“જો હું મૃત્યુ પામીશ તો વાંધો નથી, પણ આપણને બિલ પોસાય એમ નથી,” હરિશ્ચંદ્ર ઢાવરેએ તેમના મૃત્યુના બે દિવસ પહેલાં તેમની પત્ની જયશ્રી ને કહ્યું હતું. આ ૪૮ વર્ષીય પત્રકારની તબિયત કોવીડ-૧૯ ના લીધે વણસી હતી અને તેમને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા હતા.

એ વખતે પણ, તેમને તેમના જીવનની ચિંતા નહોતી. પણ હોસ્પિટલ બિલોની ચિંતા હતી. “તેઓ મારી સાથે લડ્યા હતા અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. તેઓ ઘરે જવાનો આગ્રહ કરતા હતા,” ૩૮ વર્ષીય જયશ્રી યાદ કરે છે.

માર્ચ ૨૦૨૧માં જ્યારે હરિશ્ચંદ્ર કોરોના વાયરસથી સંક્રમિત ત્યારે પત્રકાર તરીકે વિતાવેલા ૨૦ વર્ષ કંઈ કામમાં આવ્યા નહીં. ઉલટું, તેમના કામના લીધે તેમનું જોખમ વધી ગયું.

૨૦૦૧ની શરૂઆતથી મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં, વિવિધ સમાચારપત્રો માટે કામ કરી રહેલા પત્રકાર હરિશ્ચંદ્રની છેલ્લી નોકરી મરાઠી દૈનિક રાજધર્મમાં  હતી. “તે કોવીડ-૧૯ની બીજી લહેર વિષે પત્રકારિતા કરી રહ્યા હતા. તેમણે ઘણી પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને મોટેભાગે બહાર જ રહેતા હતા,” જયશ્રી કહે છે. “તે જ્યારે બહાર જતા ત્યારે અમને ચિંતા રહેતી હતી. તેમને ડાયાબિટીસ અને બી.પી.(બ્લડ પ્રેશર)ની બીમારી હતી. પણ તેઓ કહેતા હતા કે તેમણે કામ તો કરવું જ પડશે.”

૨૨ માર્ચે, ઢાવરેને કોવીડના લક્ષણ – શરીરમાં દુખાવો અને તાવ – દેખાવા લાગ્યા. “જ્યારે તેમની તબિયતમાં સુધારો ના આવ્યો, અમે તેમને નજીકની સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા,” જયશ્રી કહે છે. તે પરીક્ષણમાં પોઝિટિવ આવ્યા પછી દાખલ કરવામાં આવ્યા. “ત્યાં સુવિધા સારી નહોતી અને તેમની તબિયતમાં સુધારો પણ સંતોષકારક નહોતો,” જયશ્રી ઉમેરે છે. તેથી ૩૧ માર્ચે, પરિવારે તેમને ૬૦ કિલોમીટર દૂર સોલાપુર સ્થિત ખાનગી હોસ્પિટલમાં તબદીલ કરવાનું નક્કી કર્યું.

ત્યાં ૬ દિવસ પસાર કરીને, ઢાવરે ૬ એપ્રિલની સવારે મૃત્યુ પામ્યા.

Jayashree Dhaware at her home store and beauty parlour (right). Her journalist husband, Harishchandra, died in April due to Covid
PHOTO • Parth M.N.
Jayashree Dhaware at her home store and beauty parlour (right). Her journalist husband, Harishchandra, died in April due to Covid
PHOTO • Parth M.N.

જયશ્રી ઢાવરે તેમની ઘરની દુકાનમાં અને બ્યુટી પાર્લરમાં (જમણે). તેમના પત્રકાર પતિ, હરિશ્ચંદ્ર, કોવીડના લીધે એપ્રિલમાં મૃત્યુ પામ્યા હતા.

હોસ્પિટલે ૪ લાખ રૂપિયાનું બીલ થમાવી દીધું. હરિશ્ચંદ્રના મૃત્યુ સમયે એમનો માસિક પગાર ૪,૦૦૦ રૂપિયા હતો. તેમની મૃત્યુ પછી જયશ્રીએ પોતાના સોનાના ઝવેરાત ૧ લાખ રૂપિયામાં વેચી દીધા. “સગા-સંબંધીઓ એ મને થોડાક ઉછીના પૈસા આપ્યા. ઉસ્માનાબાદ ના પત્રકારો એ સહાય કરીને [૨૦,૦૦૦ રૂપિયાની] મારી મદદ કરી,” તે કહે છે. “પણ અમે પરિવારમાં કમાતા એકમાત્ર સભ્યને ખોઈ દીધો, હું જાણતી નથી કે અમે આ દેવું કઈ રીતે ભરી શકીશું.”

હરિશ્ચંદ્રની વાર્ષિક આવક મળીને લગભગ ૧ લાખ રૂપિયા થતી હતી. તેમના પગાર ઉપરાંત, તેઓ સમાચારપત્રમાં જે જાહેરાતો લાવતા તેમાં તેમને ૪૦ ટકા કમીશન મળતું હતું. જયશ્રી પોતાના ઘરેથી એક નાની દુકાન ચલાવે છે જેમાં તેઓ બિસ્કીટ, વેફર, અને ઈંડા વેચે છે. તેઓ કહે છે, “હું તેમાંથી ભાગ્યે જ કંઈ કમાણી કરું છું.” તેઓ બ્યુટી પાર્લર પણ ચલાવતા હતા, પણ છેલ્લા દોઢ વર્ષથી આ મહામારીના લીધે એક પણ ગ્રાહક તેમની પાસે આવ્યું નથી.

ઢાવરે પરિવાર નવ બૌદ્ધ સમુદાયના છે, તેઓ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ સ્વાસ્થ્ય વીમો મેળવવાના હકદાર છે. આ યોજનામાં ૧ લાખથી ઓછી આવક વાળા પરિવારોના (૨.૫ લાખ રૂપિયા સુધી) તબીબી ખર્ચ ઉઠાવવામાં આવે છે અને તેમાં રાજ્ય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલા પત્રકારો નો પણ સમાવેશ થાય છે. આ યોજના હેઠળ, હોસ્પિટલ દર્દીનો ઈલાજ કરે છે, અને બીલ રાજ્ય સરકાર ચુકવે છે.

જયશ્રી પોતે પણ કોરોના વાયરસથી સંક્રમિત હતા અને ઉસ્માનાબાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ દિવસ રોકાયા હતા. તેઓ કહે છે કે, સોલાપુર હોસ્પિટલે હરિશ્ચંદ્રને આ યોજનાની અરજી કરવા માટે પ્રતીક્ષા યાદીમાં મુક્યા. “અમે આ દરમિયાન તેમની સારવાર ચાલુ રાખવાનું કહ્યું. પણ આ અરજી પર કોઈ કાર્યવાહી થાય તે પહેલાં જ તેમનું મૃત્યુ થઈ ગયું. મને લાગે છે કે તેમણે જાણી જોઈને તેમાં વિલંબ કર્યો છે.” જે દિવસે હરિશ્ચંદ્ર નું મૃત્યુ થયું એ જ દિવસે જયશ્રીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે કોવીડ-૧૯ની બીજી લહેર આવી ત્યારથી દેશવ્યાપી પત્રકારોની સુરક્ષા, એમાં પણ મુખ્યત્વે ગ્રામીણ પત્રકારોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે પત્રકારોને ફ્રન્ટલાઈન વર્કરની શ્રેણીમાં માન્યતા આપી નથી, પણ ઓડિશા, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, અને બિહાર જેવા રાજ્યો એ પત્રકારોને એ શ્રેણીમાં ગણતરી પણ કરી છે અને તેમને રસીકરણમાં અગ્રતા પણ આપી છે.

જો કે મહારાષ્ટ્રમાં, સરકાર સામે પ્રદર્શન અને વિનંતી કરવા છતાં, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પત્રકારોને અગ્રતા વાળી શ્રેણીમાં મૂક્યા નથી. તેમને અમુક કેબિનેટ મંત્રીઓ દ્વારા પણ આ અંગે વિનંતી કરવામાં આવી હતી.

TV journalist Santosh Jadhav rarely goes out now. His mother (right) died from getting infected when he had Covid last year
PHOTO • Parth M.N.
TV journalist Santosh Jadhav rarely goes out now. His mother (right) died from getting infected when he had Covid last year
PHOTO • Parth M.N.

ટીવી પત્રકાર સંતોષ જાધવ હવે ભાગ્યે જ બહાર જાય છે . તેમની માતા (જમણે) કોવીડ સંક્રમણ ને લીધે ગયા વર્ષે મૃત્યુ પામ્યા હતા.

મહારાષ્ટ્રના લગભગ ૮,૦૦૦ પત્રકારોના યુનિયન, મરાઠી પત્રકાર પરિષદના મુખ્ય ટ્રસ્ટી, એસ.એમ.દેશમુખ, કહે છે, “રાજ્યમાં ઓગસ્ટ ૨૦૨૦થી મે ૨૦૨૧ સુધી ૧૩૨ પત્રકારોની મૃત્યુ થઇ છે.” પણ ગ્રામીણ વિસ્તારના પત્રકારોના કહેવા મુજબ વાસ્તવિક આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે, અને આ યાદીમાં ઓછા જાણીતા સમાચારપત્રોના પત્રકારોના નામ ગણતરીમાં ના લેવાયા હોય તેવું પણ શક્ય છે.

દેશમુખ કબુલ કરે છે કે, “શક્ય છે કે ગ્રામીણ વિસ્તારના અમુક કેસ [ની માહિતી] મારા સુધી ન પહોંચ્યા હોય.” તેઓ આગળ કહે છે કે, રાજ્યમાં અત્યાર સુધી લગભગ ૬,૦૦૦ પત્રકારો, જેમાંથી અમુક યુનિયનના સભ્ય પણ નથી, કોવીડ-૧૯થી સંક્રમિત થયા છે. “અમુક કિસ્સામાં, જો તે સાજા થઈ ગયા હોય, તો તેમના પરિવારના કોઈ સભ્યનું પણ મૃત્યુ થયેલું છે.”

૧૧ મે એ, મહારાષ્ટ્રના લગભગ ૯૦ જેટલા પત્રકારો એ ફ્રન્ટલાઈન વર્કરની શ્રેણીમાં પોતાની ગણતરી થાય તે માટેની લડત મજબૂત બનાવવા એક ઓનલાઈન મીટીંગ માં ભાગ લીધો હતો. હવે કોવીડ-૧૯ નાના શહેરો અને ગામડાઓમાં પણ ફેલાતો હોવાથી, ગ્રામીણ પત્રકારોની સુરક્ષા એક ચિંતાનો મુદ્દો છે, કેમ કે તેમને મોટું અંતર કાપ્યા વગર સારી સ્વાસ્થ્ય સુવિધા જલ્દી સુલભ ન પણ થતી હોય.

ભારતમાં કોવીડ-૧૯ ના લીધે થયેલી પત્રકારોની મૃત્યુ વિશે નવી દિલ્હી સ્થિત ઇન્સ્ટિટયુટ ઓફ પરસેપ્શન સ્ટડીઝ ના એક સંશોધન મુજબ, ૧ એપ્રિલ ૨૦૨૦ અને ૧૨ મે ૨૦૨૧ વચ્ચે ૨૧૯ માંથી ૧૩૮ મૃત્યુ બીનશહેરી વિસ્તારમાં થયા હતા.

ગ્રામીણ વિસ્તારના પત્રકારો ખુબ જ ઓછા મહેનતાણા માટે પણ સખત મહેનત કરે છે, તેમને આ માટે શાખ પણ મળતી નથી. ઉસ્માનાબાદના ૩૭ વર્ષીય પત્રકાર સંતોષ જાધવ કહે છે કે તેમને નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. “પત્રકારો ની [લોકશાહીના] ચોથા સ્તંભ તરીકે અને કોવીડ વોરીયર્સ તરીકે સરાહના કરવામાં આવે છે. પત્રકારિતા આવશ્યક સેવા ગણવામાં આવે છે, તેમ છતાં અમને રસીકરણ માટે અગ્રતા આપવામાં નથી આવતી,” મુંબઈમાં મુખ્ય મથક ધરાવતી એક મરાઠી ટીવી ચેનલ માટે કામ કરતાં જાધવ કહે છે. “અમારે જાગરૂકતા ફેલાવવાની હોય છે. અમારે યોગ્ય માહિતી પ્રસાર કરવાની હોય છે. અમે અન્ય લોકોની સમસ્યાઓ ઉજાગર કરીએ છીએ. પરંતુ, પત્રકારોની સમસ્યાઓને કોઈ સંભાળવા તૈયાર નથી.”

જાધવ જેવા પત્રકારો માટે પરિસ્થિતિ વિકટ છે. “જો તમે મુંબઈ કે દિલ્હીમાં હોય, તો તમારો અવાજ મહત્વ ધરાવે છે. આ સમય દરમિયાન સમાચારપત્રો અને ચેનલો એ તેમના ગ્રામીણ પત્રકારોની સુરક્ષા માટે શું કર્યું છે? કેટલા સંપાદકો એ પોતાના પત્રકારોને ભરોસો આપ્યો છે? કેટલાએ તેમના રસીકરણ ને અગ્રતા આપી છે?,” તેઓ પૂછે છે. “ગ્રામીણ વિસ્તારના પત્રકારો ભાગ્યે જ સારો પગાર મેળવે છે. જો તેમનું મૃત્યુ થશે તો તેમના બાળકો નું શું થશે?”

Yash and Rushikesh have been unusually quiet after their father's death
PHOTO • Parth M.N.

યશ અને ઋષિકેશ તેમના પિતાના મૃત્યુ પછીથી અસામાન્ય રીતે ચૂપ છે .

હવે કોવીડ-૧૯ નાના શહેરો અને ગામડાઓમાં ફેલાતો હોવાથી, ગ્રામીણ પત્રકારોની સુરક્ષા એક ચિંતાનો મુદ્દો છે, કેમ કે તેમને મોટું અંતર કાપ્યા વગર સારી સ્વાસ્થ્ય સુવિધા જલ્દી સુલભ ન પણ થતી હોય.

ઢાવરેની ૧૮ વર્ષીય દીકરી, વિશાખા ૧૨માં ધોરણમાં ભણે છે. તે ડોક્ટર બનવા માંગે છે, પણ હવે તે સંકટમાં છે. “તેની ફી ભરવી મને પોસાય તેમ નથી,” તેના માતા જયશ્રી કહે છે જ્યારે કે વિશાખા જોઈ રહી છે.

વિશાખા (કવર છબીમાં, ચશ્માં પહેરેલા) તેમના પિતાના મૃત્યુના ચાર દિવસ પહેલાં પોતાના પિતા સાથે કરેલ વિડિયો કોલ યાદ કરે છે જેમાં તેમના પિતા વાતચીતના મૂડમાં હતા. “બીજી એપ્રિલે તેમનો જન્મદિવસ હતો,” તે કહે છે. “મેં તેમને શુભેચ્છા પાઠવવા ફોન કર્યો હતો. તેમણે મને અભ્યાસ પર ધ્યાન આપવાનું કહ્યું અને તેમની ગેરહાજરીમાં પણ ધ્યાનથી ભણવા કહ્યું. હું શક્ય હોય તેટલો અભ્યાસ કરું તેવી તેમની ઈચ્છા હતી.”

વિશાખા ના અભ્યાસ પર સંકટ તોળાતું હોવાની સાથે, જયશ્રી હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે લીધેલી લોન વિશે ચિંતાતુર છે. “મારા સગા સંબંધીઓ તરત પૈસા ન માંગે એટલા સારા છે, પણ આ કઠીન સમય છે અને બધા લોકો પૈસા માટે સંઘર્ષ કરી રહ્યા છે,” તેઓ કહે છે. “મારે દેવું ચૂકવવાનું છે, પણ કઈ રીતે એ સમજાતું નથી. હું મારી જાત પર જ નિર્ભર છું.”

ઉસ્માનાબાદના અમુક પત્રકારો માને છે કે બહાર જઈને જોખમ ઉઠાવી પરિવારને આર્થિક સંકટમાં નાખવા કરતાં ઘરે રહેવું જ યોગ્ય છે.

ફેબ્રુઆરીના મધ્યમાં કોવીડ ની બીજી લહેર આવી ત્યારથી જાધવ બહાર ગયા નથી. તેમને એક ૬ વર્ષનું અને એક ૪ વર્ષનું બાળક છે. ૨૦૨૦માં આવેલી પ્રથમ લહેરમાં બહાર નીકળીને તેમણે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડી હતી. “મારી માતાનું મારા લીધે મૃત્યુ થયું હતું,” તેઓ કહે છે. “હું ૧૧ જુલાઈ એ પરીક્ષણમાં પોઝીટીવ પામવામાં આવ્યો હતો. તેમને તે પછી સંક્રમણ લાગ્યું હતું. હું સાજો થઈ ગયો, પણ તે ન થઈ શકી. હું તેની અંતિમ યાત્રામાં પણ ન જઈ શક્યો. હવે મારી પાસે બહાર જવાની હિંમત નથી.” તેઓ તેમના વિવિધ સંપર્ક પાસેથી ઉસ્માનાબાદ જિલ્લાના વિભિન્ન વિસ્તારમાંથી વિડીયો એકઠા કરે છે. “હું મહત્વનો ઈન્ટરવ્યુ લેવા કે પછી કેમેરાની સામગ્રી લેવા માટે જ બહાર નીકળું છું.”

પણ ૩૯ વર્ષીય દાદાસાહેબ બાન પ્રત્યક્ષ અહેવાલ કરવાનું પસંદ કરે છે. બીડ જિલ્લાના આષ્ટિ તાલુકાના કાસરી ગામના પત્રકાર મરાઠી લોકાશા દૈનિક માટે લખતા હતા. પોતાની વાર્તા માટે તેમણે તેમના ગૌણ સ્ત્રોતો પાસે જવાનું વિચાર્યું પણ નહોતું.

“તેઓ હોસ્પિટલ, પરીક્ષણ કેન્દ્રો અને અન્ય સ્થળે જતા અને ત્યાંની પરિસ્થિતિ વિષે લખતા હતા,” તેમના ૩૪ વર્ષીય પત્ની મીના કહે છે. “માર્ચના અંતમાં નવી લહેર વિશે સમાચાર-લેખન કરતી વખતે તેઓ સંક્રમિત થયા હતા.”

Meena Ban's husband, Dadasaheb, was infected while reporting about the second wave. Dilip Giri (right) says the family spent Rs. 1 lakh at the hospital
PHOTO • Parth M.N.
Meena Ban's husband, Dadasaheb, was infected while reporting about the second wave. Dilip Giri (right) says the family spent Rs. 1 lakh at the hospital
PHOTO • Parth M.N.

મીના ના પતિ દાદાસાહેબ બીજી લહેર વિશે સમાચાર -લેખન કરતી વખતે સંક્રમિત થયા હતા. દિલીપ ગીરી (જમણે) કહે છે કે પરિવારે હોસ્પિટલમાં ૧ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો.

બાનનો પરિવાર તેમને કાસરીથી ૬૦ કિલોમીટર દૂર અહેમદનગર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. “પણ તેમની તબિયતમાં સુધારો ન આવ્યો,” મીના કહે છે. “તેમનું ઓક્સિજન સ્તર ૮૦ સુધી પહોંચી ગયું હતું. પરિસ્થિતિ હતી એ કરતાં વધુ બદતર થતી ગઈ.”

ચાર દિવસ પછી કોઈપણ રોગથી પીડાતા નહોતાં તેવા બાન કોવીડ-૧૯ ના લીધે મૃત્યુ પામ્યા. “અમે હોસ્પિટલ ખર્ચ અને દવાઓમાં એક લાખ રૂપિયા ખર્ચ કર્યો,” બાનના ૩૫ વર્ષીય ભત્રીજા દિલીપ ગીરી કહે છે. “અમે હોસ્પિટલનું બિલ ચૂકવવા માટે મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લીધા. મારા કાકા મહીને ૭,૦૦૦-૮,૦૦૦ રૂપિયાથી વધુ નહોતાં કમાતા. અમારી પાસે એટલી બધી બચત નથી.”

બાનનો ઈલાજ પણ મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ થઇ શક્યો હોત, જેમાં બીડ સહીત રાજ્યના ૧૪ કૃષિ સંકટ વાળા જિલ્લાઓ શામેલ છે. બાનનો પરિવાર તેમના ગામમાં પાંચ એકર જમીનની માલિકી ધરાવે છે, જેના લીધે તેઓ પણ આ યોજના માટે પાત્રતા ધરાવે છે.

અહેમદનગરની ખાનગી હોસ્પિટલમાં જ્યાં  બાનનો ઈલાજ કરવામાં આવ્યો હતો તે હોસ્પિટલે મહાત્મા જ્યોતિરાવ ફૂલે જન આરોગ્ય યોજના હેઠળ તેમની નોંધણી કરવાનો ઇનકાર કરી દીધો. “તેમણે અમને કહ્યું કે જો અમે આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા હોઈએ, તો અમારે બીજી કોઈ હોસ્પિટલમાં જવું પડશે,” મીના કહે છે. “એવા સમયે, કે જ્યારે આપણે સારી હોસ્પિટલ મેળવવા માટે વલખા મારી રહ્યા હોઈએ, ત્યારે આપણે પૈસા વિશે વધારે નથી વિચારતા, પરંતુ ગમે તેમ કરીને માણસનો જીવ બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ અમે ન તો પૈસા બચાવી શક્યા કે ન તો માણસ.”

બાન અને મીનાના દીકરા, ૧૫ વર્ષીય ઋષિકેશ અને ૧૪ વર્ષીય યશ, હવે અનિશ્ચિત ભવિષ્ય જોઈ રહ્યા છે. તેમના પિતા ઇચ્છતા હતા કે તેઓ ભણીને ડોક્ટર બને. “તેઓ તેમને પત્રકાર બનાવવા નહોતા માંગતા,” દિલીપ કહે છે. “તેમનું ભવિષ્ય હવે તેમની માતાના હાથમાં છે. ખેતી તેમની આવક નું એકમાત્ર સાધન છે. અમે ફક્ત જુવાર અને બાજરી જ ઉગાડીએ છીએ. અમે રોકડ ખેતી નથી કરતા,” તેઓ ઉમેરે છે.

એકબીજાની બાજુ એ બેઠેલા કિશોરો ચૂપચાપ અમારી વાતચીત સાંભળી રહ્યા હતા. “તેઓ તેમના પિતાના મૃત્યુ પછીથી અસામાન્ય રીતે ચૂપ છે,” દિલીપ કહે છે. “તે હસમુખ હતા અને સતત મજાક કરતાં રહેતાં હતાં. પણ હવે થોડા-થોડા સમયે તેઓ કહે છે કે તેમના પિતા ગયા છે ત્યાં તેમને જવું છે.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad