"ગટર લગભગ વીસેક ફૂટ ઊંડી અહે. પરેસ અંદર ઊતર્યો ’તો. પસી એણે ચારેક ડોલો કાઢી. પસી એ બહાર આઈવો. થોડીવાર બેઠા પસી પાસો ઊતર્યો અંદર. ઊતરતાં જ બૂમ પાડી…

“પણ કંઈ ખબર નઈં પડી એટલે ગલસિંગભાઈ ઊતર્યા અંદર. એ બી કંઈ અવાજ નીં આવ્યો એટલે અનિપભાઈ ઊતર્યા અંદર. અન પસી તણેતણ કંઈ બોલ્યા જ નીં. પસી મનઅ્ દોયડે બાંધી અંદર ઉતાર્યો. પસી કોકનો હાથ પકડાયો 'તો, પણ એ કોણ હતો એ ખબર નીં. એના પસી હાથ પકડી જરાક અધ્ધર લીધો કે મું જ બેહોસ (બેહોશ) થૈ ગ્યો." ભાવેશ એકીશ્વાસે બોલ્યા.

ભાવેશને મળ્યા ત્યારે મોટાભાઈ પરેશ અને બીજા બેને આંખ સામે મરતા જોયે હજુ એમને માંડ અઠવાડિયું થયું હતું. ભાવેશના ચહેરા પર પીડા અને અવાજમાં ગમગીની સાફ-સાફ વર્તાઈ.

ગુજરાતના દાહોદ જિલ્લાના ખરસાણા ગામના ૨૦ વર્ષના ભાવેશ કટારા એક અર્થમાં ‘નસીબદાર.’ કારણ, ભરૂચ જિલ્લાની દહેજ-ગ્રામપંચાયતની ગટર ચૅમ્બરમાં કામ કરતા પાંચ આદિવાસીઓ સાથે ઘટેલી દુર્ઘટનામાંથી બચી જનારા  બેમાંના  એક તે ભાવેશ.  અને બીજા દાહોદના બલેંડિયા-પેથાપુરના ૧૮ વર્ષના જિજ્ઞેશ પરમાર.

ભાવેશ અને જિજ્ઞેશ સાથે કામ કરતા અને ગટરમાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામેલા બાકીના ત્રણ તે જિજ્ઞેશના જ ગામના ૨૪ વર્ષના અનિપ પરમાર, દાહોદના દાંતગઢ-ચાકલિયાના ૨પ વર્ષના ગલસિંગ મુનિયા, ભાઈ ભાવેશના જ ગામના ૨૪ વર્ષના પરેશ કટારા.  [અહીં ટાંકવામાં આવેલી કાર્યકરોની ઉંમર ઘણુંખરું નિમ્ન-સ્તરના અધિકારીઓ દ્વારા મનસ્વી રીતે તેમના આધાર કાર્ડમાં નોંધવામાં આવી હોય છે અને એટલે એને અનિશ્ચિત અંદાજ તરીકે સ્વીકારવી રહી.].

Bhavesh Katara was working in the same sewer chamber on the day when he watched his elder brother Paresh die in front of his eyes
PHOTO • Umesh Solanki

ભાવેશ કટારા. જે દિવસે તેમણે તેમના મોટા ભાઈ પરેશને પોતાની નજર સામે મરતા જોયા હતા એ દિવસે તેઓ એ  જ ગટરની ચેમ્બરમાં કામ કરી રહ્યા હતા

Jignesh Parmar is the second lucky survivor, who was working in the adjoining chamber that day in Dahej. It was his first day at work
PHOTO • Umesh Solanki

જિજ્ઞેશ પરમાર દુર્ઘટનામાંથી બચી ગયેલા બીજા ભાગ્યશાળી વ્યક્તિ છે, જે તે દિવસે દહેજમાં બાજુની ચેમ્બરમાં કામ કરી રહ્યા હતા અને કામ પર તેમનો પહેલવહેલો દિવસ હતો

અનિપ, ગલસિંગ, પરેશ, ભાવેશ અને જિજ્ઞેશ સફાઈકામદાર. પાંચેપાંચ હાંસિયામાં રહેલા ભીલ-આદિવાસી સમુદાયના. આદિવાસી અને સફાઈકામદાર! ભારતીય સમાજવ્યવસ્થામાં ભલે આ ગોઠવાતું ન હોય, પણ આર્થિક વ્યવસ્થામાં ગોઠવાઈ ગયું છે. ગરીબી માનવતાવિહીન ગટરસફાઈનું કામ કરવા માટે આ પાંચ આદિવાસીને ખેંચી ગઈ, અને ગટરસફાઈને કારણે ત્રણ આદિવાસી ગુજરી ગયા અને બે બચી ગયા.

કરુણ દુર્ઘટના ઘટી ૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ ભરૂચના દહેજમાં. કામ આપ્યું દહેજની ગ્રામપંચાયતે.  દહેજ ઝાલોદથી લગભગ ૩૦૫ કિલોમીટર. ઝાલોદથી લગભગ ૨૦થી૨૫ કિલોમીટરના અંતરમાં આવેલાં બલેંડિયા, દાંતગઢ, અને ખરસાણા ગામના આ પાંચ આદિવાસી.  નાનાં ખેતરમાં એમનાં ઘર અને ઘરમાં મોટો પરિવાર.

અનિપના અડતાલીસ વર્ષીય પિતા ઝાલુભાઈએ માથા પર બાંધેલો ટુવાલ સરખો કરીને કહ્યું, "મારા સ (છ) સોકરા અન એક સોકરી સે." મોટો પરિવાર મૃતક ગલસિંગ મુનિયાનો પણ. ગલસિંગ એમની પાછળ પત્ની કનિતાબહેન અને પાંચ દીકરીઓને મૂકતા ગયા. સૌથી મોટી દીકરી કિંજલની ઉંમર ૯ વર્ષ અને સૌથી નાની દીકરી સારાની ઉંમર એક વર્ષ. ભેંકાર ગરીબી. "આગળપાછળ કોઈ નથ. આ પાંસ સોકરા સે. કોઈ નથ પાળપોસ(ષ) કરનારા મારે" આટલું બોલતાં કનિતાબહેનને ડૂમો ભરાઈ ગયો. પછી હીબકું ભરીને "મારઅ્ કોઈ નથ."

કનિતાબહેન ઘરડાં સાસુસસરા સાથે રહે છે. સાસુસસરાની ઉંમર ઘણી. સસરા વરસિંગભાઈ ભોદરભાઈ (૧૯૫૮) વાછરડાને પંપાળતા-પંપાળતાં બોલ્યા, "સાર સોકરા સે મારઅ્. એમં એક ઑફ થૈ ગ્યો, ગલસંગ. બીજા મજૂરી કરે." કનિતાબહેનનાં સાસુ બહુડીબહેન વરસિંગભાઈની (૧૯૬૯) વાત ઉમેરીએ તો "મારઅ્ સાર સોરા. બે સુરત રિયા, એ આવતા જ નઈં. મોટો સે એ અલગ રે. એ અમને થોડું ખાવાનું આલે. નાના સોરા (ગલસિંગ) હારે રેતાં, તે અવઅ્ અમારું હું?"

બહુડીબહેનના પ્રશ્નનો જવાબ બહુડીબહેનના જ શબ્દોમાં, "હું કરે કિસ્મત સે. દુખ તો લાગે ને. મારઅ્ સોરો ન હોય તો દુખ તો લાગે ને. મનઅ્ પૂરું પાડનારો, દુખ તો લાગે. કુણ પાળપોહ કરે? દાળપૉણી કુણ પૂરું પાડે? એંસીનેવું વરહનાં થે જ્યાં અવઅ્ હું ધંધા કરીએ?"

Ramila Ben Parmar, the wife of late Anip Bhai Parmar feels lost with a six months baby in the womb and no where to go
PHOTO • Umesh Solanki

સ્વર્ગસ્થ અનિપ ભાઈ પરમારના પત્ની રમીલા બેન પરમાર દિશાહીન છે. ગર્ભમાં છ માસના બાળક સાથે હવે એમને ક્યાંય જવાય એવું સ્થળ રહ્યું નથી

Anip's mother Vasali Ben Parmar.
PHOTO • Umesh Solanki
Anip's father Jhalu Bhai Parmar. None of the relatives of the workers had any idea about the nature of their work
PHOTO • Umesh Solanki

ડાબે: અનીપના મા વસલીબેન પરમાર. જમણે: અનીપના પિતા ઝાલુભાઈ પરમાર. કર્મચારીઓના પરિવારના કોઈ સભ્યને એમના કામ વિષે કંઈ જાણકારી નથી

કનિતાબહેન અને બહુડીબહેન જેવી વેદના મૂળ રાજસ્થાનનાં અને અનિપ પરમારનાં ૨૧ વર્ષીય ગર્ભવતી પત્ની રમીલાબહેનમાં પણ સંભળાય, "મારઅ્ કઈ રીતે રેવાનું? ખાવાપીવાનો ખરસો કોણ આલે? ઘરના બધા સે પણ (એ) કેતરીવાર આલે?" ગર્ભ પર નજર નાંખી "મારઅ્ સઠ્ઠો મઇનો ચાલઅ્. આ બાળક થાય તો એનઅ્ મારઅ્ હું કરવાનું? ઈનઅ્ કઈ રીતે મોટું કરવાનું. ઘરવારા હતા તો એ કરતા, મારઅ્ બૈરા જાતનઅ્ કઈ જવાનું ગુજરાતમેં. મારઅ્ કઈ કીતે જિંદગી જીવવાની. આ કે દાડઅ્ મોટું થાય ન કે દાડઅ્ મન કમઈન ખવારે."

પિયરને યાદ કરીને રમીલાબહેને આંખ લૂછી, "મારા બાપ કંઈ નંઈ કરતા. ખેતી બી નંઈ થાય. ઘરડા થૈ જ્યા. જમીન સે પણ ઓસી સે. મારઅ્ સાર ભાઈ અન સો (છ) બેનો, મોટો પરિવાર સે. ઇમના તૉંયે કઈ રીતે જઉં?"

"મું તો કસે જતી નથ. એ પંસાયતમેં જતા" દહેજ-ગ્રામપંચાયતમાં કનિતાબહેનના પતિ ગલસિંગભાઈ શું કરતા એની એમને કશી ખબર નહોતી, "મું પંસાયતમેં નોકરી પર જઉં ઇમ કરીન જ્યા'તા. એં સું કામ કરવાનું એ નથ કીધું. સાત વરહ જેવાં થૈ ગ્યાં કૉમ પર જ્યે. ઘરે આવતા તેંણે નથ વાત કરી ક મું હું કૉમ કરું."

મૃતકના ત્રણે પરિવારના સભ્યોને ખબર નથી કે એમનો દીકરો, પતિ, ભાઈ, ભત્રીજો શું કામ કરવા ગયો છે, એટલી જ ખબર કે "પંસાયતમેં કૉમે ગ્યો સે." મૃતક પુત્ર પરેશ કટારાને યાદ કરતાં-કરતાં એકાવન વર્ષીનાં મા સપનાબહેને રડમશ અવાજે જણાવ્યું કે "પંસાયતમેં કામ હે તે એતરે (દહેજ) બોલાવે હે તે મું જઉં હું એમ કરીન જ્યો (પરેશ). ભાવેસ(શ)ને ગલસિંગભૈએ બોલાયો 'તો, દસ દાડા વધાર રોકાયો 'તો. એ પાન્સો રૂપિયા હાજરી આલે એવું કીન ગ્યેલા ભાવેસ અન પરેસ. ગટરના કામે જાય હે એવું બેમંથી એકેય નંઈ કીધું. કેતરા દાડાનું કામ હે આપણનઅ્ હું ખબર પડઅ્ કે કેવું કામ હે."

Deceased Paresh's mother Sapna Ben Katara
PHOTO • Umesh Solanki
Jignesh and his mother Kali Ben Parmar
PHOTO • Umesh Solanki

ડાબે: મૃત પરેશના મા સપના બેન કટારા. જમણે: જીજ્ઞેશ અને તેમની મા કાળી બેન પરમાર

Weeping relatives of Anip.
PHOTO • Umesh Solanki
Deceased Anip's father Jhalu Bhai Parmar, 'Panchayat work means we have to lift a pig’s carcass if that is what they ask us to do'
PHOTO • Umesh Solanki

ડાબે: અનિપના શોક મનવતા સગા સંબંધીઓ. જમણે: મૃતક અનિપના પિતા ઝાલુ ભાઈ પરમાર, 'પંચાયતનું કામ એટલે અમારે મર્યું ભૂંડ ઉપાડવાનું કહે તો ભૂંડ ઉપાડવું પડે'

અનિપનાં પત્ની રમીલાબહેને ભૂતકાળને ખંગાળ્યો અને કહ્યું, "લગન પસી તરત જ મું જઈ ’તી (દહેજમાં)... ગટરસફાઈનું કામ પેલાં કરતા.” ઊંડો શ્વાસ ખેચીને બોલેલાં રમીલાબહેનનાં સાસુ (અનિપનાં મા) વસલીબહેન ઝાલુભાઈ(૧૯૭૮)ના શબ્દો, "કુંવારો હતો તારનો તંઈ જ હતો." ચોક્કસ વર્ષ વસલીબહેનને યાદ નથી, પણ વર્ષ ૨૦૧૯ પહેલાં અનિપ દહેજમાં કામ કરતો એટલું ચોક્કસ. કારણ, અનિપના લગ્ન વર્ષ ૨૦૧૯માં થયા.

રમીલાબહેન: “લગન થયા પસી સાર મઇના ગટરનું કામ કર્યું, મેં પણ હારે કર્યું. પસી ટ્રેક્ટરનું કામ કરવાનું કયું. હાજરીમં કામ કરતા. સારસો રૂપિયા હાજરી આપતા. મને પણ સારસો રૂપિયા હાજરી આપતા. સાર મઇના પસી પગાર પર રાખ્યા. પેલાં નવ આપતા ’તા, પસી બાર કર્યા અન અથારે વધાર કર્યો તો પંદરેક હતા. ટૅક્ટર (ટ્રૅક્ટર) લઈન જતાં. ગામના લોક કચરો નાખતા. શાકભાજીવારો કચરો પીપરામં નાખતા નહુતા, મું અલગ કરીન નાખતી. દ્હેજમં જ કામ કરતાં મોટીમોટી ગટર સાફ કરવાનું કામ (પણ) કરતાં. ખૉનગી નંઈ આવતી? મોટી સૅમ્બર (ચૅમ્બર) આવે સે ને, એ. મેં દોયડા બાંધેલી ડોલથી ગટરમેં ભરાયેલો કાદવ બાર કાડતી (કાઢતી)."

રમીલાબહેન ઘટનાના દિવસે દહેજમાં જ હતાં, પણ ઘટનાસ્થળે હાજર નહોતાં, કારણ, રમીલાબહેન રોજ "આઠ વાગે જતાં." અગિયાર વાગે બપોરનું ભોજન પતાવી "મું નઈં એ એકલા જતા. તલાટીસાયેબ, સરપંસ જે કામ વતાડે એ કરવા જવાનું." એ દિવસે ઘટના બની લગભગ અગિયાર વાગે.

ઘટનાસ્થળે ગટરસાફ કરતી બીજી બે વ્યક્તિ હાજર હતી: ભાવેશ કટારા અને જિજ્ઞેશ પરમાર. ભાવેશ મૃતક પરેશનો નાનોભાઈ અને જિજ્ઞેશ અનિપના ગામ બલેંડિયાનો. ૪ એપ્રિલ પરેશ અને જિજ્ઞેશનો દહેજમાં કામનો પહેલો દિવસ. ભાવેશ દહેજમાં "જરાક મેં દસબાર દિવસ પેલાં ગ્યો તો." પરેશ અને ભાવેશ એ દિવસે (૪ એપ્રિલે) એક જ ગટરની ચૅમ્બરમાં કામ કરતા હતા અને જિજ્ઞેશ બાજુની ગટરની ચૅમ્બરમાં.

"એક જણ (પરેશ) અંદર હતો. એને ગૅસ લાગ્યો તો એને બસાવા બીજો (ગલસિંગ) ગ્યો,” બલેંડિયાના જિજ્ઞેશે જણાવ્યું. “એ પણ અંદર પડી ગ્યો. એને બસાવા અનિપ ગ્યો. વધારઅ્ ગૅસના કારણે એને પણ સક્કર આઈ ગ્યા અન એ અંદર પડ્યો. એમનઅ્ બસાવા અમે બૂમ પાડી, પસી ગામવારા આયા." ભાવેશને ગટરમાં ઉતારવાની વાત કર્યા પછી, "પોલીસવારાન ફૉન કર્યો. પોલીસવારા આયા. પસી પોલીસવારાએ ફાયરવારાન બોલાયા. એમણે તૈણેન નીકાર્યા. ભાવેસને ઉતાર્યો તે દરમ્યાન ગૅસ લાગ્યો, સક્કર આયા ન બેહોસ થૈ ગ્યો. પેલાં પોલીસ ટેસન (સ્ટેશન) લૈ ગ્યા. તંઈ હોસ (હોશ) આઈ ગ્યો તો પસી પોલીસવારા દવાખાને લૈ ગ્યા."

પ્રશ્ન થાય કે ભાવેશ અને જિજ્ઞેશને હોશ આવ્યા પછી દવાખાને કેમ લઈ ગયા, પેહલાં કેમ નહીં? જવાબ બંનેમાંથી એકેય પાસે નથી.

પ્રશ્ન એ પણ થાય કે ગટરમાં ઊતરેલા કામદારોને સુરક્ષાનાં સાધનો પૂરાં પાડવામાં આવ્યાં હતાં?

જવાબ FIRમાં (ફરિયાદી રમીલાબહેન) “સરપંચ જયદીપસિંહ રાણા તથા ડેપ્યુટી સરપંચના પતિ મહેશભાઈ ગોહીલનાઓ મારા પતિ અને તેમની સાથેના ગલસિંગભાઈ વિરસિંગભાઈ મુનિયા, પરેશભાઈ ખુમસિંગભાઈ કટારાઓને દહેજ નવીનગરીની આશરે વીસેક ફૂટ ઊંડી દુર્ગંધ મારતી ગટર સાફ કરવા માટે સુરક્ષા-સાધનો વિના ઉતરે તો તેઓનું મૃત્યુ થઈ શકે તેમ જાણવા છતાં ગટરમાં ઉતરવા માટેના કોઈ પણ સુરક્ષ-સાધનો આપેલ ન હતા...” [ડેપ્યુટી સરપંચ મહિલા છે. અને જેમ રૂઢિચુસ્ત સમાજોમાં વારંવાર થતું હોય છે એમ ખરેખર તેમના પતિએ  તેમના નામે સત્તાનો ઉપયોગ કર્યો હતો. જોડણી FIR મુજબ.]

Left: Kanita Ben, wife of Galsing Bhai Munia has five daughters to look after.
PHOTO • Umesh Solanki
Galsing's sisters sit, grief-stricken, after having sung songs of mourning
PHOTO • Umesh Solanki

ડાબે: ગલસિંગ ભાઈ મુનિયાના પત્ની કનિતા બેનને  માથે હવે પાંચ પુત્રીઓની સંભાળ રાખવાની જવાબદારી છે. જમણે: શોકના ગીતો ગાયા પછી ઘરમાં બેઠી ગલસિંગની  શોકગ્રસ્ત બહેનો

Left: Galsing's father Varsing Bhai Munia.
PHOTO • Umesh Solanki
Galsing's mother Badudi Ben Munia
PHOTO • Umesh Solanki

ડાબે: ગલસિંગના પિતા વરસિંગભાઈ મુનિયા. જમણે: ગલસિંગની માતા બદુડી બેન મુનિયા

The National Commission for Safai Karamcharis (NCSK)ના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, 1993થી 2022 સુધી ગુજરાતમાં જોખમકારક ગટર-સફાઈ કરતાં-કરતાં 153 લોકો મૃત્યુ પામ્યા છે. ગુજરાત ગટરસફાઈકામદારોના મૃત્યુમાં તમિલનાડુ પછી બીજા ક્રમે આવે છે, તમિલનાડુમાં આ જ સમયગાળામાં 220 ગટરસફાઈકામદારોના મૃત્યુ થયા હતા.

જો કે, મૃત્યુનો વાસ્તવિક આંકડો, અથવા સેપ્ટિક ટૅન્ક અને ગટર-સફાઈનું કામ કરતા કામદારોની સંખ્યાની અધિકૃત માહિતી હજુ પણ ભ્રામક છે. ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ વિધાનસભાને 2021થી 2023 સુધીમાં કુલ 11 સફાઈકામદારોના મૃત્યુની માહિતી આપી – જાન્યુઆરી 2021થી જાન્યુઆરી 2022 સુધીમા 7. અને જાન્યુઆરી 2022થી જાન્યુઆરી 2023 સુધીમાં વધુ 4.

આમાં છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં 8 સફાઈકામદારોના નોંધાયેલા મૃત્યુને ઉમેરીએ તો કુલ સંખ્યા વધી જશે. માર્ચમાં રાજકોટમાં 2, દહેજમાં એપ્રિલમાં 3નો સમાવેશ થશે (આની વિગત આ અહેવાલમાં). વળી, માર્ચ મહિનામાં જ ધોળકામાં બીજા 2 અને થરાદમાં 1નાં મૃત્યુ થયા.

અગાઉના Employment Of Manual Scavengers and Construction Of Dry Latrines (Prohibition) Act, 1993 માં સુધારો કરીને બનાવેલા The Prohibition of Employment of Manual Scavengers And Their Rehabilitation Act, 2013 મુજબ ગટર અને સેપ્ટિક ટૅન્કની માણસ દ્વારા સફાઈ પ્રતિબંધિત છે. જો કે, આ બધું માત્ર કાયદામાં હોવાનું જ જણાય છે. કારણ કે આ જ કાયદો "જોખમી સફાઈ"ની વાત કરે છે, અને સુરક્ષાનાં સાધનોના અધિકારનું પણ જણાવે છે. સફાઈકામદારની સલામતીની ખાતરી માટે સુરક્ષાનાં સાધનો અને અન્ય સફાઈઉપકરણો માલિક પૂરાં ન પાડે તો કાયદા મુજબ બિનજામીનપાત્ર ગુનો બને છે.

પોલીસે રમીલાબહેનની એફઆઈઆર પર કાર્યવાહી કરતા દહેજ ગ્રામપંચાયતના સરપંચ અને ઉપસરપંચના પતિની ધરપકડ કરી છે, બંનેએ ઝડપથી જામીન માટે અરજી કરી છે. મૃતકોના પરિવારોને તેમની અરજીના પરિણામ વિશે કંઈ જ ખબર નથી.

Left: 'I have four brothers and six sisters. How do I go back to my parents?' asks Anip's wife, Ramila Ben Parmar.
PHOTO • Umesh Solanki
A photo of deceased Galsing Bhai
PHOTO • Umesh Solanki

ડાબે: 'મારે ચાર ભાઈઓ અને છ બહેનો છે. હું મારા માતા-પિતા પાસે કેવી રીતે જઈશ?' અનિપની પત્ની રમીલા બેન પરમાર પૂછે છે. જમણે: મૃત ગલસિંગ ભાઈનો ફોટો

ઘટના ઘટ્યા પછી મૃતકના પરિવારો પર આભ તૂટવાનું હતું, તૂટ્યું. અનિપના ૮0 વર્ષનાં દાદી લૂંગાબહેનના અવાજમાં વેદનાવાળી કંપારી અનુભવાય, "(અનિપ) જતો રયો તો અમન વાંહે મરી જવાનું થાય. હું પરસ્ન કરું. જીવું તો જીવું, મરું તો મરું, ભગવૉન કરે ઈમ કરું."

ઘટના ઘટ્યા પછી સૌને ખબર પડી કે મૃતક અને પીડિત ગટરસફાઈનું કામ કરતા.

કામ વિશે જાણ્યા પછી અનિપના પિતા ઝાલુભાઈના બચાવમાં ગરીબીમાંથી આવેલી મજબૂરી પડઘાયા વિના રહેતી નથી, "પંસાયતનું કામ એટલે ભૂંડ ઉઠાવવાનું કે તો ભૂંડ ઉઠાવવું પડઅ્. પંસાયતના ઠેકેદાર, સરપંચ કે તલાટી કમ મંત્રી કોઈ બી કે એ કામ કરવું પડઅ્, પસી ગટર સાફ કરવાનું કે તે ગટર સાફ કરવી પડઅ્, નકર એ લોકો રેવા નીં દે. સૂટા કરી દે."

પ્રશ્ન થાય કે મૃતક અને પીડિતને પણ ખબર નહીં હોય કે એમને ગટરસફાઈના કામ માટે બોલાવે છે?

જવાબ ભાવેશ અને જિજ્ઞેશ પાસેથી મળ્યો. ભાવેશે કહ્યું, "પૉન્સો રૂપિયા દિવસના આલે એવું કહ્યું ગલસિંગભાઈએ. ગટરલાઈનનું કામ સે સફાઈનું એમ કઈન બોલાયો." જિજ્ઞેશે થોડો ફોડ પાડ્યો, "સરપંસે અનિપને કીધું મજૂર બોલાવો ગટર સાફ કરવા માટઅ્. અનિપે પસી બોલાયો. મું ગયો. સવારે જ કામે લગાડ્યો. બાર હજારની હાજરી. ગટર સાફ કરવામં રજાહજા કાંઈ નઈં આવે."

તરત બીજો પ્રશ્ન થાય કે કુદરતના ખોળે જીવનારા આદિવાસીઓને ગરિમાવગરનું કામ કેમ કરવું પડ્યું? અનિપના મોટાબાપુ હવસિંગભાઈ સમુડા પરમાર(૧૯૭૧)ની વાતમાં જવાબ સમજી શકાય, "પરિવારોમાં આમે જમીન ટુકડેટુકડા હોય. મારા કુટુંબમાં લગભગ દસેક એકર જમીન સે. એમાં લગભગ ૩૦૦ લોકોનું પોસણ (પોષણ) કરવાનું થાય, એટલે પોતાના જીવનિર્વાહ માટે મજૂરી જવું પડે. મજૂરી ના કરે તો શું ખાય?" થોડું વિચારીને "અમરા પરિવારમાં વસ્તીવધારાને લીધે એક-એક કુટુંબમાં વધારે પબ્લિક હોય. અમાર જમીનમાં જે થાય પોતાના પૂરતું ચાલે તો ચાલે, વેચવા માટે નથી થતું."

પંચાવન વર્ષના બચુભાઈ હિમાભાઈ કટારા પરેશના બાબા (મોટાબાાપા). પરેશના બાપા ખુમસિંગભાઈના એક ભાઈ અને બચુભાઈના બે ભાઈ એમ કુલ પાંચ ભાઈઓ. બચુભાઈ ધીમેથી બોલ્યા કે "પાંસસાત જણાના ભાગે પડતાં વીઘો-વીઘો જમીન" આવે. ઓછી જમીન અને ઓછા પાકના લીધે આ વિસ્તારનાં ગામોમાં સ્થળાંતરનું પ્રમાણ વધારે.

નીચલો હોઠ ખેંચીને હવસિંગભાઈએ સ્થળાંતરની વાત જરા જુદી રીતે કહી, "કોઈ ફિક્સ ધંધો નઈં, મજૂરી એટલે મજૂરી. એક દિવસ અંઈ બીજે દિવસ તંઈ એમ ફરતા રે એટલે છોકરાં ભણે નઈં." ભણતરની વાત આવી તો કનિતાબહેનનું કહેલું યાદ આવ્યું, "વધારે ભણેલી નથ, સહી-સહી આવડે એટલું." અનિપ, ગલસિંગ, પરેશ, ભાવેશ અને જિજ્ઞેશમાંથી જિજ્ઞેશને બાદ કરતાં કોઈ દસમું ધોરણ પાસ નથી. જિજ્ઞેશે મુખ્યવિષય ગુજરાતી સાથે બી.એ.ના પ્રથમ વર્ષમાં (External) અભ્યાસ કરે છે.

Left: Anip's photo outside his house.
PHOTO • Umesh Solanki
Right: Family members gathered at Anip's samadhi in the field for his funeral
PHOTO • Umesh Solanki

ડાબે: અનિપનો તેમના ઘરના આંગણામાં  મૂકેલો ફોટો. જમણે: અનિપના અંતિમ સંસ્કાર સમયે એમની સમાધિ પાસે એમની સમાધિ પર એકઠા થયેલ પરિવારજનો

Left: Sapna Ben, Bhavesh's son Dhruvit, and Bhavesh and Paresh's sister Bhavna Ben.
PHOTO • Umesh Solanki
Right: Sapna Ben Katara lying in the courtyard near the photo of deceased Paresh
PHOTO • Umesh Solanki

ડાબે: સપના બેન, ભાવેશનો પુત્ર ધ્રુવિત અને ભાવેશ અને પરેશની બહેન ભાવના. જમણે: મૃતક પરેશના ફોટા પાસે આંગણામાં આડા પડખે થયેલા સપના બેન કટારા

ત્રણે મૃતક ભલે ઓછું ભણેલા હતા, પણ ભણતરના સમર્થક હતા. પાંચમા ધોરણની પરીક્ષા આપેલી દસ વર્ષની જાગૃતિ તો બોલતાં-બોલતાં હીબકે જ ચ઼ડી ગઈ, "અનિપ મારો ભાઈ હતો. મારી માટઅ્ ચિત્રો લાવતો. સ્કૂલે જવા સોપડા લાવતો. હવે કુણ લાવસે?"

પરેશ કટારાની નાનીબહેન ભાવના (૨૦૦૬) "એ (પરેશ) મને લાડમાં રાખતો" બોલીને શૂનમૂન થઈ ગઈ. પરેશ ભાવનાને લાડમાં કેવી રીતે રાખતો? ગમગીન છતાં જરા હળવાશથી ભાવના બોલી, "મારો ભૈ બારમું પાસ થાય તો મન સૂટી ભણવા મેલવાનું કેતો. અન તન ફોન પણ લૈ દૈસ (દઈશ) એવું પણ કેતો. મારી બૅન નોકરી લાગી જાય અન સારું જીવન જીવે એટલા માટે મન સૂટી ભણવા મેલવાનું કેતો." ભાવનાએ આ વરસે બારમાની પરીક્ષા આપી છે. પરિણામ સારું આવશે તો તમે બહાર ભણવા જશો? જવાબમાં એમની ભીની આંખો, ભાવના શું બોલે!

ગલસિંગભાઈની મોટી બે દીકરી કિંજલ અને સેજલ ત્રીજા ધોરણમાં ભણે છે, બીજી ત્રણ દીકરીઓ હજુ ભણવા માટે નાની છે. કનિતાબહેન સહજતાથી બોલ્યાં, "ખાવાના, સોકરાન ભણવાના બધો ખરસો એ (ગલસિંગ) પૂરો પાડતા."

ગલસિંગ, પરેશ અને અનિપના પરિવારોને રાજ્યસરકાર તરફથી 10 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે, પણ આ પરિવારો બહુ મોટા છે – આ પરિવારોએ આર્થિક આધાર ગુમાવ્યો છે. એટલું જ નહીં ચેક વિધવાઓના નામના છે, પણ એ આવ્યા કે નહીં એની જાણ એમને પારી સાથે એમની મુલાકાત થઇ ત્યાં સુઘી નહોતી. માત્ર પુરુષો જ જાણે.

ત્રીજો પ્રશ્ન થાય કે હીણપતભર્યું કામ આદિવાસી કરે તો આદિવાસી-સમાજમાં કામ કરનારા પ્રત્યે અણગમો આવે ખરો? જવાબ છે બચુભાઈ કટારાના આ શબ્દો : ના. "એકવાર ઘટના ઘટી એટલે થાય ક આવું ગંદું કામ કરવા નંઈ જવાય, પણ રોજીરોટી માટે..."

Umesh Solanki

Umesh Solanki is an Ahmedabad-based photographer, documentary filmmaker and writer, with a master’s in Journalism. He loves a nomadic existence. He has three published collections of poetry, one novel-in-verse, a novel and a collection of creative non-fiction to his credit.

Other stories by Umesh Solanki
Editor : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya