સરબજીત કૌર કહે છે કે “હું ટ્રેક્ટર ચલાવી જાણું છું." એટલે તેઓ લગભગ બે મહિના પહેલા તેમના પરિવારનું સફેદ ટ્રેક્ટર ચલાવીને પંજાબના જસરૌર ગામથી આશરે 480 કિલોમીટર દૂર હરિયાણા-દિલ્હી સરહદ પર સિંઘુ પહોંચ્યા હતા. તેઓ  ઉમેરે છે કે, "હું મારી જાતે આવી હતી." જ્યારે તેમના ગામના બીજા  લોકો તેમના ખેડૂત સંઘે પૂરી પાડેલી ટ્રેક્ટર ટ્રોલીઓ  પર વિરોધ સ્થળે આવ્યા હતા.

જસરૌર છોડતા પહેલા 40 વર્ષના સરબજીત સપ્ટેમ્બર 2020 માં સંસદમાં પસાર થયેલા કૃષિ કાયદાની ચર્ચા  અને વિરોધ કરતા હતા. અમૃતસર જિલ્લાના અજનાલા તહેસીલના 2169 લોકોની વસ્તી ધરાવતા તેમના ગામમાં  ઘેર ઘેર ફરીને તેમણે આ કાયદાઓ વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.  ત્યારબાદ 25 મી નવેમ્બરે  તેઓ જમહૂરી કિસાન સભા દ્વારા આયોજિત જસરૌર અને આસપાસના ગામોમાંથી નીકળતા 14 ટ્રેક્ટર-ટ્રોલીઓનો કાફલામાં જોડાયા  હતા. જમહૂરી કિસાન સભા દેશભરના 200 થી વધુ ખેડૂત સંગઠનોને સમાવી લેતા મંચ - અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સંકલન સમિતિ સાથે સંકળાયેલ છે. તેઓ વહેલી સવારે નીકળ્યા હતા અને 27 મી નવેમ્બરે સિંઘુ પહોંચ્યા હતા.

અને હવે સરબજીત 26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિને હરિયાણાના સોનીપત નજીક સિંઘુથી લગભગ ત્રણ કિલોમીટર ઉત્તરમાં કુંડલી સરહદથી શરૂ થનાર  અભૂતપૂર્વ ટ્રેક્ટર પરેડમાં ભાગ લેવા તૈયાર છે. તેઓ કહે છે, "હું મારા ટ્રેક્ટર સાથે  પરેડમાં જોડાઈશ."

હરિયાણાના સિંઘુ અને ટિકરી, અને ઉત્તર પ્રદેશના ગાઝીપુર 26 મી નવેમ્બર 2020 થી શરૂ થયેલ ખેડૂત આંદોલનના મુખ્ય કેન્દ્રો છે. ત્યાં  લાખો ખેડૂત અને અસંખ્ય કૃષિ સંગઠનો ત્રણ નવા કૃષિ કાયદાઓને રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા  છે. સરબજીત કહે છે, "જ્યાં સુધી આ કાયદાઓ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી  વૃદ્ધો કે યુવાનો, પુરુષો કે સ્ત્રીઓ અહીંથી ખસશે નહિ."

"કોઈએ મને અહીં આવવાનું કહ્યું નથી." તેઓ વિરોધ સ્થળ પર બીજા  લોકો સાથે તેમના ટ્રેક્ટરની બાજુમાં ઊભા હતા તેમણે ઉમેર્યું કે કોઈએ  તેમને ત્યાં 'બેસાડ્યા' નથી. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ (11 જાન્યુઆરીએ) ટિપ્પણી કરી હતી કે  વિરોધ સ્થળે મહિલાઓ અને વૃદ્ધોને 'બેસાડવામાં' આવ્યા છે અને તેમને પાછા જવા માટે સમજાવવા જોઈએ. આ ટિપ્પણી પર નિશાન સાધતા તેઓ પૂછે છે કે "ઘણા માણસો વિરોધ કરવા મારા ટ્રેક્ટર પર આવ્યા હતા. તમે એમ કહેશો  કે હું તેમને અહીં લાવી છું? "
Sarbjeet Kaur: 'Women are the reason this movement is sustaining. People in power think of us as weak, but we are the strength of this movement'
PHOTO • Tanjal Kapoor
Sarbjeet Kaur: 'Women are the reason this movement is sustaining. People in power think of us as weak, but we are the strength of this movement'
PHOTO • Tanjal Kapoor

સરબજીત કૌર: 'મહિલાઓને કારણે જ આ આંદોલનને ટકી રહ્યું  છે. સત્તામાં રહેલા લોકો અમને નબળા માને છે, પરંતુ અમે જ આ આંદોલનની તાકાત છીએ'

સરબજીત કહે છે, 'મહિલાઓને કારણે જ આ આંદોલનને ટકી રહ્યું  છે. સત્તામાં રહેલા લોકો અમને નબળા માને છે, પરંતુ અમે જ આ આંદોલનની તાકાત છીએ. અમે મહિલાઓ અમારા ખેતરોની સંભાળ રાખીએ છીએ. કોઈ અમને નબળા કેવી રીતે ગણી શકે? હું વાવણી, લણણી, નીંદણ અને મારા પાકનું પરિવહન કરું છું. હું મારા ખેતરની અને મારા પરિવાર બંનેની સંભાળ રાખું છું. "

સરબજીતની જેમ ગ્રામીણ ભારતની 65 ટકા સ્ત્રીઓ સીધી કે આડકતરી રીતે ખેતી સાથે સંકળાયેલી છે.

જસરાૌર ગામમાં સરબજિતના પતિના કુટુંબની  પાંચ એકરની જમીન છે - જમીન તેના સા સરાના નામે નોંધાયેલ છે - એ જમીન પર તેઓ ઘઉં અને ડાંગર ઉગાડે છે. તેઓ તેમનો  પાક સ્થાનિક મંડીઓમાં વેચે છે અને વર્ષે 50000-60000 રુપિયા કમાય છે. સરબજીત ખેડૂત તરીકે સખત મહેનત કરે છે છતાં તેમના નામે કોઈ જમીન નથી - ભારતમાં 2 ટકા કરતા ઓછી મહિલાઓ જે જમીન પર કામ કરે છે તેની માલિકી ધરાવે છે. (કૃષિ અર્થતંત્રમાં આ અને અન્ય ખામીઓ દૂર કરવા  એમ.એસ. સ્વામિનાથન દ્વારા પ્રસ્તાવિત મહિલા ખેડૂત પાત્રતા બિલ , ૨૦૧૧ ક્યારેય કાયદામાં પરિવર્તિત થઈ શક્યું નહિ.)

તેમના  પતિ નિરંજન સિંહ સમયાંતરે વિરોધ સ્થળ પર આવે છે અને થોડા દિવસો પહેલા તેઓ તેમના ગામ જવા રવાના થયા હતા. સરબજીતને તેમના ચાર બાળકો - બે દીકરીઓ અને બે દીકરા  - યાદ આવે છે, પરંતુ સરબજીત કહે છે કે તેઓ  તેમના ભવિષ્ય માટે અહીં છે અને વિરોધના અંત સુધી અહીં જ રહેશે. રાજ્યના નિયમન  હેઠળની એપીએમસી મંડળીઓનું મહત્ત્વ ઓછું કરતા કાયદા નો નિર્દેશ કરતા તેઓ પૂછે છે, “એકવાર મંડીઓ બંધ થઈ જશે તો પછી અમે અમારી જમીનમાંથી કમાણી શી રીતે કરીશું? મારા બાળકો ભણશે શી રીતે? ”  તેઓ ઉમેરે છે, “હું મારા બાળકોને સારું શિક્ષણ આપવા માંગું છું. અત્યારે આપણને ખ્યાલ આવતો નથી, પણ ધીરે ધીરે મંડીઓ બંધ થઈ જશે અને પછી આપણે આપણી પેદાશો કેવી રીતે અને ક્યાં વેચીશું? '

ખેડૂતો આ ત્રણ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે: કૃષિક  (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ  વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ પહેલા  5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં વિરોધ હોવા છતાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા

મોટા નિગમોને ખેડૂતો પર અને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ ત્રણેય કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. તેઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ  32 ને નબળી પાડીને  તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
Sometimes, Sarbjeet gives children an others at the protest site a ride on her tractor, which she learnt to drive four years ago
PHOTO • Tanjal Kapoor
Sometimes, Sarbjeet gives children an others at the protest site a ride on her tractor, which she learnt to drive four years ago
PHOTO • Tanjal Kapoor

કેટલીકવાર સરબજીત વિરોધ સ્થળ પર હાજર બાળકોને અને બીજા લોકોને તેમના ટ્રેક્ટર પર આંટો મરાવે  છે. તેઓ  ચાર વર્ષ પહેલા ટ્રેક્ટર ચલાવતા શીખ્યા હતા

વિરોધ સ્થળે સરબજીત લંગર માટે રસોઈ કરવામાં, રસ્તા સાફ કરવામાં અને કપડાં ધોવામાં પોતાનો દિવસ પસાર કરે છે. તેમને માટે આ  સેવા (સમુદાય સેવા) નો જ એક પ્રકાર છે. તેઓ તેમની  ટ્રેક્ટર-ટ્રોલીમાં સૂઈ જાય છે અને નજીકની દુકાનોના  શૌચાલયોનો ઉપયોગ કરે છે. તેઓ કહે છે, “આજુબાજુના લોકો ખૂબ મદદરૂપ થાય છે, તેઓ અમારી પર એટલો વિશ્વાસ કરે છે કે તેઓ અમને તેમની દુકાનની ચાવી સોંપી દે છે જેથી અમે  કોઈપણ સમયે શૌચાલયનો ઉપયોગ કરી શકીએ. અમને વિવિધ સંસ્થાઓ વિના મૂલ્યે સેનિટરી પેડ્સ અને દવાઓનું વિતરણ કરે છે. કોઈક દિવસ  સરબજીત કોઈની પાસેથી સાયકલ લઈને આસપાસના વિસ્તારમાં સાયકલ ચલાવે  છે.

“હું અહીં ખૂબ ખુશ છું. અમે બધા એક મોટા પરિવારની જેમ જીવીએ છીએ. આપણે બધા જુદા જુદા પિંડ્સ [ગામડાઓ] માંથી આવીએ છીએ અને જુદા જુદા પ્રકારના પાક ઉગાડીએ છીએ, પરંતુ આ હેતુ માટે એક થયા છીએ. આ આંદોલનને કારણે મને વિસ્તૃત પરિવાર મળ્યો છે. અમે  બધા અગાઉ ક્યારેય આ રીતે એક થયા નહોતા. આ એકતા માત્ર પંજાબ કે હરિયાણા સુધી સીમિત નથી. દેશના તમામ ખેડૂતો આજે એક સાથે ઉભા છે. અને કોઈ પણ અમારું સંકલન કરી રહ્યું નથી અથવા કોઈ અમારી પર નજર રાખી રહ્યું નથી. અમે બધા જ નેતા છીએ.”

કેટલીકવાર સરબજીત વિરોધ સ્થળ પર હાજર બાળકોને તેમના ટ્રેક્ટર પર આંટો મરાવે  છે. તેઓ  ચાર વર્ષ પહેલા ટ્રેક્ટર ચલાવતા શીખ્યા હતા. તેઓ કહે છે,  “મારા પતિ ટ્રેક્ટર ચલાવતા હતા અને મને હંમેશા તેમાં રસ હતો, તેથી મેં તેમને મને શીખવવાનું કહ્યું. અને તેમણે શીખવાડ્યું . જ્યારે હું ટ્રેક્ટર ચલાવતા શીખી ત્યારે કે અત્યારે જ્યારે હું ટ્રેક્ટર ચલાવું છું ત્યારે મારા ઘરના અથવા ગામના કોઈએ  મને ક્યારેય કંઈ કહ્યું નથી.

તેઓ ઉમેરે છે, "હું (ટ્રેક્ટર) ચલાવતી હોઉં ત્યારે મને લાગે છે કે હું ઊડી રહી  છું. એક સ્ત્રી આખી જીંદગી તેના હક માટે લડે છે. લોકો હજી પણ માને છે કે અમારે અમારા હક માટે લડવા કોઈ બીજાની જરૂર છે. આ વખતે અમારે આ લડાઈ કોઈ [રૂઢિચુસ્ત] સમાજ સામે નહિ, પણ સરકાર સામે લડવાની  છે.”

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Snigdha Sony

Snigdha Sony is an intern with PARI Education, and studying for a Bachelors degree in journalism at the University of Delhi.

Other stories by Snigdha Sony
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik