અંબાપાનીના રહેવાસીઓને સંસદ સભ્ય બનાવાની મહેચ્છા રાખતા ઉમેદવારોની યજમાની કરીને તેમને ઘરગંટીમાં દળેલા મકાઈના તાજા લોટમાંથી બનાવેલી ભાખરી કે રમત રમતમાં ઝાડ પર ચઢી જતા બાળકો દ્વારા તોડવામાં આવેલા ચરોલીના મધમીઠા ફળો પીરસવાનું ગમશે.

અહીં કોઈ પણ નોંધપાત્ર રાજકીય પ્રતિનિધિએ ક્યારેય પગ મૂક્યો નથી, પાંચ દાયકા પહેલાં લોકોએ અહીં સૌપ્રથમવાર વાંસ, કાદવ અને છાણનાં ઘરો બાંધ્યાં ત્યારથી તો એકે વાર નહીં. ખડકાળ અને પથરાળ સતપુરાના ઢોળાવની શ્રેણીમાં વસેલું આ ગામ સૌથી નજીકના વાહન ચલાવવા યોગ્ય રસ્તાથી 13 કિલોમીટર ઉપર ટેકરી પર આવેલું છે.

2011ની વસ્તી ગણતરી મુજબ, 818 લોકોની વસ્તી ધરાવતા અંબાપાનીમાં ન તો સારો રસ્તો છે, ન વીજ જોડાણ છે, ન વહેતું પાણી છે, ન તો મોબાઈલ ફોન નેટવર્ક છે, ન કોઈ વાજબી ભાવની દુકાન છે, ન કોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે કે ન કોઈ આંગણવાડી કેન્દ્ર છે. અહીંના બધા રહેવાસીઓ પવારા સમુદાયના છે, જેઓ રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે. અહીંના 120 ઘરોમાંથી મોટાભાગના પરિવારોનો વંશ મધ્ય પ્રદેશમાં મૂળ ધરાવતા ચાર કે પાંચ મોટા કુળોમાં છે, જેનું અહીંથી સૌથી ટૂંકું અંતર 30 કિમી ઉત્તરમાં છે.

નેટવર્ક શેડો ઝોનમાં સ્થિત આ વિસ્તારમાં, ન તો ટેલિવિઝન સેટ છે અને ન તો સ્માર્ટફોન. મહિલા મંગલસૂત્રો વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચેતવણીઓથી માંડીને બંધારણની સુરક્ષા અંગે કોંગ્રેસના ઉપદેશો સુધી, 2024ના લોકસભા અભિયાનના સૌથી ગરમાગરમ અને ગંભીર બનાવો પણ અંબાપાનીના મતદારો સુધી પહોંચી નથી.

ઉંગ્યા ગુર્જા પવારા કોઈ આકર્ષક ચૂંટણીના વાયદા વિશે કહે છે, “કદાચ, એકાદ પાકો રસ્તો.” 56 વર્ષીય ઉંગ્યા આ ગામડાના મૂળ વસાહતીઓમાંથી એકનાં વંશજ છે. લગભગ એક દાયકા પહેલાં, જ્યારે તેમણે તેમના ઘર માટે સ્ટીલની એક તિજોરી ખરીદી હતી, ત્યારે ચાર માણસો 75 કિલોની એ તિજોરીને “સ્ટ્રેચરની જેમ” ચઢાણ પર ઉંચકીને લઈ ગયા હતા.

ખેત પેદાશોને ઢોળાવ પરથી 13 કિમી નીચે આવેલા મોહરાલેના બજારમાં દ્વિચક્રી વાહનો દ્વારા લઈ જવામાં આવે છે. આ સફરમાં એક સમયે લગભગ એક ક્વિન્ટલ જેટલી ઉપજને તીવ્ર ઢોળાવવાળા જોખમી માટીના માર્ગ પર, શ્રેણીબદ્ધ ખાડાટેકરા, ઓચિંતા વળાંકો, કાંકરીઓ, પર્વતીય ઝરણાં અને પ્રસંગોપાત જોવા મળતા સ્લોથ રીંછનો ભેટો થાય એ પાછું વધારાનું.

ઉંગ્યા વિચારે છે, “જો કે, બીજી બાજુ, એ વિચારવું રહ્યું કે રસ્તો બનશે તો ગેરકાયદેસર થતા લાકડાના વેપારને વેગ તો નહીં મળે ને!”

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ડાબેઃ અંબાપાનીમાં તેમના ઘરની સામે ઉંગ્યા પવારા અને તેમનો નજીકનો પરિવાર. જમણેઃ ઉંગ્યાનાં પત્ની, બાધીબાઈનો અંગૂઠો લગભગ કપાઈ ગયો હતો, જ્યારે બળતણનાં લાકડાં કાપવા માટેની કુહાડી તેમના પગ પર પડી હતી. આવા જખમની સારવાર માટે નજીકમાં એકે ક્લિનિક નથી


PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ગામમાં ઉંગ્યા પવારાનું ઘર (ડાબે). તેઓ અહીંના મૂળ વસાહતીઓમાંથી એકના વંશજ છે. ઉંગ્યા અને બધિબાઈની દીકરી રેહંદી પવારાના સાસરિયાના ઘરની બહાર આવેલું ચરોલીનું ઝાડ (જમણે). ઝાડ પર ચડવું અને તેના મીઠા ફળો તોડવા એ ગામના બાળકો માટે લોકપ્રિય રમત છે

તેમનાં પત્ની બાધિબાઈ લગભગ એકાદ મહિનાથી લંગડાતાં ચાલી રહ્યાં છે, કારણ કે બળતણ માટે લાકડાં કાપતી વખતે તેમના પગના અંગૂઠા પર છરી પડી હતી. ઘા ઊંડો છે, પરંતુ તેમણે તેને પટ્ટી બાંધવાની પણ તસ્દી નથી લીધી. તેમણે આ ઈજાની કેમ અવગણના કરી તે વિશે તેઓ કહે છે, “મોહરાલા કિન્વા હરિપુરાપર્યંત ઝાવે લાગતે [આ માટે મારે મોહરાલે અથવા હરિપુરા જવું પડશે].” તેઓ મજાકમાં કહે છે, “શું એકે પક્ષ અમને અહીં એક સારું દવાખાનું બનાવી આપશે?”

અંબાપાનીમાં ઓછામાં ઓછું એક બાળક કુપોષિત હોવાનું નિદાન થયું હતું, જો કે તેના પરિવારને ખબર નથી કે તે નાની છોકરી કેટલી તીવ્ર કુપોષિત છે. ગામના લોકો કહે છે કે લગભગ એક દાયકા પહેલાં જરૂરી મંજૂરીઓ મળી ગઈ હોવા છતાં ત્યાં એકેય આંગણવાડી નથી બની.

તેના બદલે, મોહરાલેની એક આંગણવાડી કાર્યકરને અંબાપાનીનો વધારાનો હવાલો સોંપી દેવાયો છે, જે દર થોડા અઠવાડિયામાં એક વાર લાભાર્થી બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે ઘરે લઈ જવાનાં રાશનનાં પડીકાં તેમજ સગર્ભા સ્ત્રીઓ માટે લોહતત્ત્વ અને ફોલિક એસિડની ગોળીઓ પૂરી પાડવા માટે આ મુશ્કેલ મુસાફરી કરે છે. બધીબાઈ કહે છે, “જો અમારે અહીં આંગણવાડી હોત, તો ઓછામાં ઓછા નાના બાળકો ત્યાં જઈ શકતા અને કંઈક શીખી શકતા.” ઉંગ્યા કહે છે કે ગામમાં છ વર્ષની ઉંમર સુધીના 50થી વધુ બાળકો છે, જે વય જૂથને સંકલિત બાળ વિકાસ સેવા યોજના (આઇ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવતાં આંગણવાડી કેન્દ્રોથી લાભ થાત, જો આંગણવાડી કેન્દ્રો કાર્યરત હોત તો.

બાળકો પરંપરાગત રીતે ઘરે જ જન્મે છે, જો કે તાજેતરના વર્ષોમાં કેટલીક નવયુવાન મહિલાઓએ 13 કિલોમીટર દૂર મોહરાલે અથવા હરિપુરાના દવાખાનાઓમાં પ્રસુતિ માટે મુસાફરી કરી છે.

ઉંગ્યા અને બધિબાઈને પાંચ દીકરા અને બે દીકરીઓ છે, અને પૌત્રો-પૌત્રીઓનો મોટો વંશ છે. આ અશિક્ષિત દંપતીએ તેમના પુત્રોને શાળામાં મૂકવાનો પ્રયાસ તો કર્યો હતો, પરંતુ યોગ્ય રસ્તા વિના તે ક્યારેય વાસ્તવિક લક્ષ્ય નહોતું.

લગભગ બે દાયકા પહેલાં અહીં એક શાળાની ‘ઈમારત’ ઉભરી આવી હતી, એક વાંસની દીવાલો અને છાપરાવાળો ઓરડો, જે હવે કદાચ ગામની સૌથી જર્જરીત ઈમારત હશે.

અંબાપાનીના રહેવાસી અને અંબાપાનીના અન્ય મૂળ નિવાસી બાજર્યા કંડલ્યા પવારાના પુત્ર રૂપસિંહ પવારા પૂછે છે, “હકીકતમાં ત્યાં એક શિક્ષકની નિમણૂક કરવામાં આવેલી તો છે, પરંતુ શું તમે તાલુકાના અન્ય ભાગોમાંથી દરરોજ કોઈ અહીં સવારી કરીને આવશે તેવી અપેક્ષા રાખો છો?” સ્થાનિકો દાવો કરે છે કે તેમને (બાજર્યા કંડલ્યા પવારાને) તેમની બે પત્નીઓથી કુલ 15 બાળકો હતાં. માત્ર નિષ્ણાત બાઈકરો અને સ્થાનિક લોકો જ આ 40 મિનિટની સવારી હાથ ધરવાનું સાહસ કરે છે. તેઓ કહે છે કે આ સવારી કાચા દિલન લોકો માટે નથી અને વન વિભાગના રક્ષકો પણ ઘણી વાર રસ્તામાં ખોવાઈ ગયાના બનાવ બન્યા છે.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

અંબાપાનીમાં બે દાયકા પહેલાં એક શાળાનું મકાન (ડાબે) બન્યું હતું પરંતુ ત્યાં હજુસુધી કે શિક્ષક નથી વ્યો. ગામના રૂપસિંહ પ વારા (જમણે) પૂછે છે , ‘ હકીકતમાં ત્યાં [શાળામાં] એક શિક્ષકની નિમણૂક કરવામાં આવેલી છે , પરંતુ શું તમે તાલુકાના અન્ય ભાગોમાંથી દરરોજ કોઈ અહીં સવારી કરીને આવશે તેવી અપેક્ષા રાખો છો ?’

PHOTO • Kavitha Iyer

જલગાંવ જિલ્લાના યાવલ તાલુકામાં આવેલા અંબાપાની ગા મે જવાનો એકમાત્ર માટીનો માર્ગ કે જેના પર મોટરબાઈક દ્ વારા 40 મિનિટ નું ખતરનાક ચઢાણ કરવું પડે છે

બધિબાઈના પૌત્રોમાંનો એક બાર્ક્યા, પડોશી ચોપળા તાલુકામાં ધનોરામાં આશ્રમ શાળા (રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને અનુસૂચિત જનજાતિ અને વિચરતી જનજાતિના બાળકો માટે ચલાવવામાં આવતી રહેણાંક શાળાઓ) માંથી ઉનાળાની રજા માટે પરત ફર્યો છે. બીજો પૌત્ર એક બીજી આશ્રમશાળામાં ભણે છે.

અંબાપાની ખાતે, અમને સ્ટીલના પ્યાલામાં નદીનું પાણી અને નાના સિરામિકના કપમાં કાળી ચા પીરસવામાં આવી હતી. જે ચાર યુવતીઓએ અમને પીરસ્યું હતું, તેમનું કહેવું છે કે તેઓ ક્યારેય શાળામાં નથી ગઈ.

બાધીબાઈની પુત્રી રેહંદીનું સાસરિયું લગભગ એક કે બે કિલોમીટર દૂર છે. ત્યાં જવા માટે પવારા પુરુષોએ જાતે બનાવેલા વળાંકવાળા માટીના માર્ગ પરથી પસાર થવું પડે છે, જે એક ટેકરી-ઢોળાવવાળા ઉબડખાબડ રસ્તાને કાપીને જાય છે.

રેહંદી કહે છે કે કેટલાક મતદારોને એવો પણ વિચાર આવી શકે છે કે શું જાતિ પ્રમાણપત્ર મેળવવાની સરકારી પ્રક્રિયાઓને સરળ ન બનાવી શકાય! આસપાસ ભેગા થયેલા અન્ય પુરુષો કહે છે કે ગામના લગભગ 20 ટકાથી 25 ટકા લોકો પાસે રેશનકાર્ડ નથી.

રેશનની દુકાન (જાહેર વિતરણ વ્યવસ્થા) મોહરાલેથી દક્ષિણ તરફ લગભગ 15 કિમી દૂર કોરપાવલી ગામમાં આવેલી છે. ત્યાં છ વર્ષની વયે પહોંચેલાં બાળકોની જન્મ પ્રમાણપત્ર માટે હજુય નોંધણી નથી થઈ, અને સંસ્થાકીય પ્રસૂતિ પણ ન હોવાથી, આનો અર્થ થાય છે પરિવારો આવા નાના સભ્યો માટે આધાર કાર્ડ મેળવવા અથવા તેમને પરિવારના રેશનકાર્ડમાં લાભાર્થી તરીકે સામેલ કરવા માટે સંઘર્ષ કરશે.

મહિલાઓએ કહ્યું કે રાજકારણીઓ પાસેથી માંગવા માટે પાણીની પહોંચ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે.

ગામમાં એકે કૂવો કે બોરવેલ નથી, કે ન તો હેન્ડપંપ કે પાઈપલાઈન છે. ગામના લોકો પીવાના પાણી અને સિંચાઈ માટે ચોમાસાના પ્રવાહો અને પશ્ચિમ તરફ વહેતી તાપીની ઉપનદીઓ પર આધાર રાખે છે. અહીં પાણીની તીવ્ર અછત ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ઉનાળો જેમ જેમ જોમ પકડે છે તેમ તેમ પાણીની ગુણવત્તા બગડે છે. રેહંદી કહે છે, “કેટલીકવાર અમે માણસોને મોટરબાઈક પર પાણી લાવવા માટે કેન સાથે મોકલીએ છીએ.” મોટે ભાગે, દિવસમાં કેટલીયે વાર પાણીના ઘડામાં પાણી ભરીને લાવવાનું કામ સ્ત્રીઓ અને છોકરીઓના માથે હોય છે, જેમાં તેમણે ઘણી વાર ઉબડખાબડ પથરાળ રસ્તાઓ પર ઉઘાડે પગે ચાલીને જવું પડે છે.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

અંબાપાનીમાં વિકસિત પાઈપલાઈનમાંથી સ્વચ્છ પર્વતીય પાણી વહે છે. ગામમાં કૂવા , બોરવેલ , હેન્ડપંપ કે પાઈપલાઈન ની સુવિધા નથી

શાળાની ઈમારત તરફ જતા ચઢાણવાળા માટીના રસ્તા પરથી પસાર થતાં થતાં, કમલ રહાંગ્યા પવારા સાલના ઝાડની છાલ તરફ નજર કરે છે. અને પછી તેને તીક્ષ્ણ ધારવાળા શંકુ આકારના ધાતુના કપથી ઘસે છે. તેમના લવચીક ધડ પર એક ઘસાઈ ગયેલો રેક્સિનનો થેલો છે, જેમાં સાલના ઝાડ (શોરિયા રોબસ્ટા) માંથી લગભગ ત્રણ કિલોગ્રામ સુગંધિત રાળ ભરેલી છે. તે સવારનો મધ્ય સમય છે, અને અગાઉની બપોરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ આજે પાર થઈ જાય તેવી ભીતિ છે.

કમલ જેટલી રાળ ઉપલબ્ધ છે તે બધી એકત્રિત કરવાની ફિરાકમાં છે, અને કહે છે કે તેમને હરિપુરા બજારમાં આનો આશરે 300 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળશે. તેમણે રાળ એકત્ર કરવામાં લગભગ પાંચ કલાક પસાર કર્યા છે, અને થેલી ભરવામાં ચાર દિવસ લાગ્યા છે. સ્થાનિક લોકો આ ચીકણી રાળને ‘ડિંક’ કહે છે, જો કે તે મહારાષ્ટ્રની શિયાળાની લોકપ્રિય વાનગી ડિંક લાડૂમાં વપરાતું ખાદ્ય ગુંદ નથી. આ રાળમાં લાકડાની અને થોડી કસ્તૂરીની સોડમ હોય છે, જેના લીધે અગરબત્તીના ઉત્પાદકોમાં તેની માંગ રહે છે.

રાળ કાઢવા માટે વૃક્ષની છાલના બાહ્ય આવરણને જમીનથી લગભગ એક મીટરના અંતરે થોડા વિભાગોમાં કાળજીપૂર્વક કાઢવું પડે છે, પછી આ પ્રક્રિયાને પુનરાવર્તન કરતા પહેલાં રાળ બહાર નીકળે તે માટે થોડા દિવસો સુધી રાહ જોવી પડે છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઝાડના મૂળને બાળીને રાળ મેળવવાની એક નવી પદ્ધતિને કારણે વનનાબૂદીનું એક ઉભરતું જોખમ તોળાઈ રહ્યું છે. કમલ કહે છે કે અંબાપાનીના ડિંક એકત્ર કરનારા લોકો તો પરંપરાગત છાલ કાપવાની પદ્ધતિ જ પસંદ કરે છે. તેઓ આનું કારણ આપતાં કહે છે, “અમારાં ઘર ત્યાં જ આવેલાં છે, તેથી અહીં કોઈ આગ પ્રગટાવતું નથી.”

વૃક્ષની રાળ, સાલના વૃક્ષનાં પાંદડાં, તેનાં રસ ઝરતાં બેરીનાં ફળો, તેંદુના પાંદડાં અને મહુઆના ફૂલો સહિત વન પેદાશોનો સંગ્રહ ન તો આખા વર્ષ દરમિયાન ઉપલબ્ધ હોય છે કે ન તો તે નફાકારક છે. કમલ જેવા પુરુષો રાળ એકઠી કરીને આખા વર્ષ દરમિયાન 15,000 થી 20,000 રૂપિયા કમાય છે અને અન્ય વન પેદાશોમાંથી પણ સમાન રકમની જ કમાણી થાય છે.

અંબાપાનીમાં ચોવીસ પરિવારોને અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસીઓ (અધિકારોની માન્યતા) અધિનિયમ , 2006 હેઠળ જમીનના હક મળ્યા હતા. કોઈ સિંચાઈની સુવિધા વિના, સૂકી મોસમ દરમિયાન જમીન પડતર જ રહે છે.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

કમલ પવારા સાલના ઝાડમાંથી રાળ એકત્રિત કરે છે જેને તે આશરે 13 કિલોમીટર દૂર હરિપુરાના બજારમાં 300 રૂપિયા પ્રતિ કિલો ના ભાવે વેચે છે

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

તે ચીકણા ગુંદને એકત્રિત કરવા માટે સાલના ઝાડ પર શંકુ આકારના ધાતુના કપ (ડાબે) વડે ચીરો પાડે છે. તેમના ધડ પર એક ઘસાઈ ગયેલી રેક્સિનની થેલી (જમણે) છે, જેમાં લગભગ ત્રણ કિલોગ્રામ સુગંધિત રાળ છે

લગભગ એક દાયકા પહેલાં, જેમ જેમ પરિવારો વધ્યા અને જમીનના ભરોસે ટકી રહેવું શક્ય ન રહ્યું, એટલે અંબાપાનીના પવારોએ શેરડીની લણણીના મજૂરો તરીકે કામ મેળવવા માટે વાર્ષિક સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. એક મજૂર અને પેટા-ઠેકેદાર કેલરસિંઘ જામસિંઘ પવારા કહે છે, “દર વર્ષે, લગભગ 15 થી 20 પરિવારો હવે કર્ણાટકની મુસાફરી કરે છે.” કેલરસિંઘને લણણીના આ કામ માટે દરેક ‘કોયતા’ને કરારબદ્ધ કરવા બદલ 1,000 રૂપિયા કમિશન મળે છે.

‘કોયતા’ નો શાબ્દિક અર્થ દાતરડું થાય છે, જે મહારાષ્ટ્રમાં શેરડીના ખેતરોમાં મજૂરના એકમ — પતિ-પત્નીના જોડા — ને આપવામાં આવેલું નામ છે. તેઓ બિનઅનુભવી શેરડી કામદારો હોવાને કારણે, પવારોને એડવાન્સ તરીકે ઓછી રકમ એક સામટી ચુકવવામાં આવે છે. તેમને લગભગ 50,000 રૂપિયા ચુકવવામાં આવે છે, જે શેરડીના વાવેતરમાં પ્રવૃત્ત અન્ય મજૂરોની સરખામણીમાં ઓછી છે.

કેલરસિંઘ કહે છે, “બીજું કોઈ કામ ઉપલબ્ધ નથી.” માસિક 10,000 રૂપિયા માટે એક દંપતિએ દિવસના 12-16 કલાકો સુધી કામ કરવું પડે છે. જે દરમિયાન તેમણે શેરડીની દાંડીઓ કાપીને ટુકડા કરવાનું, તેમને બાંધીને તેમને શેરડીની ફેક્ટરી તરફ જતાં ટ્રેક્ટર્સમાં ગોઠવવાનું હોય છે, અને ઘણી વાર તો તેમણે વહેલી સવારે પણ આ કામ કરવું પડે છે.

રૂપસિંહ કહે છે કે અંબાપાનીમાં શેરડીની લણણી પર ગયેલા મજૂરોનાં બે મૃત્યુ નોંધાયાં છે. તેઓ કહે છે, “અગાઉ ચુકવવામાં આવતી રકમ એટલી ઓછી હોય છે કે તે થોડાક જ દિવસોમાં ખર્ચાઈ જાય છે. અને અકસ્માતો અથવા જાનહાનિ માટે કોઈ તબીબી સહાય અથવા વીમો કે વળતર નથી હોતું.”

જ્યારે તેઓ શેરડીના ખેતરોની નજીક તંબુઓમાં રહે છે ત્યારે અને ટ્રક અને ટ્રેક્ટરના જોખમો તથા ભાષાની સમસ્યાઓ, લણણીના સમયગાળા દરમિયાન મહિલાઓ અને બાળકોને નડતી મુશ્કેલીઓની વાત કરે છે. કેલરસિંઘ પૂછે છે, “ત્યાં પરિસ્થિતિ ખતરનાક હોય છે, પરંતુ અન્ય કઈ નોકરી એક સામટી રકમ અગાઉથી ચૂકવે છે?”

તેઓ કહે છે કે અંબાપાનીના લગભગ 60 ટકા લોકોએ શેરડીની લણણી માટે મજૂરો તરીકે કામ કર્યું છે.

અગાઉથી જે મોટી રકમની ચુકવણી કરવામાં આવે છે એ માત્ર ઘરના નાના મોટા સમારકામ અથવા બાઈકની ખરીદી માટે જ નહીં, પણ કન્યાને લાવવા માટે આપવી પડતી રકમમાં પણ ઉપયોગી નીવડે છે, જે પાવરા સમુદાયના વરરાજાએ આવનારી નવવધૂનાં માતાપિતાને ચૂકવવી પડે છે. આ રકમ પવારા પંચાયત દ્વારા વાટાઘાટો કરીને લાગુ કરવામાં આવે છે.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

અંબાપાનીના ઘણા રહેવાસીઓ શેરડીની લણણીના મજૂરો તરીકે કામ કરવા સ્થળાંતર કરે છે. કેલરસિં ઘ જમસિંઘ પવારા (ડાબે) કર્ણાટકમાં શેરડીની લણણી માટે કરારબદ્ધ કરતા કરતા દરેક પતિ-પત્ની દંપતી દીઠ 1,000 રૂપિયાનું કમિશન મેળવે છે . મોટાભાગના લોકો છેલ્લા કેટલાક વર્ષોથી શેરડીની લણણી માટે મુસાફરી (જમણે) કરતા રહે છે. તેઓ કહે છે કે જો તેમને ઘરની નજીક નોકરી મળશે, તો તેઓ શેરડી કાપવાનું કામ નહીં કરે

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ડાબેઃ ગામમાં ઈવીએમ શાળાની ઈમારતમાં મૂકવામાં આવશે, જે વાંસની બનેલી દિવાલો ને છતવાળો રડો જ છે. જમણેઃ શાળાની બહાર તૂટેલું શૌચાલય

પવારા જનજાતિ વચ્ચેના સામાજિક અને વૈવાહિક સંબંધોને સંચાલિત કરતાં ધોરણો અનન્ય છે. લગ્નના વિવાદો પર પંચાયત કેવી રીતે શાસન કરે છે તે વિશે રૂપસિંહ સમજાવે છે. વાટાઘાટો દરમિયાન બંને પક્ષો એકબીજાથી થોડા યાર્ડ દૂર બેસે છે, જે પ્રક્રિયાને ઝઘડા કહેવાય છે. પ્રસંગોપાત, લગ્નના થોડા દિવસો પછી કન્યાને તેનાં માતા-પિતાને ઇઝ્ઝત કહેવાતી ચુકવણી સાથે પરત કરવામાં આવે છે, પરંતુ જો તે બીજા પુરુષ સાથે ભાગી જાય છે તો કન્યાના પરિવારે એકત્રિત કરેલી કન્યાની કિંમતનું બમણું વળતર ચૂકવવું પડશે.

જલગાંવના જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદ કહે છે, “અંબાપાની ખરેખર એક વિશિષ્ટ ગામ છે.” સ્થાનિકો કહે છે કે તેઓ ડિસેમ્બર 2023માં તેમને મળવા માટે 10 કિમીની પદયાત્રા કરનારા પ્રથમ ડીસી [ડિસ્ટ્રિક્ટ કલેક્ટર] હતા. “તે [ગામ] માં તેની ભૌગોલિક સ્થિતિને કારણે અનન્ય પડકારો છે, પરંતુ અમે વધુ સારી સેવાઓ પૂરી પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે.” એક મુખ્ય કાનૂની પડકાર એ રહ્યો છે કે મૂળ જંગલની જમીન પર વસાહત હોવાથી આ ગામને મહેસૂલ વિભાગ દ્વારા માન્યતા આપવામાં આવી નથી. પ્રસાદે કહ્યું, “અંબાપાનીને ગાઓઠન બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, અને તે પછી ઘણી સરકારી યોજનાઓ માટે પાત્રતા મળી શકે છે.”

હમણાં માટે, શાળાનો ઓરડો, તેની બહાર એક તૂટેલા શૌચાલયનો બ્લોક આવી ગયાં છે, જ્યાં 300 જેટલા નોંધાયેલા મતદારો 13 મેના રોજ મતદાન કરશે. અંબાપાની જલગાંવ જિલ્લાના રાવેર સંસદીય મતવિસ્તારમાં આવે છે. ચઢાણ પર ઈવીએમ અને અન્ય તમામ મતદાન સામગ્રીને પગપાળા અને મોટરબાઈક દ્વારા લઈ જવામાં આવશે.

સામાન્ય ચૂંટણી દરમિયાન આ મતદાન મથક પર સરેરાશ 60 ટકા મતદાન થયું હતું અને અધિકારીઓએ જણાવ્યું હતું કે અંબાપાનીને તેના લોકશાહી અધિકારનો ઉપયોગ કરવા માટે જરૂરી બધી જ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે. માત્ર લોકશાહીના પુરસ્કારો જ ધીમે ધીમે આવશે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Kavitha Iyer

Kavitha Iyer has been a journalist for 20 years. She is the author of ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021).

Other stories by Kavitha Iyer
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad