રમેશ શર્માને યાદ નથી કે  છેલ્લે ક્યારે આખું વર્ષ તેમણે પોતાને  ઘેર ગાળ્યું હશે. હરિયાણાના કરનાલ જિલ્લાના ગાગ્સિના ગામમાં એક ખેતરમાં શેરડી કાપતા- કાપતા તેઓ  કહે છે કે, "હું છેલ્લા 15-20 વર્ષથી આ કરું છું."

44 વર્ષના રમેશ ઓક્ટોબરથી માર્ચ - વર્ષના છ મહિના - બિહારના અરરિયા જિલ્લામાં આવેલા તેમના ગામ  શોઇરગાંવથી હરિયાણા અને પંજાબમાં ખેતમજૂર તરીકે કામ કરવા સ્થળાંતર કરે છે. તેઓ કહે છે, "હું બિહારમાં ખેડૂત તરીકે કમાઉ છું તેના કરતા વધારે પૈસા હરિયાણામાં મજૂર તરીકે કમાઉ છું."

શોઇરગાંવમાં રમેશની ત્રણ એકર ખેતીની જમીન છે,  તેઓ  વર્ષના છ મહિના તેના પર ખેતી કરે છે. તેઓ  ખરીફ સીઝન (જૂન-નવેમ્બર) દરમિયાન ડાંગર ઉગાડે છે. જે શેરડી કાપી રહ્યા છે તેના પરથી નજર હટાવ્યા વિના તેઓ  કહે છે, “તેમાંથી  મોટાભાગના (ડાંગર) ઘર-વપરાશ માટે છે,” .

શર્માનો વર્ષનો મુખ્ય રોકડિયો પાક મકાઈ છે, જે તેઓ રવિ સીઝનમાં (ડિસેમ્બર-માર્ચ) ઉગાડે છે. પરંતુ આ પાકથી તેમને ભાગ્યે જ કંઈ રોકડ નસીબ થાય છે. કુલ 60 ક્વિન્ટલ  મકાઈની ઉપજ મળ્યા પછી તેઓ કહે છે, “ગયા વર્ષે [2020] મેં મારો પાક પ્રતિ ક્વિન્ટલ 900 રુપિયે વેચ્યો હતો. વચેટિયાએ  (કમિશન એજન્ટે) ગામમાંથી જ અમારી પાસેથી પાક ખરીદી લીધો હતો. વર્ષોથી આમ જ ચાલે છે. ”

રમેશને મળેલ ભાવ  - કેન્દ્ર સરકારે 2019-20માં મકાઈ માટે નક્કી કરેલા - લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) - 1760 રુપિયા પ્રતિ ક્વિન્ટલ - કરતા આશરે 50 ટકા ઓછો હતો. બિહારમાં હવે સરકાર દ્વારા નિયંત્રિત મંડીઓમાં એમએસપી પર વેચવાનો વિકલ્પ રહ્યો નથી, તેથી શર્મા જેવા નાના ખેડૂતોને વચેટિયાઓ સાથે સીધા સોદા કરવાની ફરજ પડે છે.

2006 માં બિહાર સરકારે બિહાર કૃષિ ઉપજ ખરીદ-વેચાણ અધિનિયમ, 1960 રદ કર્યો.  એ સાથે રાજ્યમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) મંડી પ્રણાલી  નાબૂદ થઈ ગઈ. સરકારે દાવો કર્યો હતો કે આ પગલું ખેડૂતો માટે  ખાનગી માલિકીના વેપાર ક્ષેત્રને મંજૂરી આપીને કૃષિ ક્ષેત્રને પ્રતિબંધોથી મુક્ત કરશે. પરંતુ એપીએમસીને નાબૂદ કરવાથી બિહારના ખેડૂતોને વધુ સારું વળતર મળ્યું ન હતું, તેઓ વચેટિયાઓ પર અને વેપારીઓ દ્વારા નક્કી કરાયેલા  ભાવો પર વધુ નિર્ભર બન્યા હતા.

Ramesh Sharma makes more money as a farm labourer in Haryana than he does cultivating his land in Bihar's Shoirgaon village
PHOTO • Parth M.N.
Ramesh Sharma makes more money as a farm labourer in Haryana than he does cultivating his land in Bihar's Shoirgaon village
PHOTO • Parth M.N.

રમેશ શર્મા  બિહારના શોઇરગાંવ ગામમાં તેમની જમીન પર ખેતી કરીને કમાય છે તેના કરતા વધારે પૈસા હરિયાણામાં ખેતમજૂરી કરીને  કમાય છે

ડાંગર અને ઘઉંની સાથે-સાથે મકાઈ એ પૂર્વોત્તર બિહારમાં ઉગાડવામાં આવતા મહત્વના અનાજમાંથી એક છે, જે ભારતના મોટાભાગના ભાગોથી વિપરીત અહીં  શિયાળામાં ઉગાડવામાં આવે છે. નવી દિલ્હીના મકાઈ  સંશોધન નિયામકનો એક અહેવાલ નોંધે છે કે આ વિસ્તારમાં ખરીફ સીઝન કરતા રવિ સીઝન દરમિયાન મકાઈની ઉપજ વધુ સારી મળે  છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે શિયાળોનો પાક, ખાસ કરીને ચારા માટે અને ઔદ્યોગિક વપરાશ માટે, મકાઈની વધતી જતી માંગને પહોંચી વળવામાં  મદદ કરે છે.

સારી સીઝનમાં રમેશ શર્માને તેમની જમીનમાં એકરદીઠ લગભગ 20 ક્વિન્ટલ મકાઈની  ઉપજ મળે છે. મજૂરી ખર્ચને બાદ કરતાં  તેમ ને એકર દીઠ 10000  રુપિયા ખર્ચ થાય છે. તેઓ કહે છે, "આમાં બીજ, ખાતરો અને જંતુનાશકો સહિત વાવેતરને લગતો લગભગ બધો ખર્ચ આવી જાય. પ્રતિ ક્વિન્ટલ 900 રુપિયા એટલે     [એકર દીઠ] 18000 રુપિયા હાથમાં આવે અને તે પણ ચાર મહિનાની સખત મહેનત પછી. તે પૂરતું નથી."

જો તેમને એમએસપી દર મળ્યો હોત, તો તેમને એકર દીઠ 35200 રુપિયા મળત. પરંતુ ગયા વર્ષે તેમની મકાઈ એમએસપી કરતા પ્રતિ ક્વિન્ટલ 860 રુપિયા નીચે વેચવી પડતા રમેશને એકર દીઠ 17200 રુપિયાનું નુકસાન થયું. તેઓ કહે છે , "હું શું કરું? અમારી પાસે બીજા કોઈ વિકલ્પો જ નથી. દલાલ/વચેટિયો  ભાવ ટાંકે છે. અને અમારે સહમત થયા વિના છૂટકો નથી હોતો."

અરરિયાના કુર્સાકટ્ટા બ્લોક સ્થિત શોઇરગાંવ ગામ નજીકના પૂર્ણિયા જિલ્લાની ગુલાબબાગ મંડીથી લગભગ 60 કિલોમીટર દૂર છે. તે બજાર મકાઈની ખરીદી માટેનું મુખ્ય કેન્દ્ર છે.  પૂર્ણિયાની [કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા  (માર્ક્સિસ્ટ-લેનિનિસ્ટ) લિબરેશન સાથે સંકળાયેલ] અખિલ ભારતીય કિસાન મહાસભાના જિલ્લા પ્રમુખ મોહમ્મદ ઇસ્લામુદ્દીન કહે છે કે, “એપીએમસી અધિનિયમ નાબૂદ થયા બાદ મંડી સંપૂર્ણપણે ખાનગી વેપારીઓના નિયંત્રણમાં છે.  હવે પૂર્ણિયા  અને નજીકના જિલ્લાના  ખેડુતો આવે છે અને તેમની મકાઈની ફસલ  મંડીમાં અને આજુબાજુમાં હાજર વચેટિયાઓને વેચે છે.

ઇસ્લામુદ્દીન ઉમેરે છે કે ગુલાબબાગ મંડી આ ક્ષેત્રમાં મકાઈના દરને પ્રભાવિત કરે છે. તેઓ કહે છે, “ખાનગી વેપારીઓ તેમને મન ફાવે તે રીતે  દરો નક્કી કરે છે. વેપારીઓ ફસલનું વજન કરતી વખતે ઘણીવાર ખેડૂતની ઉપજ કરતા ઓછું વજન ગણાવે છે. પણ ખેડૂતો એ અંગે ખાસ કંઈ કરી શકતા નથી કારણ કે તેઓ બીજે ક્યાંય જઈ શકતા  નથી. "

ઉપરાંત મોટા ખેડૂતો સરળતાથી  ગુલાબબાગ પહોંચી શકે છે, કારણ કે મોટે ભાગે તેમની પાસે ટ્રેકટરો  હોય છે અને તેના પર તેઓ તેમની મોટી ફસલ લઈ જઈ શકે છે. ઇસ્લામદ્દીન કહે છે, "નાના ખેડુતો તેમની ફસલ ગામમાં જ વચેટિયાઓને વેચે છે, તેઓ  ગામમાં ઘણા ઓછા દરે પુષ્કળ ફસલ ખરીદે છે અને પછી ગુલાબબાગ આવે છે."

Farmer Rajmahal Mandal from Bihar's Barhuwa village cuts sugarcane in Gagsina village, Haryana, to earn more and take care of his family
PHOTO • Parth M.N.
Farmer Rajmahal Mandal from Bihar's Barhuwa village cuts sugarcane in Gagsina village, Haryana, to earn more and take care of his family
PHOTO • Parth M.N.

બિહારના બારહવા ગામના ખેડૂત રાજમહલ મંડાલ વધુ કમાણી કરીને  તેમના પરિવારનું ગુજરાન ચલાવવા હરિયાણાના ગાગ્સિના ગામમાં શેરડી કાપે છે.

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (એનસીએઇઆર) દ્વારા 2019માં પ્રકાશિત ભારતના બિહાર રાજ્ય માટે કૃષિ નિદાન પરનું અધ્યયન નોંધે છે કે બિહારમાં લગભગ 90 ટકા પાક ગામની અંદરના  વચેટિયાઓ અને વેપારીઓને જ વેચી દેવાય છે. અહેવાલ વધુમાં નોંધે છે, “2006 માં એપીએમસી અધિનિયમ નાબૂદ કરાયા છતાં  નવા બજારો ઊભા કરવા અને હાલની સુવિધાઓને મજબૂત કરવા માટે બિહારમાં ખાનગી રોકાણ થયું નથી, જેના પગલે બજારમાં વેપારીઓની સંખ્યા ઓછી રહી છે."

બિહારના અન્ય બે મુખ્ય પાક - ડાંગર અને ઘઉં માટે પણ -  નાના ખેડૂતોને એમએસપી કરતા ઘણા ઓછા ભાવ મળે  છે.

કૃષિક ઉપજ  વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020 - કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020 માં રજૂ કરેલા ત્રણ નવા કાયદાઓમાંના એક - ભારતના તમામ રાજ્યોમાં એપીએમસી કાયદાઓને બિનઅસરકારક બનાવે છે. આ જ કારણોસર બિહારે 14 વર્ષ પહેલાં  મંડી પ્રણાલી નાબૂદ કરી હતી. 26 નવેમ્બર, 2020 થી મુખ્યત્વે દિલ્હીની સરહદો પર નવા કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનું માનવું છે કે આ કાયદાઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે.

ઉપજના ખૂબ ઓછા ભાવ મળતા સંઘર્ષ કરી રહેલા ગ્રામીણ બિહારના લાખો ખેડૂતો અને ખેતમજૂરો તેમની આવકની પૂરવણી માટે વર્ષોથી હરિયાણા અને પંજાબમાં મૌસમી સ્થળાંતર કરી રહ્યા છે, જ્યાં ખેડૂતોની સ્થિતિ પ્રમાણમાં સધ્ધર છે.

ગાગ્સિનાના શેરડીના ખેતરોમાં જ્યાં રમેશ શર્મા કામ કરે છે ત્યાં બિહારના બીજા 13  મજૂરો પણ શેરડી કાપી રહ્યા છે. કાપેલી શેરડીના પ્રતિ ક્વિન્ટલ 45 રુપિયા કમાવા માટે તેઓએ અરરિયાથી કરનાલ સુધીની  1400 કિલોમીટરની મુસાફરી કરી છે.  ખભેથી વળીને શેરડીના સાંઠા પર વારંવાર દાતરડું ચલાવી રહેલા  45 વર્ષના રાજમહલ મંડાલ કહે  છે, “હું દિવસના 12-15 ક્વિન્ટલ કાપું છું. એટલે રોજના લગભગ 540-675 રુપિયા મળે.”

After months of backbreaking work cutting sugarcane, Kamaljit Paswan's body aches for days when he returns home to Bihar
PHOTO • Parth M.N.
After months of backbreaking work cutting sugarcane, Kamaljit Paswan's body aches for days when he returns home to Bihar
PHOTO • Parth M.N.

મહિનાઓ સુધી સતત શેરડી કાપવાની  તનતોડ મજૂરી કર્યા પછી કમલજીત પાસવાનના બિહાર ઘેર પાછા ફરે છે ત્યારે દિવસો સુધી તેમનું શરીર દુખે છે

અરરિયાના  બારહવા  ગામથી આવેલા મંડાલ ઉમેરે છે કે, “અહીં [હરિયાણા] ના ખેડૂતોને અમને સારા દરે રોજે રાખવાનું પોસાય  છે. બિહારમાં તે શક્ય નથી. હું પણ ખેડૂત છું, મારી ત્રણ એકર જમીન છે. પરંતુ હું પોતે જ વધારાના પૈસા કમાવવા અહીં  આવતો હોઉં ત્યાં  મારા ખેતરમાં મજૂરોને કેવી રીતે રોજે રાખી શકું? ”

રાજમહલ ઓક્ટોબર-નવેમ્બરની આસપાસ જ્યારે ડાંગરની લણણી શરૂ થાય છે ત્યારે પોતાનું ગામ છોડે છે. મંડાલ કહે છે, “તે વખતે પંજાબ અને હરિયાણામાં મજૂરોની ભારે માંગ હોય છે. લગભગ પહેલા બે મહિના અમે ડાંગરના ખેતરોમાં દિવસના 450 રુપિય લેખે કામ કરીએ છીએ. પછીના ચાર મહિના અમે શેરડી કાપીએ. અમે છ મહિનામાં લાખેક રુપિયા કમાઈ લઈએ છીએ. તે નિશ્ચિત આવક છે અને તે મને મારા પરિવારનું ગુજરાન ચલાવવામાં  મદદ કરે છે."

જો કે તે આવક માટે કિંમત ચૂકવવી પડે છે. તેમનું તનતોડ મજૂરીનું કામ  સવારે 7 વાગ્યે શરૂ થાય છે અને સૂર્યાસ્ત સુધી પૂરું થતું નથી. શોઇરગાંવના 22 વર્ષના કમલજીત પાસવાન કહે છે કે, "રોજનું 14-14કલાકનું કામ , ફક્ત બપોરના બોજના માટેના એક વિરામ સાથે, થકવી નાખનારું હોય છે. મહિનાઓ સુધી સતત આવા જ દિવસો જાય છે.  બિહાર ઘેર પાછો ફરું છું ત્યારે મારી પીઠ, ખભા, કમર અને પગના ગોટલા દિવસો સુધી દુખે  છે. "

ગાગ્સિનામાં શ્રમિકો શેરડીનાં ખેતરો નજીક રસોડા કે શૌચાલય જેવી સુવિધા વિનાના બહુ જ સાંકડા, કામચલાઉ ઝૂંપડામાં રહે છે. તેઓ પોતાનો ખોરાક ખુલ્લામાં લાકડા પર રાંધે છે.

પાસવાનના પરિવાર પાસે કોઈ જમીન નથી, અને તેમના  માતાપિતા અને બે નાની બહેનો સહિતના પાંચ સભ્યોના પરિવારમાં તેઓ એકમાત્ર કમાતા સભ્ય છે. તેઓ કહે છે, . “મારે માથે કુટુંબનું ગુજરાન ચલાવવાની જવાબદારી છે. મને એ લોકો બહુ યાદ આવે છે, પણ તેમની સાથે માત્ર અડધું વર્ષ ગાળીને મારે સંતોષ માનવો પડશે. જે મળે તેનાથી ચલાવી લીધા વિના છૂટકો છે?"

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik