1947 ના લોહિયાળ ભાગલા દ્વારા એક અખંડ દેશ બે દેશોમાં વિભાજિત થઈ ગયો. આ બે દેશો વચ્ચેની સરહદને ચિહ્નિત કરતી રેડક્લિફ લાઈન પંજાબને પણ બે ટુકડામાં વહેંચી દે છે. સીમા કમિશનના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા બ્રિટિશ વકીલના નામ પરથી જેનું નામ અપાયું છે તેવી આ સીમારેખા - રેડક્લિફ લાઈન પંજાબને ભૌગોલિક રીતે તો વહેંચે જ છે પણ પંજાબી ભાષાની બે લિપિઓને પણ વહેંચે છે. રાજ્યના લુધિયાણા જિલ્લાના પાયલ તહેસીલમાં આવેલા કટહરી ગામના કિરપાલ સિંહ પન્નુએ જણાવ્યું હતું કે, “દેશનું વિભાજન પંજાબી ભાષા સાહિત્ય અને પંજાબી ભાષાની બે લિપિઓ પર એક દૂઝતો ઘા છોડી ગયું છે."

પન્નુ 90 વર્ષના ભૂતપૂર્વ સૈનિક છે, તેમણે પોતાના જીવનના ત્રણ દાયકા ભાગલાના આ ઘાને રુઝાવવા માટે સમર્પિત કર્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ના નિવૃત્ત ડેપ્યુટી કમાન્ડન્ટ પન્નુએ ગુરુ ગ્રંથ સાહિબ, (પંજાબના સૌથી આદરણીય જ્ઞાનકોશમાંના એક) મહાન કોશ જેવા ગ્રંથો અને પવિત્ર પુસ્તકોને અને બીજી સાહિત્યિક કૃતિઓને ગુરમુખીમાંથી શાહમુખીમાં લિપ્યાંતરિત કરી છે. એ જ રીતે તેમણે શાહમુખીમાં ઉપલબ્ધ સાહિત્યને લિપ્યાંતરિત કરીને ગુરમુખીમાં ઉપલબ્ધ કરાવી આપ્યું છે.

ઉર્દૂની જેમ જમણેથી ડાબે લખાતી શાહમુખી ભારતીય પંજાબમાં 1947 થી ઉપયોગમાં લેવાતી નથી. 1995-1996 માં પન્નુએ એક કોમ્પ્યુટર પ્રોગ્રામ વિકસાવ્યો અને તેની મદદથી ગુરુ ગ્રંથ સાહિબના લખાણને ગુરમુખીમાંથી શાહમુખીમાં અને શાહમુખીમાંથી ગુરમુખીમાં લિપ્યાંતરિત કર્યું.

વિભાજન પહેલા ઉર્દૂ બોલનારાઓ પણ શાહમુખીમાં લખાયેલ પંજાબી વાંચી શકતા. પાકિસ્તાનની રચના પહેલા મોટાભાગની સાહિત્યિક કૃતિઓ અને કોર્ટના સત્તાવાર દસ્તાવેજો શાહમુખીમાં હતા. અગાઉના અવિભાજિત (પંજાબ) પ્રાંતના કથાકથનના પરંપરાગત કલાસ્વરૂપ, કિસ્સામાં પણ માત્ર શાહમુખીનો જ ઉપયોગ થતો હતો.

ડાબેથી જમણે લખાતી અને દેવનાગરી લિપિ સાથે થોડી સામ્યતા ધરાવતી ગુરમુખી પાકિસ્તાનના પંજાબમાં ઉપયોગમાં લેવાતી નથી. પરિણામે ગુરમુખી વાંચી ન શકતી પંજાબી-ભાષી પાકિસ્તાનીઓની અનુગામી પેઢીઓ તેમના સાહિત્યથી વંચિત રહી. અવિભાજિત પંજાબની મહાન સાહિત્યિક કૃતિઓ પણ શાહમુખી લિપિમાં ઉપલબ્ઘ હોય તો જ તેઓ તે વાંચી શકે છે.

Left: Shri Guru Granth Sahib in Shahmukhi and Gurmukhi.
PHOTO • Courtesy: Kirpal Singh Pannu
Right: Kirpal Singh Pannu giving a lecture at Punjabi University, Patiala
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

ડાબે: શાહમુખી અને ગુરમુખીમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબ. જમણે: પંજાબી યુનિવર્સિટી, પટિયાલામાં વ્યાખ્યાન આપી રહેલા કિરપાલ સિંહ પન્નુ

પટિયાલા સ્થિત ભાષાવિદ અને ફ્રેન્ચ શિક્ષક 68 વર્ષના ડો. ભોજ રાજ શાહમુખી પણ વાંચે છે. તેમણે કહ્યું, "1947 પહેલા શાહમુખી અને ગુરમુખી બંને લિપિઓ ઉપયોગમાં લેવાતી હતી, પરંતુ ગુરમુખી મોટેભાગે ગુરુદ્વારા (શીખ ધર્મસ્થાનો) સુધી જ મર્યાદિત હતી." રાજના જણાવ્યા મુજબ આઝાદી પહેલાના વર્ષોમાં પંજાબી ભાષાની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ શાહમુખી લિપિમાં જ લખવાનું રહેતું.

રાજે કહ્યું, "રામાયણ અને મહાભારત જેવા હિંદુ ધાર્મિક ગ્રંથો પણ પર્સો-અરેબિક (ફારસી-અરબી) લિપિમાં લખાયા હતા." પંજાબના ભાગલા પડતા ભાષાના પણ ભાગલા પડ્યા, શાહમુખી પશ્ચિમી પંજાબમાં સ્થળાંતરિત  થઈ પાકિસ્તાની બની ગઈ અને ભારતમાં રહી ગઈ માત્ર ગુરમુખી.

પન્નુના પ્રોજેક્ટે પંજાબી સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય અને ઈતિહાસના મુખ્ય ઘટકને ગુમાવવા અંગેની એક દાયકાથી ચાલી આવતી ચિંતાને હળવી કરવાનો માર્ગ પૂરો પાડ્યો.

પન્નુએ કહ્યું "પૂર્વીય પંજાબ (ભારતીય બાજુ) ના લેખકો અને કવિઓ ઈચ્છતા હતા કે તેમની રચનાઓ પશ્ચિમી પંજાબ (પાકિસ્તાની બાજુ) માં વંચાય અને પશ્ચિમી પંજાબ (પાકિસ્તાની બાજુ) ના લેખકો અને કવિઓ ઈચ્છતા હતા કે તેમની રચનાઓ પૂર્વીય પંજાબ (ભારતીય બાજુ) માં વંચાય." કેનેડામાં ટોરોન્ટોમાં પન્નુ સાહિત્ય પરિષદોમાં હાજરી આપતા ત્યારે પાકિસ્તાની પંજાબીઓ અને બીજી રાષ્ટ્રીયતાના પંજાબીઓ આ નુકસાન બદલ દુઃખ વ્યક્ત કરતા.

આવી જ એક બેઠકમાં વાચકો અને વિદ્વાનોએ એકબીજાનું સાહિત્ય વાંચવાની ઈચ્છા વ્યક્ત કરી. પન્નુએ કહ્યું, "જો બંને પક્ષો બંને લિપિ શીખ્યા હોત તો જ એ શક્ય બન્યું હોત. જો કે તે કહેવું જેટલું સરળ હતું તેટલું કરવું સરળ નહોતું."

આ પરિસ્થિતિનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો હતો મુખ્ય સાહિત્યિક કૃતિઓ જે લિપિમાં ઉપલબ્ઘ ન હોય તે લિપિમાં તેમને લિપ્યાંતરિત કરવાનો. તેમાંથી પન્નુને એક વિચાર સૂઝ્યો.

આખરે હવે પન્નુના કમ્પ્યુટર પ્રોગ્રામની મદદથી પાકિસ્તાનના વાચક માટે શીખ ધર્મનું પવિત્ર પુસ્તક ગુરુ ગ્રંથ સાહિબ શાહમુખી લિપિમાં મેળવવાનું અને વાંચવાનું શક્ય બનશે. આ જ પ્રોગ્રામ પાકિસ્તાનના ઉર્દૂ અથવા શાહમુખીમાં ઉપલબ્ધ પુસ્તકો અને ગ્રંથોને ગુરમુખીમાં લિપ્યાંતરિત પણ કરી શકશે.

Pages of the Shri Guru Granth Sahib in Shahmukhi and Gurmukhi
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

શાહમુખી અને ગુરમુખીમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અંગો (પૃષ્ઠો)

*****

1988માં નિવૃત્તિ પછી પન્નુ કેનેડા ગયા અને ત્યાં તેમણે કોમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો અભ્યાસ કર્યો.

કેનેડામાં પંજાબીઓની નોંધપાત્ર વસ્તી છે, ત્યાંના પંજાબીઓ તેમના વતનના સમાચાર વાંચવા ઉત્સુક હતા. અજીત અને પંજાબી ટ્રિબ્યુન જેવા પંજાબી દૈનિકો ભારતથી હવાઈ માર્ગે કેનેડા મોકલવામાં આવતા હતા.

પન્નુએ જણાવ્યું હતું કે પછીથી આ અને બીજા અખબારોના કટિંગનો ઉપયોગ ટોરોન્ટોમાં બીજા અખબારો તૈયાર કરવા માટે કરવામાં આવતો. આ નવા અખબારો લગભગ જુદા જુદા પ્રકાશનોના કટિંગ્સના કોલાજ જેવા હોવાથી તેમાં બહુવિધ ફોન્ટ રહેતા.

આવું જ એક દૈનિક હતું હમદર્દ સાપ્તાહિક, જ્યાં પન્નુએ પાછળથી કામ કર્યું હતું. 1993 માં તેના સંપાદકોએ તેમના અખબારને એક જ ફોન્ટમાં પ્રકાશિત કરવાનું નક્કી કર્યું.

પન્નુએ કહ્યું, “ફોન્ટ્સ આવવા લાગ્યા હતા અને કમ્પ્યુટરનો ઉપયોગ હવે શક્ય બન્યો હતો. સૌથી પહેલું રુપાંતરણ મેં ગુરમુખીના એક ફોન્ટમાંથી બીજા ફોન્ટમાં કરવાનું શરૂ કર્યું હતું."

હમદર્દ વિકલીની પહેલી ટાઈપ કરેલી નકલ અનંતપુર ફોન્ટમાં નેવુના દાયકાની શરૂઆતમાં ટોરોન્ટોમાં તેમના નિવાસસ્થાનેથી બહાર પાડવામાં આવી હતી. પછીથી 1992 માં ટોરોન્ટોમાં શરૂ થયેલી પંજાબી લેખકોની સંસ્થા પંજાબી કલમાં દા કાફલા (પંજાબી રાઈટર્સ' એસોસિએશન) ની એક બેઠકમાં સભ્યોએ નક્કી કર્યું કે ગુરમુખી-શાહમુખી લિપ્યાંતરણ જરૂરી છે.

Left: The Punjabi script as seen on a computer in January 2011.
PHOTO • Courtesy: Kirpal Singh Pannu
Kirpal Singh Pannu honoured by Punjabi Press Club of Canada for services to Punjabi press in creating Gurmukhi fonts. The font conversion programmes helped make way for a Punjabi Technical Dictionary on the computer
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

ડાબે: જાન્યુઆરી 2011માં કમ્પ્યુટર પર દેખાતી પંજાબી લિપિ. જમણે: ગુરમુખી ફોન્ટ્સ તૈયાર કરી પંજાબી પ્રેસની મદદ કરવા બદલ પંજાબી પ્રેસ ક્લબ ઑફ કેનેડા દ્વારા સન્માનિત કરાતા કિરપાલ સિંહ પન્નુ. ફોન્ટ કન્વર્ઝન પ્રોગ્રામ્સે કમ્પ્યુટર પર પંજાબી ટેકનિકલ ડિક્શનરી બનાવવાનો માર્ગ મોકળો કરવામાં મદદ કરી

પન્નુ એવા થોડા લોકોમાંથી હતા જેઓ સરળતાથી કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકતા હતા અને આ કામની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. 1996માં પંજાબી સાહિત્યને સમર્પિત બીજી સંસ્થા એકેડેમી ઑફ પંજાબ ઈન નોર્થ અમેરિકા અથવા અપના (એપીએનએ) સંસ્થાએ એક પરિષદ યોજી હતી જેમાં સૌથી વધુ જાણીતા પંજાબી કવિઓમાંના એક નવતેજ ભારતીએ જાહેરાત કરી હતી: “કિરપાલ સિંહ પન્નુ એક પ્રોગ્રામ તૈયાર કરી રહ્યા છે. કી તુસ્સી ઈક ક્લિક કરોગે ગુરમુખી તો શાહમુખી હો જાઉગા, ઈક ક્લિક કરોગે તે શાહમુખી તો ગુરમુખી હો જાઉગા [માત્ર એક ક્લિકથી તમે કોઈ પણ લખાણનું શાહમુખીમાંથી ગુરમુખીમાં અને ગુરમુખીમાંથી શાહમુખીમાં લિપ્યાંતરણ કરી શકશો]."

સૈનિક પન્નુએ કહ્યું કે શરૂઆતમાં તેમને પોતાનું આ કામ અંધારામાં તીર ચલાવવા જેવું લાગ્યું હતું. પરંતુ શરૂઆતની કેટલીક તકનીકી મુશ્કેલીઓ પછી તેઓ પ્રગતિ કરી શક્યા હતા.

તેમણે કહ્યું, "હું ખૂબ ઉત્સાહથી મારું કામ ઉર્દૂ અને શાહમુખી જાણતા સાહિત્યકાર જાવેદ બુટાને બતાવવા ગયો."

બુટાએ ધ્યાન દોર્યું કે પન્નુએ શાહમુખી માટે જે ફોન્ટનો ઉપયોગ કર્યો હતો તે દિવાલમાંના કોંક્રીટ બ્લોકની હરોળ જેવા નીરસ હતા. તેમણે પન્નુને કહ્યું કે તે ફોન્ટ કંઈક અંશે કુફી (અરબી ભાષા લખવા માટે વપરાતા ફોન્ટ) જેવા હતા, જેને કોઈ ઉર્દૂ વાચક સ્વીકારશે નહીં, ઉર્દૂ અને શાહમુખીમાં સ્વીકારવામાં આવે છે તે નસ્તલિક ફોન્ટ છે, જે સૂકા ઝાડ પર પાંદડા વગરની ડાળીઓ જેવા દેખાય છે.

પન્નુ નિરાશ થઈને પાછા ફર્યા. પછીથી તેમના દીકરાઓ અને તેમના દીકરાઓના મિત્રોએ તેમને મદદ કરી. તેમણે નિષ્ણાતોની સલાહ લીધી અને પુસ્તકાલયોની મુલાકાત લીધી. બુટા અને તેમના પરિવારે પણ મદદ કરી. આખરે પન્નુએ નૂરી નસ્તલિક ફોન્ટ શોધી કાઢ્યા.

Left: Pannu with his sons, roughly 20 years ago. The elder son (striped tie), Narwantpal Singh Pannu is an electrical engineer; Rajwantpal Singh Pannu (yellow tie), is the second son and a computer programmer; Harwantpal Singh Pannu, is the youngest and also a computer engineer.
PHOTO • Courtesy: Kirpal Singh Pannu
Right: At the presentation of a keyboard in 2005 to prominent Punjabi Sufi singer
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

ડાબે: લગભગ 20 વર્ષ પહેલાં પન્નુ તેમના દીકરાઓ સાથે. મોટો દીકરો (પટ્ટાવાળી ટાઈમાં) નરવંતપાલ સિંહ પન્નુ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર છે; રાજવંતપાલ સિંહ પન્નુ (પીળી ટાઈમાં, તેમનો બીજો દીકરો અને તેઓ કમ્પ્યુટર પ્રોગ્રામર છે; હરવંતપાલ સિંહ પન્નુ તેમના સૌથી નાના દીકરા છે અને તેઓ પણ કોમ્પ્યુટર એન્જિનિયર છે. જમણે: 2005 માં એક જાણીતા પંજાબી સૂફી ગાયકને કીબોર્ડ પ્રસ્તુત કરતા પન્નુ

અત્યાર સુધીમાં તેમણે ફોન્ટ્સ અંગેની ઘણીબધી જાણકારી મેળવી લીધી હતી, અને તેમની જરૂરિયાતો અનુસાર નૂરી નસ્તલિક ફોન્ટમાં ફેરફાર કરી શકતા હતા. પન્નુએ કહ્યું, “મેં તેને ગુરમુખીની સમાંતર (સાથે-સાથે) તૈયાર કર્યા હતા. તેથી બીજી મોટી સમસ્યા ઉકેલવાની હજી બાકી હતી. અમારે તેને હજી વધુ જમણી બાજુએ લાવવાના હતા જેથી તે જમણેથી ડાબે લખી શકાય. એટલે દોરડા વડે બાંધેલા પ્રાણીને કોઈ ખેંચીને થાંભલા સાથે બાંધે એ રીતે હું દરેક અક્ષરને ખેંચીને ડાબેથી જમણે લાવતો."

લિપ્યાંતરણ માટે સ્ત્રોત અને લક્ષ્ય લિપિમાં (મૂળ લિપિ અને જેમાં લિપ્યાંતરણ કરવાનું તે લિપિમાં) મેળ ખાતા ઉચ્ચારો હોવા જરૂરી છે, પરંતુ આ બંને લિપિમાં કેટલાક અવાજો એવા હતા જેને સમકક્ષ અક્ષર બીજી લિપિમાં નહોતો. એક ઉદાહરણ તરીકે શાહમુખી અક્ષર નૂન ن — નો ઉપયોગ હળવા અનુનાસિક અવાજના ઉચ્ચારણ માટે થાય છે અને ગુરમુખીમાં આ માટેનો કોઈ અક્ષર નથી. આવા દરેક ધ્વનિ માટે પન્નુએ હાલના અક્ષરમાં ઘટકો ઉમેરીને, થોડો ફેરફાર કરીને એક નવો અક્ષર બનાવ્યો.

પન્નુ હવે ગુરમુખીમાં 30 થી વધુ ફોન્ટ્સમાં કામ કરી શકે છે અને શાહમુખી માટે તેમની પાસે  ત્રણ કે ચાર ફોન્ટ્સ છે.

*****

પન્નુ ખેડૂતોના પરિવારમાંથી છે. કટહરીમાં તેમના પરિવારની 10 એકર જમીન છે; પન્નુના ત્રણેય દીકરા એન્જિનિયર છે અને કેનેડામાં રહે છે.

1958 માં તેઓ અગાઉના સ્ટેટ ઓફ પટિયાલા અને ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન (પીઈપીએસયુ-પેપ્સુ) ના સશસ્ત્ર પોલીસ દળમાં જોડાયા હતા, ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન એ પંજાબ પ્રદેશના પહેલાના રજવાડાઓનો એક સંઘ હતો. તેઓ પટિયાલાના કિલા બહાદુરગઢમાં સિનિયર ગ્રેડ કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. 1962 ના યુદ્ધ દરમિયાન પન્નુ ડેરા બાબા નાનક, ગુરદાસપુરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે તૈનાત કરાયા હતા. તે સમયે પંજાબ આર્મ્ડ પોલીસ (પીએપી - પંજાબ સશસ્ત્ર પોલીસ) રેડક્લિફ લાઈનની સુરક્ષા કરતી હતી.

1965માં પીએપીને બીએસએફ સાથે ભેળવી દેવામાં આવી અને પન્નુ લાહૌલ અને સ્પીતિમાં તૈનાત થયા, લાહૌલ અને સ્પીતિ તે સમયે પંજાબના ભાગ હતા. તેમણે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ સાથે મળીને બીએસએફના પુલના નિર્માણ માટેનું કામ કર્યું હતું, પછીથી તેમને સબ-ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવામાં આવી અને ત્યાર બાદ તેઓ બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટના પદ સુધી પહોંચ્યા.

Left: Pannu in uniform in picture taken at Kalyani in West Bengal, in 1984.
PHOTO • Courtesy: Kirpal Singh Pannu
He retired as Deputy Commandant in 1988 from Gurdaspur, Punjab, serving largely in the Border Security Force (BSF) in Jammu and Kashmir . With his wife, Patwant (right) in 2009
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

ડાબે: 1984માં પશ્ચિમ બંગાળના કલ્યાણી ખાતે લીધેલ તસ્વીરમાં ગણવેશમાં પન્નુ. તેઓ 1988માં પંજાબના ગુરદાસપુરમાંથી ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે સેવાનિવૃત્ત થયા, તેમણે મોટેભાગે જમ્મુ અને કાશ્મીરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)માં સેવા આપી. 2009 માં તેમના પત્ની પટવંત (જમણે) સાથે

તેઓ કહે છે કે સાહિત્ય અને કવિતા પ્રત્યેનો તેમનો પ્રેમ તેમની વિચારની સ્વતંત્રતા અને સરહદો પરના વિતાવેલ તેમના જીવન, જ્યાં તેમને પોતાનું ઘર ખૂબ યાદ આવતું, તેમાંથી જન્મ્યો છે. તેમણે પોતાની પત્ની માટે લખેલી બે પંક્તિઓ સંભળાવી:

“પલ દી સહા ના જાયે રે તેરી જુદાઈ એ સચ આય
પર ઈદ્દા જુદાઈયાં વિચ હી યે બીત જાની હૈ ઝિંદગી.

[તારો વિરહ હું એક ક્ષણ માટે પણ સહન કરી શકતો નથી
પણ મારા નસીબે વિરહ જ લખાયો છે - શાશ્વત, અલ્લાહુ!]”

પન્નુ ખેમ કરણમાં બીએસએફના કંપની કમાન્ડન્ટ તરીકે તૈનાત હતા ત્યારે તેમણે અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઈકબાલ ખાને એક રિવાજ રાખ્યો હતો. તેમણે કહ્યું, “તે દિવસોમાં સરહદની બંને બાજુના લોકો સરહદની મુલાકાત લેતા હતા. પાકિસ્તાની મહેમાનોને ચા આપવાની જવાબદારી મારે માથે હતી અને ઈકબાલ ખાન ધ્યાન રાખતા હતા કે ભારતીય મહેમાનો તેમને ત્યાંથી ચા પીધા વિના ક્યારેય પાછા ન જાય. ચાના થોડા કપ જીભને મીઠી બનાવશે અને હૃદયને નરમ."

આખરે પન્નુએ તેમનું ગુરમુખી-થી-શાહમુખી લિપ્યાંતરણનું કામ ડો. કુલબીર સિંઘ થિંદને બતાવ્યું, તેઓ એક ન્યુરોલોજીસ્ટ હતા અને તેમણે પોતાનું જીવન પંજાબી સાહિત્યને સમર્પિત કરી દીધું હતું, પાછળથી તેમણે પન્નુનું લિપ્યાંતરણ તેમની વેબસાઈટ, શ્રી ગ્રંથ ડોટ ઓઆરજી પર અપલોડ કર્યું. પન્નુએ કહ્યું, "તેઓ ઘણા વર્ષોથી આ વેબસાઈટ ચલાવે છે."

2000 માં ડો. ગુરબચન સિંહે શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અરબી સંસ્કરણમાં ફારસી અક્ષરોનો ઉપયોગ કર્યો હતો. તે માટે તેમણે પન્નુ દ્વારા તૈયાર કરાયેલા પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો.

Left: The cover page of Computran Da Dhanantar (Expert on Computers) by Kirpal Singh Pannu, edited by Sarvan Singh.
PHOTO • Courtesy: Kirpal Singh Pannu
Right: More pages of the Shri Guru Granth Sahib in both scripts
PHOTO • Courtesy: Kirpal Singh Pannu

ડાબે: કિરપાલ સિંહ પન્નુ લિખિત સર્વણ સિંહ સંપાદિત કોમ્પ્યુટરા દા ધનાંતર  (કોમ્પ્યુટરના નિષ્ણાત) નું મુખપૃષ્ઠ. જમણે: બંને સ્ક્રિપ્ટોમાં શ્રી ગુરુ ગ્રંથ સાહિબના કેટલાક વધુ અંગો (પૃષ્ઠો)

ત્યારબાદ પન્નુએ પંજાબના સૌથી પ્રતિષ્ઠિત જ્ઞાનકોશમાંના એક મહાન કોશનું લિપ્યાંતરણ કરવાનું કામ કર્યું, ભાઈ કાહ્ન સિંહ નાભાએ 14 વર્ષ સુધી મહેનત કરીને આ જ્ઞાનકોશનું સંપાદન કર્યું હતું, તે મુખ્યત્વે ગુરમુખીમાં લખાયેલ છે.

ત્યાર બાદ તેમણે 1000 પાનાના એક કાવ્યસંગ્રહ હીર વારિસ કે શેરોં કા હવાલાનું પણ ગુરમુખીમાં લિપ્યાંતરણ કર્યું.

1947 પહેલા જે ભારતના ગુરદાસપુર જિલ્લાનો એક ભાગ હતો એવા પાકિસ્તાનના શકરગઢ તહેસીલના 27 વર્ષના પત્રકાર સબા ચૌધરીએ જણાવ્યું હતું કે આ પ્રદેશની નવી પેઢી ભાગ્યે જ પંજાબી ભાષા જાણે છે, કારણ કે તેમને પાકિસ્તાનમાં ઉર્દૂ બોલવાની સલાહ આપવામાં આવે છે. તેમણે કહ્યું, "શાળાના અભ્યાસક્રમોમાં પંજાબી શીખવવામાં આવતી નથી. અહીંના લોકો ગુરમુખી જાણતા નથી, હું પણ જાણતી નથી. અમારી પાછલી પેઢીના લોકો જ એ લિપિથી પરિચિત હતા."

પન્નુની આ યાત્રા હંમેશા રોમાંચક નહોતી રહી. 2013 માં કોમ્પ્યુટર સાયન્સના એક પ્રાધ્યપકે લિપ્યાંતરણનું આ કામ પોતાનું હોવાનો દાવો કર્યો, જેના કારણે પન્નુને તેમના દાવાઓને રદિયો આપતું પુસ્તક લખવાની ફરજ પડી હતી. પન્નુને માનહાનિના દાવાનો સામનો કરવો પડ્યો; નીચલી અદાલતે પન્નુની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ અપીલ કોર્ટમાં નિર્ણય આવવાનો બાકી છે.

પન્નુ પાસે વિભાજનના આકરા પ્રહારોમાંથી એકને હળવો કરવા માટેના પોતાના વર્ષોના કામના પરિણામથી ખુશ થવાનું કારણ છે. પંજાબી ભાષાના સૂર્ય અને ચંદ્ર સમી આ બે લિપિઓ સરહદોની આ પાર અને પેલે પાર આજે પણ ચમકી રહી છે. કિરપાલ સિંહ પન્નુ પ્રેમ અને આશાની સામાન્ય ભાષાના (જેને કોઈ સરહદોના બંધન નડતા નથી એવી ભાષાના) નાયક છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Amir Malik

Amir Malik is an independent journalist, and a 2022 PARI Fellow.

Other stories by Amir Malik
Editor : Kavitha Iyer

Kavitha Iyer has been a journalist for 20 years. She is the author of ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021).

Other stories by Kavitha Iyer
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik