બપોરનો સમય હતો. બે બુલડોઝરોને શાળા તરફ આવતા જોઈને નિશાળના મેદાનમાં રમતા છોકરાઓએ બૂમાબૂમ કરી મૂકી, "સર.. સર.. બુલડોઝર..."  એમની બૂમો સાંભળી, પ્રકાશ પવાર, શાળાના આચાર્ય, માતિન ભોંસલે, સંસ્થાપક, શાળાની ઓફિસમાંથી દોડતા આવ્યા.

"તમે અહીં શાને આવ્યા છો?" પવારે પૂછ્યું. "અમે હાઈવે માટે (શાળાના વર્ગો) તોડવા આવ્યા છીએ. ચાલો બાજુ ખસો." એક બુલડોઝરનો ડ્રાઈવર બોલ્યો. "પણ અમને કોઈ નોટિસ મળી નથી" ભોંસલે એ વિરોધ ચાલુ રાખ્યો. "ઉપરથી (અમરાવતી કલેક્ટરની ઓફિસથી ) ઓર્ડર આવ્યો છે." ડ્રાઈવર બોલ્યો.

શાળાના કર્મચારીઓએ ફટાફટ પાટલીઓ અને લીલા લખાણના પાટિયા બહાર કાઢી લીધા. એમણે કામચલાઉ લાયબ્રેરી પણ ખાલી કરી નાખી -- મરાઠીના લગભગ 2000 પુસ્તકો આંબેડકર, ફૂલે, ગાંધી વિષે, વિશ્વનો ઇતિહાસ, અને બીજા કેટલાંય. બધાને નજીકના શાળાના છાત્રાલયમાં લઇ જવાયા. જોતજોતામાં બુલડોઝર ત્રાટકયું. એક દીવાલ જમીનદોસ્ત થઇ.

જુનની 6ઠ્ઠી તારીખે પ્રશ્નચિહ્ન આદિવાસી આશ્રમશાળામાં આવું બે કલાક સુધી ચાલ્યા કર્યું. જે બાળકો એપ્રિલથી ઉનાળાની રજાઓમાં છાત્રાલયમાં હતા એમણે એમની શાળાના વર્ગોનો ધ્વંસ થતો જોયો. "એટલે હવે નિશાળ 26મી જૂનથી શરુ નહિ થાય? આ લોકો આવું કેમ કરે છે?"  કેટલાકે પૂછ્યુંય ખરું.

Schoolchildren looking at the bulldozer demolish their school
PHOTO • Yogesh Pawar

જે બાળકો એપ્રિલથી ઉનાળાની રજાઓમાં છાત્રાલયમાં હતા એમણે એમની શાળાના વર્ગોનો ધ્વંસ થતો જોયો. "એટલે હવે નિશાળ 26મી જૂનથી શરુ નહિ થાય? આ લોકો આવું કેમ કરે છે?"  કેટલાકે પૂછ્યુંય ખરું.

થોડીજ વારમાં શાળાનાં ત્રણ છાપરાવાળા વર્ગો, ચાર પાકી માટીના બનાવેલા વર્ગો, અને એક પુસ્તકાલય -- જ્યાં ફાંસે પારધી સમાજના 417 બાળકો અને કોરકુ આદિવાસી સમાજના 30 બાળકો પહેલી થી દસમી કક્ષામાં ભણતા હતાં-- એ તદ્દન જમીનદોસ્ત થયાં ને એના કાટ્માળભેગો થયો બંધારણે આપેલો કેળવણીનો અધિકાર.

મહારાષ્ટ્ર સરકારના 700 કિલોમીટર લાંબા સમૃદ્ધિ મહામાર્ગ માટે થઈને અમરાવતી જિલ્લાની આ શાળાને જમીનદોસ્ત કરવામાં આવી. આ હાઈવે 392 ગામો અને 26 તાલુકાઓમાં થઈને આગળ વધશે. અમરાવતીમાં આ હાઈવે 46 ગામો ને ત્રણ તાલુકામાંથી પસાર થશે.

"સાત વર્ષની અમારી મહેનત એળે ગઈ," 36 વર્ષના માતિને કહ્યું. આદિવાસી બાળકો માટેની એમણે શરુ કરેલી આ શાળા નંદગાઉં ખાંડેશ્વર તાલુકામાં એક ઉજ્જડ પગદંડી પાસે છે. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ કોર્પોરેશન (MSRDC) તરફથી જૂન મહિનામાં અમરાવતીના કલેક્ટરને મોકલેલા કાગળમાં જણાવ્યા પ્રમાણે શાળા 19.49 હેક્ટરની સરકારી ગૌચર જમીન હોવાથી "વળતરનો પ્રશ્ન જ ઉઠતો નથી."

હાઈવેની સમૃદ્ધિમાં આદિવાસી ફાંસે પારધી સમિતિની માલિકીના ત્રણ એકર પર ઉભેલું બે માળનું, 10 ઓરડાવાળું, કોંક્રીટનું છાત્રાલય, જેમાં 60 છોકરીઓ ને 49 છોકરાઓ રહે છે, તે ગરક નહિ થઇ જાય. ફાંસે પારધી સમિતિ શાળા ચલાવે છે. (માતિન એ સમિતિનો પ્રમુખ છે). છાત્રાલય અને એના બે શૌચાલયની ઇમારતો 2016માં એક મરાઠી દૈનિકમાં મદદની ઝૂંબેશ શરુ કર્યા બાદ એકત્ર થયેલા સાર્વજનિક દાન ભંડોળમાંથી ઉભી કરાઈ હતી.

Top left - School Premises
Top right - Matin Bhosale with his students
Bottom left - Students inside a thatched hut classroom
Bottom right - Students in semi concretised classroom
PHOTO • Jyoti Shinoli

ઉપરથી ડાબે: 447 આદિવાસી વિદ્યાર્થીઓ જે પ્રશ્નચિહ્ન આદિવાસી આશ્રમશાળામાં અભ્યાસ કરે છે. ઉપરથી જમણે: માતિન ભોંસલે, શિક્ષક ને શાળાના સંસ્થાપક. નીચેની હરોળમાં: શાળાના આ વર્ગો જે જુનની 6 તારીખે તોડી પાડવામાં આવ્યા; ત્રણ છાપરાવાળા વર્ગો (ડાબે) ને ચાર પાકી માટીના વર્ગો (જમણે) ગયાં.

આ ત્રણ એકરમાંથી પણ સરકાર લગભગ એક એકર માંગે છે. અમરાવતી જિલ્લા વહીવટીતંત્ર તરફથી 11 જાન્યુઆરી 2019માં જારી કરાયેલી નોટિસ મુજબ છાત્રાલય અને હમણાં તોડી પાડવામાં આવેલા વર્ગોની વચમાંનો સર્વે નંબર 37 પરનો 3800 સ્ક્વેર મીટરનો પટ્ટો (એક એકર એટલે લગભગ 4,046 સ્કેર મીટર) પણ હાઇવે માટે જરૂરી છે. એના માટે સરકારે 19.38 લાખ રૂપિયા સમિતિને વળતર રૂપે આપવાની તૈયારી બતાવી છે.

"આ પૈસા શાળા શરુ કરવા પૂરતા નથી.  અને ભલે શાળાના વર્ગો, લાયબ્રેરી, અને રસોડું સરકારી જમીન પર રહ્યા, કાયદા મુજબ અમને પૈસા તો મળવા જોઈએ" માતિને મને 2019 ફેબ્રુઆરીમાં કહેલું. "અમે વેચાણ ખત પર સહી નથી કરી (MSRDC સાથે 3800 સ્કવેર મીટર માટે).  અમે અમરાવતી કલેક્ટરેટ સમક્ષ વાંધો નોંધાવ્યો છે અને પહેલાં અમને શાળા માટે બીજી જમીન ફાળવવાની માંગણી કરી છે."

માતિને અમરાવતી કલેક્ટરને તેમજ મુખ્યમંત્રીને બીજી ઘણી અરજીઓ આપેલી છે,  2018માં ત્રણ વાર 50-60 બાળકો અને શાળાના કર્મચારીઓ સાથે કલેક્ટરની ઓફિસે સુધી મોરચો લઇ ગયા છે, ફેબ્રુઆરી 2019 માં એક દિવસની ભૂખ હડતાળ કરી છે-- દરેક સમયે શાળાના સંપૂર્ણ પુનસ્થાપન માટે, શાળાની બધી ઈમારતોને સમાવે એટલી પૂરતી જમીનની માંગણી સાથે.

પ્રશ્નચિહ્ન શાળામાં અભ્યાસ કરતાં બાળકોના માબાપ પણ શાળાના ધ્વંસને લઈને ચિંતામાં  છે. શાળાથી બે કિલોમીટર દૂર 50 ઝૂપંડાવાળી ફાંસે પારધી જાતિની વસ્તીમાં એમના ઇંટના ઘરની બહાર બેસી ફણસી ફોલતાં 36 વર્ષના સૂરનીતા પવાર મને કહે છે, "મારી દીકરી સૂરનેશાએ આ શાળામાંથી દસમું પાસ કર્યું. હવે એ 11માનો કોરસ્પોન્ડન્સ કોર્સ કરે છે."  સુરનીતા 3763ની વસ્તી વાળા એમના ગામની બાજુના મંગૃલ ચાવલામાં ખેત મજૂરનું કામ કરે છે. શાળા તૂટ્યા પછી મેં એમને ફોન કર્યો ત્યારે એમણે  કહ્યું, " મેં સાંભળ્યું છે વર્ગો તોડી પડાયા છે. સુરનેશ (મારો દીકરો) પાંચમીમાં છે. એ ઉનાળાની રજાઓમાં ઘરે હતો. હવે ક્યાં જશે એ?"
Young student writing on blackboard
PHOTO • Jyoti Shinoli
Student reading about Jyotiba Phule
PHOTO • Jyoti Shinoli

2017નો એક સર્વે બતાવે છે કે 199 પારધી ઘરોમાંથી (સર્વેમાં આવૃત) 38 ટકા બાળકો પ્રાથમિક શિક્ષણ પછી શાળા છોડી દે છે; જેનું એક કારણ છે ભેદભાવ.

એમની ફાંસે પારધીની જાતિ અને એવી બીજી કેટલીય જાતિઓને  બ્રિટિશ સામ્રાજ્યએ ક્રિમિનલ ટ્રાઈબ એક્ટ દ્વારા 'ક્રિમીનલ' (અપરાધી) જાતિઓ તરીકે જાહેર કરી હતી. 1952માં ભારત સરકારે આ કાયદાને રદ કરતાં આ જાતિઓ 'અનુસૂચિત' થઇ. એમાંની ઘણી જાતિઓનો હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિની સૂચિઓમાં સમાવેશ થયો છે, તો ઘણી પછાત વર્ગમાં સમાવવામાં આવી છે. (વાંચો, No crime, unending punishment). 2011ની વસ્તી ગણતરી મુજબ મહારાષ્ટ્રમાં લગભગ 223,527 પારધી વસે છે. જાતિની અંદર એના પેટાજૂથ છે જેવા કે પાલ પારધી, ભીલ પારધી, અને આ ફાંસે પારધી.

અલગ અલગ સ્તરે તેઓ ભેદભાવ સહન કરતા આવે છે. "ગામના લોકો અમને કામ નથી આપતા" સૂરનીતા કહે છે.  "એટલે અમારા લોકો અમરાવતી, મુંબઈ, નાસિક, પુણે, નાગપુર જેવા શહેરોમાં ભીખ માંગવા જાય."

એમની જેમ એમના પાડોશી, 40 વર્ષના હિંદોસ પવાર ગયા દસકા સુધી ભીખ માંગતા, પછી વચમાં વચમાં એમને ખેતરમાં કે બાંધકામની જગ્યાઓએ કામ મળવા લાગ્યું. "મેં મારી આખી જિંદગી દુખ જ જોયું છે" એ કહે છે. " પોલીસ અમને ગમે ત્યારે પકડે. એવું મારા બાપદાદાના જમાનામાં થતું ને એવું આજે ય થાય છે. કઈ બદલાયું નથી. અને જો અમારા બાળકો ભણશે નહિ તો એમની હાલત પણ અમારા જેવી જ થશે."  થોડાક મહિનાઓ પહેલા જયારે હું એમને મળી ત્યારે એમનો છોકરો શારદેશ અને દીકરી શારદેશા સાતમા અને દસમા ધોરણમાં પ્રશ્નચિહ્નન આદિવાસી આશ્રમશાળામાં હતાં.

કાઉન્સિલ ઓફ સોશ્યિલ ડેવેલપમેન્ટ હૈદરાબાદના 2017ના મહારાષ્ટ્રની અનુસૂચિત જાતિ અને જનજાતિઓના, નોમેડિક જાતિઓના, તેમજ સેમી નોમેડિક જાતિઓ વિશેના સર્વે અનુસાર પારધી જાતિના 119 ઘરોમાંથી 38 ટકા (સર્વેમાં 1,944 ઘરો અને 11 જાતિઓનો સમાવેશ કરાયો હતો) બાળકો પ્રાથમિક શાળા બાદ ભેદભાવને કારણે, ભાષાના અવરોધોને કારણે, કે પછી લગ્નના દબાણમાં કે ભણતરના લાભ વિશેની ઓછી જાગૃતિને લીધે ભણતર છોડી દે છે.  સર્વે એવું પણ જણાવે છે કે 2 ટકા બાળકોનું કહેવું છે કે તેમને છેલ્લી પાટલી ઉપર બેસાડવામાં આવતા; જયારે 4 ટકા લોકો ના કહેવા પ્રમાણે શિક્ષકોનો વ્યવહાર વાંધાજનક હતો.

Surnita Pawar with husband and elder daughter outside their house
PHOTO • Jyoti Shinoli
Hindos Pawar and wife outside their house
PHOTO • Jyoti Shinoli

ડાબેથી: સુરનીતા પવાર એમના પતિ નૈતુલ અને એમની પુત્રી: "જિલ્લા પરિષદ સ્કૂલ ના શિક્ષકો છોકરાઓની જોડે સારો વ્યવહાર નથી કરતા." જમણે: હિંદોસ પવાર અને પત્ની યોગિતા: "જો અમારા છોકરા ભણશે નહીં તો એમની હાલત પણ અમારા જેવી જ થશે."

"જિલ્લા પરિષદની શાળાના શિક્ષકો અમારા બાળકો સાથે સારો વ્યવહાર કરતા નથી," સૂરનીતા કહે છે. ચૌદ વર્ષનો જીબેશ પવાર સહમત થતાં કહે છે,  "મારે જિલ્લા પરિષદની શાળામાં પાછા નથી જવું."  2014 સુધી જીબેશ પાંચમા ધોરણમાં યવતમાલના નેર તાલુકાના અંજની ગામની જિલ્લા પરિષદની શાળામાં ભણતો હતો. "શિક્ષકો મને કાયમ પાછળ બેસવાનું કહેતા. બાકીના બીજા બાળકો મને પારધી પારધી કરીને ચીડવતા. ગામના લોકો માને છે અમે ફૂવડ છીએ. અમારા ઝૂંપડાં ગામની બહાર છે. મારી મા ભીખ માંગે છે. હું પણ માંગતો'તો. મારા બાપા બે વરસ પહેલા ગુજરી ગયા."

પછી જીબેશે વાસથી 17 કિલોમીટર દૂર પ્રશ્નચિહ્નન આદિવાસી આશ્રમશાળામાં દાખલો લીધો. એના વાસમાં નથી પાણી, નથી વીજળી, અને એથી કરીને એ છાત્રાલયમાં રહે છે. "મારે ભણવું છે અને સેનામાં ભરતી થવું છે. મારે મારી માની જેમ ભીખ નથી માગવી," એ કહે છે. એણે હમણા જ નવમું પાસ કર્યું છે, પણ દસમામાં જવાનો એનો ઉત્સાહ હવે ચિંતામાં ફેરવાયો છે.

ચૌદ વર્ષનો કિરણ ચવાણ પણ ધૂળે જિલ્લાના સાકરી તાલુકાના જામદે ગામની જિલ્લા પરિષદની શાળામાં ભણતો હતો. એના મા-બાપ બે એકરની વન્ય જમીન પર ડાંગર ને જુવારની ખેતી કરે છે. "ગામના લોકો અમારા જિલ્લા પરિષદની શાળામાં ભણવાના વિરોધી છે," એ કહે છે, "મારા ભાઇબંધોએ શાળા છોડી દીધી કારણ બીજા છોકરાંઓ એમને ચિડાવાતાં હતાં. અમારા ઝૂંપડાં ગામની બહાર છે. એટલે અમે જયારે ગામમાં પગ મૂકીએ તો એ લોકો બોલે, " સાવધાન, ચોર આવી ગયા છે." મને નથી ખબર એ લોકો આવું કેમ બોલે છે. હું કોઈ ચોર લૂંટારો નથી. પોલીસે પણ ઘણીવાર વાસમાં આવે છે ને  જેને-તેને પકડી જાય છે ચોરી કે ખૂન ના કેસમાં. મારે એટલા માટેજ પોલીસ થવું છે. હું કોઈ નિર્દોષને હેરાન નહીં કરું."

આ બધું સારી રીતે જણતા માતિને એટલેજ ફક્ત ફાંસે પારધી બાળકોમાટે થઈને શાળા શરુ કરેલી. પોતાની બકરીઓ વેચીને, પોતાની બચત ખર્ચીને 2012માં એમણે  85 બાળકોથી શરૂઆત કરેલી. એ સમયે શાળા એટલે એમના કાકા શંકુલી ભોંસલે, આજે 76 વર્ષના, એ આપેલી ત્રણ એકર ની જમીન પર ઉભેલું એક ઝૂંપડું. માતિન કહે છે એમના કાકાએ 1970માં વર્ષોથી બચાવેલા પૈસામાંથી 200 રૂપિયામાં આ જમીન ખરીદેલી. એમના કાકા મોનિટર ગરોળી, તિલોર, સસલાં, અને જંગલી ભૂંડનો શિકાર કરતા ને એને અમરાવતી શહેરના બજારમાં વેચતા.

આ બધા પારધીના પ્રશ્નો છે જેના કોઈ જવાબ નથી એટલે પ્રશ્નાર્થચિહન આદિવાસી આશ્રમશાળા

જુઓ વિડિઓ:'સમૃદ્ધિ' તળે દટાઈ આદિવાસી શાળા

માતિનની પત્ની સીમા શાળા ચલાવવામાં મદદ કરે છે, એમનાં ત્રણ બાળકો એ જ શાળામાં અમરાવતી, બીડ, ધૂળે, વાસીમ અને યવતમાલ જિલ્લાના પારધીની વસ્તીના બીજા બાળકો સાથે ભણે છે. અહીં બધાં બાળકોને અને તેમના કુટુંબોને મફત શિક્ષણ મળે છે. શાળાના આઠ શિક્ષકોમાંથી ચાર ફાંસે પારધી જાતિના છે.

“ફાંસે પારધીઓ પાસે નથી હોતું કાયમી ઘર અને નથી હોતા કોઈ (સુરક્ષિત) કમાણીના સ્ત્રોત. આ એક ભ્રમણશીલ પ્રજા છે. એ લોકો ભીખ માંગે છે, શિકાર કરે છે, ક્યારેક ક્યારેક કામ મળે તો  મજૂરી પણ કરે છે," માતિન જણાવે છે. એમના પિતા શિકાર કરતા હતા, એમની મા ભીખ માગતી  હતી. "ઘણીવાર બાળકો માબાપ સાથે રેલ્વે સ્ટેશન પર કે બસસ્ટોપ પર ભીખ માંગે છે. એ ભણતરથી ને સારી નોકરીથી વંચિત રહે છે. શિક્ષણ અને સ્થાયિતા એ બે ચીજો એમના વિકાસ માટે અગત્યની છે. પણ પારધી બાળકો હજુય જિલ્લા પરિષદની શાળામાં ખરેખર સ્વીકારતાં નથી.  ક્યાં છે એમનો શિક્ષણનો અધિકાર? મહારાષ્ટ્ર સરકારે પણ કોઈ નિવાસી શાળા (આદિવાસી બાળકો માટે) શરુ કરી નથી. આ લોકો કઈ રીતે આગળ વધશે? આ બધા પારધીના પ્રશ્નો છે -- જેના કોઈ જવાબ નથી. એટલેજ પ્રશ્નચિહ્નન આદિવાસી આશ્રમશાળા.”

માતિને એમના કુટુંબ અને જાતિએ સહેવા પડતા અવરોધોની સામે થઈને અમરાવતી સરકારી ટીચર્સ કોલેજમાંથી 2009માં એજ્યુકેશનમાં ડિપ્લોમા કર્યું છે.  એમણે બે વર્ષ માટે એક શિક્ષક તરીકે એમના ગામ મંગૃલ ચાવલાની બહાર, જ્યાં તેઓ એમના માતા પિતા અને બહેન સાથે રહેતા હતા, જિલ્લા પંચાયતની શાળામાં કામ કર્યું.  એમણે એ જ શાળામાં અભ્યાસ કરેલો, અધવચ્ચે થી અભ્યાસ છોડ્યા વિના, જેનું શ્રેય એક મદદનીશ શિક્ષકને જાય છે.

1991માં જયારે માતિન આઠ વર્ષના હતા, એ યાદ કરે છે, "અમે ભીખ માંગતા કે તિલોર, સસલાં પકડાતા. કાં હું ને મારી ત્રણ મોટી બહેનો ગામના લોકોએ ફેંકી દીધેલું વાસી ખાવાનું ખાતા. એકવાર આવું કંઈ ખાધા પછી અમે પાંચ છ દિવસ સુધી લગભગ કંઈ ના પામતા. મારા પિતાથી અમને ભૂખથી પીડાતા જોવાતા નહીં એટલે એ કોઈ બીજાના ખેતરમાંથી 2-3 જુવારના કણસલા લઇ આવેલા. મા એ જુવારની રાબ બનાવતી અને અમને ખવડાવી હતી. ત્યાર પછી એ ખેતરના માલિકે પોલિસમાં મારા પિતાજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલી  કે એમણે પાંચ કવીન્ટલ જુવાર ચોરી છે. એમના હૈયાના સંતાપમાં એમણે ચોરી કરી પણ બે ત્રણ કણસલા ને પાંચ ક્વિન્ટલ માં ફેર ખરો કે નહિ?"

Students reading in the library
PHOTO • Jyoti Shinoli
Students eating their school meal
PHOTO • Yogesh Pawar

શાળાની લાયબ્રેરી (ડાબી તરફ) પણ તોડી નાખવામાં આવી અને 2000 ચોપડીઓ પાસેના છાત્રાલયમાં ખસેડવામાં આવી જ્યાં વિદ્યાર્થીઓને રહેવા ને ખાવાની વ્યવસ્થા છે (જમણી તરફ).

એમના પિતા શંકર ભોંસલે અમરાવતીમાં ત્રણ મહિના માટે જેલમાં હતા. માતિન કહે છે કે ત્યાં લોકોને યુનિફોર્મમાં જોઈને પિતાજીને શિક્ષણની શક્તિનો અંદાજ આવ્યો. "જેલમાં એ પારઘી સહવાસીઓને એ એમનાં  છોકરાંઓને ભણતર આપવા માટે વિનંતી કરતા" અને એમના શબ્દો યાદ કરતા માતિન કહે છે, "એ કહેતાકે જો ભણતરનો દૂરુપયોગ નિર્દોષને રંજાડી શકે છે તો એનો સદુપયોગ એનું રક્ષણ પણ કરી શકે છે."

માતિન એમના પિતાના શબ્દોને અનુસર્યા અને શિક્ષક બન્યા. અને પછી એક શાળા સ્થાપી. સાત વર્ષ અને રાજ્યના  સ્કૂલ એડયુકેશન ડીપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ ને મોકલેલા અનેકાનેક કાગળો પછી આજે પણ શાળા સરકારી માન્યતા અને મદદ પ્રાપ્ત કરવા માટે  ઝઝૂમે છે.

2015માં માતિને મહારાષ્ટ્ર રાજ્ય બાલ અધિકાર રક્ષણ સમિતિને સરકાર તરફથી માન્યતા અને મદદ ના મળવા બદલ ફરિયાદ કરેલી. સમિતિએ રાજ્યને શિક્ષણ મેળવાનો અધિકાર (RTE ) હેઠળ પછાત સમુદાયના બાળકો પ્રાથમિક શિક્ષણમાંથી વંચિત ના રહી જાય એ  જોવાની એની જવાબદારી સરકારને યાદ કરાવી હતી. એણે નોંધ્યું હતું કે શાળા પાસે કાયદામાં  ઠરાવેલી જરૂરી આધાર સામગ્રી ને સવલતો છે અને તેથી ફરિયાદીને શાળા ચલાવવાનો અને સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત કરવાનો અધિકાર છે.

"શિક્ષણ મેળવાના અધિકારના કાયદા મુજબ નાત-જાત, વર્ગ, કે ધર્મના ભેદભાવ વગર દરેક બાળકને પ્રાથમિક શિક્ષણ મળે એ જોવાની જવાબદરી સરકારની છે.   જો સરકારે આનો અમલ બરાબર કર્યો હોત તો આ 'પ્રશ્નચિહ્નન"  ઉભું જ ના થાત. પછી જયારે કોઈ પોતાના પ્રયાસોથી આવી એક શાળા ઉભી કરે છે  ત્યારે સરકાર એને માન્યતા સુધ્ધાં આપતી નથી." એહમદનગરના શિક્ષણના ક્ષેત્રે સક્રિયકાર્યકાર બાહુ ચાસકર કહે છે.

Students exercising on school grounds
PHOTO • Yogesh Pawar
Students having fun
PHOTO • Jyoti Shinoli

"મને નથી ખબર અમે આ વર્ષની બેચ કેમની શરુ કરીશું. કદાચ છાત્રાલયના ઓરડાઓમાં ક્લાસ લઈશું," પ્રકાશ પાવર કહે છે.

"ચાર વરસ થયા એ ઓર્ડરને, પણ આદિવાસી ખાતું કે શિક્ષણ ખાતું બેમાંથી એકેયએ કોઈ પગલાં લીધા નથી." પ્રશ્નચિહ્નન શાળાના પારધી જાતિના આચાર્ય પ્રકાશ પાવરે જણાવ્યું. ગ્રાન્ટ આપીને સરકાર વિજ્ઞાનની, કોમ્પ્યુટરની લૅબોરેટ્રી, લાઈબ્રેરીના રૂમો, શૌચાલયો, પીવાના પાણીની પરબ, છાત્રાલયો, શિક્ષકોનો પગાર ને બીજી ઘણી સવલતો ઉભી કરી શકે છે." એમણે ઉમેર્યું.

દાન ભંડોળ આવે તો કોઈ ખાનગી શાળામાંથી નોટબુકોના રૂપમાં, કે (લાયબ્રેરી માટે) પુસ્તકો, કરિયાણું અને વ્યક્તિગત કે રાજ્યની કોઈ સંસ્થા તરફતી પૈસાના રૂપે જેનાથી બધો ખર્ચો નીકળે, શિક્ષકોનો(મહિનાના 3000) અને પંદર બીજા કામદારોનો (મહિને 2000) પગાર મેળવીને.

બધી મુશ્કેલીઓ છતાં લગભગ 50 વિદ્યાર્થીઓએ દસમું ધોરણ પ્રશ્નચિહ્ન શાળામાંથી પાસ કર્યું છે અને મહારાષ્ટ્રના બીજા નાના મોટા શહેરોમાં અભ્યાસ કરે છે.   નિશાળની છોકરીઓની કબડ્ડીની ટીમ તાલુકા અને રાજ્ય કક્ષાએ 2017 અને 2018 માં જીતી છે.

પણ હવે સમૃદ્ધિ હાઈવે એમના સપનાંનાં રસ્તાની વચમાં આવે છે. "મને નથી ખબર અમે આ વર્ષની બેચ કેમની શરુ કરીશું. કદાચ છાત્રાલયના ઓરડાઓમાં ક્લાસ લઈશું," પાવર કહે છે. "અમે ભેદભાવના,  બહિષ્કારના, મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહેવાના ઘણા 'પ્રશ્નો' વેઠ્યા છે. અમે જયારે  'ભણતર' નો જવાબ શોધ્યો ત્યારે હવે તમે (મહારાષ્ટ્ર સરકારે) આ નવો વિસ્થાપનનો પ્રશ્ન લાવી ને મૂક્યો અમારી સામે. શા માટે?" માતિનના પ્રશ્નમાં ક્રોધ છે. "હું બધા છોકરાંઓને આઝાદ મૈદાન લઇ જઈશ ભૂખ હડતાળ માટે। અને જ્યાં સુધી અમને લેખિત બાંહેધરી ના મળે પુનર્વસનની ત્યાં સુધી અમે હટીશું નહીં."

અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા

Jyoti Shinoli is a Senior Reporter at the People’s Archive of Rural India; she has previously worked with news channels like ‘Mi Marathi’ and ‘Maharashtra1’.

Other stories by Jyoti Shinoli
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya