણ પ્રણાલી) ને મજબૂત બનાવવી જેવી જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દિવસના અંતે દક્ષિણ 24 પરગણાના ભાંગાર બ્લોકમાં મુસ્લિમ ઘરોની મહિલા ખેડૂતો સહિત આશરે 500 મહિલાઓએ લાંબી મશાલ મીછિલ (મશાલ રેલી) કાઢતા અંધકારમય આકાશ નીચે એ સાંજ પ્રકાશિત થઈ ગઈ હતી.

મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના એક નાના શહેરના વતની લાબાની જંગી, હાલ કલકત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશ્યિલ સાયન્સિસમાંથી બંગાળી મજૂરોના સ્થળાંતર પર પીએચડી કરી રહ્યા છે. તેઓ સ્વયં શિક્ષિત ચિત્રકાર છે અને મુસાફરી કરવાનું પસંદ કરે છે.

અનુવાદ - મૈત્રેયી યાજ્ઞિક

Smita Khator

Smita Khator is the Chief Translations Editor, PARIBhasha, the Indian languages programme of People's Archive of Rural India, (PARI). Translation, language and archives have been her areas of work. She writes on women's issues and labour.

Other stories by Smita Khator
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik