બધી કબરોના પથ્થરો પર પંક્તિ છે, “દરેક નફ્સે (આત્માએ) મોતનો સ્વાદ ચાખવાનો છે.” દિલ્હીના સૌથી મોટા કબ્રસ્તાનોમાંના એક એવા અહલ-એ-ઇસ્લામ અલ-જદીદમાં મોટેભાગની કબરો પર આ પંક્તિ ભવિષ્યવાણી તરીકે નહીં, પણ સ્મૃતિ તરીકે લખવામાં આવે છે.

આ પંક્તિ — كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ — કુરાનની એક આયત છે અને મુખ્યત્વે મુસલમાનોના કબ્રસ્તાનની ઉદાસીમાં શાંતિ અને ગંભીરતાનો માહોલ ઉભો કરે છે. આ દરમિયાન એક એમ્બ્યુલન્સ આવે છે અને જેમનું મૃત્યુ થયું છે એમના કુટુંબીજનો નમાઝે જનાઝા(છેલ્લી પ્રાર્થના) પઢે છે. થોડીક જ ક્ષણોમાં વાન ખાલી થઇ જાય છે અને કબર ભરાઈ જાય છે. ત્યારબાદ એક મશીન કબરમાં માટી નાખે છે.

બહાદુરશાહ ઝફર માર્ગ પર સ્થિત મીડિયા કંપનીઓની ઈમારતોની પાસે આવેલા આ કબ્રસ્તાનના એક ખૂણામાં ૬૨ વર્ષીય નિઝામ અખ્તર, કબરના પથ્થરો પર મૃત્યુ પામેલા લોકોના નામ લખે છે. નિઝામ એ પથ્થરોને મેહરાબ કહે છે. પોતાની આંગળીઓ વચ્ચે નાજુકાઈથી પરકઝા (કેલીગ્રાફી બ્રશ) પકડીને તેઓ નુક્તો પાડે છે. નુક્તો એ ઉર્દુમાં અમુક અક્ષર પર લગાવવામાં આવતું બિંદુ છે કે જેથી તેમનું ઉચ્ચારણ નક્કી થાય છે. નિઝામ જે શબ્દ લખી રહ્યા છે તે ‘દુરદાના’ છે, જે કોવીડથી મૃત્યુ પામેલ એક વ્યક્તિનું નામ છે.

નિઝામ વાસ્તવમાં કબરના પથ્થરો પર બારીક અને મુશ્કેલ કેલીગ્રાફી શૈલીમાં નામ અને એની સાથેનું અન્ય લખાણ લખી રહ્યા છે. એ પછી તેમના સહયોગી હથોડી અને ફરશીની મદદથી પથ્થર પર લખાણને અંકિત કરશે - આવું કરવાથી રંગ ગાયબ થઇ જાય છે.

આ કાતીબ (લહિયો અથવા કેલીગ્રાફર) કે જેમનું નામ નિઝામ છે, ૪૦ કરતાં પણ વધારે વર્ષોથી કબરોના પથ્થર પર મૃત્યુ પામનાર લોકોના નામ અંકિત કરી રહ્યા છે. નિઝામ કહે છે કે, “મને યાદ નથી કે મેં કેટલા પથ્થરો પર લોકોના નામ અંકિત કર્યા છે. અત્યારના એપ્રિલ અને મે મહિનામાં, મેં લગભગ આવા ૧૫૦ લોકોના નામ લખ્યા જેઓ કોવીડથી મૃત્યુ પામ્યા હતા અને આટલા જ અન્ય લોકોના પણ જેમનું કોવીડ સિવાય અન્ય કારણોથી મૃત્યુ થયું હતું. દરરોજ હું ત્રણથી પાંચ પથ્થર તૈયાર કરું છું. એક પથ્થરમાં એક તરફ લખાણ કરવામાં એક કલાકનો સમય થાય છે.” એ પણ ઉર્દુમાં. બીજી બાજુ, સામાન્યપણે, મૃત્યુ પામનારનું નામ ફક્ત અંગ્રેજીમાં લખવામાં આવે છે. તેઓ હસીને મારી નોંધ લખવાની મજાક કરતાં કહે છે કે, “આ થોડીક સેકંડોમાં એક પત્તું ભરી દેવા જેટલું સરળ નથી.”

Left: One of the gates to the qabristan; on this side only those who died of Covid are buried. Right: Nizam Akhtar writing the names of the deceased on gravestones
PHOTO • Amir Malik
Left: One of the gates to the qabristan; on this side only those who died of Covid are buried. Right: Nizam Akhtar writing the names of the deceased on gravestones
PHOTO • Q. Naqvi

ડાબે : કબ્રસ્તાનનો એક ગેટ; આ બાજુ જે લોકો કોવીડથી મૃત્યુ પામ્યા છે તેમને દફનાવવામાં આવ્યા છે. જમણે: નિઝામ અખ્તર મૃત્યુ પામેલા લોકોના નામ કબરના પથ્થર પર લખી રહ્યા છે.

મહામારીની શરૂઆત પહેલાં, જદીદ કબ્રસ્તાનમાં દરરોજ એક-બે પથ્થર જ કોતરણી માટે આવતા હતા. હવે દરરોજ ચારથી પાંચ આવે છે, કામનો બોજો ૨૦૦ ટકાથી પણ વધી ગયો છે. આ કામ ચાર મજૂરોમાં વહેંચાય છે. આ અઠવાડિયે, તેઓ કોઈ નવો ઓર્ડર નથી લેવાના. કેમ કે અત્યારે તેમની પાસે ૧૨૦ એવા પથ્થર છે જેના પર અડધું કામ થઇ ગયું છે અને ૫૦ પથ્થરો પર કામ ચાલુ કરવાનું બાકી છે.

આ વ્યવસાયમાં તેજી છે, પણ આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોના દિલ આ વાતથી તૂટી રહ્યા છે. આ કબ્રસ્તાનમાં ત્રણ પેઢીથી કામ કરી રહેલા મોહંમદ શમીમ કહે છે, “ઘણા બધા લોકોના મૃત્યુ નીપજ્યા છે, અને તેની સાથે માણસાઈ પણ. મોતનું આવું દ્રશ્ય જોઈને મારું દિલ કલાકો સુધી રડતું રહે છે.”

નિઝામ મૃત્યુની વાત કરતી વખતે એક તત્વચિંતક ની જેમ કહે છે, “જીવનનું આ સત્ય કે જે લોકો આ ધરતી પર પેદા થયા છે તે જીવે છે, એ મોતના એ આખરી સત્ય જેવું જ છે કે બધા લોકો મૃત્યુ પામશે જ. લોકો મૃત્યુ પામતા રહે છે અને મને કબરના પથ્થર તૈયાર કરવાનું કામ મળતું રહે છે. પરંતુ, મેં આવું દ્રશ્ય પહેલાં ક્યારેય નથી જોયું.”

બધા લોકો કબર માટે પથ્થર નથી બનાવતા તેમ છતાં વ્યવસાયમાં આ તેજી જોવાઇ રહી છે. અમુક લોકો આનો ખર્ચ ઉઠાવી શકતા નથી. તેઓ ફક્ત લોખંડના એક પતરા પર નામ લખાવી દે છે જેની કિંમત પણ ખૂબ ઓછી હોય છે. ઘણી કબરો પર કોઈ ઓળખપત્ર નથી હોતું. નિઝામ કહે છે, “ઘણીવાર દફન વિધિ કર્યાના ૧૫ થી ૪૫ દિવસ પછી કબર માટે પથ્થર તૈયાર કરવાનો ઓર્ડર આવે છે.” નિઝામના સહયોગી અને હરિયાણાના ફરીદાબાદ જીલ્લાના બલ્લબગઢના રહેવાસી અસીમ (વિનંતી પર નામ બદલેલ) પથ્થર પર કોતરણીનું કામ કરે છે. તેઓ કહે છે કે, “અમે જે પણ ઓર્ડર લઈએ છીએ તે માટે પરિવારે ઓછામાં ઓછા ૨૦ દિવસ વાટ જોવી પડે છે.”

૩૫ વર્ષીય અસીમને ગયા વર્ષ સુધી કોરોના વિષે શક હતો, પણ હવે એમને કોરોનાવાયરસ છે એવો ભરોસો થઈ ગયો છે. તેઓ કહે છે, “લાશો જુઠ્ઠું નથી બોલતી. મેં એટલી બધી લાશો જોઈ છે કે મારી પાસે હવે તેને માનવા સિવાય કોઈ ચારો નથી. એવી હાલત થઈ ગઈ છે કે લોકોને પોતાના પરિવારના સભ્યો માટે જાતે કબર ખોદવી પડે છે. ક્યારેક તો કબર ખોદવાવાળા ઓછા પડે છે.”

કબ્રસ્તાન ચલાવનારી કમિટીના કેરટેકરે અમને કહ્યું, “મહામારી શરૂ થયા પહેલાથી, આ કબ્રસ્તાનમાં દરરોજ સામાન્યપણે ચારથી પાંચ લાશો આવે છે. એક મહિનામાં લગભગ ૧૫૦.”

Asim, Aas and Waseem (left to right) engraving the mehrab: 'Every order that we take, the family has to wait for at least 20 days'
PHOTO • Q. Naqvi
Asim, Aas and Waseem (left to right) engraving the mehrab: 'Every order that we take, the family has to wait for at least 20 days'
PHOTO • Amir Malik

અસીમ અને આસ (ડાબે થી જમણે) મેહરાબ કોતરતી વખતે: ‘અમે જે પણ ઓર્ડર લઈએ છીએ એમના પરિવારવાળાઓને ઓછામાં ઓછા ૨૦ દિવસો સુધી વાટ જોવી પડે છે.’

આ વર્ષે, ફક્ત એપ્રિલ અને મે મહિનામાં જ આ કબ્રસ્તાનમાં ૧,૦૬૮ લાશો દફન કરવામાં આવી છે. આમાંથી ૪૫૩ મૃત્યુ કોવીડથી અને ૬૧૫ અન્ય કારણોસર થયેલ છે. જોકે, આ તો કબ્રસ્તાનના સત્તાવાર આંકડા છે. અહીંયા કામ કરવા વાળા મજૂરે નામ ન બતાવાની શરતે કહ્યું કે વાસ્તવિક આંકડો કદાચ આનાથી ૫૦ ટકા વધારે હશે.

અસીમ કહે છે કે , “એક સ્ત્રી પોતાની દોઢ વર્ષની બાળક સાથે કબ્રસ્તાનમાં આવી હતી. એમના પતિ બીજા રાજ્ય માંથી મજૂરી કરીને આવ્યા હતા, જેમની મૃત્યુ કોવીડ ના લીધે થઇ હતી. તે સ્ત્રીનું અહીં કોઈ નહોતું. અમે એમના દફન ની વ્યવસ્થા કરી હતી. તે બાળક પોતાના પિતાની કબર પર માટી નાખી રહ્યું હતી.” એક જૂની કહેવત છે કે, જો કોઈ બાળક મૃત્યુ પામે છે, તો તે પોતાના માં-બાપ ના દિલમાં દફન થાય છે. પણ જ્યારે કોઈ બાળકે મા-બાપની કબર પર માટી નાખવી પડે, તો આવી પરિસ્થિતિ માટે શું કોઈ કહેવત છે?

અસીમ અને એમનો પરિવાર પણ કોવીડની ઝપેટમાં આવી ગયો હતો. એમની બંને પત્નીઓ અને એમના મા-બાપ ને કોવીડ ના બધાં જ લક્ષણો જોવા મળતા હતા. જો કે, એમના પાંચ બાળકો સુરક્ષિત રહ્યા. પરિવાર માંથી કોઈ પણ પરીક્ષણ કરાવવા ન ગયું, પરંતુ બધાં બચી ગયા હતા. પથ્થરના સ્લેબ પર કામ કરતા અસીમ કહે છે, “હું મારો પરિવાર ચલાવવા માટે અહીં પથ્થર તોડું છું.” જદીદ કબ્રસ્તાન માં દર મહીને ૯,૦૦૦ રૂપિયા પગાર મેળવતા અસીમ હજારો મૃતકોને નમાઝે જનાઝા (છેલ્લી પ્રાર્થના) પઢાવી ચુક્યા છે. આમાં, કોવીડથી થયેલા મૃત્યુ અને અન્ય કારણોસર થયેલા મૃત્યુ બંને શામેલ છે.

અસીમ કહે છે કે, “મારો પરિવાર મને આ કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે, કેમ કે જે લોકો આખરી યાત્રામાં અન્ય લોકોની મદદ કરે છે તેમને પછીની દુનિયા માં ઇનામ મળે છે.” નિઝામના પરિવારે પણ તેમને આ કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કારણ કે તેઓ પણ આ માન્યતામાં વિશ્વાસ રાખે છે. બંને શરૂઆતમાં આ નોકરીથી ડરતા હતા, પણ જલ્દીથી એમનો ડર દૂર થઇ ગયો. અસીમ કહે છે, “જ્યારે કોઈ લાશ જમીન પર પડેલી હોય છે, ત્યારે તમે ડર વિશે નહીં, પણ તેને દફનાવવા વિશે વિચારો છો.”

જદીદ કબ્રસ્તાનમાં, કબરના પથ્થર તૈયાર કરવામાં ૧૫૦૦ રૂપિયાનો ખર્ચ થાય છે. એમાંથી નિઝામને ૨૫૦થી ૩૦૦ રૂપિયા મળે છે, જે એમની કેલીગ્રાફી કે જે કિતાબત તરીકે ઓળખવામાં આવે છે તેના બદલામાં આપવામાં આવે છે. તેઓ પથ્થરના જે સ્લેબ પર કામ કરે છે તે ૬ ફૂટ લાંબો અને ૩ ફૂટ પહોળો હોય છે. એમાંથી ૩ ફૂટ લાંબા અને ૧.૫ ફૂટ પહોળાઈ વાળા ૪ પથ્થર કાપીને કાઢવામાં આવે છે. ત્યારબાદ, દરેક પથ્થરના ઉપરના ભાગને ગુંબજ જેવો આકાર આપવામાં આવે છે. જ્યારે આ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય, એટલે તેને મેહરાબ કહેવામાં આવે છે. કેટલાક લોકો માર્બલ નો પણ ઉપયોગ કરે છે. પથ્થરની જગ્યાએ લોખંડના બોર્ડનો ઉપયોગ કરનારા લોકો એ ૨૫૦થી ૩૦૦ રૂપિયા જ ખર્ચ કરવા પડે છે, જે મેહરાબ પર થવાવાળા ખર્ચ કરતાં લગભગ છઠ્ઠા ભાગનો ખર્ચ છે.

વિડિઓ જુઓ: કબ્રસ્તાનના કેલીગ્રાફર

દરેક ઓર્ડર લીધા પછી, નિઝામ એ પરિવારના કોઈ સભ્ય પાસે કાગળ પર ચોખ્ખા અક્ષરે જરૂરી માહિતી લખાવી લે છે. એમાં સામાન્યપણે મૃતકનું નામ, પતિ કે પિતાનું નામ (સ્ત્રી હોય તો), જન્મ અને મરણની તારીખ, અને સરનામાં જેવી વિગતો હોય છે. આ સિવાય, કુરાનની કોઈ આયત પણ શામેલ હોય છે, જેને પરિવાર પથ્થર પર અંકિત કરવા માંગે છે. નિઝામ કહે છે, “એનાથી બે હેતુ  સધાય છે: પહેલો, સગાસંબંધીઓ ને મૃતકનું નામ લખવા મળે છે, અને ભૂલ પણ નથી પડતી.” ઘણીવાર લખાણમાં નીચે મુજબ કોઈ ઉર્દૂ પંક્તિ પણ હોય છે. નીચેની પંક્તિ જહાન આરા હસનની કબરના પથ્થર પર લગાવવામાં આવશે, જેમના પરિવારે હમણાં જ એનો ઓર્ડર આપ્યો છે.

અબ્રે રહેમત ઉનકી ગુહર-બારી કરે,
હશ્ર તક શાને કરીમી નાઝ બરદારી કરે.

રહેમતની ઘટાઓ તેમની કબર પર મોતી વર્ષા કરે,
કયામત સુધી ઈશ્વર તેમના પર દયા કરતો રહે.

નિઝામે ૧૯૭૫માં કિતાબતનું કામ શીખવાનું શરુ કર્યું હતું. એમના પિતા ચિત્રકાર હતા અને ૧૯૭૯માં એમની મૃત્યુ થઇ હતી. ત્યારબાદ, નિઝામે કબરના પથ્થરો પર લખવાનું કામ શરૂ કર્યું. તેઓ કહે છે, “મારા પિતા એક કલાકાર હતા, પણ મેં એમનાથી કંઈ ના શીખ્યું. મેં ફક્ત એમને ચિત્રો દોરતા જોયા છે. મને આ કળા એક સુંદર ભેટની જેમ આપોઆપ મળી ગઈ.”

વર્ષ ૧૯૮૦માં નિઝામે દિલ્હી યુનિવર્સીટીના કિરોડીમલ કોલેજથી ઉર્દુમાં સ્નાતકની પદવી મેળવી હતી. એમણે આ કામ ચાલુ કર્યું અને એક સિંગલ મુવી થિયેટર, જગત સિનેમા સામે એક દુકાન ખોલી. એક જમાનામાં પાકીઝા અને મુગલે આઝમ જેવી ફિલ્મોનું સ્ક્રીનીંગ કરનાર આ થિયેટર હવે કાયમ માટે બંધ થઈ ગયું છે. નિઝામે ૧૯૮૬માં નસીમ આરા સાથે લગ્ન કર્યા. આ કુશળ કેલીગ્રાફરે ક્યારેય પિતાની પત્નીને પત્ર નથી લખ્યો. એમને આની જરૂર જ નથી પડી. કેમ કે તેમનું પિયર નજીકમાં જ હોવાથી તે જ્યારે પણ પોતાના પિયરે જતા હતા તો તરત જ પાછા આવી જતા હતા. એમણે એક દીકરો, એક દીકરી અને ૬ પૌત્રો છે. તેઓ જૂની દિલ્હીમાં જામા મસ્જિદ પાસે રહે છે.

Left: From across the graveyard, you can see the building of the Delhi police headquarters at ITO. Right: Nizam has been printing names of the deceased on these gravestones for over 40 years
PHOTO • Amir Malik
Left: From across the graveyard, you can see the building of the Delhi police headquarters at ITO. Right: Nizam has been printing names of the deceased on these gravestones for over 40 years
PHOTO • Amir Malik

ડાબે : કબ્રસ્તાનની પેલે પાર, તમે આઈટીઓ ખાતે આવેલ દિલ્હી પોલીસ હેડકવાર્ટરની ઈમારત જોઈ શકો છો. જમણે: નિઝામ ૪૦ વર્ષો કરતાં પણ વધુ સમયથી કબરના પથ્થરો પર મૃતકોના નામ અંકિત કરે છે.

“એ જમાનામાં, હું મુશાયરા [ઉર્દુ કવિતાના પઠન માટેની મહેફીલો], સંમેલનો, જાહેરાતો, સેમિનારો, અને ધાર્મિક અને રાજનૈતિક સભાઓ માટે ના હોર્ડિંગ્સ નું ચિત્રકામ કરતો હતો.” તેઓ પોતાની દુકાન પર મેહરાબનું ચિત્રકામ કરવાના ઓર્ડર પણ લેતા હતા. દુકાન પર મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન માટેના મટીરીયલ, બેનર, હોર્ડિંગ, અને પ્લેકાર્ડ્સ પણ બનાવવામાં આવતા હતા.

તેમનું કહેવું છે કે ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ ૮૦ના દશકના મધ્યમાં બાબરી મસ્જિદના તાળા ખોલવાની મંજૂરી આપી હતી. નિઝામ કહે છે, “એના વિરોધમાં મુસલમાન સમુદાયના અને અન્ય લોકો પણ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. હું કપડા પર આંદોલન ના બેનર અને વિરોધ પ્રદર્શન ના સમર્થન માટે પોસ્ટર બનાવતો હતો. જ્યારે ૧૯૯૨માં બાબરી મસ્જિદને તોડી દેવામાં આવી, તો આ આંદોલન ધીરે-ધીરે પૂરું થઇ ગયું. લોકોમાં [મસ્જિદ ધ્વંસ કરી એનો વિરોધ]  ગુસ્સો હતો, પણ હવે એ ભાગ્યે જ બહાર આવતો હતો.” એમનું માનવું છે કે સમાજમાં, એ રીતની રાજનૈતિક પ્રવૃત્તિઓ ઓછી થતી ગઈ, જેમાં આવા કામની જરૂર પડે. તેઓ આગળ કહે છે કે, “મેં આઠ લોકોને કામ પર રાખ્યા હતા. તે બધાએ ધીરે-ધીરે આ કામ છોડવું પડ્યું. મારી પાસે તેમને આપવા માટે પૈસા નહોતા. તેઓ હવે ક્યાં છે, મને ખબર નથી. આ વાતથી મને દુઃખ થાય છે.”

નિઝામ હસતા-હસતા કહે છે કે, “૨૦૦૯-૧૦ દરમિયાન, ગળાના ચેપના લીધે મેં મારો અવાજ ખોઈ દીધો અને લગભગ ૧૮ મહિના પછી ફક્ત અડધો અવાજ જ પરત મેળવી શક્યો. એટલો અવાજ પાછો શક્યો છું જેથી તમે મને સમજી શકો.” એ જ વર્ષે નિઝામની દુકાન બંધ થઈ ગઈ હતી. તેઓ કહે છે, “પણ, મેં મેહરાબ પર નામ લખવાનું ક્યારેય બંધ નથી કર્યું.”

“જ્યારે કોવીડ ભારતમાં આવ્યો, ત્યારે આ કબ્રસ્તાનના મજૂરોને મારી સેવાની જરૂર હતી અને હું તેમને ના પડી શકું તેમ નહોતો. હું ગયા વર્ષે જૂન મહિનામાં અહિયાં આવ્યો હતો. હું અહિયાં એટલા માટે પણ આવ્યો હતો કે મારે મારા પરિવારનું ગુજરાન ચલાવવું હતું.” નિઝામનો દીકરો જામા મસ્જિદ પાસે એક નાનકડી ચપ્પલની દુકાન ચલાવે છે. પરંતુ, મહામારી અને લોકડાઉન ના કારણે કમાણી ઘટી ગઈ છે.

૨૦૦૪માં બંધ થયેલ જગત સિનેમાની જેમ, નિઝામને એ જમાનાની અન્ય વસ્તુઓ પણ યાદ છે. તેમને સાહિર લુધિયાનવીની શાયરી ગમે છે, અને એમના લખેલા ગીતો સાંભળે છે. જે વર્ષે નિઝામે સ્નાતકની પરીક્ષા પાસ કરી એ જ વર્ષે મહાન શાયર નું મૃત્યુ થઇ ગયું હતું. સાહિરે લખેલી તેમની મનગમતી લાઈન છે: ‘ચાલો એક વાર ફરીથી આપણે એકબીજાથી અજાણ બની જઈએ.’ બીજા શબ્દોમાં કહીએ તો, જિંદગી અને મોતને એકમેક  સાથે બોલવા-ચાલવાનો વ્યવહાર નથી.

Nandkishore, an expert in cutting stones and shaping them with hammer and chisel, says, 'The graveyard has never seen such a horrible situation as it does now'
PHOTO • Amir Malik
Nandkishore, an expert in cutting stones and shaping them with hammer and chisel, says, 'The graveyard has never seen such a horrible situation as it does now'
PHOTO • Amir Malik

પથ્થરો કાપવામાં અને તેમને હથોડી અને છીણીથી આકાર આપવામાં માહેર નંદકિશોર કહે છે , ‘આ કબ્રસ્તાનમાં જેવી અત્યારે છે એવી ભયાનક સ્થિતિ ક્યારેય જોઈ નથી.’

નિઝામ કહે છે, “પહેલાં એવા કલાકાર હતા જે ઉર્દૂમાં લખી શકતા હતા. અત્યારે એવા લોકો છે કે જે કબરના પથ્થરો પર હિન્દી અને અંગ્રેજીમાં લખી શકે છે. દિલ્હીમાં મહેરાબ પર ઉર્દૂમાં લખી શકે એવા કારીગર ભાગ્યે જ મળે છે. રાજકારણે એવી કાલ્પનિક વાત ફેલાવી છે કે ઉર્દૂ ફક્ત મુસલમાનોની ભાષા છે, ઉર્દૂને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું છે અને એને બરબાદ કરી છે. ઉર્દૂ કેલીગ્રાફી માં પહેલાની સરખામણીમાં, અત્યારે રોજગાર ખૂબ જ ઓછો છે.”

નિઝામ જે મહેરાબ પર કામ કરે છે, તેના પર કિતાબતનું કામ પૂરું કરીને, રંગને થોડી વાર સૂકવવા માટે છોડી દે છે. ત્યારબાદ અસીમ, સુલેમાન અને નંદકિશોર તેમાં કોતરણીનું કામ કરશે. લગભગ ૫૦ વર્ષના નંદકિશોર ૩૦ કરતાં વધારે વર્ષોથી આ કબ્રસ્તાનમાં કામ કરી રહ્યા છે. તેઓ પથ્થર કાપવામાં અને હથોડી અને છીણીથી ગુંબજ નો આકાર આપવામાં માહિર છે. તેઓ આ કામ માટે મશીનનો ઉપયોગ નથી કરતાં, તેઓ કહે છે, “આ કબ્રસ્તાનમાં જેવી અત્યારે છે એવી ભયાનક સ્થિતિ ક્યારેય જોઈ નથી.”

નંદકિશોર કોવીડના લીધે મૃત્યુ પામેલા લોકો ની કબર માટે પથ્થર નથી કોતરતા. તેઓ જદીદ કબ્રસ્તાનના એક ખૂણામાં બેસે છે કે જેથી તેઓ વાયરસથી બચી જાય. તેઓ કહે છે કે, “મને દરરોજ એક પથ્થર માટે ૫૦૦ રૂપિયા મળે છે, જેને હું કોતરું છું, કાપું છું, ધોઉં છું, અને પૂરો કરું છું. આ અંગ્રેજોના સમયનું કબ્રસ્તાન છે.” જ્યારે હું એમને પૂછું છું કે આમ પણ અંગ્રેજો એ આપણા માટે ફક્ત કબ્રસ્તાન જ છોડ્યા હતા ને? તો તેઓ હસી પડે છે.

નંદકિશોર કહે છે કે, “એમને મુસલમાનોના કબ્રસ્તાનમાં જોઈને, ક્યારેક-ક્યારેક અમુક લોકોને નવાઈ લાગે છે. આવા સમયે હું ફક્ત એમના ચહેરા તરફ જ નજર કરું છું અને હસી પડું છું, મને સમજાતું નથી કે હું શું કહું. જોકે, ક્યારેક-ક્યારેક હું એમને કહી પણ દઉં છું: ‘હું તમારા માટે કુરાનની આયતોની કોતરણી કરું છું. તમે મુસલમાન થઈને પણ આ કામ તમારી આખી જિંદગીમાં નથી કર્યું.’ પછી તેઓ મારો આભાર માને છે, મારા પર વિશ્વાસ કરે છે અને પછી મને ઘર જેવો અહેસાસ થાય છે.” નંદકિશોર ને ત્રણ બાળકો છે, જે ઉત્તર દિલ્હીના સદર બજાર માં રહે છે.

તેઓ કહે છે, “કબરના અંદર દફન થયેલા લોકો જાણે કે મારા પોતાના જ છે. હું જ્યારે અહિયાં થી પગ બહાર કાઢું છું, તો દુનિયા મને પોતાની નથી લાગતી. અહિયાં મને શાંતિ મળે છે.”

Pawan Kumar and Aas Mohammad: the dust from the stone work often covers them entirely
PHOTO • Amir Malik
Pawan Kumar and Aas Mohammad: the dust from the stone work often covers them entirely
PHOTO • Amir Malik
Pawan Kumar and Aas Mohammad: the dust from the stone work often covers them entirely
PHOTO • Amir Malik

પવન કુમાર અને આસ મોહંમદ : પથ્થર કામથી ઉડતી ધૂળ ઘણી વખત એમને આખા ઢાંકી લે છે .

બે મહિના પહેલાં એક નવા કારીગરને નોકરીએ રાખવામાં આવ્યો હતો. તેમનું નામ પવન કુમાર છે અને તેઓ બિહારના બેગૂસરાય જિલ્લા માંથી આવે છે. તેમના પત્ની અને ત્રણ બાળકો બિહાર પરત જતા રહ્યા છે. ૩૧ વર્ષીય પવન પણ અહિયાં પથ્થર કાપે છે. એક નાનકડા મશીનની મદદથી પથ્થરના ૨૦ સ્લેબ કાપીને તેઓ કહે છે કે, ”મારો ચહેરો લાલ થઈ ગયો છે.” પથ્થર કાપવાથી ઉડતી ધૂળ એમના આખા શરીર પર જામી ગઈ છે. તેઓ કહે છે, “કોવીડ હોય કે ન હોય, મારા પરિવારનું પેટ ભરવા માટે મારે આખું વર્ષ કામ કરવું પડે છે. અહિયાં મને ક્યારેક-ક્યારેક દિવસના ૭૦૦ રૂપિયા પણ મળે છે.” પહેલા એમની પાસે કોઈ સ્થાયી રોજગાર નહોતો, અને નંદકિશોર અને શમીમ ની જેમ એમને ક્યારેય શાળાએ જવાનો મોકો મળ્યો નથી.

ઉત્તર પ્રદેશના અલીગઢના રહેવાસીમ ૨૭ વર્ષીય આસ મોહંમદ પણ અહિયાં મજૂરી કરે છે. તેઓ ઓલરાઉન્ડર છે અને કબ્રસ્તાનના દરેક કામમાં મદદ કરે છે. તેઓ અહિયાં લગભગ ૬ વર્ષથી કામ કરે છે. આસના પરિવારે ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લામાં રહેવા વાળા એક દૂરના સંબંધીની દીકરી સાથે એમના લગ્ન નક્કી કર્યા હતા.

આસ કહે છે કે, “હું એને પ્રેમ કરતો હતો. ગયા વર્ષે, લોકડાઉન દરમિયાન કોવીડ થી તેઓ મૃત્યુ પામ્યા.” ત્યારબાદ એમના પરિવારે એક અન્ય જગ્યાએ એમના માટે છોકરી જોઈ હતી, આ વખતે માર્ચમાં છોકરીએ પ્રસ્તાવ ઠુકરાવી દીધો કેમ કે તે કબ્રસ્તાનમાં કામ કરવાવાળા માણસ સાથે લગ્ન કરવા રાજી નહોતી.

આસ કહે છે, “દુઃખી થઈને, મેં વધારે કામ કરવાનું શરૂ કરી દીધું. વધારે સંખ્યામાં કબરો ખોદવા લાગ્યો. વધારે પથ્થર કાપવા લાગ્યો. હું હવે લગ્ન કરવા માંગતો નહોતો.” તેઓ બોલતા-બોલતા પણ પથ્થર કાપી રહ્યા હતા. તેઓ પણ માથાથી પગ સુધી ધૂળમાં છે. એમને દર મહીને ૮,૦૦૦ રૂપિયા પગાર મળે છે.

નજીકમાં, પીળા રંગનું એક પતંગિયું કબરોની આજુબાજુ ઉડી રહ્યું છે, જાણે કે વિચારી રહ્યું હોય કે કબર પર ચઢાવેલાં ફૂલો પર બેસવું કે પથ્થરો પર.

મૃત્યુ-લેખ લખવાવાળા નિઝામ કહે છે: “જેમનું મૃત્યુ થાય છે, તેઓ મરી જાય છે. અલ્લાહની મદદ થી, હું જ એમને છેલ્લી વાર નામ આપું છું. અને દુનિયાને બતાવું છું અહિયાં કોઈ હતું, કોઈનું પ્રિય.” એમના બ્રશની ટોચ સફેદ અને કાળા રંગમાં ડૂબેલી છે, નિઝામના ઈશારે મહેરાબ પર ચાલે છે. તેઓ છેલ્લા શબ્દના છેલ્લા અક્ષર પર નુક્તો લગાવતા પથ્થર પર અરબીમાં આયત પૂરી કરે છે: “દરેક નફ્સે મોતનો સ્વાદ ચાખવાનો છે.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Amir Malik

Amir Malik is an independent journalist, and a 2022 PARI Fellow.

Other stories by Amir Malik
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad