આજે આપણે પારીના 170થી વધુ અનુવાદકોની અનોખી ટીમની અદભૂત સિદ્ધિની ઉજવણી કરવાના છીએ --  જેમાંના 45 જેટલા અનુવાદકો દર મહિને કાર્યરત હોય છે. અને આ વિષયમાં આપણે સારી સંગતમાં છીએ. યુનાઇટેડ નેશન્સ પણ 30મી સપ્ટેમ્બરની ઉજવણી આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ તરીકે કરે છે.

યુએન આ વિષે વાત કરતાં કહે છે કે, "આ દિવસ રાષ્ટ્રોની વચ્ચેનું અંતર દૂર કરવામાં, એક સંવાદ શરુ કરવામાં, સમજણ અને સહકાર વધારવામાં, તેમજ વિકાસમાં યોગદાન કરવામાં મહત્વનો ફાળો ભજવતા ભાષાકર્મીઓને બિરદાવવાની એક તક છે..." અને તેથી અમે આજે પત્રકારત્વની બીજી કોઈપણ  વેબસાઈટમાં ના જોવા મળે તેવી એવી આ અનુવાદકોની ટીમને બિરદાવીએ છીએ.

અમારા અનુવાદકોમાં છે ડૉક્ટરો, ભૌતિકશાસ્ત્રીઓ, ભાષાશાસ્ત્રીઓ, કવિઓ, ગૃહિણીઓ, કલાકારો, પત્રકારો, લેખકો, ઇજનેરો, વિદ્યાર્થીઓ, અને અધ્યાપકો. સૌથી વયસ્ક 84 વર્ષના છે અને સૌથી યુવાન 22 વર્ષના. ઘણાં ભારતની બહાર વસેલાં છે.  ઘણાં દેશના દૂરનાં સ્થળોએ રહે છે, જ્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઘણી નબળી હોય છે.

પારી(PARI) આ વ્યાપક અનુવાદનું ધ્યેય કાર્યક્રમ, આપણી મર્યાદાઓ અને સ્તરોની અંદર રહીને, આ રાષ્ટ્રને તેની ભાષાઓના આદર અને સમાન વ્યવહારના રસ્તે થઇ સંગઠિત કરવાનો છે. પારી(PARI)ની સાઇટ પરનો દરેક લેખ 13 ભાષાઓમાં ઉપલબ્ધ છે - અથવા બહુ જલ્દીથી થશે. આ 13 ભાષાઓમાં  ઉપલબ્ધ પારી(PARI)ના લેખનો એક લાક્ષણિક નમૂનો છે: આપણી આઝાદી માટે ભગતસિંહ ઝુગ્ગીયાનની લડત . અને આવું જ કામ અમારી ટીમે લગભગ 6,000 લેખો માટે કર્યું છે, તેમાંના ઘણા મલ્ટીમીડિયા રૂપે છે.

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા કરાયેલું પી. સાંઈનાથના લેખ - 'દરેક ભારતીય ભાષા તમારી ભાષા છે' - નું પઠન

પારી (PARI) ભારતીય ભાષાઓને ખૂબ જ ગંભીરતાથી લે છે - અને તેથી જ ઉદ્દેશ માત્ર અંગ્રેજી પર ધ્યાન કેન્દ્રિત કરી અને લેખોની સંખ્યા વધારવાનો નથી. કારણ એમ કરવાથી આપણે મોટાભાગના ગ્રામીણ ભારતીયોની અવગણના કરીશું, જેમની પાસે અંગ્રેજી સુધી પહોંચવાનો માર્ગ નથી. પીપલ્સ લિંગ્વિસ્ટિક સર્વે ઓફ ઇન્ડિયા આપણને કહે છે કે આ દેશમાં 800 જેટલી ભાષાઓ જીવંત છે. પરંતુ તે એ પણ કહે છે કે છેલ્લાં 50 વર્ષમાં 225 ભારતીય બોલીઓ લુપ્ત થઈ ગઈ છે. અમે માનીએ છીએ કે ભારતની બહુવિધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિઓના કેન્દ્રમાં આ ભાષાઓ છે. અને તેથી માહિતી તેમજ મૂલ્યવાન જ્ઞાન ઉપરનો અધિકાર માત્ર અંગ્રેજી બોલતા વર્ગો પૂરતો સીમિત નથી.

અલબત્ત ઘણાં વિશાળ પ્રસાર માધ્યમો છે - જેમ કે બીબીસી જે 40 ભાષાઓમાં પ્રસારિત થાય છે. પરંતુ તેમાં ઘણી વખત અલગ અલગ ભાષાઓમાં અલગ અલગ સામગ્રી મૂકાય છે. ભારતમાં પણ, કોર્પોરેટ-માલિકીની ચેનલો છે જે ઘણી ભાષાઓમાં સામગ્રી પીરસે  છે. તેમાંની સૌથી મોટી 12 ભાષાઓમાં પીરસે છે.

પારી (PARI) એ ખરા અર્થમાં અનુવાદનો કાર્યક્રમ છે. અંગ્રેજીમાં વેબસાઇટ પર પ્રકાશિત દરેક લેખ  12 અન્ય ભાષાઓમાં ઉપલબ્ધ છે. અને અનુવાદ લેખ પ્રકાશિત થયા બાદ ઓછામાં ઓછા સમયમાં ઉપલબ્ધ થઇ રહ્યા છે. 13 ભાષાઓમાં દરેકના એક સમર્પિત સંપાદક છે. અને અમે ટૂંક સમયમાં છત્તીસગઢી અને સાંથાલીને પણ પ્રકાશિત ભાષાઓની યાદીમાં ઉમેરવાની યોજના બનાવી રહ્યા છીએ.

અગત્યની વાત એ છે કે, પારી(PARI) અનુવાદ એ માત્ર ભાષાની રમત નથી, અથવા જે હોય તેને છેવટે અંગ્રેજીના વાઘા પહેરાવી રજુ કરવાની વાત પણ નથી. આ છે એ સંદર્ભો સુધી પહોંચવાની વાત જે આપણા પરિચિત વિશ્વથી દૂર છે. અમારા અનુવાદકો ભારતના વિચાર સાથે બહુવિધ ભારતીય ભાષાઓમાં જોડાય છે, સંવાદ કરે છે.  અનુવાદ પ્રત્યેનો અમારો અભિગમ શબ્દભંડોળનું ભાષાંતર કરવાનો નથી -તે પદ્ધતિના પરિણામો ઘણી વખત રમૂજભર્યા ગૂગલ અનુવાદોમાં જોઈ શકાય છે. અમારી ટીમ લેખમાં આલેખાયેલા ભાવોને પામવા જે ભાષામાં લેખ લખાયો છે એ ભાષાના સંદર્ભ, સંસ્કૃતિ, બોલીના પ્રયોગો અને સંવેદનોની સૂક્ષ્મ છાયાઓ સુધ્ધાં અનુવાદમાં ઉતારે છે. અને દરેક વાર્તા એક અનુવાદકે અનુવાદિત કાર્ય પછી બીજાની આંખ તળે થઈને આગળ જાય છે, જેથી કરીને ગુણવત્તા વધે ને ભૂલો ઘટે.

PARI નો અનુવાદ કાર્યક્રમ વિદ્યાર્થીઓને જુદી જુદી ભાષાઓમાં વાર્તા વાંચવામાં મદદ કરે છે , અને તેમની ભાષાની સમજણ વધારે છે

અમારા  યુવા PARI એજ્યુકેશન વિભાગે પણ ભારતીય ભાષાઓમાં પોતાની  હાજરી નોંધાવવા  માંડી છે. એવા સમાજમાં જ્યાં અંગ્રેજી પરનું પ્રભુત્વ એક સાધન, એક  હથિયાર બની જાય છે, ત્યાં એક જ લેખનું વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ થવું ઘણી રીતે મદદરૂપ થઇ શકે છે. જેમને ખાનગી ટ્યુશન અથવા મોંઘા ઉપચારાત્મક અભ્યાસક્રમો પરવડી શકતા નથી તેવા વિદ્યાર્થીઓ સહિત,  ઘણાંએ અમને કહ્યું છે કે  આ રીતે તેમને અંગ્રેજી સુધારવામાં મદદ થાય છે. તેઓ તેમની પોતાની માતૃભાષામાં અને પછી અંગ્રેજીમાં (અથવા હિન્દી અથવા મરાઠી… તેઓ કઈ ભાષા સુધારવા માગે છે તેના આધારે) લેખ વાંચી શકે છે. અને આ બધું વિના મૂલ્યે. પારી (PARI) તેની સામગ્રી માટે કોઈ સબ્સ્ક્રિપ્શન ફી અથવા કોઈપણ ફી લેતું નથી.

તમને મૂળભૂત રીતે ભારતીય ભાષાઓમાં તૈયાર થયેલ 300થી વધુ વિડીયો ઇન્ટરવ્યુ, ફિલ્મો, દસ્તાવેજી ફિલ્મો  પણ મળશે - જેમાં હવે અંગ્રેજી અને અન્ય ઉપશીર્ષકો છે.

પારી (PARI) ની સાઈટ હવે આગવી, સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે - હિન્દી, ઓડિયા, ઉર્દૂ, બંગલા અને મરાઠીમાં. તમિલ અને આસામી પણ ટૂંક સમયમાં તેમને અનુસરશે. અને અમે અંગ્રેજી ઉપરાંત હિન્દી, ઉર્દૂ અને તમિલમાં પણ સોશિયલ મીડિયા પર સક્રિય છીએ. ફરીથી, જેટલા વધુ સ્વયંસેવકો અમારી સાથે હશે, તેટલી વધુ ભાષાઓમાં અમે સોશિયલ મીડિયા પર સક્રિય થઈ શકીશું.

અમે વાચકોને અનુરોધ કરીએ છીએ કે તેઓ સ્વૈછિક શ્રમ અને દાન દ્વારા અમને અમારું ફલક વિસ્તારવામાં મદદ કરે. ખાસ કરીને, અમારો આગામી મોટો વિભાગ શરૂ કરવામાં અમારી મદદ કરવા માટે - લુપ્ત થઇ રહેલી ભાષાઓ માટે. આ રીતે વિચારો: દરેક ભારતીય ભાષા તમારી ભાષા છે.

અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Illustrations : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya