અબ્દુલ રહેમાનની દુનિયા નાની થઈ ગઈ છે - વ્યવસાયિક રીતે, વ્યક્તિગત રીતે, ભૌતિક રીતે. અને બિલકુલ શબ્દશ:. એક સ્થળાંતરિત કામદાર જેઓ એક સમયે ચાર-ચાર ખંડોમાં મુસાફરી કરી ચૂક્યા છે, તેઓ આજે પરિવારના પાંચ સભ્યો સાથે 150 ચોરસ ફૂટના સાવ નાના રુમમાં રહે છે.

મુંબઈના આ ટેક્સી ડ્રાઈવર - જેમના પિતા ગ્રામીણ તમિળનાડુથી દાયકાઓ પહેલા આ શહેરમાં આવ્યા હતા - ભૂતકાળમાં સાઉદી અરેબિયામાં બુલડોઝરો અને ગાડીઓ ચલાવી ચૂક્યા છે અને તેમને સોંપાયેલા કામ માટે દુબઈ, બ્રિટન, કેનેડા, ઈન્ડોનેશિયા, મલેશિયા અને આફ્રિકાના કેટલાક ભાગોમાં ગયા છે.. આજે તેમને - ફરી એકવાર -ખુરશીમાં બેસાડીને (ખુરશી) ઊંચકીને માહિમની ઝૂંપડપટ્ટીની એક સાંકડી ગલીમાંથી એક ટેક્સી સુધી લઈ જવા પડે છે, જે તેમને સાયનની હોસ્પિટલમાં લઈ જઈ શકે.

હોસ્પિટલ જવાનો સમય થાય ત્યારે રહેમાન તેમના રુમમાંથી ઉતરવાની તૈયારી કરવા લાગે છે. સીડી દરવાજાની બહાર જ છે. તેઓ જમીન પર બેસે છે, તેમનો દીકરો નીચેથી તેમના પગ પકડી રાખે છે, ભત્રીજો અથવા પાડોશી તેમને ઉપરથી ટેકો આપે છે. રહેમાન પછી પીડાદાયક રીતે  એક સમયે એક એમ એક-એક કરીને સીધા ઢોળાવવાળા નવ પગથિયાં પર નીચે સરકે છે.

નીચેની સાંકડી ગલીમાં જૂની રંગના ડાઘાવાળી પ્લાસ્ટિકની ખુરશી પર - કાપી નાખેલા પંજાવાળો તેમનો જમણો પગ સીટ પર રાખીને - બેસાડવામાં તેમને મદદ કરવામાં આવે છે. પછી તેમનો દીકરો અને બીજા બે માણસો એ ખુરશી ઊંચકીને લાંબી ને વાંકીચૂંકી ગલીમાં થઈને માહિમ બસ ડેપો પાસેના રસ્તા તરફ લઈ જાય છે. ત્યાં રહેમાન ખુરશી પરથી સરકીને ટેક્સીમાં બેસી જાય છે.

માંડ પાંચ કિલોમીટર દૂર સાયનની સરકારી હોસ્પિટલ સુધીનું ટેક્સીનું ભાડું તેમને પોસાઈ શકે તેના કરતાં વધુ છે, અને તેમ છતાં ગયા વર્ષે મહિનાઓ સુધી તેમણે દર અઠવાડિયે તેમના પગે પાટો બંધાવવા - અને સખત ડાયાબિટીસ અને લોહીના અવરોધિત પરિભ્રમણને કારણે ઊભી થતી  અન્ય તકલીફોની સારવાર માટે ત્યાં જવું પડતું હતું. જ્યારે ઘા થોડોઘણો રૂઝાઈ  ગયો ત્યારે (હોસ્પિટલના) ફેરા થોડા ઓછા થયા, જોકે ખુરશીની સવારીનું આ સરઘસ હજી પણ એ સાંકડી ગલીમાંથી પસાર થાય છે,  ઉત્તર મુંબઈમાં મોરી રોડ પર આવેલી વસાહતની એ સાંકડી ગલીમાં બંને બાજુએ બે-ત્રણ માળના મકાનોમાં એકબીજાને અડોઅડ ગીચોગીચ ઓરડાઓ આવેલા છે.

When it’s time to go to the hospital, Rahman begins to prepare for the descent from his room. In the narrow lane below, he is helped onto an old plastic chair
PHOTO • Sandeep Mandal
When it’s time to go to the hospital, Rahman begins to prepare for the descent from his room. In the narrow lane below, he is helped onto an old plastic chair
PHOTO • Sandeep Mandal

હોસ્પિટલ જવાનો સમય થાય ત્યારે રહેમાન તેમના રુમમાંથી ઉતરવાની તૈયારી કરવા લાગે છે. નીચેની સાંકડી ગલીમાં જૂની પ્લાસ્ટિકની ખુરશી બેસાડવામાં તેમને મદદ કરવામાં આવે છે

વર્ષોથી અબ્દુલ રહેમાન અબ્દુલ સમદ શેખ રોજ સવારે આ ગલીમાંથી શક્ય તેટલી ઝડપે તેમની પાર્ક કરેલી ટેક્સી સુધી જતા અને 12 કલાક લાંબો કામકાજનો દિવસ  શરૂ કરતા. માર્ચ 2020 માં શરૂ થયેલા લોકડાઉન સાથે તેમણે ગાડી ચલાવવાનું બંધ કરી દીધું હતું પરંતુ તેમ છતાં કેટલીકવાર "દોસ્ત લોગ" મિત્રો અને સહકાર્યકરોને મળવા તેઓ તેમના જાણીતા ચાના ગલ્લા પર જતા હતા. તેમનો ડાયાબિટીસ વધી રહ્યો હતો, તેઓ અસ્વસ્થતા અનુભવતા હતા, અને લોકડાઉન હળવું થયું ત્યારે પણ તેઓ ફરીથી કામ શરૂ કરી શક્યા ન હતા. પરંતુ તેઓ હરીફરી શકતા હતા.

પછી તેમણે પોતાના અંગૂઠા પર "પેનના ટપકાના નિશાન જેવો" એક નાનો કાળો ડાઘ જોયો.  ડૉક્ટરે જ્યારે કહ્યું કે એન્ટીબાયોટીક્સના એક બેચથી એ ઠીક થઈ જશે ત્યારે રહેમાને તેના વિશે વધુ વિચાર્યું ન હતું. તેઓ કહે છે, "તેનાથી કોઈ ફાયદો ન થયો."  જમણા પગના પંજાની વચલી આંગળી પરનો - ડાઘો ધીમે ધીમે વધતો રહ્યો. તેઓ કહે છે, "મારો પંજો ખૂબ જ  દુઃખવા લાગ્યો. ચાલતી વખતે તો એમાં કોઈ સોય અથવા ખીલી જડેલી હોય એવું લાગતું."

ડોકટરોની વધુ મુલાકાતો, એક્સ-રે અને પરીક્ષણો પછી, કાળી ચામડી દૂર કરવામાં આવી. તેનાથી પણ ફાયદો ન થયો. એક મહિનામાં, ઓગસ્ટ 2021 માં, પગનો અંગૂઠો કાપવો પડ્યો. થોડા અઠવાડિયા પછી, બાજુની આંગળી પણ કાપી નાખવામાં આવી. ડાયાબિટીસને કારણે લોહીનું પરિભ્રમણ ગંભીર રીતે અવરોધિત થવાથી સતત તકલીફ થઈ રહી હતી. ગયા વર્ષે ઑક્ટોબર સુધીમાં રહેમાનના જમણા પગના પંજાનો  લગભગ અડધો ભાગ કાપી નાખવામાં આવ્યો હતો. થાકેલા, પોતાના રૂમમાં જમીન પર રાખેલા પાતળા ગાદલા પર બેઠેલા, રહેમાન કહે છે, “પાંચો ઉંગલી ઉડા દિયા [તેઓએ પગની પાંચેય આંગળીઓ કાપી નાખી].”

બસ ત્યારથી, અવારનવાર હૉસ્પિટલના ફેરા સિવાય, તેમની દુનિયા હવાઉજાસ વિનાના પહેલા માળના એ નાનકડા ઓરડામાં જ સમાઈને રહી ગઈ છે. તેઓ કહે છે, "બસ, અકેલા પડા રહેતા હૂં [હું એકલો જ સૂઈ રહું છું]. મારી પાસે સમય પસાર કરવા માટે કોઈ સાધન નથી. અમારી પાસે ટીવી છે, પણ તેને ચલાવવાનું પોસાય તેમ નથી. હું ફક્ત વિચાર્યા કરું  છું… મને મારા મિત્રો યાદ આવે, મેં મારા બાળકો માટે ખરીદેલી વસ્તુઓ… પણ આ બધું યાદ કરીને હું કરીશ શું?”

Carrying the chair are his eldest son Abdul Ayaan, a neighbour's son and a nephew.
PHOTO • Sandeep Mandal
The taxi fare to the hospital in Sion more than he can afford, and yet he has had to keep going back there
PHOTO • Sandeep Mandal

તેમના મોટા દીકરા અબ્દુલ અયાને (ડાબે), એક પાડોશીના  દીકરાએ અને એક ભત્રીજાએ ખુરશી ઊંચકી છે. સાયનની હોસ્પિટલ સુધીનું ટેક્સીનું ભાડું તેમને પોસાઈ શકે તેના કરતાં વધુ છે, અને તેમ છતાં તેમણે ત્યાં જવાનું ચાલુ રાખવું પડ્યું હતું

ચાર દાયકા સુધી, જ્યાં સુધી તેમણે પોતાનો અડધો પંજો ગુમાવ્યો નહોતો અને તેમની તબિયત કથળવા લાગી નહોતી, ત્યાં સુધી રહેમાનની દુનિયા એ રુમ અને એ ગલીથી કંઈક આગળ વિસ્તરેલી હતી - તેમની ટેક્સીમાં શહેરના દૂર-દૂરના ખૂણાઓ સુધી અને તેનાથી પણ આગળ. રહેમાન લગભગ 18 વર્ષના હતા ત્યારે તેમણે શહેરની શેરીઓમાંના બીજા  ટેક્સી ડ્રાઇવરો પાસેથી ડ્રાઈવિંગ શીખી લીધું હતું. થોડા સમય પછી  “30-50 રૂપિયા કમાવા” માટે તેઓ રોજ થોડા કલાકો માટે ટેક્સી ભાડે લેતા હતા. તેઓ 20 વર્ષના થયા ત્યાં સુધીમાં તેમને મુંબઈની જાહેર બસ સેવા બેસ્ટ (BEST) માં ક્લીનર અને મિકેનિકના મદદનીશ તરીકે નોકરી મળી ગઈ હતી.

આઠ વર્ષ પછી, 1992 ની આસપાસ, તેમનો પગાર 1750 રુપિયા હતો ત્યારે  તેમણે એજન્ટ મારફતે સાઉદી અરેબિયામાં નોકરી શોધી હતી. તેઓ કહે છે, "તે દિવસોમાં તે એટલું મુશ્કેલ ન હતું. ત્યાં [સાઉદીમાં] હું મહિને 2000-3000 રુપિયા કમાતો, અને [મારા બેસ્ટના પગાર કરતાં વધારે મળતા આ] 500 રુપિયા પણ એક મહિના માટે ઘર ચલાવવા પૂરતા હતા."

રહેમાન ત્યાં બુલડોઝર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને ક્યારેક ભાડાની ગાડી  ચલાવતા હતા. તેઓ કહે છે, "મારો સ્પોન્સર [એમ્પ્લોયર] (મને નોકરી આપનાર) સારો માણસ હતો." તેમણે મને રહેવાની જગ્યા આપી હતી અને સ્થિર આવક પૂરી પાડી હતી. સમય જતાં રહેમાને સેકન્ડ-હેન્ડ બુલડોઝર ખરીદવામાં મદદ કરવા માટે વિવિધ દેશોનો પ્રવાસ પણ કર્યો, આ સેકન્ડ-હેન્ડ બુલડોઝર પછી તેમના એમ્પ્લોયરના કામના સ્થળો માટે સાઉદી અરેબિયા  મોકલવામાં આવતા હતા.

રહેમાનની પત્ની તાજુનિસ્સાએ પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢેલા તેમની મુસાફરીના ફોટોગ્રાફ્સ, જેમાંના ઘણા વળી ગયેલા અને ઝાંખા પડી ગયેલા છે,  તેમાં કારને અઢેલીને ઊભેલા, બુલડોઝર પર બેઠેલા, દુકાનમાં ઊભેલા, મિત્રો સાથે બેઠેલા, જવલ્લે જ હસતા રહેમાન સંતુષ્ટ દેખાય છે.  ભૂતકાળની એ તસવીરોમાં તેઓ ઊંચા અને મજબૂત બાંધાના દેખાય છે - જ્યારે આજે 57 વર્ષના રહેમાન  પથારીમાં જ તેમના દિવસો પસાર કરે  છે, તેમનું શરીર લેવાઈ ગયું છે, તેઓ અસ્વસ્થ છે અને વાત કરતી વખતે તેમને શ્વાસ ચડી જાય છે.

આખો દિવસ બેઠા-બેઠા કે આડા પડ્યા-પડ્યા, કદાચ તેમનું મન એ સાંકડી ગલીમાં થઈને હવે ખૂબ દૂરની એ જમીનો તરફ ભટકતું રહે છે. તેઓ કહે છે કે ત્યાંનું જીવન આરામદાયક હતું. “[સાઉદીમાં] મારા રૂમમાં એસી હતું, હું જે ગાડી ચલાવતો હતો તેમાં એસી હતું. ખાવા માટે અમને ભાત અને અખ્ખા મુર્ગ [આખી મરઘી] મળતા. કોઈ જાતની ચિંતા નહોતી, હું કામ પરથી પાછો આવી, નાહી, ખાઈને સૂઈ જતો. અહીં અમારા પડોશમાં સતત ઘોંઘાટ અને ઝગડા થાય છે, કોઈ ચૂપ-ચાપ  [જંપીને] બેસતું નથી. અહીં પંખાની હવાથી મને દુખાવો થાય  છે, મને સુસ્તી લાગે છે."

For long, Rahman’s world stretched well past his room; he worked in countries on four continents and in images of a time past, he is tall and well-built
PHOTO • Courtesy: Shaikh family
PHOTO • Courtesy: Shaikh family
For long, Rahman’s world stretched well past his room; he worked in countries on four continents and in images of a time past, he is tall and well-built
PHOTO • Courtesy: Shaikh family

ઘણા લાંબા સમય સુધી રહેમાનની દુનિયા તેમના રૂમની બહાર સારી એવી  વિસ્તરેલી હતી; તેણે ચાર ખંડોના (જુદા-જુદા) દેશોમાં કામ કર્યું હતું અને ભૂતકાળની તસવીરોમાં તેઓ ઊંચા અને મજબૂત બાંધાના દેખાય છે

રહેમાન કહે છે કે તેઓ 2013 માં ભારત પાછા આવ્યા કારણ કે સાઉદીમાં નોકરીદાતાઓ બીજા દેશોના કામદારોને 15 વર્ષથી વધુ સમય માટે રાખી શકતા નથી.  તેઓ પાછા ફર્યા ત્યારે તેઓ એ જ રુમમાં હતા જેમાં તેઓ અત્યારે રહે છે. રહેમાનના પિતા, જેઓ બેસ્ટના ડ્રાઈવર હતા, તેમનું અવસાન થયું ત્યારે તેમની માતાને મળેલા પ્રોવિડન્ટ ફંડના 25000 રુપિયામાંના કેટલાક રુપિયામાંથી તેમની માતાએ 1985 માં આ રુમ ખરીદ્યો હતો. (ત્યાં સુધી પરિવાર વડાલામાં સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતો હતો; રહેમાને 7 મા ધોરણ સુધી ત્યાં અભ્યાસ કર્યો હતો). તેમને ચાર નાના ભાઈઓ અને ચાર બહેનો હતી. તેઓ  કહે છે, "જ્યારે અમે અહીં આવ્યા ત્યારે આ રૂમમાં અમે 10 જણ હતા." (ડિસેમ્બર 2021 માં રહેમાનના માતા ગુજરી ગયા ત્યાં સુધી (અહીં) તેઓ સાત જણ હતા - રહેમાન અને તાજુનિસ્સા, તેમના ચાર બાળકો અને રહેમાનના  માતા.)

તેઓ માહિમ રહેવા ગયા ત્યારે તેમની માતાને (અને પછીથી તેમની બહેનોને પણ) ઘરેલુ નોકર તરીકે કામ મળ્યું . વર્ષો જતાં ફેરિયાઓ તરીકેનું કામ કરતા બે ભાઈઓ  અલગ-અલગ અકસ્માતોમાં મૃત્યુ પામ્યા. રહેમાન અને તેમના બાકીના બે ભાઈઓ - તેમાંથી એક એસી મિકેનિક છે, બીજો લાકડાનું પોલિશકામ કરનાર છે - માહિમની ઝૂંપડપટ્ટીની વસાહતમાં ત્રણ-માળના માળખામાં રહે છે. વચ્ચેના ઓરડામાં રહેમાન, ભાઈઓ ‘ઉપર-નીચે’, ઉપર અને નીચે ગીચ ઓરડાઓમાં રહે છે.

તેમની બહેનો તેમના લગ્ન બાદ બીજે રહેવા ચાલી ગઈ હતી. વિદેશમાં કામ કરતા હતા ત્યારે રહેમાન વર્ષે એક વખત અથવા દર બે વર્ષે ભારત આવતા હતા. તેઓ કંઈક ગર્વ સાથે કહે છે કે તે સમયે તેમના પગાર અને બચતમાંથી તેમણે પોતાની બહેનોના (અને પછીથી પોતાની ભત્રીજીઓના) લગ્ન કરાવવામાં મદદ કરી હતી.

રહેમાન સાઉદી અરેબિયાથી પાછા ફર્યા ત્યારે તેમની પાસે આટલા વર્ષોમાં કાળજીપૂર્વક બચાવેલા 8 લાખ રુપિયા હતા. (ત્યાં સુધીમાં તેમની માસિક આવક લગભગ 18000 રુપિયા હતી, જેમાંથી મોટાભાગની રકમ તેઓ ઘેર મોકલતા હતા.) આ બચતનો મોટો હિસ્સો પરિવારના લગ્નો માટે વાપરવામાં આવતો હતો. તેમણે ટેક્સી પરમિટ પણ ખરીદી, એક બેંકમાંથી 3.5 લાખની લોન લીધી અને સેન્ટ્રો ખરીદી. તેમણે ટેક્સી ચલાવી અને કેટલીકવાર ભાડે આપી, અને દિવસના 500-600 રુપિયા કમાયા. બે વર્ષ પછી રહેમાનને ગાડીનો જાળવણી ખર્ચ પોસાતો ન હતો અને પોતાની તબિયત બગડતા તેમણે ગાડી વેચી દીધી અને ભાડાની ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું, તેઓ દિવસના લગભગ 300 રુપિયા કમાતા.

Now he is confined to a 150 square feet airless room, and is fearful of his family losing that room too someday
PHOTO • Sharmila Joshi
Now he is confined to a 150 square feet airless room, and is fearful of his family losing that room too someday
PHOTO • Sharmila Joshi

હવે તેમની દુનિયા 150 ચોરસ ફૂટના હવાઉજાસ વિનાના ઓરડામાં જ સમાઈને રહી ગઈ છે, અને તેમને ડર છે કે તેમનો પરિવાર કોઈકે દિવસ એ રૂમ પણ ગુમાવી દેશે

આ વાત છે 2015 ની. તેઓ કહે છે, "[માર્ચ 2020 માં] લોકડાઉન સુધી હું આ પ્રમાણે કરતો હતો. પછી બધું બંધ થઈ ગયું." તેમ છતાં મિત્રો સાથે ગપ્પાં મારવા તેઓ તેમના જાણીતા મળવાના સ્થળોએ ચાલીને જતા હતા.તેઓ ઉમેરે છે કે ત્યારથી ,  "હું મોટે ભાગે ઘેર જ રહ્યો છું." લોકડાઉન દરમિયાન સખાવતી સંસ્થાઓ અને સ્થાનિક દરગાહ દ્વારા આપવામાં આવતા રેશન અને મિત્રો અને પ્રમાણમાં સારી આર્થિક સ્થિતિવાળા સગાં-સંબંધીઓ તરફથી અવારનવાર મળતા સો-બસો રૂપિયા દ્વારા પરિવારે નભાવ્યું હતું.

રહેમાન સાઉદી અરેબિયામાં હતા ત્યારે તેમને ડાયાબિટીસ હોવાની જાણ થઈ હતી, તેમને દવા લેવી પડતી હતી, પરંતુ તેમની તબિયત પ્રમાણમાં ઠીક રહેતી હતી. તેઓ કહે છે કે 2013માં ભારત પાછા ફર્યા પછી તબિયત કથળવા માંડી. તે કારણે તેમને વિદેશમાં નોકરી માટે ફરી પ્રયાસ કરતા અટકાવ્યા. પરંતુ લોકડાઉન સાથે જ તેમની દુનિયા ખરેખર નાની થઈ ગઈ. લાંબા સમય સુધી સૂઈ રહેવાને કારણે તેમને ભાઠા પડ્યા હતા. તે જખમોની પણ સાયન હોસ્પિટલમાં શસ્ત્રક્રિયા દ્વારા સારવાર કરવી પડી હતી.

તે પછી તરત જ રહેમાને તેમના જમણા પગની વચલી આંગળી પર કાળો ડાઘ જોયો.

હોસ્પિટલના અનેક ધક્કા ઉપરાંત તેમણે સ્થાનિક ડૉક્ટરની પણ સલાહ લીધી, જેમણે લોહીના પરિભ્રમણના અવરોધ દૂર કરવા એન્જિયોપ્લાસ્ટી કરાવવાની સલાહ આપી.  આખરે ઓક્ટોબર 2021 માં સાયન હોસ્પિટલમાં આ પ્રક્રિયા કરવામાં આવી હતી, તેમનો  અડધો પંજો કાપી નાખ્યાના કેટલાક અઠવાડિયા પછી. રહેમાન કહે છે, "પરિભ્રમણ સુધર્યું, દુખાવો ઓછો થયો, કાળાશ ઓછી થઈ ગઈ, જોકે પગમાં થોડો દુખાવો રહે છે અને ખંજવાળ આવે  છે." એક સ્થાનિક સંસ્થાએ ઘાના ડ્રેસિંગ માટે પરિચરની વ્યવસ્થા કરી હતી, તેથી હોસ્પિટલના ધક્કા ઓછા થયા હતા.

રહેમાનનો પંજો રૂઝાતો હતો ત્યારે તેઓ આશાવાદી હતા (જોકે આ વર્ષની શરૂઆતમાં તેઓ થોડા દિવસો માટે કેઈએમ હોસ્પિટલમાં હતા કારણ કે તેની હરીફરી ન શકવાને કારણે પેટની તકલીફો વધી ગઈ હતી). તેમણે કહ્યું, "એકવાર મારા પગ પર થોડા ચમડા [ચામડી] આવી જાય પછી મેં સાંભળ્યું છે કે આ માટે ખાસ બૂટ છે. મેં પૂછ્યું છે કે તેનો કેટલો ખર્ચ થશે. પછી હું ફરી ચાલવાનું શરૂ કરી શકીશ...” તાજુનિસ્સાએ કહ્યું કે (રહેમાન હાલ જે ખખડી ગયેલા વોકરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે તેને બદલે) તેઓ વ્હીલચેર મેળવવા માગે છે.

Rahman's debilitation has hit his family hard
PHOTO • Sandeep Mandal
Rahman's debilitation has hit his family hard: Abdul Samad, Afsha, Daniya and his wife Tajunissa (eldest son Abdul Ayaan is not in this photo)
PHOTO • Sharmila Joshi

રહેમાનની શારીરિક નબળાઈએ તેમના પરિવારને ભારે નુકસાન પહોંચાડ્યું છે:  અબ્દુલ સમદ, અફશા, દાનિયા અને તેમની પત્ની તાજુનિસ્સા (સૌથી મોટો દીકરો અબ્દુલ અયાન આ ફોટામાં નથી)

જ્યારે રહેમાનનો પંજો રૂઝાતો હોય તેવું લાગતું હતું ત્યારે (ભૂતકાળમાં) પોતાની મોટી બહેન અને પોતાના વિસ્તૃત પરિવારને મળવા તેઓ પ્રસંગોપાત તમિલનાડુના ઉલુન્દુરપેટ તાલુકામાં પોતાના પૈતૃક ગામ ઈલાવનાસુરકોટ્ટાઈ જતા હતા તે વખતે તેમણે પોતાના આનંદ - સંતોષની વાત કરી હતી.. અને આજે જ્યારે તેમના ભાઈ-બહેનો તેમના સ્વાસ્થ્ય વિશે પૂછે છે ત્યારે તેઓ તેમના ભાઈ-બહેનોની આવી કાળજી બદલ સંતોષ અનુભવે છે. તેઓ કહે છે. "(તેઓ આટલી ખબર પૂછે છે) એ સારું લાગે છે."

તેમની લાંબા સમયની શારીરિક નબળાઈને કારણે તેમના પરિવારને ભારે અસર પહોંચી  છે. લોકડાઉનના સમયગાળા પછી પણ કોઈ આવક ન હોવાથી તેઓએ મદદ પર નિર્ભર રહેવાનું ચાલુ રાખ્યું છે. 48 વર્ષના તાજુનિસ્સા જે હજી હમણાં સુધી ગૃહિણી હતા તેમને સ્થાનિક બાલવાડીમાં મહિને 300 રુપિયાના પગારે ટૂંકા સમયના સફાઈ કામદાર તરીકે નોકરી મળી છે. તેઓ કહે છે,  "મારે ઘરેલુ નોકર તરીકે કામ શોધવું પડશે. કદાચ અમે અમારા મોટા દીકરાને દરજીકામ માટે મોકલીશું. "

તેમનો મોટો દીકરો અબ્દુલ અય્યાન 15 વર્ષનો છે. રહેમાન કહે છે કે છોકરો મોટો હોત તો "અમે તેને દુબઈ કામ પર મોકલવાનો પ્રયાસ કરી શક્યા હોત." તાજુનિસ્સા  ઉમેરે છે, “અમારી હાલત બહુ ખરાબ છે.  [લોકડાઉન હતું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં] અમારે લગભગ 19000 રુપિયાનું લાઇટ બિલ ભરવાનું ભેગું થયું છે, પરંતુ જ્યારે વીજળી વિભાગના માણસે આવીને અમારી હાલત જોઈ ત્યારે તેમણે અમને ચૂકવણી કરવા માટે સમય આપ્યો. બાળકોની શાળાની ફી પૂરેપૂરી ચૂકવી શકાઈ  નથી, અમે તેના માટે પણ સમય માંગ્યો છે. [ગેસ] સિલિન્ડર ખલાસ થવાની તૈયારીમાં છે. અમારું ઘર શી રીતે ચાલશે, અમે અમારા બાળકોની સંભાળ કેવી રીતે રાખીશું?

તેમનો સૌથી નાનો દીકરો,  આઠ વર્ષનો અબ્દુલ સમદ, અને નાની દીકરી,  12 વર્ષની આફશા, લગભગ બે વર્ષથી ઓનલાઈન વર્ગોમાં હાજરી આપી શક્યા ન હતા (ચારેય બાળકોને નજીકની શાળાઓમાં દાખલ કરેલા  છે). તાજેતરમાં શાળાઓ ફરી ખુલી પછી આફશાએ કહ્યું, "અત્યારે વર્ગમાં શું ચાલે છે મને કંઈ સમજાતું  નથી."

સૌથી મોટી દીકરી, દાનિયા, જે 16 વર્ષની છે અને ધોરણ 11માં છે, તે (અય્યાનની જેમ) પોતાના પિતરાઈ ભાઈ અને મિત્રના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને  ભણી હતી. તે કહે છે કે તે બ્યુટીશીયન તરીકે તાલીમ લેવા માંગે છે અને મહેંદી મૂકવામાં તે પહેલેથી જ કુશળ છે, જેમાંથી તેને થોડુંઘણું કમાવાની આશા છે.

'Now I don't know how long I am alive. My hopes for my children have died'
PHOTO • Sandeep Mandal

‘હવે મને ખબર નથી કે હું ક્યાં સુધી જીવતો રહીશ. મારા બાળકો માટેની મારી આશાઓ મરી પરવારી છે’

રહેમાન આખો વખત તેના પરિવારની તીવ્ર ચિંતામાં રહે છે. તેઓ કહે છે, “હું નહીં હોઉં ત્યારે તેમનું શું થશે? મારો સૌથી નાનો દીકરો માત્ર આઠ વર્ષનો છે...” તેઓ કહે છે કે બીજી એક કારમી અને સતત ચિંતા એ છે કે તેમની ઝૂંપડપટ્ટીની વસાહત ક્યારેક પુનર્વિકાસ યોજના માટે તોડી પાડવામાં આવશે તો? તેમને ડર છે (કે જો એવું થશે તો) આખા કુટુંબને એક યુનિટ/રૂમ મળશે, જ્યારે અત્યારે તેઓ અને તેમના ભાઈઓ ત્રણ રૂમમાં રહે છે. તેઓ પૂછે છે, “જો મારા ભાઈઓ વેચીને બીજે રહેવા જવા માગતા હોય તો? તેઓ મારા પરિવારને 3-4 લાખ આપીને તેમને ત્યાંથી જવાનું કહી શકે. મારો પરિવાર ક્યાં જશે?”

તેઓ ઉમેરે છે, "જો મારા પગને બદલે શરીરના બીજા કોઈ ભાગમાં આવું થયું હોત, મારા હાથમાં પણ,  તો હું ઓછામાં ઓછું ચાલી તો શકતો હોત, ક્યાંક ગયો હોત. હવે મને ખબર નથી કે હું ક્યાં સુધી જીવતો રહીશ. મારા બાળકો માટેની મારી આશાઓ મરી પરવારી  છે, પરંતુ જ્યાં સુધી હું જીવું  છું ત્યાં સુધી તેઓ ભણે એવું હું ઈચ્છું છું. હું ઉધાર લઈશ અને માગીભીખીને લઈશ, કોઈક ને કોઈક રીતે (પૈસાની) વ્યવસ્થા કરીશ.”

ફેબ્રુઆરીના મધ્યમાં ફરી એક વાર સાયન હૉસ્પિટલ ગયા હતા ત્યારે ડૉક્ટરે સલાહ આપી કે રહેમાનને દાખલ કરવા જોઈએ કારણ કે તેમનું સુગર લેવલ ભયજનક રીતે  ઊંચું હતું. તેમને  ત્યાં એક મહિનો રાખ્યા અને 12 મી માર્ચે તેમને ઘેર પાછા  મોકલવામાં આવ્યા  - ડાયાબિટીસ હજુ પણ અનિયંત્રિત છે, તેમના જમણા પગમાં  માત્ર હાડકા અને ચામડી જ રહ્યા છે.

તેઓ કહે છે, "જમણા પગની બાકીની ચામડી ફરી કાળી થઈ રહી છે, અને દુખાવો પણ થાય  છે. ડૉક્ટરને લાગે છે કે તેમને કદાચ જમણા પગનો આખો પંજો કાપી નાખવો પડશે."

રહેમાન કહે છે કે 14 મી માર્ચની રાત્રે પીડા અસહ્ય બની ગઈ હતી, “રડી પડાય એટલી” અને હોસ્પિટલ પહોંચવા માટે અડધી રાત્રે તેમને ફરીથી ખુરશી પર બેસાડી, ઊંચકીને ટેક્સીમાં લઈ જવા પડ્યા હતા. વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે, ઈન્જેક્શન અને દવાઓ ફરી પાછી પીડા થાય તે પહેલાં થોડા સમય માટે પીડા ઓછી કરે છે. સ્કેન અને ટેસ્ટના બીજા સેટ માટે અને કદાચ બીજી સર્જરી માટે તેમને ટૂંક સમયમાં જ હોસ્પિટલ પાછા ફરવું પડશે.

દિવસે દિવસે તેઓ વધુ થાકેલા અને હતાશ લાગે છે. પરિવાર આ બધું ઉકેલાઈ જાય  તેવી તીવ્ર આશા રાખી રહ્યો છે. રહેમાનભાઈ કહે છે, “ઇન્શાલ્લાહ.”

મુખપૃષ્ઠ તસવીર: સંદીપ મંડલ
આ વાર્તા પર કામ કરતી વખતે લક્ષ્મી કાંબલેની ઉદાર મદદ અને સમય માટે તેમના આભાર સહ.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik