15 મી ફેબ્રુઆરી 1885ના રોજ મહાત્મા જોતિરાવ ફુલે દ્વારા શરૂ કરવામાં આવેલી શાળામાં દલિત વિદ્યાર્થીની મુક્તા સાલ્વેએ 'માંગ-મહારાંચ્યા દુઃખાવિષયી' ('માંગ અને મહાર સમુદાયની વ્યથા વિશે') એ શીર્ષક હેઠળ એક નિબંધ લખ્યો હતો. તે એક મરાઠી પખવાડિક જ્ઞાનોદયમાં પ્રકાશિત થયો હતો. આ જલદ નિબંધમાં તેમણે ધર્મના રક્ષકોને પડકાર ફેંક્યો હતો: "એ ધર્મ, જેમાં ફક્ત એક જ વ્યક્તિ વિશેષાધિકૃત છે, અને બાકીના બધા વંચિત છે, તેને પૃથ્વી પરથી અદૃશ્ય થઈ જવા દો અને આવા (ભેદભાવપૂર્ણ) ધર્મ પર અભિમાન લેવાનો વિચાર સરખોય આપણા મગજમાં ન આવવા દો."

મુક્તા સાલ્વેએ જ્યારે પોતાના માંગ સમુદાયના લોકો વિશે લખ્યું હતું ત્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા. તેમનો ઉત્તેજક લેખ બ્રાહ્મણ શાસકો અને સમગ્ર સમાજે દલિતો પર કેવા કેવા અત્યાચાર કર્યા હતા તેની વાત કરે છે. મુક્તા સાલ્વેની જેમ કડુબાઈ ખરાતે આળંદીમાં આધ્યાત્મિક નેતાઓને પડકાર્યા હતા અને આધ્યાત્મિકતા અને ધર્મ પરની ચર્ચામાં તેમને હરાવ્યા હતા. કડુબાઈ સામાન્ય લોકોના દુ:ખ અને સંઘર્ષના ગીતો ગાય છે. તેમના ગીતોમાં ઊંડો અર્થ અને ફિલસૂફી સમાયેલા હોય છે. તેમના ગીતો સમાનતાનું મૂલ્યને સમજાવે છે અને બાબાસાહેબ આંબેડકર પ્રત્યેની તેમની કૃતજ્ઞતા પણ વ્યક્ત કરે છે.

*****

काखेत पोरगं हातात झाडनं डोईवर शेणाची पाटी
कपडा न लत्ता, आरे, खरकटं भत्ता
फजिती होती माय मोठी

माया भीमानं, भीमानं माय सोन्यानं भरली ओटी
मुडक्या झोपडीले होती माय मुडकी ताटी
फाटक्या लुगड्याले होत्या माय सतरा गाठी
पोरगं झालं सायब अन सुना झाल्या सायबीनी
सांगतात ज्ञानाच्या गोष्टी

सांगू सांगू मी केले, केले माय भलते कष्ट
नव्हतं मिळत वं खरकटं आणि उष्टं
असाच घास दिला भीमानं
झकास वाटी ताटी होता

तवा सारंग चा मुळीच पत्ता नव्हता
पूर्वीच्या काळात असंच होतं
बात मायी नाय वं खोटी
माया भीमानं, मया बापानं,
माया भीमानं माय, सोन्यानं भरली ओटी

કાંખમાં હતું છોકરું, ને હાથમાં હતું ઝાડુ,
મારા માથે હતું છાણનું તગારું
કપડા ન લત્તા, બચીકૂચી ભાખરી એ જ મારું ભથ્થું,
જીવન હતું કલંક મોટું

મારા ભીમે, હા, મારા ભીમે જ ભર્યું મારા જીવનને સોને
મારી તૂટેલી ઝૂંપડીનો તૂટેલો ઝાંપો
ફાટેલી સાડીમાં અગણિત ગાંઠો
આજ બન્યા સાહેબ મારા દીકરા ને વહુઓ
શીખવે ડહાપણના મને પાઠો

સહ્યાં ઘણા કષ્ટ, કરી ખૂબ મહેનત,
બચ્યું-કૂચ્યું કે એંઠું-જૂઠુંય ખાધા વિના
પણ મારા ભીમે આવીને અમને જમાડ્યા
ચકચકિત થાળી-વાડકામાંથી

કવિ સારંગ તો ત્યારે હતા જ નહીં
તે દિવસોમાં બધું આવું જ હતું
હું ખોટું નથી કહેતી
મારા ભીમે, મારા પિતાએ, તેમણે જ મારા જીવનને ભર્યું સોને

PHOTO • Courtesy: TISS Tuljapur
PHOTO • Courtesy: TISS Tuljapur

તુળજાપુરની ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ સોશિયલ સાયન્સ (ટીઆઈએસેસ - ટીસ) માં થોડા વર્ષો પહેલા યોજાયેલા ડો. આંબેડકર મેમોરિયલ લેક્ચરમાં કડુબાઈ ખરાત અને તેમનો એકતારો

ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા હજારો ગીતો લખાયા છે અને ગવાયા છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ અમારે મન મહત્ત્વના છે અને એ ગીતો એટલા તો લોકપ્રિય બન્યા છે કે એ લોકોની સામુહિક સ્મૃતિનો ભાગ બની ગયા છે. કડુબાઈનુ ખરાતનું આ ગીત એવું જ એક ગીત છે. તે લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે, લોકોના હૈયે અને હોઠે વસેલું આ ગીત - આંબેડકર પરના સૌથી પ્રખ્યાત ઘેરેઘેર પહોંચેલા ગીતોમાંનું એક છે.

આ ગીત આટલું લોકપ્રિય થવાના ઘણાં કારણો છે. લાગણી વ્યક્ત કરતા અદ્દભૂત શબ્દો, સ્પષ્ટ ઉચ્ચારણો, અનોખા અવાજો અને વાદ્યો અને કડુબાઈ ખરાતનો ખાસ ખરજનો સૂર.  કલર્સ ચેનલ પર જલસા મહારાષ્ટ્રચા અને ઝી ટીવી પર ટીવી શોમાં પ્રસિદ્ધિમાં આવનાર સરળ વ્યક્તિ કડુબાઈને ત્યાં સુધી પહોંચવા માટે જે અંધારી યાત્રા કરવી પડી હતી તેના વિશે આપણે ઝાઝું જાણતા નથી. કડુબાઈનું જીવન તેમના નામના જેવા જ અનુભવોથી ભરેલું છે. (કડુ, જેનો અર્થ મરાઠીમાં કડવું થાય છે, એ મરાઠવાડામાં છોકરીઓ માટેનું એક લોકપ્રિય નામ છે, જે 'ખરાબ નજર' થી બચાવનાર મનાય છે.)

કડુબાઈના પિતા હતા તુકારામ કાંબલે...

માત્ર 16 વર્ષની ઉંમરે લગ્ન થયાના થોડા વર્ષોમાં જ નાનપણથી જ ગરીબીમાં જીવતા કડુબાઈએ હૃદયરોગના હુમલાને કારણે પોતાના પતિને ગુમાવ્યા. જીવનની અને તેમના ત્રણ બાળકો - બે છોકરાઓ અને એક છોકરીની - જવાબદારી બધું જ તેમના માથે આવી ગયું. તેઓ પોતાના પિતાના એકતારા સાથે ઘેર ઘેર જઈ પરંપરાગત ભજન-કીર્તન [ભક્તિ ગીતો] કરતા. વૈદિક સમયમાં ગાર્ગી અને મૈત્રેયી વિદુષીઓ [શિક્ષિત સ્ત્રીઓ] એ ધર્મના ઠેકેદારો સાથે વાદવિવાદ કર્યો હતો. એ જ રીતે કડુબાઈએ એકવાર આળંદી મંદિરના પ્રાંગણમાં આધ્યાત્મિકતાના ઠેકેદારો સાથે દલીલ કરી હતી. તેમણે વિવિધ ભક્તિ ગીતો રજૂ કરવામાં ઘણા વર્ષો વિતાવ્યા, પરંતુ તેનાથી દિવસમાં બે ટંકનું ભોજન પણ માંડ મળી રહેતું. તેથી તેમણે [મહારાષ્ટ્રના] જાલના જીલ્લામાં આવેલું પોતાનું ગામ છોડીને ઔરંગાબાદ રહેવા જવાનું નક્કી કર્યું.

PHOTO • Imaad ul Hasan
PHOTO • Imaad ul Hasan

કડુબાઈએ ઔરંગાબાદ-બીડ બાયપાસ રોડ પાસે ગાયરાન જમીન પર પતરાની નાની ઝૂંપડી બનાવી. જેમણે હવે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે તેવા કડુબાઈ કહે છે કે તેમણે બાબાસાહેબ પાસેથી મળતા પ્રેમ, કરુણા, પ્રેરણા અને ઉર્જાના બળે  દુનિયાનો સામનો કર્યો છે

પણ ઔરંગાબાદમાં રહેવું ક્યાં? તેમણે ઔરંગાબાદ-બીડ બાયપાસ રોડ નજીક ગાયરાન જમીન [સરકારી માલિકીના ચરાઉ મેદાન] પર એક નાનકડી ઝૂંપડી બાંધી અને પાણી અથવા વીજળી જેવી નાગરિક સુવિધાઓ વિના જ ત્યાં રહેવાનું શરૂ કર્યું. તેઓ આજે પણ ત્યાં જ રહે છે. શરૂઆતમાં થોડા સમય માટે મીરા ઉમપે કડુબાઈને પોતાના કલાકાર વૃંદમાં લઈ લીધા. પરંતુ ત્યાંથી મળતા પૈસા ત્રણ બાળકોની સંભાળ રાખવા માટે પૂરતા ન હતા. કડુબાઈ કહે છે, “વરસાદની મોસમ હતી અને લગભગ એક અઠવાડિયાથી સૂર્ય દેખાયો જ ન હતો. હું કોઈ કામ માટે ઘરની બહાર પણ જઈ શકતી ન હતી. ત્રણેય બાળકો ભૂખથી પરેશાન હતા. મેં ઘેર ઘેર જઈને ભજનો ગાયા. એક મહિલાએ કહ્યું, ‘ડૉ. આંબેડકર પર ગીતો ગાઓ. મેં એક ગીત ગાયું અને તેમને મારા ભૂખ્યાં બાળકોની વાત પણ કરી. તેઓ પોતાના રસોડામાં જઈને તેમના પોતાના પરિવાર માટે ખરીદેલું કરિયાણું બહાર લઈ આવ્યા, એ મારે માટે એક મહિનો ચાલે એટલું  હતું. તેઓ મારા બાળકોની ભૂખને સમજ્યા હતા.

“આંબેડકરના ગીતે તેમની ભૂખ ભાંગી. મારું તો આખું જીવન જ બદલાઈ ગયું. મેં ભજન-કીર્તન છોડીને ડૉ. આંબેડકરના ચીંધેલા માર્ગ પર ચાલવાનું શરૂ કર્યું. એ જ માર્ગે ચાલવાનું નક્કી કરીને 2016માં મેં હિંદુ ધર્મ છોડ્યો અને મારી માતંગ જાતિ છોડી. મેં બુદ્ધનો ધમ્મ [બૌદ્ધ ધર્મ] અંગીકાર કર્યો!”

કડુબાઈએ પોતાનો પતિ અને પિતા પણ ગુમાવ્યા. પરંતુ તેમના તમામ સંઘર્ષ દરમિયાન તેમનો એકતારો અને તેમનો મધુર અવાજ તેમની સાથે હતા. પોતાના પિતા અને પતિના મૃત્યુ પછી તેઓ ભાંગી પડ્યા નહોતા.

પોતાનું જીવન ટકાવી રાખવાના સંઘર્ષમાં બે જ વસ્તુઓ કડુબાઈની સાથે હતી: એક તેમનો એકતારો અને બીજો તેમનો અવાજ. બાબાસાહેબ પાસેથી મળતા પ્રેમ, કરુણા, પ્રેરણા અને ઉર્જાના બળે જ તેમણે દુનિયાનો સામનો કર્યો હતો.

ઘેર-ઘેર જઈને ગીતો ગાઈને અને ભિક્ષા માંગવાથી લઈને આજે મહારાષ્ટ્રમાં સેલિબ્રિટી બનવા સુધીની તેમની સફર નોંધપાત્ર છે. આ એકતારાએ 30 વર્ષથી વધુ સમયથી કડુબાઈનો સાથ આપ્યો છે.

વીડિયો જુઓ: ‘બાબાસાહેબના ગીતો ગાઈને મેં મારા છોકરાં ઉછેર્યાં છે’

*****

એકતારાનો સૌથી પહેલો ઐતિહાસિક સંદર્ભ [મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી] અજંતાની ગુફાઓની ગુફા નંબર 17માં જોવા મળે છે. ગુફાની દિવાલો પર આ વાદ્યનું ચિત્ર છે. મહારાષ્ટ્રમાં દરેક જાતિ જૂથનું પોતાની પસંદગીનું કોઈને કોઈ વાદ્ય છે. આ વાદ્યો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વગાડવામાં આવે છે. માંગ સમુદાય હલગી વગાડે છે; દક્કલવાર કિંગરી; ધનગર ગાજી ઢોલ; દેવી યલ્લામાના ભક્તો ચૌંડક; ગોસાવી ડમરુ; અને મહાર સમુદાય ઢોલકી, તુણતુણે અને એકતારો વગાડે છે.

મુંબઈ યુનિવર્સિટીના ઈતિહાસના પ્રાધ્યાપક ડૉ. નારાયણ ભોસલે કહે છે કે ડમરુ વાદ્ય વગાડવાની પરંપરાને કારણે આ ગોસાવી સમુદાય ડમરુ-ગોસાવી તરીકે ઓળખાય છે. માતૃસત્તાક સમાજવ્યયસ્થા વિશે ભજન ગાનાર ભાટ સમુદાય ચારણો છે. તેઓ તુણતુણે અને સંબળ વગાડે છે.

એકતારો અને તુણતુણે દેખાવમાં સરખા જ છે. પરંતુ તેમનો અવાજ, તેમને વગાડવાની રીત અને દરેક વાદ્ય બનાવવાની પ્રક્રિયા અલગ-અલગ છે. એકતારા સાથે ભજન ગાવાની મહાર અને માંગ પરંપરા ઉચ્ચ જાતિઓમાં જોવા મળતી નથી - અથવા ભાગ્યે જ જોવા મળે છે. આ વાદ્યો આ સમુદાયોના સાંસ્કૃતિક જીવનનો અભિન્ન ભાગ છે. આ વાદ્યો સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન અને રોજિંદા જીવનમાં વિવિધ પ્રસંગોએ વગાડવામાં આવે છે.

એકતારા વિષે વાત કરતાં લોકપ્રિય શાહીર સંભાજી ભગત કહે છે: "તેનો અવાજ અને તેના સ્વરો ઉદાસી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ‘ડીંગ નાગ, ડીંગ નાગ…’ એ અવાજ પીડા અભિવ્યક્ત કરે છે. આ સ્વરો ભૈરવીના છે, ભૈરવી એ ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરાનો ઊંડું દુઃખ વ્યક્ત કરતો રાગ છે. જ્યારે તમે એકતારો સાંભળો છો ત્યારે તમને બધી ભૈરવીનો અનુભવ થાય છે. એકતારા સાથે ગવાતા લગભગ તમામ ભજનો ભૈરવીમાં સ્વરબદ્ધ થયેલા છે. તે ભૈરવીથી શરૂ થાય છે અને ભૈરવીમાં જ પૂરા થાય છે.

હિંદુ ધર્મની ભક્તિ પરંપરામાં બે શાખાઓ છે: સગુણ [જ્યાં દેવતાનું સાકાર સ્વરૂપ હોય છે] અને નિર્ગુણ [જ્યાં દેવતાનું કોઈ સાકાર સ્વરૂપ  હોતું નથી].  સગુણ પરંપરામાં દેવતાની મૂર્તિ અને મંદિર કેન્દ્રસ્થાને છે. પરંતુ નિર્ગુણ પરંપરામાં મંદિર કે મૂર્તિનું કોઈ સ્થાન નથી. આ માર્ગના અનુયાયીઓ ભજન ગાય છે. તેમના માટે સંગીત જ પૂજા છે, અને તેઓ તેને લોકો સુધી લઈ જાય છે અને તેમના દેવ-દેવીની પૂજા કરે છે. બૌદ્ધ ધર્મ અપનાવતા પહેલા મહારાષ્ટ્રના મહાર સમુદાયના લોકો કબીર અને ધગોજી-મેઘોજીના અનુયાયીઓ હતા.

आकाश पांघरुनी
जग शांत झोपलेले
घेऊन एकतारी
गातो कबीर दोहे

આકાશ ઓઢીને
દુનિયા શાંતિથી ઊંઘી ગઈ છે
એકતારા સાથે
કબીર તેમના દોહા ગાય છે

કબીરના તમામ ભજનો એકતારા પર વગાડવામાં આવ્યા હતા. તેમના શ્રમ અને જીવનના અનુભવો, તેમની ફિલસૂફી અને વિશ્વ દૃષ્ટિ આ ગીતોમાં જોવા મળે છે.

વીડિયો જુઓ: 'તમે એકતારા સાથે કોઈપણ ગીત ગાઈ શકો છો'

દલિતો અને છેવાડાના લોકો માટે કબીર એ આધ્યાત્મિક અને સાંગીતિક પ્રેરણા છે. વિચરતા સમુદાયો અને હાથમાં એકતારો લઈ ઠેકઠેકાણે ફરતા રહેતા ગાયકોએ   તેમનો સંદેશ દેશભરમાં ફેલાવ્યો છે. કબીર વિદ્વાન પુરુષોત્તમ અગ્રવાલ કહે છે કે કબીરનો પ્રભાવ હિન્દીભાષી પ્રદેશો અને પંજાબ પૂરતો મર્યાદિત ન હતો. કબીર(ના   વિચારો) ઓડિયા અને તેલુગુ બોલતા વિસ્તારો અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ પહોંચી ગયા હતા.

1956 પહેલા મહાર અને બીજી જાતિઓ કે જે મહારાષ્ટ્રમાં અને તેની સરહદો પાર આંધ્ર, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં 'અસ્પૃશ્ય' ગણાતી હતી તે તમામ કબીરના અનુયાયીઓ હતા. તેઓ કબીરપંથી હતા. મહારાષ્ટ્રના વિદ્વાન સંત તુકારામ પણ કબીરથી પ્રભાવિત હતા. કબીર અને કબીરપંથી પરંપરાના પ્રભાવથી આ સમુદાયોમાં એકતારો આવ્યો હશે એવું માનવામાં આવે છે.

દલિત પરિવારો, ખાસ કરીને મહાર અને બીજા ઐતિહાસિક રીતે અસ્પૃશ્ય સમુદાયો, એકતારા સાથે ગાવાની પ્રથાને અનુસરે છે. આ વાદ્ય આજે પણ ઉપયોગમાં છે. આ પરિવારમાં મૃત્યુ થાય છે ત્યારે તેઓ એકતારા પર ભજન ગાય છે. મહાર સમુદાયે કબીરની ફિલસૂફીના સિદ્ધાંતો સમજાવતા ભજનો ગાયા હતા. જીવનનું સાફલ્ય, તેની અભિવ્યક્તિ, સારા કામોનું મહત્વ અને મૃત્યુની નિશ્ચિતતા એ કબીરના વિશ્વ દૃષ્ટિકોણનો આધાર છે, જે તેમણે તેમના દોહા અને ભજનો દ્વારા સમજાવ્યો હતો. કડુબાઈને કબીર, નાથ અને [ભક્તિ યુગના] વારકરી સંપ્રદાયના સેંકડો ગીતો આવડે છે.

કડુબાઈ કબીરનું 'ગગન મેં આગ લગી હૈ ભારી' ('આકાશમાં ભારે મોટી આગ ફાટી નીકળી છે')
અને તુકારામનો એક અભંગ ગાય છે:

विठ्ठला तुझे धन अपार
करीन नामाचा या गजर
धन चोरला दिसत नाही

डोळे असून ही शोधत राही

હે વિઠ્ઠલ, તારા નામની સંપત્તિ અપાર છે
હું તારા નામનો જપ કરીશ!
છતી આંખે ચોર આ સંપત્તિ જોઈ શકતો નથી
એ તેને શોધતો જ રહે છે

કડુબાઈ જેવા ઘણા લોકોએ આવી રચનાઓ ગાઈ હોવા છતાં ડૉ. આંબેડકરની સામાજિક ન્યાય ચળવળના વધતા પ્રભાવને કારણે તેઓ બીજા ગીતો ગાવા તરફ વળ્યા હતા.

એકતારો લઈને કબીરના ભજનોને ઠેકઠેકાણે પહોંચાડનાર મધ્ય પ્રદેશના પ્રખ્યાત ગાયક પ્રહલાદ સિંહ ટિપનિયા બલાઈ જ્ઞાતિ સમૂહના છે. આ સમુદાયની (સામાજિક) સ્થિતિ મહારાષ્ટ્રના મહાર સમુદાય જેવી જ છે. બલાઈ સમુદાયના લોકો મધ્ય પ્રદેશના બુરહાનપુર, માલવા અને ખંડવા પ્રદેશોમાં અને મહારાષ્ટ્રની સરહદ પર સ્થાયી થયેલા છે. જ્યારે ડૉ. આંબેડકરે દલિતો પર થતા જાતિય અત્યાચારોની વિસ્તૃત છણાવટ કરી ત્યારે તેમણે બલાઈ સમુદાયના ઉદાહરણો ટાંક્યા હતા. જો આપણે ગામડાઓના મહેસૂલ દસ્તાવેજોની તપાસ કરીએ તો આપણને જાણવા મળે છે કે લગભગ સો વર્ષ પહેલાં ગામ દ્વારા તેના રહેવાસીઓની રક્ષા કરવા, જમીનની માપણીમાં મદદ કરવા અને સંબંધીઓને મૃત્યુની સૂચનાઓ પહોંચાડવા માટે મહારોને નિયુક્ત કરવામાં આવ્યા હતા. સમાજમાં આ તેમની ભૂમિકા હતી. મધ્ય પ્રદેશમાં બલાઈ સમુદાયને આ જ કામો સોંપવામાં આવ્યા હતા - ગ્રામ રક્ષકને બલાઈ કહેવામાં આવતા હતા. અંગ્રેજોના સમયમાં આ જ જાતિનું નામ મહાર હતું. તો પછી આ પરિવર્તન થયું શી રીતે? ખંડવા અને બુરહાનપુરમાં બ્રિટિશ વહીવટીતંત્રના ધ્યાન પર આવ્યું હતું કે મધ્ય પ્રદેશના બલાઈ અને મહારાષ્ટ્રના મહાર સમાન હતા - તેમની જીવનશૈલી, રીતરિવાજો, સામાજિક પ્રથાઓ અને કામો પણ સમાન હતા. અને તેથી મહાર જાતિના લોકોને મધ્ય પ્રદેશમાં બલાઈ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. 1942-43માં ફરીથી દસ્તાવેજોમાં તેમની જાતિ મહાર તરીકે નોંધવામાં આવી હતી. આ છે બલાઈ સમુદાયનો ઈતિહાસ.

*****

PHOTO • Imaad ul Hasan

કડુબાઈ આજે મહારાષ્ટ્રમાં એક સેલિબ્રિટી બની ગયા છે. 30 વર્ષથીય વધુ સમયથી આ એકતારો તેમનો સાથી છે

પ્રહલાદ સિંહ ટિપનિયા અને [ કબીર પ્રોજેક્ટના ] શબનમ વિરમાણી જ્યારે કબીરના ભજનો ગાય છે ત્યારે એકતારા સાથે ગાય છે.

આ એકતારો વાદ્ય દેશના ઘણા ભાગોમાં - ભજન ગાયકો અને ઠેકઠેકાણે ફરતા રહેતા કલાકારો પાસે - જોવા મળે છે. લગભગ 100-120 સેન્ટિમીટર લાંબા એકતારાના ઘણા નામ છે. કર્ણાટકમાં તેને એકનાદ કહેવામાં આવે છે; પંજાબમાં, તુંબી; બંગાળમાં બાઉલ; અને નાગાલેન્ડમાં તાતી. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં તેને બુર્રા વીણા કહેવામાં આવે છે. છત્તીસગઢના આદિવાસીઓ તેમના નાચગાનમાં એકતારાનો ઉપયોગ કરે છે.

એકતરામાં ચપટા, કાણું પાડેલા અને સૂકા કોળાનો ઉપયોગ અનુનાદક (રેઝોનેટર) તરીકે થાય છે. ચામડાનો ટુકડો રેઝોનેટરના સાંકડા મોંને આવરી લે છે. રેઝોનેટરમાં પોલા વેલુ [એક જાતનો વાંસ] નાખવામાં આવે છે. નીચલો છેડો કોળામાંથી બહાર આવે છે અને તેની સાથે એક તાર જોડવામાં આવે છે. તારને પુલ પર મૂકીને વેલુના બીજા છેડે એક ખીંટી સાથે બાંધવામાં આવે છે. તારને પહેલી અથવા બીજી આંગળી વડે ખેંચવામાં આવે છે.

એકતારાની ડિઝાઈન અને તેને બનાવવાની પ્રક્રિયા બીજા તંતુવાદ્યો કરતાં સરળ છે. કોળું, લાકડું, વાંસ અને દોરી સરળતાથી મળી જાય છે. કોળું શ્રેષ્ઠ રેઝોનેટર મનાય   છે. આફ્રિકન વાદ્યોમાં પણ તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. એકતારો બેઝ નોટ અને મૂળભૂત લય પણ આપે છે. ગાયક તેમનો સૂર મેળવી શકે છે, અને ગીતને અવાજ અનુસાર ગતિ આપી શકે છે. તે એક પ્રાચીન સ્વદેશી વાદ્ય છે. શરૂઆતમાં આ તાર પણ ચામડાના બનેલા રહેતા, પ્રાણીઓની ખાલના આંતરિક સ્તરમાંથી તાર બનાવાતા. કર્ણાટકમાં યલ્લમ્માની પૂજામાં હજી આજે પણ ચામડાના તારવાળો એકતારો વગાડવામાં આવે છે. તેને ઝુમ્બરુક કહેવામાં આવે છે. તેથી આપણે કહી શકીએ કે ચામડાની ડિસ્ક પર ચામડાના તારથી પડઘો પડ્યો ત્યારે પહેલો સ્વર અને પહેલો લય ઉત્પન્ન થયો હતો. અને એ હતું પહેલું સંગીત વાદ્ય. ખેતીપ્રધાન સમાજમાં ધાતુની શોધ થયા પછી ધાતુના તારનો ઉપયોગ થવા લાગ્યો. સમગ્ર વિશ્વમાં એક જ તારવાળા ઘણા તંતુવાદ્યોની શોધ થઈ હતી અને તે વગાડવામાં આવતા હતા. શેરી સંગીતકારો અને વિચરતા લોકો દ્વારા બનાવેલા અને વગાડવામાં આવતાં વાદ્યો તેમની જીવનશૈલી સાથે પણ ગાઢ રીતે સંકળાયેલા હતા.

ભારતમાં ભક્તિ ચળવળના સંતો અને કવિઓ એકતારાનો વ્યાપકપણે ઉપયોગ કરતા હતા એવું મનાય છે. પરંતુ ઐતિહાસિક રીતે આ સંપૂર્ણ સાચું નથી. કબીર, મીરાબાઈ અને કેટલાક સૂફી સંતોએ ગાતી વખતે એકતારાનો ઉપયોગ કર્યો હતો એવું જોવા મળે છે, પરંતુ મહારાષ્ટ્રમાં નામદેવથી લઈને તુકારામ સુધીના ઘણા સંતકવિઓએ ટાળ (ઝાંઝ), ચિપળી (કરતાલ) અને મૃદંગ (ઢોલક)નો ઉપયોગ કર્યો છે. ઘણા ચિત્રો અને તસ્વીરોમાં સંતોના હાથમાં વીણા બતાવવામાં આવી છે.

મરાઠી વિશ્વકોશ કહે છે: “વીણા એ ભારતીય સંગીતમાં વપરાતું એક પ્રાચીન તંતુવાદ્ય છે. વૈદિક મંત્રોચ્ચાર કરતી વખતે સ્વરો ગણવા માટે તેનો ઉપયોગ થતો હતો. નામદેવ અને તુકારામ જેવા સંતોની તસવીરોમાં આપણને તે જોવા મળે છે તેમ છતાં તુકારામ દ્વારા લખાયેલા કોઈપણ અભંગમાં તેનો સંદર્ભ જોવા મળતો નથી. પરંતુ આપણને ટાળ, ચિપળી અને મૃદંગ જેવા બીજા વાદ્યોના ઘણા સંદર્ભો મળે છે.

આપણે કહી શકીએ કે વીણા ધારણ કરેલ તુકારામની છબી એ આ સંતનું બ્રાહ્મણવાદી સ્વરૂપ હોઈ શકે છે.

વીડિયો જુઓ: 'વામનદાદાની પ્રતિભાને કોઈ ન પહોંચી શકે'

લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બનેલા પાસાઓને હંમેશા બ્રાહ્મણવાદી વિચારમાં સમાવી લેવામાં આવ્યા છે. દેવતાઓ, સાંસ્કૃતિક પ્રથાઓ અને જનતાની અન્ય સંવેદનાઓની મૂળ વિશેષતાઓ અને લક્ષણોને બદલીને બ્રાહ્મણવાદી પરંપરા હેઠળ તેમનો દાવો કરવામાં આવ્યો છે. જેમ જેમ અંગ્રેજો વિજય મેળવી ભારતની જમીન પર કબજો મેળવતા ગયા તેમ તેમ પેશવાઓના પતન પછી બ્રાહ્મણવાદી રાજ તેની સત્તા ગુમાવી બેઠું. સમાજમાં ગુમાવેલા સ્થાનની કમી પૂરી કરવા બ્રાહ્મણોએ સાંસ્કૃતિક ક્ષેત્રમાં તેમનું રાજ સ્થાપિત કર્યું. અને તે પ્રક્રિયામાં શ્રમજીવી વર્ગોનાં ઘણા કલા સ્વરૂપો અને સંગીતનાં વાદ્યોનું આ ઉભરતા સાંસ્કૃતિક શક્તિ-કેન્દ્રો દ્વારા બ્રાહ્મણીકરણ કરવામાં આવ્યું હતું.

શ્રમજીવી વર્ગે આ કળાઓ અને વાદ્યો પરની તેમની માલિકી અને ન્યાયોચિત નિયંત્રણ ગુમાવ્યાં, અને છેવટે જે લોકોએ એ કલાઓ અને વાદ્યો વિકસાવ્યા હતા તે જ લોકો કલા અને સંગીતના ક્ષેત્રથી દૂર થઈ ગયા.

મૃદંગ, વારકરી પરંપરામાં વપરાતું ઢોલક એ ચામડામાંથી બનેલું દ્રવિડિયન વાદ્ય છે અને દક્ષિણ ભારતમાં અસ્પૃશ્યો દ્વારા બનાવવામાં આવે છે. બીજી બાજુ, વીણા ભાગવત પરંપરાથી સંબંધિત છે, જે ઉત્તર ભારતમાં વધુ અનુસરવામાં આવે છે. શક્ય છે કે આ જૂથોએ વારકરી સંપ્રદાયમાં વીણાનો દાખલ કરી હોય. એકતારો, સંબળ, ટિમકી, તુણતુણ અને કિંગરી એ ભારતના વંચિત અને દલિત સમુદાયો દ્વારા બનાવવામાં આવેલ વાદ્યો છે. જ્યારે વીણા, સંતૂર અને સારંગી – શાસ્ત્રીય સંગીતમાં વપરાતા સાધનો – પર્શિયામાં ઉદ્દભવ્યા હતા અને સિલ્ક રૂટથી ભારતમાં આવ્યા હતા. સૌથી પ્રખ્યાત વીણા વાદકો પાકિસ્તાનમાં છે, અને ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા ત્યાં સલામત હાથમાં છે. પાકિસ્તાનના ક્વેટામાં વીણા અને સંતૂર જેવા વાદ્યો બનાવતા હોય એવા ઘણા કલાકારો છે, આ વાદ્યોનો ઉપયોગ મુખ્યત્વે બ્રાહ્મણીય શાસ્ત્રીય સંગીતમાં થાય છે. ભારતમાં કાનપુર, અજમેર અને મિરાજમાં મુસ્લિમ કારીગરો એ બનાવે છે.

આપણા દેશમાં મૂળે દલિતો અને છેવાડાના સમુદાયોએ ચામડાનાં વાદ્યો અને અનેક તંતુવાદ્યો બનાવ્યા હતા. સંગીત અને કલાની બ્રાહ્મણવાદી પરંપરાઓ સામે  આ તેમના સાંસ્કૃતિક વિકલ્પો હતા. બ્રાહ્મણો સાંસ્કૃતિક જીવન પર આધિપત્ય જમાવવા માટે શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો ઉપયોગ કરતા હતા.

*****

એકતારાના અવાજ સાથે કડુબાઈના ગીતો સુંદર લાગે છે. આ વાદ્ય તેમના ગાયનની સ્પષ્ટતા અને ભાવનાત્મક ઊંડાણને બહાર લાવે છે.

વિલાસ ઘોગરે, પ્રહલાદ શિંદે, વિષ્ણુ શિંદે અને કડુબાઈ ખરાત જેવા આંબેડકરી શાહિરો 'આવો, આ વાર્તા સાંભળો,' એમ ગાતાં ગાતાં શેરીઓમાં ફર્યા છે અને ઘેર-ઘેર જઈને તેમણે તેમના એકતારા પર આંબેડકરી ગીતો ગાયા છે. સમગ્ર વિશ્વમાં વિચરતા લોકોનું વાદ્ય એકતારો હંમેશા ફરતો રહ્યો છે.

વીડિયો જુઓ: ‘મેં અંધશ્રદ્ધામાંથી છૂટકારો મેળવ્યો છે’

જેમ એકતારો અસ્પૃશ્યોના સંગીત જગતનું અભિન્ન અંગ છે તેમ તેમની આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં પણ એ ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો ગયો અને નવા વાદ્યો ઉમેરાતાં ગયાં તેમ તેમ લોક પરંપરાઓ અને એકતારા જેવા લોકવાદ્યોનું સ્થાન નવા વાદ્યોએ લીધું. હાથમાં એકતારો લઈને પ્રસ્તુતિ કરનાર કડુબાઈ એ કદાચ છેલ્લા કલાકાર હશે. તાજેતરના સમયમાં આંબેડકરી ગાયકોમાં આ એકતારો છોડીને બ્રાહ્મણવાદી અને આધુનિક સંગીતનો ઉપયોગ વધ્યો છે.

આંબેડકર પરના નવા ગીતો લોકપ્રિય મરાઠી ગીતોની ધૂન પર સ્વરબદ્ધ કરવામાં આવી રહ્યા છે જેમ કે ‘વાટ માઝી બઘતોય રિક્ષાવાલા’ [‘રિક્ષાવાળો મારી રાહ જોઈ રહ્યો છે’]. એવું નથી કે આધુનિક સંગીત કે વાદ્યોનો ઉપયોગ ન કરવો જોઈએ, પણ શું તમારી શૈલી આ વાદ્ય સાથે મેળ ખાય છે ખરી? શું તમારો સંદેશની ધારી અસર થાય છે? શું તે લોકો સુધી પહોંચે છે? શું જે ગવાય છે તેનો અર્થ એ વ્યક્ત કરે છે? હકીકતમાં મુદ્દો આ છે. માનવ સમાજ દ્વારા આધુનિક વાદ્યો બનાવવામાં આવે છે, અને તેનો ઉપયોગ આપણા સંગીતને વિકસાવવા માટે થવો જોઈએ. પરંતુ આંબેડકરી ગીતો ફિલ્મી ધૂન પર સ્વરબદ્ધ થઈ રહ્યા છે. એ કોલાહલવાળા, ઘોંઘાટિયા અને કાનમાં વાગે એવા છે. એ કર્કશ બની ગયા છે. એ ગીતોમાં હવે ભાટઈ અને ઓળખના દાવા સિવાય આંબેડકરની કોઈ ઊંડી ફિલસૂફી નથી. જાગૃતિ અને ફિલસૂફીની સમજ વિનાના પ્રયોગો લોકોને માત્ર નચાવી શકશે. તે લાંબા સમય સુધી ટકી શકતા નથી, લોકો સુધી પહોંચતા નથી અને લોકોની સામૂહિક સ્મૃતિનો ભાગ બનતા નથી.

કડુબાઈનો અવાજ એ હજારો વર્ષની ગુલામી સામેનો અવાજ છે. તેઓ અત્યંત ગરીબી અને પ્રતિકૂળતામાંથી આગળ આવેલ એક લોક ગાયિકા છે. તેમના ગીતો આપણને જાતિ અને ધર્મ અને અસ્પૃશ્યતા અને ગુલામીની ક્રૂરતા અને અમાનવીયતા વિષેનો અહેસાસ કરાવે છે. તેમના એકતારામાં તેઓ તેમના પરિવાર અને સમુદાયનો સમૃદ્ધ વારસો સાથે લઈને ચાલે છે. તેમના એકતારા પરના ગીતો આપણા હૃદયને સ્પર્શી જાય છે.

मह्या भिमाने माय सोन्याने भरली ओटी
किंवा
माझ्या भीमाच्या नावाचं
कुंकू लावील रमाने
अशी मधुर, मंजुळ वाणी
माझ्या रमाईची कहाणी

મારા ભીમે ભર્યું મારા જીવનને સોને
અથવા
મારા ભીમના નામે
રામે કુંકુ [સિંદૂર] પૂર્યું
કેવી મધુર અને સુરીલી વાણી
આ છે મારી રમાઈની કહાણી

આ ગીત દ્વારા સામાન્ય માણસ આંબેડકરની ફિલસૂફીને સરળતાથી સમજી શકે છે. આ ગીત આંબેડકર પ્રત્યેની કૃતજ્ઞતા, જીવનના રોજિંદા સંઘર્ષો અને વેદનાઓ, ઊંડી આધ્યાત્મિકતા... અને જીવનની ઊંડી સમજણ પણ વ્યક્ત કરે છે. માત્ર થોડા જ લોકોએ ઠેકઠેકાણે ફરતા રહીને તેમના અવાજનો ઉપયોગ કરીને વ્યવસ્થા વિરુદ્ધ સંઘર્ષ કર્યો છે. એક તરફ તેઓ સામાજિક વ્યવસ્થાનો વિરોધ કરે છે, અને બીજી તરફ તેમના અવાજ અને વાદ્યો આપણા ઈતિહાસની સ્મૃતિ દ્વારા જીવંત રાખે છે. કડુબાઈ તેમાંના એક છે.

આ વાર્તા મૂળ મરાઠીમાં લખાઈ હતી.

આ મલ્ટીમીડિયા ફીચર એ ‘ઈન્ફ્લુન્શિયલ શાહિર્સ, નેરેટિવ્સ ફ્રોમ મરાઠવાડા’ નામના સંગ્રહનો એક ભાગ છે, આ યોજના ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટસ દ્વારા તેમના આર્કાઈવ્સ એન્ડ મ્યુઝિયમ્સ પ્રોગ્રામ હેઠળ પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઈન્ડિયાના સહયોગથી અમલમાં મૂકવામાં આવી છે. ગોથે-ઇન્સ્ટીટ્યુટ/મેક્સ મુલર ભવન નવી દિલ્હીના આંશિક સહયોગથી આ શક્ય બન્યું છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Keshav Waghmare

Keshav Waghmare is a writer and researcher based in Pune, Maharashtra. He is a founder member of the Dalit Adivasi Adhikar Andolan (DAAA), formed in 2012, and has been documenting the Marathwada communities for several years.

Other stories by Keshav Waghmare
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Editor : Vinutha Mallya

Vinutha Mallya is a journalist and editor. She was formerly Editorial Chief at People's Archive of Rural India.

Other stories by Vinutha Mallya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik