નામ: વજેસિંહ પારગી. જન્મ: 1963. ગામ: ઈટાવા. જિલ્લો:દાહોદ, ગુજરાત. જાતિ: આદિવાસી પંચમહાલી ભીલી. કુટુંબમાં: પિતા ચિસ્કાભાઈ, માતા ચતુરા બેન, અને પાંચ ભાઈબહેનમાં વજેસિંહ સૌથી મોટા. કુટુંબની આજીવિકા: ખેત મજૂરી.

ગરીબ આદિવાસી કુટુંબમાં જન્મથી એમને વારસામાં મળ્યું તે એમના જ શબ્દોમાં: 'માની કૂખમાંથી મળ્યું અંધારું'. એક 'રણ એક્લતાનું'. એક 'કૂવો પરસેવાનો'. અને 'ભૂખ', સાથે 'એક ભૂરો રંગ ઉદાસીનો' અને થોડું 'આગિયાનું અજવાળું'. અને ગળથૂથીમાં મળ્યો  શબ્દપ્રેમ.

એકવાર એક ઝગડામાં સપડાયેલા વજેસિંહને અચાનક વાગેલી એક ગોળી એમના જડબા ને ગળામાં થઇ ચાલી. એમાં એમના આવાજને પણ ઇજા થઇ અને છ સાત વર્ષની સારવાર, 14 ઓપરેશનો, અને દેવાના ડુંગર પછી પણ એમાંથી તેઓ કદી સંપૂર્ણ પણે બહાર આવ્યા જ નહીં. એ બમણો ફટકો હતો -- એક તો એવા સમુદાયમાં જનમ જેનો આવાજ જ સમાજમાં નહિવત સંભળાય અને એમાં એમનો આગવો મળેલો અવાજ હવે હંમેશ માટે ભાંગી ગયો. પણ કંઈ એકદમ તેજ રહ્યું હોય તો એ એમની આંખો. વજેસિંહ આજે પણ ગુજરાતી સાહિત્ય જગતમાં ભાષાના શ્રેષ્ઠ ભાવક અને પ્રૂફરીડરોમાંના એક છે. પરંતુ એમણે રચેલ સાહિત્યને જોઈએ એટલું સન્માન ભાગ્યે જ મળ્યું છે.

અહીં વજેસિંહની એમની પોતાની મૂંઝવણને રજુ કરતી મૂળ પંચમહાલી ભીલીમાં લખાયેલી એક કવિતાનો ગુજરાતી અનુવાદ

સાંભળો પંચમહાલી ભીલીમાં કવિતાનું પઠન પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા

સાંભળો પ્રતિષ્ઠા પંડ્યા દ્વારા કરાયેલો કવિતાનો અંગ્રેજી અનુવાદ

મરવું હમુન ગમતું નથ

ખાહડા જેતરું પેટ ભરતાં ભરતાં
ડુંગોર ઘહાઈ ગ્યા
કોતેડાં હુકાઈ ગ્યાં
વગડો થાઈ ગ્યો પાદોર
હૂંકળવાના અન કરહાટવાના દંન
ઊડી ગ્યા ઊંસે વાદળાંમાં
અન વાંહળીમાં ફૂંકવા જેતરી
રઈં નીં ફોહબાંમાં હવા
તેર મેલ્યું હમુઈ ગામ
અન લીદો દેહવટો

પારકા દેહમાં
ગંડિયાં શેરમાં
કોઈ નીં હમારું બેલી
શેરમાં તો ર્‌યાં હમું વહવાયાં

હમું કાંક ગાડી નીં દીઈં શેરમાં
વગડાવ મૂળિયાં
એવી સમકમાં શેરના લોકુએ
હમારી હારું રેવા નીં દીદી
પૉગ મેલવા જેતરી ભૂંય

કસકડાના ઓડામાં
હિયાળે ઠૂંઠવાતા ર્‌યા
ઉનાળે હમહમતા ર્‌યા
સુમાહે લદબદતા ર્‌યા
પણ મળ્યો નીં હમુન
હમારા બાંદેલા બંગલામાં આસરો

નાકાં પર
ઘેટાં-બૉકડાંની જેમ બોલાય
હમારી બોલી
અન વેસાઈં હમું થોડાંક દામમાં

વાંહા પાસળ મરાતો
મામાનો લંગોટિયાનો તાનો
સટકાવે વીંસુની જીમ
અન સડે સૂટલીઈં ઝાળ

રોજના રોજ હડહડ થાવા કરતાં
હમહમીને સમો કાડવા કરતાં
થાય કી
સોડી દીઈં આ નરક
અન મેલી દીઈં પાસા
ગામના ખોળે માથું
પણ હમુન ડહી લેવા
ગામમાં ફૂંફાડા મારે સે
ભૂખમરાનો ભોરિંગ
અન
મરવું હમુન ગમતું નથ.

મરવું અમને ગમતું નથી

આવડું જૂતા જેટલું પેટ ભરતાં ભરતાં
ડુંગર ઘસાઈ ગયા
કોતરો સુકાઈ ગયાં
વગડો થઇ ગયો પાદર
હુંકારવાના ને કીકીયારવાના
દિવસો ઊડી ગયા ઊંચે વાદળમાં

અને વાંસળીમાં ફૂંકવા જેટલી ય
રહી નહીં હવા ફેફસામાં
ત્યારે મૂક્યું અમે આ ગામ
અને લીધો દેશવટો

પારકા દેશમાં
ગાંડીયા શહેરમાં
અમાંરુ કોઈ બેલી નહીં
શહેરમાં રહયાં અમે સાવ ઓશિયાળાં.
ક્યાંક અમે ગાઢી ના દઈએ આ શહેરમાં
અમારા વગડાઉ મૂળિયાં
એવી બીકે શહેરનાં લોકોએ
અમારે માટે રાખી નહીં
એક પગ મૂકવા સરખી ય જગ્યા.

કચકડાના ઓરડે અમે રહયાં
શિયાળે ઠૂંઠવાતાં
ઉનાળે સૂસવાતાં
ચોમાસે લથબથતાં
પણ મળ્યો નહીં અમને
અમારા જ બાંધેલા બંગલાઓમાં આશરો.

રસ્તાના નાકે
ઘેટાં બકરાંની જેમ બોલાય
અમારા બોલ
ને વેચાઈ જઈએ થોડા સિક્કાઓમાં

પાછળ પીઠ પર ચટકતો
મામા ને લંગોટિયાનો ટોણો
જાણે વીંછીનો ડંખ
જેનું ઝેર ચઢે ઠેઠ માથા સુધી.

આ રોજે રોજ હડહડ થવા કરતાં
અંદર સમસમીને સમય કાઢવા કરતાં
થાય કે
છોડી દઈએ આ નરક
અને મૂકી દઈએ પાછા
ગામને ખોળે માથું.
પણ અમને ફાડી ખાવા
ગામમાં ફૂંફાડા મારે છે
ભૂખમરાનો ભોરિંગ
અને
મરવું અમને ગમતું નથી.


આ કવિ અત્યારે  દાહોદની કાઈઝર મેડિકલ નર્સિંગ હોમમાં
ચોથી સ્ટેજના કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે.

અનુવાદ: પંચમહાલી ભીલીમાંથી પ્રતિષ્ઠા પંડ્યા

Vajesinh Pargi

Based in Dahod, Gujarat, Vajesingh Pargi is a poet writing in Panchamahali Bhili and Gujarati. He has published two collections of his poems titled "Zakal naa moti" and "Aagiyanun ajawalun." He worked as a proof-reader with the Navajivan Press for more than a decade.

Other stories by Vajesinh Pargi
Illustration : Labani Jangi

Labani Jangi is a 2020 PARI Fellow, and a self-taught painter based in West Bengal's Nadia district. She is working towards a PhD on labour migrations at the Centre for Studies in Social Sciences, Kolkata.

Other stories by Labani Jangi
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya