રાચેનહાલીની ઝૂંપડપટ્ટી કોલોનીમાં રહેતા મકતુમ્બે એમ.ડી., કોવિડ -19 લોકડાઉન દરમિયાન પોતાના પરિવારને તે કેવી રીતે ખવડાવશે તે અંગે ચિંતાતુર છે. “મારા પતિને અઠવાડિયામાં એક વાર પગાર મળતો હતો.ત્યારે જ અમે  કરિયાણુ લેવા જતાં હતા. છેલ્લા બે અઠવાડિયાથી, કોઈને પગાર મળ્યો નથી અને અમે રાશન ખરીદ્યું નથી, ” બેંગલુરુ શહેર બંધ થયાના 10 દિવસ પછી જ્યારે અમે તેને મળ્યા ત્યારે 37 વર્ષીય ગ્રુહિણી મકતુમ્બેએ કહ્યું. તેનો પતિ વ્યાવસાયિક ચિત્રકાર છે; તે સામાન્ય રીતે દર અઠવાડિયે આશરે 3500 રુપિયાની કમાણી કરે છે, પરંતુ 25 માર્ચથી લોકડાઉન શરૂ થયું ત્યારથી તેને કામ મળ્યું નથી.

આ દંપતીને ત્રણ સંતાન છે, તેઓ 10 વર્ષ પહેલાં કામની શોધમાં બેંગાલુરુ  આવ્યા હતાં . તેઓ કર્ણાટકના વિજયપુરા (અગાઉ બીજાપુર) જિલ્લાના તાલિકોટા (સ્થાનિક રીતે તાલિકોટી કહેવાતા) શહેરથી આવ્યા હતા.  આખું કુટુંબ મકતુમ્બના પતિ મૌલાસાબ દાદામોનીને દર રવિવારે મળતી ચુકવણી પર આધાર રાખે છે. “અમે અઠવાડિયામાં એકવાર ખાદ્ય ચીજો ખરીદી - પાંચ કિલો ચોખા, એક કિલો તેલ, દાળ અને બીજો બધો સામાન - અને  પોતાનું જીવન નિભાવતા હતા. આ બધુ હવે બંધ થઈ ગયું છે. અમને કશે જવાની છૂટ નથી. અમે ખોરાક મેળવવા માટે બહાર નીકળવા માંગીએ છીએ."

જ્યારે અમે તેમને 4 એપ્રિલે મળ્યા, ત્યારે ઉત્તર બેંગલુરુમાં સ્થળાંતરિત દૈનિક વેતન કામદારોની વસાહતનાં રહેવાસીઓએ વિવિધ મુશ્કેલીઓ વિશે વાત કરી. તેમાંથી કોઈ પણ કેન્દ્રીય નાણાં પ્રધાનના રાહત પેકેજ હેઠળ વચન આપવામાં આવેલ સરકારી સબસિડીવાળા અનાજ પ્રાપ્ત કરવા પાત્ર નથી. ઘણા પાસે રેશનકાર્ડ નથી. કેટલાક લોકો પાસે રેશનકાર્ડ છે, પરંતુ તે તેમના ગામના ઘરના સરનામાં પર નોંધાયેલું છે, મૂળ ઉત્તર કર્ણાટકના રાયચુર જિલ્લાના મૂળ 30 વર્ષીય માણિક્યમ્માએ  જણાવ્યું, " આ કાર્ડ બેંગલુરુમાં કામ લાગતા નથી." 

“અમારી પાસે કામ નથી, અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. ઘણી મુશ્કેલી પડે છે. અમને બાળકો પણ છે, અમારે ભાડું ચુકવવું પડશે , અમે આ બધું કેવી રીતે કરી શકીશું ? “ તેણી પૂછ્યું . માણિક્યમ્મા અને તેના પતિ હેમંત લોકડાઉન પહેલા કડિયાકામમાં મજુરી કરતાં હતાં; તેઓ લગભગ સાત વર્ષ પહેલા બેંગલુરુ આવ્યા હતા. અને તેમના ચાર બાળકો છે. 

રાયચુરની 27 વર્ષીય લક્ષ્મી , એન. માણિક્યમ્મા અહીં આવ્યા લગભગ તે જે સમયની આસપાસ આ શહેરમાં આવી હતી. લોકડાઉન શરુ થયા પહેલા તે ઉત્તર બેંગલુરુમાં બાંધકામ ચાલતું હોય, ત્યાં કામ કરતી હતી.”અમે સિમેન્ટ બનાવી છીએ અને પત્થરો તોડીયે છીએ. અમને આ કામ માટે દિવસના 300 રુપિયા મળતા હતાં,” તેણે મને કહ્યુ. તે રાચેનહાલ્લીમાં એક રુમના કામચલાઉ શેડમાં એકલી રહે છે અને મહિને 500  રુપિયા ભાડું આપે છે. 

સ્થળાંતરિત કામદારોએ વિવિધ મુશ્કેલીઓ વિશે જણાવ્યું. તેમાંથી કોઇપણ સરકાર દ્વારા સબસિડીવાળું અનાજ મેળવવા પાત્ર નથી. ઘણા પાસે તો રેશન કાર્ડ પણ નથી.

વિડિયો જુઓઃ’એવું લાગે છે કે આપણા હાથ અને પગ તૂટી ગયા છે. બસ એવી જ લાગણી થાય છે

ભાડા ઉપરાંત,અહીંના દરેક લોકો લોકડાઉન દરમિયાન ખોરાકના વધતા ભાવોની ચિંતા કરી રહ્યા છે.  “જો અમારી પાસે પૈસા જ ન હોય  તો અમે કંઇ પણ કેવી રીતે ખરીદી શકીએ? અમે કંઇ પણ બચાવી શકતા નથી. અમે કામ કરતા હોઇએ ત્યારે બધું બરાબર હોય છે, પરંતુ તેઓએ અમારી પાસેથી તે પણ છીનવી લીધું,” 33 વર્ષીય સોનીદેવીએ કહ્યું. તે રાચેનહાલીની નજીક એક એપાર્ટમેન્ટ સંકુલમાં  હાઉસકિપીંગ સ્ટાફ તરીકે કામ કરે છે.         

સોની મહિને  9,000 રુપિયા કમાતી હતી, અને તેણે આ મહિને(મેમાં) ફરીથી કામ કરવું ચાલુ કરવા છતાં તેને ફક્ત 5,000 રુપિયા માર્ચ મહિનાના આપવામાં આવ્યા અને એપ્રિલના તો આપ્યા જ નહી, જ્યારે તે કામ પર જઇ શકી નહતી. એપ્રિલ મહિનો  11 વર્ષ કરતાં ઓછી વયના ત્રણ બાળકો સહિતના પરિવાર માટે માટે ખુબ મુશ્કેલ હતો. તેનો પતિ લખન સિંહ પ્રસંગોપાત બાંધકામ કરતો હોય છે, જ્યારે તે કામ કરે છે, ત્યારે તે દિવસના 450 રુપિયા કમાય છે; તેની  હૃદયની બિમારી  તેને વધારે કામ કરવાની  મંજૂરી આપતી નથી. કુટુંબ મકટુમ્બેના જેવા રૂમમાં રહે છે, અને મહિને 2,000  રુપિયા ભાડા પેટે આપે છે. સોનીએ તેની  લગભગ 13 વર્ષની દિકરીને તેના સંબંધી પાસે છોડીને સાત મહિના પહેલા  તેના પરિવાર સાથે ઝારખંડના ગિરિડીહ જીલ્લામાંથી બેંગ્લુરુ આવી હતી. 

જ્યારે અમે એપ્રિલની શરુઆતમાં મળ્યા ત્યારે સોની શાકભાજીના વધેલા ભાવની ચિંતા કરતી હતી. “એક કિલો ડુંગળીનો ભાવ 25 રુપિયા હતો; હવે તે 50 રુપયે કિલો મળે છે. આ રોગ જ્યારથી આવ્યો ત્યારથી અમે અમારા ઘરમાં શાકભાજી બનાવવાનું બંધ કરી દીધું છે.” થોડો વખત  એક દાતા વસાહતના લોકોને ભોજન મોકલતા હતા. સોની દેવીએ કહ્યું, “ અમને રોજ એક ટંક રાંધેલું ભોજન મળી રહેતું હતું.”

મકતુમ્બે કહે છે,” શાકભાજી શું હોય તે જ અમે ભુલી ગયા છીએ.” “અમારે ફક્ત (નાગરિકોના જુથ દ્વારા) આપવામાં આવતા ચોખાના આધારે જ ટકી રહેવાનું છે. જ્યારે કોઇ સ્વૈચ્છિક  સંસ્થા રેશનની કીટ આપતી હતી ,તો તે પુરી પડતી ન હતી. કેટલાક લોકોને તે મળતી હતી અને કેટલાકને નહતી મળતી.” આમ આ મુશ્કેલ  સ્થિતિ  હતી.

નિરાશ માણિક્યમ્માને ઉમેર્યું, “જો કોઇએ ખોરાક લાવવો હોય, તો તે બધાને મળે તેટલો હોવો જોઇએ,નહીં તો કોઇ માટે નહીં. અહીં અમે 100 લોકોથી પણ વધારે છીએ. આને લીધે અમે એકબીજા સાથે લડિએ એવું ન થવું જોઇએ.”

જ્યારે હું 14મી એપ્રિલે  ફરીથી રાચેનહાલ્લી ગઇ, ત્યારે સ્ત્રીઓએ  4  એપ્રિલે મને મળ્યાના થોડા કલાકો પછી બનેલી એક ઘટના  વિશે કહ્યુ.  

‘જો કોઇપણ ખોરાક લાવવા માંગે છે,તો તે દરેક માટે હોવો જોઇએ, અથવા તો કોઇપણ માટે નહીં. તે અમારી વચ્ચે લડવાનું કારણ ન બનવું જોઇએ.

વિડિયો જુઓઃ ‘આ સમય લડવાનો નથી’

તે સાંજે ઝુંપડપટ્ટી કોલોનીના રહેવાસીઓને અમૃતહલ્લીમાં વસાહતથી બે કિલોમીટર દૂર આવેલા સ્થાનિક સામાજિક કાર્યકર ઝરીન તાજના ઘરેથી રેશનની કીટ એકત્ર કરવા જણાવાયું હતું. લક્ષ્મીએ યાદ કર્યું, “તેણે અમને કહ્યું કે જેની પાસે રેશનકાર્ડ નથી તેઓને રેશન આપવામાં આવશે. તેથી અમે ત્યાં ગયા અને એક લાઇનમાં ઉભા રહ્યા.”

પછી જે બન્યુ તે  બધાને માટે આશ્ચર્યજનક હતું લક્ષ્મીએ કહ્યુ, “અમે અમારા વારાની રાહ જોઇ રહ્યા હતા ત્યારે કેટલાક માણસો આવ્યા બુમો પાડવા લાગ્યા. તેમણે કહ્યું કે જે કોઇ પણ ખોરાક લેશે તેને હાનિ થશે. અમે ડરી ગયા અને કશું પણ લીધા વગર ત્યાંથી ભાગી ગયા. “ 

ઝરીન કહે છે કે  15-20 માણસો તેના ઘરની બહાર ભેગા થયા હતા અને ગાળો બોલવા લાગ્યા. “તેઓ એટલા માટે ગુસ્સે થયા કે અમે ભોજન આપતા હતાં. તેઓ ધમકીઓ આપવા માંડ્યા,અને એવું કહેવા લાગ્યા કે ‘ આ લોકો આતંકવાદી છે,તેઓ નિઝાનુદ્દીનથી આવ્યા છે,તેમનો ખોરાક લેશો નહીં, લેશો તો તમને ચેપ લાગશે.’”

ત્યારબાદ, 6 એપ્રિલે ,જ્યારે ઝરીન અને તેની રાહત  ટીમ નજીકના દસરહલ્લીમાં ખોરાકનું વિતરણ કરી રહી હતી,ત્યારે એક સમુહે એમનું અપમાન, કર્યું ધમકીઓ આપીને તેમના પર હુમલો કર્યો હતો. “અમે ક્રિકેટના બેટ લઇને આવેલા માણસોથી ઘેરાયેલા હતા, અને મારો પુત્ર બહુ ખરાબ રીતે ઘાયલ થયો હતો.” તેણે કહયું.

અંતે 16 એપ્રિલે ઝરીનની ટીમ રાચેનહાલ્લીના  દૈનિક વેતન કામદારોને રેશન કીટ પહોંચાડી શકી.ઝરીન અને તેની ટીમ સાથે કામ કરતા સ્વયંસેવક સૌરભકુમારે જણાવ્યું હતું કે ,” સ્થાનિક કોર્પોરેટરે કિટ્સ વહેંચવામાં મદદ માટે બીબીએમપી [મ્યુનિસિપલ કોર્પોરેશન]એ વાહનની વ્યવસ્થા કરી હતી. 

મકતુમ્બેએ મને પછીથી કહ્યું,” અમારી પાસે આ બધા માટે સમય નથી. અમારે અમારા બાળકોને ખવડાવવાના છે!” આ ઘટનાથી તેઓ ચિંતીત થઇ ગયા છે. “હું હિંદુ  છું અને  તે મુસ્લિમ છે,” સોનીદેવીએ મકતુમ્બે તરફ ઇશારો કરતા કહ્યું, “તેનાથી શું ફેર પડે છે? અમે પડોશી તરીકે સાથે જીવીએ છીએ. અમારા બાળકો માતાના પેટમાંથી જ જન્મ્યા છે.ખરું ને? આમ વચ્ચે [સાંપ્રદાયિક રાજકારણમાં] રહેવા કરતા અમે ભૂખ્યા રહીશું”

મકતુમ્બે ઉમેરે છે, “અમે આમાં વચ્ચે પીસાઇ રહ્યા છીએ. ગરીબ લોકો સાથે આવું જ થાય છે.આ બધામાં અમારો જ મરો થાય છે.”

અનુવાદક: છાયા વ્યાસ

છાયા વ્યાસ અમદાવાદમાં સ્થિત શિક્ષક અને અનુવાદક છે, જે અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાઓમાં કામ કરે છે. ગણિત અને વિજ્ઞાનના અધ્યયન અને મુસાફરી કરવી અને વાંચન તેમના રસના વિષય છે.

Sweta Daga

છાયા વ્યાસ અમદાવાદમાં સ્થિત અનુવાદક છે, જે અંગ્રેજી, ગુજરાતી અને હિંદી ભાષાઓમાં કામ કરે છે. મુસાફરી કરવી અને વાંચન તેમના રસના વિષય છે

Other stories by Sweta Daga