તેઓએ  હજી પણ તહેસીલ કચેરી ખાતે એ ધ્વજ રાખ્યો છે. ફક્ત અહીં તેઓ તેને 18 મી  ઓગસ્ટે લહેરાવે છે. 1942 માં તે જ દિવસે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના આ વિસ્તારના લોકોએ બ્રિટિશ રાજથી સ્વતંત્રતા જાહેર કરી હતી. મુહમ્મદાબાદના તહેસીલદારે એક ટોળા પર ગોળીબાર કર્યો પરિણામે શેરપુર ગામના આઠ લોકો માર્યા ગયા. માર્યા ગયેલામાં મોટા ભાગના શિવ પૂજન રાયની આગેવાની હેઠળના કોંગ્રેસીઓ હતા. મુહમ્મદાબાદમાં તહેસીલ ભવન પર ત્રિરંગો લહેરાવવાની કોશિશ કરતા હતા ત્યારે ગોળી મારીને તેમની હત્યા કરવામાં આવી હતી.

અંગ્રેજોએ 10 મી ઓગસ્ટે ગાઝીપુર જિલ્લામાં 129 નેતાઓ સામે ધરપકડનું વોરંટ જારી કર્યું. પરિણામે પહેલેથી ધૂંધવાઈ રહેલા આ જિલ્લામાં લડતો ફાટી નીકળી. 19 મી સુધીમાં સ્થાનિકોએ લગભગ આખા ય ગાઝીપુર પર કબજો કરી લીધો અને ત્રણ દિવસ સુધી સરકાર ચલાવી.

જિલ્લાના ગેઝેટિયર  પ્રમાણે અંગ્રેજોએ જવાબી કાર્યવાહીમાં “આતંકનું શાસન” ચલાવ્યું. થોડા જ વખતમાં "એક પછી એક ગામમાં ધાડ ધાડ પાડવામાં આવી, લૂંટ ચલાવવામાં આવી, અને ગામના ગામ બાળી નાખવામાં આવ્યા." સૈન્ય અને ઘોડેસવાર પોલીસે  ‘ભારત છોડો’ આંદોલનકારીઓને કચડી નાખ્યા. પછીના થોડા દિવસોમાં આખા જિલ્લામાં મળીને તેમણે લગભગ 150 લોકોને ગોળીએ દીધા. નોંધેલા પૂરાવા સૂચવે છે કે અધિકારીઓ અને પોલીસે નાગરિકો પાસેથી 35 લાખ રુપિયા જેટલી રકમ લૂંટી લીધી.  74 જેટલા ગામ બાળીને રાખ કરી નાખ્યા. ગાઝીપુરના લોકોએ (બળવામાં સામેલ થવા બાદલ) 4.5 લાખ જેટલી, એ જમાનામાં ઘણી મોટી ગણાતી રકમ, સામુહિક દંડ પેટે ચૂકવવી પડી.

અધિકારીઓએ સજા માટે શિરપુરને નિશાન બનાવ્યું. અહીંના સૌથી વૃદ્ધ દલિત નિવાસી હરિ શરણ રામ તે દિવસ યાદ કરે છે: “ગામમાં માણસોની વાત તો જવા દો, એક ચકલું ય રહ્યું નહોતું. જેઓ ભાગી શક્યા તે ભાગી છૂટ્યા. લૂંટફાટ ચાલતી જ રહી.” જો કે આખા ગાઝીપુરને પાઠ ભણાવવનો હતો. 1850 ના દાયકામાં જ્યારે સ્થાનિક લોકોએ ઈન્ડિગો પ્લાન્ટરો પર હુમલો કર્યો હતો ત્યારથી આ જિલ્લામાં અંગ્રેજ વિરોધી બળવા થયા હોવાનું નોંધાયું હતું. તે હવે અંગ્રેજોએ તેમને ગોળીઓ અને દંડૂકા વડે પાઠ ભણાવ્યો.

PHOTO • P. Sainath

કેટલીક શહીદ સમિતિઓ 'શહીદ પુત્ર' નિયંત્રિત કરે છે

હજી આજે પણ મુહમ્મદાબાદ ખાતેની તહેસીલ કચેરી (દેશના ઇતિહાસ અને રાજકારણમાં રસ ધરાવતા લોકો માટે) રાજકીય તીર્થસ્થાન છે. અહીંના મુલાકાતીઓની યાદીમાં ચાર નામ એવા લોકોના પણ  શામેલ છે કે જે કાં તો ભારતના વડા પ્રધાન હતા અથવા પછીથી તેમણે તે પદ સાંભળ્યું હતું. ઉત્તર પ્રદેશના લગભગ તમામ મુખ્યમંત્રીઓ પણ અહીં આવી ગયા છે.  શહીદ સ્મારક સમિતિના અધ્યક્ષ લક્ષ્મણ રાય કહે છે કે સામાન્ય રીતે (આ મુલાકાતો યોજાય) 18 મી ઓગસ્ટે. શહીદ સ્મારક સમિતિ એ તહેસીલ કચેરી ખાતે આઠ શહીદોનું સ્મારક ચલાવતું સંગઠન છે. લક્ષ્મણ રાવ ખૂબ મળતાવડા છે.  થોડોઘણો ઘસાઈ ગયેલો છતાં અહીં કાળજીપૂર્વક સચવાયેલો વિરોધીઓ દ્વારા લહેરાવાયેલ મૂળ ધ્વજ તેઓ અમને બતાવે છે. તેઓ ગર્વથી કહે છે, "વીઆઈપી અહીં આવે છે અને ધ્વજની પૂજા કરે છે. અહીં આવનાર દરેક વીઆઇપી આ પૂજા કરે છે."

પરંતુ આ પૂજાઓથી શેરપુરને ખાસ કોઈ ફાયદો થયો નથી. અહીંના સ્વાતંત્ર્ય સેનાનીઓના પરાક્રમી બલિદાનની યાદો વર્ગ, જાતિ, સમય અને વાણિજ્યના રંગે રંગાઈ કલંકિત થઈ  છે. અહીંના એક બિનસરકારી સંસ્થાના કાર્યકર કહે છે, “શહીદ ફક્ત આઠ હતા. પરંતુ આ 8 શહીદો માટે 10 જેટલી સ્મારક સમિતિઓ હોઈ શકે છે." આમાંની કેટલીક સત્તાવાર અનુદાન સાથે વિવિધ સંસ્થાઓ ચલાવે છે. સ્થાનિક રીતે 'શહીદ પુત્ર' તરીકે ઓળખાતા શહીદોના દીકરાઓ આમાંની કેટલીક સમિતિઓનું નિયમન કરે છે.

પૂજાઓની સાથે સાથે વચનો પણ અપાય  છે. આવું જ એક વચન હતું આશરે 21000 લોકોની વસ્તી ધરાવતા મોટા ગામ શેરપુરમાં મહિલાઓની ડિગ્રી કોલેજ શરૂ કરવાનું. પરંતુ અહીં દર પાંચમાંથી ચાર મહિલાઓ નિરક્ષર હોવાને કારણે આ વિચાર અંગે સ્થાનિકોમાં ઉત્સાહનો કંઈક અભાવ માફીને પાત્ર છે.

શેરપુરના બલિદાન શાને માટે હતા? અહીંના લોકો શેની માંગ કરી રહ્યા હતા?  આ પ્રશ્નોના જવાબ તમે કેવી રીતે આપશો તે તમારી સામાજિક અને આર્થિક સ્થિતિ પર આધારિત છે. સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત આઠે ય શહીદ ભૂમિહાર વર્ગના (જમીન ધરાવતા સમુદાયના)  હતા. અંગેજોના આતંકનો સામનો કરવાનું તેમનું સાહસ નિ:શંક પ્રેરણારૂપ હતું. છતાં જુદા જુદા સમયે  પોતાનો જીવ આપનાર ઓછા શક્તિશાળી સમુદાયોના બીજા લોકોને આ જ રીતે માનપૂર્વક યાદ કરવામાં આવતા નથી. 18 મી ઓગસ્ટ પહેલા અને પછી ઘણી લડતો લડાઈ. દાખલા તરીકે 14 મી ઓગસ્ટે  નંદગંજ રેલ્વે સ્ટેશન કબજે કરનાર  50 લોકોને પોલીસે ગોળીએ દીધા હતા. અને 19 મીથી 21 મી ઓગસ્ટ વચ્ચે પોલીસે એનાથી ત્રણગણા વધુ લોકોનો જીવ લીધો હતો.

PHOTO • P. Sainath

શેરપુર (ડાબે) ખાતે શહીદ સ્મારક, શેરપુર (જમણે) ખાતે શહીદ સ્મારકના પ્રવેશદ્વાર પર તકતી

લોકોએ જીવ આપ્યો શા માટે? મુહમ્મદાબાદની ઇન્ટર કોલેજના આચાર્ય  ક્રિશન દેવ રાયે ભારપૂર્વક જણાવ્યું હતું કે 'આઝાદી સિવાય બીજી કોઈ માંગ નહોતી.' શેરપુરમાં અને બીજા સ્થળોએ  જમીનની માલિકી ધરાવતા મોટાભાગના  (સામંતવાદી) ભૂમિહારો પણ આ લડતને તે જ રીતે જુએ છે. 1947 માં અંગ્રજોએ ભારત છોડ્યું તે સાથે આ મામલો સમાપ્ત થયો.

શેરપુરના અનુસૂચિત જાતિના બાલ મુકુંદ તેને કંઈક જુદા દ્રષ્ટિકોણથી જુએ છે. વિદ્રોહ સમયે  યુવાન બાલમુકુન્દ અને તેમના સાથી દલિતોની કાર્યસૂચિ અલગ હતી. તેઓ કહે છે, "અમે ઉત્સાહિત હતા. અમને લાગ્યું કે અમારે માટે પણ ઝમીન [જમીન] હશે." 1930 ના દાયકામાં અને તે પછીના સમયમાં ફરી સક્રિય થયેલ કિસાન સભા આંદોલને એ આશાઓ ઊભી કરી હતી. 1952 માં  ઉત્તર પ્રદેશ ઝમિંદારી એબોલિશન એન્ડ લેન્ડ રિફોર્મ એક્ટ (ઉત્તર પ્રેદેશ જમીનદારી નાબૂદી અને ભૂમિ સુધાર કાયદો) અમલમાં આવ્યો ત્યારે ફરીથી આશા જાગી.

તે અલ્પજીવી હતી.

ગામના તમામ 3500 દલિતો જમીન વિહોણા છે. સ્થાનિક દલિત સમિતિના રાધેશામ પૂછે છે, "ખેતી માટે જમીન? એની ક્યાં વાત કરો છો? અમારા ઘરો પણ અમારા પોતાના નામમાં નથી." જમીનનું પુનર્વિતરણ પૂરૂં થઈ જવું જોઈતું હતું તેના 35 વર્ષ બાદ પણ આ હાલત છે. આઝાદીથી અલગ પ્રકારના ફાયદા ચોક્કસ થયા. પરંતુ માત્ર કેટલાકને. ભૂમિહારો જે જમીન ખેડતા હતા તે તેમની માલિકીની થઈ ગઈ.  ભૂમિહીન નીચલી જાતિઓ જેમ હતી તેમ જ રહી. હરિ શરણ રામ કહે છે, "અમને હતું  કે અમે પણ (જમીનની માલિકી મેળવીને) બીજાની જેમ રહી શકીશું, અમારું સ્થાન બીજા બધાની સાથે જ હશે."

“We thought there would be some land for us,” says Bal Mukund, a Dalit who lives in Sherpur. His excitement was short-lived
PHOTO • P. Sainath

શેરપુરમાં રહેતા દલિત બાલ મુકુંદ કહે છે," અમને લાગ્યું કે અમારે માટે થોડી જમીન હશે." તેમની ઉત્તેજના અલ્પજીવી હતી

એપ્રિલ 1975 માં તેઓને (દલિતોને) તેમના નીચા દરજ્જાનું ભાન કરાવવામાં આવ્યું. અંગ્રેજોએ ગામને આગ ચાંપી દીધાના માત્ર 33 વર્ષ પછી ફરીથી દલિત વસાહતને ફરીથી બાળી નાખવામાં આવી. આ વખતે ભૂમિહારો દ્વારા. રાધેશામ કહે છે, 'વેતન દરને લઈને વિવાદો થયા હતા. તેમની બસ્તીમાં બનેલી ઘટના માટે અમને દોષી ઠેરવ્યા. તમે માનશો? અમારા મકાનો બાળી નાખવામાં આવ્યા ત્યારે અમે તેમના ઘરો અને તેમના ખેતરોમાં કામ કરતા હતા! ” 100 જમીનદોસ્ત કરી દેવાયા. પરંતુ તેઓ સ્પષ્ટતા કરે છે કે આ બધામાં કોઈ  શહીદ પુત્રનો હાથ નહોતો.

દલિત સમિતિના અધ્યક્ષ શિવ જગન રામ કહે છે કે "પંડિત બહુગુણા મુખ્ય પ્રધાન હતા. તેમણે આવીને કહ્યું: 'અમે તમારે માટે અહીં નવી દિલ્હી બનાવીશું ’. અમારી નવી દિલ્હી પર એક નજર તો કરો. આ જર્જરિત ઝૂંપડપટ્ટીમાં પણ કંઈ અમારી માલિકીનું  છે એમ સાબિત કરવા એકાદો કાગળનો ટુકડો પણ અમારી પાસે નથી. વેતન વિવાદોનો ઉકેલ આવ્યો નથી. તમે માનશો અહીંના લોકોને એટલું ઓછું વેતન મળે છે કે કામ માટે અમે બિહાર જઇએ છીએ? ”

સવર્ણો અથવા અધિકારીઓ સાથે વિવાદોમાં ઉતરવાથી કંઈ વળતું નથી. દાખલા તરીકે, છેલ્લા 50 વર્ષોમાં પોલીસનું  દલિતો પ્રત્યેનું વર્તન ખાસ બદલાયું નથી. કરકટપુર ગામના મુસાહર દલિત દીના નાથ વનવાસી આ બધું સહન કરી ચૂક્યા છે.  “તમે જાણો છો કે જ્યારે કોઈ પણ રાજકીય પક્ષનું  જેલ ભરો આંદોલન હોય ત્યારે અમારું શું થાય છે? સેંકડો કાર્યકરોની ધરપકડ. પછી ગાઝીપુર જેલ લગભગ નરક બની જાય. પોલીસ શું કરે? સૌથી પહેલા જે હાથમાં આવે તે થોડાઘણા મુસહારોની ધરપકડ કરે. મોટે ભાગે ‘સશસ્ત્ર ધાડ પાડવાની યોજના’ કરવાનો આરોપ હોય. આ મુસાહારોને જેલમાં લઈ જવામાં આવે  છે. ત્યાં  તેમણે જેલ ભરો (આંદોલનમાં ધરપકડ કરાયેલા લોકો) ની બધી જ ગંદકી, ઉલટી અને કચરો સાફ કરવો પડે છે. પછી તેમને  છોડી દેવામાં આવે  છે.”

Fifty years into freedom, Sherpur reeks of poverty, deprivation and rigid caste hierarchies
PHOTO • P. Sainath

આઝાદીના પચાસ વર્ષ પછી પણ  શેરપુર ગરીબી, વંચિતતા અને કઠોર જાતિવ્યવસ્થાથી ઘેરાયેલું છે

ગાગરાન ગામના દસુરામ વનવાસી કહે છે. “અમે 50 વર્ષ પહેલાંની વાત નથી કરતા   હજી આજે પણ આમ જ બને છે. કેટલાક લોકોએ ફક્ત બે વર્ષ પહેલાં આવા અન્યાયનો સામનો કરવો પડ્યો છે.” પજવણીના અન્ય પ્રકારો પણ અસ્તિત્વમાં છે. દસુરામે પ્રથમ વર્ગ સાથે ઉત્તીર્ણ થઈ દસમું ધોરણ પૂરું કર્યું છે,  બહુ થોડા મુસાહાર અહીં સુધી પહોંચ્યા છે. સવર્ણ શિક્ષકો અને વિદ્યાર્થીઓની વારંવારની સતામણી અને ત્રાસ સહન ન થતા તેમણે  કોલેજ છોડી દીધી હતી. વિડંબના તો એ છે કે તે ઇન્ટર કોલેજને (દલિત નેતા) બાબુ જગજીવન રામનું નામ અપાયું છે.

શેરપુરથી પાછા ફરતી વખતે અમારા પગ કાદવ, કીચડ, ગારામાં ખૂંપી જાય છે. આવી પરિસ્થતિમાં દલિત બસ્તીમાં (ઝૂંપડપટ્ટીમાં) અંદર જવાનું અને બહાર નીકળવાનું સમસ્યા બની જાય છે. વરસાદને કારણે મુખ્ય માર્ગને નુકસાન પહોંચ્યું છે. ગલીઓમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા છે.  શિવ જગન રામ કહે છે, “આ છે અમારી નવી દિલ્હીનો રાજમાર્ગ."

તેઓ કહે છે, “અહીંના દલિતો આઝાદ નથી. નહીં આઝાદી, નહીં જમીન, નહીં ભણતર, નહીં સંપત્તિ, નહીં નોકરીઓ, નહીં આરોગ્ય કે નહીં કોઈ  આશા. અમારી આઝાદી એટલે ગુલામી. ”

દરમિયાન તહેસીલ કચેરી ખાતે પૂજાઓ થતી રહે છે.

આ લેખ પહેલી વખત 25 મી ઓગસ્ટ, 1997 ના ટાઇમ્સ ઓફ  ઈન્ડિયામાં પ્રકાશિત થયો હતો.

આ શ્રેણીના બીજા લેખો અહીં વાંચો:

જ્યારે સલિહાને (બ્રિટિશ) રાજને લલકાર્યું

પનીમારાના આઝાદીના લડવૈયા - 1

પનીમારાના આઝાદીના લડવૈયા - 2

લક્ષ્મી પાંડાની છેલ્લી લડત

અહિંસાના નવ દાયકા

ગોદાવરી: અને પોલીસ હજી પણ હુમલાની રાહ જુએ  છે

સોનખાન: વીર નારાયણ સિંહનું બીજું મૃત્યુ

કલ્લિયાસેરી: 50 વર્ષ પછી પણ લડત ચાલુ છે

કલ્લિયાસેરી: સુમુકનની શોધમાં

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik