ખ્વાજા મોઈનુદ્દીનને 1951-52 વચ્ચે યોજાયેલી ભારતની પહેલી સામાન્ય ચૂંટણીના મતદાનના દિવસની તે પરોઢે તેમણે પહેરેલો તેજસ્વી સફેદ કુર્તો યાદ છે. તે સમયે તેઓ 20 વર્ષના હતા અને નવી આઝાદ થયેલી લોકશાહીની ખુશનુમા હવામાં શ્વાસ લેતા, તેમના નાના શહેરમાંથી મતદાન મથક સુધી જતાં ભાગ્યે જ તેમના ઉત્સાહને રોકી શકતા હતા.

હવે 72 વર્ષ પછી, મોઈન 92 વર્ષના છે. 13 મે, 2024ની સવારે, તેઓ ફરી એક વાર તેજસ્વી સફેદ કુર્તો પહેરીને બહાર નીકળ્યા. પરંતુ આ વખતે તેઓ લાકડીની મદદથી મતદાન મથક સુધી ચાલીને ગયા હતા. તેમના પગલાંની વસંત વીતી ગઈ હતી, અને આ જ હાલત મતદાનના દિવસના ખુશનુમા માહોલની પણ હતી.

મહારાષ્ટ્રના બીડ શહેરમાં પોતાના ઘરે પારી સાથે વાત કરતાં તેઓ કહે છે, “તબ દેશ બનાને કે લિએ વોટ કિયા થા, આજ દેશ બચાને કે લિએ વોટ કર રહે હૈ [મેં તે વખતે દેશને બનાવવા માટે વોટ આપ્યો હતો, હવે હું તેને બચાવવા માટે વોટ આપું છું]”

બીડ જિલ્લાના શિરુર કાસર તાલુકામાં 1932માં જન્મેલા મોઈન તાલુકા કચેરીમાં ચોકીદાર તરીકે કામ કરતા હતા. પરંતુ 1948માં તત્કાલીન હૈદરાબાદ રજવાડાના ભારતીય સંઘમાં જોડાણ દરમિયાન થયેલી હિંસાથી બચવા માટે તેમને લગભગ 40 કિલોમીટર દૂર બીડ શહેરમાં જતા રહેવાની ફરજ પડી હતી.

1947માં થયેલા લોહિયાળ ભાગલાના એક વર્ષ પછી, ત્રણ રજવાડાં — હૈદરાબાદ, કાશ્મીર અને ત્રાવણકોર — એ ભારતીય સંઘમાં જોડાવાનો વિરોધ કર્યો હતો. હૈદરાબાદના નિઝામે એક સ્વતંત્ર રાજ્યની માંગ કરી હતી, કે જે ન તો ભારતનો ભાગ હશે કે ન પાકિસ્તાનનો. મરાઠાવાડાનો કૃષિ પ્રદેશ — જેમાં બીડ પડે છે — તે હૈદરાબાદ રજવાડાનો ભાગ હતો.

ભારતીય સશસ્ત્ર દળો સપ્ટેમ્બર 1948માં હૈદરાબાદ ગયાં અને નિઝામને ચાર દિવસથીય ઓછા સમયમાં આત્મસમર્પણ કરવાની ફરજ પડી. જો કે, સુંદરલાલ સમિતિના અહેવાલ અનુસાર , જે એક ગુપ્ત સરકારી અહેવાલ છે જેને દાયકાઓ પછી જાહેર કરવામાં આવ્યો હતો, આ આક્રમણ દરમિયાન અને તેના પછી ઓછામાં ઓછા 27,000 થી 40,000 મુસ્લિમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેના કારણે મોઈન જેવા કિશોરોને પોતાનો જીવ બચાવવા માટે ભાગી છૂટવું પડ્યું હતું.

તેઓ યાદ કરે છે, “મારા ગામનો કૂવો મૃતદેહોથી ભરેલો હતો. અમે બીડ શહેરમાં ભાગી ગયા હતા. ત્યારથી તે મારું ઘર રહ્યું છે.”

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ખ્વાજા મોઈનુદ્દીનનો જન્મ 1932માં મહારાષ્ટ્રના બીડ જિલ્લાના શિરુર કાસર તાલુકામાં થયો હતો. તેઓ 1951-52માં યોજાયેલી ભારતની પ્રથમ ચૂંટણીમાં કરેલા મતદાનને યાદ કરે છે. 92 વર્ષીય આ વૃદ્ધે મે 2024માં લોકસભાની ચૂંટણીમાં પણ મતદાન કર્યું હતું

તેમણે બીડમાં જ લગ્ન કર્યા, અહીં જ તેમના બાળકોનો ઉછેર કર્યો અને તેમના પૌત્ર-પૌત્રીઓને પુખ્તવયે પહોંચતાં જોયાં. તેમણે 30 વર્ષ સુધી દરજી તરીકે કામ કર્યું અને સ્થાનિક રાજકારણમાં પણ થોડું ઝંપલાવ્યું.

પરંતુ સાત દાયકા કરતાંય વધુ સમય પહેલાં તેઓ શિરુર કાસરમાં તેમના મૂળ ઘરેથી ભાગી ગયા ત્યારથી, પ્રથમ વખત મોઈન પોતાની મુસ્લિમ ઓળખથી અસુરક્ષા અનુભવે છે.

નફરતના ભાષણ અને નફરતના ગુનાઓનું દસ્તાવેજીકરણ કરતી વોશિંગ્ટન ડીસી સ્થિત સંસ્થા ઇન્ડિયા હેટ લેબ અનુસાર, ભારતમાં 2023માં 668 નફરતી ભાષણો આપવામાં આવ્યાં હતાં —  એટલે કે દરરોજ લગભગ બે. મહાત્મા ફુલે અને બાબાસાહેબ આંબેડકર જેવા પ્રગતિશીલ વિચારકો માટે જાણીતું મહારાષ્ટ્ર 118 ભાષકો સાથે આ યાદીમાં ટોચ પર છે.

તેઓ યાદ કરે છે, “ભાગલા પછી ભારતમાં મુસ્લિમોના સ્થાન વિશે થોડી અનિશ્ચિતતા હતી. પણ મને બીક નહોતી લાગી. મને એક રાષ્ટ્ર તરીકે ભારતમાં વિશ્વાસ હતો. જો કે, આજે, મારું આખું જીવન અહીં વિતાવ્યા પછી, મને આશ્ચર્ય થાય છે કે શું હું તેનો [ભાગ] છું ખરો...”

તેઓ વિચારે છે કે તે અવિશ્વસનીય છે કે કેવી રીતે ટોચ પરનો એક નેતા આટલો ઘરખમ તફાવત લાવી શકે છે.

મોઈન કહે છે, “પંડિત જવાહરલાલ નહેરુ ખરેખર દરેકને પ્રેમ કરતા હતા, અને દરેક તેમને સમાન પ્રમાણમાં પ્રેમ કરતું હતું. તેમણે અમને વિશ્વાસ અપાવ્યો હતો કે હિંદુઓ અને મુસ્લિમો હળીમળીને રહી શકે છે. તેઓ એક સંવેદનશીલ અને સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ વ્યક્તિ હતા. પ્રધાનમંત્રી તરીકે તેમણે અમને આશા અપાવી હતી કે ભારત કંઈક વિશેષ બની શકે છે.”

તેનાથી વિપરીત, મોઈન કહે છે, જ્યારે ભારતના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુસ્લિમોને “ઘૂસણખોરો” તરીકે ઓળખાવે છે અને ચૂંટણી જીતવા માટે મતદારોને સાંપ્રદાયિક રેખાઓ પર ભાગલા પાડે છે, ત્યારે તે ખૂબ જ અપ્રિય લાગે છે.”

22 એપ્રિલ, 2024ના રોજ મોદી, જે સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક પણ છે, તેમણે રાજસ્થાનમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખોટો દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટી લોકોની સંપત્તિને “ઘૂસણખોરો” વચ્ચે વહેંચવાની યોજના ધરાવે છે.

મોઈન કહે છે, “તે નિરાશાજનક છે. મને તે સમય યાદ છે જ્યારે સિદ્ધાંતો અને અખંડિતતા સૌથી મૂલ્યવાન ચલણ હતાં. હવે, તો બસ ગમે તેમ કરીને સત્તામાં આવવાની જ વાત છે.”

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

તેઓ યાદ કરે છે કે, ‘ભાગલા પછી ભારતમાં મુસ્લિમોના સ્થાન વિશે થોડી અનિશ્ચિતતા હતી. પણ મને બીક નહોતી લાગી. મને એક રાષ્ટ્ર તરીકે ભારતમાં વિશ્વાસ હતો. જો કે, આજે, મારું આખું જીવન અહીં વિતાવ્યા પછી, મને આશ્ચર્ય થાય છે કે શું હું તેનો [ભાગ] છું ખરો...’

મોઈનના એક ઓરડાના ઘરથી લગભગ બે કે ત્રણ કિલોમીટર દૂર સૈયદ ફખ્રુઝ્ઝમા રહે છે. તેમણે ભલે પહેલી સામાન્ય ચૂંટણીમાં મતદાન ન કર્યું હોય, પરંતુ તેમણે 1962માં પ્રથમ વડાપ્રધાન નેહરુને ફરીથી ચૂંટવા માટે મતદાન કર્યું હતું. તેઓ કહે છે, “હું જાણું છું કે કોંગ્રેસ માટે હાલ સમય ખરાબ છે પણ હું નહેરૂની વિચારધારાને નહીં છોડું. મને યાદ છે કે ઈન્દિરા ગાંધી 1970ના દાયકામાં બીડ આવ્યાં હતાં. હું તેમને મળવા ગયો હતો.”

તેઓ ભારત જોડો યાત્રાથી પ્રભાવિત થયા હતા, જ્યાં રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરી હતી. મહારાષ્ટ્રમાં તેઓ ઉદ્ધવ ઠાકરેના આભારી છે — આ એવી લાગણી છે, જે તેમણે વ્યક્ત કરવી પડશે એવું તેમણે ક્યારેય નહોતું વિચાર્યું.

તેઓ કહે છે, “શિવસેના સારા માટે બદલાઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેએ મહામારી દરમિયાન મુખ્યમંત્રી તરીકે જે રીતે તેમની ફરજ નિભાવી તે પ્રભાવશાળી હતું. તેમણે અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં મુસ્લિમોને નિશાન ન બનાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ઘણી મહેનત કરી હતી.”

હવે 85 વર્ષની વયે પહોંચેલા ઝમા કહે છે કે ભારતમાં હંમેશાંથી કોમી વિભાજનનો અંતઃપ્રવાહ હતો, પરંતુ “તેનો વિરોધ કરતા લોકો પણ તેનાથી વધુ નહીં તો તેટલો અવાજ તો ઉઠાવતા જ હતા.”

ડિસેમ્બર 1992માં, વિશ્વ હિંદુ પરિષદની આગેવાની હેઠળના હિંદુ કટ્ટરપંથી સંગઠનોએ ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં બાબરી મસ્જિદને તોડી પાડી હતી અને દાવો કર્યો હતો કે તે પૌરાણિક ભગવાન રામનું જન્મસ્થળ છે. બોમ્બ વિસ્ફોટો અને રમખાણોથી હચમચી ગયેલી મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સહિત આ ઘટના પછી દેશભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

ઝમા 1992-93ની અશાંતિ દરમિયાન તેમના બીડ શહેરમાં વ્યાપેલા તણાવને યાદ કરે છે.

તેઓ ઉમેરે છે, “મારા દીકરાએ શહેરમાં શાંતિ યાત્રા કાઢી હતી, જેથી આપણો ભાઈચારો અકબંધ રહે. તેમાં હિંદુઓ અને મુસ્લિમો બંને મોટી સંખ્યામાં જોડાયા હતા. તે એકતામાં હવે ભંગાણ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.”

PHOTO • Parth M.N.

સૈયદ ફખરુઝ્ઝમાએ 1962માં પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને ફરીથી ચૂંટવા માટે મતદાન કર્યું હતું. હવે 85 વર્ષની વયે પહોંચેલા ઝમા કહે છે કે ભારતમાં હંમેશાંથી કોમી વિભાજનનો અંતઃપ્રવાહ હતો, પરંતુ ‘તેનો વિરોધ કરતા લોકો પણ તેનાથી વધુ નહીં તો તેટલો અવાજ તો ઉઠાવતા જ હતા’

ઝમા હાલમાં જ્યાં રહે છે, ત્યાં જ તેમનો જન્મ થયો હતો. તેમનો પરિવાર બીડના પ્રભાવશાળી મુસ્લિમ પરિવારોમાંનો એક છે, જેમને રાજકીય નેતાઓ ઘણી વાર ચૂંટણી પહેલા આશીર્વાદ લેવા માટે બોલાવે છે. તેમના પિતા અને દાદા, બંને શિક્ષકો હતા, અને “પોલીસ કાર્યવાહી” દરમિયાન જેલમાં પણ ગયા હતા. તેઓ કહે છે કે જ્યારે તેમના પિતાનું અવસાન થયું, ત્યારે સ્થાનિક નેતાઓ સહિત હજારો ધાર્મિક લોકો અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.

ઝમા બીડના સૌથી મોટા નેતાઓમાંના એકનો ઉલ્લેખ કરીને કહે છે, “ગોપીનાથ મુંઢે સાથે મારે ખૂબ સારા સંબંધો હતા. મારા આખા પરિવારે 2009માં તેમને મત આપ્યો હતો, ભલે તેઓ ભાજપના હતા તો પણ. અમે જાણતા હતા કે તે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે તફાવત નહીં કરે.”

તેઓ કહે છે કે બીડથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી મુંઢેની પુત્રી પંકજા સાથે પણ તેમનો સારો સંબંધ છે, જોકે તેમનું માનવું છે કે મોદીના સાંપ્રદાયિક ભાષણો સામે તે વાંધો નહીં ઉઠાવે. ઝમા કહે છે, “તેમણે બીડમાં તેમની રેલી દરમિયાન પણ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી હતી. તેમની મુલાકાત પછી પંકજાએ હજારો મત ગુમાવ્યા હતા. તમે જૂઠું બોલીને વધુ દૂર ન જઈ શકો.”

ઝમા તેમના પિતાના જન્મ પહેલાંની એક વાર્તા યાદ કરે છે. તેમના ઘરથી નજીકમાં જ એક મંદિર આવેલું છે, જે 1930ના દાયકામાં તપાસ હેઠળ આવ્યું હતું. કેટલાક સ્થાનિક મુસ્લિમ નેતાઓનું માનવું હતું કે તે વાસ્તવમાં એક મસ્જિદ હતી અને તેમણે હૈદરાબાદના નિઝામને મંદિરનું ધર્માંતરણ કરવાની અપીલ કરી હતી. ઝમાના પિતા સૈયદ મહબૂબ અલી શાહ સાચા બોલા તરીકે પ્રખ્યાત હતા.

ઝમા કહે છે, “તે નક્કી કરવાનું તેમના હાથમાં હતું કે તે મસ્જિદ હતી કે મંદિર. મારા પિતાએ જુબાની આપી હતી કે તેમણે ક્યારેય તે મસ્જિદ હોવાના પુરાવા જોયા નથી. મામલો ઉકેલાઈ ગયો હતો અને મંદિરને બચાવી લેવામાં આવ્યું હતું. તેનાથી કેટલાક લોકોને નિરાશા સાંપડી હોવા છતાં, મારા પિતા જૂઠું બોલ્યા નહીં. અમે મહાત્મા ગાંધીના ઉપદેશોમાં માનીએ છીએઃ ‘સત્ય હંમેશાં તમને મુક્ત કરે છે’.”

મોઈન સાથેની વાતચીત દરમિયાન પણ ગાંધીનો સંદર્ભ નિયમિતપણે આવે છે. તેઓ કહે છે, “તેમણે આપણી વચ્ચે એકતા અને હળીમળીને રહેવાની સંસ્કૃતિનો વિચાર ઊભો કર્યો હતો”, અને પછી તેઓ એક જૂનું હિન્દી ફિલ્મનું ગીતઃ તુ ના હિંદુ બનેગા, ના મુસલમાન બનેગા. ઈન્સાન કી ઔલાદ હૈ, ઈન્સાન બનેગા. ગાવા લાગે છે.

મોઈન કહે છે કે જ્યારે તેઓ 1990માં બીડમાં કાઉન્સેલર બન્યા ત્યારે આ તેમનું સૂત્ર હતું. તેઓ હસીને કહે છે, “મેં 30 વર્ષ પછી 1985માં દરજી તરીકેની મારી નોકરી છોડી દીધી હતી, કારણ કે હું રાજકારણ તરફ આકર્ષાયો હતો. પરંતુ હું રાજકારણી તરીકે લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. હું સ્થાનિક ચૂંટણીઓમાં પણ થઈ રહેલા ભ્રષ્ટાચાર અને નાણાંનો ઉપયોગને સ્વીકારી શક્યો ન હતો. હું 25 વર્ષથી વધુ સમયથી નિવૃત્ત છું.”

PHOTO • Parth M.N.

ઝમાને 1992-93ની અશાંતિ દરમિયાન તેમના બીડ શહેરમાં વ્યાપેલા તણાવ યાદ છે. ‘મારા દીકરાએ શહેરમાં શાંતિ યાત્રા કાઢી હતી, જેથી આપણો ભાઈચારો અકબંધ રહે. તેમાં હિંદુઓ અને મુસ્લિમો બંને મોટી સંખ્યામાં જોડાયા હતા. તે એકતામાં હવે ભંગાણ પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે’

ઝમાનો નિવૃત્ત થવાનો નિર્ણય પણ બદલાતા સમય અને પ્રચંડ ભ્રષ્ટાચારને કારણે થયો છે. જ્યારે સમય સારો હતો ત્યારે તેમણે સ્થાનિક ઠેકેદાર તરીકે કામ કર્યું હતું. તેઓ યાદ કરીને કહે છે, “1990ના દાયકા પછી, તે બદલાઈ ગયું. કામની ગુણવત્તા પાછળ રહી ગઈ હતી અને બસ લાંચ વગર કશું ચાલતું નહીં. મને લાગ્યું કે તેના કરતાં હું ઘરે જ સારો.”

નિવૃત્તિમાં, ઝમા અને મોઈન બંને વધુ ધાર્મિક બની ગયા છે. ઝમા સવારે 4:30 વાગ્યે જાગી જાય છે અને સવારે નમાઝ પઢે છે. મોઈન શાંતિની શોધમાં તેમના ઘર અને શેરીની બાજુમાં આવેલી મસ્જિદની વચ્ચે ફરતા રહે છે. તેઓ નસીબદાર છે કે તેમની મસ્જિદ બીડમાં એક સાંકડી ગલીમાં છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, હિંદુ જમણેરી જૂથોએ મસ્જિદોની સામે ઉશ્કેરણીજનક, દ્વેષપૂર્ણ અને ચીઢાવનારાં ગીતો વગાડીને રામનવમીના તહેવારની ઉજવણી કરી છે. બીડની પરિસ્થિતિ પણ તેનાથી અલગ નથી. સદનસીબે, જ્યાં મોઈનની મસ્જિદ આવેલી છે તે ગલી આવી ઉશ્કેરણીજનક શોભાયાત્રા કાઢવા માટે ખૂબ નાની છે.

તે અર્થમાં ઝમા થોડા ઓછા નસીબદાર છે. તેમણે એવા ગીતો સાંભળવા પડે છે જે મુસ્લિમો સામે હિંસા તેમજ તેમના અમાનવીકરણની હાકલ કરે છે. દરેક શબ્દથી તેમને જાણે તેઓ ઓછા માણસ હોય તેવી લાગણી થાય છે.

ઝમા કહે છે, “મને યાદ છે કે મારા પૌત્રો અને તેમના મુસ્લિમ મિત્રો રામનવમી અને ગણેશ ઉત્સવ દરમિયાન હિંદુ યાત્રાળુઓને પાણી, રસ અને કેળા પીરસતા હતા. તે એક એવી સુંદર પરંપરા હતી જેનો અંત ત્યારે આવ્યો જ્યારે તેમણે માત્ર આપણને ખરાબ લગાડવા માટે ઉશ્કેરણીજનક ગીતો વગાડવાનું શરૂ કર્યું.”

PHOTO • Parth M.N.

ઝમા હાલમાં જ્યાં રહે છે, ત્યાં જ તેમનો જન્મ થયો હતો. તેમનો પરિવાર બીડના પ્રભાવશાળી મુસ્લિમ પરિવારોમાંનો એક છે, જેમને રાજકીય નેતાઓ ઘણી વાર ચૂંટણી પહેલા આશીર્વાદ લેવા માટે બોલાવે છે. તેમના પિતા અને દાદા, બંને શિક્ષકો હતા, અને ‘પોલીસ કાર્યવાહી’ દરમિયાન જેલમાં પણ ગયા હતા. તેઓ કહે છે કે જ્યારે તેમના પિતાનું અવસાન થયું, ત્યારે સ્થાનિક નેતાઓ સહિત હજારો ધાર્મિક લોકો અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા

તેમને ભગવાન રામ માટે અપાર આદર છે, પરંતુ તેઓ કહે છે, “રામે ક્યારેય કોઈને બીજાને ધિક્કારવાનું નથી શીખવ્યું. યુવાનો પોતાના ભગવાનને બદનામ કરી રહ્યા છે. ભગવાન રામે જેનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તે આ વસ્તુઓ નથી.”

મસ્જિદોની સામે ઉશ્કેરણીજનક યાત્રાઓ કાઢતા હિંદુઓમાં પુખ્ત વયના યુવાનોનું વર્ચસ્વ છે, અને ઝમાને આ બાબત સૌથી વધુ ચિંતિત કરે છે. તેઓ કહે છે, “જ્યાં સુધી તેમના હિંદુ મિત્રો [સાથે જમવા] ન આવે ત્યાં સુધી મારા પિતા ઈદ પર જમતા પણ નહોતા. મેં પણ એવું જ કર્યું હતું. પણ, હું તેમાં મોટો બદલાવ આવતો જોઉં છું.”

મોઈન કહે છે કે, જો આપણે લોકો હળીમળીને રહેતા હતા તે દિવસોમાં પાછા ફરવા માંગતા હોઈએ, તો આપણે એકતાના સંદેશને ફરીથી જીવંત કરવા માટે ગાંધી જેવી દૃઢતા અને પ્રામાણિકતા ધરાવતી વ્યક્તિની જરૂર પડશે.

ગાંધીજીની યાત્રા તેમને મજરૂહ સુલ્તાનપુરીની એક પંક્તિની યાદ અપાવે છેઃ “મૈં અકેલા હી ચલા થા જાનીબે મંઝિલ મગર, લોગ સાથ આતે ગએ ઔર કારવાં બનતા ગયા [હું લક્ષ્ય તરફ એકલો જ ચાલી નીકળ્યો હતો; લોકો જોડાતા રહ્યા અને કાફલો વધતો ગયો].”

તેઓ કહે છે, “નહીં તો બંધારણમાં ફેરફાર થશે અને આવનારી પેઢીને નુકસાન થશે.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad