યુવાન તાલબ હુસૈન સાબુવાળા ગરમ પાણીમાં ભીંજવેલા ધાબળા પર તાલબદ્ધ રીતે ધમ ધમ કરતા ચાલી રહ્યા છે.  તેઓ જાણે નૃત્ય કરી રહ્યા હોય એવું લાગે છે; તેમના ચહેરા પર મોટું સ્મિત છે. બીજો માણસ ધાબળો પલાળેલા વિશાળ ઘમેલા (વાસણ) માં વધુ ગરમ અને સાબુવાળું પાણી રેડે છે ત્યારે તેઓ ટેકો લેવા માટે સામેના એક ઝાડને પકડી રાખતા કહે છે, "તમારે સંતુલન જાળવીને ભીંજવેલા ધાબળા પર ઊભા રહેવું પડે."

જમ્મુના સાંબા જિલ્લામાં નાનીસરખી બકરવાલ વસાહતમાં શિયાળાની અંધારી રાત છે. માત્ર નજીકના કામચલાઉ લાકડાના ચૂલામાંથી થોડું અજવાળું આવે છે, એ ચૂલા પર નવા જ બનાવેલા ઊનના ધાબળા ધોવા માટે જોઈતા ઉકળતા પાણીનું વાસણ ચડાવેલું છે.

ઊનની કારીગરી માટે જાણીતા - મેઘ અને મીંઘ - અનુસૂચિત જનજાતિ સમુદાયોના સભ્યો આ ઊનના ધાબળા બનાવે છે. એકવાર ધાબળા બની ગયા પછી બકરવાલ પુરુષો તેને ધોઈને સૂકવે છે. ધાબળા માટેના દોરા-ધાગા સામાન્ય રીતે બકરવાલ મહિલાઓ બનાવે છે, અને બકરવાલ પરિવારો આ ધાગાને ઘેર જ રંગે છે.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

બકરવાલ પુરુષો (જમણે) ધાબળા બનાવી લીધા પછી તેને ધોઈને સૂકવી રહ્યા છે. જમ્મુના સાંબા જિલ્લામાં પરંપરાગત ઊનના ધાબળા પર ધમ ધમ કરતા ચાલી રહેલા તાલબ હુસૈન (ડાબે)

ખલીલ ખાન જમ્મુ જિલ્લાના પરગાલ્તા ગામ પાસેની વસાહતના છે. યુવાન બકરવાલ ખલીલ કહે છે કે આ રીતે કંબલ (ધાબળો) બનાવવામાં વધુ સમય લાગે છે અને એ સખત મહેનત માગી લે છે, પરંતુ લાંબા ગાળે એ ખૂબ સસ્તો પડે છે કારણ કે તે લાંબા સમય સુધી ચાલે છે. મહમ્મદ કાલુ પરગાલ્તાથી ઉપરની તરફ નદીના પટમાં આવેલી એક નાનકડી વસાહત કન્ના ચરગલથી આવ્યા છે. તેમનો નાનો દીકરો જેની ઉપર ઊંઘી ગયો છે એ જૂના ઊની ધાબળા તરફ ઈશારો કરીને તેઓ કહે છે, “પેલો ધાબળો જોયો તમે? [આ ધાબળો] માણસની આખી જિંદગી અથવા એથીય વધુ લાંબા સમય સુધી ચાલે છે. પરંતુ બજારમાંથી ખરીદેલ એક્રેલિક ઊનના ધાબળા માંડ થોડા વર્ષો  ટકે છે.” તેઓ ઉમેરે છે કે શુદ્ધ ઊનના ધાબળા ઝડપથી સૂકાઈ જાય છે જ્યારે એથી ઊલટું પચ્ચીમ (એક્રેલિક ઊન માટેનો સ્થાનિક શબ્દ) માંથી બનેલા ધાબળા ભીના થઈ જાય તો એને સૂકાતા દિવસો લાગે છે. ભરવાડ ખલીલ અને કાલુ કહે છે, “શિયાળામાં એક્રેલિક ધાબળા વાપર્યા પછી અમારા પગના પંજા બળે છે અને શરીર દુખે છે.

*****

તેમના પ્રાણીઓના ઊનમાંથી માત્ર ધાબળા જ નહીં પરંતુ નમદા પણ બનાવવામાં આવે છે, નમદા એ ફેલ્ટિંગ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવેલા ઊનના બરછટ ગોદડા છે, તેની ઉપર રંગબેરંગી ફૂલોનું ભરતકામ કરેલું હોય છે. તેઓ નાના ધાબળા, તારુ પણ બનાવે છે, જેનો ઉપયોગ રજાઈ તરીકે થાય છે અને તે ભેટમાં પણ આપી શકાય છે. મહિલાઓ તારુ ઉપર પણ ભરતકામ કરે છે અને દરેક કુટુંબ અને કુળની પોતાની આગવી ડિઝાઈન હોય છે.

તાલબ હુસૈન જેવી જ વસાહતમાં રહેતા ઝરીના બેગમ કહે છે, "હું રજાઈ જોઈને કહી શકું છું કે તે કયા કુટુંબમાં બની છે." તેમના કહેવા પ્રમાણે એક ધાબળો બનાવવામાં લગભગ 15 દિવસ લાગે છે.

ઝરીના કહે છે, "પેલા ખૂણામાં પડેલા ધાબળા જુઓ, એ કુટુંબના એક લગ્ન માટેના છે. એ ખાસ ધાબળા છે. પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે વરનો પરિવાર 12-30 અથવા તો 50 ધાબળા પણ આપે, જેવી જેની શક્તિ.” ઝરીના, સમુદાયમાં સૌ કોઈના વ્હાલા દાદી છે. તેઓ ઉમેરે છે કે આજકાલ લોકો બહુ ધાબળા આપતા નથી પરંતુ તેમ છતાં પરંપરાગત લગ્નની ભેટ તરીકે દરેક લગ્ન સમારંભમાં તે જરૂરી છે.

લગ્નની ભેટ તરીકે ધાબળા ખૂબ મહત્વના અને મૂલ્યવાન ગણાતા હોવા છતાં ધીમે ધીમે ઈલેક્ટ્રિક ઉપકરણો અને ફર્નિચર (રાચરચીલું) હવે ધાબળાનું સ્થાન લઈ રહ્યા છે.

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

ઝરીના બેગમ એક પીઢ વણકર છે અને સાંબા જિલ્લાની બકરવાલ વસાહતમાં રહે છે

PHOTO • Ritayan Mukherjee
PHOTO • Ritayan Mukherjee

મુનબ્બર અલી (ડાબે) અને મારુફ અલી (જમણે) બકરવાલ ઊનમાંથી તેમણે બનાવેલી હસ્તકલાની વસ્તુઓ બતાવે છે

મુનબ્બર અને તેમની પત્ની મારુફ બસોઅલી તહેસીલમાં આવેલી એક વસાહત પૂરી થાય ત્યાં નીચા ઢોળાવ પર રહે છે. ઘસાઈ ગયેલા તંબુમાં બેસીને તેમનું કામ બતાવતા મુનબ્બર કહે છે, “આ સુંદર ભરતકામ જુઓ; આજકાલ અમારે કોઈ આવક થતી નથી.

તેમના તંબુમાં અમારી ચારે બાજુ હસ્તકલાની વસ્તુઓ પડેલી છે, તેઓ તેમના 40 થી 50 ઘેટાં-બકરા સાથે કાશ્મીર સ્થળાંતર કરશે ત્યારે એ વસ્તુઓ તેમની સાથે લઈ જશે. હસ્તકલાની આ વસ્તુઓમાં તારુ (રજાઈ) છે, તલિયારો, ગલતાની, ચિકે અથવા બ્રાઈડલ્સ જેવા હોર્સ ટેક છે, ગલતાની ઘોડાની ડોકની ફરતે લગાવવામાં આવે છે અને તેમાં ઘણી ઘંટડીઓ હોય છે. મુન્નબ્બર ઉમેરે છે, “આ બધું, આ ભરતકામ, પશુધન, સખત મહેનત માગી લે છે. [પરંતુ] અમારી કોઈ આગવી ઓળખ નથી. [અમારા કામ વિષે] કોઈને કંઈ ખબરેય નથી.”

*****

માઝ ખાન કહે છે, "જેમની પાસે હજી આજે પણ હાથશાળ હોય એવા લોકો મળવા મુશ્કેલ છે." બાસઠ-તેસઠ વર્ષના ખાનનો પરિવાર હજી આજે પણ ઊન કાંતે છે. સમુદાયના ઘણા લોકો કહે છે કે હવે ચરખાનો જમાનો ગયો અને તેમણે કાંતવાનું છોડી દીધું છે.

પરિણામે પશુપાલકોને ઊન વેચવામાં પણ મુશ્કેલી પડી રહી છે. કઠુઆ જિલ્લાના બસોઅલી તહેસીલના બકરવાલ મહમ્મદ તાલિબ કહે છે, “અમને એક કિલોના ઓછામાં ઓછા 120-220 [રુપિયા] મળતા હતા પરંતુ હવે અમને કશુંય મળતું નથી. એકાદ દાયકા પહેલાં બજારમાં બકરાના વાળનાય પૈસા મળતા હતા; હવે તો ઘેટાંનું ઊન ખરીદનાર પણ કોઈ રહ્યું નથી." વપરાયા વિનાનું ઊન તેમના સ્ટોરરૂમમાં પડી રહે છે અથવા જે જગ્યાએ એ ઊન ઉતારવામાં આવે ત્યાં જ તે ફેંકી દેવામાં આવે છે. ઊનનું કામ કરતા કારીગરોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે.

ગુજ્જર-બકરવાલ સમુદાય સાથે ઘણાં વર્ષોથી કામ કરનાર એક કાર્યકર અને સંશોધક ડો. જાવેદ રાહી કહે છે, “બકરવાલ આજકાલ કશું જ બનાવતા નથી. એ છોટા કામ [નાનું, મામૂલી કામ] બની ગયું છે. સિન્થેટિક (કૃત્રિમ) ઊનનો વિકલ્પ ઘણો સસ્તો છે."

ડાબે: ધાબળા માટેના રંગો બકરવાલ પસંદ કરે છે પરંતુ વણાટકામ અને સીવણકામ ધાબળા બનાવનાર કરે છે. જમણે: માઝ ખાનનો પૌત્ર ખલીલ પરિવારે બનાવેલો ધાબળો બતાવે છે

ડાબે:  ઊની વસ્તુઓ સાથે બકરીના વાળના દોરડા પણ બનાવવામાં આવે છે. એ દોરડા તંબુઓને ટેકો આપવા અને ઘોડાઓ અને બીજા પશુધનને બાંધવા માટે વપરાય છે. જમણે: થોડા સમય પહેલા લગ્નની ભેટ તરીકે બનાવવામાં આવેલ તારુ

ઊનને માટે પશુપાલન કરવાનું હવે સરળ રહ્યું નથી કારણ કે જમ્મુમાં અને તેની આસપાસ ચરાઉ મેદાન ઓછા છે. જેમની જમીન પર તેમના પશુઓ ચરતા હોય એ લોકોને પણ પશુપાલકોએ પૈસા ચૂકવવા પડે છે.

તાજેતરમાં સાંબા જિલ્લાના ગામોની આસપાસના ઘણા વિસ્તારોમાં આક્રમક (ઝડપભેર ફેલાતી) પ્રજાતિના લન્ટાના કેમરા ઊગી નીકળ્યા છે. બસોઅલી તહેસીલના એક નાનકડા ગામના રહેવાસી મુનબ્બર અલી કહે છે, “અમે અહીં પશુઓ ચરાવી શકતા નથી. બધે જ હાનિકારક જંગલી છોડ ઊગી ગયા છે."

પશુઓની ઘણી જૂની જાતિઓ રાજ્ય દ્વારા બદલવામાં આવી છે અને બકરવાલ સમુદાયનું કહેવું છે કે વર્તમાન સંકર ઘેટાં ન તો મેદાનની ગરમી વધુ સમય સુધી સહી શકે છે અને ન તો તેઓ પર્વતીય માર્ગો પર ચડી શકે છે.  ભરવાડ તાહિર રઝાએ અમને કહ્યું, "અમે કાશ્મીર સ્થળાંતર કરીએ છીએ ત્યારે રસ્તામાં જો નાનકડી ઊંચી ધાર જેવું આવે તો સંકર ઘેટાં રસ્તામાં અટકી જાય છે કારણ કે ધાર કૂદીને જવાનું તેમને માટે મુશ્કેલ છે. જૂની જાતિના ઘેટાં હોય તો એ બરોબર ચાલે."

સશસ્ત્ર દળો માટે રાજ્ય દ્વારા મંજૂર કરાયેલ વાડ અથવા વન વિભાગને વળતર આપનારી વનીકરણ યોજનાઓ અથવા કુદરતી પર્યાવરણની સાચવણીની પ્રવૃત્તિઓ  માટે કરાતી વાડને કારણે ચરાઉ જમીનો સુધીની પહોંચ સીમિત થઈ જાય છે. વાંચો: વાડાબંધી: બકરવાલના પશુપાલકોનું જીવન

વાડ માટે સરકારી ભાષાનો ઉપયોગ કરીને તેનો ટૂંકસાર આપતા પશુપાલકો કહે છે, "[અમારા માટે અને અમારા પશુઓ માટે] બધે બધું જ બંધ છે."

રિતાયન મુખર્જી સેન્ટર ફોર પેસ્ટોરલિઝમ તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પ્રવાસ અનુદાન દ્વારા પશુપાલકો અને વિચરતા સમુદાયો અંગેના અહેવાલ આપે છે. આ અહેવાલની સામગ્રી પર આ સેન્ટરનું કોઈ સંપાદકીય નિયંત્રણ નથી.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Ritayan Mukherjee

Ritayan Mukherjee is a Kolkata-based photographer and a PARI Senior Fellow. He is working on a long-term project that documents the lives of pastoral and nomadic communities in India.

Other stories by Ritayan Mukherjee
Ovee Thorat

Ovee Thorat is an independent researcher with an interest in pastoralism and political ecology.

Other stories by Ovee Thorat
Editor : Punam Thakur

Punam Thakur is a Delhi-based freelance journalist with experience in reporting and editing.

Other stories by Punam Thakur
Photo Editor : Binaifer Bharucha

Binaifer Bharucha is a freelance photographer based in Mumbai, and Photo Editor at the People's Archive of Rural India.

Other stories by Binaifer Bharucha
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik