આ ગ્રામીણ વિસ્તારોમાં પરિવહનનું એક સામાન્ય સાધન છે, અને માલ વગર કે પછી  માલને એના સ્થાને પહોંચાડ્યા પછી મુસાફરી કરતા ટ્રક અથવા લારી   ચાલકો માટે આવકનું પણ. કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે - તમે પણ.  જોકે કેટલીકવાર ગુજરી (સાપ્તાહિક ગ્રામીણ બજાર) પછી ઘરે જવા માંગતા માનવ મહેરામણની વચમાં વાહન શોધવું કે એમાં ચડવું સહેજે સહેલું નથી. ગ્રામીણ ભારતના દૂરના વિસ્તારોમાં, દર ત્રીજો ટ્રક અને લારી ડ્રાઈવર જ્યારે માલિક જોતો ના હોય ત્યારે છૂટક ટેક્ષી ડ્રાઈવર હોય છે. એવા પ્રદેશોમાં જ્યાં યોગ્ય પરિવહન દુર્લભ છે, ત્યાં  તે પોતાની અમૂલ્ય સેવા પહોંચાડે છે - અલબત્ત, મહેનતાણા સાથે

આ વાહન ઓરિસ્સાના કોરાપુટમાં હાઇવેની નજીકના ગામ પાસે હતું, અને અંધારું પડતાં લોકો ઘરે જવા માટે પડાપડી કરી રહ્યા હતા. આ પરિસ્થિતિઓમાં ખરેખર કેટલા લોકો ઉપર પર ચડી ગયા છે તે જાણવું મુશ્કેલ હોય છે. માત્ર ડ્રાઈવરને થોડો અંદાજ હોય  કારણ કે તેણે દરેક પાસેથી ભાડાના પૈસા વસૂલ કર્યા હોય. જો કે  તેનો અંદાજ પણ સચોટ ન હોઈ શકે - કારણ કે તે દરેકે દરેક  જુદો સમાન લઇ જતા, કે મરઘાં અથવા બકરી કે મોટા મોટાં પોટલાં લઇ સવારી કરનારા લોકો પાસે જુદું ભાડું લેતો હોય છે.  તે  કેટલાક વૃદ્ધ મુસાફરો અથવા જૂના ગ્રાહકો પાસેથી કદાચ ઓછું ભાડું પણ લે. એ મુસાફરોને મુખ્ય હાઇવે પરના  કેટલાક પરિચિત સ્થળોએ ઉતારી દે છે. ત્યાંથી તેઓ ઝડપથી ઘેરાતા અંધકારમાં, જંગલોમાંથી થઈને તેમના ઘરે પાછા વળે છે.

ગુજરી સુધી પહોંચવા ઘણાંએ  30 કિલોમીટરની મુસાફરી કરી હતી અને તેમનાં  ઘર ઘણીવાર હાઇવેથી ઘણાં દૂર હતાં. 1994ના એ સમયે કોરાપુટમાં જમીનની સ્થિતિ તેમજ મુશ્કેલીઓના પ્રમાણે બે થી પાંચ રૂપિયામાં લોકો આ રીતે 20 કિલોમીટર સુધી મુસાફરી કરી શકતાં. તાકીદની જરૂરિયાતો અને બંને પક્ષોની તત્કાલ સોદાબાજીની  શક્તિને આધારે દરેક ડ્રાઇવર થોડા જુદા ભાવ માગી શકે છે.  પરિવહનના આ સ્વરૂપ સાથે મુસાફરી કરવામાં મારી પોતાની સમસ્યા - અને મેં આ રીતે હજારો કિલોમીટર સુધી સવારી કરી છે - ડ્રાઇવરને સમજાવવાની કે મારે તેના જીવંતમાલ સાથે પાછળ બેસવું છે. કદાચ તેની કેબિનની ઉપર ચાલે પણ, પરંતુ એની અંદર તો નહીં જ.

PHOTO • P. Sainath

પણ વાહન ચલાવનાર દયાળુ અને હમદિલ માણસને એનાથી કોઈ ફેર ના પડ્યો. "પણ મારી પાસે એક ઇષ્ટિરીઓ છે, મારી કેબિનમાં એક કેસેટ પ્લેયર છે, સાહેબ, અને મુસાફરી કરો ત્યારે તમે સાંભળી શકો છો," તેણે કહ્યું. વધારામાં તેની પાસે પાઇરેટેડ સંગીતનો મજાનો ખજાનો હતો. મેં એ રીતે પણ ઘણી વાર મુસાફરી કરી છે અને માણી પણ છે. પરંતુ અહીં મારો ઉદ્દેશ એ જાણવાનો હતો કે લારીમાં મુસાફરી કરી રહેલા એ ગામના લોકોનો એ દિવસ ગુજરીમાં કેવો રહ્યો. મેં ચાલકને વિનંતી કરી કે અજવાળું ઓછું થઇ રહ્યું છે ને મને ઝડપથી ફોટોગ્રાફ લેવાની જરૂર છે. મારે તે ઘર તરફ જઈ રહેલા  પ્રવાસીઓ સાથે વાતચીત કરવી હતી. છેવટે, તેણે જતું કર્યું. જોકે તે મૂંઝાયેલો હતો કે જેને એ ભારતના મહાનગરની દુનિયાનો ખાનદાની રહેવાસી માનતો હતો તે આવો મૂર્ખ કેવી રીતે હોઈ શકે.

જો કે, તેણે મને ખટારાની પાછળના ભાગમાં ચડવામાં  જવામાં મદદ કરી જ્યાં મને બીજા અનેક હાથોએ ખેંચીને આવકાર્યો. બધા થાકેલા ગુજરીથી પરત ફરનારાઓ પણ જરાય ઓછા પરગજુ કે મિલનસાર નહોતાં - શું બકરાં કે શું મરઘાં. મારે ઘણી મજાની વાતો થઇ અને અંધારા પહેલાં એકાદ બે સારા ફોટા પણ પડ્યા.

આ લેખનું ટૂંકું સંસ્કરણ 22 સપ્ટેમ્બર, 1995 ના ધ હિન્દુ બિઝનેસલાઈનમાં પ્રકાશિત થયું.

અનુવાદક: પ્રતિષ્ઠા પંડ્યા

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Pratishtha Pandya

Pratishtha Pandya is a Senior Editor at PARI where she leads PARI's creative writing section. She is also a member of the PARIBhasha team and translates and edits stories in Gujarati. Pratishtha is a published poet working in Gujarati and English.

Other stories by Pratishtha Pandya