ખંડુ માને અઠ્ઠ્યાની પીઠ પરના છાલકામાં ગણી ગણીને કાચી ઈંટો મૂકે છે “ચૌદ, સોળ, અઢાર... .” અને (અઢાર ઈંટો થઈ ગયા) પછી ગધેડાને સૂચના આપે છે: "ચલા...ફર્રર્રર્રર્ર...ફર્રર્રર્રર્ર..." અઠ્ઠ્યા અને બોજ લાદેલા બે ગધેડા ત્યાંથી લગભગ 50-મીટર દૂર આવેલી ભઠ્ઠી તરફ ચાલવાનું શરૂ કરે છે.  એ ઈંટોને આગમાં પકાવવા માટે ત્યાં ઉતારવામાં આવશે.

ખંડુ કહે છે, “બસ હવે બીજો એક કલાક અને પછી આરામ." પણ હજી તો સવારના નવ જ વાગ્યા છે! અમારા મૂંઝવણભર્યા ચહેરાઓ જોઈને તેઓ સમજાવે છે: “અમે મધરાતે એક વાગ્યે અંધારામાં કામ શરૂ કર્યું હતું. અમારી પાળી સવારે 10 વાગ્યે પૂરી થાય છે. રાતભર હે અસંચ ચાલુ આહે [અમે આખી રાત આ જ રીતે કામ કર્યું છે].”

ખંડુના ગધેડાની ટોળીમાંના ચાર ગધેડા તેમના ખાલી છાલકા સાથે ભઠ્ઠીમાંથી પાછા ફર્યા છે. તેઓ ફરીથી નવેસરથી (ગણતરી) શરૂ કરે છે: "ચૌદ, સોળ, અઢાર ..."

ત્યાં જ અચાનક તેઓ તેમના એક ગધેડાને મોટેથી બૂમ પાડીને હિન્દીમાં કહે છે, “રુકો…” તેઓ ખુલ્લા દિલથી હસીને કહે છે, “આપણા સ્થાનિક ગધેડા મરાઠી સમજે છે, પરંતુ આ નથી સમજતું. આ ગધેડું રાજસ્થાનનું છે. અમારે તેને હિન્દીમાં સૂચના આપવી પડે છે." અને અમને સાબિત કરી બતાવવા કહે છે: રુકો. એ ગધેડું અટકી જાય છે. ચલો. (કહેતા) એ ચાલવા લાગે છે.

ખંડુનું તેમના ચોપગા મિત્રો વિશેનું ગૌરવ સ્પષ્ટ જણાઈ આવે છે. “લીંબુ અને પાંઢર્યા બહાર ચરી રહ્યા છે, અને એ જ રીતે મારી સૌથી પ્રિય બુલેટ પણ. તે ઊંચી અને રૂપાળી અને ખૂબ ચપળ છે!”

PHOTO • Ritayan Mukherjee

સાંગલી શહેરની હદ નજીક આવેલા સાંગલીવાડીના જોતિબા મંદિર વિસ્તાર પાસેના એક ઈંટના ભઠ્ઠામાં ખંડુ માને અઠ્ઠ્યાની પીઠ પર ઈંટો લાદી રહ્યા છે

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ડાબે:  કર્ણાટકના બેલગામ જિલ્લાના અથની તાલુકાના સ્થળાંતરિત કામદારો વિલાસ કુડાચી અને રવિ કુડાચી જોતિબા મંદિર પાસેના ભઠ્ઠામાં શેરડીના સૂકા કૂચાનો ભાર ઉપાડે છે, જેનો ઉપયોગ ઈંટો બનાવવા માટે કરવામાં આવશે. જમણે:  ભાર ઉતાર્યા પછી વધુ ઈંટો લેવા પાછા ફરતા ગધેડા

અમે તેમને મહારાષ્ટ્રના સાંગલી શહેરની બહારના વિસ્તાર સાંગલીવાડી નજીક ઈંટના ભઠ્ઠામાં મળ્યા હતા. ત્યાં જોતિબા મંદિરની આસપાસનો વિસ્તાર ઈંટના ભઠ્ઠાઓથી ભરેલો છે - લગભગ 25 તો અમે પોતે ગણ્યા.

ઈંટના ઉત્પાદનમાં વપરાતા સુકી શેરડીના કૂચાની મીઠી સુગંધ ભઠ્ઠાઓમાંથી નીકળતા ધુમાડા સાથે ભળે છે, (અને) સવારની હવાને ભરી દે છે. દરેક ભઠ્ઠામાં અમે પુરુષો, મહિલાઓ, બાળકો અને ગધેડાઓને ઘડિયાળના કાંટાની જેમ (સતત એકસરખું) કામ કરતા જોઈએ છીએ. કેટલાક માટી ભેળવી રહ્યા છે જ્યારે બીજા કેટલાક (બીબામાં માટી ભરીને) ઈંટો બનાવી રહ્યા છે; કેટલાક (ગધેડા પર) ઈંટો લાદી રહ્યા છે અને બીજા ઉતારીને એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવી રહ્યા છે.

ગધેડા આવે છે અને ગધેડા જાય છે, બે…ચાર…છની જોડીમાં...

ખંડુ કહે છે, "અમે પેઢીઓથી ગધેડા ઉછેરીએ છીએ. મારા મા-બાપે એ કામ કર્યું, મારા દાદા-દાદીએ કર્યું, અને હવે હું પણ એ જ કામ કરું છું." સાંગલી શહેરથી લગભગ 150 કિલોમીટર દૂર - મૂળ સોલાપુર જિલ્લાના પંઢરપુર બ્લોકના ખંડુ, તેમનો પરિવાર અને તેમના ગધેડા દર વર્ષે (નવેમ્બર-ડિસેમ્બરથી એપ્રિલ-મે વચ્ચે) ઈંટના ભઠ્ઠાની મોસમ દરમિયાન તેમના ગામ વેલાપુરથી સાંગલી સ્થળાંતર કરે છે.

અમે ખંડુની પત્ની માધુરીને ગધેડાઓ પર લાદીને લાવવામાં આવેલી કાચી ઈંટો ઉતારવામાં અને એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવવાના કામમાં ભઠ્ઠીમાં વ્યસ્ત જોઈએ છીએ. દંપતીની 9 થી 13 વર્ષની દીકરીઓ કલ્યાણી, શ્રધ્ધા અને શ્રાવણી ગધેડાઓ સાથે ચાલીને તેમને તેમના ગંતવ્ય તરફ હાંકી જઈ રહી છે. છોકરીઓનો 4-5 વર્ષનો ભાઈ તેના પિતાની પાસે બિસ્કિટ અને ચા લઈને બેઠો છે.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ડાબે: માધુરી માને (ગધેડા પરથી) ઉતારેલી ઈંટોની જોડી એક કામદાર તરફ ફેંકે  છે, જે પછી તેમને એક હરોળમાં એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવે છે. જમણે: માધુરી અને તેમના બાળકો ઈંટના ભઠ્ઠા ખાતેના તેમના સાંકડા ઘરમાં. કામચલાઉ માળખું એકની ઉપર એક ઢીલી-ઢીલી ગોઠવેલી ઈંટોનું બનેલું છે, છત માટે એસ્બેસ્ટોસની શીટ્સ છે. ત્યાં ઘરમાં શૌચાલયની કોઈ સુવિધા નથી, અને દિવસ દરમિયાન વીજળી પણ નથી

એકસાથે બે-બે ઈંટો ઉતારતા માધુરી કહે છે, "શ્રાવણી અને શ્રદ્ધા સાંગલીની એક આવાસી શાળામાં અભ્યાસ કરતા હતા, પરંતુ અમને મદદ કરવા માટે હવે અમારે તેમને (શાળામાંથી) ઉઠાડી લેવા પડ્યા છે." "અમને મદદ કરવા અમે એક દંપતી [પતિ અને પત્ની] ને રાખ્યા હતા. 80000 રુપિયા અગાઉથી લઈને તેઓ ભાગી ગયા. હવે અમારે આવતા બે મહિનામાં આ બધું પૂરું કરવાનું છે,” કહીને તેઓ ઉતાવળે કામ પર પાછા ફરે છે.

માધુરી જે ઈંટ ઉતારી રહી છે તે દરેકનું વજન ઓછામાં ઓછું બે કિલો છે. તેઓ હરોળમાં ગોઠવેલી ઈંટોના ઊંચા ઢગલા પર ઊભેલા બીજા કામદાર તરફ એ ઈંટો ફેંકે છે.

ચપળતાથી એ ઈંટો પકડવા માટે નીચે ઝૂકતા ઝૂકતા તે (કામદાર) ગણતરી કરે છે, "દસ, બાર, ચૌદ..."  અને ભઠ્ઠીમાં પકવવા માટે મૂકેલી ઈંટોની હરોળમાં એ ઈંટો ઉમેરી દે છે.

*****

દરરોજ મધરાત પછી તરત શરૂ કરીને લગભગ સવારે 10 વાગ્યા સુધી ખંડુ, માધુરી અને તેમના બાળકો મળીને લગભગ 15000 ઈંટો (ગધેડાઓ પર) લાદે છે અને ઉતારે છે. આ ઈંટો તેમના 13 ગધેડાઓની ટોળી દ્વારા સ્થાનાંતરિત કરવામાં આવે છે, જેમાંથી દરેક ગધેડું એક દિવસમાં લગભગ 2300 કિલો વજન વહન કરે છે. આ ગધેડા તેમના પાલક સાથે એક દિવસમાં કુલ લગભગ 12 કિલોમીટર ચાલે છે.

ખંડુનો પરિવાર ભઠ્ઠીમાં પહોંચાડાતી પ્રત્યેક 1000 ઈંટોદીઠ 200 રુપિયા કમાય છે. ઈંટના ભઠ્ઠાના માલિક દ્વારા તેમને છ મહિના સુધી કામ કરવા માટે અગાઉથી ચૂકવવામાં આવેલી રકમ સામે આ એડજસ્ટ કરવામાં આવે છે.  પાછલી સિઝનમાં ખંડુ અને માધુરીને 2.6 લાખ રુપિયા – ગધેડા દીઠ 20000 - પૂર્વચુકવણીરૂપે મળ્યા હતા.

PHOTO • Ritayan Mukherjee

માધુરી અને તેમના પતિ ખંડુ (પીળા ટી-શર્ટમાં) તેમના ગધેડાઓ દ્વારા લાવવામાં આવેલી ઈંટો ઉતારીને એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવનાર કામદારના હાથમાં પકડાવે છે

સાંગલીથી 75 કિલોમીટર દૂર કોલ્હાપુર જિલ્લાના બાંબવડેમાં ઈંટના બે ભઠ્ઠા ધરાવતા 24-25 વર્ષના વિકાસ કુંભાર પુષ્ટિ કરે છે, “અમે સામાન્ય રીતે પ્રાણી દીઠ 20000 રુપિયાની ગણતરી કરીએ છીએ." તેઓ કહે છે, "[પશુપાલકોને] તમામ ચૂકવણી અગાઉથી કરવામાં આવે છે." જેટલા વધુ ગધેડા, એટલું વધુ એટલી વધારે પૂર્વચૂકવણી.

છેવટના હિસાબની પતાવટ છ-મહિનાના સમયગાળામાં હેન્ડલ કરવામાં આવેલી કુલ ઈંટો પર આધારિત છે, જેમાંથી અગાઉથી ચૂકવેલ રકમ અને અન્ય કપાતને બાદ કરવામાં આવે છે. વિકાસ કહે છે, “અમે તેમના આઉટપુટ, કરિયાણા માટેની સાપ્તાહિક ચૂકવણી [200-250 રુપિયા પ્રતિ કુટુંબ], અને બીજા કોઈપણ ખર્ચ સામે એડજેસ્ટ કરીએ છીએ." અને તેઓ સમજાવે છે કે જો પશુપાલકો અગાઉથી કરેલ ચૂકવણી મુજબનું કામ એ સીઝનમાં ન કરી શકે તો એ દેવું તેઓએ આગલી સીઝનમાં ચૂકવવાનું રહે છે. ખંડુ અને માધુરી જેવા કેટલાક લોકો તેમને અગાઉથી ચૂકવવામાં આવેલી રકમનો એક ભાગ મદદગારોની ભરતી કરવા અનામત રાખે છે.

*****

આ વિસ્તારમાં કાર્યરત પ્રાણી કલ્યાણ સંસ્થા એનિમલ રાહતના કાર્યકર્તા કહે છે, "સાંગલી જિલ્લાના પલૂસથી મ્હૈસાળ વચ્ચે કૃષ્ણા નદીના કિનારે લગભગ 450 ઈંટના ભઠ્ઠા છે." સાંગલીવાડી લગભગ 80-85 કિલોમીટરના આ નદીકાંઠાના વિસ્તારની મધ્યમાં આવેલ છે. તેમના સાથીદાર ઉમેરે છે, "4000 થી વધુ ગધેડા આ ભઠ્ઠાઓમાં કામ કરે છે." બે લોકોની આ ટીમ ગધેડાઓનું સ્વાથ્ય તપાસવા માટેની નિયમિત મુલાકાતે નીકળેલ છે. તેમની સંસ્થા આપાતસ્થિતિ માટે એમ્બ્યુલન્સ સેવા પણ ચલાવે છે અને ગંભીર રીતે બીમાર પ્રાણીઓ માટે આરોગ્ય સંભાળ પૂરી પાડે છે.

દિવસની પાળીના અંતે અમે જોતિબા મંદિર પાસે ઘણા ગધેડાઓને નદી તરફ દોડતા જોઈએ છીએ. મોટરસાયકલ અને સાયકલ પર સવાર યુવાન પશુપાલક છોકરાઓ તેમને ચરાવવા હાંકી જઈ રહ્યા છે. મોટાભાગના પ્રાણીઓ આ વિસ્તારમાંના કૂડા-કચરા અને ગંદકીના ઢગલામાંથી ખાવાનું શોધતા ફરે છે, અને સાંજે તેમના પાલકો તેમને પાછા લઈ જાય છે. જો કે ખંડુ, માધુરી અને બીજા, જેઓ ગધેડા પાળે છે તેઓ, દાવો કરે છે કે તેઓ પોતે તેમના પશુધનને ખોરાક (ચારો) પૂરો પાડવાની વ્યવસ્થા કરે છે, પરંતુ અમને એવો ચારો ક્યાંય જોવા મળતો નથી.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ડાબે: ગધેડાઓના એક જૂથને તેમના પશુપાલક દ્વારા ચરાવવા લઈ જવામાં આવે છે, પશુપાલક તેમની મોટરસાઈકલ પર પ્રાણીઓની પાછળ પાછળ જાય છે. જમણે: પશુપાલકોને પશુ ચિકિત્સા સહાય પૂરી પાડતી એનજીઓનો એક કાર્યકર્તા જગુ માનેના ગધેડાની ટોળીમાંના એક ગધેડાને દવાનું ઇન્જેક્શન આપી રહ્યા છે

45 વર્ષના જનાબાઈ માણે કહે છે, “અમે અમારા પ્રાણીઓને ઘાસ અને કડબા [જુવારના સૂકા સાંઠા] ખવડાવવા માટે દર વર્ષે બે ગુંઠા [લગભગ 0.05 એકર] ખેતીની જમીન ભાડે રાખીએ છીએ." [છ મહિનાનું] ભાડું 2000 રુપિયા છે. “પણ, જુઓ, અમારું જીવન તેમના પર જ નભે છે. જો તેમને જ ખાવા નહીં મળે તો અમે અમારું પેટ શી રીતે ભરીશું?'”

તેમના પતરાની છતવાળા ઘરમાં અમારી સાથે વાત કરતા કરતા તેઓ તેમનું બપોરનું જમવાનું પૂરું કરી લે છે. દિવાલો એકની ઉપર એક ઢીલી-ઢીલી ગોઠવેલી ઈંટોની બનેલી છે, અને માટીની ફર્શ તાજા ગાયના છાણથી લીંપેલી છે. તેઓ અમે પ્લાસ્ટિકની સાદડી પર બેસીએ એવો આગ્રહ રાખે છે. જનાબાઈ કહે છે, “અમે [સતારા જિલ્લાના] ફલટણથી છીએ પણ મારા ગધેડાઓ માટે ત્યાં કોઈ કામ જ નથી. તેથી અમે છેલ્લા 10-12 વર્ષથી અહીં સાંગલીમાં કામ કરીએ છીએ. જીથે ત્યાના કામ, તિથે આમ્હી [જ્યાં તેમનું કામ હોય ત્યાં અમે જઈએ]." જનાબાઈ અને તેમનું સાત જણનું કુટુંબ આખું વર્ષ સાંગલીમાં રહે છે જ્યારે ખંડુ અને તેનો પરિવાર (ઈંટ બનાવવાની) મોસમમાં જ સાંગલી સ્થળાંતર કરે છે.

જનાબાઈ અને તેમના પરિવારે તાજેતરમાં સાંગલી શહેરની બહાર 2.5 ગુંઠા (લગભગ 0.6 એકર) જમીન ખરીદી હતી. તેઓ કહે છે, "વારંવાર આવતા પૂર મારા પ્રાણીઓ માટે જીવલેણ છે. તેથી અમે પહાડી જમીન ખરીદી. અમે એક ઘર બનાવીશું જ્યાં ગધેડા ભોંયતળિયે હશે અને અમે પહેલા માળે રહી શકીશું." તેઓ અમારી સાથે વાત કરે છે ત્યારે તેમનો પૌત્ર આવીને તેમના ખોળામાં બેસી જાય છે, તે ખુશ દેખાય છે. તેઓ બકરીઓ પણ પાળે છે; બકરીઓ ઘાસચારાની રાહ જોતી હતી ત્યારે અમે તેમનો બેંબેં અવાજ સાંભળી શકતા હતા. જનાબાઈ કહે છે, “મારી બહેને મને એક બકરી ભેટ આપી. હવે મારી પાસે 10 છે." તેમના અવાજમાં ખુશીની ઝલક છે.

તેઓ કહે છે, "હવે ગધેડને પાળવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. અમારી પાસે 40 ગધેડા હતા. ગુજરાતના એક ગધેડાનું હૃદયરોગના હુમલાથી મોત થયું. અમે તેને બચાવી ન શક્યા.” તેમની પાસે હવે 28 ગધેડા છે. સાંગલીના એક પશુ ચિકિત્સક પ્રાણીઓને જોવા માટે દર છ મહિનામાં એક કે બે વાર આવે છે. પરંતુ માત્ર છેલ્લા ત્રણ મહિનામાં જ પરિવારે ચાર ગધેડા ગુમાવ્યા છે - ચરતી વખતે કોઈક ઝેરી વસ્તુ ખાઈ જવાને કારણે ત્રણ અને અકસ્માતમાં એક. જનાબાઈ કહે છે, “મારા માતા-પિતાની પેઢી આયુર્વેદિક દવાઓ જાણતી હતી. પણ અમે જાણતા નથી. હવે તો અમે ખાલી દુકાને જઈએ છીએ અને દવાઓની બાટલીઓ ખરીદી લાવીએ છીએ."

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ડાબે: જનાબાઈ માને અને તેમના પરિવાર પાસે સાંગલીમાં 28 ગધેડા છે. 'હવે ગધેડા પાળવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે.' જમણે: તેમના દીકરા સોમનાથ માને દિવસનું કામ શરૂ કરતા પહેલા ગધેડાઓને તપાસે છે

*****

મહારાષ્ટ્રમાં કૈકાડી, બેલદાર, કુંભાર અને વડાર સહિત અનેક જૂથો દ્વારા ગધેડાનો ઉછેર અને પશુપાલન કરવામાં આવે છે.  કૈકાડી સમુદાય - ખંડુ, માધુરી અને જનાબાઈ જે સમુદાયના છે તે - અંગ્રેજો દ્વારા 'ગુનેગાર' જાહેર કરાયેલ વિચરતી જાતિઓમાંનો એક હતો. 1952માં વસાહતી ફોજદારી જનજાતિ અધિનિયમ નાબૂદ થયા પછી આ સમુદાયોને (ગુનેગારોની યાદીમાંથી) 'ડિનોટિફાઈડ' (વિમુક્ત) કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ આજે પણ એ કલંકનો સામનો કરે છે અને સમાજમાં તેમને શંકાની નજરે જોવામાં આવે છે. પરંપરાગત રીતે કૈકાડીઓ ટોપલીઓ અને ઝાડુ બનાવતા હતા.  આ સમુદાય હવે વિદર્ભ પ્રદેશના આઠ જિલ્લાઓ સિવાય મહારાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં વિમુક્ત જાતિ (ડિનોટિફાઇડ જનજાતિ) તરીકે સૂચિબદ્ધ છે, આ આઠ જિલ્લાઓમાં એ સમુદાયને અનુસૂચિત જાતિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

ગધેડાઓને પશુધન તરીકે ઉછેરતા ઘણા કૈકાડીઓ પુણે જિલ્લાના જેજુરી અથવા અહમદનગર જિલ્લાના મઢીમાંથી તેમના પ્રાણીઓ ખરીદે છે. કેટલાક ગુજરાત અને રાજસ્થાનના ગધેડા બજારોની પણ મુલાકાત લે છે. જનાબાઈ કહે છે, "એક જોડીના 60000 થી 120000 રુપિયા થાય."  તેઓ પ્રાણીની ઉંમરનો, જે તેના દાંત પરથી નક્કી થઈ શકે છે તેનો, ઉલ્લેખ કરતા ઉમેરે છે, "દાંત વગરના (દાંત ફૂટ્યા ન હોય તેવા) ગધેડાની કિંમત વધારે હોય."  ગધેડામાં દાંતનો પહેલો સમૂહ (દૂધિયા દાંત) તેમના જીવનના શરૂઆતના થોડા અઠવાડિયામાં જ વિકસે છે, પરંતુ એ દાંત ધીમે ધીમે પડી જાય છે અને જ્યારે ગધેડા લગભગ પાંચ વર્ષના થાય છે ત્યારે તેનું સ્થાન કાયમી પુખ્ત દાંત લે છે.

જો કે છેલ્લા એક દાયકામાં ભારતમાં ગધેડાની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે એ ચિંતાનો વિષય છે. 2012 અને 2019 ની વચ્ચે તેમની સંખ્યામાં 61.2 ટકાનો ઘટાડો થયો - 2012 ની પશુધન વસ્તી ગણતરીમાં નોંધાયેલા 3.2 લાખ ગધેડામાંથી 2019 માં તેમની સંખ્યા (ઘટીને) 1.2 લાખ થઈ ગઈ. 2019ની પશુધન ગણતરી અનુસાર મહારાષ્ટ્રમાં 17572 ગધેડા હતા. ગધેડાઓની સંખ્યાની દ્રષ્ટિએ દેશમાં બીજા ક્રમાંકે આવતા મહારાષ્ટ્રમાં એ જ સમયગાળામાં ગધેડાની વસ્તીમાં લગભગ 40 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

(ગધેડાની સંખ્યામાં) આ તીવ્ર ઘટાડાએ નફાના હેતુ વિના કામ કરતી પ્રાણી કલ્યાણ સંસ્થા બ્રુક ઈન્ડિયાને પત્રકાર શરત કે વર્મા દ્વારા તપાસાત્મક સંશોધન અભ્યાસ હાથ ધરવા માટે પ્રેરિત કરી. તેમનો અહેવાલ આ ઘટાડા માટેના અનેક કારણો દર્શાવે છે - પ્રાણીઓની ઉપયોગિતામાં ઘટાડો; સમુદાયો તેમને ઉછેરવાનું નાપસંદ કરે છે; યાંત્રિકીકરણ; ચરાઉ જમીનમાં ઘટાડો; (પ્રાણીઓની) ગેરકાયદેસર કતલ; અને (પ્રાણીઓની) ચોરી.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ડાબે: એક પશુપાલક તેના ગધેડાને થપથપાવે છે. જમણે: મિરાજ શહેરના લક્ષ્મી મંદિર વિસ્તારમાં એક ભઠ્ઠામાં ઈંટો ઉતારતો કામદાર

બ્રુક ઈન્ડિયાના સાંગલી સ્થિત કાર્યક્રમ સહનિર્દેશક ડૉ. સુજીત પવાર કહે છે, "દક્ષિણના રાજ્યોમાં, ખાસ કરીને આંધ્ર પ્રદેશના ગુંટુર વિસ્તારમાં ગધેડાના માંસની માંગ છે." વર્માનો અભ્યાસ નોંધે છે કે આંધ્રના કેટલાક જિલ્લાઓમાં માંસ માટે નિરંકુશપણે ગધેડાની ગેરકાયદે કતલ થાય છે. સસ્તું હોવા ઉપરાંત આ માંસમાં ઔષધીય ગુણ હોવાનું મનાય છે અને એ પુરુષોમાં પુરુષાતન વધારે છે.

પવાર ઉમેરે છે કે સમયાંતરે ગધેડાની ચામડીની દાણચોરી કરીને તેને ચીનમાં મોકલવામાં આવે છે. 'એજિયાઓ' નામની પરંપરાગત ચાઈનીઝ દવા માટે તે આવશ્યક ઘટક છે અને તેથી તેની ખૂબ માંગ છે. બ્રુક ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ અહેવાલ ગધેડાની કતલ અને ચોરી વચ્ચેની કડીની વિગતો આપે છે. તે તારણ આપે છે કે ચીનની માંગના વધારાને પગલે ગધેડાનાં ચામડાંના વેપારને મળતા ઉત્તેજનને કારણે ભારતમાં આ પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે.

*****

45 વર્ષના બાબાસાહેબ બબન માનેના તમામ 10 ગધેડા છ વર્ષ પહેલા ચોરાઈ ગયા હતા. "ત્યારથી હું ઈંટોને એકની ઉપર એક વ્યવસ્થિત ગોઠવવાનું કામ કરું છું, [પહેલા કરતાં] ઓછી કમાણી થાય છે." ગધેડાના પાલકોને પ્રત્યેક 1000 ઈંટોદીઠ 200 રુપિયા મળે છે, જ્યારે એકની ઉપર એક વ્યવસ્થિત ઈંટો ગોઠવનારને માત્ર 180 રુપિયા  (માધુરીએ અમને કહ્યું હતું કે પશુપાલકોને વધારાના 20 રુપિયા પશુ-આહાર માટે ચૂકવવામાં આવે છે.) સાંગલીવાડીથી લગભગ 12 કિલોમીટર દૂર મિરાજ શહેરના લક્ષ્મી મંદિર વિસ્તાર પાસે આવેલા એક ભઠ્ઠામાં અમે બાબાસાહેબને મળ્યા. આ ભઠ્ઠાથી 10 કિલોમીટરથી પણ ઓછા અંતરે થયેલી બીજી ચોરીને યાદ કરતાં તેઓ કહે છે, "એક વખત મ્હૈસાળ ફાટામાં એક વેપારીએ 20 ગધેડા ગુમાવ્યા હતા. મને લાગે છે કે તેઓ પ્રાણીઓને ઘેનની દવા આપે છે અને તેમને પોતાના વાહનોમાં ઉઠાવી જાય છે." બે વર્ષ પહેલા જનાબાઈના સાત ગધેડા બહાર ચરવા ગયા હતા ત્યારે ચોરાઈ ગયા હતા.

સાંગલી, સોલાપુર, બીડ અને મહારાષ્ટ્રના બીજા જિલ્લાઓમાં ગધેડાની ચોરીની ઘટનાઓ વધી રહી છે, જેને કારણે બાબાસાહેબ અને જનાબાઈ જેવા પશુપાલકો, જેમની કમાણી તેમના ગધેડાની સંખ્યા પર આધારિત છે, તેમને આર્થિક મુશ્કેલી પડી રહી છે. મિરાજમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા જગુ માને કહે છે, “ચોરોએ મારી ટોળીમાંથી પાંચ ગધેડા ચોર્યા હતા. મને લગભગ 2 લાખ રુપિયાનો ફટકો પડ્યો. "આ નુકસાન હું શી રીતે ભરપાઈ કરી શકીશ?"

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ડાબે: બાબુ વિઠ્ઠલ જાધવ (પીળા શર્ટમાં) મિરાજમાં એક ભઠ્ઠામાં ઈંટોના ખડકલા પર આરામ કરી રહ્યા છે. જમણે: કૈકાડી સમુદાયનો 13 વર્ષનો છોકરો રમેશ માને ઘાસ અને સૂકી દાંડીઓથી ભરેલા ખેતરમાં ચરતા તેના ગધેડાઓનું ધ્યાન રાખી રહ્યો છે

પરંતુ પવારને લાગે છે કે ગધેડાના માલિકો પણ બેદરકાર છે, તેઓ આખો દિવસ તેમના ગધેડાની ટોળીને ખુલ્લામાં છોડી દે છે અને કોઈ તેમનું ધ્યાન રાખતું નથી. “તેમની સુરક્ષા માટે કોઈ જ વ્યવસ્થા નથી. કામ કરવાના સમયે જ તેઓ ગધેડાને પાછા લઈ આવે છે. દરમિયાન જો કંઈક અઘટિત થાય તો [પ્રાણીઓની] સંભાળ રાખનાર કોઈ હોતું નથી."

બાબાસાહેબ સાથે વાત કરતી વખતે અમે બાબુ વિઠ્ઠલ જાધવને તેમના ચાર ગધેડાઓને ઈંટો ઉતારવા માટે લઈ આવતા જોયા. 60 વર્ષના બાબુ પણ કૈકાડી સમુદાયના છે, તેઓ છેલ્લા 25 વર્ષથી ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે. મૂળ સોલાપુર જિલ્લાના મોહોલ બ્લોકના પાટકુળના રહેવાસી, તેઓ વર્ષમાં છ મહિના માટે મિરાજ સ્થળાંતર કરે છે. તેઓ થાકેલા લાગે છે, અને બેસી જાય છે. લગભગ સવારના 9 વાગ્યાનો સમય છે. બાબાસાહેબ અને બે મહિલા કામદારો સાથે મજાક-મશ્કરી કરતા બાબુ આખો દિવસ આરામ કરે છે અને તેમના પત્ની કામ સંભાળી લે છે. તેમની પાસે છ ગધેડા છે, જે કમજોર અને તેમની શક્તિ કરતા વધારે કામ કરી ચૂક્યા હોય તેવા લાગે છે. બેને પગમાં ઈજા થયેલી છે. તેમની પાળી પૂરી થવાને થોડા કલાકો બાકી છે.

મહિનામાં - અમાવાસ્યાની (નવા ચંદ્રની રાતની) - માત્ર એક દિવસની રજા મળતી હોવાથી દરેક જણ ખૂબ કંટાળી જાય છે અને થાકી જાય છે. જોતિબા મંદિરમાં માધુરી પૂછે છે, "અમે રજા લઈએ તો પકવવા માટે ઈંટો કોણ લઈ જશે?" તેઓએ કહ્યું, “અમે સૂકાયેલી ઈંટો ન લઈ જઈએ તો નવી ઈંટો ક્યાં મૂકે? કોઈ જગ્યા જ નથી હોતી. તેથી અમે રજા લઈ શકતા નથી. છ મહિના સુધી અમાવસ્યા એ અમારે માટે એકમાત્ર રજા છે." અમાવસ્યાને દિવસે ભઠ્ઠાઓ બંધ રહે છે કારણ કે ચંદ્રની એ અવધિ અશુભ મનાય છે. આ સિવાય શ્રમિકો અને ગધેડાઓને સિઝન દરમિયાન હિન્દુ તહેવારોની ત્રણ રજાઓ મળે છે: શિવરાત્રી, શિમગા (જે બીજી જગ્યાએ હોળી તરીકે ઉજવવામાં આવે છે) અને ગુડી પડવા (પરંપરાગત નવું વર્ષ).

બપોર સુધીમાં મોટાભાગના કામદારો ભઠ્ઠા પાસેના તેમના કામચલાઉ ઘરોમાં પાછા ફર્યા છે. શ્રાવણી અને શ્રધ્ધા નજીકના એક નળે કપડા ધોવા ગયા છે. ખાંડુ માને ગધેડાને ચરવા માટે બહાર લઈ ગયા છે. માધુરી હવે પરિવાર માટે રસોઈ બનાવશે અને ભીષણ ગરમીમાં થોડી ઊંઘ ખેંચી કાઢવાનો પ્રયત્ન કરશે. ભઠ્ઠી આજના દિવસ પૂરતી બંધ થઈ ચૂકી છે. માધુરી કહે છે, "પૈસા [કમાણી] સારી છે, અને અમારી પાસે ખાવા માટેય પૂરતું છે, પણ જરાય ઊંઘી શકતા નથી."

રિતાયન મુખર્જી સેન્ટર ફોર પેસ્ટોરલિઝમ તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પ્રવાસ અનુદાન દ્વારા પશુપાલકો અને વિચરતા સમુદાયો અંગેના અહેવાલ આપે છે. આ અહેવાલની સામગ્રી પર સેન્ટર ફોર પેસ્ટોરલિઝમનું કોઈ સંપાદકીય નિયંત્રણ નથી.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Photographs : Ritayan Mukherjee

Ritayan Mukherjee is a Kolkata-based photographer and a PARI Senior Fellow. He is working on a long-term project that documents the lives of pastoral and nomadic communities in India.

Other stories by Ritayan Mukherjee
Text : Medha Kale

Medha Kale is based in Pune and has worked in the field of women and health. She is the Translations Editor, Marathi, at the People’s Archive of Rural India.

Other stories by Medha Kale
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik