આ લેખ પારીની ક્લાઈમેટ ચેન્જ (વાતાવરણના ફેરફારો) ને લગતા લેખોની શૃંખલામાંથી, જેને ૨૦૧૯ની એનવાયરનમેન્ટ રિપોર્ટિંગ ની શ્રેણીમાં રામનાથ  ગોયેન્કા એવોર્ડ ૨૦૧૯ એનાયત થયો છે.

“સાંજે 4 વાગે અમારે ગરમ રહેવા માટે તાપણું કરવું પડતું” કેરળના પર્વતીય વાયનાડ જિલ્લાના સંઘર્ષભર્યા એમના સંઘર્ષ કરતાં ખેતરોની વચમાં ઉભા ઓગસ્ટિન વડકિલ કહે છે. “પરંતુ આ 30 વર્ષ પહેલા થતું હતું.  હવે વાયનાડ ઠંડી ને  ધુમ્મસભરી જગ્યા રહી નથી જે એક જમાનામાં હતી ” માર્ચની શરૂઆતમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેતું એમાંથી હવે વર્ષના આ સમયે સરળતાથી 30 ડિગ્રીને પાર કરી જાય છે.

અને પોંહચવાની c cના જીવનકાળમાં ગરમ દિવસોની સંખ્યા બમણા કરતા વધુ વધી ગઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા આ વર્ષે જુલાઈમાં ઓનલાઇન પોસ્ટ કરવામાં આવેલા હવામાન પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ પરના એક ઇન્ટરેક્ટિવ ટૂલની ગણતરી પ્રમાણે, 1960માં, જે વર્ષે નો જન્મ થયો હતો, “વાયનાડ વિસ્તારમાં પ્રતિ વર્ષ લગભગ 29 દિવસ ઓછામાં ઓછું તાપમાન 32 ડિગ્રી (સેલ્સિયસ) સુધી પોંહચવાની શક્યતા રહેતી શક્યતા રહેતી. ”  આજની તારીખે આ વાયનાડ વિસ્તારમાં 59 દિવસો સુધી 32 ડિગ્રી અથવા તેના કરતા વધુ તાપમાન જોઈ શકાય છે.”

વડકિલ કહે છે કે, હવામાનના ચક્રમાં  પરિવર્તન,  ગરમી પ્રતે સંવેદનશીલ અને નબળા પાક જેવા કે કાળા મરી અને નારંગીના વૃક્ષોને નુકસાન પહોંચાડે છે, જે એક સમયે આ જિલ્લાના ડેક્કન પર્વતમાળા ની દક્ષિણ બાજુએ પશ્ચિમ ઘાટમાં વિપુલ પ્રમાણમાં થતા હતા.

વડકિલ  અને તેની પત્ની વલસા પાસે મનથાવડી તાલુકાના ચેરૂકોટ્ટુર ગામે ચાર એકરનું ખેતર છે. તેનો પરિવાર લગભગ 80 વર્ષ પહેલાં કોટ્ટયમ છોડીને વાયનાડ આવી ગયા હતા, જેથી અહીંયા રોકડ પાકના અર્થતંત્રમાં આવેલ ઉછાળામાં પોતાનું નસીબ આજમાવી શકે. તે સમય મોટા પ્રમાણમાં વિસ્થાપનનો હતો, જયારે રાજ્યના ઉત્તર-પૂર્વના આ જિલ્લામાં મધ્ય કેરલમાંથી  હજારો નાના અને સીમાંત ખેડુતો આવીને વસવાટ કરી રહ્યા હતા.

પરંતુ સમયની સાથે લાગે છે જાણે તેજી મંદી માં ફેરવાઈ ગઈ.  વડકિલ કહે છે, “જો વરસાદ ગયા વર્ષની જેમ અનિયમિત રહેશે, તો અમે જે  (ઓર્ગેનિક રોબસ્ટા) કોફી ઉગાડીએ છીએ તે બરબાદ થઈ જશે.”  વલસા ઉમેરે છે, “કોફી નફાકારક છે, પરંતુ હવામાન એ તેના વિકાસમાં સૌથી મોટી સમસ્યા છે. ગરમી અને અનિયમિત વરસાદ તેને બરબાદ કરે છે,”. આ ક્ષેત્રમાં કામ કરનાર લોકો કહે છે કે, [રોબસ્ટા] કોફી ઉગાડવામાં  માટેનું આદર્શ તાપમાન 23-25 ° સે.વચ્ચે છે.

PHOTO • Noel Benno ,  Vishaka George

ઉપરની હરોળ: વાયનાડમાં કોફીના પાક માટે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં પ્રથમ વરસાદની જરૂર પડે છે, અને એક અઠવાડિયા પછી તેમાં ફૂલ આવવાનું શરુ થઇ જાય છે.  નીચેની હરોળ: લાંબા સમય સુધી દુષ્કાળ અથવા કમોસમી વરસાદથી રોબસ્ટા કોફી ના બીજ (જમણે) બનાવતા  ફૂલોનો (ડાબી બાજુ) નાશ થઈ શકે છે

વાયનાડની તમામ કોફી, જે મજબૂત રોબસ્ટા પરિવારની (એક ઉષ્ણકટિબંધીય સદાબહાર ઝાડવા) છે, તેનું વાવેતર  ડિસેમ્બરથી માર્ચના અંત સુધીમાં કરવામાં આવે છે. કોફીના છોડને  ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં પ્રથમ વરસાદની જરૂર હોય છે - અને તે એક અઠવાડિયા પછી ફૂલ આપવાનું શરુ કરી દે છે. તે જરૂરી છે કે પહેલા વરસાદના છાંટા પછી એક અઠવાડિયા સુધી વરસાદ  ના થાય કારણ કે તે કોમળ ફૂલોને નાશ કરી દે છે. કોફીના ફળ અથવા “ચેરી” ના ઉગવાની શરૂઆત માટે પહેલા વરસાદ પછી બીજા વરસાદની જરૂરત હોય  છે. ફૂલ જયારે સંપૂર્ણ રીતે ખીલીને છોડ ઉપરથી નીચે પડી જાય છે, ત્યારે બીજવાળા ફળ  પાકવા લાગે છે.

વડકિલના કહેવા મુજબ, "સમયસર વરસાદ તમને 85 ટકા ઉપજની ખાતરી આપે છે." જ્યારે અમે માર્ચની શરૂઆતમાં મળ્યા હતા, ત્યારે તે આ પરિણામની આશા રાખતા હતા, પરંતુ તે ચિંતાગ્રસ્ત હતા કે આવું થશે કે નહીં. અને આવું ન થયું.

માર્ચની શરૂઆતમાં, કેરળના પ્રખર  ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. વડકિલે અમને માર્ચના અંતમાં જણાવ્યું હતું કે, “બીજો વરસાદ  આ વર્ષે ખૂબ જલ્દીથી આવ્યો અને બધું નાશ પામ્યું.”

વડકિલ, જે બે એકરમાં આ પાકની વાવણી કરે છે, એમને તેના કારણે આ વર્ષે 70000 રૂપિયાનું નુકસાન થયું. વાયનાડ સોશિયલ સર્વિસ સોસાયટી (ડબ્લ્યુએસએસ) ખેડુતોને એક કિલો અનરિફાઈન્ડ ઓર્ગેનિક કોફી માટે 88 રૂપિયા, જ્યારે નોન ઓર્ગેનિક કોફી માટે 65 રૂપિયા આપે છે.

આ વર્ષે વાયનાડમાં કોફીન ઉત્પાદન વર્ષ 2017-2018ના 55,525 ટનના પ્રમાણમાં  40 ટકા ઘટ્યું છે એમ  ડબલ્યુએસએસએસના ડિરેક્ટર ફાધર જોન ચૂરાપુઝાહિલે મને ફોન પર જણાવ્યું હતું.  ડબ્લ્યુએસએસ એ એક સહકારી સંસ્થા છે જે સ્થાનિક ખેડૂતો પાસેથી કોફી ખરીદે છે. હજી સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. ફાધર જ્હોન કહે છે કે, “ઉત્પાદનમાં આ મોટા પ્રમાણમાં ઘટાડો એટલા માટે થયો છે કારણ કે વાયનાડમાં વાતાવરણના પરિવર્તનો કોફી માટે સૌથી વધુ હાનિકારક સાબિત થયા છે  .”  આખા જિલ્લામાં જે પણ ખેડૂતોને અમે મળ્યા, તે બધા  કોઈ વર્ષોમાં વધારે વરસાદ ને કારણે અથવા કોઈ વર્ષોમાં ક્યારેક ઓછા વરસાદને કારણે ઉત્પાદનમાં થતા બેફામ ફેરફારોવિષે  ચર્ચા કરતા હતા.

PHOTO • Vishaka George
PHOTO • Noel Benno

ઓગસ્ટિન વડકિલ અને તેની પત્ની વલસા (ડાબે) કોફીની સાથે  સાથે રબર , મરી, કેળા, ડાંગર અને સોપારી ની વાવણી કરે છે. જોકે વધતી ગરમીએ કોફી (જમણે) અને અન્ય તમામ પાક ઉપર પણ અસર શરૂ કરી દીધી છે.

ઓછાવધતાં વરસાદને કારણે ખેતરોનું પાણી સુકાઈ જાય છે. ફાધર જ્હોનનો અંદાજ છે કે "વાયનાડના માત્ર 10 ટકા ખેડુતો પાસે બોરવેલ અને પમ્પ જેવી સિંચાઇની  સુવિધાઓ છે, જે દુષ્કાળ અથવા અનિયમિત વરસાદ દરમિયાન કામ કરી શકે છે."

વડકિલ ભાગ્યશાળી લોકોમાંથી  નથી. ઓગસ્ટ 2018 માં વાયનાડ અને કેરળના અન્ય ભાગોમાં પૂર દરમિયાન તેમના  સિંચાઇ પંપને નુકસાન થયું હતું. તેની મરામત માટે તેમને 15,000 રૂપિયા ખર્ચ કરવા પડ્યા, જે આવા સમયે મોટી રકમ છે.

વડકીલ અને વલસા તેમની બાકીની બે એકર જમીનમાં રબર, મરી, કેળા, ડાંગર, અને સોપારી ની વાવણી કરે છે. જોકે વધતી ગરમીના કારણે આ બધા પાકને પણ અસર થવા લાગી છે. “પંદર વર્ષ પહેલાં, મરી જ અમારા જીવિત રહેવાનો સ્રોત હતું. પરંતુ ત્યારબાદ કવીક વિલ્ટ જેવા રોગોએ સમગ્ર જિલ્લામાં મરીના એકરો ના એકરોનો નાશ કર્યો છે.”  મરી એક બારમાસી પાક હોવાથી, ખેડૂતોનું નુકસાન વિનાશકારી રહ્યું છે.

વડકિલ કહે છે કે, “સમય વીતવાની સાથે, એવું લાગે છે કે ખેતી કરવાનું એકમાત્ર કારણ તે છે કે તમને તેનો શોખ છે. મારી પાસે આ બધી જમીન છે, પરંતુ મારી પરિસ્થિતિ જુઓ.” તેઓ હસીને ઉમેરે છે, "તમે આ મુશ્કેલ સમયમાં ફક્ત એટલું જ કરી શકો કે થોડું વધારે  મરચું દળો, કારણ એ જ તમને ભાત સાથે ખાવું પોસાશે .”

તેઓ કહે છે, "આ 15 વર્ષ પહેલાં શરૂ થયું હતું. ” .  કાલવસ્થા કેમ  બદલાઇ રહી છે?” રસપ્રદ વાત એ છે કે મલયાલમ શબ્દ કાલવસ્થાનો અર્થ તાપમાન કે હવામાન નથી, વાતાવરણ છે.  અમને આ પ્રશ્ન વાયનાડના ખેડુતો દ્વારા વારંવાર પૂછવામાં આવ્યો હતો.

દુર્ભાગ્યવશ, આ સવાલના જવાબનો એક હિસ્સો દાયકાઓથી  ખેડુતો દ્વારા અપનાવવામાં આવતી ખેતી પદ્ધતિ છે.

PHOTO • Vishaka George
PHOTO • Noel Benno

(ડાબી બાજુ) માનંથવાડીમાં આવેલાં કોફીના ખેતરોને  , અન્ય મોટી  જરજમીનની જેમ, વરસાદ ઓછો હોય ત્યારે કૃત્રિમ તળાવ ખોદવા અને પમ્પ સ્થાપિત કરવાનું પોસાય છે. પરંતુ  (જમણે) વડકિલ જેવા નાના ખેડૂતોના ખેતરોએ  સંપૂર્ણપણે વરસાદ અથવા અપૂરતા કુવાઓ પર આધારિત રહેવું પડે છે.

સુમા ટીઆર કહે છે કે, “અમારા મતે  ખેતીની જમીન ઉપર અત્યારે કરવામાં આવી રહી છે એમ એક જ પાક ની વાવણી કરવામાં આવે એના બદલે અલગ અલગ પાકની વાવણી થાય  તે સારી બાબત છે.”  સુમા ટીઆર  એમ.એસ. સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન, વાયનાડના વૈજ્ઞાનિક છે, જેમણે 10 વર્ષથી જમીન-ઉપયોગ-પરિવર્તનના મુદ્દાઓ પર કામ કર્યું છે.  એક પાકની ખેતીથી જીવાતો અને રોગોનો ફેલાવો વધે છે, જેનો સામનો કરવા પછી રાસાયણિક જંતુનાશકો અને ખાતરો દ્વારા કરવામાં આવે છે.  તે ભૂગર્ભજળમાં જાય છે અથવા હવામાં વિસર્જન કરે છે, જેનાથી વાયુમિશ્રણ અને પ્રદૂષણ થાય છે - અને સમય જતાં ગંભીર પર્યાવરણીય નુકસાન થાય છે.

સુમા કહે છે કે આ  બધાની શરૂઆત અંગ્રેજો દ્વારા જંગલની કાપણીની  સાથે થઈ. “તેઓએ લાકડા માટે જંગલો સાફ કર્યા અને ઘણા ઊંચાઈવાળા પર્વતોને વાવેતરમાં ફેરવી દીધા.”  તેઓ આગળ વાત કરતા કહે છે કે, મોટા પાયા પર થતા વિસ્થાપનો સાથે, અને બદલાતા પ્રાકૃતિક સંદર્ભો સાથે વાતાવરણ ફેરફારો   કેવી રીતે જોડાયેલ છે  [1940 ના દાયકામાં જિલ્લામાં મોટા પ્રમાણમાં વિસ્થાપન થવાનું શરૂ થયું હતું). આ પહેલાં,  અગાઉ વાયનાડના ખેડૂતો મુખ્યત્વે સ્થળાંતર ખેતી  કરતા હતા.”

તે દાયકાઓમાં, અહીંનો મુખ્ય પાક ડાંગરનો હતો, કોફી અથવા મરીનો નહીં - 'વાયનાડ' શબ્દ પોતે 'વાયલ નાડુ' અથવા ડાંગરના ખેતરોની જમીનથી આવ્યો છે. તે ખેતરો આ ક્ષેત્ર અને કેરળના  પર્યાવરણ અને જીવસૃષ્ટિ માટે મહત્વપૂર્ણ હતા. પરંતુ ડાંગરનો વિસ્તાર - 1960 માં આશરે 40,000 હેકટર હતો જે - આજે માંડ 8,000 હેક્ટર છે.  જે 2017-18ના સરકારી આંકડા મુજબ જિલ્લાના કુલ પાકના 5 ટકા કરતા પણ ઓછા ક્ષેત્રેમાં છે. અને હવે વાયનાડમાં કોફીના વાવેતરે લગભગ 68,000 હેક્ટર વિસ્તારને આવરી લીધેલ છે. જે કેરળના કુલ કોફીના ક્ષેત્રના  79 ટકા છે - અને 1960 માં, વડકિલના જન્મના વર્ષમાં દેશભરના  તમામ રોબસ્ટાના ક્ષેત્ર કરતાં 36 ટકા વધુ છે.

સુમા કહે છે કે, “ખેડુતો રોકડ પાક માટે જમીન સાફ કરવાને બદલે ટેકરીઓ પર રાગી  જેવા પાકની ખેતી કરતા હતા.”  ખેતરો ઇકોસિસ્ટમ જાળવવામાં સક્ષમ હતા. પરંતુ, તે કહે છે કે, વધતા જતા સ્થળાંતરની સાથે રોકડ પાકે ખાદ્ય પાક ઉપર વર્ચસ્વ જમાવી લીધું. અને 1990 ના દાયકામાં વૈશ્વિકરણના આગમન સાથે, વધુને વધુ લોકો મરી જેવા રોકડ પાક ઉપર સંપૂર્ણપણે નિર્ભર બનવા લાગ્યા.

'ઉત્પાદનમાં ઘટાડો એટલા માટે આવ્યો કારણકે વાયનાડના  વાતાવરણીય પરિવર્તન કોફી માટે સૌથી મોટા ખતરારૂપ સાબિત થયા છે' - આખા જિલ્લામાં અમે જે પણ ખેડુતોને મળ્યા હતા તે આ ગંભીર પરિવર્તનની વાત કરે છે.

વિડિઓ જુઓ: ‘ખેતી કરવી ત્યારે જ સમજદારી છે  જ્યારે તે એક શોખ હોય’

ડબલ્યુએસએસએસના ભૂતપૂર્વ પ્રોજેક્ટ ઓફિસર અને મનંથવાડી શહેરના એક જૈવિક ખેડૂત  ઈ. જે. જોસ  કહે છે, “આજે ખેડુતો એક કિલો ડાંગરમાંથી 12 રૂપિયા અને કોફીથી 67 રૂપિયા કમાઇ રહ્યા છે. જોકે, તેમને કાળા મરીથી કિલો દીઠ રૂ. 360  થી 365 રૂપિયા મળે છે.”  . કિંમતમાં આટલા મોટા તફાવતને કારણે ઘણા વધુ ખેડુતો ડાંગરની ખેતી છોડી કાળા મરી અથવા કોફીની ખેતી કરવાનું પસંદ કરે છે. “હવે દરેક જણ તેની જ વાવણી કરે છે જે નફાકારક છે ના કે જેની જરૂરિયાત છે. અમે ડાંગર પણ ગુમાવી રહ્યા છીએ, જે વરસાદ પડે ત્યારે પાણીને શોષી લેવામાં મદદ કરે છે, અને પાણીના કોષ્ટકોને ફરીથી સ્થાપિત કરે છે.”

રાજ્યના ઘણા ડાંગરના ખેતરો પણ સ્થાવર મિલકતના મોટા પ્લોટમાં ફેરવાઈ જવાથી   આ પાકની ખેતીમાં કુશળ ખેડુતોના કામકાજના દિવસોમાં પણ ઘટાડો થયો છે.

સુમા કહે છે, “આ બધા ફેરફારોની વાયનાડની ધરતી પર  પર સતત અસર થઈ રહી છે. . મોનોક્રોપીંગની પદ્ધતિમાં જમીનનું શોષણ થઇ રહ્યું છે.  સાથે વધતી જતી વસ્તી [જ્યાં 1931 ની વસ્તી ગણતરી 100,000 કરતા પણ ઓછી હતી તે 2011ના સમયે 817,420 પર પહોંચી ગઈ છે] અને જમીનનું  વિભાજન પણ આવે છે, તેથી એ અચરજની વાત નથી કે વાયનાડ વધુ ગરમ થઇ રહ્યું છે. ”

જોસ પણ આ માને છે કે ખેતીની આ બદલાતી પદ્ધતિઓનો  તાપમાનમાં વધારા સાથે સીધો સંબંધ છે. તે કહે છે, “કૃષિ પદ્ધતિઓમાં ફેરફારની અસર વરસાદ પર થઇ છે.”

નજીકની થાવિનહલ પંચાયતમાં, તેમના 12 એકરના ખેતરમાં અમારી સાથે ચાલતા ચાલતા 70 વર્ષીય એમ.જે. જ્યોર્જ કહે છે કે, “આ ક્ષેત્રોના ખેતરો એક સમયે મરીથી એવી રીતે લચેલાં હતા કે સૂર્ય કિરણોને ઝાડમાંથી પસાર થવું પણ મુશ્કેલ હતું.  છેલ્લા ઘણા વર્ષોથી અમે કેટલાય ટન મરી ગુમાવ્યા છે. બદલાતી આબોહવાની સ્થિતિને કારણે છોડને કવીક વિલ્ટની  બીમારી થઈ રહી છે.”

ફાયટોફોથોરા ફૂગ ને , કવીક વિલ્ટની બીમારીએ જિલ્લાભરના હજારો લોકોની આજીવિકા ને સમાપ્ત કરી દીધી છે. આ વધારે પડતા ભેજમથાય છે; “જેમાં છેલ્લા 10 વર્ષમાં વાયનાડમાં નોંધપાત્ર વધારો થયો છે,” એમ જોસ કહે છે.  “વરસાદ હવે અનિયમિત છે. રાસાયણિક ખાતરોના વધતા ઉપયોગએ આ રોગને ફેલાવવામાં મદદ કરી છે, જેનાથી ટ્રાઇકોડર્મા નામના સારા બેક્ટેરિયા જે આ ફૂગનો સામનો કરવામાં મદદ કરે એ ધીરે ધીરે મરવા લાગે છે  .”

PHOTO • Noel Benno ,  Vishaka George

ઉપર ડાબી : એમજે જ્યોર્જ કહે છે કે “અમે અમારા વરસાદ માટે પ્રખ્યાત હતા.” ઉપર જમણે: “અમને આ વર્ષે કોફીનું ઉત્પાદન  સૌથી ઓછું  મળ્યું,” સુભદ્રા બાલકૃષ્ણન કહે છે. નીચે ડાબે: સુમા ટીઆર નામના એક વૈજ્ઞાનિક કહે છે કે, આ અંગ્રેજો દ્વારા જંગલોની  કાપણી થી  શરૂ થયું. નીચે જમણે : “આજકાલ દરેક જણ સૌથી વધુ ફાયદાકારક છે તેની જ વાવણી કરે છે ના કે જેની જરૂરિયાત છે,” એમ જે જોસ કહે છે.

જ્યોર્જ કહે છે, “પહેલા અમારે વાયનાડમાં વાતાનુકુલિત વાતાવરણ હતું, પરંતુ હવે નથી.વરસાદ, જે વરસાદની ઋતુમાં લગાતાર થતો હતો, તેમાં છેલ્લાં 15 વર્ષ દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો છે. અમે અમારા વરસાદ માટે પ્રખ્યાત હતા…”

ભારતના હવામાન વિભાગ, તિરુવનંતપુર દ્વારા કહેવામાં આવે છે કે 1 જૂનથી 28 જુલાઇ, 2019 દરમિયાન, વાયનાડમાં વરસાદ સામાન્ય સરેરાશ કરતા 54 ટકા ઓછો હતો.

સામાન્ય રીતે વધુ વરસાદી પ્રદેશ હોવાને કારણે, વાયનાડના કેટલાક ભાગોમાં ઘણીવાર  4,000 મીમીથી વધુ વરસાદ પડે છે. પરંતુ કેટલાક સમયથી જિલ્લાના સરેરાશ વરસાદમાં મોટા પ્રમાણમાં વધઘટ થઇ છે. 2014 માં  3,260 મીમી હતો , પરંતુ તે પછી તે આગામી બે વર્ષમાં તીવ્ર ઘટાડા સાથે 2,283 મીમી અને 1,328 મીમી થઈ ગયો. તે પછી, 2017 માં તે 2,125 મીમી હતો અને 2018 માં, જ્યારે કેરળમાં પૂર આવ્યું હતું, ત્યારે તે 3,832 મીમીની ઊંચાઈ સુધી પહોંચ્યો હતો .

“તાજેતરના દાયકાઓમાં વરસાદની આંતર-વાર્ષિક વધઘટમાં બદલાવ થયો છે, ખાસ કરીને 1980 ના દાયકામાં અને 90 ના દાયકામાં તેમાં તેજી આવી,અને ચોમાસાના સમયે અને ચોમાસા પછીના સમયગાળા દરમિયાન, કેરળમાં વરસાદમાં અતિશય વધારો થયો છે. આ કિસ્સામાં વાયનાડ  પણ અપવાદ નથી, ” એમ કેરળ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, ત્રિશૂરમાં હવામાન પરિવર્તન શિક્ષા અને રિસર્ચ વૈજ્ઞાનિક અધિકારી ડૉ. ગોપાલ ચોલાયિલ કહે છે.  “

આ, હકીકતમાં, વડકિલ, જ્યોર્જ અને અન્ય ખેડૂતોના અવલોકનોની પુષ્ટિ કરે છે. તેઓ ‘અછત’ અંગે શોક વ્યક્ત કરી- લાંબા ગાળાના સરેરાશ ઘટાડાને સૂચવે છે - પરંતુ તેમનો કહેવાનો અર્થ એ છે કે જે ઋતુ અને દિવસોમાં તેઓને વરસાદની જરૂર હોય છે અને અપેક્ષા હોય છે તે દિવસોમાં ખૂબ ઓછો વરસાદ પડે છે. આવું વધારે ને ઓછા વરસાદના સમયમાં થઇ શકે છે. વરસાદની ઋતુ પણ ટૂંકી થઇ છે,, જ્યારે તેની તીવ્રતા વધી છે. વાયનાડમાં હજી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદ પડી શકે છે, જોકે અહીં ચોમાસાનો મુખ્ય મહિનો જુલાઈ છે. (અને 29 જુલાઈએ હવામાન વિભાગે આ જિલ્લામાં તેમજ અન્ય ઘણા જિલ્લાઓમાં 'ભારે' થી 'ખૂબ ભારે' વરસાદની 'નારંગી ચેતવણી' જારી કરી હતી.)

PHOTO • Vishaka George
PHOTO • Vishaka George

વાયનાડમાં વડકિલના  નારિયેળ અને કેળાના વાવેતર અનિશ્ચિત વાતાવરણને કારણે ધીરે ધીરે ઘટતા જાય છે.

“પાકની પદ્ધતિમાં બદલાવ, જંગલની કાપણી, જમીનના ઉપયોગમાં બદલાવ.... આ બધા,અન્ય પરિબળોએ , જીવસૃષ્ટિ પર ગંભીર અસર કરી છે,” ડો ચોલાયિલ કહે છે.

75 વર્ષની ખેડૂત સુભદ્રા (સુભદ્રા બાલકૃષ્ણ), જેમને મનંથવાડી ના લોકો પ્યારથી  “ટીચર”  કહી ને બોલાવે છે, કહે છે, “ગયા વર્ષના પૂર સાથે, મારો તમામ કોફીનો પાક નાશ પામ્યો હતો..  આ વર્ષે વાયનાડ માં કોફીનું ઉત્પાદન સૌથી ઓછું થયું.” તે અડવાક પંચાયત માં પોતાના પરિવારની 24 એકર જમીન ઉપર ખેતીની દેખરેખ કરે છે અન્ય પાકની સાથે સાથે કૉફી,ડાંગર અને નારિયેળની વાવણી કરે છે. “વાયનાડમાં (કૉફીના) કેટલાય ખેડૂત (આવક માટે) આજે તેજીથી પશુપાલન ઉપર નિર્ભર બની રહ્યા છે”

જે ખેડુતોને અમે મળ્યા હતા તેઓ કદાચ 'વાતાવરણીય ફરફારો' શબ્દનો ઉપયોગ નહોતા કરતાં, પરંતુ તેની અસરો વિશે ચિંતિત હતા.

અમારા છેલ્લા ઉતારા  પર - સુલ્તાન બાથેરી તાલુકામાં આવેલ પુઢાડી પંચાયતમાં 80 એકર ફેલાયેલ એડન ઘાટી- અમે છેલ્લા 40 વર્ષથી કૃષિ મજૂરીનું કામ કરનાર ગિરિજન ગોપી સાથે   મુલાકત કરી જયારે તેઓ પોતાની અડધી પાળી પુરી કરી રહ્યા હતા. બપોરના જમવા માટે જતા પહેલા જાત સાથે બડબડાટ કરતા કરતા ગયા કે, “રાત્રે ખુબ ઠંડી હોય છે અને દિવસે ખુબ ગરમી, કોણ જાણે અહીંયા શું થઇ રહ્યું છે!નક્કી દેવતાઓ હોવા જોઈએ. બાકી આ બધું કેમનું સમજવું? ”

કવર ફોટો: વિશાખા જ્યોર્જ

આ વાર્તાનાલેખક સંશોધનકર્ત નોએલ બેંનોનો, તેમના સમય અને મોકળી મદદ માટે આભાર માને છે.

PARIનો વાતાવરણના ફેરફારો વિષે રાષ્ટ્રીય અહેવાલો એકત્રિત કરવાનો આ પ્રયાસ સામાન્ય માણસોના આવાજમાં અને એમના જીવનના અનુભવોને લક્ષમાં રાખી નિરૂપવાની પહેલ કરવા બદલ અપાતી UNDPની સહાયનો ભાગ છે.

આ લેખ ફરી પ્રકાશિત કરવો છે? મહેરબાની કરીને સંપર્ક કરો: [email protected] અને  cc મોકલો: [email protected]

અનુવાદ: મહેદી હુસૈન

Reporter : Vishaka George

Vishaka George is Senior Editor at PARI. She reports on livelihoods and environmental issues. Vishaka heads PARI's Social Media functions and works in the Education team to take PARI's stories into the classroom and get students to document issues around them.

Other stories by Vishaka George

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Mehdi Husain

Mehdi Husain is an Ahmedabad based article writer and translator, who works across Gujarati, Urdu and English languages. He is the editor of Prasann Prabhat online Guajarati magazine. He also works at Meher Library and Jafari Seminary as a proof reader.

Other stories by Mehdi Husain