હરફતેહ સિંહ મગરની સ્ટાઈલવાળી લીલા રંગની હુડી અને ઉનના મોજા પહેરી, રાજસ્થાન-હરિયાણા સરહદ પર એક મોટા વાસણમાં વટાણા છોલવામાં તેના પિતાની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. દિલ્લી-જયપુર હાઇવે પર રાજસ્થાનના અલવાર જીલ્લાના શાહજહાંપુરમાં આ ૧૮ મહિનાનું બાળક નિશ્ચિતપણે સૌથી ઓછી વયના પ્રદર્શનકારીઓમાંથી એક છે. હરફતેહ સિંહ અત્યારે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં શાકભાજી છોલીને પોતાનું યોગદાન આપી રહ્યો છે. આવું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બની શકે કે તે આ કામ સારી રીતે કે કુશળતાથી ન કરી શકતો હોય, પરંતુ તેણે ઉત્સાહ બતાવવામાં કે પ્રયાસ કરવામાં કોઈ કમી નથી રાખી.

ઘણા રાજ્યોના લાખો ખેડૂતો પોતાની આજીવિકા માટે વિનાશકારી પુરવાર થાય એવા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ સાથે દિલ્લી અને હરિયાણાની અલગ-અલગ સરહદો પર એકઠા થયા છે. સૌ પ્રથમ પાંચ જૂને વટહુકમ તરીકે બહાર પાડેલ આ કાયદાઓ ૧૪ સપ્ટેમ્બરે સંસદમાં ખરડા તરીકે રજુ કરવામાં આવ્યા અને એ જ મહિનાની ૨૦ તારીખે મંજૂરી આપીને કાયદો બનાવી દેવામાં આવ્યા.

હું જ્યારે ૨૫ ડિસેમ્બરે હરફતેહને મળી ત્યારે શાહજહાંપુરના પ્રદર્શન સ્થળે મહારાષ્ટ્રના લગભગ એક હજાર ખેડૂતો ત્યાં પહેલાથી જ હાજર પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અન્ય ખેડૂતો સાથે શામેલ થયા હતા. મહારાષ્ટ્રના આ ખેડૂતો અને ખેતમજૂરો એ ઘણા પ્રદર્શન સ્થળોએ એકઠા થયેલા પોતાના સાથી ખેડૂતો સાથે ભેગા  થવા માટે ટેમ્પો, જીપ અને નાની ગાડીઓમાં સવાર થઈને નાસિકથી અહિયાં સુધી લગભગ ૧,૨૦૦ કિલોમીટરથી વધુ મુસાફરી કરી હતી.

મહારાષ્ટ્રમાં ખેડૂતોનું સ્વાગત કરવાવાળા પરિવારોમાં એક હરફતેહનો પરિવાર પણ હતો – જેમાં લગભગ ૧૦૦ લોકોને બટાકા-વટાણાનું શાક બનાવવાનું કામ સોંપાયું હતું. હરિયાણાના કુરુક્ષેત્ર જીલ્લાના છાજુપુર ગામના રહેવાસી અને એક બાળકના પિતા ૪૧ વર્ષીય જગરૂપ સિંહ કહે છે કે, “અમે અમારા બાળકોના ભવિષ્ય માટે ઠંડીના દિવસોમાં અહિં આવ્યા છીએ. જો આજે અમે ખેડૂતો વિરોધ નહીં કરીએ, તો ફતેહનું કંઈ ભવિષ્ય નહીં હોય.”

One of the youngest protestors at the Rajasthan-Haryana border pitches in to help his family prepare aloo mutter for a hundred people
PHOTO • Shraddha Agarwal
One of the youngest protestors at the Rajasthan-Haryana border pitches in to help his family prepare aloo mutter for a hundred people
PHOTO • Shraddha Agarwal

હરફતેહનો પરિવાર શાહજહાંપુરથી આંદોલન સ્થળે બનાવવામાં આવેલ સામુદાયિક રસોડામાં મદદ કરવા આવ્યો હતો

જગરૂપ, જેમના પરિવાર પાસે છાજુપુરમાં પાંચ એકર જમીન છે, તેઓ ડાંગર, ઘઉં અને બટાકા ઉગાડે  છે, તેમને જ્યારે હું મળી ત્યારે તેઓ ૨૮ દિવસોથી વિરોધ કરી રહ્યા હતા. તેઓ પહેલા ૨૦ દિવસ હરિયાણાના સોનીપત જીલ્લામાં સિંઘુ સરહદ પર હાજર હતા અને પછી હજારો બીજા ખેડૂતો સાથે રાજસ્થાન-હરિયાણા સરહદ પર હાઇવે રોકવાના ઈરાદા સાથે શાહજહાંપુર આવ્યા હતા.

જગરૂપ કહે છે કે પ્રદર્શનના પહેલા અઠવાડિયા દરમિયાન એમને એમના પરિવારની ખૂબ જ યાદ આવી. ૨૩ ડીસેમ્બરે એમની પત્ની ગુરપ્રીત કૌર અને એમના બે બાળકો, ૮ વર્ષીય એકમજોત અને હરફતેહ, શાહજહાંપુરના પ્રદર્શન સ્થળે એમની સાથે શામેલ થઇ ગયા અને ત્યાંના વિવિધ સામુદાયિક રસોડામાં મદદ કરવા લાગ્યા. જગરૂપ હરફતેહને સારી રીતે વટાણા છોલવાનો નિર્દેશ આપતા કહે છે કે, “મારી દીકરી સેવા કરી રહી છે. તે જેને ચા પીવી હોય એ બધાને ચા આપે છે. અમે અહિં શું કરી રહ્યા છીએ એનું મહત્વ મારા બાળકો સમજે છે.”

ખેડૂતો જે કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તે: કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020 ; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020 ; અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 છે. આ કાયદાઓનો વિરોધ એટલા માટે પણ થઇ રહ્યો છે કારણ કે આનાથી દરેક ભારતીયને અસર થશે. આ ભારતના બંધારણની કલમ ૩૨માં દરેક નાગરિકને કાયદાકીય ઉપચારની જોગવાઈને અવગણે છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Shraddha Agarwal

Shraddha Agarwal is a Reporter and Content Editor at the People’s Archive of Rural India.

Other stories by Shraddha Agarwal
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad