વિકાસ યાદવ અને લક્ષ્મણ સિંઘ તેમનાં બળદગાડાં લઈને બપોર સુધીમાં કમલા માર્કેટ પહોંચે છે. લગભગ દરરોજ, તેઓ નવી દિલ્હીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ ખૂબ ધાંધલ-ધમાલવાળા ટ્રાન્સપોર્ટ હબ પર વિવિધ માલ-સામાન પહોંચાડે છે, સામાન્ય રીતે  તેઓ  સબ્જી મંડી રેલ્વે સ્ટેશન પાસેના ઉત્તર-મધ્ય દિલ્હીના પ્રતાપ નગરમાંથી તે માલ-સામાન લઈ આવે છે.

લગભગ છ કિલોમીટરના અંતરે આવેલા આ બંને વિસ્તારમાં ટ્રેન કે ટ્રક દ્વારા માલ-સામાન લાવનારા ટ્રાન્સપોર્ટરો  ટૂંકા અંતરે સામાન પહોંચાડવા બળદગાડાં ભાડે રાખે છે. જેમાં લાવે છે લુધિયાણાથી સાયકલના પુરજા, આગ્રાના પગરખાં, પંજાબ અને મધ્ય પ્રદેશના ઘઉં, દક્ષિણ ભારતથી ગાડીના પુરજા.

માલને ગાડીમાં ભરવાનું અને ઉતારવાનું કામ બળદગાડાંવાળાઓનું છે. ૨૩ વર્ષનો વિકાસ કહે છે, “ટેમ્પો એક ખેપના હજાર રુપિયા લે  છે. બળદગાડું  એનાથી સસ્તું છે, નહિ તો કોણ અમારો ભાવ પૂછે? અમે દરરોજ બે ખેપ કરીએ છીએ અને દિવસના આશરે ૮૦૦-૯૦૦ રુપિયા કમાઈ લઈએ છીએ.”

ટ્રાન્સપોર્ટરો તેમના ગોડાઉનમાંથી નજીકના બજારોની દુકાનોમાં માલસામાન પહોંચાડવા માટે પણ બળદગાડાં  ભાડે રાખે છે. ઘણા દુકાનદારો પણ વેચવાનો માલ શહેરમાં અન્ય જગ્યાએ મોકલવા માટે બળદગાડાં ભાડે રાખે છે.

જો કે દિલ્હી ટ્રાફિક પોલીસના નિયમો મુજબ અમુક નિશ્ચિત વિસ્તારમાં જ  બળદગાડાં ફેરવી શકાય છે અને તે પણ નિશ્ચિત સમય દરમ્યાન જ. ૨૭ વર્ષનો લક્ષ્મણ કહે છે કે આ સિવાય બીજા કોઈ અન્ય કડક નિયમો નથી. “અમારે કોઈની પરવાનગી લેવી પડતી નથી કે ટ્રાફિક પોલીસ પાસે કોઈ ચલણ ફડાવવું પડતું નથી, એટલે અમે બળદગાડાં વાપરીએ  છીએ.”
Bholu Singh lives in Delhi's Motia Khan area, and owns three carts, there oxen and a calf. Now 64, he started plying a cart when he was 12
PHOTO • Sumit Kumar Jha
Bholu Singh lives in Delhi's Motia Khan area, and owns three carts, there oxen and a calf. Now 64, he started plying a cart when he was 12
PHOTO • Sumit Kumar Jha

ભોલુ સિંગ દિલ્હીના મોતિયા ખાન વિસ્તારમાં રહે છે. તેમની પાસે  ત્રણ ગાડાં, ત્રણ બળદો અને એક વાછરડું  છે.  ૬૪ વર્ષના સિંગ , ૧૨ વર્ષના હતા ત્યારથી બળદગાડું હાંકવાનું કામ કરે છે

કમલા માર્કેટથી લગભગ  ચાર કિલોમીટર દૂર ભીડભાડવાળા મોતિયા ખાન વિસ્તારમાં, સાંકડી ગલીઓમાં વિકાસ અને લક્ષ્મણના બળદો (જે શરૂઆતના કવરફોટોમાં છે) તથા અન્યોના બળદો ઊભેલા છે. ઘણા બળદગાડાંવાળા મધ્ય દિલ્હીના પહાર ગંજના આ વિસ્તારમાં રહે છે. જે ગાડાં શહેરમાં ખેપ માટે નથી ગયાં તે ફૂટપાથ  પર પડેલાં છે – તેમના ચાલકો આરામ ફરમાવી રહ્યા છે, ગપાટા હાંકી રહ્યા છે, કે પછી તેમના પ્રાણીઓને ખવરાવી રહ્યા છે.

તેમાંના એક છે ભોલુ સિંગ , જેઓ ૧૨ વર્ષના હતા ત્યારથી મોતિયા ખાન વિસ્તારમાં બળદગાડું હાંકવાનું કામ સંભાળે છે. “હું ક્યારેય શાળામાં નથી ગયો. હું જાતે એકલો બળદગાડું હાંકતો થયો તે પહેલાં, હું મારા પિતાની સાથે તેમના ગાડામાં જતો હતો. એક દિવસે તેમણે મને (પહાર ગંજના) સદર બજારમાં કેટલોક માલ લઈ જવાનું કામ સોંપ્યું હતું, ત્યારથી શરુ કરીને આજ સુધી મેં આ કામ ચાલુ રાખ્યું છે,” તેઓ કહે છે. તેમની  પાસે અત્યારે ત્રણ ગાડાં, ત્રણ બળદ અને એક વાછરડું છે.

૬૪ વર્ષનો ભોલુ મોતિયા ખાનમાં જન્મ્યો  હતા. તે યાદ કરતાં કહે છે કે તેના પિતા લગભગ ૧૨ વર્ષના હતા ત્યારે તેના દાદા-દાદી રાજસ્થાનના ચિત્તોડગઢના એક ગામમાંથી દિલ્હીમાં આવ્યા હતા, એ વખતે . ભોલુના દાદાએ કેટલીક માલમત્તા  વેચી એક બળદગાડું ખરીદ્યું અને તે ગાડામાં જ  રોજીરોટી કમાવા તે દિલ્હી આવી ગયા.

વિકાસ અને લક્ષ્મણની જેમ, ભોલુ પણ  તેના ગાડામાં મોટેભાગે મધ્ય દિલ્હી અને તેના આસપાસના વિસ્તારમાં 15 થી 20 કિલોમીટરની દિવસની બે ખેપ કરે  છે. કેટલો સમય લાગે તેનો આધાર ટ્રાફિક કેવો છે તેના પર છે, છતાં મોટેભાગે તેને એક તરફની ખેપમાં  ૪૫ થી ૬૦ મિનીટ લાગે છે. તે પણ દિવસના ૮૦૦-૯૦૦ રુપિયા કમાઈ લે છે. શિયાળામાં, તેઓ એક ખેપ વધારે કરવાનો પ્રયત્ન  કરે છે, કારણ કે શિયાળામાં બળદને ઓછો થાક લાગે છે, પરિણામે તેઓ ૩૦૦-૬૦૦ રુપિયા વધારે કમાઈ લે છે. “પણ હું એક રુપિયો ય  બચાવી શકતો નથી,” તેઓ કહે છે. “અડધા રુપિયા બળદોની સંભાળ લેવામાં, અને બાકીના અડધા રોજીંદી જીવનજરુરિયાતની ચીજવસ્તુઓમાં ખર્ચાઈ  જાય છે.”
The densely-packed Motia Khan locality is home to many bullock carts owners, who park their animals and carts on the streets (left); among them is 18-year-old Kallu Kumar (right), who says, 'I had to follow in my father’s footsteps and ride the cart'
PHOTO • Sumit Kumar Jha
The densely-packed Motia Khan locality is home to many bullock carts owners, who park their animals and carts on the streets (left); among them is 18-year-old Kallu Kumar (right), who says, 'I had to follow in my father’s footsteps and ride the cart'
PHOTO • Sumit Kumar Jha

ભીડભાડવાળા  મોતિયા વિસ્તારમાં  ઘણા બળદગાડાવાળાઓ રહે  છે. તેઓ તેમનાં પ્રાણી અને ગાડાં ગલીઓમાં ઊભા રાખે  છે (ડાબે); તેમાંથી એક ૧૮ વર્ષનો કલ્લુ કુમાર (જમણે) છે, જે કહે છે કે, “મારે તો મારા પિતાના નક્શેકદમ પર ચાલી બળદગાડું જ હાંકવું રહ્યું.”

મોતિયા ખાન વિસ્તારમાં ભોલુનું પોતાનું એક મકાન છે. તેણે ત્રીસ વર્ષ પહેલાં બચત કરેલા પૈસામાંથી તે મકાન બનાવ્યું હતું. પણ તે તેના બળદોની પાસે  રહી શકે તે માટે ફૂટપાથ પર પતરા અને તાડપત્રીમાંથી બનાવેલી એક ખોલીમાં રહે છે. તેની  ૬૦ વર્ષની પત્ની કમલા બાઈ પણ,  પ્રાણીઓની સંભાળ લેવા માટે તેની સાથે જ રહે છે.  ૩૦ વર્ષની આસપાસની ઉંમરના તેમના ત્રણેય દીકરાઓએ લગ્ન પછી વધુ પૈસા કમાવવાની આશાએ બળદગાડું હાંકવાનું છોડી દીધું છે. તેઓ અત્યારે બાંધકામના સ્થળો પર અથવા પહાર ગંજ અને શાહદરામાં રિસાઈકલિંગની ફેક્ટરીમાં અથવા માલ ઉચકવાનું રોજના વેતનવાળું કામ કરે છે. તેઓ તેમના પરિવાર સાથે ભોલુએ બાંધેલા ઘરમાં રહે છે.

મોતિયા ખાન વિસ્તારના અન્ય યુવાનો તેમના પિતાના નક્શેકદમ પર જ ચાલી રહ્યા છે. ૧૮ વર્ષનો કલ્લુ કુમાર તેમના પરિવારની ત્રીજી પેઢી છે કે જે બળદગાડું હાંકે છે. તેણે શાળાએ જવાનું અધવચ્ચે છોડી દીધા પછી બળદગાડું ચાલવાનું શરૂ કર્યું હતું. “જ્યારે હું ભણતો હતો, ત્યારે શાળા છૂટ્યા પછી મારા પિતાની સાથે સામાન પહોંચાડવા જતો હતો, અને બળદોની સંભાળ રાખતો હતો,” તે કહે છે. કલ્લુ દસમા ધોરણમાં  પાસ ન થઈ  શક્યો, એટલે તેણે શાળા છોડી દીધી. “મેં મારા પિતાનું ગાડું હાંકવાનું શરૂ કર્યું, કારણ કે મારા પરિવારની પાસે મને શાળાએ મોકલવાના પૈસા ન હતા. અત્યારે હું રોજના સરેરાશ ૫૦૦-૬૦૦ રુપિયા કમાઈ લઉં છું,” તે વધુમાં કહે છે.

કલ્લુને શાળા છોડ્યાનું કોઈ દુઃખ નથી. “હું પૈસા કમાઉં છું અને મારો પરિવાર તેનાથી ખુશ છે. મારે તો મારા પિતાના નક્શેકદમ પર ચાલી બળદગાડું જ હાંકવાનું હતું,” તે કહે છે. કલ્લુનો ૨૨ વર્ષનો ભાઈ સુરેશ પણ ગાડું હાંકે છે, જ્યારે તેનો નાનો ભાઈ, ૧૪ વર્ષનો  ચંદન આઠમા ધોરણમાં ભણે છે, અને ક્યારેક તેમની સાથે કામ પર પણ આવે છે.

કલ્લુના ઘર પાસે જ, વિજય કુમાર સિંગ રહે છે, તેની પાસે બે ગાડાં ને બે બળદ છે. તે  તેના દીકરાઓને વધુ સારી તકો પૂરી પાડવા માગે છે. તેના ૧૧ વર્ષના દીકરા રાજેશની સામે જોઈને તે કહે છે કે, “હું તેને શાળાએ મોકલું છું અને તેમના ભણતર માટે મારાથી બનતું બધું કરી છૂટીશ. મારા પિતાની પાસે તો પૂરતા સ્ત્રોતો નહોતા, પણ હું ગાડું હાંકી તેમને માટે બધું કરી છૂટીશ.” રાજેશ અને તેનો ૮ વર્ષનો ભાઈ સુરેશ પહાર ગંજમાં એક સરકારી શાળામાં ભણે છે.
'We know the price we pay for living with tradition. But we love our oxen. They are our family', says Vijay Kumar Singh, siting on the cart (left); he   never went to school, but wants his son Rajesh (right) to get a good education
PHOTO • Sumit Kumar Jha
'We know the price we pay for living with tradition. But we love our oxen. They are our family', says Vijay Kumar Singh, siting on the cart (left); he   never went to school, but wants his son Rajesh (right) to get a good education
PHOTO • Sumit Kumar Jha

‘પરંપરા ટકાવી રાખવાની શી કિંમત ચુકવવી પડે છે તે અમે જાણીએ છીએ. પણ અમને અમારા બળદો માટે પ્રેમ છે. તે અમારા પરિવારનો જ એક હિસ્સો  છે,’ ગાડા પર (ડાબે) બેઠેલ વિજય કુમાર સિંગ કહે છે; તે ક્યારેય શાળાએ ગયો નથી, પણ ગાડા પર (જમણે) બેઠેલો તેનો દીકરો રાજેશ, સારું ભણે એવું તે ઈચ્છે છે

૩૨ વર્ષના વિજયે ગાડું હાંકવાનું શરૂ કર્યું ત્યારે તે માંડ ૧૨ વર્ષનો હતો. “અમે શહેરમાં રહીએ છીએ પણ રોજી તો અમારું પારંપરિક કામ કરીને જ કમાઈએ છીએ. ચિત્તોડગઢમાં મારા કાકા પાસે ખેતીના કામ માટે એક બળદ હતો, પણ હવે તે પણ ટ્રેક્ટરોનો ઉપયોગ કરે છે,” બેગુન તેહસીલના દોલતપુર ગામમાં તેના મામાના ખેતરનું વર્ણન કરતાં, તે કહે છે. વધારે કૌશલ્યવાળો ધંધો કર્યો હોત તો તે તેના પરિવાર માટે  વધારે પૈસા કમાઈ શક્યો હોત, તે વધુમાં કહે છે. "પરંપરા ટકાવી રાખવાની શી કિંમત ચુકવવી પડે છે તે અમે જાણીએ છીએ. પણ અમને અમારા બળદો માટે પ્રેમ છે. તે અમારા પરિવારનો જ એક હિસ્સો  છે."

વિજય અને તેની ૩૦ વર્ષની પત્ની સુમન, બંને  તેમના પ્રાણીઓની સંભાળ રાખે  છે. બળદોને ઘઉં અથવા ચોખાની કુશકી, અને રોજ સવાર, બપોર, સાંજ ચણાનું ભૂસું નીરવામાં આવે છે. ઉનાળામાં ગરમીનો સામનો કરી શકે, અને શરીરમાં તાકાત રહે તે માટે, તેમના નીરણમાં ગોળ, દૂધ, માખણ અને આમળાનો મુરબ્બો ભેળવવામાં આવે છે.

બળદગાડાંના માલિકો કહે છે કે ઘણી વખત મંદિરના ટ્રસ્ટો અથવા ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચાલતી ગૌશાળાઓ પ્રાણીઓ માટે દવાઓ અને નીરણ પૂરા પાડી મદદ કરે છે. જો કે, તેઓ માત્ર ગાયોની જ સંભાળ રાખે  છે. એટલે  જ્યારે કોઈ બળદ ૧૭ કે ૧૮ વર્ષની વયે પહોંચે છે, ત્યારે ઘણા ગાડાંવાળા તેમને હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખુલ્લા પ્રદેશોમાં છોડી દે છે, આવા પ્રાણીઓને કસાઈઓ  લઈ જાય છે.

બળદગાડાંવાળા તે જ રાજ્યોમાંથી તથા રાજસ્થાનમાંથી યુવાન બળદો ખરીદે છે, વિકાસ કહે છે. પ્રાણીની કિંમત તેની ઉંમર પર નિર્ભર કરે છે. ૧ વર્ષના વાછરડાની કિંમત ૧૫૦૦૦ રુપિયાથી લઈને  ૭ વર્ષના વાછરડાની કિંમત ૪૦૦૦૦-૪૫૦૦૦ રુપિયા હોય છે, આ ઉંમર બળદની સૌથી વધારે ઉત્પાદક (ફળદાયી) ઉંમર ગણાય છે, ભોલુ સમજાવે છે. આ પૈસા બચતના હોય છે, કે પછી ટ્રાન્સપોર્ટરો પાસેથી મહીને ૧.૫ થી ૨.૫ ટકાના વ્યાજદરે લોન પર લીધેલા હોય છે.
The oxen are given a feed of chaff of wheat or rice, and straw of Bengal gram every morning, afternoon and evening. In summer, to help the animals cope with the high temperature and recover energy, jaggery, milk, butter and amla murabba (preserve) are added to the feed
PHOTO • Sumit Kumar Jha
The oxen are given a feed of chaff of wheat or rice, and straw of Bengal gram every morning, afternoon and evening. In summer, to help the animals cope with the high temperature and recover energy, jaggery, milk, butter and amla murabba (preserve) are added to the feed
PHOTO • Sumit Kumar Jha

બળદોને ઘઉં અથવા ચોખાની કુશકી, અને રોજ સવાર, બપોર, સાંજ ચણાનું ભૂસું નીરવામાં આવે છે. ઉનાળામાં ગરમીનો સામનો કરી શકે, અને શરીરમાં તાકાત રહે તે માટે, તેમના નીરણમાં ગોળ, દૂધ, માખણ અને આમળાનો મુરબ્બો ભેળવવામાં આવે છે

એક નવા ગાડાના ૫૦૦૦૦-૬૦૦૦૦ રુપિયા થાય છે. બળદગાડાંવાળા બળદગાડું બનાવવાનું કામ પહાર ગંજ કે શાહદરામાં લુહારને સોંપે છે, આ લુહાર સ્થાનિક સુથારો સાથે મળી આંબા, લીમડા અથવા બબુલના ઝાડ માંથી ગાડું તૈયાર કરે છે. સીસમના લાકડાના ગાડાની કિંમત વધુ હોય  છે. બેરીંગ અને ધરી લોખંડમાંથી બનાવાય છે જે ઘણું સસ્તું હોય છે અથવા તે સ્ટીલ કે એલ્યુમીનીયમમાંથી બનાવાય  છે. ઘણીવાર, આ ગાડાં  હરિયાણા અને રાજસ્થાનમાંથી ખરીદવામાં આવે છે, એ થોડાં સસ્તાં પડે છે.

ભોલુ અને વિકાસના અંદાજ પ્રમાણે, રાજધાનીમાં ૪૫૦ થી ૫૦૦ જેટલાં બળદગાડાં  હશે – જો કે, દિલ્હી પોલીસ પાસે આની કોઈ માહિતી નથી, કારણ કે પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા વાહનોની કોઈ પત્રકમાં નોંધ રાખવામાં આવતી નથી.

પરંતુ, યાંત્રિક વાહનોની વધતી જતી હરિફાઈને કારણે ગાડાંવાળાની કમાણી ઘટતી ગઈ છે. “પહેલાં હું ફતેહપુર (ઉત્તર પ્રદેશમાં, લગભગ ૫૫૦ કિમી દૂર) સુધી માલ લઈ જતો  હતો. પણ હવે, ટ્રાન્સપોર્ટરો આ લાંબા અંતરનું કામ નાની ટ્રકવાળાઓને સોંપે છે. ૪ થી ૫ કિમીના અંતર માટે પણ, તેઓ ચેમ્પિયન (ત્રણ પૈડાંવાળા વાહન)નો ઉપયોગ કરે છે,” ભોલુ કહે છે.

તે કહે છે કે ૧૯૯૦ માં  તેઓ દિવસના ફક્ત ૭૦ રૂપિયા કમાતા હતા, પણ કામની શોધમાં ભટકવું નહોતું પડતું . તેઓ શહેરની ગલીઓમાં કોઈ જાતના બંધન વગર ફરી શકતા હતા. “ત્યારે હું વધારે ખુશ હતો. મને દરરોજ કામ મળી જતું હતું, પણ અત્યારે ઘણી વખત ઘેર બેસવાના દિવસો પણ આવે છે,” તે કહે છે.

તેવામાં સાંજ પડે છે, અને વિજય અને કલ્લુ તેમના બળદો બાંધી બળદગાડામાં બેસી જાય છે, ભોલુ અને બીજા બે ચાલકો પણ તેમની સાથે છે. ભોલુ બીડી સળગાવે છે અને તેનો કશ લેતાં ભૂતકાળના દિવસો યાદ કરતાં કહે છે, “હું બળદગાડાં જોતાં જોતાં મોટો થયો છું.  મારાં પૌત્રો પણ આ ગાડાં જુએએવી  મારી ઇચ્છા છે.” બાકીના લોકો મૂંગા મૂંગા ડોકું ધુણાવી તેની વાતમાં હા ભણે છે.

અનુવાદ: મહેદી હુસૈન

Sumit Kumar Jha

Sumit Kumar Jha is studying for a Master's degree in Communication at the University of Hyderabad. He is from Sitamarhi district in Bihar.

Other stories by Sumit Kumar Jha
Translator : Mehdi Husain

Mehdi Husain is an Ahmedabad based article writer and translator, who works across Gujarati, Urdu and English languages. He is the editor of Prasann Prabhat online Guajarati magazine. He also works at Meher Library and Jafari Seminary as a proof reader.

Other stories by Mehdi Husain