4 થી મેએ  હરિન્દરસિંહે જ્યારે તેમની સાથે કામ કરતા પપ્પુને છેલ્લા બે મૃતદેહો અંતિમસંસ્કાર માટે તૈયાર કરવા કહ્યું ત્યારે તેમને સ્હેજ પણ ખ્યાલ નહોતો કે તેમના સાથી કામદારો ચોંકી જશે.  તેમની શબ્દોની પસંદગી અસામાન્ય હતી.

“દો લૌંડે લેટે  હુએ  હૈં [બે છોકરા ત્યાં સૂતેલા  છે]” હરિન્દરે કહ્યું:. તેમના ચહેરાની ગંભીરતા જોતાં તેમના સાથી કામદારોનું શરૂઆતનું આશ્ચર્ય રમૂજી હાસ્યમાં ફેરવાઈ ગયું. નવી દિલ્હીના સૌથી વ્યસ્ત સ્મશાનગૃહ - નિગમ બોધ ઘાટ પર નોકરીઓના કંટાળાજનક કામમાં આ એક  રાહતની દુર્લભ ક્ષણ હતી.

પરંતુ હરિન્દરને લાગ્યું કે તેમણે મને અર્થ સમજાવવાની જરૂર હતી. તેઓ સાથી કામદારો સાથે સ્મશાનની ભઠ્ઠીઓ નજીકના એક નાનકડા ઓરડામાં રાતનું ભોજન કરતા હતા. તેમણે એક શ્વાસ લીધો -  નરક જેવી આ કોવિડ મહામારીની પરિસ્થિતિમાં તેઓ શ્વાસ લઈ શકતા હતા એટલા તેઓ ભાગ્યશાળી હતા - અને કહ્યું, “તમે તેને મૃતદેહો કહો છો. અમે તેને લૌંડે [છોકરાઓ] કહીએ. "

પપ્પુએ ઉમેર્યું, "અહીં લાવવામાં આવેલ દરેક વ્યક્તિ કોઈકનો  દીકરો  કે દીકરી  છે, મારા બાળકોની જેમ જ. તેમને ભઠ્ઠીમાં મોકલવું દુ:ખદાયક છે. પરંતુ અમારે તેમના આત્માની સદ્દગતિ માટે એ કરવું પડે છે, ખરું કે નહીં? ”  એક મહિનાથી વધુ સમયથી નિગમ બોધ ખાતે - સી.એન.જી. ભઠ્ઠીઓ અને ખુલ્લી ચિતાઓમાં -  રોજેરોજ 200 થી વધુ મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા.

તે દિવસે 4 થી મેએ નિગમ બોધ ઘાટ પર સીએનજી ભઠ્ઠીઓમાં 35 મૃતદેહોના  અંતિમસંસ્કાર કરવામાં આવ્યા  હતા. કોવિડની બીજી લહેરે દિલ્હીને બાનમાં લીધું હતું ત્યારે એપ્રિલના પહેલા અઠવાડિયાથી રોજના સરેરાશ 45-50 મૃતદેહોના અંતિમસંસ્કારની સરખામણીએ (4 થી મેની 35 ની) આ સંખ્યા કંઈક ઓછી હતી. પરંતુ મહામારી પહેલાં સ્મશાનની સીએનજી ભઠ્ઠીઓમાં મહિનામાં માત્ર 100 જેટલા મૃતદેહોના અંતિમસંસ્કાર થતા હતા.

દિલ્હીના આ ઘાટના યમુના નદી કાંઠેના કાશ્મીર ગેટ પાસેના પ્રવેશદ્વાર પર એક વિશાળ ભીંતચિત્ર છે. જેમાં   લખ્યું છે: “મને અહીં લાવવા બદલ આભાર. હવે અહીંથી આગળની સફર મારે એકલા  જ કરવાની છે. ” પરંતુ આ વર્ષે એપ્રિલ-મેમાં જ્યારે કોવિડ -19 એ રાષ્ટ્રીય રાજધાનીને બાનમાં લીધી હતી ત્યારે મૃતકો એકલા ન હતા - શક્ય છે મરણોત્તર સફરમાં તેઓને એકાદ મિત્ર મળી ગયો  હોય.

Left: New spots created for pyres at Nigam Bodh Ghat on the banks of the Yamuna in Delhi. Right: Smoke rising from chimneys of the CNG furnaces
PHOTO • Amir Malik
Left: New spots created for pyres at Nigam Bodh Ghat on the banks of the Yamuna in Delhi. Right: Smoke rising from chimneys of the CNG furnaces
PHOTO • Amir Malik

ડાબે: દિલ્હીમાં યમુનાના કાંઠે નિગમ બોધ ઘાટ પર ચિતાઓ માટે બનાવેલા નવા સ્થળો. જમણે: સીએનજી ભઠ્ઠીઓની ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો

અંદર દાખલ થતા જ  બળતી લાશોની અસહ્ય દુર્ગંધ અને તેમાં ભળેલી પ્રદૂષિત યમુનામાંથી આવતી ગંધ ભરી હવા મારા ડબલ માસ્કમાંથી થઈને મારા નાકમાં ઘુસી મને ગૂંગળાવી રહી. થોડે દૂર નદીની નજીકમાં આશરે 25 ચિતાઓ સળગતી હતી.  નદી કાંઠે જવાના સાંકડા રસ્તાની બંને બાજુએ રસ્તામાં હજુ વધુ ચિતાઓ હતી - પાંચ ચિતાઓ જમણી બાજુ અને ત્રણ ડાબી બાજુ. અને બીજા વધુ મૃતદેહો પણ (અંતિમસંસ્કાર માટે) તેમના વારાની રાહ જોઈ રહ્યા હતા.

પરિસરમાં ખાલી મેદાનને સમતલ કરીને બનાવેલ એક કામચલાઉ સ્મશાનમાં મૃતદેહોને બાળવાની 21 નવી જગ્યા હતી - ને છતાંય એ પૂરતી નહોતી. દેશ જે દલદલમાં ધકેલાઈ રહ્યો છે એની ઇતિહાસ ગાથા કરતું હોય એમ બરોબર વચમાં બળતી ચિતાઓમાંથી ઉઠતી આગની લપેટોથી બળીને કાળા થયેલા પાંદડાવાળું એક ઝાડ હતું.-  જાણે કાફકાની વાર્તામાં ના હોય!

કામદારો પણ તે વિશે થોડુંઘણું જાણતા હતા. જ્યાં તેઓ કામ કરતા હતા તે સીએનજી ભઠ્ઠીઓવાળા હોલમાં લોકો કલાકોના કલાકો ઊભા  રહેતા, આમ-તેમ ચાલતા, રડતા, શોક કરતા અને મૃતકના આત્માની શાંતિ  માટે પ્રાર્થના કરતા. ટમટમતી ટ્યુબલાઇટથી પ્રકાશિત મકાનના પ્રતીક્ષા વિસ્તારોનો ભાગ્યે જ ઉપયોગ કરાતો.

પપ્પુએ કહ્યું હતું કે ત્યાંની છ ભઠ્ઠીઓમાંથી, "અડધી તો ગયા વર્ષે  [2020] કોરોના-સંક્રમિત મૃતદેહોના ઢગલા થવા માંડ્યા ત્યાર પછી જ તૈયાર કરવામાં આવી હતી,."  કોવિડ -19 ના વિસ્ફોટ પછી સીએનજી ભઠ્ઠીઓમાં ફક્ત (કોરોના) સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોના જ અંતિમસંસ્કાર કરાયા હતા.

જ્યારે મૃતદેહનો અંતિમસંસ્કાર માટે વારો આવે  ત્યારે તેની સાથેની વ્યક્તિઓ અથવા હોસ્પિટલના કર્મચારીઓ અથવા સ્મશાનના કામદારો તેને ભઠ્ઠીમાં લાવે. કેટલાક મૃતદેહો - જે બીજા કરતા થોડા વધુ નસીબદાર હતા તે - સફેદ કાપડમાં લપેટાયેલા હતા.  સફેદ પ્લાસ્ટિકની બોરીમાં પેક કરેલા  બીજા એમ્બ્યુલન્સથી સીધા (ભઠ્ઠીમાં) લાવવામાં આવ્યા હતા. કેટલાકને સ્ટ્રેચર પર લાવવામાં આવ્યા હતા, બીજાને ઊંચકીને મકાનમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યારબાદ સ્મશાનના કામદારો મૃતદેહને ઊંચકીને પૈડાંવાળા પ્લેટફોર્મ પર મૂકે. આ પ્લેટફોર્મ ભઠ્ઠી તરફ દોરી જતા પાટા પર બેસાડેલું હોય. હવેનું કામ ઝડપથી કરવું  પડે  - એકવાર મૃતદેહને ભઠ્ઠીમાં ધકેલી દેવાયા પછી કામદારો ઝડપથી પ્લેટફોર્મ બહાર ખેંચી કાઢી ભઠ્ઠીનો દરવાજો બંધ કરીને તેને બોલ્ટ લગાડે. એક તરફ પરિવારજનો આંસુભીની આંખે તેમના પ્રિયજનોને ભઠ્ઠીમાં અદૃશ્ય થતા  જોઈ રહે છે તો બીજી તરફ  મોટી ચીમનીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળે છે.

Left: A body being prepared for the funeral pyre. Right: Water from the Ganga being sprinkled on the body of a person who died from Covid-19
PHOTO • Amir Malik
Left: A body being prepared for the funeral pyre. Right: Water from the Ganga being sprinkled on the body of a person who died from Covid-19
PHOTO • Amir Malik

ડાબું: અંતિમસંસ્કાર માટે એક મૃતદેહ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જમણે: કોવિડ -19 થી મૃત્યુ પામનાર વ્યક્તિના શરીર પર ગંગાજળ છાંટવામાં આવી રહ્યું છે.

પપ્પુએ મને કહ્યું, “દિવસનો પહેલો મૃતદેહ સંપૂર્ણપણે બળતા ઓછામાં ઓછા બે કલાક લાગે છે, કારણ કે ભઠ્ઠી ગરમ થવામાં સમય લાગે છે. તે પછીના  મૃતદેહો માટે દરેકને દોઢ કલાક લાગે છે." એક ભઠ્ઠી  દિવસમાં 7-9 મૃતદેહોના અંતિમસંસ્કાર કરી શકે છે.

નિગમ બોધ ઘાટની ભઠ્ઠીઓ પર ચાર કામદારો કામ કરી રહ્યા છે - તે બધા ઉત્તર પ્રદેશના અનુસૂચિત જાતિના કોરી સમુદાયના છે. સૌથી વરિષ્ઠ 55 વર્ષના હરિન્દર મૂળ યુપીના બલિયા જિલ્લાના છે. તેમણે 2004 થી ત્યાં કામ કર્યું છે. 2011 માં જોડાનાર 39 વર્ષના પપ્પુ યુપીના કાંશીરામ નગર જિલ્લાના સોરોન બ્લોકના છે. બાકીના  બે નોકરીમાં નવા છે. 37 વર્ષના રાજુ મોહન  પણ સોરોનના  છે અને 28 વર્ષના રાકેશ ગોંડા જિલ્લાના બહુવન મદાર માઝા ગામના  છે.

એપ્રિલ-મેમાં કામના ભારને પહોંચી વળવા પોતાના જીવને જોખમમાં મૂકીને  તેઓ ચારેય રોજના 15-17 કલાક - સવારે 9 વાગ્યાથી મધરાત સુધી - કામ કરતા હતા. એક સમયે તેઓ કદાચ વાયરસથી બચી પણ જાય તો ભઠ્ઠીમાંની  840 ° સે ગરમી  તેમને ઓગળી કાઢે તેવી હતી. હરિન્દરે કહ્યું, "રાત્રે ભઠ્ઠી બંધ કર્યા પછી જો કોઈ મૃતદેહ અંદર રાખીએ તો સવારે માત્ર રાખ જ હાથમાં આવે."

તેઓ એક પણ દિવસની રજા વિના કામ કરતા હતા. પપ્પુએ કહ્યું, "જ્યારે અમને ચા-પાણીનો  પણ સમય ન મળતો હોય ત્યારે અમે [રજા] કેવી રીતે લઈ શકીએ? અમે થોડા કલાકો માટે પણ જતા રહ્યા હોત તો તો અહીં હોબાળો મચી જાત."

છતાં તેમાંથી કોઈ કાયમી કામદાર તરીકે કાર્યરત નથી. નિગમ બોધ ઘાટ એ મ્યુનિસિપલ સ્મશાનગૃહ  છે, તેનું સંચાલન  બડી પંચાયત વૈશ્ય બીસે અગ્રવાલ નામની  (તે વિસ્તારના લોકો દ્વારા ‘સંસ્થા’ તરીકે ઓળખાતી) સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવે  છે.

સંસ્થા હરિંદરને મહિને 16000 રુપિયા આપે છે. એનો અર્થ કે  દિવસના માત્ર 533 રુપિયા  અને જો તેઓ એક દિવસમાં આઠ મૃતદેહોના અંતિમસંસ્કાર કરે તો મૃતદેહ દીઠ 66 રુપિયા થાય. પપ્પુને મહિને 12000, જ્યારે રાજુ મોહન અને રાકેશને દરેકને મહિને 8000 રુપિયા મળે છે.  હરિન્દરે મને કહ્યું, “સંસ્થાએ અમારા પગારમાં વધારો કરવાનું વચન આપ્યું હતું. પણ કેટલો (વધારો કરશે) એ તેમણે અમને કહ્યું નહોતું."

Left: Harinder Singh. Right: The cremation workers share a light moment while having dinner in a same room near the furnace
PHOTO • Amir Malik
Left: Harinder Singh. Right: The cremation workers share a light moment while having dinner in a same room near the furnace
PHOTO • Amir Malik

ડાબે: હરિન્દરસિંઘ. જમણે: ભઠ્ઠી નજીકના રૂમમાં રાજુ મોહન, હરિન્દર, રાકેશ અને પપ્પુ રાત્રિભોજન કરતા હતા ત્યારે એક હળવી ક્ષણ.

સંસ્થા એક અંતિમસંસ્કાર માટે 1500 રુપિયા (મહામારી પહેલા 1000 રુપિયા ) વસૂલે છે  તેમ છતાં કામદારોના પગાર વધારાની ક્યાંય કોઈ  યોજના હોય એમ જણાતું નથી. તેના જનરલ સેક્રેટરી સુમન ગુપ્તાએ મને કહ્યું: "જો અમે તેમના પગારમાં વધારો કરીએ  તો સંસ્થાએ આખું વર્ષ એટલી રકમ આપવી પડે." તેમણે ઉમેર્યું તેમને "પ્રોત્સાહક સુવિધાઓ" આપવામાં આવે છે.

તેમના કહેવાનો ("પ્રોત્સાહક સુવિધાઓ" નો) અર્થ કામદારો જ્યાં રાત્રિભોજન કરતા હતા એ નાનો ઓરડો તો ન હોઈ શકે. ભઠ્ઠીથી માત્ર પાંચ મીટરના અંતરે આવેલો આ ઓરડો ગરમીને કારણે   ઉનાળામાં તો જાણે સૌના (સ્ટીમબાથ લેવાના ઓરડા) માં ફેરવાઈ ગયો હતો. તેથી પપ્પુ બહાર જઈને બધા માટે કોલ્ડ ડ્રિંક્સ લઈ આવ્યા. તેને માટે તેમણે  50 રુપિયા ખર્ચ્યા -- તેમને એક મૃતદેહ બાળવાના એ દિવસે મળેલા મહેનતાણા બરાબર.

પપ્પુએ મને પછીથી કહ્યું કે એક લાશને બાળવા માટે  લગભગ 14 કિલો સીએનજી વપરાય. “દિવસના પહેલા મૃતદેહને બાળવા આપણા રસોડામાં ઉપયોગમાં લેવાતા  બે ઘરેલુ સિલિન્ડરો જેટલા ગેસની જરૂર પડે. પછીના મૃતદેહોને ઓછો ગેસ જોઈએ  - એકથી  દોઢ  સિલિન્ડર." ગુપ્તાએ કહ્યું  કે એપ્રિલમાં નિગમ બોધની સીએનજી ભઠ્ઠીઓએ 543 મૃતદેહોના  અંતિમસંસ્કાર કર્યા  હતા, અને તે મહિનાનું સંસ્થાનું સીએનજી બિલ હતું 326960 રુપિયા.

કામદારો ભઠ્ઠીનો દરવાજો ખોલીને લાંબી લાકડીથી મૃતદેહને હલાવીને,  તેને મશીનમાં ઊંડે ધકેલીને બળવાની પ્રક્રિયાને વેગ આપે છે. હરિન્દરે કહ્યું, "જો અમે  તેમ ન કરીએ તો મૃતદેહને સંપૂર્ણપણે બળતા ઓછામાં ઓછા 2-3 કલાક થાય." અમારે વહેલું પૂરું કરવું પડે જેથી અમે સીએનજી બચાવી શકીએ. નહીં તો સંસ્થાને આર્થિક નુકસાન સહન કરવું પડે.”

સંસ્થાના ખર્ચા બચાવવાના સ્મશાન કામદારોના પ્રયત્નો છતાં તેમના પગારમાં વધારો થયે બે વર્ષ થઈ ગયા છે. વધુ પગાર ન મળતા નાખુશ પપ્પુએ કહ્યું કે, "હાલ અમે અમારા જીવને જોખમમાં મૂકીને કોવિડ-સંક્રમિત મૃતદેહોના અંતિમસંસ્કાર કરી રહ્યા છીએ."  હરિન્દર ઉમેરે છે, "અમને કહેવામાં આવ્યું છે કે,  'સંસ્થા સખાવત અને દાન પર ચાલે છે, એટલે શું થઈ શકે? ’”.  અને હકીકતમાં તેમના માટે કંઇ જ થયું ન હતું.

Pappu (left) cuts bamboo into pieces (right) to set up a pyre inside the CNG furnace
PHOTO • Amir Malik
Pappu (left) cuts bamboo into pieces (right) to set up a pyre inside the CNG furnace
PHOTO • Amir Malik

પપ્પુએ 2011 થી નિગમ બોધ ઘાટ પર કામ કર્યું છે. તેમના ઘણા કામોમાંનું એક કામ સીએનજી ભઠ્ઠીમાં ચિતા લગાવવા વાંસના ટુકડા કરી આપવાનું છે.

તેમનું સંપૂર્ણ રસીકરણ પણ થયું નથી. વર્ષની શરૂઆતમાં  પહેલી હરોળના કામદારોને રક્ષણાત્મક પગલાં તરીકે રસી આપવામાં આવી ત્યારે  પપ્પુ અને હરિન્દરને રસીનો પહેલો  ડોઝ મળ્યો હતો. પપ્પુએ કહ્યું, “હું બીજા  ડોઝ માટે જઈ શક્યો નથી કારણ સમય જ નથી. હું સ્મશાનમાં વ્યસ્ત હતો. જ્યારે મને ફોન આવ્યો ત્યારે મેં રસીકરણ કેન્દ્રની વ્યક્તિને મને ફાળવેલી રસી કોઈ બીજાને આપી દેવાનું  કહ્યું."

તે પહેલાં સવારે પપ્પુએ ભઠ્ઠી પાસે   પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ - પીપીઇ કીટ્સ  (વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો) થી ભરેલો (કચરાનો) ડબ્બો જોયો. આગલે દિવસે મૃતકોના પરિવારજનો તે અહીં છોડી ગયા હતા. તેઓને બહારના મોટા (કચરાના) ડબ્બામાં તેનો નિકાલ કરવાનું કહેવામાં આવ્યું હતું તેમ છતાં ઘણા લોકો હોલમાં જ તેમની પીપીઇ કીટ ફેંકીને જતા રહ્યા હતા. પપ્પુ લાકડીની મદદથી તે બધું ખેંચીને બહાર ઢસડી ગયા. તેમણે પોતે તો નહોતું પહેર્યું  પીપીઇ કે નહોતા પહેર્યા કોઈ ગ્લવ્ઝ.

પપ્પુએ કહ્યું કે ભઠ્ઠીઓ નજીક અસહ્ય ગરમીને કારણે પીપીઇ પહેરવું અશક્ય છે. તેમણે સમજાવ્યું, “ક્યારેક મૃતદેહનું પેટ જોરથી એકાએક ફાટે ત્યારે ભઠ્ઠીની અંદરથી આગની લપેટો દરવાજામાંથી બહાર આવે છે પરિણામે પીપીઇ કીટ આગ પકડી લે એવી શક્યતા પણ હોય છે. એવામાં પીપીઇ ઉતારવામાં સમય લાગે અને એ દરમિયાન જ અમારા તો રામ રમી જાય.” હરિન્દરે ઉમેર્યું: “કીટ પહેરવાથી  મને ગૂંગળામણ થાય છે અને મારો શ્વાસ રૂંધાય  છે. શું મને મારવાના અભરખા છે?? ”

તેમની એકમાત્ર રક્ષણાત્મક સામગ્રી એટલે એક માસ્ક, જે તેઓ ઘણા દિવસોથી પહેરતા હતા. પપ્પુએ કહ્યું, “અમને વાયરસથી સંક્રમિત થવાની ચિંતા છે. પરંતુ આ એક એવું સંકટ છે જેને આપણે અવગણી ન શકીએ. લોકો પહેલેથી જ દુ:ખી છે, અમે તેમને વધારે દુઃખી ન કરી શકીએ."

જોખમો ત્યાં સમાપ્ત થતા નથી. એકવાર  એક મૃતદેહના  અંતિમસંસ્કાર  કરતી વખતે પપ્પુને ડાબા હાથે આગની લપેટોથી ઝાળ લાગી ગઈ એનો ડાઘ હજી ય રહી ગયો છે. “મને ખબર પડી, હું દાઝ્યો. પરંતુ હું કરું શું?" હું તેમને મળ્યો તેના એક કલાક પહેલા જ હરિન્દરને ઈજા પહોંચી હતી. તેમણે મને કહ્યું, "જ્યારે હું દરવાજો બંધ કરતો હતો ત્યારે મારા ઘૂંટણને દરવાજો અથડાયો."

Left: The dead body of a Covid-positive patient resting on a stretcher in the crematorium premises. Right: A body burning on an open pyre at Nigam Bodh Ghat
PHOTO • Amir Malik
Left: The dead body of a Covid-positive patient resting on a stretcher in the crematorium premises. Right: A body burning on an open pyre at Nigam Bodh Ghat
PHOTO • Amir Malik

ડાબે: સ્મશાન પરિસરમાં સ્ટ્રેચર પર રાખેલ કોવિડ પોઝિટિવ દર્દીનો  મૃતદેહ. જમણે: નિગમ બોધ ઘાટ પર ખુલ્લી ચિતા પર બળી રહેલ મૃતદેહ

રાજુ મોહને કહ્યું, “ભઠ્ઠીના દરવાજાનું હેન્ડલ તૂટી ગયું હતું. અમે વાંસની લાકડીથી તેને ગમેતેમ ઠીક કરી દીધું છે.” હરિન્દરે કહ્યું, “અમે અમારા સુપરવાઈઝરને દરવાજાની મરામત કરાવવા જણાવ્યું. તેમણે અમને કહ્યું, ‘આપણે લોકડાઉનમાં  કેવી રીતે કંઈ ઠીક કરાવી  શકીએ?’ અમને ખબર જ છે કંઈ કરતા કંઈ જ કરવામાં નહિ આવે."

તેમની પાસે ફર્સ્ટ એઇડ બોક્સ (પ્રાથમિક ઉપચાર પેટી)પણ નથી.

મૃતદેહને ભઠ્ઠીમાં મોકલતા પહેલા ઘી અને પરિવારજનો દ્વારા પાણી રેડવાને કારણે હવે જમીન પર લપસી પડવા જેવા નવા જોખમો હતા. દિલ્હી મહાનગરપાલિકાના અધિકારી અમરસિંહે કહ્યું, “તેની મંજૂરી નથી. તે  બિનઆરોગ્યપ્રદ અને જોખમી છે, પરંતુ લોકો આ પ્રતિબંધોને અવગણે છે."  નિગમ બોધ ઘાટની કામગીરીની દેખરેખ રાખવા મહામારી દરમિયાન નિમણૂક કરાયેલા સાત એમસીડી સુપરવાઇઝર્સમાંના તેઓ એક છે.

સિંહે કહ્યું કે રાત્રે  8 વાગ્યા પહેલા મળેલા મૃતદેહોના તે જ દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવે. પછીથી આવનારાઓએ કોઈ સહાય વિના બીજા દિવસે સવાર સુધી રાહ જોવી પડે . તેમણે કહ્યું, તેથી એમ્બ્યુલન્સનો ખર્ચ વધ્યો હતો કારણ કે રાત્રિ (રોકાણનો) ખર્ચ ઉમેરાય. "તાત્કાલિક ઉપાય એ છે કે ભઠ્ઠી 24 કલાક ચલાવવામાં આવે."

પરંતુ શું તે શક્ય હતું? સિંહે કહ્યું, "કેમ નહિ? જ્યારે તમે તંદૂરમાં મરઘાં શેકતા હો ત્યારે તંદૂરને કંઈ થાય છે?. અહીંની ભઠ્ઠીઓ 24 કલાક ચલાવવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ સંસ્થા તેની મંજૂરી નહીં આપે.” પપ્પુએ આ વિચારને નકારી કાઢતા કહ્યું, “માણસની જેમ  મશીનને પણ થોડા આરામની જરૂર છે.”

સિંહ અને પપ્પુ બંને સંમત થતા હતા કે સ્મશાનગૃહમાં કામદારોની સંખ્યા અપૂરતી છે. સિંઘે કહ્યું  કે, "જો તેમાંના કોઈપણને કંઇક કંઇક થાય, તો પહેલેથી તણાવયુક્ત કામગીરી  સાવ અટકી જશે." તેમણે ઉમેર્યું હતું કે કામદારોને વીમા દ્વારા આવરી લેવામાં આવ્યા નથી. પપ્પુ થોડું અલગ વિચારે છે. તેમણે કહ્યું, "જો હરિન્દર અને મારા જેવા થોડા વધુ કામદારો હોય તો તેનાથી અહીં કામ સરળ બને  અને અમને પણ થોડો આરામ મળી શકે."

Left: The large mural at the entrance of Nigam Bodh Ghat. Right: A garland of marigold flowers and dried bananas left on the ashes after cremation
PHOTO • Amir Malik
Left: The large mural at the entrance of Nigam Bodh Ghat. Right: A garland of marigold flowers and dried bananas left on the ashes after cremation
PHOTO • Amir Malik

ડાબે: નિગમ બોધ ઘાટના પ્રવેશદ્વાર પર મોટું ભીંતચિત્ર. જમણે: અંતિમસંસ્કાર પછી રાખ પર છોડી જવાયેલ હજારીગોટાના ફૂલોની માળા અને  સુકાયેલા કેળા

મેં ગુપ્તાને પૂછ્યું કે જો તેમનામાંથી (આ ચાર કામદારોમાંથી) કોઈને કંઇક થયું તો? ત્યારે તેમણે શાંતિથી કહ્યું,“તે પરિસ્થિતિમાં બાકીના ત્રણ કામ કરશે. નહીં તો અમે બહારથી કામદારો લઈ આવીશું. ” કામદારોને અપાતી પ્રોત્સાહક સુવિધાઓ ગણાવતા  તેમણે ઉમેર્યું, “એવું તો નથી કે અમે  તેમને ખાવાનું નથી  આપતા. અમે આપીએ છીએ. અમે તેમને ખાવાનું, દવાઓ અને સેનિટાઇઝર્સ પણ આપીએ છીએ. ”

તે દિવસે પછી હરિન્દર અને તેના સાથી કામદારોએ નાના ઓરડામાં રાત્રિભોજન ખાધું ત્યારે નજીકમાં રહેલી ભઠ્ઠીમાં આગની લપેટો એક મૃતદેહને બાળી રહી હતી. કામદારોએ પોતાના ગ્લાસમાં થોડી વ્હિસ્કી પણ રેડી હતી.  હરિન્દરે સમજાવ્યું, “અમારે  [દારૂ] પીવું જ પડે. તે વિના અમે અહીં  જીવી જ ન શકીએ.”

મહામારી પહેલા વ્હિસ્કીના ત્રણ પેગ  (એક પેગ એટલે 60 મીલી) થી તેમનું કામ ચાલી જતું , પરંતુ હવે પોતાનું કામ કરવા માટે તેમને આખો દિવસ નશામાં રહેવું પડતું હતું. પપ્પુએ કહ્યું, “સવારના એક ક્વાર્ટર [180 મિલી], એટલું ને એટલું બપોરના ભોજન સમયે, પછી સાંજે અને રાતના ભોજન પછી એક ક્વાર્ટર. પપ્પુએ કહ્યું, કેટલીક વાર અમે ઘરે પાછા ગયા પછી પણ પીએ." હરિન્દરે કહ્યું, "એટલું સારું  છે કે સંસ્થા અમને (દારૂ પીતા) રોકતી નથી. હકીકતમાં તો એથી ઉલટું તેઓ એક ડગલું આગળ વધીને અમારે માટે દરરોજ દારૂની વ્યવસ્થા કરે છે.”

દારૂ આ 'છેલ્લી હરોળ' ના કામદારોને મૃતકને સળગાવવાની માનસિક વેદના અને સખત શારીરિક મહેનતમાંથી કંઈક રાહત આપે છે. હરિન્દરે કહ્યું, "તેઓ તો મરી ગયા છે પરંતુ અમે પણ મરી મરીને જીવીએ છીએ કારણ કે અહીં કામ કરવું કંટાળાજનક અને થકવી નાખે એવું  છે." પપ્પુએ ઉમેર્યું, "હું પેગ પીધા પછી મૃતદેહ જોઉં તો હું શાંત રહી શકું છું. અને ધૂળ અને ધુમાડો  ક્યારેક અમારા  ગળામાં અટવાઈ જાય ત્યારે દારૂ તેને ગાળાની નીચે ધકેલી દે છે."

રાહતની ક્ષણ પસાર થઈ ગઈ હતી. હવે સમય થયો હતો પપ્પુને જવાનો - બેઉ લૌંડેના અંતિમ સંસ્કાર કરવા જવાનો. ઉદાસીથી ભરેલા અવાજે અને ભીની આંખે તેમણે કહ્યું, “અમે પણ રડીએ છીએ. અમને પણ આંસુ આવે છે. પરંતુ અમારે કોઈક રીતે અમારું મન મજબૂત કરવું પડશે અને અમારું કાળજું કઠણ કરવું પડશે."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Amir Malik

Amir Malik is an independent journalist, and a 2022 PARI Fellow.

Other stories by Amir Malik
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik