સુપારી પુટેલને બરોબર યાદ પણ નથી કે એક દાયકામાં તેમણે કેટકેટલી હોસ્પિટલોમાં સમય ગુજાર્યો છે.

વર્ષો સુધી તેમના 17 વર્ષના બીમાર દીકરાની સારવાર માટે ઓડિશા અને છત્તીસગઢમાં  હોસ્પિટલોની મુલાકાત લેવી પડી હતી, અને તે પછી થોડો સમય  તેમના પતિ સુરેશ્વર માટે મુંબઈમાં.

2019 માં ચાર મહિનાના ગાળામાં બંનેના મોત નીપજતાં સુપારી દુ: ખમાં ડૂબી ગયા.

તેમના પતિ સુરેસ્વર માત્ર 44 વર્ષના હતા. સપ્ટેમ્બર 2019 માં તેઓ અને સુપારી ઓડિશાના બલાંગીર જિલ્લામાં આવેલા તેમના ઘરથી આશરે 1400 કિલોમીટર દૂર મુંબઈ સ્થળાંતર કરી ગયા હતા. શ્રમિકોના સ્થાનિક  દલાલે બાંધકામ સ્થળ પર  કામ  માટે તેમની ભરતી કરી હતી. સુપારીએ કહ્યું  કે, "અમે અમારું દેવું ચૂકવવા અને અમારા મકાનનું બાંધકામ પૂરું કરવા થોડાઘણા પૈસા રળવા ગયા હતા." બંને સાથે મળીને  600 રુપિયા દાડિયું રળતા.

તુરેકેલા બ્લોકના 933 લોકોની વસ્તીવાળા ગામ હિઆલમાં તેમના માટીના કાચા ઘર આગળ  જમીન પર બેઠેલા 43 વર્ષના સુપારી યાદ કરતા કહે  છે, “એક સાંજે મુંબઈમાં એક બાંધકામસ્થળ પર  કામ કરતી વખતે મારા પતિને સખત તાવ આવ્યો હતો." તેઓ  અને તેમનો પરિવાર માલી જાતિના, ઓબીસી છે.

સુપારી અને બાંધકામ સ્થળ પરના મુકાદમ સુરેસ્વરને ઓટોરિક્ષા અને એમ્બ્યુલન્સ દ્વારા  શહેરના ઉપનગરોની ત્રણ હોસ્પિટલોમાં લઈ ગયા અને આખરે ઉત્તર-મધ્ય મુંબઈના સાયનની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં પહોંચ્યા .

સુપારીએ કહ્યું, "દરેક હોસ્પિટલ અમને બીજી હોસ્પિટલમાં મોકલતી રહી કારણ કે [તે સમયે] અમારી પાસે આધારકાર્ડ અને બીજા કાગળો નહોતા." તેઓએ ઉમેર્યું, "તેમને કમળાના લક્ષણ હતા. તેમનું કમરની નીચેનું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું, તેથી હું તેમના પગના તળિયા ઘસ્યા કરતી હતી." પરંતુ તેઓ રોગ વિશે ચોક્કસ કંઈ જાણતા નહોતા. બીજા જ દિવસે 6 ઠ્ઠી નવેમ્બર 2019 ના રોજ સુરેસ્વરનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.

Supari Putel in front of her mud house and the family's incomplete house (right) under the Pradhan Mantri Awaas Yojana: 'This house cost me my husband'
PHOTO • Anil Sharma
Supari Putel in front of her mud house and the family's incomplete house (right) under the Pradhan Mantri Awaas Yojana: 'This house cost me my husband'
PHOTO • Anil Sharma

સુપારી પુટેલ તેમના માટીના કાચા ઘરની સામે અને (જમણે) પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પરિવારનું અધૂરું રહેલું મકાન: ''મારા પતિના જીવ સાટે આ મકાન મળ્યું.”

સુપારી કહે છે, "મુકાદમે  મને મુંબઈમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવાનું કહ્યું, કારણ કે શબને ઓડિશા લઈ જવામાં ઘણો ખર્ચો થાત. મેં તેમની વાત માની લીધી." તેઓ ઉમેરે છે,  "મુકાદમે અંતિમવિધિ માટેની ચૂકવણી કરી અને મારા બાકીના પૈસાની  ચૂકવણી કરી ને પછી  એક હાથમાં મારા પતિના અસ્થિ અને બીજામાં તેમના  મૃત્યુનું પ્રમાણપત્ર પકડાવી મને મોકલી દીધી પાછી." 11 મી નવેમ્બર 2019 ના રોજ તેમણે તેમના ભાઈ સાથે પોતાને ગામ  પરત ફરવા ટ્રેનની ટિકિટ લેવા તેમને વેતન રૂપે મળેલા 6000 રુપિયામાંથી કેટલાક પૈસા ખર્ચ કર્યા.  તેમના ભાઈ તેમને પાછા લઈ જવા બલાંગીરના કરલાભલી ગામથી મુંબઈ આવ્યા  હતા.

મુંબઈ જતાં પહેલાં સુપારી અને સુરેસ્વરે તેમના પોતાના ગામમાં, બલાંગીરના કાંતાબંજી  શહેરમાં કે પછી છત્તીસગઢના રાયપુર શહેરમાં દાડિયા  મજૂર તરીકે કામ કર્યું હતું, તેમાંથી દરેકને એક દિવસના કામ માટે 150 રુપિયા મળતા. (ઓડિશા સરકારના જુલાઈ 2020 ના  જાહેરનામા અનુસાર આ "અકુશળ" વર્ગના કામદારના  લઘુતમ વેતન તરીકે 303.40 રુપિયા નક્કી કરવામાં આવ્યા  છે). સુરેસ્વરના છ ભાઈઓ સાથે તેમની સહિયારી જમીન  હતી (સુપારી તેમની પાસે કેટલી જમીન છે એ કહી શક્યા નહીં), પરંતુ તે પ્રદેશમાં પાણીની અછતને કારણે આ જમીન વણખેડાયેલી રહી છે.

સુપારી કહે છે કે વર્ષ 2016 થી 2018 ની વચ્ચે  ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા તેઓ બે વાર  ‘મદ્રાસ ગયા હતા. તેઓ કહે છે, “મારા બાળકો મોટા થઈ રહ્યા  હતા અને બિદ્યાધર બીમાર રહેવા માંડ્યો હતો તેથી અમારે પૈસાની જરૂર હતી. તે 10 વર્ષ બીમાર હતો."

બિદ્યાધર એમનો વચલો  બાળક હતો. સુપારીને એક મોટી દીકરી, 22 વર્ષની  જાનની અને એક નાનો દીકરો, 15 વર્ષનો ધનુધર છે. તેમના  71 વર્ષના સાસુ સુફુલ પણ પરિવાર સાથે રહે છે. તેઓ પોતાના પતિ લુકાનાથ પુટેલ (જેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે) સાથે ખેડૂત તરીકે કામ કરતા હતા અને હવે વૃદ્ધાવસ્થા પેન્શન પર નભે છે. જાનનીના લગ્ન 2017 માં 18 વર્ષની ઉંમરે નુઆપાડા જિલ્લાના સીકુઅન ગામના એક પરિવારમાં થયા હતા. અને 10 મા ધોરણનો વિદ્યાર્થી ધનુધર તેના ભાઈના મૃત્યુ પછી તેની બહેનના ઘેર  રહેવા ગયો અને તેના માતાપિતા કામ માટે મુંબઈ  સ્થળાંતરિત થયા.

સુપારીને ખબર નથી કે 17 વર્ષની ઉંમરે કયા કેન્સરથી તેમનો દીકરો છીનવાઈ ગયો. બિદ્યાધર 10 વર્ષથી કેન્સર સામે લડી રહ્યો હતો, અને  પરિવારે  તેની સારવાર માટે વિવિધ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. તેઓ યાદ કરતા કહે છે, "અમે ત્રણ વર્ષ માટે [સાંબલપુર જિલ્લામાં] બુરલા હોસ્પિટલમાં, ત્રણ વર્ષ માટે બલાંગીરમાં એક હોસ્પિટલ માં અને રામકૃષ્ણ હોસ્પિટલમાં ગયા હતા."  છેલ્લી હોસ્પિટલ એ  સુપારીના ગામથી લગભગ 190 કિલોમીટર દૂર રાયપુરની એક ખાનગી હોસ્પિટલ છે, અને ત્યાં જવા માટે તેઓ હિઆલની સૌથી નજીકના રેલવે સ્ટેશન કાંતાબંજીથી ટ્રેન લેતા.

આટલા વર્ષોમાં પરિવારે બિદ્યાધરની સારવાર માટે મિત્રો, સંબંધીઓ અને સ્થાનિક શાહુકારો પાસેથી પૈસા ઉધાર લીધા હતા. દીકરાના તબીબી ખર્ચ માટે 50000 રુપિયા વ્યવસ્થા કરવા સુપારીએ કાંતાબંજીની એક દુકાન પર જાનનીના ઘરેણાં પણ ગીરો મુક્યા હતા.

Suphul Putel (left), still grieving too, is somehow convinced that Supari, her daughter-in-law, is not being truthful about how Sureswara died: 'My son talked to me on the phone and he seemed to be well...'
PHOTO • Anil Sharma
Suphul Putel (left), still grieving too, is somehow convinced that Supari, her daughter-in-law, is not being truthful about how Sureswara died: 'My son talked to me on the phone and he seemed to be well...'
PHOTO • Anil Sharma

સુફુલ પુતેલ (ડાબે), હજી પણ ખૂબ દુઃખી છે, તેઓ માને છે કે તેમના દીકરાની વહુ સુપારી સુરેસ્વરનું  મુત્યુ કેવી રીતે થયું એ વિશે સાચું કહેતી નથી: 'મારા દીકરાએ મારી સાથે ફોન પર વાત કરી હતી અને તેને સારું લાગતું હતું ... '

દેવાનો બોજ વધતો જ ગયો ત્યારે ચુકવવાના દબાણ હેઠળ માર્ચ 2019 માં દંપતી  મુંબઈ સ્થળાંતરિત થયા. પણ તે જ વર્ષે જૂનમાં જ્યારે તેમના દીકરાની હાલત કથળવા માંડી  ત્યારે  સુપારી તરત  હિઆલ પાછા ફર્યા, અને જુલાઈમાં સુરેસ્વર પણ ગામ પાછા ગયા. સુપારી યાદ કરે છે, “તે મહિનાઓ સુધી હેરાન થયો અને અંતે [જુલાઈમાં] રથયાત્રાની આસપાસ જ તેણે દમ તોડી દીધો."

બિદ્યાધરના મૃત્યુ પછી તરત જ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ એક મકાન મંજૂર કરવામાં આવ્યું. નવું મકાન બનાવવા માટે તેમને 120000 રુપિયા હપ્તેથી મળવાના હતા પરંતુ સુપારી અને સુરેસ્વરને  તેમના દીકરાની સારવાર માટે લીધેલી લોન ભરપાઈ કરવા એમાંથી થોડા  પૈસા વાપરવાની  ફરજ પડી હતી પરિણામે બાંધકામ અધૂરું રહ્યું. સુપારી કહે છે, “મને ત્રણ હપ્તે પૈસા મળ્યા - પહેલો 20000 રુપિયાનો, બીજો 35000 નો અને ત્રીજો 45000 રુપિયાનો. પહેલો અને બીજો હપ્તો અમે અમારા ઘર માટે સિમેન્ટ અને પથ્થરો જેવી વિવિધ વસ્તુઓ ખરીદવામાં વાપર્યો, પરંતુ છેલ્લો હપ્તો અમે અમારા દીકરાની સારવાર માટે વાપર્યો."

તુરેકેલા ખાતેની બ્લોક વિકાસ કચેરીના અધિકારીઓ ઓગસ્ટ 2019 માં મકાનના કામની તપાસ કરવા આવ્યા ત્યારે મકાન અધૂરું જોઈ અને દંપતીને ઠપકો આપ્યો. સુપારી કહે છે, “તેઓએ અમને મકાનનું કામ  પૂરું કરવાનું કહ્યું,  નહીં કરીએ તો તેઓ અમારી સામે કેસ કરશે. તેઓએ કહ્યું કે જો અમે મકાન પૂરું  નહીં કરીએ, તો અમને છેલ્લા હપ્તાની રકમ નહીં મળે.”

તેમના માટીના ઘરથી આશરે 20 મીટર દૂર અડધા ચણેલા બાંધકામ તરફ ઈશારો કરી સુપારી કહે છે, "મારા દીકરાના મૃત્યુને માંડ મહિનો થયો હતો, પરંતુ ટૂંક સમયમાં જ [સપ્ટેમ્બર 2019 માં] અમારે ફરી મુંબઈ  સ્થળાંતર કરવાની ફરજ પડી  જેથી મકાન  પૂરું  કરવા  થોડા પૈસા કમાઈ શકીએ." અધૂરા રહેલા મકાનમાં નથી  છત કે નથી બારી-બારણાં અને દિવાલો ય હજી પ્લાસ્ટર કરવાની બાકી છે. તેઓ  કહે છે, 'મારા પતિના જીવ સાટે આ મકાન મળ્યું/આ મકાન મારા પતિનો જીવ લઈ  ગયું''.

સુપારીના સાસુ સુફુલ હજી પણ ખૂબ દુ: ખી છે, તેઓ માને છે કે તેમના દીકરાની વહુ  સુરેસ્વરનું  મુત્યુ કેવી રીતે થયું એ વિશે સાચું કહેતી નથી. તેઓ કહે છે, "મારા દીકરાએ મારી સાથે ફોન પર વાત કરી હતી અને તેને સારું લાગતું હતું. થોડા દિવસો પછી એનું મૃત્યુ થાય એ વાત મારા માન્યામાં આવતી નથી." સુફુલ માને  છે કે બાંધકામ સ્થળ પર કામ કરતી વખતે દુર્ઘટનામાં તેમના દીકરાનું મૃત્યુ થયું હતું, અને સુપારી તેનું અસલી કારણ છુપાવી રહી છે  કારણ કે તે નથી ઈચ્છતી કે દોષનો ટોપલો તેના માથે ઢોળાય. જો કે સુપારી ભારપૂર્વક કહે  છે: "તેઓ હંમેશાં અકારણ દોષનો ટોપલો મારા માથે જ ઢોળે છે  છે અને હકીકતમાં આવું કંઈ થયું નથી."

After losing his father and brother, Dhanudhar (left), her youngest son, says Supari, has lost interest in studying
PHOTO • Anil Sharma
After losing his father and brother, Dhanudhar (left), her youngest son, says Supari, has lost interest in studying

સુપારી કહે છે કે પિતા અને ભાઈના મૃત્યુ પછી  તેમના  સૌથી નાના  દીકરા  ધનુધરને (ડાબે) ભણવામાં રસ નથી રહ્યો

રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ડિસેમ્બર 2019 માં પરિવારને  20000 મળ્યા હતા. આ યોજના અંતર્ગત આજીવિકા રળનાર મુખ્ય સભ્યનું  મૃત્યુ થાય તો  પરિવારને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે  છે. સુપારી કહે છે, “મેં તેનો ઉપયોગ મારા પતિની દાસા વિધિ  [મરણોત્તર ક્રિયાકાંડ] માટે સંબંધીઓ પાસેથી લીધેલી લોન ચૂકવવા માટે કર્યો હતો.” તેઓને ડિસેમ્બર 2019 થી વિધવા પેન્શન તરીકે મહિને 500 રુપિયા  પણ મળે છે.

સૈદ્ધાંતિક રીતે જોઈએ તો બાંધકામ સ્થળે કામ કામ કરતા શ્રમિક તરીકે સુરેસ્વરનો  પરિવાર ઓડિશાના મકાન અને અન્ય બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડ તરફથી પણ ‘આકસ્મિક મૃત્યુ’ લાભ પેટે  200000 રુપિયા મેળવવા હકદાર હોવો જોઈએ. પરંતુ પરિવાર આ રકમનો દાવો કરવા માટે પાત્ર નથી કારણ કે સુરેસ્વરે જિલ્લા શ્રમિક કચેરીમાં નોંધણી કરાવી નહોતી. સુપારી કહે છે, “જો અમને થોડો પૈસા મળે તો પણ તે એક મોટી મદદ હશે." તેમનું મકાન અધૂરું રહ્યું છે અને તેમના કેટલાક દેવા લાંબા સમયથી ચાલ્યા આવે છે, જેમાંથી સબંધીઓ પાસેથી લીધેલા ઓછામાં ઓછા  20000 રુપિયાનું દેવું ચૂકવવાનું બાકી છે.

સુપારી હવે ઘરના  એકમાત્ર કમાનાર સભ્ય છે. તેઓ  હિઆલ ગામમાં અને આજુબાજુમાં  મજૂરી કરે છે અને દિવસના 150 રુપિયા કમાય છે. સુપારી કહે છે, "મને નિયમિત કામ મળતું નથી. અમે ક્યારેક ભૂખ્યા રહીએ છીએ." ધનુધર તેની બહેનના ગામથી હિઆલ પાછો ફર્યો  છે. સુપારી કહે છે, “મારો દીકરો ભણતો નથી. તેને ભણવામાં રસ નથી રહ્યો. તેણે શાળા છોડી દીધી છે અને આ વર્ષે [એપ્રિલ 2021 માં] બોર્ડની પરીક્ષા આપવાનો નથી."

મકાન  હજી અધૂરું છે, અડધી બાંધેલી દિવાલો અને ભોંય પર છોડ અને ઘાસ ઊગી  નીકળ્યા છે. સુપારીને ખબર નથી કે તેઓ મકાન બનાવવા કઈ  રીતે અને ક્યારે  ભંડોળ ભેગું કરી શકશે. “જો છત નાખવામાં નહિ આવે તો વરસાદની ઋતુમાં [હજી વધુ] નુકસાન થશે. ગયા વર્ષના વરસાદથી દિવાલોને તો નુકસાન થઈ જ ગયું છે. પરંતુ મારી પાસે પૈસા ન હોય તો હું શું કરી શકું? ”

નોંધ: સ્થાનિક અખબાર મારફત સુરેસ્વરના મૃત્યુની જાણ થતા આ પત્રકાર અને તેમના એક મિત્ર હિઆલ ગામની મુલાકાતે ગયા. તેઓએ કાંતાબંજીના વકીલ  અને સામાજિક કાર્યકર બી. પી. શર્મા સાથે પરિવારની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી અને  તેમણે જિલ્લા કલેક્ટરને નાણાકીય સહાયની વિનંતી કરતો પત્ર લખ્યો. તેના જવાબમાં કલેકટરે તુરેકેલાના બ્લોક વિકાસ અધિકારીને શોકગ્રસ્ત પરિવારને રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત આર્થિક સહાય મંજૂર કરવા નિર્દેશ આપ્યો. ત્યારબાદ સુપારીને તેમના બેંક ખાતામાં 20000 રુપિયા મળ્યા હતા અને વિધવા પેન્શન કાર્ડ આપવામાં આવ્યું હતું.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Anil Sharma

Anil Sharma is a lawyer based in Kantabanji town, Odisha, and former Fellow, Prime Minister’s Rural Development Fellows Scheme, Ministry of Rural Development, Government of India.

Other stories by Anil Sharma
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik