"ક્યાં છે (તમારી) દારૂબંધી?" એમ પૂછી રહેલા ગૌરી પરમારના અવાજમાં ભારોભાર કડવાશ અને કટાક્ષ છે.

ગૌરી ઉમેરે છે, "કાં તો એ નર્યો ઢોંગ છે અથવા કદાચ મારું ગામ ગુજરાતમાં નહીં આવતું હોય."

"મારા ગામના પુરુષો વર્ષોથી નશો કરતા આવ્યા છે." તેમનું ગામ રોજીદ ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું છે.

ગુજરાત ભારતના ત્રણ 'ડ્રાય' રાજ્યોમાંનું એક છે જ્યાં નાગરિકો દારૂ ખરીદી શકતા નથી કે તેનું સેવન કરી શકતા નથી. ગુજરાત પ્રોહિબિશન (એમેન્ડમેન્ટ) એક્ટ, 2017 હેઠળ તેનું ઉત્પાદન અને વેચાણ કરનારને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

પરંતુ 50 વર્ષના ગૌરી 30 વર્ષ પહેલા રોજિદમાં વહુ તરીકે આવ્યા ત્યારથી જ આ નિયમનું ઉલ્લંઘન થતું જોતા આવ્યા છે. તેઓ જોતા આવ્યા છે કે સ્થાનીય સ્તરે દારૂ તૈયાર કરવામાં આવે છે અને ઈચ્છુક ગ્રાહકોને પોલીથીન પાઉચ (પાતળા પ્લાસ્ટિકની થેલી) માં ભરીને વેચવામાં આવે છે.

આવો દારૂ બનાવવાના જોખમો દૂરગામી – અને જીવલેણ છે. બુટલેગરો (ગેરકાયદે દારૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ) પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ક્યારેક ઝેરી ઉમેરણોનો ઉપયોગ કરે છે. ગૌરી કહે છે, "તેઓ પ્રવાહી સેનિટાઈઝર, યુરિયા અને મિથેનોલ ઉમેરે છે."

જુલાઈ 2022 માં આવો ગેરકાયદેસર રીતે ઉત્પાદિત દારૂ પીવાથી ગુજરાતમાં 42 લોકોના મોત થયા હતા; લગભગ 100 લોકોને અમદાવાદ, ભાવનગર અને બોટાદ જિલ્લાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને જેમના મોત નીપજ્યા હતા તેમાંના 11 બોટાદના બરવાળા તાલુકાના એક જ ગામ રોજીદના હતા.

Gauri Parmar lost her son, Vasram, to methanol-poisoned alcohol that killed 42 people in Gujarat in July 2022
PHOTO • Parth M.N.

મિથેનોલ મિશ્રિત ઝેરી દારૂ ગૌરી પરમારના દીકરા વશરામને ભરખી ગયો હતો, જુલાઈ 2022 માં ગુજરાતમાં આ દારૂએ 42 લોકોના જીવ લીધા હતા

ગૌરી કહે છે, "મારો દીકરો, વશરામ, તેમાંનો એક હતો." 30 વર્ષના વશરામ પરિવારમાં એકમાત્ર કમાનાર હતા, પરિવારમાં તેની પત્ની અને એક 4 વર્ષનું અને એક 2 વર્ષનું એમ બે બાળકોનો સમાવેશ થાય છે. આ પરિવાર વાલ્મિકી સમુદાયનો છે, જે ગુજરાતની એક અનુસૂચિત જાતિ છે.

ગૌરીને યાદ છે 25 જુલાઈ, 2022ની એ સવાર. વશરામને ઠીક નહોતું લાગતું અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. પરિવાર તેમને બરવાળાના એક ખાનગી દવાખાનામાં લઈ ગયો હતો, ત્યાંના ડોક્ટરે કહ્યું કે તેમની પાસે જરૂરી સારવારની સુવિધા નથી. ત્યારબાદ વશરામને બરવાળાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. ગૌરી કહે છે, “ત્યાં ડોકટરોએ તેમને એક ઈન્જેક્શન આપ્યું અને થોડા સમય માટે સલાઈન ડ્રિપ પર મૂક્યા હતા. "બપોરે 12:30 વાગ્યે તેઓએ અમને કહ્યું કે તેમને બોટાદની જિલ્લા હોસ્પિટલમાં લઈ જાઓ."

હોસ્પિટલ 45 મિનિટ દૂર હતી, અને આખી મુસાફરી દરમિયાન વશરામ છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા રહ્યા હતા. ગૌરી કહે છે, " તેઓ કહેતા હતા કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમને ઉલ્ટીઓ પણ થતી હતી."

બોટાદ જિલ્લા હોસ્પિટલમાં ડોકટરોએ વશરામને શું તકલીફ છે એ અંગે તેમને કશું જ કહ્યું નહીં. ગૌરી કહે છે કે (ડોક્ટરો સાથે) કોઈ જ વાતચીત થઈ નહોતી. જ્યારે ગૌરીએ ડોક્ટરોને (વશરામની તબિયત બાબતે) પૂછ્યું, ત્યારે ગૌરીને વોર્ડની બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું હતું.

ગૌરી નિ:સહાયતાથી ડોકટરોને તેમના દીકરાની છાતી પંપ કરતા જોઈ રહ્યા હતા. તેઓ જાણતા હતા કે દારૂને કારણે વશરામની આ હાલત થઈ હતી, પરંતુ તેમને ખબર નહોતી કે તેનાથી વશરામને કેટલી હદે નુકસાન થઈ રહ્યું હતું. તેઓ કહે છે, “હું તેમને પૂછતી રહી કે શું તકલીફ છે, પણ તેઓએ મને કંઈ કરતા કંઈ કહ્યું નહોતું. તમારો દીકરો હોસ્પિટલમાં હોય ત્યારે ભલે ને ખરાબ સમાચાર હોય પણ તમને એમ હોય કે જે હોય તે પણ ડોક્ટર તમારી સાથે વાત કરે."

દર્દીઓ અને તેમના સંબંધીઓ - ખાસ કરીને ગરીબીમાં જીવતા લોકો અને છેવાડાના સમુદાયો - પ્રત્યે ડોકટરોનું આવું ઉપેક્ષાભર્યું વલણ અસામાન્ય નથી. ગૌરી કહે છે, “આમેય ગરીબો પર કોઈ ધ્યાન આપતું નથી."

આ જ કારણે (ઓગસ્ટ 2021માં નેશનલ કાઉન્સિલ ફોર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ દ્વારા મંજૂર કરાયેલ) દર્દીઓના અધિકારો અને જવાબદારીઓ અંગેનો દસ્તાવેજ કહે છે કે દર્દીને અથવા તેમના પ્રતિનિધિને "બિમારીના પ્રકાર, કારણ અંગે પર્યાપ્ત અને જરૂરી માહિતી" મેળવવાનો અધિકાર છે. આ દસ્તાવેજ એમ પણ કહે છે કે સામાજિક મૂળ (જેમ કે આર્થિક સ્થિતિ અથવા જાતિ) ના આધારે સારવારમાં કોઈ ભેદભાવ ન હોઈ શકે.

Gauri in her hut in Rojid village of Botad district. From her village alone, 11 people died in the hooch tragedy last year
PHOTO • Parth M.N.

બોટાદ જિલ્લાના રોજીદ ગામમાં ગૌરી તેમની ઝૂંપડીમાં. ફક્ત તેમના ગામમાં જ ગયા વર્ષે લઠ્ઠાકાંડ માં 11 લોકોના મોત નીપજ્યા હતા

ગૌરીને વોર્ડમાંથી બહાર નીકળી જવાનું કહેવામાં આવ્યું તેના થોડા કલાકો પછી જિલ્લા હોસ્પિટલના ડોકટરોએ વશરામને ત્યાંથી બોટાદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું - તેમના પરિવારને તે અંગેનું કારણ જણાવ્યા વિના. ત્યાં ખસેડવામાં આવેલ વશરામનું સાંજે સાડા છ વાગ્યે મોત નીપજ્યું હતું.

ગૌરી ફરીથી કહે છે, "દારૂબંધી એ માત્ર એક મજાક છે, ગુજરાતમાં બધાય પીએ છે. પરંતુ એ પીને મરે છે માત્ર ગરીબો જ.”

ચાર દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતમાં લઠ્ઠાનું ઝેર એ જાહેર આરોગ્યની સમસ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લઠ્ઠો પીવાથી સેંકડો લોકોના મોત નીપજ્યા છે. સૌથી ખરાબ લઠ્ઠાકાંડ જુલાઈ 2009 માં થયો હતો, ત્યારે લઠ્ઠો પીવાથી અમદાવાદ જિલ્લામાં 150 લોકોના મોત નીપજ્યા હતા. બે દાયકા પહેલા માર્ચ 1989માં વડોદરા જિલ્લામાં 135 લોકોના મોત નીપજ્યા હતા. 1977 માં અમદાવાદમાં સૌથી પહેલી વાર સામૂહિક મોત નીપજ્યા હતા - શહેરના સારંગપુર દોલતખાના વિસ્તારમાં 101 લોકોના મોત નીપજ્યા હતા. આમાંના દરેક કિસ્સામાં, મિથાઈલ આલ્કોહોલ (મિથેનોલ) ની ઉચ્ચ સાંદ્રતાને કારણ તરીકે આગળ ધરવામાં આવી હતી.

આ દારૂ બનાવવા માટે કોઈ પ્રમાણભૂત વિસ્તૃત ધારાધોરણો નથી. સામાન્ય રીતે કાકવી (કાળા ગોળની રસી) અથવા છોડના અર્કને આથો ચડાવીને અને નિસ્યંદન દ્વારા દેશી દારૂ બનાવવામાં આવે છે. પરંતુ જ્યારે માંગ વધુ હોય છે, ત્યારે બુટલેગરો હેન્ડ સેનિટાઈઝરમાં હોય છે તે ઔદ્યોગિક ઈથાઈલ આલ્કોહોલ અને અત્યંત ઝેરી મિથેનોલ પણ ઉમેરે છે.

નજરે જોનારા કહે છે કે આ તો કંઈ નથી, આવું તો કંઈ કેટકેટલું ઉમેરવામાં આવે છે.

અમદાવાદમાં રહેતા વરિષ્ઠ સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ કહે છે કે દારૂનું પરિવહન એ એક એવો ધંધો છે જેમાં (બુટલેગરો ઉપરાંત) પોલીસ અને રાજકારણીઓ બંને સામેલ છે.

લઠ્ઠાકાંડની તપાસ માટે અને (ભવિષ્યમાં) આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે 2009ની ઘટના બાદ ગઠન કરાયેલા ન્યાયમૂર્તિ કે.એમ.મહેતાની અધ્યક્ષતાવાળા લઠ્ઠા તપાસ પંચ સહિત અનુગામી સરકારી તપાસ પંચોએ પ્રતિબંધ નીતિના બિનઅસરકારક અમલીકરણ પર પ્રકાશ પાડ્યો છે.

Alcohol poisoning has been a public health problem in Gujarat for more than four decades. Consumption of toxic alcohol has killed hundreds over the years. The worst of the hooch tragedies took place in July 2009
PHOTO • Parth M.N.

ચાર દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતમાં લઠ્ઠાનું ઝેર એ જાહેર આરોગ્યની સમસ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લઠ્ઠો પીવાથી સેંકડો લોકોના મોત નીપજ્યા છે. સૌથી ખરાબ લઠ્ઠાકાંડ જુલાઈ 2009 માં થયો હતો

ગુજરાતમાં માત્ર સ્વાસ્થ્યના કારણોસર દારૂના સેવનની પરવાનગી છે, અને તે પણ જો કોઈ ડૉક્ટરે સૂચવ્યું હોય તો જ. જોકે રાજ્યની બહારના મુલાકાતીઓ માટે દારૂ ઉપલબ્ધ છે, તેઓ અધિકૃત દુકાનો પરથી તે ખરીદવા માટે કામચલાઉ પરમિટ મેળવી શકે છે.

શાહ કહે છે, "મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ માટે ઊંચા દરે દારૂ ઉપલબ્ધ છે." ગરીબોને તે પોસાય તેમ નથી તેથી તેઓ ગામડાઓમાં બનતો સસ્તો દારૂ ખરીદે છે."

ડોકટરો કહે છે કે નકલી દારૂ પીનારને કદાચ તરત જ મારી ન નાખે તો પણ તે દ્રષ્ટિને નુકસાન પહોંચાડે છે, વાઈના હુમલાનું કારણ બની શકે છે અને મગજ અને યકૃતને કાયમી નુકસાન પહોંચાડી શકે છે.

કમનસીબે ગુજરાતનું જાહેર તબીબી માળખું સ્વાસ્થ્યની આ સમસ્યાનો સામનો કરવા માટે સજ્જ નથી.

ગ્રામીણ વિસ્તારોમાં લોકો માટે કટોકટી સંભાળ કેન્દ્રો (ની ગરજ સારતી) - જિલ્લા હોસ્પિટલોથી શરૂઆત કરીએ તો એ હોસ્પિટલોમાં પૂરતા બેડ નથી. દેશની જિલ્લા હોસ્પિટલોની કામગીરી પર 2021 નો નીતિ આયોગનો અહેવાલ જણાવે છે કે ગુજરાતમાં દર 1 લાખની વસ્તીએ સરેરાશ 19 બેડ છે. તે 24ની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછા છે.

અને જિલ્લા અને પેટા જિલ્લા હોસ્પિટલોમાં પૂરતા ડોકટરો નથી, જેમાંની કુલ 74 હોસ્પિટલો ગ્રામીણ ગુજરાતમાં છે. રૂરલ હેલ્થ સ્ટેટિસ્ટિક્સ (2020-21) મુજબ તેમાં 799 ડોકટરો હોવા જોઈએ જેમાંથી માત્ર 588 ડોક્ટરો જ છે.

રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 333 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ - સીએચસી) માં 1197 નિષ્ણાત ડોકટરો: સર્જન, પ્રસૂતિશાસ્ત્રીઓ-સ્ત્રીરોગ નિષ્ણાતો, ચિકિત્સકો અને બાળરોગ નિષ્ણાતોની અછત છે.

Karan Veergama in his home in Rojid. He is yet to come to terms with losing his father, Bhupadbhai
PHOTO • Parth M.N.
Karan Veergama in his home in Rojid. He is yet to come to terms with losing his father, Bhupadbhai
PHOTO • Parth M.N.

કરણ વીરગામા રોજીદમાં તેમના ઘેર. તેમના પિતા ભૂપદભાઈને ગુમાવી દેવાની હકીકત તેઓ હજી સુધી સ્વીકારી શક્યા નથી

26 જુલાઈ, 2022 ના રોજ કરણ વીરગામા તેમના પિતાને ભાવનગરની સિવિલ હોસ્પિટલ સર ટી હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે 24 વર્ષના આ દાડિયા મજૂર અને ખેત મજૂરે જોયું કે હોસ્પિટલનો સ્ટાફ વધુ પડતા કામથી થાકેલો હતો. તેઓ કહે છે, “હોસ્પિટલમાં એટલી બધી ભીડ હતી કે ક્યાં જવું એ જ અમે સમજી ન શક્યા. સ્ટાફ વ્યસ્ત હતો અને શું કરવું તેની કોઈને કશી ખબર નહોતી."

લઠ્ઠા કમિશન ઑફ ઇન્ક્વાયરીએ તેના અહેવાલમાં નોંધ્યું હતું કે 2009માં આલ્કોહોલ સંબંધિત મૃત્યુને પહોંચી વળવા માટે, ખાસ કરીને દુર્ઘટનાના પ્રારંભિક કલાકો દરમિયાન, કટોકટીની પરિસ્થિતિ માટેની કોઈ તૈયારીઓ ન હતી. કમિશને મિથેનોલના ઝેર માટે સારવારની સુનિશ્ચિત પ્રકિયા અને વ્યવસ્થાનો અભાવ હોવા પર પણ ભાર મૂક્યો હતો.

કરણના પિતા 45 વર્ષના ભૂપદભાઈ પણ એક ખેત મજૂર હતા, તેમણે પણ એ જ બેચનો દારૂ પીધો હતો જેણે રોજીદમાં બીજા ઘણા લોકોને હોસ્પિટલ ભેગા કર્યા હતા. તે દિવસે સવારે 6 વાગ્યે તેઓ બેચેની અનુભવવા લાગ્યા હતા અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.

જ્યારે કરણ તેમને બરવાળાના સીએચસીમાં લઈ ગયા ત્યારે ત્યાંના સ્ટાફે ભૂપદભાઈને તપાસ્યા પણ નહીં અને તેમને તાત્કાલિક ભાવનગરની હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. તેઓ જાણતા હતા કે દારૂની એ એક બેચ લોકોને બીમાર કરી રહી હતી. કરણ કહે છે, "તેઓ જાણતા હતા કે શું તકલીફ છે. સમય બગાડવાને બદલે સીએચસીએ અમને ભાવનગર જવાનું કહ્યું હતું. સુવિધાઓની દ્રષ્ટિએ અહીંથી અમારા માટે તે સારામાં સારો વિકલ્પ છે.”

પરંતુ લગભગ 80 કિલોમીટર દૂર આવેલી એ હોસ્પિટલ પહોંચવા અહીંથી વાહનમાં જતા બે કલાક લાગે છે. આ વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સ ચલાવતા પરેશ દુલેરા કહે છે, “રોજીદથી ભાવનગરનો રસ્તો સારો નથી. એટલે જ બે કલાક લાગે છે."

દુલેરા યાદ કરે છે કે જ્યારે તેમણે ભાવનગર જવા માટે ભૂપદભાઈને 108 માં લીધા ત્યારે દર્દીને સ્ટ્રેચરની જરૂર નહોતી. "ઝાઝી મદદ લીધા વિના તેઓ એમ્બ્યુલન્સમાં ચડી ગયા હતા."

જાહેર-ખાનગી-ભાગીદારી મોડલ હેઠળ કાર્યરત આ એમ્બ્યુલન્સ સેવા કટોકટીના સમયે હોસ્પિટલમાં પહોંચતા પહેલાની સંભાળ આપે છે. દુલેરા કહે છે કે તેની સાથે એક સહાયક નર્સ મિડવાઇફ અને સામાન્ય નર્સ મિડવાઇફ સંકળાયેલા હોય છે, અને વાહનમાં ઓક્સિજન સિલિન્ડર, સલાઇન બોટલ અને ઇન્જેક્શનનો રાખેલા હોય છે.

‘I need to know how or why his [Bhupadbhai's] health deteriorated so rapidly,’ says Karan
PHOTO • Parth M.N.

કરણ કહે છે, ‘મારે એ તો જાણવું જોઈએ ને કે તેમની [ભુપદભાઈની] તબિયત આટલી ઝડપથી કેવી રીતે અને શા માટે બગડી'

હોસ્પિટલમાં અરાજકતા વચ્ચે ભૂપદભાઈને સઘન સંભાળ એકમ (ઈન્ટેન્સિવ કેર યુનિટ) માં દાખલ કરવામાં આવ્યા હતા. કરણ કહે છે, "સ્ટાફ તેમને અંદર લઈ ગયો, પરંતુ ભીડને કારણે અમે કંઈ પૂછી પણ શક્યા નહીં."  તેઓ કહે છે, “એક કલાક પછી, અમને કહેવામાં આવ્યું કે તેઓ ગુજરી ગયા છે. અમે તેમના પર વિશ્વાસ કરી શક્યા નહીં." એમ્બ્યુલન્સમાં ચડ્યા ત્યારે તો તેમના પિતાને ઠીક હતું એ વાત તેઓ વારંવાર ફરી ફરીને કહેતા રહે છે.

કરણ કહે છે, "હું જાણું છું તેઓ હવે રહ્યા નથી, પણ મારે એ તો જાણવું જોઈએ ને કે તેમની તબિયત આટલી ઝડપથી કેવી રીતે અને શા માટે બગડી. (આ બાબતે) અમને [પરિવારને] કંઈક ખુલાસો જોઈએ છે, કંઈક નિવારણ જોઈએ છે. આ ઘાતક પરિણામનું કારણ તેમને સમજાવવામાં આવ્યું ન હતું.

ભૂપદભાઈના મૃત્યુના બે મહિના પછી પણ પરિવારને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મળ્યો ન હતો.

27 જુલાઈ, 2022 સુધીમાં, પોલીસે મિથેનોલ મેળવવાથી માંડીને નકલી દારૂ બનાવવા અને વેચવા સુધીના આરોપસર 15 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 29 જુલાઈના રોજ સમાચારપત્રએ નોંધ્યું હતું કે રાજ્યભરમાં બુટલેગરો સામે કરવામાં આવેલ પોલીસની જંગી કાર્યવાહીને અંતે 2400 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 1.5 કરોડ રુપિયાની કિંમતનો ગેરકાયદેસર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.

બોટાદમાં પોલીસ કાર્યવાહીની ખૂબ ઝડપી અસર થઈ છે:  20 રુપિયામાં વેચાતા દેશી દારૂના પાઉચના હવે 100 રુપિયા થઈ ગયા છે.

પાર્થ એમ . એન . ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય સંબંધિત અહેવાલ તૈયાર કરે છે . ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી .

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Vinutha Mallya

Vinutha Mallya is a journalist and editor. She was formerly Editorial Chief at People's Archive of Rural India.

Other stories by Vinutha Mallya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik