મારુતિ વાન ભરાઈ ગઈ છે અને નીકળવાની તૈયારીમાં છે. ખેડૂતોએ તસુભર જગ્યા બાકી છોડી નથી, કેટલાક તો એકબીજાની ખોળામાં બેઠા છે. તેમની બેગો અને (ચાલવા માટે ટેકો લેવાની) લાકડીઓ પાછલી સીટ પછીની સાંકડી જગ્યામાં ઠાંસેલી છે.

પરંતુ મંગલ ઘાટગેની બાજુમાં એક ખાલી બેઠક તરત નજરે પડે છે. તે કોઈને ત્યાં બેસવા દેતી નથી - તે ‘અનામત’ છે. પછી મીરાબાઈ લંગે વાન સુધી ચાલીને તે ખાલી જગ્યા પર બેસીને તેની સાડી સરખી કરે છે, જ્યારે મંગલ પોતાનો હાથ મીરાંબાઈના ખભે  વીંટાળે છે. દરવાજો બંધ થાય છે  અને મંગલ ડ્રાઈવરને કહે છે, “ચલ રે [ચાલો હવે જઇએ]."

મંગલ (53) અને મીરાબાઇ (65 ) બંને નાશિકના દિંડોરી તાલુકાના શિંદવડ ગામના છે. જો કે  છેલ્લા કેટલાક વર્ષો પાક્કી થયેલી આ દોસ્તીનું કારણ એક જ ગામમાં દાયકાઓના વસવાટ નથી. મંગલ કહે છે, '' અમે ગામમાં કામમાં અને ઘરમાં વ્યસ્ત હોઈએ છીએ. આંદોલનોમાં  અમારી પાસે વાતો કરવા માટે વધારે સમય હોય છે."

તેઓ બંને માર્ચ 2018 માં નાશિકથી મુંબઈ સુધીની કિસાન લોંગ માર્ચ દરમિયાન સાથે હતા. નવેમ્બર 2018 માં કિસાન મુક્તિ મોરચા માટે તેઓ સાથે  દિલ્હી ગયા હતા. અને હવે, તેઓ જાથામાં, નાશિકથી દિલ્હી જતી વાહન રેલીમાં  છે. જ્યારે મેં મંગલને  પૂછ્યું કે તે આ આંદોલનમાં શા માટે ભાગ લે છે ત્યારે તેઓ કહે છે, 'પોટા સાઠી  [પેટ માટે]'.

આ વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદા સામે હજારો, લાખો ખેડૂતો રાષ્ટ્રીય રાજધાનીની સરહદે ત્રણ જુદા જુદા સ્થળોએ વિરોધ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાંથીઆશરે 2000 જેટલા ખેડૂતો આંદોલનકારી ખેડૂતોને ટેકો આપવા અને એકતા દર્શાવવા 21 મી ડિસેમ્બરે નાસિકમાં ભેગા થયા હતા. તેઓ  નાસિકથી આશરે 1400 કિલોમીટર દૂર છેક દિલ્હી જઈ રહેલ જાથામાં જોડાવાના હતા. ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) સાથે સંકળાયેલી અખિલ ભારતીય કિસાન સભાએ આ ખેડૂતોને એક કર્યા  છે.

આ નીડર વિરોધીઓના જૂથમાં મંગલ અને મીરાબાઈ પણ  છે.

Mangal in front, Mirabai behind: the last few years of participating together in protests have cemented their bond
PHOTO • Parth M.N.

મંગલ આગળ, મીરાબાઈ પાછળ: છેલ્લા કેટલાક વર્ષોથી આંદોલનોમાં સાથે ભાગ લેવાને કારણે તેમની દોસ્તી પાક્કી થઈ છે

મંગલે બદામી રંગની સાડી પહેરી છે અને પાલવથી માથું ઢાંક્યું છે. તેમનું વર્તન થોડું "ઓહો, અહીં તો ગઈ છું, પેલું તો કર્યું છે, એમાં નવું શું  છે?"  પ્રકારનું છે.  21 મી ડિસેમ્બરે નાશિકના જે મેદાનથી  જાથા શરૂ થવાની છે તે મેદાનમાં બંને પ્રવેશે છે કે  તરત જ  મંગલ આગામી થોડા દિવસો દરમિયાન રસ્તા પર જે ટેમ્પોમાં રહેવાનું  છે તે ટેમ્પો અંગે પૂછપરછ કરે છે. મીરાબાઈ બધી પૂછપરછ તેમની પર છોડી દે છે. મંગલ કહે છે, “હું આતુરતાથી જાથાની રાહ જોઉ છું. આ સ્પષ્ટ રીતે ખેડૂત-વિરોધી સરકાર છે. [દિલ્હીની સરહદ પર] ધરણા યોજવા બદલ અમે ખેડૂતોની પ્રશંસા કરીએ છીએ અને અમે અમારો ટેકો આપવા માંગીએ છીએ.

મંગલનો પરિવાર તેમના બે એકરના ખેતરમાં ડાંગર, ઘઉં અને ડુંગળીની ખેતી કરે છે, પરંતુ ખેત-મજૂરીમાંથી દૈનિક વેતન તરીકે મળતા 250 રુપિયા તેમની આવકનો પ્રાથમિક સ્ત્રોત છે. જ્યારે તેઓ એક અઠવાડિયા સુધી ચાલનારા આંદોલનમાં ભાગ લેવાનું નક્કી કરે છે, ત્યારે તેઓ  તેમની માસિક આવકનો ચોથો ભાગ જતો કરે છે. તેઓ  કહે છે, “આપણે મોટું ચિત્ર જોવાની જરૂર છે/ વ્યાપક દ્રષ્ટિએ વિચારવાની જરૂર છે. આ આંદોલનો સમગ્ર ખેડૂત સમુદાયના હિત માટે છે."

અમે મેદાનમાં મળ્યાની દસેક મિનિટની અંદર મેદાનના એક છેડેથી બીજા છેડા સુધી વાહનોની કતાર લાગતા  મીરાબાઈ મંગલને શોધતા આવે છે. તેઓ (મીરાબાઈ)  તેના (મંગલ) તરફ હાથ હલાવે છે અને વાતચીત પૂરી કરવા ઈશારો કરે છે. મીરાબાઈ મંગળને તેમની સાથે કિસાન સભાના નેતાઓ ભાષણ આપી રહ્યા છે  ત્યાં સ્ટેજ  તરફ લઈ જવા માંગે છે. તેના બદલે મંગલ મીરાબાઈને અમારી વાતચીતમાં જોડાવા કહે છે. મીરાબાઇ પ્રમાણમાં શરમાળ છે, પરંતુ  તેઓ અને  બીજા ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે અને કૃષિ કાયદાઓના સંભવિત પરિણામો શું હોઈ શકે છે તે બંને મહિલા ખેડૂતો બરોબર જાણે છે .

મંગલ કહે છે, "અમારી મોટા ભાગની પેદાશ અમારા પોતાના પરિવારના વપરાશ માટે હોય  છે. જ્યારે અમે ડુંગળી અને ચોખા વેચીએ છીએ ત્યારે અમે આ વણીના બજારમાં વેચીએ છીએ." તેમના ગામથી લગભગ 15 કિલોમીટર દૂર, નાશિક જિલ્લામાં આવેલા વણી શહેરમાં માર્કેટયાર્ડ છે. ત્યાં ખાનગી વેપારીઓ હરાજી દ્વારા  ખેતપેદાશો વેચે   છે. ખેડૂતોને ક્યારેક એમએસપી (લઘુત્તમ ટેકાના ભાવ) મળે  તો ક્યારેક ન મળે. મંગલ કહે છે કે, "એમએસપી અને ખાતરી બજાર કેટલું મહત્વપૂર્ણ છે એ અમે જાણીએ છીએ. નવા કૃષિ કાયદા સુનિશ્ચિત કરશે કે જેમને એમએસપી મળતા હતા તેમને પણ તે ન મળે. દુ:ખની વાત છે કે અમારે અમારા  મૂળભૂત અધિકારો માટે હંમેશ આંદોલન કરવું પડ્યું છે.

Mangal (right) is more outspoken, Mirabai (middle) is relatively shy, but both women farmers know exactly why they and the other farmers are protesting, and what the fallouts of the farm laws could be
PHOTO • Parth M.N.

મંગલ (જમણે) વધુ નિખાલસ છે, મીરાબાઈ (વચ્ચે) પ્રમાણમાં શરમાળ છે, પરંતુ  તેઓ અને  બીજા ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે અને કૃષિ કાયદાઓના સંભવિત પરિણામો શું હોઈ શકે છે તે બંને મહિલા ખેડૂતો બરોબર જાણે છે

માર્ચ 2018 માં કિસાન લોંગ માર્ચ દરમિયાન, જ્યારે ખેડૂતો - તેમાંના ઘણા આદિવાસી સમુદાયોના હતા - સાત દિવસમાં નાશિકથી મુંબઇ 180 કિલોમીટરનું  અંતર ચાલ્યા હતા, ત્યારે જમીનના પટ્ટા તેમના નામે હોવા જોઈએ એ તેમની મુખ્ય માંગ હતી. 1.5 એકરમાં મુખ્યત્વે ડાંગરની ખેતી કરતા મીરાબાઈ કહે છે, "નાશિક-મુંબઇ મોરચા પછી પ્રક્રિયામાં થોડો વેગ આવ્યો."

"પરંતુ તે થકવી નાખનારું હતું. મને યાદ છે અઠવાડિયું પૂરું થતાંમાં તો મારી પીઠ ખૂબ જ દુખવા માંડી હતી. છતાં અમે પહોંચ્યા. મારી ઉંમરને કારણે મારા માટે મંગલ કરતાં થોડું વધારે મુશ્કેલ હતું.”

માર્ચ 2018 માં એક અઠવાડિયા સુધી ચાલેલી કૂચ દરમિયાન, મંગલ અને મીરાબાઈ એકબીજાની સંભાળ રાખતા હતા. મંગલ કહે છે, 'જો તે થાકી ગઈ હોય તો હું તેની રાહ જોઉં અને મને ચાલવાનું મન ન થાય તો તે મારી રાહ જોતી. આ રીતે અમે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ ગયા. છેવટે એ બધું લેખે લાગ્યું. સરકારને જાગૃત કરવા અમારા જેવા લોકોને  એક અઠવાડિયા સુધી ઉઘાડા પગે ચાલવું પડ્યું. "

અને હવે ફરી એકવાર તેઓ મોદી સરકારને ‘જાગૃત’ કરવા દિલ્હી જવા રવાના થયા  છે. મંગલ કહે છે, "જ્યાં સુધી સરકાર આ કાયદાઓ પાછા નહિ ખેંચે ત્યાં સુધી અમે દિલ્હીમાં જ રોકાવા તૈયાર છીએ.અમે ઘણા ગરમ કપડા સાથે લીધા  છે. આ કંઈ હું પહેલીવાર દિલ્હી નથી જતી."

1990 ના દાયકાની શરૂઆતમાં મંગલ પહેલી વાર રાજધાની ગયા હતા. તેઓ કહે છે કે, "નાનાસાહેબ માલુસારે સાથે ગઈ હતી." માલુસારે નાશિક અને મહારાષ્ટ્રમાં કિસાન સભાના મહાન નેતા હતા. લગભગ 30 વર્ષ પછી હજી પણ ખેડૂતોની માંગણી એની એ  જ રહી છે. મંગલ અને મીરાબાઇ બંને કોળી મહાદેવ અનુસૂચિત જનજાતિ સમુદાયના છે અને  તકનીકી રૂપે વન વિભાગની માલિકીની ગણાતી  જમીન  પર  દાયકાઓથી ખેતી કરી રહ્યા છે.  2006 નો વન અધિકાર અધિનિયમ તેમને જમીનની માલિકીનો અધિકાર આપે  છે. તેનો ઉલ્લેખ કરી તેઓ કહે છે કે "કાયદો હોવા છતાં એ જમીન અમારી નથી."

Since Mirabai is older, Mangal seems to be more protective of her. From holding a seat for her, to going to the washroom with her, they are inseparable
PHOTO • Parth M.N.

મીરાબાઈ ઉંમરમાં મોટા હોવાથી મંગલ તેમની વધારે સંભાળ લેતા હોય એવું  લાગે છે. તેમના માટે સીટ રાખવાથી માંડીને તેમની સાથે બાથરૂમમાં જવા સુધી, તેઓ બંને સાથે ને સાથે હોય  છે

બીજા અંદોલનકારીઓની જેમ તેઓ પણ કરારની ખેતીને આવરી લેતા નવા કૃષિ કાયદા અંગે ભયભીત છે. ઘણા લોકોએ તેની ટીકા કરી છે, અને કહ્યું છે કે મોટા નિગમ સાથે કરાર કરનારા ખેડૂતો તેમની પોતાની જમીનમાં બંધક મજૂર બની શકે છે. મંગલ કહે છે, "અમે દાયકાઓથી અમારી  જમીન માટે લડત આપીએ છીએ. તમારી  જમીન પર તમારું પોતાનું નિયંત્રણ હોય એનું મહત્વ અમે સમજીએ છીએ. અમે આખી જીંદગી એને માટે લડતા રહ્યા  છીએ. અમને નહિવત ફાયદો થયો છે. પરંતુ એ પ્રક્રિયામાં, અમે અમારા જેવી જ સમસ્યાઓનો સામનો કરતા મિત્રો મળ્યા  છે."

અને તેમની પોતાની દોસ્તી પાક્કી થઈ ગઈ છે. મીરાબાઈ અને મંગલ હવે એકબીજાની ટેવો જાણે છે.  મીરાબાઈ ઉંમરમાં મોટા હોવાથી મંગલ તેમની વધારે સંભાળ લેતા હોય એવું  લાગે છે. તેમના માટે સીટ રાખવાથી માંડીને તેમની સાથે બાથરૂમમાં જવા સુધી, તેઓ બંને સાથે ને સાથે હોય  છે. જ્યારે જાથાના આયોજકો આંદોલનકારીઓને કેળા વહેંચે છે, ત્યારે મંગલ મીરાબાઈ માટે એક વધારાનું કેળું લે છે.

મુલાકાતને અંતે, હું મંગલનો ફોન નંબર માંગું છું. પછી હું મીરાબાઈના ફોન નંબર માગવા તેમની તરફ વળ્યો.  મંગલ ખાતરીપૂર્વક કહે છે, “તમને તેની જરૂર નહીં પડે. "તમે મારા ફોન નંબર પર પણ તેમનો સંપર્ક કરી શકો છો."

તાજા કલમ : આ પત્રકાર 21 મી અને 22 મી ડિસેમ્બરે મંગલ અને મીરાબાઈને મળ્યા હતા. 23 મી ડિસેમ્બરે  સવારે બંનેએ જાથામાંથી અધવચ્ચેથી નીકળી જવાનું નક્કી કર્યું. 24 મી ડિસેમ્બરે મેં જ્યારે તેમની સાથે ફોન પર વાત કરી ત્યારે મંગલે કહ્યું કે, "અમે ઠંડી સહન ન કરી શક્યા તેથી અમે મધ્યપ્રદેશની સરહદથી ઘેર  પાછા જવાનું નક્કી કર્યું છે." પાછળના ભાગમાં સંપૂર્ણપણે ખુલ્લા ટેમ્પોમાં મુસાફરી કરતી વખતે ફૂંકાતા  ઠંડા પવનો સહન કરવાનું અશક્ય હતું. ઠંડી વધવાની જ છે એ ખ્યાલ આવતા તેમણે તેમના ગામ શિંદવડ પાછા જવાનું  અને તેમના સ્વાસ્થ્યને જોખમમાં  ન મુકવાનું નક્કી કર્યું. મંગલે કહ્યું કે, “ખાસ કરીને મીરાબાઈને ઠંડી લાગતી હતી. મને પણ લાગતી હતી.” નાશિકમાં ભેગા થયેલા 2000 ખેડૂતોમાંથી આશરે 1000 જેટલા ખેડૂતો મધ્યપ્રદેશની સરહદ પાર કરી, મુસાફરી ચાલુ રાખી, દેશની રાજધાની જવા રવાના થયા છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik