દાદુ સાલ્વે અમને કહે છે, “કોઈને કહો આ ગીતો મોટેથી વાંચી સંભળાવે, પછી હું તમારે માટે એ ગીતો ફરીથી સ્વરબદ્ધ કરીને ગાઈશ.”

જીવનના સિત્તેરમા દાયકામાં પહોંચેલા દાદુ સાલ્વે વૃદ્ધ થઈ ગયા હોવા છતાં હજી આજે પણ આંબેડકરવાદી ચળવળના પ્રતિબદ્ધ સૈનિક તરીકે અસમાનતા સામે લડવા અને નિર્ણાયક સામાજિક પરિવર્તન લાવવા માટે પોતાનો અવાજ આપવા અને હાર્મોનિયમ વગાડવા તૈયાર છે.

અહમદનગર શહેરમાં તેમના એક ઓરડાના મકાનમાં અમારી સામે ખૂલે છે આંબેડકરને અપાયેલી સંગીતમય આદરાંજલિનો શરુઆતથી માંડીને આજ સુધીનો ઈતિહાસ. તેમના ગુરુ સુપ્રસિદ્ધ ભીમ શાહીર વામનદાદા કરડકનો એક ફ્રેમમાં મઢેલો ફોટો દિવાલમાંની એક અલમારીને શોભાવે છે, આ અલમારીમાં છે તેમના વિશ્વાસુ સાથીઓ: તેમના હાર્મોનિયમ, તબલા અને ઢોલકી.

દાદુ સાલ્વે નિરાંતે બેસીને છ દાયકાથી વધુ સમયથી ભીમ ગીતો ગાવાની તેમની સફરનું વર્ણન કરવા માટે તૈયાર થાય છે.

સાલ્વેનો જન્મ 9 મી જાન્યુઆરી, 1952 ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર નગર (જેને અહમેદનગર પણ કહેવાય છે) જિલ્લાના નાલેગાંવ (જે ગૌતમનગર તરીકે પણ ઓળખાય છે) માં થયો હતો. તેમના પિતા નાના યાદવ સાલ્વે સૈન્યમાં ફરજ બજાવતા હતા અને માતા તુલસાબાઈ ઘર સંભાળતા હતા અને દાડિયા મજૂરીએ જતા હતા.

In Dadu Salve's home in Ahmednagar is a framed photo of his guru, the legendary Bhim Shahir Wamandada Kardak , and his musical instruments: a harmonium, tabla and dholaki.
PHOTO • Amandeep Singh
Salve was born in Nalegaon in Ahmadnagar district of Maharashtra
PHOTO • Raitesh Ghate

ડાબે: અહમદનગરમાં દાદુ સાલ્વેના ઘરમાં તેમના ગુરુ, સુપ્રસિદ્ધ ભીમ શાહીર વામનદાદા કરડકનો તેમના હાર્મોનિયમ, તબલા અને ઢોલકીની સાથેનો ફ્રેમ કરેલ ફોટો છે જમણે: સાલ્વેનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર નગર જિલ્લામાં નાલેગાંવ (જે ગૌતમનગર તરીકે પણ ઓળખાય છે)માં થયો હતો

બ્રિટિશ સૈન્યમાં ફરજ બજાવતા તેમના પિતા જેવા પુરુષો દલિત માનસમાં પરિવર્તન લાવવા માટે નિમિત્ત બન્યા હતા. સુરક્ષિત વેતન અને યોગ્ય ભોજન સાથેની સ્થિર નોકરીએ તેમને ઔપચારિક શિક્ષણની પહોંચ પણ આપી, આ શિક્ષણને કારણે તેઓ વિશ્વને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈ શક્યા શિક્ષણને કારણે તેમનો દૃષ્ટિકોણ બદલાયો, અને તેઓ જુલમ સામે લડવા અને તેનો પ્રતિકાર કરવા વધુ સારી રીતે સજ્જ થયા અને પ્રેરિત થયા.

દાદુના પિતા સૈન્યમાંથી નિવૃત્ત થઈને ટપાલી તરીકે ભારતીય ટપાલ સેવામાં જોડાયા. તે દિવસોમાં ચરમસીમાએ રહેલી આંબેડકરવાદી ચળવળમાં તેઓ ખૂબ સક્રિય હતા. પિતા આ ચળવળ સાથે સંકળાયેલા હોવાને કારણે દાદુ અંદરથી આ ચળવળને મહેસૂસ કરી શકતા હતા અને એને ધ્યાનથી જોઈ શકતા હતા.

તેમના માતા-પિતા ઉપરાંત, દાદુ પરિવારમાં એક વધુ વ્યક્તિથી પ્રભાવિત હતા, તેમના દાદા, યાદવ સાલ્વેથી, જેઓ કડુબાબા તરીકે જાણીતા હતા.

તેઓ અમને લાંબી દાઢીવાળા એક વૃદ્ધ માણસની વાર્તા કહે છે જેમને એક વિદેશી સંશોધકે પૂછ્યું હતું, "તમે આટલી લાંબી દાઢી કેમ ઉગાડો છો?" 80 વર્ષના એ વૃદ્ધ રડવા લાગ્યા; પછીથી શાંત થયા અને એ સંશોધકને પોતાની વાર્તા કહી.

“બાબાસાહેબ આંબેડકર અહમદનગર જિલ્લાની મુલાકાતે હતા. મેં તેમને વિનંતી કરી કે અમારા ગામ હરેગાંવની મુલાકાત લો, ત્યાં લોકોની મોટી ભીડ આતુરતાથી તેમને મળવાની રાહ જોઈ રહી હતી.” પરંતુ બાબાસાહેબ પાસે સમય નહોતો અને તેથી તેમણે એ વૃદ્ધને વચન આપ્યું કે તેઓ બીજી વાર તેમના ગામની મુલાકાત લેશે. એ વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી કે બાબાસાહેબ જ્યારે તેમના ગામની મુલાકાતે આવશે ત્યારે જ તેઓ દાઢી કરશે.

તેમણે ઘણા વર્ષો રાહ જોઈ; તેમની દાઢી વધતી રહી. 1956માં બાબાસાહેબનું નિધન થયું. વૃદ્ધે કહ્યું, “દાઢી વધતી જ રહી. હું મરું ત્યાં સુધી આવી જ રહેશે." એ સંશોધક હતા એલેનોર ઝેલિયટ, આંબેડકરવાદી ચળવળના જાણીતા વિદ્વાન અને એ વૃદ્ધ હતા કાદુબાબા, દાદુ સાલ્વેના દાદા.

*****

દાદુ માત્ર પાંચ દિવસના હતા ત્યારે તેમણે તેમની આંખોની રોશની ગુમાવી દીધી હતી. કોઈકે બંને આંખોમાં ટીપાં નાખ્યા જેનાથી તેમની દૃષ્ટિને ગંભીર નુકસાન થયું. કોઈ સારવાર કામ ન લાગી અને તેઓ ફરી ક્યારેય જોઈ શક્યા નહીં. તેમની દુનિયા ઘરની ચાર દીવાલોમાં જ સમાઈ ગઈ, શાળાકીય શિક્ષણનો સવાલ જ નહોતો.

તેઓ તેમના પડોશમાં એકતારા સાથે ભજન ગાતા ગાયકો સાથે જોડાયા, તેઓ લાકડા, ચામડા અને ધાતુનું બનેલું થાપ આપીને વગાડવાનું એક વાદ્ય દીમડી વગાડતા હતા.

દાદુ યાદ કરે છે, “મને યાદ છે કે કોઈએ આવીને જાહેરાત કરી કે બાબાસાહેબનું નિધન થયું છે. હું જાણતો ન હતો કે તેઓ કોણ છે પરંતુ જ્યારે મેં લોકોને રડતા સાંભળ્યા ત્યારે હું સમજી ગયો કે તેઓ કોઈ મહાન વ્યક્તિ હશે."

'હું પાંચ દિવસનો હતો ત્યારે મેં મારી દૃષ્ટિ ગુમાવી ' માં દાદુ સાલ્વેને તેમના જીવન વિશે વાત કરે છે

બાબાસાહેબ દીક્ષિત અહમદનગરમાં દત્ત ગાયન મંદિર નામની સંગીત શાળા ચલાવતા હતા, પરંતુ તેની ફી દાદુને પરવડે તેમ ન હતું. તે વખતે રિપબ્લિકન પાર્ટીના ધારાસભ્ય આર.ડી.પવારે આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી અને દાદુ એ સંગીત શાળામાં દાખલ થઈ શક્યા. પવારે તેમને એકદમ નવું હાર્મોનિયમ પણ ખરીદી આપ્યું અને 1971માં દાદુએ સંગીત વિશારદની પરીક્ષા પાસ કરી.

તે પછી તેઓ એ સમયના પ્રખ્યાત કવ્વાલી સંગીતકાર મેહમૂદ કવ્વાલ નિઝામી સાથે જોડાયા. દાદુએ તેમના કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યું, દાદુની આવકનો એ એકમાત્ર સ્ત્રોત હતો. તે પછી તેઓ બીજા જૂથ - કલા પાઠક - માં જોડાયા, સંગમનેરના કોમરેડ દત્તા દેશમુખે આ જૂથ શરૂ કર્યું હતું. તેમણે બીજા કોમરેડ ભાસ્કર જાધવ દ્વારા નિર્દેશિત નાટક વાસુદેવચા દૌરા માટે પણ ગીતો સ્વરબધ્ધ કર્યા હતા.

દાદુ લોક-કવિ અથવા લોકોના કવિ તરીકે જાણીતા કેશવ સુખા આહેરને પણ સાંભળતા. આહેર નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ પરના પ્રતિબંધ સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના જૂથની સાથે હતા. તેમણે તેમના ગીતો દ્વારા આંબેડકરની ચળવળને ટેકો આપ્યો હતો અને જ્યારે આહેરે ભીમરાવ કરડકના જલસા સાંભળ્યા ત્યારે તેઓ થોડા ગીતો લખવા પ્રેરાયા હતા.

પછીથી આહેર પોતાનો બધો જ સમય જલસા માટે અને તેમના ગીતો દ્વારા દલિતોમાં જાગૃતિ લાવવા માટે સમર્પિત કરતા હતા.

1952 માં આંબેડકર અનુસૂચિત જાતિ ફેડરેશનના ઉમેદવાર તરીકે મુંબઈથી સામાન્ય ચૂંટણી લડ્યા હતા. આહેરે ‘નવ ભારત જલસા મંડળ’ શરૂ કર્યું, જલસા માટે નવા ગીતો લખ્યા અને ડૉ. આંબેડકર માટે પ્રચાર કર્યો. દાદુ સાલ્વેએ આ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમો સાંભળ્યા.

દેશને આઝાદી મળી તે અરસામાં અહમદનગર ડાબેરી ચળવળનો ગઢ હતું. દાદુ સાલ્વે કહે છે, “ઘણા નેતાઓ અવારનવાર અમારે ઘેર આવતા અને મારા પિતા તેમની સાથે કામ કરતા. તે સમયગાળામાં દાદાસાહેબ રૂપાવતે, આર.ડી. પવાર જેવા લોકો આંબેડકરવાદી ચળવળમાં ખૂબ સક્રિય હતા. તેઓએ અહેમદનગરમાં આ ચળવળનું નેતૃત્વ કર્યું હતું.

Madhavrao Gaikwad and his wife Sumitra collect material around Wamandada Kardak. The couple  have collected more than 5,000 songs written by hand by Wamandada himself. Madhavrao is the one who took Dadu Salve to meet Wamandada
PHOTO • Amandeep Singh

માધવરાવ ગાયકવાડ અને તેમના પત્ની સુમિત્રા વામનદાદા કરડકના કામ સંબંધિત સામગ્રી એકત્ર કરે છે. આ દંપતીએ વામનદાદાએ જાતે લખેલા 5000 થી વધુ ગીતો એકત્ર કર્યા છે. માધવરાવ જ દાદુ સાલ્વેને વામનદાદાને મળવા લઈ ગયા હતા

દાદુ જાહેર સભાઓમાં પણ હાજરી આપતા અને બી.સી. કાંબલે અને દાદાસાહેબ રૂપાવતેના ભાષણો સાંભળતા. પાછળથી આ બંને દિગ્ગજોમાં મતભેદો થતા આંબેડકરવાદી ચળવળમાં બે જૂથો ઊભા થયા. આ રાજકીય ઘટનાથી પ્રેરાઈને ઘણા ગીતો રચાયા. દાદુ કહે છે, "બંને જૂથો કલગી-તુરામાં [એવા ગીતો જ્યાં એક જૂથ સવાલ કરે છે અથવા નિવેદન કરે છે અને બીજું જૂથ સામો જવાબ આપે છે] માહેર હતા."

नार म्हातारपणी फसली!

लालजीच्या घरात घुसली!!

આ બાઈ ઘરડેઘડપણ ફસાઈ ગઈ
લાલજીના ઘરમાં ભરાઈ ગઈ!!

એનો અર્થ એ છે કે દાદાસાહેબનું ખસી ગયું છે, તેઓ સામ્યવાદીઓમાં જોડાઈ ગયા છે.

દાદાસાહેબના જૂથે વળતો જવાબ આપ્યો:

तू पण असली कसली?
पिवळी टिकली लावून बसली!

તો તું આવી કેવી?
પીળો ચાંલ્લો કરીને બેસી ગઈ!

દાદુ સમજાવે છે: “બી. સી. કાંબલેએ પક્ષના ધ્વજ પર વાદળી અશોક ચક્રને બદલીને એની જગ્યાએ પીળો પૂર્ણ ચંદ્ર રાખ્યો હતો. અહીં આ સંદર્ભ હતો.”

દાદાસાહેબ રૂપાવતે બી.સી. કાંબલેના જૂથ સાથે હતા.પછીથી 1965 માં તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.  એક ગીત દ્વારા તેમની પણ ટીકા કરવામાં આવી હતી.

अशी होती एक नार गुलजार
अहमदनगर गाव तिचे मशहूर
टोप्या बदलण्याचा छंद तिला फार
काय वर्तमान घडलं म्होरं S....S....S
ध्यान देऊन ऐका सारं

આવી હતી એક નાર ગુલઝાર
ગામ એનું અહમદનગર મશહૂર
તેને ટોપીઓ બદલવાનો જબરો છંદ
પછી શું થયું જાણો છો?
ધ્યાનથી સાંભળો બધા

દાદુ કહે છે, “હું આંબેડકરવાદી ચળવળના આવા કલગી-તુરા સાંભળીને મોટો થયો છું.

Dadu Salve and his wife Devbai manage on the meagre pension given by the state government to folk artists. Despite these hardships, his commitment to the Ambedkarite movement and his music are still the same
PHOTO • Amandeep Singh
Dadu Salve and his wife Devbai manage on the meagre pension given by the state government to folk artists. Despite these hardships, his commitment to the Ambedkarite movement and his music are still the same
PHOTO • Labani Jangi

દાદુ સાલ્વે અને તેમના પત્ની રાજ્ય સરકાર દ્વારા લોક કલાકારોને આપવામાં આવતા નજીવા પેન્શન પર નભાવે છે. આટલી મુશ્કેલીઓ છતાં આંબેડકરવાદી ચળવળ અને તેમના સંગીત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા હજી પણ એવી ને એવી જ છે

*****

1970નું વર્ષ દાદુ સાલ્વેના જીવનમાં નિર્ણાયક બની રહ્યું. તેઓ ડૉ. આંબેડકરની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય ચળવળને મહારાષ્ટ્રના ખૂણે ખૂણે અને તેથીય આગળ લઈ જવાનું કામ કરી રહેલા ગાયક વામનદાદા કરડકને મળ્યા. વામનદાદાએ પોતાના અંતિમ શ્વાસ સુધી આ કામ કર્યું હતું.

75 વર્ષના માધવરાવ ગાયકવાડ વામનદાદા કરડકના કામ સંબંધિત સામગ્રી એકત્ર કરે છે. તેઓ જ દાદુ સાલ્વેને વામનદાદાને મળવા લઈ ગયા હતા. માધવરાવ અને તેમના પત્ની, 61 વર્ષના સુમિત્રાએ વામનદાદાએ જાતે લખેલા 5000 થી વધુ ગીતો એકત્ર કર્યા છે.

માધવરાવ કહે છે, “તેઓ 1970માં નગર આવ્યા હતા. તેઓ આંબેડકરના કામ અને સંદેશને ફેલાવવામાં મદદ કરવા ગાયન પાર્ટી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સુક હતા. દાદુ સાલ્વે આંબેડકર વિશે ગાતા હતા, પરંતુ તેમની પાસે સારા ગીતો બહુ ઓછા હતા. તેથી, અમે ગયા, વામનદાદાને મળ્યા અને તેમને કહ્યું, 'અમારે તમારા ગીતોની જરૂર છે'."

વામનદાદાએ પ્રતિભાવ આપતા કહ્યું કે તેમણે ક્યારેય તેમનું કામ એક જગ્યાએ એકસાથે ભેગું કરીને રાખ્યું નથી: "હું લખું છું, રજૂ કરું છું, અને તેને ત્યાં જ છોડી આગળ વધુ છું."

માધવરાવ યાદ કરે છે કે, “આવો ખજાનો વેડફતો જોઈને અમે દુઃખી દુઃખી થઈ ગયા. તેમણે [વામનદાદાએ] પોતાનું આખું જીવન આંબેડકરવાદી ચળવળને સમર્પિત કરી દીધું હતું.”

તેમના કામનો એક વ્યવસ્થિત સંગ્રહ કરવા આતુર માધવરાવ જ્યાં જ્યાં વામનદાદા કાર્યક્રમ રજૂ કરતા હતા ત્યાં દાદુ સાલ્વેને લઈ જવા લાગ્યા: “દાદુ હાર્મોનિયમ પર તેમની સંગત કરતા, અને તેઓ જે જે ગીતો ગાતા એ હું લખી લેતો. તેઓ જેમ જેમ ગાતા તેમ તેમ હું લખતો જતો."

તેમણે 5000 થી વધુ ગીતો પ્રકાશિત કર્યા. તેમ છતાં લગભગ 3000 ગીતો એવા છે જે હજી સુધી પ્રકાશિત થયા નથી, જેનો પ્રચાર-પ્રસાર થયો નથી, લોકો સુધી પહોંચ્યા નથી. તેઓ ઉમેરે છે, "હું પૈસાની ખેંચને લીધે એ કરી શક્યો નહીં. પરંતુ મારે કબૂલ કરવું જ જોઈએ કે આંબેડકરવાદી ચળવળના આ જ્ઞાન અને ડહાપણને માત્ર દાદુ સાલ્વેના કારણે જ હું સાચવી શક્યો છું."

દાદુ સાલ્વે વામનદાદાના કામથી એટલા પ્રેરિત થયા કે તેમણે એક નવું જૂથ શરૂ કરવાનું નક્કી કર્યું, જેને કલા પાઠક પણ કહેવાય છે. તેમણે શંકર તબાજી ગાયકવાડ, સંજય નાથા જાધવ, રઘુ ગંગારામ સાલ્વે અને મિલિંદ શિંદેને આ જૂથમાં જોડ્યા. આ જૂથ ભીમ સંદેશ ગાયન પાર્ટી, આંબેડકરનો સંદેશ ફેલાવતું સંગીત જૂથ, કહેવાતું.

તેઓએ એક લક્ષ્ય હાંસલ કરવા ગાયું હતું અને તેથી તેમના કાર્યક્રમો સરળ, કોઈના પ્રત્યે કોઈ પ્રકારના દ્વેષ વિનાના હતા.

દાદુ અમારે માટે આ ગીત ગાય છે:

આ વીડિયોમાં દાદુ તેમના ગુરુ પ્રત્યેના પોતાના પ્રેમ વિશે ગાય છે અને વાત કરે છે: 'હું વામનદાદાનો શિષ્ય છું'

उभ्या विश्वास ह्या सांगू तुझा संदेश भिमराया
तुझ्या तत्वाकडे वळवू आता हा देश भिमराया || धृ ||
जळूनी विश्व उजळीले असा तू भक्त भूमीचा
आम्ही चढवीला आता तुझा गणवेश भिमराया || १ ||
मनुने माणसाला माणसाचा द्वेष शिकविला
तयाचा ना ठेवू आता लवलेश भिमराया || २ ||
दिला तू मंत्र बुद्धाचा पवित्र बंधुप्रेमाचा
आणू समता हरू दीनांचे क्लेश भिमराया || ३ ||
कुणी होऊ इथे बघती पुन्हा सुलतान ह्या भूचे
तयासी झुंजते राहू आणुनी त्वेष भिमराया || ४ ||
कुणाच्या रागलोभाची आम्हाला ना तमा काही
खऱ्यास्तव आज पत्करला तयांचा रोष भिमराया || ५ ||
करील उत्कर्ष सर्वांचा अशा ह्या लोकशाहीचा
सदा कोटी मुखांनी ह्या करू जयघोष भिमराया || ६ ||
कुणाच्या कच्छपी लागून तुझा वामन खुळा होता
तयाला दाखवित राहू तयाचे दोष भिमराया || ७ ||

ચાલો, દ્રઢ વિશ્વાસપૂર્વક તમારો સંદેશ પહોંચાડીએ, ભીમરાયા
ચાલો, આ દેશને હવે તમારા સિદ્ધાંત તરફ વાળીએ, ભીમરાયા || ધ્રુ ||
જાત બાળીને જેણે જગને ઉજાળ્યું છે એવા દેશભક્ત છો તમે
(હવે અમે તમારા પગલે ચાલીશું, ભીમરાયા)
હવે અમે તમારો ગણવેશ ચઢાવીશું, ભીમરાયા || 1 ||
મનુએ માણસને માણસની નફરત કરતા શીખવ્યું
લેશમાત્ર નફરત હવે નહિ રાખીએ, ભીમરાયા || 2 ||
તમે અમને બુદ્ધના પવિત્ર ભાઈચારાનો મંત્ર આપ્યો
સમાનતા લાવી ગરીબોના દુઃખડા હરીએ, ભીમરાયા || 3 ||
જોઈએ છીએ અહીં ફરી કોણ પોતાનું રાજ ચલાવે છે
પૂરી તાકાતથી એની સામે લડી લઈએ, ભીમરાયા || 4 ||
કોઈને ગમે કે ન ગમે, અમને એની તમા નથી
આજે સાચું બોલવા માટે જરૂર પડ્યે તેમનો ગુસ્સો સહી લઈએ, ભીમરાયા || 5 ||
કરે ઉત્કર્ષ સૌનો એવી આ લોકશાહીનો
સદા કોટી કોટી મુખે આવો કરીએ જયઘોષ, ભીમરાયા || 6 ||
શું વામન [કર્ડક] તેમના શબ્દોમાં ફસાઈ જાય એટલા મૂર્ખ હતા?
આવો તેમને અરીસો બતાવીએ, ભીમરાયા ||7||

જ્યારે પણ દાદુને કોઈ કાર્યક્રમ માટે બોલાવવામાં આવતા ત્યારે તેઓ વામનદાદાના ગીતો ગાતા. લોકો તેમના જૂથ કલા પાઠકને બાળકના જન્મ અથવા વૃદ્ધ અને અશક્ત વ્યક્તિના અવસાન જેવા કૌટુંબિક પ્રસંગો અને ઘટનાઓમાં આંબેડકરી ગીતો ગાવા માટે બોલાવતા.

દાદુ જેવા લોકોએ આંબેડકરી ચળવળમાં યોગદાન આપવા માટે ગાયું હતું. ગાયક મંડળને પૈસાની કોઈ અપેક્ષા નહોતી. તેમનો આભાર માનવા પ્રતીક રૂપે લોકો મુખ્ય કલાકારને નાળિયેર આપતા અને બધા કલાકારોને ચા પીવડાવતા. બસ આટલું જ. દાદુ કહે છે, “હું ગાઈ શકતો હતો, તેથી મેં આ ચળવળમાં મારા યોગદાન તરીકે ગાવાનું પસંદ કર્યું. હું વામનદાદાના વારસાને આગળ ધપાવવાનો પ્રયત્ન કરું છું."

*****

આ વીડિયોમાં દાદુ આંબેડકર વિશે અને તેમના ઉપદેશોએ સમાજને કેવી રીતે બદલ્યો એની વાત કરે છે: એ તમારો જન્મ હતો, ઓ ભીમ!

મહારાષ્ટ્રના ઘણા ગાયકો માટે વામનદાદા તેમના ગુરુ છે, પરંતુ દાદુ માટે તેઓ તેમના જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે. જોઈ ન શકતા દાદુ માટે તેમના ગીતોને સાચવવાનો એકમાત્ર રસ્તો હતો એ ગીતોને દિલથી સાંભળીને શીખવાનો. તેઓ 2000 થી વધુ ગીતો જાણે છે. અને માત્ર ગીત જ નહીં, પણ તે ગીત વિશે બધું જ – તે ક્યારે લખાયું હતું, તેનો સંદર્ભ, મૂળ સૂર… બધું જ દાદુ તમને કહી શકે છે. તેમણે વામનદાદાના જાતિવિરોધી ગીતો પણ સ્વરબદ્ધ કર્યા છે, મહારાષ્ટ્રમાં એ ગીતો વ્યાપકપણે ગવાય છે.

સંગીતમાં પ્રશિક્ષિત દાદુ વામનદાદા કરતાં એક ડગલું આગળ હતા - તેઓ કવિતા અથવા ગીતના સૂર, લય, તાલ અને મીટરની તકનીકી જાણતા હતા. તેઓ ઘણીવાર તેમના ગુરુ સાથે એ વિશે ચર્ચા કરતા; વામનદાદાના મૃત્યુ પછી દાદુએ તેમના ઘણા ગીતો સ્વરબદ્ધ કર્યા હતા, અને કેટલાક જૂના ગીતોને નવેસરથી સ્વરબદ્ધ કર્યા હતા.

અમને બતાવવા તેમણે પહેલા વામનદાદાની મૂળ રચના ગાઈ અને પછી પોતાના સૂરમાં ગાઈ અને અમને એ બે વચ્ચેનો તફાવત બતાવ્યો.

भीमा तुझ्या मताचे जरी पाच लोक असते
तलवारीचे तयांच्या न्यारेच टोक असते

ભીમ તારા મતના ભલે પાંચ લોકો હશે
એમની તલવારની ધાર કંઈક ન્યારી જ હશે

તેઓ વામનદાદાના એટલા વિશ્વાસુ સહાયક હતા કે તેમના ગુરુએ (વામનદાદાએ) તેમના પોતાના મૃત્યુ વિશેનું એક ગીત પણ તેમને (દાદુને) આપ્યું હતું.

राहील विश्व सारे, जाईन मी उद्याला
निर्वाण गौतमाचे, पाहीन मी उद्याला

જગત આખુંય રહી જશે, હું ચાલ્યો જઈશ કાલે
નિર્વાણ ગૌતમનું, જોઈશ હું કાલે

દાદુએ મનને શાંતિ આપે એવા સૂરમાં સ્વરબદ્ધ કરીને આ ગીત પોતાના જલસામાં રજૂ કર્યું હતું.

*****

સંગીત એ દાદુના જીવનનું અને રાજકારણનું એક અભિન્ન અંગ છે.

તેમણે એવા સમયગાળા દરમિયાન ગાયું જ્યારે આંબેડકર વિશેની પ્રચલિત લોકકથાઓ અને ગીતો લોકપ્રિય થઈ રહ્યા હતા. ભીમરાવ કરડક, લોક-કવિ અર્જુન ભાલેરાવ, બુલદાણાના કેદાર બંધુઓ, પુણેના રાજનંદ ગડપાયલે, શ્રવણ યશવંતે અને વામનદાદા કરડક આ લોકપ્રિય ગીતોમાં પારંગત હતા.

આમાંના ઘણા ગીતોને દાદુએ પોતાની સંગીત પ્રતિભા અને પોતાનો અવાજ આપ્યા અને સંગીતનો આ ખજાનો લઈને તેઓ ગામેગામ ફર્યા. આંબેડકરના અવસાન પછી જન્મેલી પેઢીએ તેમના જીવન, તેમના કાર્ય અને તેમના સંદેશ વિશે આ ગીતો દ્વારા જ જાણ્યું. દાદુએ આ નવી પેઢીમાં આંબેડકરવાદી ચળવળને પોષવામાં અને ચળવળ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા કેળવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

ઘણા કવિઓએ ખેતરોમાં તનતોડ મહેનત કરતા ખેડૂત અને ગૌરવપૂર્ણ જીવન માટે લડતા દલિતના સંઘર્ષને વાચા આપી. તેઓએ તથાગત બુદ્ધ, કબીર, જોતિબા ફુલે અને ડૉ. આંબેડકરના જીવન અને વ્યક્તિત્વના સંદેશાઓ આપતાં ગીતો લખવાનો પ્રયત્ન કર્યો. જેઓ લખી-વાંચી શકતા ન હતા તેમના માટે આ ગીતો એ જ તેમનું શિક્ષણ હતું આ ગીતોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે દાદુ સાલ્વેએ તેમના સંગીત અને હાર્મોનિયમનો ઉપયોગ કર્યો. આ ગીતો લોકોના અંતરાત્માનું અભિન્ન અંગ બની ગયા.

આ ગીતોમાંના સંદેશાઓ અને શાહિરો દ્વારા તેમની શક્તિશાળી પ્રસ્તુતિએ જાતિવિરોધી ચળવળને ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાવવામાં મદદ કરી. આ ગીતો આંબેડકરની ચળવળની સકારાત્મક જીવનશક્તિ છે અને દાદુ સમાનતા માટેની આ લડાઈમાં પોતાને એક નાનકડા સૈનિક માને છે.

વિદ્વાન મહેબૂબ શેખ 'દાદુ સાલ્વેનો અવાજ અને તેમની દ્રષ્ટિ' એ વિષય પર વાત કરે છે

તેમણે ક્યારેય આ ગીતોને પૈસા કમાવવાના સાધન તરીકે જોયા નથી. તેમના માટે એ તેમનું ધ્યેય હતું. પરંતુ આજે 72 વર્ષની ઉંમરે એમાનું મોટાભાગનું જોશ અને ચાલાક બળ રહ્યા નથી. 2005 માં તેમના એકના એક દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયા પછી તેમણે તેમની પુત્રવધૂ અને ત્રણ પૌત્રોની સંભાળ લીધી. પાછળથી જ્યારે તેમની પુત્રવધૂએ ફરીથી લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે દાદુએ તેમની ઇચ્છાને માન આપ્યું. તેઓ અને તેમના પત્ની દેવબાઈ એક ઓરડાના આ નાનકડા ઘરમાં રહેવા આવી ગયા. 65 વર્ષના દેવબાઈ બીમાર અને પથારીવશ છે. રાજ્ય સરકાર દ્વારા લોક કલાકારોને આપવામાં આવતા નજીવા પેન્શન પર આ દંપતી નભાવે છે. આટલી મુશ્કેલીઓ છતાં આંબેડકરવાદી ચળવળ અને તેમના સંગીત પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા હજી પણ એવી ને એવી જ છે.

આધુનિક ગીતોથી દાદુને જોઈએ તેટલો સંતોષ નથી. તેઓ દુઃખ સાથે કહે છે, “આજના કલાકારોએ આ ગીતો વેચવા કાઢ્યા છે. તેઓને તેમની બિદગી [માનદ વેતન]] અને ખ્યાતિમાં રસ છે. એ જોઈને દુઃખ થાય છે."

આપણામાંના જે લોકોએ દાદુ સાલ્વેને આંબેડકર અને વામનદાદા વિશે વાત કરતી વખતે તેમને જે ગીતો મોઢે છે એ ગીતો યાદ કરીને તેમના હાર્મોનિયમ પર વગાડતા  જોયા છે, સાંભળ્યા છે તેમના મન-હૃદય આશાથી ભરાઈ ગયા છે અને તેમને અંધકાર અને નિરાશાને દૂર કરવામાં મદદ મળી છે.

શાહિરોના અમર શબ્દો અને તેમના પોતાના સૂરની મદદથી દાદુએ બાબાસાહેબ આંબેડકર લાવેલી નવી ચેતનાની શરૂઆત કરી હતી. પછીના વર્ષોમાં આ જ દલિત શાહિરીએ બીજી ઘણી સામાજિક બદીઓનો વિરોધ કર્યો અને અન્યાય અને પૂર્વગ્રહ સામે લડત આપી. તેમાં દાદુ સાલ્વેનો અવાજ સતત ચમકતો રહ્યો છે.

અમારી મુલાકાત પૂરી થવામાં છે ત્યારે દાદુ થાકેલા દેખાય છે અને તેમના પલંગ પર પાછળ અઢેલીને બેસે છે. જ્યારે હું કોઈપણ નવા ગીતો વિશે પૂછું છું ત્યારે તેઓ સાવધાન થઈ જાય છે અને કહે છે, "કોઈને કહો આ ગીતો મોટેથી વાંચી સંભળાવે, અને હું તમારે માટે એ ગીત ફરીથી સ્વરબદ્ધ કરીને ગાઈશ."

આંબેડકરવાદી ચળવળનો આ સૈનિક હજી આજે પણ અસમાનતા સામે લડવા અને કાયમી સામાજિક પરિવર્તન લાવવા માટે પોતાના અવાજ અને હાર્મોનિયમનો ઉપયોગ કરવા તૈયાર છે.


આ વાર્તા મૂળ મરાઠીમાં લખાઈ હતી.

આ વીડિયો ‘ઈન્ફ્લુન્શિયલ શાહિર્સ, નેરેટિવ્સ ફ્રોમ મરાઠવાડા’ નામના સંગ્રહનો એક ભાગ છે, આ યોજના ઈન્ડિયા ફાઉન્ડેશન ફોર ધ આર્ટસ દ્વારા તેમના આર્કાઈવ્સ એન્ડ મ્યુઝિયમ્સ પ્રોગ્રામ હેઠળ પીપલ્સ આર્કાઈવ ઓફ રુરલ ઈન્ડિયાના સહયોગથી અમલમાં મૂકવામાં આવી છે. ગોથે-ઇન્સ્ટીટ્યુટ/મેક્સ મુલર ભવન નવી દિલ્હીના આંશિક સહયોગથી આ શક્ય બન્યું છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Keshav Waghmare

Keshav Waghmare is a writer and researcher based in Pune, Maharashtra. He is a founder member of the Dalit Adivasi Adhikar Andolan (DAAA), formed in 2012, and has been documenting the Marathwada communities for several years.

Other stories by Keshav Waghmare
Editor : Medha Kale

Medha Kale is based in Pune and has worked in the field of women and health. She is the Translations Editor, Marathi, at the People’s Archive of Rural India.

Other stories by Medha Kale
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik