શાહજહાનપુર ખાતે વિરોધ સ્થળ પર ત્રણ દિવસ ગાળ્યા પછી જ્યારે હનુમાન ગુંજલ  પોતાના ગામ પાછા ગયા ત્યારે તેઓ અનેક અવિસ્મરણીય યાદો સાથે લઈ જતા હતા.

25 મી ડિસેમ્બરે શાહજહાનપુર પહોંચેલા મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ચાંદવડ ગામના 41 વર્ષના ભીલ આદિવાસી ખેડૂત કહે છે, “ત્યાંના ખેડૂતો ખૂબ મહેમાનગતિ કરનારા અને ખરેખર સારા હતા. કદાચ જરૂર પડે તો રાંધવા માટે અમે દાળ અને ચોખા સાથે લઈ ગયા હતા. પરંતુ અમારે એમાંથી કશું જ વાપરવું ન પડ્યું. તેઓએ અમને ભરપૂર ઘીવાળું સ્વાદિષ્ટ ભોજન આપ્યું. તેઓએ ખૂબ ઉદારતાથી અમારું સ્વાગત કર્યું."

કૃષિ કાયદા સામેના વિરોધ સાથે એકતા દર્શાવવા 21 મી ડિસેમ્બરે એક જાથા, વાહનોનો કાફલો, નાસિક શહેરથી દિલ્હી જવા રવાના થયો હતો. લગભગ 1400 કિલોમીટર દૂર રાજધાની દિલ્હીની  સરહદે પહોંચવામાં લગભગ 1000 ખેડૂતોને પાંચ દિવસનો સમય લાગ્યો હતો. શાહજહાનપુર, જ્યાં જાથા સમાપ્ત થયો હતો, તે રાજસ્થાન-હરિયાણા સરહદ પર દિલ્હીથી 120 કિલોમીટર દક્ષિણમાં આવેલું  છે. તે રાષ્ટ્રીય રાજધાનીની આસપાસના વિરોધ સ્થળોમાંનું  એક છે જ્યાં હજારો, લાખો ખેડુતો, મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના,  26 મી નવેમ્બરથી ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.

આ કાયદાઓ પહેલા  5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ  છે: કૃષિક  (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ  વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ  32 ને નબળી પાડીને  તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.

When Maharashtra farmer Hanumant Gunjal went back to his village from the protest site at Shahjahanpur, he carried back precious memories
PHOTO • Parth M.N.
When Maharashtra farmer Hanumant Gunjal went back to his village from the protest site at Shahjahanpur, he carried back precious memories
PHOTO • Parth M.N.

મહારાષ્ટ્રના ખેડૂત હનુમાન ગુંજલ જ્યારે  શાહજહાનપુર ખાતેના વિરોધ સ્થળ પરથી  પોતાના ગામ પાછા ગયા ત્યારે તેઓ અમૂલ્ય યાદો સાથે લઈ ગયા.

દિલ્હી અને આજુબાજુના વિરોધ સ્થળો પરના ઘણા ખેડૂતો પાસે જમીનના ખૂબ  વિશાળ પ્લોટ  છે, તેમાંના ઘણા ફોર વ્હીલર ચલાવે છે. તેમનું કહેવું છે કે તેમની પાસે 2024 ની સામાન્ય ચૂંટણીઓ સુધી વિરોધ ચાલુ રાખવા માટે સંસાધનો છે.

મહારાષ્ટ્રના ખેડૂતો, જેમાંના ઘણા આદિવાસી સમુદાયોના છે, અને મોટા ભાગના પાસે જમીનના નાનકડા પ્લોટ અને મર્યાદિત સંસાધનો છે, તેમને માટે આ  અસામાન્ય હતું. પરંતુ પાલઘર જિલ્લાના વિક્રમગઢ તાલુકામાંથી આવેલા વારલી સમુદાયના 45 વર્ષના ખેડૂત સુરેશ વર્થા (કવર ફોટામાં સૌથી ઉપર) કહે છે, “અમારે બતાવવું હતું કે ઉત્તરીય રાજ્યોની બહારના ખેડૂતો પણ કૃષિ કાયદાના વિરોધમાં છે અને કૃષિ કાયદા  સમૃદ્ધ અને ગરીબ બંને ખેડૂતોને અસર કરે છે."

મોટા નિગમોને ખેડૂતો પર અને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ ત્રણે ય કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. આ કાયદાઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રના ખેડૂતો પણ તેમની મદદ માટે કેટલીક વસ્તુઓ લાવ્યા હતા - જેમ કે  ઉત્તર ભારતના તેમના ખેડૂત સાથીઓ માટે તેઓ વિચારપૂર્વક દવાઓના ડબ્બા સાથે લાવ્યા હતા. પરંતુ શાહજહાનપુર ખાતેના આંદોલનકારીઓને તબીબી પુરવઠાની ય અછત નહોતી.

અહમદનગર જિલ્લાના સંગમનેર તાલુકાના શિંદોડી ગામના ભીલ આદિવાસી ખેડૂત 57 વર્ષના મથુરા બારડે કહે છે, 'આ પ્રકારનો વિરોધ મેં આ પહેલા ક્યારેય જોયો નથી, જ્યાં વિરોધીઓ પાસે તમામ સુવિધાઓ છે. તેમણે બધી વ્યવસ્થા કરી હતી. વિરોધ સ્થળ પર પહોંચતા જ કાજુ, બદામ, ખીર અને બીજી પણ ઘણી વસ્તુઓથી અમારું  સ્વાગત કરવામાં આવ્યું. અમે આ વસ્તુઓ ખરીદતા પહેલા બે વાર વિચારીએ. તેમણે નહાવા માટે ગરમ પાણી આપ્યું. તેમણે અમને જાડા ધાબળા આપ્યા. તેની ખૂબ જ જરૂર હતી કારણ કે અમારા ધાબળા ફાટેલા હતા.”

માર્ચ 2018 માં કિસાન લોંગ માર્ચ માં ભાગ લેનાર મથુરાતાઈ કહે છે કે તેઓ બંને વિરોધની સરખામણી કર્યા વિના રહી શકતા નથી. તેઓ કહે છે, “મને યાદ છે અમે સાથે રાખેલું અનાજ  કેટલું  સાચવી સાચવીને વાપરતા હતા. અમે 7 દિવસમાં નાસિકથી મુંબઈ પગપાળા કૂચ કરી હતી. અમારો પુરવઠો લાંબો સમય ચાલે તેનું અમારે ધ્યાન રાખવાનું હતું. અહીં વિરોધ પ્રદર્શન કરનારાઓને ખવડાવવા સતત લંગર લગાવાય છે. અમે જોઈએ તેટલું ખાઈ શકીએ છીએ. ”

Mathura Barde (left): 'Never seen a protest like this'. Suresh Wartha (right): 'We wanted to show farmers are opposed to the laws outside of the northern states too'
PHOTO • Shraddha Agarwal
Mathura Barde (left): 'Never seen a protest like this'. Suresh Wartha (right): 'We wanted to show farmers are opposed to the laws outside of the northern states too'
PHOTO • Parth M.N.

મથુરા બરડે (ડાબે): 'આ પ્રકારનો વિરોધ આ પહેલા ક્યારેય જોયો નથી'. સુરેશ વર્થા (જમણે): 'અમારે બતાવવું હતું કે ઉત્તરીય રાજ્યોની બહારના ખેડૂતો પણ કૃષિ કાયદાના વિરોધમાં છે'

શાહજહાનપુર ખાતે તો કોઈપણ પ્રકારના વર્ગભેદ વિના  ખેડૂતોની એકતા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી જ પરંતુ દિલ્હી-સરહદ પર આ વિરોધ સુવ્યવસ્થિત અને સક્રિય રહી શક્યો છે તેની પાછળનું કારણ આ સ્થળો પર હાજર ન હોય તેવા ઘણા લોકોના ટેકો પણ છે.

આ તફાવત 2018 ની લોંગ માર્ચનું આયોજન કરનાર કૃષિ નેતાઓમાંના એક અજિત નવાલેના ધ્યાનમાં આવ્યો. તેમણે કહ્યું,  "લોંગ માર્ચ સાત દિવસ ચાલી હતી. પહેલા પાંચ દિવસ અમને સંસાધનોની ચિંતા હતી. છઠ્ઠા દિવસે અમે મુંબઈની સરહદે પહોંચ્યા પછી બિન-કૃષિ સમુદાયો ખોરાક, પાણી, ફળો, બિસ્કિટો, ચપ્પલો વગેરે લઈને અમારી પાસે આવ્યા  હતા."

(કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા, માર્ક્સવાદી સાથે સંકળાયેલ) અખિલ ભારતીય   કિસાન સભાના મહામંત્રી અને શાહજહાનપુરમાં ખેડૂતોના કાફલાનું નેતૃત્વ સંભાળનાર લોકોમાંના એક નવાલે ઉમેરે છે, "કોઈપણ વિરોધની સ્થિરતાનો આધાર તેને સમાજનું  પીઠબળ છે કે કેમ તેની ઉપર છે. દિલ્હીની આસપાસ થઈ રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શન સાથે બરાબર આવું જ બન્યું છે. હવે તે ખેડૂતો પૂરતા મર્યાદિત નથી. આખો સમાજ તેમને સમર્થન આપી રહ્યો છે.”

વિગતવાર  વાત કરતા નવાલે ઉમેરે છે કે શાહજહાનપુરમાં તેમના જાથાના રોકાણની  પહેલી રાતે કેટલાક ઓટોરિક્ષા ચાલકો ધાબળા, ગરમ કપડા, વાંદરા ટોપી અને અન્ય વસ્તુઓ લઈને વિરોધ સ્થળે પહોંચ્યા હતા. તેઓ કહે છે, "જ્યારે દિલ્હીના શીખ સમુદાયને ખબર પડી કે મહારાષ્ટ્રના ખેડુતો શાહજહાનપુર આવી રહ્યા છે, ત્યારે તેમણે  પૈસા એકઠા કર્યા. તેમણે  આ વસ્તુઓ ખરીદીને સાથે મોકલી."

આ બધું હનુમાન ગુંજલના યાદગાર અનુભવનો ભાગ બન્યું. તેઓ કહે છે, “અમે  ખૂબ જ સકારાત્મક અનુભૂતિ સાથે  [અમારા ગામડાઓમાં] પાછા આવ્યા છીએ.

અનુવાદ - મૈત્રેયી યાજ્ઞિક

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik