લક્ષ્મી ‘ઇન્દિરા’ પાંડાએ ઓડિશાના રાજ્યપાલ અને તેની પત્નીએ  ભુવનેશ્વરમાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં હાજરી આપવાનું અને ત્યારબાદ રાજભવનમાં તેમની સાથે ચા પીવા માટેનું  આપેલુ આમંત્રણ સ્વીકાર્યું નહીં. તેઓએ તેમની કારના પાર્કિંગ  માટે એક વિશેષાધિકૃત 'પાર્કિંગ પાસ' પણ આપ્યો હતો. પરંતુ લક્ષ્મીએ જવાબ આપવાની તસ્દી ન લીધી એટલું જ નહીં, તેમણે  સ્વતંત્રતા દિવસના  પ્રસંગમાં પણ હાજરી ન આપી.

કોરાપુટ જિલ્લાના જેઇપોરે શહેરની એક ચાલના નાના રૂમમાં રહેતા લક્ષ્મી પાંડા પાસે કાર નથી. એ સુધરેલી ગંદી ઝૂંપડપટ્ટી, જ્યાં તેણે મોટાભાગના બે દાયકા ગાળ્યા છે એના કરતાં આ થોડી વધારે સારી જગ્યા છે. ગયા વર્ષે તેમણે ઈન્ડિપેન્ડેન્ટ્સ ડે ના કાર્યક્રમમાં હાજરી આપી હતી કારણ કે સ્થાનિક શુભેચ્છકોએ તેમને માટે ટ્રેનની ટિકિટ ખરીદી હતી. આ વર્ષે તેમને તે પરવડી શકે તેમ નથી. અમને આમંત્રણ અને પાર્કિંગ પાસ બતાવતાં તેઓ હસે છે. કાર સાથે તેમને કોઈપણ સંબંધ હોય તો એ કે : "મારા સ્વર્ગસ્થ પતિ ચાર દાયકા પહેલા ડ્રાઇવર હતા." આ ભારતીય રાષ્ટ્રીય આર્મી (આઈએનએ)ના લડવૈયા ગૌરવપૂર્વક બતાવે છે હજુ સાચવી રાખેલો હાથમાં રાઇફલ પકડેલો પોતાનો એક પ્રકાશિત થયેલો ફોટો.

Laxmi Panda outside her home
PHOTO • P. Sainath

ઓડિશાના કોરાપુટની જર્જરીત ચાલમાં ભૂલાઇ ગયેલા સ્વતંત્રતા સેનાનીનું ઘર .

લક્ષ્મી  દેશની આઝાદી માટે લડનારા અસંખ્ય ગ્રામીણ ભારતીયો પૈકીનાં એક છે. માત્ર એવા સામાન્ય લોકો કે જેઓ નેતા, પ્રધાનો અથવા રાજ્યપાલ તરીકે પ્રખ્યાત બન્યા નથી. ફક્ત એવા લોકો કે જેમણે ઘણો  ત્યાગ કર્યો હતો અને આઝાદી પછી રોજિંદા જીવનમાં પાછા વળી ગયા. રાષ્ટ્ર તેની 60 મી વર્ષગાંઠ ઉજવે છે ત્યારે મોટાભાગની આ પેઢી  મૃત્યુ પામી છે. જે થોડા ઘણા બાકી રહ્યા છે તેઓ 80 કે 90 ના દાયકાના અંતમાં છે અને ઘણા બીમાર છે અથવા તો તકલીફમાં છે. (લક્ષ્મી પોતે વય જૂથ માટે અપવાદ છે. તે કિશોરી અવસ્થામાં આઈએનએમાં જોડાયેલા હતા, અને હવે તે 80 વર્ષની નજીક  પહોંચવા આવ્યા છે.) સ્વાતંત્ર્ય સેનાનીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે.

ઓડિશા રાજ્ય લક્ષ્મી પાંડાને સ્વાતંત્ર્યસેનાની તરીકે માન્યતા આપે છે, જે તેમને માસિક  700  રુ મેળવવા હક્કદાર ઠેરવે છે. ગયા વર્ષે આમાં 300 રૂ. નો વધારો થયેલો. ઘણા વર્ષોથી, કોઈને ખબર નહોતી કે તેમને પૈસા ક્યાં મોકલવા. જો કે આઇએને ના કેટલાય જાણીતી વ્યક્તિઓ દ્વારા એમના દાવાનું પુષ્ટિકરણ કરાયું હોવા છતાં કેન્દ્ર સરકાર દ્વારા એમના ગણના સ્વાતંત્ર્ય સેનાની તરીકે કરવામાં આવી નથી.  તે કહે છે, "તેઓએ દિલ્હીમાં કહ્યું હતું કે હું જેલમાં નહોતી ગઇ." “અને તે સાચું છે, હું જેલમાં નહોતી ગઇ. પરંતુ તો પછી આઈએનએના ઘણા લડવૈયા જેલમાં ગયા ન હતા. શું તેનો અર્થ એ થાય છે કે અમે સ્વતંત્રતા માટે લડ્યા નથી?  પેન્શન માટે  હું  જૂઠું કેમ બોલુ? "

લક્ષ્મી નેતાજી બોઝની ભારતીય રાષ્ટ્રીય સૈન્યના સૌથી નાના સભ્યોમાંના એક હતા. કદાચ તેઓ એકમાત્ર ઓડિયા મહિલા હતા જેમણે આઈએનએમાં નોંધણી કરાવી અને તે ત્યારના બર્મામાં તેની શિબિરમાં જોડાયા. ચોક્કસપણે તેઓ એક માત્ર હયાત  વ્યક્તિ છે. તેઓ કહે છે કે બોઝે  પોતે તે સમયે તેમને ખૂબ પ્રખ્યાત (કેપ્ટન) લક્ષ્મી સહગલ સાથે મૂંઝવણ ન થાય તે માટે તેમને નવું નામ ઇંદિરા આપ્યું હતું. “એમણે મને કહેલું, 'આ શિબિરમાં તમે ઈન્દિરા છો'. હું વધારે સમજવા માટે નાની હતી. પરંતુ તે પછીથી હું ઇન્દિરા હતી.”

Laxmi Panda

INAમાં રહેલા અમારા જેવા ઘણા જેલમાં ગયા ન હતા તેનો અર્થ શું એમ થાય  કે અમે આઝાદીની લડાઇ નહોતા લડ્યા?’

બર્મામાં રેલ્વેમાં કામ કરતી વખતે લક્ષ્મીના માતાપિતા બ્રિટીશ લશ્કરી હુમલામાં બોમ્બથી માર્યા ગયા હતા. તે પછી “હું બ્રિટિશરો સામે લડવા માંગતી હતી. આઈએનએમાં મારા વરિષ્ઠ ઓડિયા મિત્રો મને કોઈ પણ બાબતમાં સામેલ કરવામાં સૌથી વધુ અચકાતા હતા.  તેઓ કહેતા કે હું ઘણી નાની છું. મેં ગમે તેવા સામાન્ય લાગતા કાર્યમાં પણ મારી ક્ષમતા અનુસાર મને તેમાં જોડવા માટે વિનંતી કરી. મારો ભાઈ નકુલ રથ પણ એક સભ્ય હતો અને તે યુદ્ધમાં ગાયબ થઈ ગયો હતો. વર્ષો પછી, કોઈએ મને કહ્યું કે તે બહાર આવ્યો છે અને ભારતીય સૈન્યમાં જોડાયો છે અને કાશ્મીરમાં છે, પણ હું કેવી રીતે તપાસ કરી શકું?  ઠીક છે, જવા દો , તે અડધી સદી પહેલાની વાત છે.

"શિબિરમાં હું લેફ્ટનન્ટ જાનકીને મળી હતી, અને લક્ષ્મી સહગલ, ગૌરી અને અન્ય પ્રખ્યાત આઈએનએ લડવૈયાઓની પણ જોયેલા," તેઓ યાદ કરતાં કહે છે "યુદ્ધના પાછળના ભાગમાં અમે સિંગાપોર ગયા હતા; મને લાગે છે,બહાદુર જૂથ સાથે." ત્યાં તેઓ આઈ.એન.એ. ના તમિળપક્ષી વલણ ધરાવનાર લોકો સાથે રહી અને ભાષાના થોડા શબ્દો પણ શીખેલા.

પોતાનો મુદ્દો સાબિત કરવા માટે,  તેઓ અમને તમિળમાં તેમનું નામ 'ઈન્દિરા'  લખી બતાવે છે. અને ગૌરવપૂર્વક આઈએનએના ગીતની પહેલી કડી ગાય છે: “કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા. યે જિંદગી હૈ કૌમ કી, તૂ કૌમ પે લુટાયે જા [ચાલ તું એક કદમ. એક કદમ, આગળ કદમ/ગા ખુશીનું ગીત તું,એક કદમ, આગળ કદમ/ દે લૂંટાવી જિંદગી તું કોમની છે કોમ પર]."

આઈએનએ યુનિફોર્મમાં રાઇફલ સાથેના તેમના ફોટો વિશે, તેઓ કહે છે કે "આ ફોટો યુદ્ધ પછી, પુનર્મિલન સમયે અને જ્યારે અમે છૂટા પડતા હતા ત્યારે લેવામાં આવ્યો હતો." થોડા જ સમયમાં, “1951 માં બર્ગમપુરમાં કાગેશ્વર પાંડા સાથે મેં લગ્ન કર્યા અને મારા લગ્નમાં  ઓડિયા આઈ.એન.એ. ના ઘણા બધા સભ્યો પણ હાજર રહયાં.”

તેઓ તેમના જૂના આઈએનએ સાથીઓ સાથેના ભૂતકાળના સંભારણા વાગોળે છે. “હું તેમને યાદ કરું છું. એમને પણ જેમને હું સારી રીતે જાણતી ન હતી, પણ હું ઈચ્છું છું કે હું તેમને ફરીથી જોઈ શકું. તમને ખબર છે, એકવાર મેં સાંભળ્યું હતું કે કટકમાં લક્ષ્મી સહગલનું ભાષણ હતુ, પરંતુ મને જવાનું પોસાય તેમ નહતુ. ઓછામાં ઓછુ એક વાર તેમને જોઈ શકી હોત. મને કાનપુર જવાની એકમાત્ર તક હતી - તે સમયે હું બીમાર પડી ગઇ હતી. હવે  આવી તક ફરીથી ક્યારે મળી શકશે? ”

1950 ના દાયકામાં, તેના પતિને ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યું “અને અમે હિરાકુડ નજીક કેટલાક વર્ષો સુધી કામ કર્યું. તે સમયે, હું ખુશ હતી અને મારે પોતાને જીવનનિર્વાહ માટે મજૂરી કરવાની જરૂર નહોતી. પરંતુ 1976 માં તેમનું મૃત્યુ થયું અને મારી મુશ્કેલીઓ શરૂ થઈ. ”

લક્ષ્મીએ દૂકાનમાં મદદનીશ તરીકેનું , મજૂર તરીકેનું , અને ઘરકામમાં મદદનું એવા ઘણા કામો કાર્ય છે. અને હંમેશા સાવ ઓછા પૈસાના બદલામાં,  , મજૂર કામ કરનાર અને ઘરેલું નોકર તરીકે વિવિધ કામ કરે છે. હંમેશાં પિટનેસ માટે. એ એક દારૂડિયા દીકરા સાથે રહે છે જેને  ઘણા બાળકો છે ને બધાંની હાલત ખરાબ છે.

Laxmi Panda showing her old photos
PHOTO • P. Sainath

લક્ષ્મી પાંડા અમને રાઇફલ સાથે આઈએનએ યુનિફોર્મમાં પોતાનો ફોટો બતાવે છે.

તે કહે છે, “મેં કોઇ માંગણી કરી નથી.” “હું મારા દેશ માટે લડી છું, ઈનામ માટે નહીં. મેં મારા પરિવાર માટે કાંઈ માંગ્યું નથી. પરંતુ હવે, આ પ્રકરણના અંતે, હું આશા રાખું છું કે બીજું કંઈ નહીં તો મારા યોગદાનને માન્યતા આપવામાં આવશે. ”

જયારે કથળતી તબિયત અને ગરીબીએ તેમને થોડા વર્ષો પહેલા કચડી નાખ્યા હતા ત્યારે જયપુરના યુવાન પત્રકાર પરેશ રથે તેમની કથા લોકોની સામે રજૂ  કરી હતી.  રથે  તેમને પોતાના ખર્ચે ઝૂંપડપટ્ટીમાંથી તેના એક ઓરડાના રહેવાસમાં ખસેડી અને તેમની તબીબી જરૂરિયાતોનું પણ ધ્યાન રાખ્યું હતું. પાંડા તાજેતરમાં એક બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. પુત્રની આદતો વિષે એમના સંશય છતાં પણ તેઓ હાલ તેમના પુત્રના ઘરે છે. રથ પછી બીજા ઘણા લોકોએ એમના વિષે લખ્યું અને એક રાષ્ટ્રીય સામાયિકના મુખપૃષ્ઠ સુધી પહોંચી.

રથ કહે છે, “અમે જ્યારે પહેલી વખત લખ્યું ત્યારે તેમને થોડી મદદ મળી. કોરાપુટના તત્કાલીન કલેક્ટર ઉષા પાધી સહાનુભૂતિભર્યા હતા. તે્મણે લક્ષ્મીને 10,000 રૂ. તબીબી સહાય તરીકે રેડ ક્રોસ ફંડમાંથી અપાવ્યા, અને તેમને થોડી સરકારી જમીન આપવાની ખાતરી પણ આપી હતી. પરંતુ પાધીની બદલી થઇ જતા તેઓ આ જિલ્લો છોડીને જતા રહ્યા.  બંગાળના કેટલાક લોકોએ તેમને થોડુ દાન પણ મોકલ્યુ હતું.” જો કે, આ બધુ ટૂંક સમયમાં પતી ગયું અને તે ફરીથી જ્યાં હતા ત્યાં જ આવી ગયા. રથ જણાવે છે કે “આ માત્ર પૈસાની બાબત નથી. જો તેમને કેન્દ્રીય પેન્શન મળે, તો પણ તે કેટલા વર્ષો સુધી તેનો આનંદ લેશે? તે તેમના માટે ખરેખર ગૌરવ અને સન્માનની વાત છે. પરંતુ કેન્દ્ર સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ”

ઘણા નિરાશાજનક પ્રયાસો બાદ ગયા વર્ષના અંતમાં લક્ષ્મીને આ જિલ્લાના પંજિયાગુડા ગામે સરકારી જમીનનો ટુકડો ફાળવવામાં આવ્યો હતો. પરંતુ તે હજુ પણ રાહ જુએ છે સરકારની યોજના હેઠળ તેના પર પોતાના ઘરની. હાલના તબક્કે, રથે તેના જૂના મકાનની બાજુમાં એક સારો રૂમ બનાવવા માટે ભંડોળ પૂરું પાડ્યું છે અને ટૂંક સમયમાં જ તેને તેમાં રહી શકવાની આશા છે.

તેમને હવે  સ્થાનિક સ્તરે થોડી ઓળખ મળી  છે. તેના કેસને માહિતગાર કરવા માટે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે. “કાલે,” 14 ઓગસ્ટે તેમણે મને કહ્યું, “હું અહીંની દિપ્તી સ્કૂલમાં ધ્વજ ફરકાવીશ. તેઓએ મને પૂછ્યું. " તેમને એના પર ગર્વ છે, પરંતુ તેમને ચિંતા છે કે તેમની પાસે “સમારંભમાં પહેરવા યોગ્ય સાડી” નથી.

દરમિયાન, વૃદ્ધ આઇએનએ સૈનિક તેની આગામી લડતની યોજના બનાવે છે. “નેતાજીએ કહ્યું હતું ‘ દિલ્હી ચલો [દિલ્હી તરફ ].’ જો કેન્દ્ર 15 ઓગસ્ટ સુધી મને સ્વાતંત્ર્ય સેનાની તરીકે ન સ્વીકારે તો હું આવુ જ કરીશ. હું સંસદમાં ધરણા પર બેસીશ, ” વૃદ્ધ મહિલા કહે છે. " દિલ્હી ચલો,  હું તે જ કરીશ."

અને તે આમ કરશે જ, કદાચ લગભગ છ દાયકા મોડુ. પરંતુ  હૃદયમાં આશા સાથે, જેમ તેઓ ગાય છે, “કદમ, કદમ, બઢાયે જા…”

ફોટાઃ પી. સાંઇનાથ

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Chhaya Vyas

Chaaya Vyas is a teacher and translator based in Ahmedabad. She has a keen interest in Maths and Science. She loves reading and travelling.

Other stories by Chhaya Vyas