રવેન્દ્રસિંહ બારગાહી કહે છે, “મારે માલિકને 25000 રુપિયા આપવાના બાકી છે. આ દેવું ચુકવ્યા વિના હું આધિયા કિસાની છોડી ન શકું. અગર છોડ દિયા તો યે વાદા ખિલાફી માના જાયેગા [જો હું છોડી દઉં તો તે વચનભંગ ગણાશે]."

રવેન્દ્ર મધ્યપ્રદેશના મુગવારી ગામમાં રહે છે. ત્યાં તે લગભગ 20 વર્ષથી ભાડૂત ખેડૂત તરીકે ખેતર ખેડે  છે. આધિયા કિસાની (ખેતી) એ - મધ્ય પ્રદેશના સીધી અને નજીકના જિલ્લાઓમાં, લગભગ આખા વિંધ્ય પ્રદેશમાં પ્રચલિત - પરંપરાગત, મૌખિક કરારનો નિર્દેશ કરે છે  - જેના દ્વારા માલિક (જમીન માલિક) અને ભાડૂત સમાન હિસ્સામાં ખેતી-ખર્ચ ચૂકવે છે અને ઊપજ પણ અડધી-અડધી વહેંચે છે.

રવેન્દ્ર અને તેની પત્ની મમતા આઠ એકર જમીનમાં સામાન્ય રીતે ડાંગર, ઘઉં, રાઈ, મગ અને તુવેર વાવે છે. પરંતુ આધિયા જેનો અર્થ - મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં બોલાતી હિન્દી બોલી - બઘેલીમાં ‘અડધું’ છે  - તે ખરેખર તેમના પરિવાર માટે અડધું  નથી.

આ અનૌપચારિક કરાર, જે ભારતભરમાં જુદા જુદા સ્વરૂપો લે છે, તેમાં જમીન માલિક કયો પાક ઉગાડવો તે સહિતના તમામ ખેતી-સંબંધિત નિર્ણયો લે છે. પરંતુ જ્યારે - ભારે ઠંડી, કમોસમી વરસાદ, કરાના તોફાનને કારણે - પાકને નુકસાન થાય છે અને જમીન માલિકોને રાજ્ય અથવા વીમા કંપનીઓ દ્વારા વળતર મળે છે, ત્યારે ભાડૂતને આ રાહતનો કોઈ ભાગ મળતો નથી.

PHOTO • Anil Kumar Tiwari

રવેન્દ્ર (લીલા શર્ટમાં) કહે છે, 'મારું આખું કુટુંબ [ખેતરમાં] કામ કરે છે, પરંતુ છતાં અમે ખાસ કમાણી કરી શકતા નથી.' તેમની પત્ની મમતા અને દીકરાઓ અનુજ અને વિવેક ઉનાળામાં સૂકવેલી કેરી વેચે છે

અભ્યાસોએ નોંધ્યું છે કે આ વ્યવસ્થા ભાડૂત ખેડૂતને હંમેશાં અસલામત રાખે છે, , અને સંસ્થાકીય ધિરાણ, વીમા અથવા બીજી મદદની જોગવાઈ કરતી  સેવાઓ મેળવવાના અધિકારથી વંચિત રાખે છે. ઘણી વાર આધિયા ખેડૂતોને આગામી પાક માટે તેમના હિસ્સાનું રોકાણ કરવા - મોટેભાગે તે જ જમીનમાલિકો પાસેથી - પૈસા ઉધાર લેવા દબાણ કરવામાં આવે છે.

ઓબીસી તરીકે સૂચિબદ્ધ બરગાહી સમુદાયના 40 વર્ષના રવેન્દ્ર (ઉપરના કવર ફોટોમાં આગળના ભાગમાં) કહે છે, “મારું આખું કુટુંબ કામ કરે છે, છતાં અમે ખાસ કમાતા નથી.” તેમના દીકરાઓ 12 વર્ષનો વિવેક અને 10 વર્ષનો અનુજ ખેતરમાંથી નીંદણ સાફ કરવામાં મદદ કરે છે. તેઓ કહે છે, “અકેલે દમ મેં તો ખેતી હોતી નહીં હૈ” -  હું એકલો તો ખેતી સંભાળી  શક્યો નહીં. "ગયા વર્ષે મેં પાક પર 15000 રુપિયા ખર્ચ્યા હતા, પણ કમાયો હતો ફક્ત 10000 ." કુટુંબે 2019 માં રવિ સિઝનમાં ડાંગર ઉગાડ્યા હતા, અને ખરીફ પાકના સમય દરમિયાન મગ - તેઓ સામાન્ય રીતે ઉપજનો એક ભાગ પોતાના વપરાશ માટે રાખે છે, અને બાકીનાનું વેચાણ કરે છે. પરંતુ નબળા વરસાદને કારણે ડાંગરનો પાક નાશ પામ્યો હતો અને ભારે ઠંડીથી મગ પાકને નુકસાન થયું હતું.

કુટુંબનું  એક આંબાનું  ઝાડ છે, જે તેમના ઘરની બાજુમાં જ ઊગેલું  છે. મમતા અને તેના દીકરાઓ મેથી જુલાઈ, ઉનાળાના મહિના દરમિયાન લગભગ બે કિલોમીટર દૂર કુચવાહી ગામના બજારમાં આમહરી (અથાણા અથવા પાવડર બનાવવા વપરાતી  સૂકવેલી કેરી)  વેચે છે. વિવેક અને અનુજ પણ ગામમાં ફરીને નીચે પડી ગયેલી કાચી કેરીઓ એકઠી કરે છે . 38 વર્ષની મમતા કહે છે, "અમે આ પાંચ રુપિયે કિલો વેચીએ છીએ અને ઉનાળામાં 1000 થી 1500 રુપિયા કમાઈ લઈએ છીએ."  રવેન્દ્ર ઉમેરે છે  કે, "આ વર્ષે કેરી વેચવાથી થયેલી કમાણીથી થોડાઘણા કપડા ખરીદી શકીશ.”

જાંગાલી સૌંધિયા કહે છે,  'જ્યારે મને ખબર પડી કે માલિકને સરકાર તરફથી વળતર મળી ગયું છે, ત્યારે મેં તેમની પાસે મારો ભાગ માંગ્યો, પરંતુ તેમણેના પાડી દીધી.'

જુઓ: ‘જ્યારે પાક નિષ્ફળ જાય, ત્યારે અમારે દેવું કરીને જીવવા વારો આવે છે.’

રવેન્દ્ર પાકના સમયગાળાની  વચ્ચેના સમયે,  મે અને જૂનમાં દાડિયા મજૂર તરીકે પણ કામ કરે છે. જ્યારે મેં જૂનના મધ્યમાં રવેન્દ્ર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, “અમે [ભૂમિહીન ખેડુતો] આ સમય દરમિયાન [મુગવારી ગામમાં મકાનોની ] તૂટેલી દિવાલો અને છતની મરામત કરીને કમાણી કરીએ છીએ. આમાંથી  મને આ વર્ષે 10000 થી 12000 રુપિયા મળી રહેશે."  અગાઉની ખેતીમાં જ્યારે જમીન માલિકે પાણી, બિયારણ, વીજળી અને અન્ય ખર્ચ માટે ચૂકવણી કરી હતી તેનો ઉલ્લેખ કરતા તેઓ ઉમેરે છે, "આ પૈસા હું માલિકનો એ ખર્ચ ભરપાઈ કરવામાં વાપરીશ."

મુગવારીના બીજા આધિયા ખેડૂત 45 વર્ષના જાંગાલી સૌંધિયા કહે છે, "જો પાક નિષ્ફળ જાય તો અમને કંઈ મળતું નથી." આ વર્ષે ફેબ્રુઆરીમાં પાલા, ભારે ઠંડીને કારણે  તેમનો  તુવેરનો પાક બગડ્યો.   "જ્યારે મને ખબર પડી કે માલિકને સરકાર તરફથી વળતર મળી ગયું છે, ત્યારે મેં તેમની પાસે મારો ભાગ માંગ્યો, પરંતુ તેમણે ના પાડી દીધી. માલિકે મને કહ્યું હતું  જમીન તેમની માલિકીની   છે, અને એટલે  તેઓ જ  આખી રકમના હકદાર છે. " વળતરની રકમ કેટલી  છે તેનો જાંગાલીને કોઈ જ ખ્યાલ નહોતો. તેમને પોતાને આશરે 6000 રુપિયા જેટલું નુકસાન થયું હતું. જ્યારે જ્યારે કોઈ પણ કામ મળ્યું ત્યારે ત્યારે ગામની આજુબાજુ દાડિયા તરીકે મજૂરી કરીને તેમણે એ નુકસાનને પહોંચી વળવાનો પ્રયત્ન કર્યો. તેમના  બંને દીકરા સીધી શહેરમાં બાંધકામના  સ્થળોએ કામ કરે છે, અને ઘેર પૈસા મોકલે છે.

મુગવારી ગામ સીધી બ્લોકની ગોપડબનાસ તહસીલમાં આવેલું છે. ત્યાંના તહેસીલદાર લક્ષ્મીકાંત મિશ્રા કહે છે કે, ખેડૂતોને વળતર મળે છે. તેઓ કહે છે, “જો ભૂમિસ્વામીઓ [જમીન માલિકો] બટાઈદારો [ભાડુત ખેડુતો] ને આધિયા ખેડુત તરીકે જાહેર કરે તો તેમને રાજ્ય સરકાર તરફથી [પાકને થતા નુકસાન માટે] વળતર મળે છે.."

Ravendra (left), Jangaali (right) and other tenant farmers also work as a daily wage labourers between cropping cycles
PHOTO • Anil Kumar Tiwari
Ravendra (left), Jangaali (right) and other tenant farmers also work as a daily wage labourers between cropping cycles
PHOTO • Anil Kumar Tiwari

રવેન્દ્ર (ડાબે), જાંગલી (જમણે) અને બીજા  ભાડૂત ખેડુતો પણ પાકના સમયગાળાની  વચ્ચેના સમયે  દાડિયા મજૂર તરીકે કામ કરે છે.

તેઓ મધ્યપ્રદેશ સરકારના 2014 ના પરિપત્ર, રાજસ્વ પુસ્તક પરિપત્ર 6-4 નો ઉલ્લેખ કરી રહ્યા છે, જે ખેડૂતોના પાકને નુકસાન થાય  તો તેઓ સરકાર તરફથી નાણાકીય રાહત કેવી રીતે મેળવી શકે તે નિર્દિષ્ટ કરે છે. આ માટે, જમીન માલિકોએ થયેલા નુકસાન અંગેની માહિતી તેમના તહેસીલદાર પાસે રજૂ કરવાની રહેશે. મિશ્રા કહે છે કે જો જમીનમાલિક તેમને આધિયા ખેડૂતો તરીકે જાહેર કરતા દસ્તાવેજો પણ રજૂ કરે તો ભાડૂતો પણ આ વળતરનો હિસ્સો મેળવી શકે છે. જોકે પરિપત્રમાં આ જણાવેલ નથી, તેમ છતાં તે કહે છે કે આ સ્વીકૃત પ્રથા છે.

મિશ્રા કહે છે, "સીધી જિલ્લામાં લગભગ 20000 બટાઈદારો છે જે વળતર મેળવે છે, પરંતુ એક લાખથી વધુ ખેડૂતોને વળતર મળતું નથી. અમે આધિયા ખેડૂતો જાહેર કરવા  ભૂમિસ્વામીઓને દબાણ કરી શકતા નથી કારણ કે આધિયા એ પરસ્પર થયેલો કરાર છે. કોઈ રાજ્યના કાયદામાં ભૂમિસ્વામીઓ માટે આમ કરવું જરૂરી લેખાયું નથી.

જો કે, મધ્યપ્રદેશ ભૂમિસ્વામી એવમ બટાઈદાર  કે હિતોં  કા સંરક્ષણ વિધેયક, 2016 , અધિકૃત આદેશ આપે છે કે  કુદરતી આફત અથવા અન્ય કારણોસર પાકને નુકસાન પહોંચે તો એ સ્થિતિમાં, રાજ્ય અથવા વીમા કંપનીઓ તરફથી,   ભૂમિસ્વામી અને બટાઈદારો બંનેને તેમના ભાડુતી કરાર અનુસાર રાહત મળશે. કાયદામાં બટાઇ (ટેનન્સી) કરારનો નમૂના પણ શામેલ છે.

જ્યારે અધિનિયમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સીધી જિલ્લાના ખેડુતોને કે  તહેસીલદાર લક્ષ્મીકાંત મિશ્રાને આ અંગે કંઈ જ ખ્યાલ નહોતો.

જાંગલી કહે છે, "બીજ વાવવાથી લઈને લણણી  સુધી બધું અમે કરીએ છીએ, પરંતુ મોસમના અંતે માંડ થોડી કમાણી કરીએ છીએ." ભારે નુકસાન છતાં પણ તે આધિયા કિસાની કેમ ચાલુ રાખે છે? તેઓ કહે છે,  "ખેતીથી જ તો અમને આજીવિકા મળે છે. તેના વિના તો અમે ભૂખે મરી જઈએ. માલિક સાથે લડીને જવું ક્યાં?"

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Priyansh Verma

Priyansh Varma is a freelance journalist based in Gurgaon. He is a recent graduate of the Indian Institute of Journalism & New Media, Bengaluru.

Other stories by Priyansh Verma
Anil Kumar Tiwari

Anil Kumar Tiwari is a freelance journalist based in Sidhi town of Madhya Pradesh. He mainly reports on environment-related issues and rural development.

Other stories by Anil Kumar Tiwari
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik