અને તેથી ગ્રામીણ ભારતનું પીપલ્સ આર્કાઈવ (પીપલ્સ આર્કાઈવ ઓફ રુરલ ઈન્ડિયા) આજે સાત વર્ષનું થાય છે. અમે મહામારી અને તેના લોકડાઉનને માત્ર ખમી ગયા જ નથી- એ સમયગાળામાં અમે અમારું અત્યાર સુધીનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.

ગયા વર્ષે લોકડાઉનના પહેલા જ દિવસે ભારત સરકારે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક એમ બંને માધ્યમોને આવશ્યક સેવા તરીકે જાહેર કર્યા. એ સારું  પગલું હતું. ભારતીય જનતાને પત્રકારત્વ અને પત્રકારોની એ વખતે જેટલી જરૂર હતી તેનાથી વધુ જરૂર ક્યારેય નહોતી પડી. જે વાત ઉપર લોકોની જિંદગી અને આજીવિકા નિર્ભર હતી તે વિષે વાર્તાઓ કહેવાની હતી. પરંતુ આ દેશના મોટા-મોટા પ્રસાર માધ્યમોએ કેવી રીતે પ્રતિક્રિયા આપી? 2000 થી 2500 પત્રકારો અને 10000 થી વધુ બિન-પત્રકાર પ્રસાર-માધ્યમકર્મીઓને પાણીચું પકડાવીને.

તો પછી તેઓ મોટી વાર્તાઓ કેવી રીતે કહેવાના હતા? – તેમના કેટલાક શ્રેષ્ઠ ખબરપત્રીઓથી છૂટકારો મેળવીને? અન્ય હજારો પ્રસાર-માધ્યમકર્મીઓના - જેમની છટણી કરવામાં આવી નહોતી તેમના - પગારમાં 40 થી 60 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો. પત્રકારો દ્વારા મુસાફરી કરવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેમનું સ્વાસ્થ્ય જાળવવા માટેની સાવચેતી તરીકે નહીં, પણ ખર્ચા ઘટાડવા માટે. અને આવા જે અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા, ખાસ કરીને 25 મી માર્ચ, 2020 પછીના પહેલા બે અઠવાડિયામાં, તે મોટાભાગે શહેરો અથવા મોટા નગરો  પૂરતા સીમિત હતા.

એપ્રિલ 2020 થી પારી (PARI) એ તેના કર્મચારીઓના જૂથમાં વધુ 11 લોકોની નિમણૂક કરી, કોઈના પણ પગારમાંથી એક પૈસો ય ન કાપ્યો. અને ઓગસ્ટ 2020 માં અમારા લગભગ તમામ કર્મચારીઓને પ્રમોશન અને પગાર વધારો આપ્યા.

અમારા અન્ય ફળદાયી રહેલા રિપોર્ટિંગ ઉપરાંત પારીએ - મહામારી શરૂ થઈ ત્યારથી, લોકડાઉન હેઠળ આજીવિકા એ એક જ વિષયવસ્તુ પર આધારિત 270 (મોટાભાગે મલ્ટીમીડિયા) વાર્તાઓ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અહેવાલો પ્રકાશિત કર્યા. આ વાર્તાઓ અમે 23 રાજ્યોમાંથી, દેશના લગભગ દરેક મોટા પ્રદેશોમાંથી, સ્થળાંતરિતો જે ગામોમાં પાછા ફરી રહ્યા હતા તે ગામો સહિતના બીજા ગામોમાંથી તૈયાર કરી હતી, તે માટે લોકડાઉન દરમિયાન પત્રકારો પરિવહનની જે કંઈ વ્યવસ્થા કરી શક્યા તે કરીને સેંકડો કિલોમીટરની મુસાફરી કરી રહ્યા હતા. આ વાર્તાઓ પર તમને 65 થી વધુ જુદા જુદા પત્રકારોના નામ (બાયલાઇન્સ) મળશે.  પારીએ 25 મી માર્ચ, 2020 રોજ સ્થળાંતરિત કામદારોને શોધવા જવાની જરૂર નહોતી, અહીં તો મહામારી પહેલા વર્ષોથી એમને (એમના વિષયક અહેવાલોને) આવરી લેવામાં આવતા  હતા.

અમારા વાચકો તો જાણે પરિચિત છે પણ, અને જેઓ નથી જાણતા એ સૌએ જાણવું જોઈએ કે, પારી એ પત્રકારત્વ માટેનો મંચ અને જીવંત, ધબકતી આર્કાઇવ બંને છે. અમારી પાસે ગ્રામીણ ભારત પરના લેખો, અહેવાલો, લોક સંગીત, ગીતો, ફોટોગ્રાફ્સ અને ફિલ્મોનો સૌથી મોટો ઓનલાઈન સંગ્રહ છે અને વિશ્વમાં ક્યાંય પણ ગ્રામીણ વિસ્તારો સંબંધિત સૌથી મોટા સંગ્રહોમાંનો એ એક છે. પારીનું પત્રકારત્વ રોજિંદા લોકોના રોજિંદા જીવનના અહેવાલ પર આધારિત છે, અને 833 મિલિયન ગ્રામીણ ભારતીયોના અવાજોમાં અને તેમના જીવંત અનુભવ દ્વારા કહેવાતી વાર્તાઓ પર આધારિત છે.

PHOTO • Zishaan A Latif
PHOTO • Shraddha Agarwal

અમે પારી પર મહામારી-લોકડાઉન દરમિયાન અમારું અત્યાર સુધીનું કેટલુંક શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, જેમાં મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય (ડાબે) પર ચાલી રહેલી પુરસ્કાર-વિજેતા શ્રેણી અને હવે પાછા ખેંચાયેલા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલન (જમણે)ના વિગતવાર કવરેજનો સમાવેશ થાય છે

અસ્તિત્વના પહેલા  84 મહિનામાં પારીએ 42 પુરસ્કારો જીત્યા છે – સરેરાશ દર 59 દિવસે એક પુરસ્કાર. આમાંથી 12 આંતરરાષ્ટ્રીય પુરસ્કારો છે. અને લોકડાઉનના સમયગાળા દરમિયાન પ્રકાશિત કરવામાં આવેલ વાર્તાઓ માટે કુલ 16 પુરસ્કારો જીત્યા હતા. એપ્રિલ 2020 માં યુનાઇટેડ સ્ટેટ્સ લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસે અમને જણાવ્યું કે તેઓએ પારીને તેમના વેબ આર્કાઇવ્સમાં સમાવેશ કરવા માટે પસંદ કર્યું છે. તેઓએ કહ્યું કહ્યું કે, "અમે તમારી વેબસાઇટને આ સંગ્રહ અને ઐતિહાસિક નોંધણીનો એક મહત્વપૂર્ણ ભાગ માનીએ છીએ."

પારીએ દેશના 12 રાજ્યોમાંથી મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય ( વિમેન્સ રિપ્રોડક્ટિવ હેલ્થ ) પર પુરસ્કાર વિજેતા શ્રેણી પણ પ્રકાશિત કરી છે, ખાસ કરીને એવા રાજ્યોમાંથી જ્યાં આ ક્ષેત્રમાં મહિલાઓના અધિકારો નજીવા  છે. હાલ ચાલી રહેલી આ શ્રેણીની કુલ 37 વાર્તાઓમાંથી 33 મહામારી ફાટી નીકળ્યા પછી અને લોકડાઉન દરમિયાન તૈયાર કરવામાં આવી હતી અને પ્રકાશિત કરવામાં આવી હતી. આ શ્રેણી મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય અધિકારો પરનું પત્રકારત્વના ક્ષેત્રમાં થયેલું સૌથી પહેલું રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ રજૂ કરે છે જેમાં ગ્રામીણ મહિલાઓના પોતાના નિવેદનોની મદદથી વાર્તાઓ તૈયાર કરવામાં આવી છે.

સૌથી મુશ્કેલ સમયમાં અમે કરેલા કામે અમારા વાચકોની સંખ્યા લગભગ 150 ટકા વધેલી જોઈ અને ઈન્સ્ટાગ્રામ (Instagram) જેવા અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ફોલોઅર્સ લગભગ 200 ટકા વધ્યા છે. મહત્ત્વની વાત એ છે કે ઈન્સ્ટાગ્રામ પરના પારીના વાચકોએ અમે પ્રકાશિત કરેલા વાર્તાઓમાંના લોકોને લાખો રૂપિયાની મદદ - સીધી જ - મોકલી હતી.

આ બધાની સાથે-સાથે અમે હવે પાછા ખેંચાયેલા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોના આંદોલન વિષે 25 પત્રકારો અને ફોટોગ્રાફરો દ્વારા તૈયાર કરાયેલ 65 વિગતવાર વાર્તાઓ અને 10 મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ પ્રકાશિત કર્યા છે. આ એ પ્રકારની વાર્તાઓ છે જે તમને 'મુખ્ય પ્રવાહના પ્રસાર માધ્યમોમાં'માં મળવાની શક્યતા નથી. અને આ વાર્તાઓ માત્ર દિલ્હીના દરવાજેથી જ નહીં, પરંતુ અડધા ડઝન રાજ્યોના બીજા કેટલાય પ્રદેશોમાંથી આવેલી છે .

અમારી વાર્તાઓએ, આ ઐતિહાસિક આંદોલનમાં ભાગ લઇ રહેલા ખેડૂતો કોણ હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા, તેમની ખેતીની સ્થિતિ શું હતી, તેઓ શું માગણી કરી રહ્યા હતા, એવા કયા કારણોને લીધે તેઓને આમ એક વર્ષ કે તેથી વધુ સમય માટે એમના કુટુંબ કબીલાને છોડીને  દિલ્હીમાં આવીને પડાવ નાખવાની ફરજ પડી, આ તમામ પાસાઓ પર નજર નાખી હતી. અમે લોબિસ્ટ અથવા ચુનંદા થિંક ટેન્કના (નિષ્ણાતોના) અવાજને આગળ નહોતા કર્યા - પરંતુ સામાન્ય ખેડૂતોના અવાજને પ્રાધાન્ય આપ્યું હતું. એ પારી હતું જેણે એક મહામારી વચ્ચે ઊભા થયેલા આ આંદોલનનો ઉલ્લેખ છેલ્લા ઘણા વર્ષોમાં વિશ્વએ જોયેલા સૌથી મોટા, શાંતિપૂર્ણ, લોકશાહી વિરોધ તરીકે કર્યો હતો.

PHOTO • Vandana Bansal

પારીના વ્યાપક અનુવાદોને કારણે વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ સહિત વાચકો અમારી વાર્તાઓ બહુવિધ ભાષાઓમાં વાંચી શકે છે (ડાબે). અસ્તિત્વના એક વર્ષમાં PARI એજ્યુકેશને જુદા જુદા 63 સ્થળોના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ 135 લેખ (જમણે) પ્રકાશિત કર્યા છે

ડિસેમ્બર 2014માં માત્ર અંગ્રેજીમાં શરૂ કરાયેલ પારી હવે 13 ભાષાઓમાં લગભગ એકસાથે પ્રકાશિત કરે છે – અને તેમાં વધુ (ભાષાઓનો) ઉમેરો કરશે. અમે સમાનતામાં માનીએ છીએ, એટલે કે, અમારી પાસે એક ભાષામાં આવતી કોઈપણ વાર્તા તમામ 13 ભાષામાં પ્રકાશિત થવી જોઈએ. અમે માનીએ છીએ કે ભારતીય ભાષાઓ ગ્રામીણ ભારતનો આત્મા છે અને દરેક ભારતીય ભાષા તમારી ભાષા છે અને હવે અમે કોઈ પણ જગ્યાએ પત્રકારત્વની બીજી કોઈ પણ વેબસાઈટ  કરતા સૌથી મોટો અનુવાદ કાર્યક્રમ ચલાવીએ છીએ. અમારા અનુવાદકોમાં છે ડૉક્ટરો, ભૌતિકશાસ્ત્રીઓ, ભાષાશાસ્ત્રીઓ, કવિઓ, ગૃહિણીઓ, શિક્ષકો, કલાકારો, પત્રકારો, લેખકો, ઇજનેરો, વિદ્યાર્થીઓ, અને અધ્યાપકો. સૌથી વયસ્ક 84 વર્ષના છે અને સૌથી યુવાન 22 વર્ષના. ઘણાં ભારતની બહાર વસેલાં છે.  ઘણાં દેશના દૂર-દૂરનાં સ્થળોએ રહે છે, જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઘણી નબળી હોય છે.

પારી સૌને આવકારે છે. પારી તેની સામગ્રી માટે કોઈ સબ્સ્ક્રિપ્શન ફી લેતું નથી. કોઈ લેખ પે વૉલ પાછળ છુપાવેલા નથી. અને અમે કોઈ જાહેરાત પ્રકાશિત કરતા નથી. યુવાનોને જાહેરાતોથી ભરમાવી દઈ કૃત્રિમ જરૂરિયાતો અને ઇચ્છાઓ ઊભી કરતા (અને બિન-આવશ્યક ઉત્પાદનો ખરીદવા પ્રેરતા) ઘણા બધા પ્રસાર માધ્યમો પહેલેથી જ અસ્તિત્વમાં છે. તેમાં ઉમેરો શા માટે કરવો? અમારા લગભગ 60 ટકા વાચકો 34 વર્ષથી ઓછી ઉંમરના છે - અને તેમાંથી લગભગ 60 ટકા 18-24 વર્ષની વય જૂથના છે. અમે જેમની સાથે કામ કરીએ છીએ તેમાંના  ઘણા પત્રકારો અને લેખકો અને ફોટોગ્રાફરો પણ આ જ વય જૂથના છે.

અમારો સૌથી યુવા  વિભાગ, પારી એજ્યુકેશન , અસ્તિત્વના એક જ વર્ષમાં, ભવિષ્ય માટેના પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના અમારા બીજા લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. 95 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણ ક્ષેત્રની 17 સંસ્થાઓ પારીનો ઉપયોગ પાઠ્યપુસ્તક તરીકે અને ગ્રામીણ ભારત વિશે જાણવાના અને શીખવાના સાધન તરીકે કરી રહી છે. હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો સાથે વિદ્યાર્થીઓ સીધા જોડાઈ શકે તેવો પારી-કેન્દ્રિત અભ્યાસક્રમ તૈયાર કરવા માટે આમાંની 36 થી વધુ સંસ્થાઓ અમારી સાથે કામ કરી રહી છે. પારી એજ્યુકેશને અત્યાર સુધીમાં જુદા જુદા 63 સ્થળોના વિદ્યાર્થીઓ દ્વારા - ખેતીની સમસ્યાઓ, અદૃશ્ય થતી આજીવિકા, લિંગ સમસ્યાઓ વિગેરે વિષયો પર - તૈયાર કરાયેલા 135 અહેવાલો પ્રકાશિત કર્યા છે. જાન્યુઆરી 2021 થી પારી એજ્યુકેશને ભારતની ટોચની યુનિવર્સિટીઓ તેમજ દૂર-દૂરની ગ્રામીણ શાળાઓમાં 120 થી વધુ ઑનલાઇન વાર્તાલાપ અને વર્કશોપનું આયોજન કર્યું છે.

પારી માટે ‘ગ્રામીણ’ (રૂરલ) એ રમ્ય અને શાંતિભર્યા જીવનનો  ચિતાર આપતો, બિનવાસ્તવિક, રુપકડો ભારતીય ગ્રામ્ય વિસ્તાર નથી,  નથી એ સાંસ્કૃતિક પ્રથાઓનું ગૌરવપૂર્ણ મિશ્રણ કે નથી એ જૂની જીવનશૈલીની યાદોને તાજી કરતું જીવન જીવવાનો નોસ્ટાલ્જિક વિચાર જેને પસંદ કરવાની અને પ્રદર્શિત કરવાની જરૂર છે. પારીની મજલ એ જટિલતાઓ અને બહિષ્કૃતિની શોધ માટેની છે   જેના પર ગ્રામીણ ભારતનું નિર્માણ થયું છે. ગ્રામીણ ભારતનું આ ચિત્ર જેટલું સુંદર અને તેજસ્વી છે એટલું જ પાશવી અને નિષ્ઠુર પણ છે. પારીમાં કામ કરતા અમારા સૌને માટે પારી એ સતત ચાલતું શિક્ષણ છે - સામાન્ય ભારતીયોના જ્ઞાન અને કૌશલ્યોનો અમે આદર કરીએ છીએ. વર્તમાન સમયના કેટલાક સૌથી નિર્ણાયક મુદ્દાઓ વિષયક અમારું વાર્તાલેખન અમે સામાન્ય ભારતીયોના અવાજ અને જીવંત અનુભવની આસપાસ કેન્દ્રિત કરીએ છીએ તેનું આ પણ એક કારણ છે.

PHOTO • Rahul M.
PHOTO • P. Sainath

આબોહવા પરિવર્તન પરની અમારી પુરસ્કાર-વિજેતા શ્રેણી (ડાબે) આ વિષય પરનો અહેવાલ રોજબરોજના લોકોના નિવેદનો અને જીવંત અનુભવો દ્વારા આપે છે અને અમે ભારતના છેલ્લા જીવિત સ્વાતંત્ર્ય સેનાનીઓ પરનો અમારો અનોખો વિભાગ સતત વિસ્તૃત કરી રહ્યા છીએ. (જમણે)

આબોહવા પરિવર્તન ( ક્લાઈમેટ ચેન્જ ) પરની અમારી પુરસ્કાર-વિજેતા શ્રેણી યુએનડીપી (UNDP) દ્વારા પુસ્તક તરીકે પ્રકાશિત કરવામાં આવનાર છે. આ શ્રેણી ખેડૂતો, શ્રમિકો, માછીમારો, વનવાસીઓ, દરિયાઈ વનસ્પતિની કાપણી કરનારાઓ, વિચરતા પશુપાલકો, મધ એકઠું કરનારા, જીવજંતુ પકડનારાઓ વિગેરેના નિવેદનો અને જીવંત અનુભવોને આધારે આ વિષય પરનો અહેવાલ આપે છે. અમે નાજુક પર્વતીય ઇકોસિસ્ટમ્સથી માંડીને  જંગલો, સમુદ્રો, દરિયાકાંઠાના વિસ્તારો, નદીના તટપ્રદેશ, કોરલ ટાપુઓ, રણ, શુષ્ક અને અર્ધ-શુષ્ક ક્ષેત્રો બધું જ અમારા અહેવાલોમાં સમાવ્યું છે.

પરંપરાગત પ્રસાર માધ્યમમાં થતું અમૂર્ત અને ક્લિષ્ટ શબ્દો વાપરીને થયેલું કવરેજ વાચકોને પ્રક્રિયાથી વિમુખ કરે  છે - પરંપરાગત પ્રસાર માધ્યમો એક પ્રકારની પ્રતિકૃતિ ઊભી કરે છે જેને પરિણામે આબોહવા પરિવર્તનનો અર્થ માત્ર એન્ટાર્કટિક ગ્લેશિયર્સનું પીગળવું, અથવા એમેઝોનના વરસાદી જંગલોનો વિનાશ અથવા ઑસ્ટ્રેલિયામાં બુશફાયરમાં જ સમાઈ જાય છે કે પછી આંતર-સરકારી પરિષદોમાં થયેલ વાટાઘાટો, અથવા મહત્વપૂર્ણ પરંતુ સમજી ન શકાય તેવા આઈપીસીસી (IPCC) અહેવાલો પૂરતો સીમિત રહી જાય છે. પારીના પત્રકારો વાચકોને એવી રીતે વાર્તાઓ કહે છે જેથી તેઓ આબોહવા પરિવર્તનની સમસ્યાનું તેમના પોતાના રોજિંદા જીવન સાથેનું ખૂબ નજીકનું અનુસંધાન સમજી શકે છે.

દેશ તેની સ્વતંત્રતાના 75મા વર્ષમાં છે ત્યારે અમે ભારતના છેલ્લા જીવિત સ્વાતંત્ર્ય સેનાનીઓ પરનો અમારો અનોખો વિભાગ લેખ, વિડિયો અને ઓડિયો માધ્યમ દ્વારા સતત વિસ્તૃત કરી રહ્યા છીએ. આવનારા 5-7 વર્ષોમાં (સ્વાતંત્ર્ય સેનાનીઓની) એ સુવર્ણ પેઢીમાંથી કોઈ પણ (જીવિત) રહ્યું નહીં હોય અને ભારતના બાળકો આ રાષ્ટ્રની સ્વતંત્રતા અને આઝાદીની લડતના કોઈ સાચા યોદ્ધાને ક્યારેય જોઈ કે સાંભળી નહિ શકે કે ન તો તેઓની સાથે ક્યારેય વાત માંડી શકે. પારી પર તેઓ તેમને સાંભળી શકશે, તેમને જોઈ શકશે, આપણી સ્વતંત્રતાની લડત ખરેખર શેને માટે હતી તેની વાત એ યોદ્ધાઓ તેમના પોતાના શબ્દોમાં માંડતા હશે એ સાંભળી શકશે.

અમે ખૂબ જ મર્યાદિત સંસાધનો ધરાવતો ખૂબ જ યુવા પ્રસાર-માધ્યમ મંચ ભલેને હોઈએ  - પરંતુ અમે ભારતીય પત્રકારત્વના ક્ષેત્રમાં સૌથી મોટો ફેલોશિપ કાર્યક્રમ ચલાવીએ છીએ. (કુદરતી-ભૌતિક અને ઐતિહાસિક રીતે વિકસિત) 95 વિસ્તારોમાંના - અને એ વિસ્તારોની અંદરના ગ્રામીણ વિસ્તારોમાંના -  દરેકમાંથી અને તે દરેક વિસ્તાર વિષે લખતો હોય એવો એક ફેલો પારીમાં હોય એ અમારું લક્ષ્ય છે. અત્યાર સુધીમાં (ફેલોશિપ કાર્યક્રમ હેઠળ પસંદ કરાયેલા) અમારા 30 ફેલોમાંથી અડધાથી વધુ મહિલાઓ છે, અને કેટલાક લઘુમતીઓમાંથી તો કેટલાક પરંપરાગત રીતે પ્રસાર-માધ્યમોમાંથી અને પ્રસાર-માધ્યમો દ્વારા બાકાત રાખવામાં આવેલા સમાજના વર્ગોમાંથી છે.

આ 7 વર્ષોમાં અમારી સાથે પારીમાં કુલ 240 ઇન્ટર્ન કામ કરી ચૂક્યા છે, જેમાંથી 80 ઇન્ટર્ન પારી એજ્યુકેશનમાં છે, અને પારીમાં 2-3 મહિના તાલીમ લેવામાં ગાળી આ ખૂબ જ અલગ પ્રકારનું પત્રકારત્વ શીખી રહ્યાં છે.

PHOTO • Supriti Singha

પારી પાસે ગરીબ મહિલાઓ દ્વારા રચાયેલા અને ગવાયેલા ગીતોનો વિશ્વની કોઈપણ ભાષામાં હોય તેથી વધુ વિશાળ સંગ્રહ છે, ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ (ડાબે), અને અમારો ફેસિસ પ્રોજેક્ટ્સ આ દેશના લોકોના ચહેરાઓની વિવિધતાને રજૂ કરવાનો પ્રયાસ કરે છે (જમણે)

અમારી પાસે ખૂબ વૈવિધ્યસભર સંસ્કૃતિઓ, ભાષાઓ, કલા સ્વરૂપોનો સંગ્રહ પણ છે. અમારી પાસે ગરીબ મહિલાઓ દ્વારા રચાયેલા અને ગવાયેલા ગીતોનો વિશ્વની કોઈપણ ભાષામાં હોય તેથી વધુ વિશાળ સંગ્રહ છે. એ છે ગ્રામીણ મહારાષ્ટ્રની મહિલાઓ અને કર્ણાટકના કેટલાક ગામડાઓની મહિલાઓ દ્વારા રચાયેલા અને ગવાયેલા 11,0000 ગીતો સાથેનો ગ્રાઇન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટ . અમારા એક સમર્પિત જૂથે અત્યાર સુધીમાં તેમાંથી 69,000 થી વધુ ગીતોનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.

લોકકલા અને સંગીત, કલાકારો અને કારીગરો, સર્જનાત્મક લેખન અને કવિતાના અમારા કવરેજનો અર્થ એ છે કે અમે સમગ્ર ભારતના બહુવિધ પ્રદેશોમાંથી આવતી વાર્તાઓ અને વિડિયોનો મોટો સંગ્રહ તૈયાર કર્યો છે. અમારી પાસે ભારતીય ગ્રામ્ય વિસ્તારોના છેલ્લા 2-3 દાયકા દરમિયાન લીધેલા 10,000 બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સની કદાચ એક માત્ર આર્કાઇવ પણ છે. આમાંના મોટાભાગના ફોટા કામ કરી રહેલા લોકોના છે જો કે કેટલાક ફોટામાં આરામ કરતા લોકો પણ જોવા મળે છે.

અમને અમારા ફેસિસ (FACES) પ્રોજેક્ટ પર ખૂબ ગર્વ છે જે આ દેશના લોકોના ચહેરાઓની વિવિધતાને રજૂ કરવાનો પ્રયાસ કરે છે. આ પંકાયેલી વ્યક્તિઓ કે નેતાઓના નહીં પણ રોજબરોજના લોકોના ચહેરા છે. દેશના દરેક જિલ્લા અને બ્લોકમાંથી આવા ચહેરાઓના ફોટોગ્રાફ હોય તેવું લક્ષ્ય  છે. અત્યાર સુધી આ સંગ્રહમાં 220 જિલ્લાઓ અને 629 બ્લોકમાંથી 2756 ચહેરાઓના ફોટોગ્રાફ છે જે  ભારતભરમાંથી 164 ફોટોગ્રાફરો દ્વારા લેવામાં આવ્યા છે, જેમાંના કેટલાક સ્નાતક કક્ષાનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ પણ છે. પારીએ છેલ્લા સાત વર્ષોમાં એકંદરે 576 ફોટોગ્રાફર્સનું કામ રજૂ કર્યું  છે.

અમારું અનન્ય પુસ્તકાલય તમને પુસ્તકો ઉધાર નથી આપતું - તે તમને (પુસ્તકો/ ઉપલબ્ધ સામગ્રી) વિના મુલ્યે આપે છે. પારી પુસ્તકાલયમાંના કોઈપણ મહત્વપૂર્ણ અહેવાલો, દસ્તાવેજો, કાયદાઓ, આઉટ-ઓફ-પ્રિન્ટ પુસ્તકો પણ - યોગ્ય સૌજન્ય સ્વીકાર  સાથે - વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે, પ્રિન્ટ કરી શકાય છે અને ઉપયોગમાં લઈ શકાય છે. અમે ક્રિએટીવ કોમન્સ 4.0 હેઠળ કાર્ય કરીએ છીએ. પારી હેલ્થ આર્કાઇવ પણ આ પુસ્તકાલયનો એક એટલો જ અનોખો વિભાગ છે, આ વિભાગ અમે મહામારીના પહેલા વર્ષમાં શરૂ કર્યો હતો અને તેમાં હવે 140 મહત્વપૂર્ણ આરોગ્ય સંબંધિત અહેવાલો અને દાયકાઓ જૂના દસ્તાવેજો છે પણ સાથે-સાથે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં આ ક્ષેત્રમાંના છેલ્લામાંછેલ્લા અહેવાલો અને દસ્તાવેજોનો પણ અહીં સમાવેશ થયેલ છે.

પારી - સરકારી અને કોર્પોરેટની માલિકી અથવા નિયંત્રણ - બંનેથી મુક્ત છે  અને અમે કોઈ જાહેરાત પ્રકાશિત કરતા નથી. તે અમારી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે - તેનો અર્થ એ પણ છે કે અમે તમારા તરફથી, અમારા વાચકો તરફથી મળતા યોગદાન અને દાન પર આધાર રાખીએ છીએ. અને આ માત્ર કહેવા ખાતર કહેવાની વાત નથી. જો તમે મદદ માટે આગળ નહીં આવો તો અમારે માટે મુશ્કેલી સર્જાશે. મહેરબાની કરીને આપનો ફાળો આપો , અમારી સ્વતંત્રતાનું રક્ષણ કરો - ગુણવત્તાસભર પત્રકારત્વને એક મોકો આપો.

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik