વિટ્ટો પાંડેને શૌચાલય સુધી પહોંચવા ૬૦ ડગલાં ભરવાં પડે છે. ખડબચડા રસ્તા ઉપર તેઓ એકલા ચાલી નથી શકતા. ઘણીવાર તેઓને કલાકો સુધી કોઈની રાહ જોવી પડે છે કે કોઈ તેમનો હાથ પકડી લઈ જાય. “હું વારે ઘડીયે પડું છું, અને ઊભી થાઉં છું, એકવાર તો એક આખલાએ મને ભેટું માર્યું હતું અને અઠવાડિયાઓ સુધી ત્યાં સુજન રહી હતી.” તેઓ કહે છે.

વિટ્ટો જન્મથી આંખે નબળા છે, સામાન્ય રીતે, તેમની ભાભી તેમને શૌચાલયે લઈ જાય છે. “ઘણી વાર તો હું કામમાં હોઉં છું અને તે મને બોલાવે છે, આ સમસ્યા છે.” ગીતા કહે છે, કે જે પોતે ખેતરોમાં શૌચ માટે જાય છે. “શૌચાલયોમાં પાણી નથી આવતું, એટલે તે ગંદી રહે છે, તે બેકાર શૌચાલય છે,” તે કહે છે. તેમના પતિ સનાતક, વિટ્ટોના ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે. તેઓ તેમના ગામ બાખરીમાં પોતાની ૧ વિઘા જમીનમાં ખેતી કરે છે, તેમનું ગામ લખનઉ જિલ્લાના ગોસઇગંજ વિસ્તારમાં આવેલું છે.

૨૦૩ શૌચાલયોમાંથી ઘણા વસાહતથી દૂર આવેલ છે, ભાંગી ગયેલ છે અને વાપરી શકાય એવી હાલતમાં નથી. શૌચાલયની પ્રારંભિક સગવડ ના મળતી હોવાના કારણે લાંબા સમય માટે સંડાસને રોકી રાખવી પડે છે; (સંડાસ કરવા માટે) લાંબુ ચાલીને જવું પડે છે; અવારનવાર ગામવાળાઓએ અપમાન સહન કરવા પડે છે.

તારાવતી સાહુ એક ગૃહિણી છે, તેઓ એવા ઘણા દિવસો યાદ કરે છે, કે જયારે તેમનું પેટ ખરાબ હોય છે, અને ખેતરમાં ઉતાવળે જતાં કોઈના ઘરની સામે સંડાસ કરી જાય છે. “તે એક શરમજનક પરિસ્થિતિ હોય છે, પાડોશીઓ ખાર ખાઈને જુવે છે. જયારે મારું પેટ ખરાબ થાય છે, ત્યારે હું સંડાસને રોકી નથી શકતી. સંડાસ કરી જવાના કારણે હું ઘણીવાર શેરીને ધોવું છું, દિવસમાં પાંચ વખત,” તેઓ કહે છે કે ૬૫ વર્ષની ઉંમરે ખેતર સુધી પાંચ મિનીટનો રસ્તો કાપતાંય ભારે પડે છે. તેમના ૭૨ વર્ષના પતિ, માતાપ્રસાદ સાહુ, જેઓ એટલા અશક્ત છે કે ત્રણ વીઘાના ખેતરમાં કામ પણ નથી કરી શકતા, તેમના જેવી જ સમસ્યા વેઠે છે. “અમે ઘણા લોકોને વિનંતી કરી, પણ કોઈ અમારી તરફ ધ્યાન આપતું નથી. હું તો શૌચાલય વિષે કહી કહીને થાકી ગઈ છું,” તેઓ કહે છે.

Tarawati Sahu and Mata Prasad Sahu
PHOTO • Puja Awasthi
Bindeshvari's toilet which has no door
PHOTO • Puja Awasthi

ડાબે: માતાપ્રસાદ સાહુ અને તારવતી, તેણીની યાદ કરે છે કે એવા ઘણા દિવસો છે કે જયારે તેનું પેટ ખરાબ હોય છે, અને ખેતરમાં ઉતાવળે જતાં કોઈના ઘરની સામે સંડાસ કરી જાય છે.

જમણે: બિન્દેશ્વરી અને તેનો પરિવાર, જેમની પાસે પણ આવા ખંડેર શૌચાલય વાપરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી

તે છતાં પણ, બાખરી ગામ, જ્યાં ૧૯૦ પરિવાર વસે છે, અને લખનઉથી આશરે ૨૫ કિલોમીટર દૂર છે, તેના વિષે ઉત્તર પ્રદેશ સરકારનો દાવો છે કે, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આ ગામમાં ૧૦૦ પ્રતિ શત ઘરે-ઘરે શૌચાલયો છે. આ અભિયાનની ૨૦૧૪માં કેન્દ્ર સરકારના ‘પીવાલાયક પાણી અને સ્વચ્છતાના વિભાગ (Ministry of Drinking Water and Sanitation)’ દ્વારા જાહેરાત કરવામાં આવી, તેનો ઉદ્દેશ આખા દેશમાં સંપૂર્ણ સ્વચ્છતા હાંસલ કરવાનો છે.

બાખરી ગામની શૌચાલયની કથા સ્વચ્છ ભારત અભિયાન શરૂ થયું તેના થોડાં વર્ષો પહેલાથી શરૂ થાય છે. ૨૦૦૯માં, જયારે માયાવતી રાજ્યની મુખ્ય મંત્રી હતા, ત્યારે ઉત્તર પ્રદેશ સરકારની યોજના, ડો. આંબેડકર ગ્રામ સભા વિકાસ યોજના (AGSVY) માટે ગામને પસંદ કરવામાં આવ્યું હતું. તે યોજનામાં સ્વચ્છ શૌચાલયો પૂરી પાડવાની જોગવાઈ હતી. આના સિવાય અન્ય પાંચ વસ્તુઓ પણ પૂરી પાડવાની જોગવાઈઓ હતી: વીજ પુરવઠો, પાકા રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પીવાલાયક પાણી અને વસાહતો. વિટ્ટો જે શૌચાલય વાપરતી હતી, તે એ યોજના હેઠળ બંધાવેલ ૧૭૦ શૌચાલયોમાંથી છે, જેના માટે આ ગામને ૧૮ પરિમાણોના આધાર પર પસંદ કરવામાં આવ્યું હતું. અનુસૂચિત જાતિઓની વધારે સંખ્યા તેમાંનું એક પરિમાણ છે. બાખરી ગામના ૯૧૭ આવાસીઓમાંથી, વસ્તીગણતરી ૨૦૧૧ મુજબ, ૩૧૮ અનુસૂચિત જાતિઓના છે.

બાખરી ગામ પહેલેથી ડો. આંબેડકર ગ્રામ સભા વિકાસ યોજનામાં સમાવિષ્ટ હોવાના કારણે, જયારે સ્વચ્છ  ભારત અભિયાન ૨૦૧૨માં તેના આધારરેખા પરીક્ષણમાં આ ગામને શૌચાલયો માટે પાત્ર ગણ્યું હતું છતાં, ગામે ડો. આંબેડકર ગ્રામ સભા વિકાસ યોજના હેઠળ શૌચાલયો માટે પુરતું ભંડોળ મેળવી લીધું છે એમ માની તેને સ્વચ્છ  ભારત અભિયાનની યાદીમાંથી કાઢી નાખ્યું.

અંબર સિંહ, બાખરી ગ્રામ સભાના ચૂંટાયેલ પ્રધાન છે, કહે છે કે, તેમને ડો. આંબેડકર ગ્રામ સભા વિકાસ યોજના  હેઠળ બંધાવેલ શૌચાલયોને જીર્નોદ્વાર કરાવવા માટે સ્વચ્છ  ભારત અભિયાનમાંથી ભંડોળ મેળવવાનો પ્રયાસ કર્યો – તેમાં પાંડે પરિવારનું જર્જરિત શૌચાલય પણ સામેલ છે. “પણ એકવાર નક્કી થઈ ગયા પછી કંઈ કરી શકાતું નથી,” તેઓ કહે છે. અંબર સિંહ માટે ‘નક્કી’ અર્થાત, સ્વચ્છ  ભારત અભિયાનના ડેટાબેઝનો રેકોર્ડ, જે અભિયાનની પ્રગતિ સૂચિત કરે છે. ઓ રેકોર્ડમાં હોય કે ગામમાં પહેલેથી જ શૌચાલયો ઉપલબ્ધ છે, તો તેના માટે નવું ભંડોળ પાસ થતું નથી.

બે યોજનાઓ વચ્ચે ફસાયેલા બિન્દેશ્વરીના પરિવાર પાસે ખંડેર શૌચાલય વાપરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, તેમાં ઇંટો પણ પડું પડું થઈ રહી છે. “એવું લાગે છે કે તે ઇંટો હાલ મારી ઉપર પડશે.”

વિડિયો જુઓ: 'શૌચાલય ખૂબ જ દૂર છે'

બે યોજનાઓ વચ્ચે ફસાયેલા બિન્દેશ્વરીના પરિવાર પાસે ખંડેર શૌચાલય વાપરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, તેમાં ઇંટો પણ પડું પડું થઈ રહી છે. “એવું લાગે છે કે તે ઇંટો હાલ મારી ઉપર પડશે. હું વૃદ્ધ થવા છતાં કામ કરું છું. આ શૌચાલય બનાવતા સાથે જ નિવૃત્ત થઈ ગયાં,” ૫૭ વર્ષનાં બિન્દેશ્વરી ટીકા કરે છે, જેઓ લખનઉમાં ઘરકામ કરે છે. તેમના ઘરના આઠ સભ્યોમાંથી તેમની દીકરી અને બે પુત્રવધુઓ સાથે દરેક જન શૌચ માટે બહાર જાય છે. પણ બિન્દેશ્વરી શહેરમાં પાણીની સગવડવાળા શૌચાલયમાં જાય છે, જ્યાં તેઓ અઠવાડિયા દરમિયાન કામ કરે છે, અને મહિનાના રૂ. ૬૦૦૦ કમાય છે.

જો કે બાખરી ગામમાં જુદી-જુદી જાતિઓવાળા અને અલગ-અલગ આર્થિક પરિસ્થિતિવાળા લોકો માટે શૌચાલયો એક સમાનતા સમાન થઈ ગયા છે. અનુસૂચિત જાતિવાળા બિન્દેશ્વરીના જમીન વગરના પરિવાર માટે બનાવેલ શૌચાલય અને રામ ચંદ્ર પાંડે, ૬૨ વર્ષના વૃદ્ધ બ્રાહ્મણના પરિવારના શૌચાલય સરખા છે.

જો કે, ગામમાં કોઈનેય ડૉ. આંબેડકર ગ્રામ સભા વિકાસ યોજના હેઠળ બંધાવવામાં આવેલ એક પણ શૌચાલયની કિંમત યાદ નથી. ઘણા લોકો કહે છે કે એક શૌચાલય બનાવવા માટે ૩૦૦ ઇંટો વાપરવામાં આવી. જે લોકોને પરવડતું હતું તેઓએ સ્વખર્ચે શૌચાલયો બંધાવ્યાં.

રામ ચંદ્ર, જેમની પાસે ગામમાં ૨.૮ એકર જમીન છે, તેમને તેમના માટે બંધાવેલ શૌચાલયની ગુનવત્તા ખૂબ જ ખરાબ લાગી, એટલે તેમણે પોતે, તેને સુધારવા માટે રૂ. ૪૦૦૦ ખરચ્યા. “શૌચાલયનો દરવાજો ખૂબ પાતળા પતરાનો બનેલ હતો, જે એક રાત્રે ઊડી ગયો,” તે જણાવે છે. તેના ઘરના સાત સભ્યોમાંથી માત્ર તેમની ૭ વર્ષની પૌત્રી જ હાલમાં શૌચાલયનો ઉપયોગ કરે છે. “જો ઘરના દરેક સભ્યો તેનો ઉપયોગ કરતા, તો તે ઘણા વર્ષો પહેલાં જ બેકાર થઈ જાત,” તે વધુમાં જણાવે છે.

PHOTO • Puja Awasthi
PHOTO • Puja Awasthi

ગીતા અને વિટ્ટો પાંડે (ડાબે) અને રામ ચંદ્ર પાંડે (જમણે): બાખરી ગામમાં જુદી-જુદી જાતિઓવાળા અને અલગ-અલગ આર્થિક પરિસ્થિતિવાળા લોકો માટે શૌચાલયો  સમાનતા સમાન થઈ ગયા છે

તદુપરાંત, બાખરી ગામમાં શૌચાલયો ગટર વ્યવસ્થા સાથે જોડાયેલ નથી, કે નથી સ્વચ્છ ભારત અભિયાન દ્વારા ઘોષિત માર્ગદર્શિકાઓને પણ અનુસરતા – પહેલાની યોજનામાં સમાવિષ્ટ હોવાના કારણે, સ્વચ્છ  ભારત અભિયાન આ ગામ ને અવગણે છે. દાખલા તરીકે, રામ ચંદ્રના ઘરના શૌચાલય માટે એક જ કૂવો છે, પણ યોજના પ્રમાણે તો બે કૂવા રાખવાની ભલામણ થયેલી છે. બીજો કૂવો એટલા માટે કે જો પહેલો ભરાઈ જાય – એક કૂવો ભરાતા પાંચથી આઠ વર્ષ લાગે છે, તો શૌચાલયનો ઉપયોગ કરવામાં સમસ્યા ન થાય.

સ્વચ્છ ભારત અભિયાનના ઉદ્દેશો, “સમાનતા અને સમાવેશન” પર પણ બાખરી ગામમાં અમલ નથી થયું. અગાઉની યોજના (ડો. આંબેડકર ગ્રામ સભા વિકાસ યોજના ) હેઠળ જે શૌચાલયો બનાવેલ છે, તેમાં દિવ્યાંગ લોકો માટે ઘરમાં શૌચાલયની સુવિધા વિષેની પુસ્તિકામાં વાત કરવામાં આવ્યા પ્રમાણે વિટ્ટો જેવા દિવ્યાંગ લોકો માટે જે સગવડો હોવી જોઈએ તેનો સમાવેશ નથી. ‘પીવાલાયક પાણી અને સ્વચ્છતાના વિભાગ (Ministry of Drinking Water and Sanitation)’ દ્વારા છાપેલ દસ્તાવેજનો હેતુ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ  ભારત અભિયાન માટે આધાર પૂરો પાડવાનો હતો. તેમાં ઢોળાવ વાળો રસ્તો (બાંધ), કઠેરો, રસ્તા, આંધળા લોકો માટે સીમાચિહ્ન, અને પહોળો દરવાજો, અને અન્ય સગવડોની યાદી છે.

પણ વિટ્ટો, કે જે તેના  મતદાર ફોટો ઓળખ કાર્ડ  (Electoral Photo Identity Card-EPIC) – તેણીનું એક માત્ર સરકાર-માન્ય ઓળખ કાર્ડ – વડે દરેક ચૂંટણીમાં મત આપે છે, તેમણે ક્યારેય આવી સુવિધાઓ વિષે સાંભળ્યું નથી. “જયારે વરસાદ વરસે છે, મારા શૌચાલયની છત એટલી ચૂવે છે કે કૂવો પાણીથી જ ભરાઈ જાય,” તે કહે છે. જયારે વરસાદ આવે છે, ત્યારે તે ખેતરમાં જાય છે. તે એ પણ નથી જાણતા કે પાણીની સગવડ સાથે, સરળતાથી ઉપયોગ કરી શકાતો શૌચાલય તેમના પરિવારને કેવી રીતે મળી શકે છે. તેમને ખાતરી છે કે આવી ઇચ્છા વાજબી છે. “(જો આ સગવડ મળી જાય તો) જીંદગી જીવવી થોડી સરળ થઈ જાય,” તે કહે છે.

આ બધી વાતો વચ્ચે, બાખરી ગામમાં કોઈ નથી જાણતું કે ODF (ખુલ્લામાં શૌચ કરવું બંધ, સ્વચ્છ  ભારત અભિયાનનો ઉદ્દેશ્ય)નો મતલબ શું થાય છે. બિન્દેશ્વરી બે ઘડી વિચારીને કહે છે: “કદાચ તેનો મતલબ ગામડાં માટે કોઈ સુવિધા નથી (No Order for Village).”

અનુવાદ: મહેદી હુસૈન

Puja Awasthi

Puja Awasthi is a freelance print and online journalist, and an aspiring photographer based in Lucknow. She loves yoga, travelling and all things handmade.

Other stories by Puja Awasthi
Translator : Mehdi Husain

Mehdi Husain is an Ahmedabad based article writer and translator, who works across Gujarati, Urdu and English languages. He is the editor of Prasann Prabhat online Guajarati magazine. He also works at Meher Library and Jafari Seminary as a proof reader.

Other stories by Mehdi Husain