લક્ષ્મીબાઈ કાળે દર વર્ષે તેમના પાકનો કેટલોક હિસ્સો ગુમાવી રહયા  છે. તે અતિવૃષ્ટિ કે દુષ્કાળ કે નબળી કૃષિ તકનિકોને કારણે નથી. 60 વર્ષના લક્ષ્મીબાઈએ કહ્યું, "અમારા પાક બરબાદ થાય છે, કારણ કે પંચાયત અમારી જમીન પર પ્રાણીઓને ચરાવવા દે છે. અમને એટલું બધું નુકસાન થયું છે કે હવે તો કેટલું નુકસાન થયું છે તેની મને કોઈ ગણતરી ય રહી નથી."

લક્ષ્મીબાઈ અને તેમના પતિ વામન ત્રણ દાયકાથી જેના પર ખેતી કરી રહ્યા છે તે નાસિક જિલ્લાના મોહાડી ગામનો પાંચ એકરનો પ્લોટ ગૈરાન નો - સરકારના  અધિકાર ક્ષેત્ર હેઠળની સાર્વજનિક જમીન જેનો ઉપયોગ ગોચર જમીન તરીકે થાય છે તેનો -  ભાગ  છે . તેઓ ત્યાં તુવેર, બાજરા, જુવાર અને ડાંગર ઉગાડે છે. તેમણે  (લક્ષ્મીબાઈએ) કહ્યું, "પંચાયતના સભ્યો કહે છે કે જો અમે અમારી જમીન પર ગામલોકોને તેમના પશુઓ ચરાવવા  નહીં દઈએ તો તેઓ અમારી સામે કેસ દાખલ કરશે."

લક્ષ્મીબાઈ અને ડિંડોરી તાલુકાના તેમના ગામના બીજા  ખેડૂતો 1992 થી પોતાના જમીનના હક માટે સંઘર્ષ કરી  રહ્યા છે. "આ જમીન ખેડનાર હું [કુટુંબની] ત્રીજી પેઢી  છું, પણ તેમ છતાં હજી ય આ જમીન અમારા નામે  નથી. 2002 માં અમે અમારા  જમીનના હક માટે સત્યાગ્રહ અને જેલ ભરો આંદોલન કર્યું હતું." તેઓ યાદ કરે છે કે તે સમયે લગભગ 1500 ખેડૂતોએ, જેમાંની  મોટાભાગની મહિલાઓ હતી, 17 દિવસ નાસિક સેન્ટ્રલ જેલમાં ગાળ્યા હતા.

મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ - લુહાર જ્ઞાતિના લક્ષ્મીબાઈને જમીન પોતાને નામે ન હોવાને કારણે પાકના નુકસાનને પહોંચી વળવા કોઈ મદદ મળી નથી. તેમણે જણાવ્યું, "જમીન અમારા નામે નથી એટલે અમને [પાક] લોન અથવા વીમો મળતા નથી." તેને  બદલે તેઓ  ખેત મજૂર તરીકે કામ કરીને નુકસાની ભરપાઈ કરે  છે, ક્યારેક વધારે કમાણી કરવા તેઓ દિવસમાં આઠ-આઠ કલાકની બે પાળી કરે છે.

ભીલ આદિવાસી ખેડૂત અને વિધવા 55 વર્ષના વિજાબાઈ ગાંગુર્ડેની પણ આ જ હાલત છે. મોહડીમાંની પોતાની જમીનમાંથી થતી આવકને સહારે નભવું  શક્ય નથી. વિજાબાઈએ કહ્યું, “મારી બે એકર જમીનમાં આઠ કલાક કામ કર્યા પછી હું પછી બીજા આઠ કલાક [કોઈ બીજાની જમીન પર] ખેતમજૂર તરીકે કામ કરું છું.”  વહેલી સવારે 7 વાગ્યે શરૂ થતા તેમના દિવસો આ રીતે બે પાળીમાં વહેંચાય છે.

તેમણે ઉમેર્યું, "પરંતુ હું ક્યારેય શાહુકાર પાસેથી લોન લેતી નથી. શાહુકાર તેણે ધીરેલા દર 100 રુપિયા પર 10 રુપિયા (10 ટકાના દરે) વ્યાજ લે છે, જે મહિનાના અંત સુધીમાં ચૂકવવું પડે છે." લક્ષ્મીબાઈ પણ ખાનગી લેણદારોથી દસ ગાઉ દૂર જ રહે છે. તેમણે કહ્યું, "આસપાસના  ગામોમાં શાહુકારોએ વિધવા મહિલાઓને ખૂબ હેરાન કરી  છે."

Women farmers from Nashik protesting
PHOTO • Sanket Jain
Women farmer protesting against farm bill 2020
PHOTO • Sanket Jain

ડાબે: નાસિક જિલ્લાના લક્ષ્મીબાઈ કાળે  (ડાબે) અને વિજાબાઈ ગાંગુર્ડે (જમણે) 1992 થી પોતાના જમીનના હક માટે સંઘર્ષ કરી રહ્યા છે. જમણે : સુવર્ણા ગાંગુર્ડે (લીલી સાડીમાં) કહે છે, "આ જમીન પર ખેતી કરનાર અમે ત્રીજી પેઢી  છીએ."

મોહડી ગામની મહિલાઓ કાયમ પૈસાની ખેંચમાં રહે છે. તેમના વેતન પુરુષો કરતાં ઓછા છે. તેઓને આઠ કલાકના કામ માટે 150 રુપિયા મળે છે જ્યારે પુરુષોને સમાન કામ માટે 250 રુપિયા મળે છે. લક્ષ્મીબાઈ કહે  છે, “આજે પણ મહિલાઓને  ઘણું વધારે કામ કરવા છતાં પુરુષોની સરખામણીએ ઓછું મહેનતાણું અપાય  છે. તો પછી  સરકારને એવું કેમ લાગે છે કે આ [નવા કૃષિ] કાયદાઓથી મહિલા ખેડૂતોને ઝાઝી  અસર નહીં થાય? ” .

નવા કૃષિ  કાયદાઓનો વિરોધ કરવા સંયુક્ત શેતકરી કામગાર મોરચા દ્વારા 24 થી 26 જાન્યુઆરી દરમિયાન આયોજિત ધરણામાં ભાગ લેવા  લક્ષ્મીબાઈ અને વિજાબાઈ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આવ્યા હતા.

નાસિક અને નજીકના જિલ્લાના જુદા જુદા ગામોના 15000 થી વધુ ખેડૂતો 23 મી જાન્યુઆરીએ  ટેમ્પો, જીપ અને પીક-અપ ટ્રકમાં નીકળ્યા હતા અને બીજા દિવસે મુંબઈ પહોંચ્યા હતા. મેદાનમાં તેઓએ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે પોતાનું સમર્થન દર્શાવ્યું  અને પોતાના જમીનના હકની પણ માંગ કરી. લક્ષ્મીબાઈએ વિરોધ વ્યક્ત કરતા તેમની મુઠ્ઠી હવામાં ઉઠાવી કહ્યું, “અમે સરકારથી ડરતા નથી. અમે  [2018 માં] નાસિકથી મુંબઈ સુધીની કૂચ માં ભાગ લીધો હતો, અમે દિલ્હી પણ ગયા છીએ, અને નાસિક અને મુંબઈમાં બે ડઝનથી વધુ વખત વિરોધ પ્રદર્શન કરી ચૂક્યા છીએ."

જે નવા કાયદા સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એ ત્રણ કાયદાઓ  છે: કૃષિક ઉપજ  વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; કૃષિક  (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદાઓ પહેલા  5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા.

આ કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે કારણ કે આ કાયદાઓ મોટા નિગમોને ખેડૂતો પર અને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપશે. આ કાયદાઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ  32 ને નબળી પાડીને  તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.

લક્ષ્મીબાઈએ કહ્યું કે જ્યારે ખાનગી ખરીદદારો એમએસપીની નીચે ખેત પેદાશો ખરીદે છે, ત્યારે તે ખેડૂત અને ખેતમજૂરો બંનેને અસર કરે છે. તેમણે ઉમેર્યું, "જો ખેડૂતને સારો ભાવ મળે, તો જ તે કમાશે અને મજૂરોને સારું મહેનતાણું આપશે. આ કાયદાઓ અમલમાં આવતા વધુ ને વધુ ખાનગી કંપનીઓ બજારમાં આવશે. આમ્હી ભાવ કરુ શકણાર નહીં [અમે ભાવમાં વાટાઘાટો કરી શકીશું નહીં]. "

Women farmers protesting against New farm bill
PHOTO • Sanket Jain
The farmer protest against the new farm bill
PHOTO • Sanket Jain

ડાબે: આઝાદ મેદાનમાં આંદોલનકારીઓ આકરા તાપથી પોતાનું રક્ષણ કરે છે. જમણે : મથુરાબાઈ બર્ડેએ તેમના હાથમાં ખેડૂતોની માંગણીઓની સૂચિ પકડી છે

આઝાદ મેદાનના વિરોધ પ્રદર્શનમાં ડિંડોરી તાલુકાના કોરતે ગામના 38 વર્ષના સુવર્ણા ગાંગુર્ડે સંમત થયા હતા કે આ કાયદાઓથી મહિલાઓને  સૌથી વધારે અસર થશે. કોળી મહાદેવ આદિવાસી સમુદાયના સુવર્ણાએ કહ્યું, "કૃષિક્ષેત્રમાં લગભગ 70-80 ટકા કામ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ પીએમ-કિસાન યોજના જ લો. તેમાંથી એક પણ પૈસો અમારા ગામની કોઈ પણ મહિલાના બેંક ખાતામાં   જમા થયો નથી.”  કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને આવક આધાર તરીકે દર વર્ષે 6000 રુપિયાની આર્થિક મદદ મેળવવા હકદાર છે.

સુવર્ણાના જણાવ્યા અનુસાર કોરતે ગામના 64 આદિવાસી પરિવારોમાંથી ફક્ત 55 ને જ વન અધિકાર અધિનિયમ, 2006 હેઠળ 2012 માં ‘7/12’ (જમીન અધિકારનો રેકોર્ડ) આપવામાં આવ્યો હતો. પરંતુ રેકોર્ડમાં શેરા (ટિપ્પણી) - પોટખરાબા જમીન (બિનખેતીલાયક જમીન) શામેલ છે. તેઓ પૂછે છે, "આ જમીન પર ખેતી કરનાર અમે ત્રીજી પેઢી  છું. અમે આ જમીન પર ખેતી કરીએ  છીએ તો તેઓ કેવી રીતે કહી શકે કે તે પોટખરાબા જમીન છે?"

સુવર્ણા પોતાની પાંચ એકર જમીનમાં ટામેટા, ભુઈમૂગ (મગફળી), કોથમીર, સુવા, પાલક અને અન્ય પાંદડાવાળા શાકભાજી ઉગાડે છે. તેઓ બાકીની જમીનના હકદાર હોવા છતાં તેઓ ફક્ત બે એકરની માલિકી ધરાવે છે. તેમણે કહ્યું, " ફસવણુક કેલેલી આહે [અમને મૂરખ બનાવવામાં આવ્યા છે]".

તેમના નામે જમીન કરવાની માંગ છતાં કોરતેના આદિવાસી ખેડુતોને સંયુક્ત 7/12 આપવામાં આવ્યા હતા. સુવર્ણાએ ઉમેર્યું, “શેરાને લીધે અમે ન તો પાક લોન મેળવી શકીએ, ન તો અમારા ખેતરોમાં કૂવો  કે બોરવેલ ખોદી શકીએ , એટલે અમે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકતા નથી. અમે ખેતી માટે તળાવ પણ ન ખોદી શકીએ."

કોરતેથી 50 ખેડૂત અને ખેતમજૂરો વિરોધ પ્રદર્શનમાં જોડાવા  મુંબઈ આવ્યા હતા. તેમાંથી 35 મહિલાઓ હતી.

વિરોધ કરી રહેલા ખેડૂતોએ 25 મી જાન્યુઆરીએ રાજ ભવન, દક્ષિણ મુંબઈમાં મહારાષ્ટ્રના રાજ્યપાલના નિવાસસ્થાને, જવાનું નક્કી કર્યું હતું. તેઓ ત્રણ ફાર્મ કાયદાને રદ કરવા; એમએસપી પર પાકની ખરીદી; તેમના નામ પર જમીન ; અને 2020 માં રજૂ કરાયેલા ચાર શ્રમ કાનૂન પાછા ખેંચી લેવાની તેમની માગણીઓની સૂચિ તેમને સુપરત કરવા માગતા હતા.

PHOTO • Sanket Jain
The farmers protesting against the farm bill 2020
PHOTO • Sanket Jain

પોતાના જમીન અધિકારની માંગ માટે અને નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરવા  હજારો ખેડૂતો 24-26 જાન્યુઆરી દરમિયાન ધરણામાં ભાગ લેવા મુંબઈ આવ્યા હતા.

રાજ ભવન તરફ કૂચ કરતા પહેલા અહમદનગર જિલ્લાના 45 વર્ષના ભીલ આદિવાસી ખેડૂત મથુરાબાઈ બર્ડે પીળા રંગના ઘણા બધા ફોર્મ તપાસીને છૂટા પાડવામાં વ્યસ્ત હતા. આઝાદ મેદાન ખાતે વિરોધ પ્રદર્શન આયોજિત કરનાર અખિલ ભારતીય કિસાન સભા દ્વારા તૈયાર કરાયેલ આ ફોર્મમાં ખેડૂતોની સામાન્ય સમસ્યાઓની સૂચિ હતી. સૂચિમાં  ‘જે જમીન હું ખેડું છું તેનો  7/12 મને આપવામાં આવ્યો નથી’; ‘ખેતીની જમીનોનો માત્ર થોડો ભાગ જ મને આપવામાં આવ્યો છે’; ‘જમીન માલિકીનો હક આપવાને બદલે અધિકારીઓએ મને જમીન ખાલી કરવાનું કહ્યું’  જેવી સમસ્યાઓ સમાવિષ્ટ હતી.

દરેક ખેડૂતને તેમને જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેની પસંદગી કરવાની હતી અને આ ભરેલા ફોર્મ માંગણીઓની સૂચિ  સાથે રાજ્યપાલને સુપરત કરવાના હતા. મથુરાબાઈ સુનિશ્ચિત કરી રહ્યા હતા કે સંગમનેર તાલુકાના તેમના ગામ શિંદોડીની તમામ મહિલા ખેડૂતોએ તેમના ફોર્મ બરોબર ભર્યા છે કે નહિ. દરેકે  તેમની વિગતો યોગ્ય રીતે લખી છે કે નહિ તેની ખાતરી કરવા તેઓ ખેડૂતોના નામની તેમની  હાથે લખેલી સૂચિ તપાસતા હતા.

ત્યાં તેમના ગામમાં મથુરાબાઈ 7.5 એકર જમીનમાં ખેતી કરે છે. ખાનગી વેપારીઓ સાથેના તેમના તાજેતરના અનુભવે તેમને નવા કાયદાઓનો વિરોધ કરવા વધુ દ્રઢનિશ્ચયી બનાવ્યા છે. તેમણે કહ્યું કે વેપારીઓએ તેમને ઘઉંના પ્રતિ ક્વિન્ટલ 900 રુપિયા ચૂકવ્યા હતા, જે 2020-2021 માં ઘઉં માટે માન્ય એમએસપી - 1925 રુપિયા કરતા ઘણા ઓછા હતા. મથુરાબાઈએ કહ્યું, “તેઓ એ જ ઘઉં અમને બજારમાં ત્રણ ગણા ભાવે વેચે છે. એ (ઘઉં) ઉગાડીએ છીએ તો અમે અને છતાં ય અમને  ખાસ્સા વધારે પૈસા ચૂકવવાનું કહેવામાં આવે છે."

મુંબઇ પોલીસે મંજૂરી ન આપતા 25 મી જાન્યુઆરીએ ખેડૂતોની રાજભવન સુધીની    કૂચ રદ કરવામાં આવી હતી. તેઓ રાજ્યપાલને મળી શક્યા નહીં તેથી ગુસ્સે ભરાયેલા મથુરાબાઇએ કહ્યું, “અમે લડવાનું બંધ નહીં કરીએ. ભલે ને એ રાજ્યપાલ હોય કે પછી વડા પ્રધાન બધાને ખાવા માટે અનાજ તો અમે જ ઉગાડીએ છીએ.”

અનુવાદ - મૈત્રેયી યાજ્ઞિક

Sanket Jain

Sanket Jain is a journalist based in Kolhapur, Maharashtra. He is a 2022 PARI Senior Fellow and a 2019 PARI Fellow.

Other stories by Sanket Jain
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik