ટ્રેન પકડવાની મારી ચિંતા હવે નવી દિલ્હી કાલકા શતાબ્દી સ્પેશ્યલની એક સીટ પર પોરો ખાઈ રહી હતી. જેમ જેમ ટ્રેન કમને ઢસડાતી પ્લેટફોર્મથી ખટાક ખટ કરતી આગળ નીકળી કે મારી આસપાસની તમામ દુનિયા, મારા પોતાના વિચારોની માફક, રેલગાડીના પૈડાના આરામદાયક, એકવિધ, લયમાં ડૂબવા લાગી. ચૂપચાપ. પરંતુ તે જંપી નહીં. તેની બેચેની ટ્રેનની વધતી જતી ગતિ સાથે તાલ મેળવતી રહી.

પહેલા તો, તે તેના દાદાના ઝડપભેર ઝાંખા થઇ રહેલા વાળ પર કાંસકો ફેરવવામાં વ્યસ્ત હતી.  અમે કુરુક્ષેત્ર પહોંચ્યા ત્યાં સુધીમાં તો બારીની બહારનો સૂર્ય કોઈ અણસાર વિના અદૃશ્ય થઈ ગયો હતો . એ હવે ખુરશીના હાથાને એક ક્ષણ ઉપર ઉઠાવતી  બીજી ક્ષણે નીચે ધકેલતી રમત કરી  રહી હતી. વધતા અંધારામાં અમને ડૂબાડી સૂરજ જે પીળા અજવાળાને લઈને ભાગી ગયો હતો એની હું ઝંખના કરી રહ્યો હતો.

પરંતુ ઉતરતા અંધકારની એના વધતા ઉત્સાહ પર કોઈ ખાસ અસર ના પડી. ઘેરા ભૂરા અને સફેદ પટ્ટીવાળા ફ્રોકમાં તે તેની માતાના ખોળામાં ઉભી રહી. એ યુવાન સ્ત્રીએ પછી છોકરીને હાથમાં લઈને ઊંચી કરી, જેથી તે વધુ સારી રીતે આજુબાજુના દ્રશ્યો જોઈ શકે. બાળકીએ ઉપર જોયું અને મેં પણ, તેની નજરોનો પીછો કરતાં. અમારી આંખોએ તેના માથા પર બે  સ્વિચ જોઈ. તે માતાના ખોળામાંથી નાના  કૂદકા લગાવતી રહી અને પહેલાં એક હાથ અને પછી બે અને પછી… યુરેકા!

PHOTO • Amir Malik
PHOTO • Amir Malik

સોનેરી પીળા કિરણોએ તેના ચહેરાને આવરી લીધો. ત્યાં છૂપાયો હતો સૂર્ય, તેની આંખોની અંદર. તે ઉગ્યો ફરી. તેણે બીજી સ્વીચ દબાવી. વધુ અજ્વાળીયા કિરણો તેના શરીરને ઝગમગાવી રહ્યાં. ને ઝરતો રહ્યો પ્રકાશ તેની આંખોમાંથી, તેના સ્મિતમાંથી, અને ખોબો કરીને પીળા બલ્બ નીચે ધરેલી એની નાની હથેળી ને આંગળીઓની વચમાંથી.

અને તેજસભર દ્રશ્યથી અંજાયેલો હું, તેનો સહપ્રવાસી ગણગણી રહ્યો , મેં નિદા ફાઝલીની કેટલીક પંક્તિઓ

બચોં કે છોટે હાથોં કો ચાંદ સીતારે છૂને  દો
દો-ચાર કીતાબીન પઢકર  કર યે ભી હમ જૈસે હો જાયેંગે."

ભૂલકાંઓના નાના હાથોને
ચાંદ ને તારા વીણવા દો
બે ચાર પુસ્તકો જો વાંચ્યા
એ પણ થશે આપણ જેવાં જો

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Amir Malik

Amir Malik is an independent journalist, and a 2022 PARI Fellow.

Other stories by Amir Malik
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya