પ્રતિભા હિલિમ પૂછે છે, “તીન આણિ દોન કિતી? [ત્રણ વત્તા બે કેટલા થાય?].” તેમની  સામે જમીન પર 7 થી 9 વર્ષની ઉંમરના આશરે 10 બાળકો બેઠાં છે. તેઓ જવાબ આપતા નથી. તેઓ પાટિયા પર લખે છે, પાછળ ફરીને બાળકો તરફ  જુએ છે અને તેમને હાથ વડે અને માથું  નમાવી પુનરાવર્તન કરવા ઈશારો કરે  છે, "પાંચ."

પ્રતિભા તેમના બંને ઢીંચણ સાથે જોડાયેલ રબરના તળિયાવાળા ચામડા-અને-સ્ટીલના સ્ટમ્પ પ્રોટેક્ટરની મદદથી ઊભા છે. તેમની કોણી પાસે સફેદ ચાકનો ટુકડો બાંધેલો છે.

‘શાળા’ ચાલુ છે, અને આ શાળા પાલઘર જિલ્લાના કર્હે ગામમાં હિલિમ પરિવારના ત્રણ રૂમવાળા સિમેન્ટના મકાનમાં ચાલે છે. અહીં આ વર્ષે 20 મી જુલાઈથી પ્રતિભા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિક્રમગઢ  તાલુકાના આ ગામના 30 જેટલા આદિવાસી બાળકોને અંગ્રેજી, ઈતિહાસ, મરાઠી અને ગણિત શીખવી રહ્યા છે.  1378 લોકોની વસ્તીવાળા આ ગામમાં  બે જિલ્લા પરિષદ  શાળાઓ દ્વારા આપવામાં આવતા પાઠયપુસ્તકો લઈને સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી બાળકો જુદા જુદા જૂથોમાં  આવે છે.

એક વિદ્યાર્થી તેમના હાથના ઉપરના ભાગ પર વેલ્ક્રો સ્ટ્રેપ (પટ્ટા) ની મદદથી ચાક બાંધવામાં  કરવામાં મદદ કરે છે ત્યારે પ્રતિભા કહે છે, “ઓપરેશન થયું ત્યારથી એકેએક નાનું નાનું કામ પૂરું કરવામાં વધુ સમય લાગે  છે. આનાથી લખવામાં પણ મુશ્કેલી પડે છે."

ગયા વર્ષ સુધી તો વારલી આદિવાસી સમુદાયના પ્રતિભા હિલિમ સ્થાનિક જિલ્લા પરિષદ (ઝેડપી) શાળાઓમાં 28 વર્ષથી ભણાવતા હતા. 20 વર્ષની ઉંમરે લગ્ન થયા પછી તેઓ કર્હેથી ​​100 કિલોમીટર દૂર ભિવંડી શહેરમાં રહેવા ગયા.  તેમના પતિ પાંડુરંગ હિલિમ ત્યાં કામ કરતા હતા - 50 વર્ષના પાંડુરંગ હિલિમ હાલ રાજ્યની સિંચાઈ કચેરીમાં સિનિયર કારકુન છે. 2015 માં નજીકના થાણે જિલ્લાના કાલવા શહેરમાં પાંડુરંગની બદલી થઈ ત્યારે પણ પ્રતિભાએ ભણવાનું ચાલુ રાખ્યું. એ માટે તેઓ કાલવાથી ભિવંડી નિયમિતપણે આવ-જા કરતા.

તે પછી ભિવંડીમાં નવી ઝેડપી શાળામાં કામ કરવાનું શરૂ કર્યા પછી  તેઓ સામાન્ય રીતે મહિને એક વાર  કર્હેમાં હિલિમ પરિવારને ઘેર આવતા. જૂન 2019માં આવી એક મુલાકાત વખતે જ  તેમની મુશ્કેલીઓની  શરૂઆત  થઈ. એ મહિને 50 વર્ષના પ્રતિભાને ગેંગ્રીન, એક એવી સ્થિતિ જે શરીરની પેશીઓ મરી જાય ત્યારે ઊભી થાય છે,  હોવાનું નિદાન થયું હતું. સામાન્ય રીતે કોઈ અંતર્ગત બિમારી, ઈજા અથવા ચેપને કારણે લોહીનો પુરવઠો ન મળે ત્યારે ગેંગ્રીન થાય છે.

તે પછી થોડા વખતમાં જ  તેમના કોણીથી નીચેના બંને હાથ  અને ઢીંચણથી નીચેના  બંને પગ કાપી નાખવા પડ્યા.

PHOTO • Shraddha Agarwal

કર્હે ગામમાં પ્રતિભા હિલિમને ઘેર 'શાળા' ચાલુ છે, અને તેઓ સ્ટમ્પ પ્રોટેકટર્સની મદદથી  હરેફરે છે અને હાથ સાથે બાંધેલા ચાકથી લખે છે

પ્રતિભા કહે છે, “મને આવું થશે એવું તો મેં કદી વિચાર્યું ય નહોતું. જ્યારે મને અચાનક સખત તાવ આવ્યો ત્યારે હું અહીં [કર્હેમાં] હતી." 16 મી જૂને રાતના લગભગ  8 વાગ્યા હતા. "સારું થઈ જશે એમ વિચારી મેં પેરાસિટામોલ લીધી. પરંતુ બીજા દિવસે સવારે હું ખૂબ માંદી પડી ગઈ, એટલે મારો દીકરો અને પતિ મને હોસ્પિટલમાં લઈ ગયા. મને આ કંઈ યાદ નથી. હું આખો દિવસ બેહોશ હતી.”

17 મી જૂને  સવારે તેમને તેમના પરિવારની ગાડીમાં લગભગ 120 કિલોમીટર દૂર કળવાની એક ખાનગી ગ્રામીણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પ્રતિભા કહે છે, "ત્યાંના ડોકટરોએ મારા પતિને કહ્યું કે મારી હાલત ગંભીર છે અને મને તાત્કાલિક થાણેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવી જોઈએ." તે જ દિવસે, તેમના પરિવારે તેમને એમ્બ્યુલન્સમાં ત્યાં ખસેડ્યા.

"આખરે જ્યારે હું જાગી  ત્યારે મને ખ્યાલ આવ્યો  કે હું હોસ્પિટલમાં છું. ડોક્ટરે કહ્યું કે મને ડેન્ગ્યુ ફીવર છે. તેમણે મને પૂછ્યું કે  ખેતરોમાં કામ કરતી વખતે મને કંઈ  થયું હતું કે કેમ. પરંતુ કંઈ બન્યું ન હતું. જ્યારે બાબાને મળવા આવીએ છીએ  ત્યારે હંમેશાં અમે શનિ-રવિ ખેતરનું કામ કરીએ છીએ. તેઓ  વૃદ્ધ છે, તેથી અમે મદદ કરીએ છીએ અને અમારા પ્લોટમાં ડાંગર રોપીએ છીએ. " કર્હે  ગામમાં પાંડુરંગના પિતાની ચાર એકર જમીન છે. તેમનો પરિવાર ત્યાં ડાંગર, બાજરી, તુવેર અને અડદની ખેતી કરે છે. પ્રતિભાએ ઉમેર્યું, "જો કે અનિયમિત વરસાદને લીધે અમે ખેતરમાં વધુ કામ કરવાનું બંધ કરી દીધું હતું,"

19 મી જૂને થાણેની ખાનગી હોસ્પિટલમાં હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે તેમના હાથ અને પગ કાળા થવા માંડ્યા હતા. “જ્યારે ડોકટરોએ કહ્યું કે મને ખેતરમાં કોઈ જીવજંતુ કરડ્યું હોય એમ બની શકે.  મેં તેમની વાત સાચી ન માની. પરંતુ તાવ વધતો જ રહ્યો અને મારી સ્થિતિ વધારે ખરાબ થવા લાગી. મારા બંને પગ અને મારા આ [જમણા] હાથમાં પણ બળતરા થવા લાગી. પહેલા તેઓ [ડોકટરો] એ કહ્યું કે હું ઠીક થઈશ, પરંતુ પછીની રાત્રે મારા હાથ અને પગ બરફ જેવા ઠંડા થઈ ગયા. હું બૂમો પાડતી રહી . તે પછી 19 દિવસ સુધી  હું બૂમો પાડતી રહી. મારા હાથ  કરતાં મારા પગ વધારે દુખતા હતા અને બળતા હતા.

ત્રણ દિવસ પછી  પ્રતિભાને ગેંગ્રીન હોવાનું નિદાન થયું. “શરૂઆતમાં  ડોકટરો પણ સમજી શક્યા નહીં કે આ કેવી રીતે થયું. તેઓએ ઘણા પરીક્ષણો કર્યા.  તાવ ઓછો નહોતો થતો અને મને ખૂબ પીડા થતી હતી. પગમાં એટલી બધી બળતરા થતી હતી કે હું ચીસો પાડતી રહી . એક અઠવાડિયા પછી તેઓએ કહ્યું કે હવે  સારું થઈ જશે કારણ કે મારા ડાબા હાથની ત્રણ આંગળીઓ હજી હલાવી શકાતી હતી. મારા પતિને ખૂબ આઘાત લાગ્યો હતો. શું કરવું તેમને કંઈ ખબર નહોતી પડતી. બધી જવાબદારી મારા દીકરાએ સંભાળી લીધી. ”

'When the doctors first told me about the operation I went into shock... Since then, every small task takes longer to complete. Even writing with this chalk is difficult'
PHOTO • Shraddha Agarwal
'When the doctors first told me about the operation I went into shock... Since then, every small task takes longer to complete. Even writing with this chalk is difficult'
PHOTO • Shraddha Agarwal

પહેલા 'જ્યારે ડોકટરોએ  મને ઓપરેશન વિશે કહ્યું ત્યારે મને આઘાત લાગ્યો ... બસ ત્યારથી એકેએક નાનું નાનું કામ પૂરું કરવામાં વધુ સમય લાગે  છે. આ ચાકથી લખવામાં પણ મુશ્કેલી પડે છે'

તેમનો 27 વર્ષનો દીકરો સુમિત સિવિલ એન્જિનિયર છે. તેને કામમાંથી લાંબી રજા  મળી શકે તેમ ન હતું એટલે માતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી તે પછી તેણે મુંબઈની કન્સ્ટ્રક્શન કંપનીની નોકરી છોડી દીધી. પ્રતિભા યાદ કરે છે, “મારા ઓપરેશન અંગેના તમામ નિર્ણયો તેણે જ લીધા.  બધા કાગળો પર સહી પણ તેણે જ કરી. તે મને ખવડાવતો, નવડાવતો,  મારા દીકરા એ જ બધું કર્યું."

ગયા વર્ષે જૂન મહિનાના અંત સુધીમાં થાણેની હોસ્પિટલમાં ડોકટરોએ પ્રતિભાનો જમણો હાથ કાપી નાખવો પડ્યો હતો. જખમની નિશાનીઓ તરફ ઈશારો કરતા સુમિત કહે છે, “તે ઓપરેશન બરોબર ન થયું. તેઓએ તેનો જમણો હાથ ખૂબ જ ખરાબ રીતે કાપી નાખ્યો. એક તો તેમણે ઓપરેશન કરવાના 3.5 લાખ રુપિયા લીધા અને એ પછી ઓપરેશન બરાબર કર્યું પણ નહીં. તે પીડાથી ખૂબ રડતી. મારા પિતાએ કહ્યું કે હવે આ હોસ્પિટલ આપણને નહિ પરવડે. "

ભિવંડીની ઝેડપી સ્કૂલે થોડાઘણા ખર્ચાને  પહોંચી વળવા ઓગસ્ટ મહિનામાં પ્રતિભાને ત્રણ મહિનાનો પગાર આપ્યો હતો - મહિને આશરે 40000 રુપિયા તેના હાથમાં આવતા હતા. પ્રતિભા કહે છે,  “એ [થાણે] હોસ્પિટલમાં અમારે ખૂબ ખર્ચો થયો. તેમણે લગભગ 20 દિવસના આશરે 13 લાખ રૂપિયા વસૂલ્યા. મારા ભાઈએ અમને થોડા પૈસા ઉધાર આપ્યા  અને  મારા શાળાના મિત્રોએ પણ અમને મદદ કરી. અમારી પાસે કંઈ બચ્યું નહોતું. મારા પતિએ પણ લોન લીધી, ”.

12 મી જુલાઈની આસપાસ તેમને પરવડી શકે તે કરતાં કંઈક વધારે ખર્ચ કર્યા પછી પ્રતિભાના પરિવારજનો તેમને દક્ષિણ મુંબઈની સરકાર સંચાલિત જેજે હોસ્પિટલમાં લઈ આવ્યા. ત્યાં તેઓ  લગભગ એક મહિના સુધી રહ્યા. પ્રતિભા યાદ કરે છે, “જેજે આવ્યા પછી મારા પગ હજી ય દુખતા  હતા. જો કોઈ મારા પગને અડે તો ય મારાથી બૂમ પડાઈ જતી. નવ દિવસ સુધી હું કંઈપણ ખાઈ ન શકી. હું સૂઈ શકતી નહોતી. અને મારા પગમાં ખૂબ બળતરા થતી હતી. ડોક્ટરોએ મને 2-3 દિવસ અવલોકન હેઠળ રાખી અને પછી ઓપરેશન કરવાનું નક્કી કર્યું. ”

15 મી જુલાઈએ પાંચ કલાકના એ ઓપરેશનમાં તેના બાકીના ત્રણ અવયવો  - ડાબો  હાથ અને બંને પગ પણ કાપી નાખવામાં આવ્યા.

પ્રતિભા કહે છે, "જ્યારે ડોકટરોએ પહેલા મને ઓપરેશન વિશે જણાવ્યું હતું ત્યારે મને આઘાત લાગ્યો. મને મારા ભવિષ્ય વિશે વિચારો આવવા માંડ્યા કે હવે મારાથી ભણાવવા માટે શાળાએ નહિ જઈ શકાય. મારે ઘેર જ બેસી રહેવું પડશે અને કોઈના ઓશિયાળા બનીને રહેવું પડશે. હું હવે રસોઈ નહિ કરી શકું એમ વિચારીને હું રડવા માંડી. પરંતુ મારા સબંધીઓ અને મિત્રો દરરોજ મને મળવા આવતા. તેઓએ મને ખૂબ હિંમત આપી. ડોકટરોએ પણ મને કહ્યું હતું કે પ્રોસ્થેટિક (કૃત્રિમ) અવયવોથી હું ફરીથી શાળામાં જઈ શકીશ અને પહેલાની જેમ જ બધું કરી શકીશ. તેઓએ મારા માટે તે સરળ બનાવ્યું. હું ખૂબ ડરી ગઈ હતી  પણ મારા મારા માતા-પિતાએ પણ મને હિંમત આપી અને ઓપરેશન પછી મને મદદ કરી. હું તેમની અત્યંત ઋણી છું. "
Pratibha Hilim with her son Sumeet and daughter Madhuri, who says, 'We tell her we are there for you. We children will become your arms and legs'
PHOTO • Shraddha Agarwal
Pratibha Hilim with her son Sumeet and daughter Madhuri, who says, 'We tell her we are there for you. We children will become your arms and legs'
PHOTO • Shraddha Agarwal

પ્રતિભા હિલિમ દીકરા સુમિત અને દીકરી  માધુરી સાથે , તેઓ બંને કહે છે, ‘અમે તેને કહીએ છીએ કે અમે છીએ ને તને મદદ કરવા/ અમે તારી સાથે જ છીએ. અમે બાળકો તારા હાથ અને પગ બનીશું’

11 મી ઓગસ્ટ, 2019 ના રોજ જેજે હોસ્પિટલમાંથી ઘેર જવાની રાજા અપાય બાદ પ્રતિભા તેમની માતા સાથે રહેવા ગયા. તેમની માતા 65 વર્ષના સુનિતા વાઘ ખેડૂત અને ગૃહિણી છે.  પાલઘર જિલ્લાના જવાહર તાલુકાના ચાલતવાડ ગામે પ્રતિભાના માતાપિતાની છ એકર જમીન છે અને તેઓ ચોખા, જુવાર, તુવેર અને બાજરી ઉગાડે છે. તેમના 75 વર્ષના પિતા અરવિંદ વાળા હજી પણ થોડા ખેતમજૂરો સાથે ખેતરમાં કામ કરે છે.   લોકડાઉનના કારણે તેમનો પરિવાર કર્હે ગામ પાછો ફર્યો ત્યાં સુધી,  માર્ચ 2020 સુધી,  પ્રતિભા ચાલતવાડ રોકાયા હતા . (આ વર્ષે સપ્ટેમ્બરમાં તેમના પતિ ગામમાં રહી શકાય એ  માટે પાછા કર્હે જતા રહ્યા છે, અને મોટર સાયકલ પર જવાહર તાલુકા ખાતે આવેલી સિંચાઈ કચેરીમાં કામ કરવા જાય છે).

ગયા વર્ષ દરમિયાન ફોલો-અપ ચેક-અપ (ઓપરેશન પછીની તાપસ) અને પરીક્ષણો માટે  પ્રતિભાને  તેમના દીકરા સાથે 3-4 વાર જેજે હોસ્પિટલની મુલાકાત લેવી પડી હતી. ફેબ્રુઆરી 2020 માં તેમણે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા સંચાલિત દક્ષિણ મુંબઈના હાજી અલી ખાતેની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ મેડિસિન એન્ડ રિહેબિલિટેશનમાં પ્રિ-પ્રોસ્થેટિક ફિઝિયોથેરાપી શરૂ કરી હતી. ત્યાંના ડોકટરોએ તેમને જમણા હાથે બરાબર રૂઝ ન આવે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું હતું. આ કેન્દ્ર ચાલતવાડથી આશરે 160 કિલોમીટર દૂર છે, અને તેમનો દીકરો સુમિત એકાંતરે દિવસે  તેમને ત્યાં લઈ જતો; આ માટે એક તરફની મુસાફરીના ચાર કલાક થતા. પ્રતિભા યાદ કરે છે, “તેઓએ  બધી ઈજાઓ રૂઝાયા પછી અમને ફિઝિયોથેરાપી માટે પાછા આવવાનું કહ્યું હતું. પરંતુ, મારો જમણો હાથ લગભગ દરરોજ [મહિનાઓ સુધી]  દુઃખતો. મારી દીકરી  માધુરી ઘરના તમામ કામકાજ સંભાળતી અને  અત્યારે પણ  તે મને તેના હાથેથી ખવડાવે છે. હું પટ્ટાની મદદથી ખાવાનો પ્રયત્ન કરું છું, પણ ચમચી પડી જાય છે. ”

પ્રતિભાની સૌથી નાની દીકરી 25 વર્ષની માધુરી સાવંતવાડી તાલુકાની યુનિવર્સિટીમાં આયુર્વેદિક ચિકિત્સાનો અભ્યાસ કરે છે. જુલાઈ 2019 માં જેજે હોસ્પિટલમાં પ્રતિભાના ઓપરેશન દરમિયાન તેની પરીક્ષાઓ ચાલુ હતી અને તે તેની માતાની સાથે રહી શકી નહોતી. તે કહે છે, "પરંતુ ભગવાને મારી માતાને અમારે માટે નવું જીવન આપ્યું. હવે તેને આ તકલીફ સામે લડવામાં મદદ કરવા  હું બધું કરી છૂટીશ. ક્યારેક  તે  તેના હાથ અને પગ  છીનવાઈ ગયા એ માટે  ખૂબ રડે છે. ભૂતકાળમાં તેણે અમારે માટે ઘણું કર્યું છે - હવે અમારો વારો આવ્યો છે. અમે તેને કહીએ છીએ કે અમે છીએ ને તને મદદ કરવા/ અમે તારી સાથે જ છીએ. અમે બાળકો તારા હાથ અને પગ બનીશું. ” પ્રતિભાની મોટી દીકરી 29 વર્ષની પ્રણાલી દરોથે જિલ્લા ખેતીવાડી કચેરીમાં સહાયક કૃષિ અધિકારી તરીકે નોકરી કરે છે અને તેને એક વર્ષનો દીકરો છે.

પ્રતિભા અને તેમનો પરિવાર હવે  હાજી અલી કેન્દ્ર પરથી તેમના પ્રોસ્થેટિક્ અવયવો મળે તેની  આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  તેમને સ્ટમ્પ પ્રોટેકટરો પણ ત્યાંથી જ મળ્યા હતા. તેઓ કહે છે, “મને માર્ચ મહિનામાં મારા હાથ અને પગ [પ્રોસ્થેટિક્સ]   મળવાના હતા. મારા માપ પ્રમાણે અગાઉથી  જ બનાવવામાં આવ્યા હતા અને ત્યાં જ રાખવામાં આવ્યા હતા. પરંતુ ડોકટરે  [લોકડાઉનને કારણે] થોડા મહિના પછી  પાછા આવવાનો સંદેશો મોકલ્યો. જ્યારે પણ કેન્દ્ર ફરીથી ખુલશે ત્યારે મને ફરીથી તાલીમ અપાશે  અને ત્યારબાદ તેઓ મારા હાથ અને પગ બંને જોડશે. ”
Some of Pratibha's students: 'Their parents are really poor. How will they get a phone for online education?' she asks. 'School has always been my whole world. Being with kids also helps me feel like I am normal again'
PHOTO • Shraddha Agarwal

પ્રતિભાના કેટલાક વિદ્યાર્થીઓ: તેઓ પૂછે છે, 'તેમના માતા-પિતા ખરેખર ગરીબ છે. તેઓ ઓનલાઇન શિક્ષણ માટે ફોન લાવશે ક્યાંથી? શાળા એ જ હંમેશા મારી દુનિયા રહી છે. બાળકો સાથે રહેવાથી મને હું ફરીથી સામાન્ય  છું એવું અનુભવવામાં પણ  મદદ થાય છે'

જાન્યુઆરીથી પ્રતિભા તેમના બંને પગ સાથે જોડાયેલા ઢીંચણના પેડ્સનો ઉપયોગ કરીને ચાલતા હતા. તેઓ કહે છે, "કેન્દ્રએ આ આપ્યા કારણ કે તે મારા માટે [પ્રોસ્થેટિક્ અંગો સાથે] ચાલવાનું સરળ બનાવશે અને મારું સંતુલન જાળવવામાં પણ મદદ કરશે. શરૂઆતમાં એ બહુ જ વાગતા હતા. એની સાથે ચાલવાની ટેવ પાડવામાં મને મહિનો લાગ્યો.” પુનર્વસવાટ કેન્દ્રએ  તેમને પ્રોસ્થેટિક્સનો ઉપયોગ કરીને કેવી રીતે બેસવું,   કેવી રીતે ઊભા રહેવું  અને બીજા મૂળભૂત હલનચલન કેવી રીતે કરવા તે નવેસરથી શીખવામાં પણ મદદ કરી અને સ્નાયુઓ મજબૂત બનાવવા માટે તેમને યોગ અને અન્ય કસરતો શીખવાડી.  વેલ્ક્રો સ્ટ્રેપ્સનો ઉપયોગ કરીને તેમના હાથથી ચમચી, પેન અથવા ચાક જેવી વસ્તુઓ ઉપાડવાનું પણ કેન્દ્રમાં શીખવવામાં આવ્યું.

ગયા વર્ષે અવયવો કાપી નાખ્યા પછી પ્રતિભાનું ઝેડપી સ્કૂલમાં શિક્ષક તરીકેનું કાર્ય અટકી ગયું. અને તે પછી માર્ચમાં કોવિડ -19 લોકડાઉન આવ્યું. તેમને સમજાયું કે લોકડાઉન દરમિયાન ગામના બાળકો ભણવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેઓ  તેમને (બાળકોને) ભટકતા અથવા ખેતરોમાં કામ કરતા જોતા. તેઓ કહે છે, “આ ગરીબ લોકો છે. તેઓ ઓનલાઇન શિક્ષણ સમજી શકતા નથી. તેમના માતા - પિતા ખરેખર ગરીબ છે. તેઓ ઓનલાઇન શિક્ષણ માટે ફોન લાવશે ક્યાંથી ? ”

તેથી પ્રતિભાએ બાળકોને મફત ભણાવવાનું નક્કી કર્યું. “અહીં આદિવાસી બાળકોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમને બે ટંકનું ભોજન પણ માંડ  નસીબ થાય છે. કેટલીકવાર મારી દીકરી જે બાળકો ભૂખ્યાં આવે છે તેમને માટે  રસોઈ બનાવે છે. સામાન્ય રીતે અમે તેમને કેળાં આપીએ, પરંતુ ખાસ દિવસોમાં અમે  ફરસાણ અને ચોકલેટ વહેંચીએ.”

તેઓ  ઉમેરે છે, “લણણીની મોસમને કારણે પણ ઘણા [બાળકો] એ  [તેમને ઘેર ચાલતા વર્ગમાં] આવવાનું પણ કરી દીધું. તેમના માતાપિતા તેમને ખેતરોમાં લઈ જાય. અથવા તેમના નાના ભાઈઓ અને બહેનોની સંભાળ રાખવા માટે બાળકોને ઘેર  રહેવું પડે. જો મારે પગ હોત તો હું આ ગામના એકેએક ઘેર ગઈ હોત અને માતાપિતાને તેમના બાળકોને મારી પાસે મોકલવાની ફરજ પાડી હોત.”

ઓગસ્ટ 2020 માં પ્રતિભાએ ભિવંડીની ઝેડપી સ્કૂલમાંથી કર્હે ગામમાં બદલી માટે અરજી કરી હતી - તેઓ હજી નોકરી પર ચાલુ છે અને ઓગસ્ટ 2019 સુધી ત્રણ મહિનાનો પગાર મેળવ્યા બાદ વગર પગારની  રજા પર છે. તેઓ કહે છે, "શાળા ફરીથી શરુ થાય ત્યાં સુધી હું મારે ઘેર  બાળકોને ભણાવવાનું ચાલુ રાખીશ.” તેમને ખાતરી છે કે પ્રોસ્થેટિક અવયવો તેમને ફરીથી કામ  શરૂ કરવામાં મદદ કરશે.

તેઓ કહે છે, “મારે મારા પગ પર ઊભા રહેવું છે. મારે પાછા શાળાએ જવું છે અને ભણાવવું છે. મારે મારું કામ જાતે કરવું છે."   પ્રતિભા ઉમેરે છે, "શાળા એ જ હંમેશા મારી દુનિયા રહી છે. બાળકો સાથે રહેવાથી મને હું ફરીથી સામાન્ય  છું એવું અનુભવવામાં પણ  મદદ થાય છે."   મને આવજો કહેવા આગળના દરવાજા સુધી આવવા તેઓ આપોઆપ જ સોફા પરથી ઊભા થવાનો  પ્રયત્ન કરે છે પરંતુ તેમના નીપેડ્સ જોડાયેલા નથી, અને તેઓ તેમનું સંતુલન ગુમાવે છે અને લગભગ પડી જાય છે. તેઓ પોતાનું સંતુલન પાછું જાળવી લે છે, દેખીતી રીતે જ પરેશાન તેઓ ફરીથી સોફા પર ગોઠવાઈને હાથ હલાવી આવજો કહેતાં કહે છે, "હવે જ્યારે તમે ફરીથી આવો ત્યારે અમારી સાથે જમજો."

અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક

Shraddha Agarwal

Shraddha Agarwal is a Reporter and Content Editor at the People’s Archive of Rural India.

Other stories by Shraddha Agarwal
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik