આ વર્ષે જયારે ઉસ્માનાબાદ જિલ્લામાં કોવિડ-19 ની બીજી લહેર  આવી ત્યારે તેણે ફક્ત દરવાજા જ ન ખટખટાવ્યા - દરવાજામાંથી સીધેસીધી અંદર પેઠી. તુળજાપુર તહેસીલમાં (કોવિડ) કટોકટીને વેગ આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા માટે તુળજા ભવાની મંદિરને કારણભૂત ઠેરવાયું.

કોવિડ -19 ના સંક્રમણથી લગભગ મરતા મરતા બચેલા જયસિંહ પાટીલે ખતરો ન ટળે = ત્યાં સુધી મંદિરથી દૂર  રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ કહે છે, "હું  ભક્ત છું. હું લોકોની શ્રદ્ધાનું સન્માન કરું છું. પરંતુ મહામારી દરમિયાન મંદિરો ખોલવામાં ડહાપણ નથી.”

45 વર્ષના પાટીલ તુળજા ભવાની મંદિર ટ્રસ્ટમાં કારકૂન તરીકે કામ કરે છે. તેઓ કહે છે, "આ વર્ષે ફેબ્રુઆરીમાં મને સેંકડો લોકોની કતારને નિયંત્રિત કરવાનું  કહેવામાં આવ્યું." આ મંદિર મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ યાત્રાધામોમાંનું એક છે, દરરોજ ભારતભરમાંથી હજારો લોકો આ મંદિરની મુલાકાત લે છે. “ભક્તો આક્રમક હોય છે. જો તેઓને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવે તો તેઓ તમારા પર તૂટી પડે છે. ભીડને નિયંત્રિત કરતી વખતે મને કોવિડ-19 નું સંક્રમણ થયું હોવું જોઈએ.”

તેમણે હોસ્પિટલના સઘન સંભાળ એકમ (ઈન્ટેન્સિવ કેર યુનિટ) માં ઓક્સિજન સપોર્ટ પર બે અઠવાડિયાથી વધુ સમય રહેવું પડ્યું હતું. તેમના લોહીમાં ઓક્સિજનનું સ્તર 75-80 ટકા વચ્ચે વધઘટ થતું હતું -  ડોકટરોનું કહેવું છે કે (ઓક્સિજનનું સ્તર) 92 ટકા કરતાં ઓછું હોય તો તે ચિંતાનું કારણ છે. જયસિંહ કહે છે, "કોઈક રીતે હું બચી તો ગયો. પણ આટલા મહિનાઓ પછી પણ મને ખૂબ થાક લાગે છે."

Jaysingh Patil nearly died of Covid-19 after he was tasked with managing the queues of devotees visiting the temple
PHOTO • Parth M.N.

મંદિરમાં આવતા ભક્તોની કતારોને નિયંત્રિત કરવાનું કામ સોંપવામાં આવ્યું તે પછી જયસિંહ પાટીલ કોવિડ -19 ના સંક્રમણથી લગભગ મરતા મરતા બચેલા

તેઓ  બીમાર પડ્યા તેના એક મહિના પહેલા તેમના 32 વર્ષના ભાઈ જગદીશ પણ આવી જ કટોકટીમાંથી બચી ગયા હતા. તેમણે લગભગ ત્રણ અઠવાડિયા હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, તે દરમિયાન તેમના લોહીમાં ઓક્સિજનનું સ્તર 80 ટકાથી નીચે જતું હતું. જયસિંહ કહે છે, “તેઓ (તેમના ભાઈ) મંદિરના  પૂજારી છે. તેઓ  એક કોવિડ સંક્રમિત ભક્તના સંપર્કમાં આવ્યા ત્યારે તેઓ પણ સંક્રમિત થયા હતા.  અમે બંને ડરામણા અનુભવમાંથી પસાર થયા.”

અનુભવ ખર્ચાળ પણ હતો. બંને ભાઈઓના મળીને  તેઓએ સારવાર પાછળ લગભગ 5 લાખ રુપિયા ખર્ચ્યા. જયસિંહ કહે છે, "સદભાગ્યે, અમે બચી ગયા. પરંતુ હજારો લોકો મરી રહ્યા છે અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે. લાખ પ્રયત્નો કરો મંદિરોમાં સામાજિક અંતર જાળવવાનું ભૂલાઈ જાય છે."

તુળજાપુરના તહેસીલદાર સૌદાગર તાંદળે કહે છે કે 12મી સદીનું હોવાનું મનાતા તુળજા ભવાની મંદિરનું ટર્નઓવર વર્ષે 400 કરોડ રુપિયાનું છે. તુળજાપુર તહેસીલની અર્થવ્યવસ્થા મંદિર પર નિર્ભર છે. મીઠાઈની દુકાનો, સાડીની દુકાનો, કરિયાણાની દુકાનો, હોટલો, લોજ અને પૂજારીઓના પરિવારો  - બધા તેમની આવક માટે યાત્રાળુઓ પર આધાર રાખે છે.

તાંદળે કહે છે કે કોવિડ પહેલાના સમયમાં મંદિરમાં દરરોજ સરેરાશ 50000 લોકો આવતા. તેઓ કહે છે, "નવરાત્રિ તહેવાર [સપ્ટેમ્બર-ઓક્ટોબર] દરમિયાન દરરોજ એક લાખથી વધુ ભક્તો અહીં ઉમટી પડતા." એક વર્ષે તો એક જ દિવસમાં સાત લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી.

The Tuljapur temple has been shut since April
PHOTO • Parth M.N.

તુળજાપુર મંદિર એપ્રિલથી બંધ છે

તહેસીલ કચેરીએ યાત્રાળુઓને પૂર્વ-મંજૂર પાસ આપવાનું નક્કી કર્યું અને રોજના  માત્ર 2000 લોકોને તુળજાપુર શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી. આ સંખ્યામાં ધીમે ધીમે વધારો કરવામાં આવ્યો અને જાન્યુઆરી 2021 સુધીમાં રોજના લગભગ 30000 મુલાકાતીઓ આવતા થયા

તાંદળે ઉમેરે છે 90 ટકાથી વધુ યાત્રાળુઓ ઉસ્માનાબાદની બહારના છે. "તેઓ સમગ્ર મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને બીજા સ્થળોએથી આવે છે."

તેથી કોવિડ -19 ની પહેલી લહેર પછી નવેમ્બર 2020 ની મધ્યમાં મંદિરને ફરીથી ખોલવામાં  જોખમ હતું. ખાસ કરીને જયારે એ જાણીતું હતું કે મંદિરના યાત્રાળુઓએ (કોવિડની) પહેલી લહેર દરમિયાન (કોરોનના) કેસોની સંખ્યામાં વધારો કરવામાં ફાળો આપ્યો હતો.

17 મી માર્ચ 2020 થી મંદિર બંધ હતું અને થોડા દિવસો બાદ દેશવ્યાપી લોકડાઉન જાહેર થયું તેમ છતાં ભક્તો દેવીની એક ઝલક માટે આવતા રહ્યા. એક જિલ્લા અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું, "તેઓ મુખ્ય દરવાજા પર આવી અને બહારથી દર્શન કરતા. લોકડાઉન હોવા છતાં ભક્તો કોઈને કોઈ રીતે તુળજાપુર આવવામાં સફળ રહ્યા.  એપ્રિલ-મે [2020] માં અમારે ત્યાં એક દિવસમાં 5000 થી વધુ મુલાકાતીઓ હતા. લોકડાઉન પછી પણ અહીં કેસ ઘટ્યા નહોતા. ”

તાંદળે કહે છે કે મે 2020 ના અંતમાં જિલ્લા વહીવટીતંત્રે તુળજાપુરમાં - લગભગ 3500 - પૂજારીઓનું પરીક્ષણ કર્યું  ત્યારે તેમાંથી 20 ટકા કોવિડ -19 થી સંક્રમિત હોવાનું જણાયું.  જૂનથી તહેસીલ વહીવટીતંત્રે લોકો પાસેથી તુળજાપુરમાં પ્રવેશતા પહેલા કોવિડ-નેગેટિવ રિપોર્ટની માંગણી શરૂ કરી.તાંદળે કહે છે, "તેનાથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ. પરંતુ પહેલી લહેર દરમિયાન તુળજાપુર સૌથી વધુ પ્રભાવિત થયું હતું."

તે આશ્ચર્યજનક ન હતું.

Mandakini (left) and Kalyani Salunkhe make puran polis for the devotees. The temple's closure gives them a break but it has ruined the family income
PHOTO • Parth M.N.
Mandakini (left) and Kalyani Salunkhe make puran polis for the devotees. The temple's closure gives them a break but it has ruined the family income
PHOTO • Parth M.N.

મંદાકિની (ડાબે) અને કલ્યાણી સાળુંખે ભક્તો માટે પૂરણ પોળી  બનાવે છે. મંદિર બંધ થવાથી તેમને આરામ મળે છે પરંતુ તેનાથી પરિવારની આવકને અસર પહોંચી  છે

કેટલીક ધાર્મિક વિધિઓએ  કોરોનાવાયરસનું સંક્રમણ ફેલાવવામાં મદદ કરી. તેમાંની એક પૂરણ પોળી, એક પ્રકારની મીઠી રોટલી (પ્રસાદ તરીકે) અર્પણ કરવાની પ્રથા છે, આ પુરણ પોળી પૂજારીઓના ઘરોમાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવે છે. ભક્તો વાનગી બનાવવા માટે જરૂરી સામગ્રી સાથે પહોંચે છે અને ત્યાં થોડી પૂરણ પોળી  ખાધા પછી બાકીની પૂરણ પોળી તેઓ મંદિરમાં દેવીને અર્પણ કરે છે.

કોવિડ પહેલાના દિવસોમાં 62 વર્ષના મંદાકિની સાળુંખે દરરોજ લગભગ 100 ભક્તો માટે પૂરણ પોળી બનાવતા હતા. તેમનો દીકરો 35 વર્ષનો નાગેશ મંદિરમાં પૂજારી છે. તેઓ કહે છે, “તહેવારો દરમિયાન તૈયાર કરેલી પૂરણ પોળીની સંખ્યાનો તો અંદાજ પણ ન પૂછો. મેં મારી આખી જિંદગી આ કામ કરવામાં જ વિતાવી છે. જિંદગીમાં પહેલી વાર  મને થોડો આરામ મળ્યો. પરંતુ  (કોવિડની) પહેલી લહેર દરમિયાન પણ લોકો અહીં આવતા.”

પૂરણ પોળી બનાવવાનું કામ સહેલું નથી. બરોબર સ્વાદ જાળવી રાખવા ઉપરાંત, ગોળ પોળીને  બંને બાજુથી શેકવા માટે ગરમ તવા પર પલટાવવી પડે છે. નાગેશની 30 વર્ષની પત્ની કલ્યાણી કહે છે, "તુળજાપુરમાં એક પણ મહિલા એવી નથી કે જેના હાથમાં દાઝ્યાના નિશાન ન હોય. અમને ચોક્કસ આરામ મળી રહ્યો છે, પરંતુ તેનાથી અમારી આજીવિકાને પણ અસર પહોંચી  છે."

નાગેશના પૂર્વજો પણ પુજારી હતા, નાગેશને તેમનો આ વ્યવસાય વારસામાં મળ્યો. આ તેમની આવકનો એકમાત્ર સ્રોત છે. તેઓ (નાગેશ) કહે છે, "ભક્તો તેમની સાથે દાળ, તેલ, ચોખા અને બીજું રેશન લાવે છે. અમે તેમાંથી થોડાનો ઉપયોગ તેમને ખવડાવવા માટે કરીએ છીએ, અને બાકીનું અમારા પરિવાર માટે રાખીએ છીએ. જ્યારે અમે ભક્તો વતી પૂજા કરીએ છીએ ત્યારે તેઓ અમને દક્ષિણા ચૂકવે છે. અમે [પૂજારીઓ] મહિને લગભગ 18000 રુપિયા કમાતા હતા.  હવે એ બધું સાવ  બંધ થઈ ગયું છે.”

Gulchand Vyavahare led the agitation to reopen the temple
PHOTO • Parth M.N.

ગુલચંદ વ્યાવહારે મંદિર ફરીથી ખોલવા માટેના આંદોલનની આગેવાની લીધી હતી

તેઓ તરત સ્પષ્ટતા કરે છે કે તેઓ  મંદિર ખોલવાની હિમાયત કરતા નથી કારણ કે લોકોના જીવ જોખમમાં છે. તેઓ કહે છે, "અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે તમે લોકોના જીવનને જોખમમાં ન મૂકી શકો. અમે અસાધારણ સંજોગોને સમજીએ છીએ. હું એટલું જ ઈચ્છું છું કે અમને થોડી રાહત મળે તો સારું."

યાત્રાળુઓને તુળજાપુરની બહાર રાખવા તહેસીલ કચેરીએ  પૂજારીઓ અને નગરના રહેવાસીઓની મદદ માંગી હતી. તાંદળે કહે છે, "અમે મુખ્ય પૂજારીઓની મદદથી ધાર્મિક વિધિઓ કરવાનું ચાલુ રાખ્યું હતું. ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન પણ ભક્તો અહીં આવ્યા ન હતા. અમે તુળજાપુરની બહારના કોઈને મંદિરમાં પ્રવેશવા દીધા ન હતા. અહમદનગર [બુરહાનગર દેવી મંદિર] થી દર વર્ષે એક પાલખી ખૂબ ધામધૂમથી આવે છે પરંતુ આ વખતે અમે તેમને ક્યાંય પણ રોકાયા વગર તેને ગાડીમાં મોકલવાનું કહ્યું. ”

પરંતુ જ્યારે ઓક્ટોબર 2020 માં પહેલી લહેરના વળતાં પાણી થયા  ત્યારે લોકોએ મહામારી તો ભૂતકાળની વાત થઈ ગઈ એમ વિચારીને સાવચેતી રાખવાનું છોડી દીધું.

તુળજાપુર મંદિર ફરીથી ખોલવાની માંગણી શરૂ થઈ અને નવેમ્બર 2020 ના પહેલા સપ્તાહમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજ્ય વિધાનસભામાં વિપક્ષી દળ  ભારતીય જનતા પાર્ટી (ભાજપ-બીજેપી) ના પદાધિકારીઓએ વિરોધનું નેતૃત્વ કર્યું. ભાજપના ઉસ્માનાબાદ જિલ્લા સચિવ ગુલચંદ વ્યાવહારે કહે છે, “હોટલ, રેસ્ટોરાં અને બાર ખુલી ગયા હતા. તો પછી મંદિરો શા માટે બંધ રાખવા? લોકોની આજીવિકાનો સવાલ છે. શું કોવિડ માત્ર મંદિરોથી જ ફેલાય છે?"

એક તહેસીલ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તુળજાપુરમાં અર્થતંત્ર, રાજકારણ અને શ્રદ્ધા એકમેક સાથે સંકળાયેલા છે. તેઓ કહે છે, "કોઈ એકને સ્વતંત્ર રીતે વિચારી શકાતું નથી. લોકો અર્થતંત્ર પર ભાર મૂકે છે કારણ કે આ મુદ્દો  શ્રદ્ધા કરતાં વધુ બુદ્ધિગમ્ય લાગે છે. હકીકતમાં આ ત્રણે ય પરિબળોને કારણે મંદિર બંધ કરવા સામે વિરોધ હતો.”

મહારાષ્ટ્રભરમાં ફેલાયેલું  મંદિરોને ફરીથી ખોલવાનું અભિયાન સફળ રહ્યું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નવેમ્બર 2020 ના મધ્યમાં મંદિરો ખોલવાની મંજૂરી આપી.

તુળજાપુરના સ્થાનિક વહીવટીતંત્રે યાત્રાળુઓને પૂર્વ-મંજૂર પાસ આપવાનું નક્કી કર્યું, અને દરરોજ માત્ર 2000 લોકોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી. ધીમે ધીમે આ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અને જાન્યુઆરી 2021 સુધીમાં રોજના લગભગ 30000 મુલાકાતીઓ આવતા થયા. જયસિંહ કહે છે આ સાંભળવું  મુશ્કેલ બન્યું. “30000 પાસ આપવામાં આવ્યા હતા, ત્યારે બીજા 10000 લડીને પાસ વગર (મંદિરમાં) પ્રવેશ મેળવવા માટે પ્રયાસ કરતા હતા. દેવીના દર્શન કરવા  દૂરદૂરથી આવતા ભક્તો કોઈપણ કારણસર 'ના' સ્વીકારવા તૈયાર નહોતા. બીજી લહેર શમી ગયા પછી પણ આપણે બેદરકાર ન રહી શકીએ. કેટલાક લોકો વાયરસને ગંભીતાથી લેતા નથી.  જ્યાં સુધી તમે તેનો જાત અનુભવ ન કરો ત્યાં સુધી તમે તેને સમજી શકતા નથી."

Nagesh Salunkhe has been losing out on the earnings from performing poojas in the Tuljapur temple (right)
PHOTO • Parth M.N.
Nagesh Salunkhe has been losing out on the earnings from performing poojas in the Tuljapur temple (right)
PHOTO • Parth M.N.

તુળજાપુર મંદિર (જમણે) માં પૂજા કરવાથી થતી નાગેશ સાળુંખેની આવક ઓછી થઈ ગઈ છે

તુળજાપુર મંદિરના દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થયા બાદ ઉસ્માનાબાદ જિલ્લામાં કોવિડ કેસોની સંખ્યામાં પણ વધારો થયો હતો. ફેબ્રુઆરીમાં જિલ્લામાં કોવિડના લગભગ 380 કેસ નોંધાયા હતા. માર્ચમાં આ સંખ્યા વધીને લગભગ 3050 થઈ ગઈ હતી, જે ફેબ્રુઆરીની સરખામણીમાં નવ ગણી વધારે હતી. એપ્રિલમાં (કોવિડ) કેસોની સંખ્યા 17800 ને વટાવી ગઈ, જેને કારણે જિલ્લાના આરોગ્ય માળખા પરનું ભારણ વધી ગયું હતું.

એક જિલ્લા અધિકારી નામ ન આપવાની શરતે કહે છે કે, "ઉસ્માનાબાદમાં તુળજાપુરના મંદિર સિવાય એવી બીજી કોઈ જગ્યા નહોતી કે જ્યાં આટલી ભીડ એકથી થતી હોય. કોવિડ -19 ની બીજી લહેર આ કારણે જ વધુ ખતરનાક  બની તેમાં કોઈ શંકા નથી. તે [ઉત્તર પ્રદેશના] કુંભ જેવું જ હતું પરંતુ નાના પાયે."

જ્યારે બીજી લહેર દરમિયાન તુળજાપુરના પૂજારીઓનું કોવિડ-19 માટે પરીક્ષણ  કરવામાં આવ્યું ત્યારે તેમાંના  32 ટકા સંક્રમિત (પોઝિટિવ) હતા. તાંદળે કહે છે કે તેમાંના લગભગ 50 મૃત્યુ પામ્યા.

ઉસ્માનાબાદની આઠ તહેસીલોમાંથી તુળજાપુર તહેસીલ (કોરોનના) કેસ લોડ અને (તેને કારણે થયેલા) મૃત્યુના દરની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. ઉસ્માનાબાદ તહેસીલમાં સૌથી વધુ કેસો અને મૃત્યદર નોંધાયા છે કારણ કે જિલ્લાની એકમાત્ર મોટી જાહેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, અહીં આવેલી છે, જ્યાં સમગ્ર જિલ્લાના ગંભીર રીતે બીમાર દર્દીઓને સારવાર આપવામાં આવે છે.

ઉસ્માનાબાદ મરાઠવાડાનો કૃષિ પ્રધાન વિસ્તાર છે, જે દુષ્કાળ, કૃષિ સંકટ અને દેવાથી ઘેરાયેલો છે અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ સંખ્યામાં ખેડૂતોની આત્મહત્યા ઉસ્માનાબાદમાં થાય છે. પહેલેથી જ આબોહવા પરિવર્તન, પાણીની અછત અને કૃષિ સંકટ સામે ઝઝૂમી રહેલા આ જિલ્લાના લોકો તેમના સ્વાસ્થ્ય માટે અહીંના અપૂરતા તબીબી માળખા પર આધાર રાખી શકતા નથી.

Sandeep Agarwal does not mind losing sales from shutting his grocery shop until it is safe for the town to receive visitors
PHOTO • Parth M.N.

જ્યા સુધી શહેર દર્શનાર્થીઓ માટે સુરક્ષિત ન હોય ત્યાં સુધી સંદીપ અગ્રવાલને તેની કરિયાણાની દુકાન બંધ કરવાથી વેચાણ  ગુમાવવામાં કોઈ વાંધો નથી

આ વર્ષે એપ્રિલમાં તુળજા ભવાની મંદિર ફરી એકવાર બંધ થતા તુળજાપુરની ગલીઓ સુમસામ થઈ ગઈ હતી,  દુકાનો બંધ થઈ ગઈ હતી, અને સતત બીજા વર્ષે શહેરમાં નીરવ શાંતિ છવાઈ ગઈ હતી.

એક જિલ્લા વહીવટીતંત્રના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, "આવા [રાજકીય] વાતાવરણમાં મંદિરને લાંબા સમય સુધી બંધ રાખવું જોખમી છે. તેનાથી કાયદો અને વ્યવસ્થા જોખમાઈ શકે છે."

નબળી પડતી જતી અર્થવયવસ્થની સીધી અસર તુળજાપુરના લોકો પર થતી હોવા છતાં તેમણે સુરક્ષિત રહેવાનું પસંદ કર્યું.

નગરમાં કિરાણા (કરિયાણા)ની દુકાન ચલાવતા 43 વર્ષના સંદીપ અગ્રવાલ કહે છે કે કોવિડ પહેલાના દિવસોમાં તેમનું રોજનું લગભગ  30000 રુપિયાનું વેચાણ થતું હતું, જે ઘટીને હાલ લગભગ શૂન્ય થઈ ગયું  છે. બંધ થઈ  ગયેલી દુકાનો પાસે ઊભા રહીને તેઓ કહે છે, "પરંતુ જ્યાં સુધી દેશની મોટા ભાગની વસ્તીનું રસીકરણ ન થાય ત્યાં સુધી મંદિર ખુલે એમ હું નથી ઈચ્છતો. જિંદગી એક જ વાર મળે છે. જો આ મહામારીમાંથી બચીશું, તો અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરી શકીશું. જેઓ મંદિર ફરી ખોલવા ઉતાવળા થઈ રહ્યા છે તેઓ ઉસ્માનાબાદમાં રહેતા નથી.

અગ્રવાલની વાત સાચી  છે.

તુળજા ભવાની મંદિરના મહંત (વરિષ્ઠ પૂજારી) તુકોજીબુઆને મંદિર ફરીથી ક્યારે ખુલશે એમ પૂછવા દેશભરમાંથી રોજના ઓછામાં ઓછા 20 ફોન આવે છે. તેઓ કહે છે, "હું તેમને કહેતો રહું છું કે લોકોના જીવ જોખમમાં છે અને 2020 અને 2021 આપણે આરોગ્ય સંભાળ માટે સમર્પિત કર્યા છે એવું જ માની લો. વાયરસ [તમારી અને] તમારી શ્રદ્ધા વચ્ચે આવી શકતો નથી. તમે જ્યાં છો ત્યાં રહીને પણ દેવીની પ્રાર્થના કરી શકો છો."

જો કે મહંત મને કહે છે કે તુળજા ભવાનીના ભક્તો જાતે આવીને તેમના આશીર્વાદ મેળવવા અથવા ઓછામાં ઓછું  તેમના મંદિરના દરવાજે માથું ટેકવવા ઈચ્છે છે.

Mahant Tukojibua has been convincing the temple's devotees to stay where they are and pray to the goddess from there
PHOTO • Parth M.N.

મહંત તુકોજીબુઆ મંદિરના ભક્તોને તેઓ જ્યાં છે ત્યાં જ રહીને ત્યાંથી જ દેવીને પ્રાર્થના કરવા સમજાવી રહ્યા છે

તુકોજીબુઆ વાત પૂરી કરી  તે સાથે જ તેમનો ફોન રણક્યો. એ તુળજાપુરથી 300 કિલોમીટર દૂર પુણેના ભક્તનો ફોન  છે.

ભક્ત તેમને અભિવાદન કરતા (નમ્રતાથી) કહે છે, "સાષ્ટાંગ નમસ્કાર."

મહંત પૂછે છે, "તમે કેમ છો?"

પુણેથી વાત કરનાર (ભક્ત) વિનંતી કરે છે, "મંદિર જલ્દી ખોલવાની જરૂર છે." તેઓ ઉમેરે છે, "ભગવાન ક્યારેય આપણું નુકસાન નહીં કરે. આપણે સકારાત્મક વિચારવું જોઈએ. આજે આપણે જે કંઈ છીએ તે તુળજા ભવાનીના કારણે છીએ. ડૉક્ટરો પણ આપણને ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું કહે છે.

તુકોજીબુઆ તેમને સમજાવવાનો પ્રયત્ન કરે  છે અને તેને ઑનલાઇન પ્રસારિત થતી પૂજામાં જોડાવા કહે છે. કોવિડ-19 લોકડાઉન શરૂ થયું ત્યારથી મંદિર ધાર્મિક વિધિઓનું પ્રસારણ કરી રહ્યું છે.

પણ ભક્ત એ વાત માનવા તૈયાર નથી. તેઓ પૂજારીને કહે છે, "કોવિડ મંદિરની ભીડને કારણે ક્યારેય ફેલાશે નહીં." અને મંદિર ફરી ખુલતાની સાથે જ 300 કિલોમીટરનું અંતર ચાલીને (દર્શન કરવા) આવવાનું વચન આપે છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik