આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ  ગોયેન્કા એવોર્ડ ૨૦૧૯ એનાયત થયો છે.

તેઓ રોજ સવારે ૩ વાગ્યે ઊઠે છે. ૫ વાગ્યે કામ પર જતાં પહેલાં તેમને ઘરનાં બધાં કામકાજ પતાવી નાખવાનાં હોય છે. તેમના ઘરથી તેમના વિશાળ અને ભીના એવા કામકાજના સ્થળ સુધી પહોંચવાનો રસ્તો સાવ ટૂંકો છે. તેઓ ફક્ત ઘરમાંથી બહાર નીકળે અને એક ફાળ ભરે તો દરિયાએ પહોંચી જાય, અને પાણીમાં ભૂસકો મારી દે.

ઘણીવખત તેઓ હોડી લઈને નજીકના ટાપુઓ પર જાય અને તેની આજુબાજુ પાણીમાં કૂદકો લગાવે છે. તેઓ લગાતાર સાતથી આઠ કલાક સુધી આમ કરે છે. દરેક વખતે કૂદકો લગાવી પોટલું ભરીને દરીયાઈ વનસ્પતિ બહાર કાઢી લાવે છે, જાણે તેમનું ગુજરાન તેના ઉપર જ નિર્ભર કરતો હોય – અને ખરેખર એવું જ છે. પાણીમાં કૂદકો લગાવી દરિયાઈ વનસ્પતિઓ અને શેવાળ ભેગી કરવી એ જ તમિલનાડુના રામનાથપૂરમ જિલ્લાના ભારતીનગરના માછીમાર વિસ્તારની સ્ત્રીઓની આજીવિકાનું મુખ્ય સાધન છે.

જયારે કામકાજ ઉપર જાય ત્યારે તેમની સાથે કપડાં, જાળી, ઉપરાંત ‘રક્ષણાત્મક સાધનો’ લેતાં જાય છે. હોડીવાળો તેમને ટાપુઓ સુધી લઈ જાય છે, જ્યાં દરિયાઈ વનસ્પતિઓ  પુષ્કળ માત્રામાં હોય છે. આ સ્ત્રીઓ તેમની સાડીઓ બંને પગની વચ્ચે ધોતી-સ્ટાઈલમાં બાંધી, કમરે જાળી બાંધે છે, અને સાડી ઉપર ટી-શર્ટ પહેરી લે છે. રક્ષણાત્મક સાધનોમાં તેઓ તેમની સાથે આંખો માટે ચશ્મા, આંગળીઓએ બાંધવાના કપડાના ટુકડાઓ કે સર્જિકલ હાથમોજા, તથા પગે પહેરવા માટે રબરનાં ચપ્પલ રાખે છે, જેથી તેમના પગ પાણીમાં રહેલા પત્થરોથી છોલાય નહીં અને પગે કોઈ ઘા વાગે નહીં. જયારે તેઓ દરિયામાં હોય કે ટાપુની આજુબાજુ હોય ત્યારે જ આ વસ્તુઓ પહેરે છે.

આ પ્રદેશમાં દરિયાઈ વનસ્પતિઓને ભેગું કરવાનું કામકાજ મા પાસેથી દીકરીઓ પાસે પરંપરાગત રીતે, પેઢી દર પેઢી ચાલતું આવે છે. કારણ કે એકલું જીવન ગાળતી અને નિરાધાર સ્ત્રીઓ પાસે આ જ એક માત્ર આવકનો સ્ત્રોત છે.

આ તેમની એક માત્ર આવક છે, ને એ પણ ધીમે ધીમે ક્ષીણ થઈ રહી છે, કારણ કે દરિયાઈ વનસ્પતિ દિવસે દિવસે ઓછી થઈ રહી છે, ગ્લોબલ વોર્મિંગની ખરાબ અસરોને લીધે દરિયાના પાણીની સપાટી વધી રહી છે, વાતાવરણમાં પરિવર્તન થતું રહે છે, અને આ સંસાધનનું અતિ- શોષણ થઈ રહ્યું છે.

“દરિયાઈ વનસ્પતિની પેદાશ ખૂબ જ ઘટી ગઈ છે,” ૪૨ વર્ષના પી. રકમ્મા કહે છે. અહીં કામ કરતી અન્ય સ્ત્રીઓની જેમ તેણી પણ ભારતીનગરની છે, જે થીરુપ્પુલાની વિસ્તારના માયાકુલમ ગામની નજીક છે. “અમને પહેલાં જે રકમ મળતી હતી તે હવે નથી મળતી. ઘણીવાર તો તે (દરિયાઈ વનસ્પતિ) મહિનાના દસ દિવસ જ મળી રહે છે.” વર્ષમાં પાંચ જ મહિના વ્યવસ્થિત રીતે દરિયાઈ વનસ્પતિ મળી રહે છે, તે અમારા માટે એક મોટો ફટકો છે. રકમ્મા કહે છે કે ડીસેમ્બર ૨૦૦૪માં સુનામી આવ્યા પછી દરિયામાં મોજાં પ્રબળ થઈ ગયા છે અને દરિયાની સપાટી પણ વધી છે.

PHOTO • M. Palani Kumar

આ પ્રદેશમાં દરિયાઈ વનસ્પતિને ભેગી કરવાનું કામકાજ મા પાસેથી દીકરીઓ પાસે પરંપરાગત રીતે પેઢી દર પેઢી ચાલતું આવે છે. અહીં યુ. પંચવરામ બહેન દરિયાના પાણીમાં રહેલા ખડક પાસેથી દરિયાઈ વનસ્પતિ ભેગી કરી રહ્યાં છે

આ પરિવર્તનોથી એ.મૂકુપુરી જેવા દરિયાઈ વનસ્પતિને ભેગી કરતાં કામદારને ભારે નુકસાન થયું છે, કે જેઓ આઠ વર્ષના હતાં ત્યારથી આ કામ કરે છે. તેમનાં માતા-પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યાં હતાં, અને તેમનાં પરિવારજનોએ તેમના લગન એક દારૂડિયા સાથે કરાવી દીધા હતા. હાલમાં તેઓ ૩૫ વર્ષનાં છે, તેમને ૩ દીકરીઓ છે અને તેમનાં પતિ સાથે જ રહે છે, પણ તેઓ તેમના પરિવારને કમાવીને કશુંક આપી શકે કે મદદ કરી શકે એવી હાલતમાં નથી.

તેઓ તેમનાં પરિવારનાં એક માત્ર કમાનાર વ્યક્તિ છે, અને કહે છે કે, “ આમાંથી હવે પૂરતી કમાણી થતી નથી” કે તેમની ત્રણ દીકરીઓને આગળ ભણવામાં મદદ કરી શકે. તેમની દીકરીઓમાંથી સૌથી મોટી બી. કોમ પૂરું કરવા જઈ રહી છે, બીજા નંબરની કોલેજમાં એડમીશન લેવાની છે, અને સૌથી નાની છઠ્ઠા ધોરણમાં ભણે છે. મૂકુપુરીને ડર છે કે હાલાતમાં કંઈ સુધારો આવશે નહીં.

તે અને તેમનાં જોડીદાર કામવાળાં બધાં મથુરાઈયર છે, કે જેમને તમિલનાડુમાં સૌથી પછાત જાતિનાં ગણવામાં આવે છે. એ. પલસામી કે જેઓ રામનાથપૂરમ માછીમાર સંઘના પ્રમુખ છે, તેમના અનુમાન પ્રમાણે તમિલનાડુના ૯૪૦ કિ.મી. લાંબા દરિયાકાંઠા આસપાસ દરિયાઈ વનસ્પતિનું કામ કરતી સ્ત્રીઓ ૬૦૦થી વધારે નહીં હોય, પરંતુ તેઓ જે કામ કરે છે તેનાથી રાજ્ય બહારની વસ્તીને પણ મોટા પ્રમાણમાં ફાયદો પહોંચે છે.

૪૨ વર્ષનાં પી. રાનીમ્મા કહે છે કે, “અમે જે દરિયાઈ વનસ્પતિ  ભેગી કરીએ છીએ, તે અગાર બનાવવામાં વપરાય છે.” અગાર એક પ્રાણીજ ચીકણો પ્રદાર્થ છે જે રસોઈમાં થીકનર તરીકે વપરાય છે.

અહીંથી દરિયાઈ વનસ્પતિ ખાદ્ય ઉદ્યોગોમાં પણ જાય છે, તથા કેટલાંક ખાતરોમાં એક મહત્ત્વના ભાગ તરીકે અને ફાર્મા કંપનીઓ દ્વારા દવા બનાવવા માટે, અને બીજા અન્ય કામોમાં પણ તે વપરાય છે. સ્ત્રીઓ તેને ભેગી કરે છે, પછી સૂકવે છે અને મદુરાઈ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓમાં આગળની પ્રક્રીયાઓ માટે તેને મોકલવામાં આવે છે. અહીં મુખ્યત્વે બે વસ્તુઓ બને છે: મત્તાકોરાઈ (gracilari) અને મારિકોઝુન્થું (gelidium amansii). ગેલિડીયમ ઘણી વખત સલાડમાં, પુડીંગમાં, અને જામમાં વપરાય છે. જે લોકો ડાઈટીંગ પર છે તેમના માટે લાભદાયી માનવામાં આવે છે, તથા કબજીયાત માટે દવા તરીકે પણ વપરાય છે. મત્તાકોરાઈ (graciliaria) ઉદ્યોગોમાં કપડાં રંગવા ઉપરાંત અન્ય હેતુઓ માટે પણ વપરાય છે.

પણ ઉદ્યોગોમાં દરિયાઈ વનસ્પતિ આટલા બહોળા પ્રમાણમાં વપરાતી હોવાથી તેનું અતિ શોષણ પણ થાય છે. મીઠું અને દરિયાઈ ખનીજના રીસર્ચની કેન્દ્રીય સંસ્થા (મંડપમ વિસ્તાર, રામનાથપૂરમ)એ દરિયાઈ વનસ્પતિના વધું પડતા વપરાશથી અચાનક જ તેની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે, તેની તરફ ધ્યાન દોર્યું છે.

PHOTO • M. Palani Kumar

પી. રાનીમ્મા દરિયામાંથી મારિકોઝુન્થું (એક ખાવાલાયક દરિયાઈ વનસ્પતિની વાનગી) ભેગું કરીને બહાર આવ્યાં છે

અત્યારે દરિયાઈ વનસ્પતિનું જે ઉત્પાદન થાય છે તેના પરથી તેની ઉપલબ્ધતામાં થયેલા ઘટાડાનો ખ્યાલ આવે છે. “પાંચ વર્ષ પહેલાં, અમે સાત કલાકમાં ઓછામાં ઓછું ૧૦ કિલો જેટલું મારિકોઝુન્થું ભેગું કરતાં હતાં,” ૪૫ વર્ષનાં એસ. અમરીતમ કહે છે. “પણ અત્યારે આખા દિવસમાં ત્રણ-ચાર કિલોથી વધારે ભેગી નથી થતી, અને દરિયાઈ વનસ્પતિનું પ્રમાણ પણ વર્ષે વર્ષે ઓછુ થતું જાય છે.”

આજુબાજુના ઉદ્યોગો પણ ઘટી રહ્યા છે. ૨૦૧૪ સુધીમાં, મદુરાઈમાં અગારનાં ૩૭ એકમો હતાં, આવું તે વિસ્તારમાં દરિયાઈ વનસ્પતિનું પ્રોસેસિંગની કંપની ધરાવતા એ. બોઝ કહે છે. અને આજે, ફક્ત સાત જેટલી જ કંપનીઓ છે, એ પણ તેમની ક્ષમતા કરતાં ૪૦ ટકા ઓછું કામ કરે છે. બોઝ ઓલ ઇન્ડિયા અગાર એન્ડ આલજનેટ મેન્યુફેક્ચર્સ વેલફેર અસોશીએશનના પ્રમુખ હતા, જે છેલ્લા બે વર્ષથી પૂરતા સભ્યો ન હોવાથી નિષ્ક્રિય થઈ ગઈ છે.

“કામ મળવાના દિવસો ઘટી ગયા છે,” ૫૫ વર્ષિય એમ. મરીયમ્મા કહે છે, જેઓ ચાળીસ વર્ષથી આ કામ કરે છે. “તે સિવાયના દિવસોમાં અમારી પાસે અન્ય કામની પણ કોઈ તક હોતી નથી.”

૧૯૬૪માં, મરીયમ્માના જન્મના વર્ષે, માયાકુલમ ગામમાં એક વર્ષમાં ૧૭૯ દિવસો એવા રહેતા જયારે તાપમાન ૩૮ ડીગ્રી કે તેનાથી ઊંચું રહેતું. ૨૦૧૯માં, ગરમ દિવસો વધીને ૨૭૧ – ૫૦ ટકાથી વધારે થઈ ગયા છે. આ જુલાઈએ ન્યુ યોર્ક ટાઈમ્સે ઓનલાઈન પોસ્ટ કરેલ વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગના ઇન્ટરએક્ટીવ ટૂલ દ્વારા ગણતરી કરાયેલ માહિતી મુજબ, આવતા ૨૫ વર્ષોમાં, આવા દિવસો વધીને ૨૮૬થી ૩૨૪ જેટલા થઈ જશે. નિ:સંદેહ, દરિયાના પાણીનું તાપમાન પણ વધી રહ્યું છે.

આ બધા પરિવર્તનોની અસર ફક્ત ભારતીનગરની માછીમાર સ્ત્રીઓ પૂરતી જ સીમિત નથી. ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ (IPCC)નો નવો અહેવાલ (પુષ્ટિ વિના) એવા અભ્યાસ ક્ષેત્રો તરફ ઇશારો કરે છે જે દરિયાઈ વનસ્પતિને ગરમ આબોહવાને શાંત પાડવા માટેના એક મહત્ત્વના પરીબળ તરીકે ગણે છે. તે અહેવાલ એ પણ દર્શાવે છે કે: “દરિયાઈ વનસ્પતિ જળચરઉછેર વધારે રીસર્ચ માગતો વિષય છે.”

જાદવપુર યુનિવર્સીટી, કોલકત્તાના સ્કુલ ઓફ ઓસિયનોગ્રાફિક સ્ટડીઝના પ્રો. તુહીન ઘોશ આ અહેવાલના અગ્રેસર લેખકોમાંના એક છે. તેમના દ્વારા મળેલી માહિતી, માછીમાર સ્ત્રીઓ દરિયાઈ વનસ્પતિની સીવીડની પેદાશમાં થયેલા ઘટાડા વિષે જે કંઈ કહ્યું હતું તેની પુષ્ટિ કરે છે. તેમણે PARIને ફોન પર કહ્યું કે, “ખાલી દરિયાઈ વનસ્પતિની જ વાત નથી, પણ ઘણી બધી પ્રક્રિયાઓ છે જેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, અને સ્થળાન્તર જેવી ક્રિયાઓ વધી રહી છે. તેમાં કરચલાના સંગ્રહ, મધ એકત્રીકરણ, સ્થળાન્તર ( સુંદરવનમાં જોવામાં આવ્યા છે તેમ ) વિગેરે સમેત, મત્સ્ય ઉપજ , ઝીંગાની બીજ ઉપજ, અને જળ અને જમીન સાથે સંકળાયેલ ઘણી બધી વસ્તૂઓનો સમાવેશ થાય છે.”

PHOTO • M. Palani Kumar

ઘણી વાર, અહીંથી સ્ત્રીઓ નજીકના ટાપુઓ સુધી હોડી લઈ જઈ ત્યાંથી પાણીમાં કૂદકો મારે છે

પ્રો. ઘોશનું કહેવું છે કે, “માછીમારો જે કહી રહ્યા છે તે તદ્દન સાચી વાત છે. જો કે, માછલીઓની બાબતમાં, ફક્ત વાતાવરણમાં થતા પરિવર્તનની જ સમસ્યા નથી, પણ ટ્રોલર (માછલીઓ પકડવા માટે પોતાની પાછળ મોટી જાળી લગાવી ચાલતી હોડી) અને માછીમારીના મોટા પાયા પર થતા ઉદ્યોગો દ્વારા થતું અતિ-શોષણ પણ એક સમસ્યા છે. તેના લીધે પરંપરાગત રીતે માછલીઓ પકડતા લોકોની જાળીઓમાં કે તેમના ક્યારામાં આવતી માછલીઓની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે.”

દરિયાઈ વનસ્પતિની પર ટ્રોલરની અસરકારક ના હોય, પણ તેના પર ઉદ્યોગો દ્વારા થતા અતિ-શોષણનો અસર જરૂર પડે છે. ભારતીનગરની સ્ત્રીઓ અને તેમના સહકર્મીઓ આ બાબતમાં તેમની મહત્ત્વની, ભલે ને પછી નાની, ભૂમિકા પર વિચારતાં નજરે પડે છે. તેમની સાથે રહીને કામ કરી ચૂકેલ કાર્યકરો અને સંશોધકો કહે છે કે, દરિયાઈ વનસ્પતિની ઘટતી જતી પેદાશથી ચિંતિત થઈ, તેઓએ જાતે ભેગાં થઈને જુલાઈથી પાંચ મહિના સુધી તેનું પદ્ધતિસરનું કામકાજ બંધ કરવાનું નક્કી કર્યુ છે. તે પછી ત્રણ મહિના સુધી, દરિયામાંથી તેને ભેગું કરવા જતા જ નથી – દરિયાઈ વનસ્પતિના ફરી ઉગવાની વાટ જુએ છે. માર્ચથી જૂન દરમિયાન, મહિનામાં થોડાક જ દિવસો તેને ભેગી કરવા જાય છે. ટૂંકમાં, તે સ્ત્રીઓએ પોતાની જ એક સ્વ-નિયમનકારી વ્યવસ્થા ઊભી કરી છે.

તે એક વિચારયુક્ત અભિગમ છે –પણ તેમને તે માટે થોડી કિંમત ચૂકવ્વી પડે છે. મરીયમ્મા કહે છે કે, “માછીમાર સ્ત્રીઓને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી ધારા (MGNREGA) હેઠળ કામ આપવામાં આવતું નથી. દરિયાઈ વનસ્પતિ ભેગી કરવાના સમયગાળા દરમિયાન પણ અમે મુશ્કેલીથી દિવસ દીઠ ૧૦૦થી ૧૫૦ રૂપિયા કમાવીએ છીએ.” સીઝનમાં, દરેક સ્ત્રી દિવસ દીઠ ૨૫ કિલો જેટલી દરિયાઈ વનસ્પતિ ભેગી કરી શકે છે, પણ તેમની લાવેલી દરિયાઈ વનસ્પતિની ગુણવત્તા પ્રમાણે તેમને આપવામાં આવતા ભાવ બદલાય છે (જે ઘટતા પણ જાય છે).

નિયમો અને કાયદાઓમાં થતા પરિવર્તનોથી વાત વધુ જટીલ બની છે. ૧૯૮૦ સુધી, તેઓ નાલ્લાથીવુ, ચાલ્લી, ઉપ્પુથાની જેવા છેક દૂર સુધીના ટાપુઓ પર જઈ શકતાં હતાં – તેમાંથી કેટલાક તો એટલા દૂર છે કે હોડી વાટે જતાં બે દિવસ લાગે. દરિયાઈ વનસ્પતિ લઈ, ઘરે પાછાં ફરતાં તેમને એક અઠવાડિયા જેવું લાગી જતું. પણ તે વર્ષે, તેમાંથી ૨૧ જેટલા ટાપુઓ મન્નાર મરીન નેશનલ પાર્કના હાથ નીચે આવતાં તેમના ઉપર જંગલ વિભાગનો અધિકાર લાગ્યો. આ વિભાગે તેમના ત્યાં રહેવા, કે ત્યાં જવા પર પ્રતિબંધ લગાવી દીધું છે. આ પ્રતિબંધ સામે દેખાવો કરવાથી પણ સરકાર તરફથી કોઈ સહાનુભૂતિ પૂર્વક જવાબ મળ્યો નહીં. ૮૦૦૦થી ૧૦૦૦૦ સુધીના દંડની જોગવાઈથી ડરીને, હવે તેઓ ત્યાં બિલકુલ જતાં નથી.

PHOTO • M. Palani Kumar

આ સ્ત્રીઓ દ્વારા દરિયાઈ વનસ્પતિ ભરવા માટે ઉપયોગમાં લેવાતી જાળીવાળી થેલીઓ : આ કાર્યમાં તેમને ઈજા થઈ લોહી પણ નીકળે છે, પણ તેમના પરિવારના ગુજરાન માટે આખી થેલી ભરવી તેમના માટે જરૂરી છે

૧૨ વર્ષની વયથી દરિયાઈ વનસ્પતિ ભેગી કરતા એસ. અમરીથમ કહે છે કે, “હવે આવક વધારે ઓછી થઈ છે. અમે ટાપુઓ પર એક અઠવાડિયું મહેનત કરતા ત્યારે ઓછામાં ઓછા ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા કમાઈ લેતા. ત્યારે અમને મત્તકોરાઈ અને મરીકોજુન્થુ, બન્ને દરિયાઈ વનસ્પતિ મળી રહેતી. હવે એક અઠવાડિયાના ૧૦૦૦ રૂપિયા પણ કમાવવા મુશ્કેલ થઈ ગયા છે.”

આ લોકો વાતાવરણમાં થતા પરિવર્તન પર ચાલતી ચર્ચાઓથી માહિતગાર ભલે ના હોય, પણ તેઓએ તેને અનુભવ્યું છે અને તેની અસરોથી વાકેફ છે. તેઓ સમજી શકે છે કે તેમનાં જીવન અને વ્યવસાયમાં ઘણા પરિવર્તનો ચાલી રહ્યાં છે. તેઓએ દરિયાના મિજાજ, તાપમાન, વાતાવરણ તથા હવામાનમાં થતા પરિવર્તનો જોયાં અને અનુભવ્યાં છે. તેમને એ પણ લાગે છે માનવીય પ્રવૃત્તિઓનો (તેમની પોતાની પણ) આ પરિવર્તનોમાં કશો ભાગ છે. સામે, આ આખી જટિલ પ્રક્રિયામાં તેમની આવક બંધ થઈ ગઈ છે. અને તેઓ જાણે છે કે તેમને વ્યવસાયનો અન્ય કોઈ વિકલ્પ આપવામાં નથી આવતો, જેમ મરીયમ્માએ વાત કરી કે તેમને MGNREGA યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યાં છે.

બપોરથી દરિયામાં પાણીનું સ્તર વધવા લાગતા તેઓ તેમનું કામકાજ સમેટવાનું શરૂ કરી દે છે. બે કલાકમાં તેમનો માલ હોડીમાં રાખી, ત્યાંથી નીકળી જાય છે અને કાંઠે માલને ઉતારી દે છે.

તેમનું કામકાજ સહેલું કે ખતરાથી ખાલી નથી. દરિયામાં કામ કરવું પણ તેમના માટે અઘરું થઈ ગયું છે, થોડાક અઠવાડિયાં પહેલાં, આ વિસ્તારમાં ચાર મછીયારા દરિયાના તોફાનમાં માર્યાં ગયાં. માત્ર ત્રણ મૃતદેહો જ શોધી શકાયાં છે, અને લોકોનું કહેવું છે કે જયારે પવન ઓછો થશે અને પાણી શાંત પડશે ત્યારે જ ચોથો મૃતદેહ શોધી શકાશે.

અહીંના લોકો પ્રમાણે, પવનની મદદ વગર, બધાં દરિયાઈ કામો અઘરાં છે. હવામાનમાં થતાં બહોળાં પરિવર્તનોથી, કયો દિવસ યોગ્ય રહેશે તેનું અનુમાન લગાવી શકાતું નથી. તોપણ આ સ્ત્રીઓ દરિયાના તોફાની પાણીમાં જોખમ ખેડે છે, કારણ કે તેમની પાસે ગુજરાન ચલાવવા માટે બીજો કોઈ ઉપાય નથી. જો કે, તેઓ સારી રીતે જાણે છે કે ત્યાં તેઓ રામભરોસે જ છે, બીજો કોઈ સહારો નથી.

PHOTO • M. Palani Kumar

દરિયાઈ વનસ્પતિ માટે દરિયામાં કૂદવા હોડીને પાણીમાં ચલાવાય છે: પવનની મદદ વગર, બધાં દરિયાઈ કામો અઘરાં છે. હવામાનમાં થતા બહોળા પરિવર્તનોથી ઘણા દિવસોની યોગ્યતા વિષે અનુમાન લગાવી શકાતું નથી

PHOTO • M. Palani Kumar

દરિયાઈ વનસ્પતિ ભેગી કરનાર સ્ત્રીઓ ફાટેલા હાથમોજા સાથે – ખડકો અને તોફાની પાણી સામે સાવ મામૂલી રક્ષણ

PHOTO • M. Palani Kumar

જાળી તૈયાર કરાય છે:  આ સ્ત્રીઓનાં રક્ષણાત્મક સાધનોમાં આંખોના રક્ષણ માટે ચશ્મા, આંગળીઓએ બાંધવાના કપડાના પાટા કે હાથમોજા, તથા અણીદાર પત્થરોથી પગના રક્ષણ માટે રબરનાં ચપ્પલનો સમાવેશ થાય છે

PHOTO • M. Palani Kumar

એસ. અમરીતમ દરિયામાં ભેખડ સુધી પહોંચવાના પ્રયાસમાં પાણીનાં મોજાં સામે ઝઝૂમી રહ્યાં છે

PHOTO • M. Palani Kumar

એમ. મરીયમ્મા દરિયાઈ વનસ્પતિનો સંગ્રહ કરવા માટે વપરાતી જાળીની થેલીનું દોરડું તાણી રહ્યાં છે

PHOTO • M. Palani Kumar

પાણીની અંદર કૂદકો મારવા માટે તૈયાર

PHOTO • M. Palani Kumar

અને હવે કૂદકો માર્યા પછી પોતાને તળિયા તરફ ધકેલી રહ્યાં છે

PHOTO • M. Palani Kumar

છેક દરિયાના ઊંડાણમાં, જ્યાં આ સ્ત્રીઓનું કામશેત્ર છે, ઝાંખી દેખાતી માછલીઓ અને અન્ય દરિયાઈ જીવોની જળ દુનિયા

PHOTO • M. Palani Kumar

આ લાંબાં પાંદડાંવાળી દરિયાઈ વનસ્પતિ, મત્તાકોરીને ભેગી કરી, સુકવીને કપડાં રંગવા માટે વપરાય છે

PHOTO • M. Palani Kumar

ઘણી ક્ષણો માટે પોતાનો શ્વાસ રોકી, દરિયાના તળિયે પોતાને ટકાવી રાખી, રાનીયમ્મા  મારિકોઝુન્થું ભેગી કરે છે

PHOTO • M. Palani Kumar

ત્યારબાદ, તોફાની મોજાં વચ્ચે, મહામુશ્કેલીએ મેળવેલ સંગ્રહ સાથે સપાટી પર પાછાં ફરે છે

PHOTO • M. Palani Kumar

દરિયામાં ભરતી શરૂ થઈ ગઈ છે, પણ આ સ્ત્રીઓ બપોર સુધી પરિશ્રમ કરવામાં લાગેલી છે

PHOTO • M. Palani Kumar

કૂદકો માર્યા બાદ, પોતાની સાધન સામગ્રીની સફાઈ કરતી દરિયાઈ વનસ્પતિ ભેગી કરનાર સ્ત્રી

PHOTO • M. Palani Kumar

થાકીને દરિયાના કાંઠા તરફ પાછી ફરતી સ્ત્રીઓ

PHOTO • M. Palani Kumar

ભેગી કરેલી દરિયાઈ વનસ્પતિને કાંઠા તરફ ઘસડી રહેલી સ્ત્રીઓ

PHOTO • M. Palani Kumar

ઘાટ્ટા લીલા રંગની વનસ્પતિથી ભરેલાં પોટલાં હોડીમાં ભરાવાય છે

PHOTO • M. Palani Kumar

દરિયાઈ વનસ્પતિથી ભરેલી નાની હોડી દરિયા કાંઠે પહોંચે છે, અને મજૂરો તેને ક્યાં લંગર નાખવું તે સૂચવી રહ્યાં છે

PHOTO • M. Palani Kumar

એક ટોળું દરિયાઈ વનસ્પતિને હોડીમાંથી ખાલી કરી રહ્યું છે

PHOTO • M. Palani Kumar

દિવસભરના સંગ્રહનું વજન થાય છે

PHOTO • M. Palani Kumar

દરિયાઈ વનસ્પતિને સૂકવવાની તૈયારીઓ

PHOTO • M. Palani Kumar

કેટલાક દરિયાઈ વનસ્પતિને સૂકવવા માટેના પાથરણા પર ઠાલવી તેને ફેલાવી રહ્યાં છે

PHOTO • M. Palani Kumar

અને છેલ્લે દરિયા પર અને પાણી નીચે કામ કર્યા બાદ હવે પોતાના ઘેર પાછાં ફરી રહ્યાં છે

કવર ફોટો: ૩૫ વર્ષિય  એ. મૂકુપુરી જાળીવાળા થેલાને ખેંચી રહ્યાં છે. તેઓ આઠ વર્ષની વયથી દરિયાઈ વનસ્પતિને ભેગી કરવા દરિયામાં ઉતરે છે. (ફોટો: એમ. પાલાની કુમાર/ PARI)

સેંતાલીર એસ. પાસેથી મોટાં પ્રમાણમાં મળેલી મદદ બદલ અમે એમના ખૂબ આભારી છીએ.

PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાંનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ આપતી UNDPની સહાયનો ભાગ છે.

આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected] અને cc મોકલો: [email protected]

અનુવાદ: મેહદી હુસૈન

Reporter : M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Mehdi Husain

Mehdi Husain is an Ahmedabad based article writer and translator, who works across Gujarati, Urdu and English languages. He is the editor of Prasann Prabhat online Guajarati magazine. He also works at Meher Library and Jafari Seminary as a proof reader.

Other stories by Mehdi Husain