હું થાકી ગયો છું. મારું શરીર અને મન ભારે થઈ ગયું છે. મારી આંખો મૃત્યુની પીડાથી ભરાઈ ગઈ છે − મારી આસપાસના પીડિતોના મૃત્યુથી. મેં કેટલી વાર્તાઓ પર કામ કર્યું છે તેનો આંકડો હું આપી શકું તેમ નથી. હું જાણે ભાવશૂન્ય બની ગયો હોય તેવું લાગે છે. જ્યારે કે હું આ વાર્તા લખી રહ્યો છું એ સમયે સરકાર ચેન્નાઈના અનગાપુત્તુરમાં દલિતોના ઘરો જમીનદોસ્ત કરી રહી છે. હું વધુને વધુ ચિંતાતુર બનું છું.

હું હજુ પણ 7 ઓક્ટોબર, 2023ના રોજ તમિલનાડુના હોસુરમાં ગોડાઉનમાં ફટાકડા પકડીને ઊભેલા કામદારોના મૃત્યુથી મારી જાતને દૂર કરી શકતો નથી. મેં અત્યાર સુધીમાં 22 મૃત્યુ વિશે વાર્તાઓ લખી છે. તેમાંથી આઠ મૃત્યુ 17 થી 21 વર્ષની વયના વિદ્યાર્થીઓનાં હતા. તે બધા એક ગોડાઉનમાં કામ કરતા હતા જ્યાં ફટાકડા રાખેલા હતા. આઠે આઠ વિદ્યાર્થીઓ એક જ શહેરના હતા અને ગાઢ મિત્રો હતા.

મેં ફોટોગ્રાફી શીખવાનું શરૂ કર્યું ત્યારથી, હું ફટાકડાના કારખાનાઓ, ગોડાઉન અને દુકાનોમાં કામ કરતા લોકો વિશે ઉત્સુક રહ્યો છું. મેં આ માટે ઘણો પ્રયાસ કર્યો પણ મને જરૂરી પરવાનગીઓ મળી શકી નહીં. મારી બધી પૂછપરછ દરમિયાન મને કહેવામાં આવ્યું હતું કે ગોડાઉન ક્યારેય પરવાનગી નહીં આપે. તેમાં ફોટોગ્રાફી કરવી તો દૂર પણ અંદર જવાની પરવાનગી મેળવવી પણ સહેલી નહોતી.

મારા માતા-પિતાએ ક્યારેય દિવાળી માટે અમને નવાં કપડાં કે ફટાકડા ખરીદી આપ્યા ન હતા. કેમ કે આવું કરવું તેમને પરવડી શકે તેમ જ ન હતું. અમને મારા કાકા, મારા પિતાના મોટા ભાઈ નવાં કપડાં ખરીદી આપતા હતા. અમે હંમેશાં દિવાળી ઉજવવા માટે અમારા કાકાના ઘરે જતાં હતાં. તેઓ અમને ફટાકડા પણ લઈ આપતા અને મારા કાકાના છોકરા સહિત અમે બધા બાળકો તેને ફોડતા.

જો કે મને ફટાકડા ફોડવામાં ખાસ રસ નહોતો. જેમ જેમ હું મોટો થતો ગયો તેમ તેમ મેં તેમને ફોડવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. મેં દિવાળી સહિતના અન્ય તહેવારો ઉજવવાનું પણ બંધ કરી દીધું હતું. ફોટોગ્રાફી કરવાની શરૂઆત કર્યા પછી જ હું શ્રમજીવીઓના જીવન વિશે સમજવા લાગ્યો.

હું ફોટોગ્રાફી થકી ઘણી વસ્તુઓ શીખ્યો છું. દર વર્ષે દિવાળી દરમિયાન ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાની અને અકસ્માતોની ઘટનાઓ બનતી હતી. હું એવી જગ્યાએ હતો જ્યાં મને આવા અકસ્માતોની બહુ ચિંતા નહોતી.

The eight children killed in an explosion in a firecracker shop belonged to Ammapettai village in Dharmapuri district. A week after the deaths, the village is silent and no one is celebrating Diwali
PHOTO • M. Palani Kumar

ફટાકડાની દુકાનમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામેલા આઠ બાળકો ધર્મપુરી જિલ્લાના અમ્માપેટ્ટઈ ગામના હતા. મૃત્યુના એક અઠવાડિયા પછી ગામ સુન્ન થઈ ગયું છે અને કોઈ દિવાળીની ઉજવણી કરી રહ્યું નથી

જો કે, આ વર્ષે [2023માં], મેં વિચાર્યું કે મારે ઓછામાં ઓછું કંઈ નહીં તો અકસ્માતોનું દસ્તાવેજીકરણ તો કરવું જ જોઈએ. ત્યારે જ મેં સાંભળ્યું કે તમિલનાડુ અને કર્ણાટકની સરહદ પર કૃષ્ણગિરી નજીક ફટાકડાના વિસ્ફોટમાં એક ગામના આઠ બાળકોના મોત થયા હતા. મને આ ઘટના સોશિયલ મીડિયા પરથી જાણવા મળી હતી, જેમ કે મને પહેલાં પણ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પરથી ઘણી ઘટનાઓ વિશે જાણવા મળ્યું છે. મને સોશિયલ મીડિયા પરથી વિરોધ પ્રદર્શનો વિશે પણ ખબર પડે છે.

મને આ સમાચાર પણ આવી રીતે જ મળ્યા હતા. જ્યારે મેં કેટલાક સાથીઓને આ અંગે પૂછપરછ કરી ત્યારે તેઓએ કહ્યું કે તમામ મૃતકો એક જ શહેરના હતા અને દિવાળીની મોસમ દરમિયાન કામ પર ગયા હતા. તેની મારા પર ઊંડી અસર થઈ. કારણ કે અમે પણ એવા લોકો છીએ જેઓ મોસમી નોકરીઓ માટે જાય છે. વિનાયક ચતુર્થી દરમિયાન, અમે અળગમપુલ [ઘાસની ઝૂડી] અને એરુક્કમ પુલ [મિલ્કવીડ] માંથી માળા બનાવીને વેચતા હતા. લગ્નની મોસમ દરમિયાન અમે લગ્નના રસોડામાં ભોજન પીરસવાનું કામ કરતા હતા. હું પણ એવો છોકરો છું જે મારા પરિવારની [આર્થિક] સ્થિતિને કારણે મોસમી નોકરીઓ કરતો હતો.

આ કિસ્સામાં મારા જેવો જ એક છોકરો મોસમી નોકરી માટે ગયો હતો પણ અકસ્માતનો ભોગ બન્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું. આની મારા પર ઘણી ઊંડી અસર થઈ.

મારે ચોક્કસપણે આનું દસ્તાવેજીકરણ કરવાનું જ હતું.  મેં તમિલનાડુના ધર્મપુરી જિલ્લાના આમુર તાલુકામાં અમ્માપેટ્ટઈથી શરૂઆત કરી હતી. આ ગામ ધર્મપુરી અને તિરુવન્નમલાઈ વચ્ચે વહેતી તેનપન્નઈ નદીના કિનારે આવેલું છે. નદી પાર કરો એટલે તમારો પગ તિરુવન્નમલાઈની ધરતી પર પડે.

મારે ગામ સુધી પહોંચવા માટે ત્રણ બસો બદલવી પડી હતી. મેં આખો સમય બસમાં આ પરિસ્થિતિ વાકેફ એવા સાથીદારો સાથે વાત કરવામાં પસાર કર્યો. અમુરના એક સાથીએ મને અમ્માપેટ્ટાઈ જતી બસમાં બેસાડીને વચન આપ્યું કે બસ સ્ટેન્ડ પર વધુ સાથીઓ મારી રાહ જોશે. જ્યારે બસ અમ્માપેટ્ટઈમાં પ્રવેશી, ત્યારે મેં પહેલી વસ્તુ જે જોઈ તે હતી એક પાંજરામાં પૂરેલી આંબેડકરની પ્રતિમા, જે ઘેરા મૌનથી છવાયેલી હતી. ગામ પણ સુન્ન હતું. તે કબ્રસ્તાનમાં જેવી શાંતિ હોય છે તેના જેવું હતું. તે જાણે મારા શરીરની આરપાર ફેલાઈ ગઈ અને મને હચમચાવી દીધો. કોઈ ઘરમાંથી કોઈ અવાજ નહોતો આવતો − જાણે દરેક જગ્યા અંધારથી ઘેરાયેલી હોય.

જ્યારથી હું આ કામ માટે નીકળ્યો ત્યારથી મને કંઈ ખાવાનું મન નહોતું થતું. મેં આંબેડકરની પ્રતિમાની સામે ચાની દુકાનમાં ચા અને બે વડા ખાધા અને મારા સાથીના આવવાની રાહ જોઈ.

મારો સાથી આવ્યો અને મને પહેલા ઘરે લઈ ગયો જેમણે એક પુત્ર ગુમાવ્યો હતો. ઘરની છત પર એસ્બેસ્ટોસની શીટ હતી, અને માત્ર એક જ બાજુની દિવાલ પર પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું.

V. Giri was 17 years old when he passed away. The youngest son, he took up work because he didn't get admission in college for a paramedical course as his marks were not high enough
PHOTO • M. Palani Kumar

વી. ગિરી જ્યારે મોતને ભેટ્યા ત્યારે તેઓ 17 વર્ષના હતા. આ પરિવારના સૌથી નાના પુત્ર એવા ગિરીએ કામ કરવાનું શરૂ એટલા માટે કર્યું હતું કારણ કે તેમને ઓછા ગુણને કારણે કોલેજમાં પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ મળ્યો ન હતો

અમે તે ઘરનું બારણું ખખડાવતા રહ્યા અને થોડી મિનિટો પછી એક સ્ત્રીએ આવીને દરવાજો ખોલ્યો. એવું લાગતું હતું કે તે સ્ત્રી જાણે ઘણા દિવસોથી સૂઈ નહોતી. મારા સાથીએ કહ્યું કે તે સ્ત્રી 37 વર્ષીય વી. સેલ્વી હતાં, જે વિસ્ફોટમાં મૃત્યુ પામેલા 17 વર્ષીય વી. ગિરીનાં માતા હતાં. મને તેમને જગાડવાનો અફસોસ થયો હતો.

જેવો અમે ઘરમાં પગ મૂક્યો એવો અમે યુનિફોર્મમાં એક છોકરાનો માળા પહેરેલો ફોટો પ્લાસ્ટર કર્યા વગરની દિવાલ પર લટકતો જોયો. મને લાગ્યું કે જાણે હું મારા ભાઈને જ જોઈ રહ્યો છું.

લૉકડાઉન પછી તરત જ મારો પોતાનો ભાઈ ફટાકડાની દુકાનમાં મોસમી કામ કરવા ગયો હતો. મેં તેને ત્યાં ન જવાનું કહ્યું પણ તેનાથી કોઈ ફેર ન પડ્યો. જ્યાં સુધી તે પાછો ન આવ્યો ત્યાં સુધી મારી માતાને સતત તેની ચિંતા સતાવતી હતી.

ગિરીનાં માતા બોલી શકતાં ન હતાં. જે ક્ષણે મેં તેમને તેમના દીકરા વિશે પૂછ્યું, કે તરત તેઓ ઘરના એક ખૂણામાં બેસી ગયાં અને રડવા લાગ્યાં. મારા સાથીએ મને કહ્યું કે પીડિતાનો ભાઈ આવે તેમની આપણે વાટ જોઈ શકીએ છીએ. ગિરીના બીજો સૌથી મોટા ભાઈ આવ્યા અને તેમના નાના ભાઈના મૃત્યુની વાત કહેવાનું શરૂ કર્યું.

“મારું નામ સૂર્યા છે, હું 20 વર્ષનો છું. મારા પિતાનું નામ વેડિયપ્પન છે. અમારા પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયાને આઠ વર્ષ થયાં છે.”

તેઓ બોલ્યા પછી, તેમની માતાએ ખચકાટ સાથે, તૂટેલા અવાજમાં વાત કરી. “તેમના મૃત્યુ પછી જીવન ગાળવું મુશ્કેલ હતું. મારા મોટા દીકરાએ 12મું ધોરણ પૂરું કર્યું અને કામ શોધવા અને ઘરે ટેકો કરવા માટે શહેરની બહાર જવાનું નક્કી કર્યું. અમે અમારી લોન ચૂકવવાનું શરૂ કર્યું અને તેના ભાઈઓ મોટા થઈ રહ્યા હતા. અમે તેના લગ્ન કરાવવાનું વિચાર્યું અને તેના લગ્નને માત્ર ત્રણ મહિના થયા છે. હું આવા મુશ્કેલ સંજોગોમાં બાળકોને શિક્ષિત કરવામાં સફળ રહી, મને આવું થવાની અપેક્ષા નહોતી.”

“માત્ર એટલા માટે કે તે એક વર્ષ સુધી કોલેજ જઈ શક્યો ન હતો, તે બે મહિના માટે કાપડની દુકાનમાં ગયો અને તે બે મહિના સુધી ઘરે રહ્યો. તે ફટાકડાની દુકાન પર એટલા માટે ગયો હતો કારણ કે તેના મિત્રો ત્યાં જઈ રહ્યા હતા. અને પછી આ [અકસ્માત] થયો.”

Left: A photo from Giri's childhood placed within his late father Vediyappan's photo.
PHOTO • M. Palani Kumar
Right: His mother, V. Selvi couldn't speak. She sat in the corner of the house and started to cry when I asked her about Giri
PHOTO • M. Palani Kumar

ડાબેઃ ગિરીના બાળપણની તસવીર તેમના સ્વર્ગસ્થ પિતા વેડિયપ્પનની સાથે મૂકવામાં આવી છે. જમણેઃ તેમનાં માતા વી. સેલ્વી બોલી શકતાં ન હતાં. તેઓ ઘરના ખૂણામાં બેસી ગયાં અને જ્યારે મેં તેમને ગિરી વિશે પૂછ્યું ત્યારે તેઓ રડવા લાગ્યાં

“આ મોસમ દરમિયાન થંબી [નાનો ભાઈ] માત્ર કાપડની દુકાનોમાં કામ કરવા જતો હતો. આ વર્ષે તેણે આ નોકરી [ફટાકડાની દુકાન] માં જવાનું નક્કી કર્યું. તેણે 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી અને પેરામેડિકલ કોર્સ માટે અરજી કરી હતી. ઓછા ગુણના કારણે તેની અરજી નામંજૂર કરવામાં આવી હતી. પછી તેણે કાપડની દુકાનોમાં કામ કરવાનું શરૂ કર્યું. એકવાર આદિ દરમિયાન [જુલાઈના મધ્યથી ઓગસ્ટના મધ્ય વચ્ચેના મોસમી મહિનામાં જ્યાં કાપડની દુકાનોમાં વિશેષ વેચાણ અને ડિસ્કાઉન્ટ હોય છે], તેણે 25,000 રૂપિયા કમાયા હતા. તેમાંથી 20,000 રૂપિયા તેણે લોનની ચૂકવણી કરવા આપ્યા હતા.

“આઠ વર્ષ પહેલાં અમારા પિતાનું અવસાન થયા પછી, અમે બન્ને કાપડની દુકાનોમાં જતા અને અમે કમાયેલા પૈસાથી અમારી લોન પરત કરતા અને ચૂકવણી કરતા. અમારા મોટા ભાઈના લગ્ન થઈ ગયા અને આ દરમિયાન અમે 30,000 રૂપિયાની લોન લીધી.”

“તેથી, અમે જાત જાતનાં કામ કર્યાં. અમારામાંના ઘણા લોકો માટે, જો પરિસ્થિતિ સારી ન રહે, તો અમે ઘરે પાછા આવી જતા. ફટાકડાની દુકાનના માલિકે અમારા વિસ્તારના એક છોકરા સાથે વાત કરી હતી અને કહ્યું કે દુકાનમાં નોકરીની તક છે. એક ટોળું પહેલા રવાના થયું હતું. મારો ભાઈ બીજી બેચમાં ગયો હતો.”

“પરંતુ કામ પર ગયેલા છોકરાઓને ત્યાં તકલીફ તથી હતી, તેથી મારો ભાઈ ગિરી પાછો આવ્યો અને અમારા મોટા ભાઈ સાથે રહ્યો. તે તેમની સાથે કામે ગયો હતો અને પછી મારો મોટો ભાઈ અહીં મંદિરની મુલાકાત લેવા આવ્યો હતો.

તે સમયે મારા નાના ભાઈને ફટાકડાની દુકાન પરના છોકરાઓનો ફરીથી ફોન આવ્યો, જેમણે તેને કામ પર પાછા આવવાનું કહ્યું. મારો ભાઈ 7 ઓક્ટોબર, 2023ના રોજ કામ પર ગયો હતો. તે જ દિવસે અકસ્માત થયો હતો.

તેણે ત્યાં માત્ર એક જ દિવસ કામ કર્યું હતું.

મારા ભાઈનો જન્મ 3 ઓક્ટોબર, 2006ના રોજ થયો હતો. અમે હમણાં હમણાં જ તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. 7 ઓક્ટોબરે આ ઘટના બની હતી.

ગામમાં અમારામાંથી કોઈને ખબર નહોતી કે શું થયું હતું. અકસ્માતમાંથી બચી ગયેલા ગામના બે છોકરાઓએ અમને જાણ કરી હતી. પછી અમે પૂછપરછ શરૂ કરી તો અમને ખબર પડી કે અમારા ગામના સાત બાળકો મૃત્યુ પામ્યા છે. અમે એક ગાડી ભાડે કરી અને મૃતદેહની ઓળખ કરવા ગયા.

The photograph of another deceased, 19-year-old Akash, is garlanded and placed on a chair in front of the house. His father, M. Raja (right)
PHOTO • M. Palani Kumar

અન્ય મૃતક 19 વર્ષીય આકાશની તસવીર પર માળા પહેરાવીને ઘરની સામે ખુરશી પર મૂકવામાં આવી છે. તેમના પિતા એમ. રાજા તસવીરની નજીક બેસેલા છે

આ અંગે એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી, મંત્રી કે. પી. અનબળગન, એક ધારાસભ્ય, સાંસદ અને અન્ય ઘણા લોકો આવ્યા હતા. એકત્ર થયેલા આ લોકોએ ત્રણ લાખ રૂપિયાનો ચેક સોંપ્યો હતો. તેમણે કહ્યું કે તમિલનાડુના મુખ્યમંત્રી પણ આવશે, પણ તેઓ આવ્યા ન હતા.

અમારી માંગ છે કે દરેક પરિવારને તેમના શૈક્ષણિક સ્તર અનુસાર સરકારી નોકરી આપવામાં આવે.”

ગિરીના પરિવારે કહ્યું કે તેમને આશા છે કે બાકીના બે પુત્રોમાંથી એકને સરકારી નોકરી આપવામાં આવશે. “અમે તો માંડ માંડ પેટનો ખાડો ભરી શકીએ છીએ. જો તેમાંથી એકને સરકારી નોકરી મળશે, તો તેનાથી અમને સારી એવી મદદ મળશે.”

તેમનાં માતાએ વાત પૂરી કર્યા પછી મેં ગિરીની તસવીર માંગી. તેમના ભાઈએ તેમના પિતાના મૃત્યુની જાહેરાત કરતી છબી તરફ ધ્યાન દોર્યું. એક ફ્રેમના ખૂણા પર, ગિરી બાળપણમાં એક નાના ચિત્રમાં ઊભો હતો. તે એક સુંદર તસવીર હતી.

મારા સાથી બાલાએ કહ્યું, “જો અમારી પાસે કરુરમાં એસ.આઈ.પી.સી.ઓ.ટી. જેવું કંઈક હોત, તો અમારા છોકરાઓ કામ માટે આટલા દૂર ન જતા. ગઈ વખતે, છોકરાઓનું બ્રેઇનવોશ કરવામાં આવ્યું હતું. તેમને કહેવામાં આવ્યું હતું કે જ્યારે તેઓ પાછા આવશે ત્યારે તેમને નવો ફોન મળશે. કોઈને ખબર નહોતી કે ગોડાઉનમાં ફટાકડા ફૂટી ગયા છે. આઠે આઠ છોકરાઓનું શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયું હતું. અમે તપાસ કરી તો અમને સમજાયું કે તેમના માટે પણ એકસાથે બહાર આવવા માટે રસ્તો ખૂબ નાનો હતો. આ છોકરાઓ ફટાકડાની દુકાનમાં પહેલ વહેલીવાર કામ કરવા ગયા હતા.”

જ્યારે બાલાએ આવું કહ્યું, ત્યારે મને મારા પોતાના ભાઈ બાલાની યાદ આવી ગઈ. પછી આ જગ્યા વધુ ખરાબ થઈ ગઈ હતી. મારો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો, અને મારું હૃદય સુન્ન થઈ ગયું હતું.

તમામ આઠ મૃતકોના પરિવારોએ તેમના પ્રિયજનોની તસવીરો ફ્રેમ કરાવી હતી. ત્યાં દરેક ઘર કબ્રસ્તાન જેવું લાગતું હતું. લોકો આવતા જતા રહેતા હતા. અકસ્માતને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ પીડા અને આંસુ હજુય યથાવત્ છે. સંબંધીઓ પણ તેમની પાસેને પાસે જ છે.

'This is the first time he was going to this kind of job,' says Akash's father.
PHOTO • M. Palani Kumar
A photo of Akash's mother (right) who passed away 12 years ago
PHOTO • M. Palani Kumar

આકાશ વિશે એમ. રાજા કહે છે, 'તે પહેલ વહેલીવાર આ પ્રકારની નોકરી કરવા ગયો હતો.' તેમનાં માતાનું (જમણે) 12 વર્ષ પહેલાં અવસાન થયું હતું

Raja says Akash was particularly fond of  Dr. B.R. Ambedkar. 'He had hung his [Ambedkar’s] portrait [near his bed] so that he would be the first image to see when he woke up'
PHOTO • M. Palani Kumar

રાજા જણાવે છે કે કેવી રીતે આકાશને આંબેડકરથી ખાસ લગાવ હતો. તેઓ ઉમેરે છે, ‘તેમણે આંબેડકરની તસવીર તેમના પલંગની નજીક લટકાવી હતી, જેથી જ્યારે તેઓ જાગે ત્યારે સૌપ્રથમ તેમની તસવીર જોઈ શકે’

અન્ય મૃતક 19 વર્ષીય આકાશની માળા પહેરાવેલી તસવીર ઘરની સામે ખુરશી પર મૂકવામાં આવી હતી. તેના પિતા તસવીરની સામે બેસેલા હતા. તેમના ઘરમાં માત્ર બે ઓરડા હતા. જ્યારે હું તેમના ઘરે ગયો, ત્યારે મેં બીજી ખુરશી પર આકાશની માતાની છબી જોઈ હતી.

જ્યારે મેં આકાશના પિતા સાથે વાત કરવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ નિ:સહાય થઈને રડી રહ્યા હતા. તેઓ દારૂના પ્રભાવમાં પણ હતા. મને ત્યાં લઈ ગયેલા સાથીએ તેમને શાંત કર્યા અને બોલતા કર્યા.

“હું એમ. રાજા છું, મારી વય 47 વય છે. હું ચાની કપ-રકાબી ધોઉં છું. મારો દીકરો ફટાકડાની દુકાન પર માત્ર એટલા માટે ગયો કારણ કે તેના મિત્રો પણ ત્યાં ગયા હતા. તે એક સારો છોકરો હતો; બુદ્ધિશાળી પણ હતો. જ્યારે તેઓ કામ પર ગયા, ત્યારે તેમણે મને 200 રૂપિયા આપ્યા હતા અને મને દારૂ ન પીવાની સલાહ આપી હતી. તેણે કહ્યું કે તે 10 દિવસમાં પાછો આવશે અને મારી કાળજી લેશે. તે આ પ્રકારની નોકરી કરવા પહેલ વહેલીવાર જઈ રહ્યો હતો. મેં તેને ક્યારેય કામ પર જવાનું કહ્યું નથી.”

રાજા જણાવે છે કે કેવી રીતે આકાશને આંબેડકર સાથે ખાસ લગાવ હતો. “તેમણે આંબેડકરની તસવીર તેમના પલંગની નજીક લટકાવી હતી, જેથી જ્યારે તેઓ જાગે ત્યારે સૌપ્રથમ તેમની તસવીર જોઈ શકે. હું થોડા સમય પહેલાં જ ખુશીથી વિચારતો હતો કે કેવી રીતે અમારા બાળકો જીવનમાં આગળ વધવા લાગ્યા છે. અને એટલામાં મારા પોતાના દીકરાની સાથે આવું થયું. તે શરૂઆતમાં કામ માટે કાપડની દુકાને ગયો હતો. મને ખબર પણ નહોતી કે તે આ વખતે ફટાકડાની દુકાને કામ કરવા જઈ રહ્યો છે. તેણે બે વર્ષ પછી કોલેજ જવાનું બંધ કરી દીધું હતું, પરંતુ અમે ક્યારેય ઇચ્છતા ન હતા કે તે કામ કરે. હું ચાની દુકાનમાં દરરોજ 400 રૂપિયામાં કામ કરું છું. મને એક દીકરી અને બે દીકરા છે. હું માત્ર મારા બાળકો માટે જ જીવું છું. મારી પત્નીના અવસાનને 12 વર્ષ થયા છે.”

Vedappan at 21 years old was the oldest of the young boys to die in the explosion. He was married just 21 days before his death
PHOTO • M. Palani Kumar

21 વર્ષીય વેડિયપ્પન આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં સૌથી મોટી વયના હતા. તેમણે તેમના મૃત્યુના 21 દિવસ પહેલાં જ લગ્ન કર્યા હતા

પછી અમે 21 વર્ષીય વેડિયપ્પનના ઘરે ગયા. આંબેડકરની તસવીરની બાજુમાં કોટ સૂટમાં તેમની તસવીર દિવાલ પર લટકતી હતી, જે અમને તેમના મૃત્યુની જાણ કરતી હતી. મૃત્યુ પામેલા આઠ લોકોમાં તેઓ એકાલ પરિણીત હતા. તેમના લગ્નને માત્ર 21 દિવસ થયા છે. તેમના પિતા સિવાય કોઈ બોલવાની સ્થિતિમાં નહોતું. વેડિયપ્પનનાં પત્ની હજુ આ આઘાતમાંથી બહાર આવી શક્યાં નથી.

“અમે ધર્મપુરી જિલ્લાના ટી. અમ્માપટ્ટી ગામનાં રહેવાસી છીએ. અમારા પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી. ઓછામાં ઓછા સાત લોકો અમારા ગામમાંથી અને 10 લોકો અમારા જિલ્લાથી બહાર ગયા છે. તેઓ આ નોકરીઓ માટે માત્ર રોજગારના અભાવને કારણે ગયા હતા. જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ત્યાં માંડ બે-ત્રણ દિવસ પહેલાં જ કામે લાગ્યા હતા.

ન તો કર્ણાટક સરકારે કે ન તો તમિલનાડુ સરકારે આ દુર્ઘટનાનું કારણ જાહેર કર્યું છે. મૃત્યુ પ્રમાણપત્ર મેળવવું પણ મુશ્કેલ બન્યું છે. તમિલનાડુ સરકારે અમને મૃત્યુ પ્રમાણપત્ર અને વળતર આપવું જોઈએ અને દરેક પરિવારને શૈક્ષણિક લાયકાતના આધારે સરકારી નોકરી આપવી જોઈએ.

Left: A photo of Kesavan (pink shirt) with his mother, Krishnaveni and elder brother.
PHOTO • M. Palani Kumar
Right: His mother didn't know he was working in the cracker shop when he died in the explosion
PHOTO • M. Palani Kumar

ડાબેઃ તેમનાં માતા, કૃષ્ણવેણી અને મોટા ભાઈ સાથે કેશવન (ગુલાબી શર્ટમાં) ની તસવીર. જમણેઃ જ્યારે તેઓ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા ત્યારે તેમનાં માતાને ખબર નહોતી કે તેઓ ફટાકડાની દુકાનમાં કામ કરતો હતા

Left: Kumari's son Munivel was 20 years old when he died in the explosion. His photo, like all the other deceased, is displayed outside their home.
PHOTO • M. Palani Kumar
Right: Illumparidhi's parents, Bhanu and Senthilkumar stand near their son's photo
PHOTO • M. Palani Kumar

ડાબેઃ કુમારીનો પુત્ર મુનિવેલ જ્યારે વિસ્ફોટમાં મૃત્યુ પામ્યો ત્યારે તે 20 વર્ષનો હતો. અન્ય તમામ મૃતકોની જેમ તેમની છબી પણ તેમના ઘરની બહાર પ્રદર્શિત કરવામાં આવી છે. જમણેઃ ઈલુમ્પરિધિનાં માતા-પિતા, ભાનુ અને સેન્થિલકુમાર તેમના પુત્રની તસવીર પાસે ઊભાં છે

કૃષ્ણવેણી આર. કેશવનનાં માતા છે. ત્રીસેક વર્ષીય કૃષ્ણવેણી કહે છે કે તેમને ખબર નહોતી કે તેમનો પુત્ર ફટાકડાની દુકાનમાં કામ કરવા ગયો હતો. તે તેના મિત્રો સાથે ગયો હતો. અમે અત્યાર સુધી સરકાર તરફથી કંઈ સાંભળ્યું નથી, પરંતુ અમને આશા છે કે તેઓ અમને નોકરી આપશે.”

અકસ્માતમાં પોતાના પુત્રને ગુમાવનાર પાંત્રીસ વર્ષીય કુમારી અકસ્માતના દિવસે તેના પુત્ર દ્વારા શેર કરવામાં આવેલી સેલ્ફી વિશે બોલે છે. “તેઓ આવી ખતરનાક નોકરીઓ માત્ર એટલા માટે કરે છે કારણ કે તેઓ દિવાળી દરમિયાન અમારું ભરણપોષણ કરવા માંગે છે. જેથી અમને નવાં કપડાં કે ભેટ મળી શકે. તેઓ ફટાકડાની દુકાનમાં 1,200 રૂપિયા કમાય છે, જ્યારે કાપડની દુકાનમાં તેઓ માત્ર 700-800 રૂપિયા કમાય છે.”

“કલ્પના કરો તેમની બપોરનું ભોજન કરતી સેલ્ફી જોઈને તરત જ તેમના મૃતદેહોને જોઈને મને કેવું લાગ્યું હશે?

ઈશ્વર કોઈ પણ પરિવારને અમારી જેમ સહન ન કરાવે. ફટાકડાની દુકાનોમાં કોઈ અકસ્માત થવો જોઈએ નહીં. જો કોઈ અકસ્માત થાય, તો પણ ત્યાં રહેલા લોકો માટે છટકી જવાનો કોઈ રસ્તો હોવો જ જોઈએ. જો આવું ન થઈ રહ્યું હોય, તો દુકાનને ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ નહીં. અમારા પરિવાર પછી કોઈને આવી ખોટ ન વેઠવી પડે એનું ધ્યાન રાખજો.”

Left: A photo of T. Vijayaraghavan, Kesavan and Akash that they sent to their families by Whatsapp shortly before the accident took place.
PHOTO • M. Palani Kumar
Their charred bodies (right) were unrecognisable
PHOTO • M. Palani Kumar

ડાબેઃ ટી. વિજયરાઘવન, કેશવન અને આકાશની તસવીર જે તેમણે અકસ્માત થયો તે પહેલાં તેમના પરિવારોને મોકલી હતી. જમણે: વિજયરાઘવનના પિતા કહે છે, ‘તેઓ એટલા બળી ગયા હતા કે તેમને ઓળખી પણ નહોતા શકાતા’

Saritha shows a photo of Vijayaraghavan on her phone. She says all the memories of her son are in the photos in her phone
PHOTO • M. Palani Kumar
Saritha shows a photo of Vijayaraghavan on her phone. She says all the memories of her son are in the photos in her phone
PHOTO • M. Palani Kumar

સરિતા તેમના ફોન પર વિજયરાઘવનની છબી બતાવે છે. તેઓ કહે છે કે તેમના પુત્રની બધી યાદો તેમના ફોનમાં રહેલી તસવીરોમાં છે

જ્યારે અમે 18 વર્ષીય ટી. વિજયરાઘવનના ઘરે ગયા ત્યારે તેમનાં માતા ખૂબ જ અસ્વસ્થ હતાં અને હોસ્પિટલમાં ગયેલાં હતાં. જ્યારે તેઓ પાછી આવ્યાં ત્યારે હું જોઈ શકતો હતો કે તેઓ કેટલાં થાકી ગયાં હતાં. તેઓએ અમારી સાથે વાત ત્યારે જ કરી જ્યારે અમોએ વિજયરાઘવનનાં બહેન દ્વારા અમને આપવામાં આવેલી છાશ પીધી.

55 વર્ષીય સરિતા કહે છે, “તેણે મને કહ્યું કે તે કાપડની દુકાન પર જઈ રહ્યો છે. મને ખબર નથી કે તે ફટાકડાની દુકાનમાં કેમ ગયો હતો. હું જાણું છું કે તે કોલેજની ફી ચૂકવવા માંગતો હતો અને અમારા પર બોજો વધારવા માંગતો ન હતો કારણ કે અમે અમારી દીકરીના સ્વાસ્થ્ય પર ખૂબ ખર્ચ કરી રહ્યાં હતાં. જો સરકાર અમને કોઈ નોકરી આપશે, તો અમે તેમનાં આભારી રહીશું.”

કેટલાક સાથીદારો અને વિજયરાઘવનના પિતા સાથે અમે તે સ્થળની મુલાકાત લીધી જ્યાં આઠ છોકરાઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વિજયરાઘવનના પિતાએ કહ્યું, “તેઓ એટલા બળી ગયા હતા કે તેમને ઓળખી પણ નહોતા શકાતા. અમે તેમને ભેગા કરીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.”

તેનપન્નઈ નદી સ્થિર વહી રહી હતી, જે એક સમયે ભવિષ્ય માટે મહેચ્છાઓ અને પ્રેમ ધરાવતા આઠ યુવાન જીવનના અંતિમ સંસ્કારની સાક્ષી હતી.

હું ત્યાંથી પાછો ફર્યો. મારું દિલ સુન્ન થઈ ગયું હતું.

બે દિવસ પછી, મને શિવકાશીમાં 14 લોકોના મૃત્યુના સમાચાર મળ્યા − જે ફટાકડાના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે.

All the eight boys were cremated together
PHOTO • M. Palani Kumar

તે આઠે આઠ છોકરાઓના અંતિમ સંસ્કાર એક સાથે કરવામાં આવ્યા હતા

The Thenpannai river that flows between Dharmapuri and Thiruvannamalai districts of Tamil Nadu
PHOTO • M. Palani Kumar

ધર્મપુરી અને તિરુવન્નમલાઈ જિલ્લાઓ વચ્ચે વહેતી તેનપન્નઈ નદી

અનુવાદક: ફૈઝ મોહંમદ

M. Palani Kumar

M. Palani Kumar is Staff Photographer at People's Archive of Rural India. He is interested in documenting the lives of working-class women and marginalised people. Palani has received the Amplify grant in 2021, and Samyak Drishti and Photo South Asia Grant in 2020. He received the first Dayanita Singh-PARI Documentary Photography Award in 2022. Palani was also the cinematographer of ‘Kakoos' (Toilet), a Tamil-language documentary exposing the practice of manual scavenging in Tamil Nadu.

Other stories by M. Palani Kumar
Editor : Kavitha Muralidharan

Kavitha Muralidharan is a Chennai-based independent journalist and translator. She was earlier the editor of 'India Today' (Tamil) and prior to that headed the reporting section of 'The Hindu' (Tamil). She is a PARI volunteer.

Other stories by Kavitha Muralidharan
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad