“મારા પરિવારે એક એવું ઘર શોધ્યું, જેમાં એક અલગ પ્રવેશદ્વાર વાળો એક અલાયદો રૂમ હતો, જેથી હું બીજાથી અલગ રહી શકું,” એસએન ગોપાલા દેવી કહે છે. આ મે ૨૦૨૦ની વાત છે, જ્યારે કેટલાક પરિવારોએ પહેલી વાર નક્કી કર્યું કે તેઓ પોતાના પરિવારના બીજા સભ્યોને બચાવવા આ રીતના વધુ સાવચેતીના પગલા ઉઠાવશે – સાથે સાથે વધુ જોખમ વાળા વ્યવસાયમાં રોકાયેલા પોતાના પરિવારના સભ્યો પરનો બોજો પણ ઓછો કરશે.

પચાસ વર્ષના ગોપાલા દેવી એક નર્સ છે. તેમની પાસે ઉચ્ચ કક્ષાની તાલીમ અને ૨૯ વર્ષનો અનુભવ છે.  તેમણે કોરોના વાઈરસ મહામારી દરમ્યાન ચેન્નાઈના રાજીવ ગાંધી સરકારી જનરલ હોસ્પિટલના કોવિડવોર્ડમાં કામ કરવામાં ઘણો સમય વિતાવ્યો છે. આ સિવાય તેમણે થોડા સમય માટે આ શહેરની નજીક આવેલ પુલીયંથોપના એક વિશેષ કોવિડદેખભાળ કેન્દ્રનો હવાલો સંભાળ્યો હતો.

હવે, લોકડાઉનને તબક્કાવાર રીતે ઉઠાવવામાં આવી રહ્યું છે અને મોટા ભાગની પ્રવૃત્તિઓ ધીમે-ધીમે સામાન્ય થવા લાગી છે, તેમ છતાં ગોપાલા દેવીએ કોવિડ-૧૯વોર્ડમાં કામ કરતી વેળાએ ઘણી વખત ક્વોરૅન્ટીનમાં સમય પસાર કરવો પડશે. “મારા માટે, લોકડાઉન ચાલુ જ છે,” તેઓ હસતા-હસતા કહે છે. “નર્સો માટે, આ ક્યારેય પૂરું નથી થવાનું.”

જેમ કે ઘણી નર્સોએ આ પત્રકારને કહ્યું: “અમારે તો કાયમનું લૉકડાઉન ને કાયમનું કામ.”

“સપ્ટેમ્બરમાં મારી દીકરીના લગ્ન હતા અને મેં એના એક દિવસ પહેલાં રજા લીધી હતી,” ગોપાલા દેવી કહે છે. “મારા પતિ ઉદય કુમારે લગ્નની બધી જવાબદારી પોતાના ખભે લઇ લીધી હતી.” કુમાર ચેન્નાઈની જ એક બીજી હોસ્પિટલ, શંકર નેત્રાલયના એકાઉન્ટ્સ વિભાગમાં કામ કરે  છે. અને, તેઓ કહે છે, “તેઓ મારા વ્યવસાયની મજબૂરીઓ સમજે છે.”

એ જ હોસ્પિટલમાં ૩૯ વર્ષીય તમીઝ સેલ્વી પણ કામ કરે છે, જેમણે કોવિડવોર્ડમાં – કોઈ પણ રજા લીધા વિના – પોતાના કામના લીધે એવોર્ડ જીત્યો છે. “ક્વોરૅન્ટીનના દિવસો છોડીને, મેં ક્યારેય પણ રજા ભોગવી નહોતી. રજાના દિવસે પણ હું કામ કરતી હતી કેમ કે હું પરિસ્થિતિની ગંભીરતા સમજુ છું.”

“પોતાના નાના દીકરા શાઈન ઓલીવરને ઘણાં દિવસો સુધી એકલો છોડી દેવાનું દુઃખ પણ મોટું છે. ક્યારેક-ક્યારેક હું મારી જાતને દોષિત ઘણું છું, પરંતુ મને લાગે છે કે આ મહામારીમાં એ મહત્વપૂર્ણ છે કે આપણે તૈયાર રહીએ. જ્યારે મને ખબર પડે કે અમારા દર્દીઓ પોતાના પરિવાર પાસે પરત ફરી રહ્યાં છે, તો એ સમયે જે ખુશી મને મળે છે એ અમારા માટે બધી તકલીફો દૂર કરી દે છે. પરંતુ મારા પતિ જે અમારા ૧૪ વર્ષીય દીકરાની સારી દેખભાળ કરે છે, અને મારી ભૂમિકા ને પણ સમજે છે, એમના વિના આ શક્ય નોહ્તું.”

Gopala Devi, who has worked in both government and private hospitals, says Covid 19 has brought on a situation never seen before
PHOTO • M. Palani Kumar

ગોપાલા દેવી , જેઓ સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં કામ કરી ચુક્યા છે , કહે છે કે કોવીડ - ૧૯ને લીધે જે સ્થિતિ પેદા થઇ છે , આવી પહેલાં ક્યારેય જોવામાં નથી આવી .

પરંતુ કામ કરીને પોતાના રહેઠાણના વિસ્તારોમાં પાછા ફરતી ફરતી નર્સોએ ઘણી તકલીફોને અંતે સમજ્યું છે કે બધા લોકો એટલા સમજણશીલ નથી હોતા.

“દરવખતે જ્યારે હું ક્વોરૅન્ટીન પછી ઘેર પાછી આવતી, ત્યારે હું જોતી  કે લોકો હું જે રસ્તા પર ચાલુ એના પર હળદર અને લીમડાનું પાણી છાંટી રહ્યા છે.  હું એમની બીકને સમજી શકતી હતી, પણ મને દુઃખ પણ થતું,” નિશા (નામ બદલેલ) કહે છે.

નિશા ચેન્નાઈની એક સરકારી હોસ્પિટલમાં, ઇન્સ્ટીટયુટ ઓફ ગાયનેકોલોજીમાં સ્ટાફ નર્સ છે. એમને કોરોના વાઈરસ પોઝીટીવ ગર્ભવતી મહિલાઓની દેખભાળનું કામ સોંપાયું હતું. “આ ખૂબ જ તણાવભર્યું કામ હતું કેમ કે અમારે માતાની સાથે-સાથે  એમના બાળકોનું પણ રક્ષણ કરવાનું હતું,” હમણાં જ, નિશા પોતે પણ  ટેસ્ટમાં પોઝીટીવ આવી. ત્રણ મહિના પહેલાં, એમના પતિ કોવીડ-૧૯થી સંક્રમિત થઇ અને સાજા થયા હતા. “અમારી હોસ્પિટલમાં ઓછામાં ઓછી ૬૦ નર્સો પાછલાં આઠ મહિનામાં કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે,” નિશા કહે છે.

“કલંકને દૂર કરવું વાઈરસની સરખામણીમાં ઘણું કઠીન છે,” તેઓ કહે છે.

એમના પડોશીઓ ડર અને દુશ્મનાવટના કારણે નિશાના પાંચ સભ્યોના પરિવારને, જેમાં એમના પતિ, બે બાળકો અને સાસુ છે, ચેન્નાઈમાં એક વિસ્તાર છોડીને બીજામાં જવું પડતું હતું.

અને કોવિડ-૧૯વોર્ડમાં કામ કરીને દર વખતે જ્યારે નિશાને ક્વોરૅન્ટીન થવું પડતું હતું, ત્યારે એમણે એમના એક વર્ષના દૂધ પીતાં બાળકથી દૂર રહેવું પડતું હતું.  તેઓ કહે છે, “હું જ્યારે કોવિડ-૧૯સંક્રમિત માતાઓની પ્રસુતિમાં એમની મદદ કરતી હોઉં છું, ત્યારે મારા સાસુ મારા બાળકની દેખભાળ કરે છે. આ ત્યારે પણ અજીબ લાગતું હતું અને અત્યારે પણ લાગે છે.”

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ (આઈસીએમઆર) ની માર્ગદર્શિકા મુજબ, સ્તનપાન કરાવનારી માતાઓ અને મહામારીથી પીડિત કર્મચારીઓને કોવીડ-વોર્ડમાં ફરજ બજાવવાથી છૂટ આપવામાં આવી છે. પરંતુ આખા રાજ્યમાં નર્સોની ભારે અછતના કારણે નિશા જેવી નર્સો પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. દક્ષિણ તમિલનાડુના વિરુધુનગર જીલ્લાના મૂળ નિવાસી, નિશા કહે છે કે ચેન્નાઈમાં એમનું કોઈ સગું નથી, કે જેમની પાસે તેઓ જઈ શકે. “હું તો કહીશ કે આ મારા જીવનનો સૌથી કઠીન સમય હતો.”

The stigma of working in a Covid ward, for nurses who are Dalits, as is Thamizh Selvi, is a double burden. Right: 'But for my husband [U. Anbu] looking after our son, understanding what my role is, this would not have been possible'
PHOTO • M. Palani Kumar
The stigma of working in a Covid ward, for nurses who are Dalits, as is Thamizh Selvi, is a double burden. Right: 'But for my husband [U. Anbu] looking after our son, understanding what my role is, this would not have been possible'
PHOTO • M. Palani Kumar

તમીઝ સેલ્વી જેવી દલિત નર્સો માટે કોવિડવોર્ડમાં કામ કરવાથી થતી બદનામી , એક વધારાનો બોજો છે . જમણે : પરંતુ મારા પતિ [ યુ . અંબુ ], જેઓ અમારા દીકરાની દેખભાળ કરી રહ્યાં છે , મારી ભૂમિકાને સમજે છે , એમના વગર શક્ય નહોતું .

તાજેતરમાં નર્સ તરીકે કામ કરવાની શરૂઆત કરનારી, ૨૧ વર્ષીય શૈલા પણ આનાથી સહમત છે. ઓક્ટોબર ૨૦૨૦માં, એમણે ચેન્નાઈના કોવિડ-૧૯દેખભાળ કેન્દ્રમાં હંગામી ધોરણે બે મહિનાના કરાર હેઠળ નોકરી ચાલુ કરી હતી. એમના કામોમાં ચેપગ્રસ્ત ક્ષેત્રોમાં ઘેર -ઘેર  જઈને સ્વાબ ટેસ્ટ કરવો, માસ્ક પહેરવાનું મહત્વ સમજાવવું અને અન્ય સુરક્ષાના ઉપાયો અપનાવવા વિષે સાર્વજનિક જાગરૂકતા ફેલાવવાનું કામ શામેલ હતું.

“ઘણી જગ્યાઓએ, લોકોએ ટેસ્ટ કરાવવાની ના પાડી દીધી અને અમારી સાથે દલીલો કરી,” શૈલા કહે છે. આ સિવાય સામાજિક બદનામીનો પણ સામનો કરવો પડે છે. “હું ટેસ્ટ કરવા માટે એક ઘેર  ગઈ તો ત્યાં પહોંચીને ખબર પડી કે અમે સ્વેબ ટેસ્ટની કીટનું નવું પેક ખોલવા માટે કાતર લાવવાનું ભૂલી ગયા હતા. અમે ત્યાંના લોકો પાસે કાતર માંગી તો એમણે અમને ખૂબ જ ખરાબ કાતર પકડાવી દીધી. એનાથી પેક ખોલવું મુશ્કેલ હતું. અમે જ્યારે અંતે એમાં સફળ થયા, તો અમે એમને કાતર પરત આપી દીધી. તો એમણે એ લેવાની ના પાડી અને કહ્યું કે એ ફેંકી દો.”

ચેન્નાઈની ગરમી અને ભેજમાં ૭ થી ૮ કલાક પીપીઈ સુટ પહેરવો અસુવિધાઓથી ભરેલું હતું. આ સિવાય, તેઓ કહે છે, “અમારે ખોરાક કે પાણી વગર કામ કરવું પડતું હતું, અમે લોકોના ઘરોમાં શૌચાલયનો પણ ઉપયોગ કરી શકતા નહોતાં.”

તેમ છતાં, એમણે આ કામ છોડ્યું નહીં. “મારા પિતાનું સપનું હતું કે હું ડોક્ટર બનું. આ કારણે મેં જ્યારે પહેલી વાર નર્સનું યુનિફોર્મ અને પીપીઈ કીટ પહેરી, તો મને એહસાસ થયો કે હું અસુવિધાઓ હોવા છતાંય પોતાના સપનાની નજીક છું,” તેઓ કહે છે. શૈલાના પિતા એક સફાઇ કામદાર હતા, અને સેપ્ટિક ટેન્કની સફાઈ કરતી વેળાએ તેમનું મોત નીપજ્યું હતું.

જોખમ અને બદનામી ઉપરાંત નર્સો એક ત્રીજા મોરચા સામે પણ લડી રહી છે. કામની દયનીય સ્થિતિ અને ખૂબ  ઓછો પગાર. શિખાઉ તરીકે એ બે મહિનાઓમાં શૈલાએ મહિનાના ૧૪,૦૦૦ રૂપિયા કમાયા. નિશા દસ વર્ષ સુધી નર્સ તરીકે કામ કરવા છતાંય, જેમાં એક સરકારી સંસ્થામાં ૬ વર્ષનું કામ પણ શામેલ છે, ૧૫,૦૦૦ રૂપિયા કમાય છે. ત્રણ દશકાઓ સુધી સેવા આપ્યાં બાદ, ગોપાલા દેવીનો કુલ પગાર ૪૫,૦૦૦ રૂપિયા છે – જે રાષ્ટ્રીયકૃત બેંકના એન્ટ્રી-લેવેલ ક્લાર્કની તુલનામાં ખાસ વધારે નથી.

તમિલનાડુમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કામ કરવાવાળી નર્સો વિષેના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, પરંતુ સ્વાસ્થ્ય કાર્યકર્તાઓના કહેવા પ્રમાણે આ સંખ્યા ૩૦,૦૦૦થી ૮૦,૦૦૦ની વચ્ચે છે. નર્સોની તકલીફોનો સ્વીકાર કરતાં, તમિલનાડુમાં ઇન્ડિયન મેડીકલ કાઉન્સિલ (આઈએમસી) ના અધ્યક્ષ ડૉક્ટર સી.એન. રાજા કહે છે કે આઈએમસીએ એમના માટે કાઉન્સેલિંગની વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો હતો. “મુખ્યત્વે જેઓ આઈસીયુમાં કામ કરે છે. તેઓ પૂરી રીતે એ જાણે છે કે તેઓ અસુરક્ષિત છે, તેમ છતાં પોતાનું કર્તવ્ય પૂરું કરવા આગળ આવે છે, અને મને લાગે છે કે આપણે એમની સારી દેખભાળ કરવી જોઈએ.”

નર્સોને લાગતું નથી કે એમની સારી દેખભાળ કરવામાં આવી રહી છે.

'For nurses, the lockdown is far from over', says Gopala Devi, who has spent time working in the Covid ward of a Chennai hospital
PHOTO • M. Palani Kumar
'For nurses, the lockdown is far from over', says Gopala Devi, who has spent time working in the Covid ward of a Chennai hospital
PHOTO • M. Palani Kumar

નર્સો માટે લોકડાઉન ક્યારેય ખત્મ નહીં થાય ,’ ગોપાલા દેવી કહે છે , જેમને ચેન્નાઈની એક હોસ્પિટલમાં કોવિડવોર્ડમાં કામ કરતાં ઘણો સમય થઇ ગયો છે .

“આ રાજ્યમાં ૧૫,૦૦૦થી પણ વધારે હંગામી નર્સો છે,” કલ્લાકુરુચી જીલ્લાના એક પુરુષ નર્સ અને તમિલનાડુ સરકારી નર્સ એસોસિએશનના અધ્યક્ષ કે. શક્તિવેલ કહે છે, “અમારી મુખ્ય માંગણીઓ માંથી એક સારો પગાર છે. ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલના ધારાધોરણો પ્રમાણે ન તો ભરતી કરવામાં આવે છે કે ન તો પ્રમોશન કરવામાં આવે છે.”

“૧૮,૦૦૦ હંગામી નર્સોમાંથી ફક્ત ૪,૫૦૦ ને જ કાયમી કરવામાં આવી છે,” હેલ્થ વર્કર્સ ફેડરેશનના મહાસચિવ, ડૉક્ટર એ.આર. શાંતિ કહે છે. આ ફેડરેશન તમિલનાડુમાં સ્વાસ્થ્ય કર્મચારીઓનું એક સામુહિક સંગઠન છે. “બાકી નર્સો પણ એટલું જ કામ કરે છે જેટલું કાયમી નર્સો કરે છે, પણ એમને દર મહીને ફક્ત ૧૪,૦૦૦ રૂપિયા જ મળે છે. તેઓ કાયમી નર્સોની જેમ રજાઓ નથી લઇ શકતી. જો તેઓ કટોકટીની પરિસ્થિતિ માટે પણ રજા લે છે, તો એમનો પગાર કપાઈ જાય છે.”

અને આ સ્થિતિ સારા દિવસોની છે.

સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં કામ કરી ચુકેલા અનુભવી નર્સ, ગોપાલા દેવી કહે છે કે લગભગ એક વર્ષથી, કોવીડ-૧૯એ એવી પરિસ્થિતિ પેદા કરી દીધી છે, જે પહેલાં ક્યારેય જોવામાં નથી આવી. “ભારતમાં એચઆઈવીનો પહેલો કેસ [૧૯૮૬માં] ચેન્નાઈની મદ્રાસ મેડીકલ કોલેજ [રાજીવ ગાંધી હોસ્પિટલ સાથે સંલગ્ન] માં નોંધાયો હતો,” તેઓ યાદ કરે છે. પરંતુ એચઆઈવીના દર્દીઓનો ઈલાજ કરતી વેળાએ, અમે આટલા ચિંતિત નહોતાં. અમારે ક્યારેય પોતાને આમ પૂરી રીતે ઢાંકવું નથી પડ્યું. કોવિડ-૧૯ઘણું વધારે અનિશ્ચિત છે અને આના માટે સાહસ જરૂરી છે.

મહામારી સામેની લડતે જીવનને  ઊંધુચત્તુ કરી નાખ્યું છે, તેઓ કહે છે. “જ્યારે આખી દુનિયા લોકડાઉનના કારણે બંધ હતી, ત્યારે અમે કોવિડ-૧૯વોર્ડમાં પહેલાં કરતાં વધારે વ્યસ્ત હતા. એવું નથી કે તમે જેવા છો એવા ને એવા જ વોર્ડમાં પ્રવેશ કરી શકો છો. જો મારી ડ્યુટી સવારે ૭ વાગ્યાની હોય, તો મારે ૬ વાગ્યાથી તૈયાર થવું પડશે. પીપીઈ સુટ પહેરીને ધ્યાન રાખવું પડે છે કે હું જ્યાં સુધી વોર્ડની બહાર ન નીકળું ત્યાં સુધી મારું પેટ ભરેલું રહે – હું પીપીઈ સુટમાં ન તો પાણી પી શકું છું કે ન તો ખાઈ શકું છું – ખરું કામ તો ત્યાંથી શરૂ થાય છે.”

“આજ રીતે થાય છે,” નિશા કહે છે. “તમે કોવિડવોર્ડમાં સાત દિવસ કામ કરો છો અને સાત દિવસ પોતાને અલગ રાખો છો. અમારા વોર્ડમાં લગભગ ૬૦-૭૦ નર્સો વારાફરતી કામ કરે છે. દર્દીઓની સંખ્યાના આધારે, એક અઠવાડિયા સુધી કામ કરે છે. [આનો અર્થ છે કે ૩ થી ૬ નર્સો એટલા સમય માટે ક્વોરૅન્ટીન રહેશે.] અંદાજે, અમારામાંથી દરેકને ૫૦ દિવસોમાં એક વખત કોવિડડ્યુટી પર મુકવામાં આવે છે.”

આનો અર્થ છે કે નર્સના કેલેન્ડરમાં દર સાત અઠવાડિયા માંથી બે અઠવાડિયા કોવિડ-૧૯ની સામે લડતની જોખમભરી સ્થિતિમાં પસાર કરવામાં આવે છે. નર્સોની તંગી અને કટોકટીવાળી પરિસ્થિતિ આ બોજને વધારે બદતર બનાવી શકે છે. કોવિડડ્યુટી કરવાવાળી નર્સોને સરકાર દ્વારા ક્વોરૅન્ટીન માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

Nurses protesting at the Kallakurichi hospital (left) and Kanchipuram hospital (right); their demands include better salaries
PHOTO • Courtesy: K. Sakthivel
Nurses protesting at the Kallakurichi hospital (left) and Kanchipuram hospital (right); their demands include better salaries
PHOTO • Courtesy: K. Sakthivel

જાન્યુઆરી ૨૦૨૧ના અંતમાં કલ્લાકુરુચી હોસ્પિટલ ( ડાબે ) અને કાંચીપુરમ હોસ્પિટલ ( જમણે ) માં વિરોધ કરતી નર્સો ; એમની માંગણીઓમાં સારો પગાર પણ શામેલ છે .

ડ્યુટી આમ તો ૬ કલાકની હોય છે, પરંતુ મોટાભાગની નર્સો આના કરતાં બમણું કામ કરે છે. “રાતની શિફ્ટ, ફરજિયાતપણે ૧૨ કલાકની હોય છે – સાંજે ૭ થી સવારે ૭ સુધી. પરંતુ બીજી શિફ્ટમાં પણ, અમારું કામ ૬ કલાક પછી પણ ચાલુ જ રહે છે. મોટે ભાગે, કોઈ પણ શિફ્ટ હોય એ ઓછામાં ઓછી એક કે બે કલાક લંબાઈ જાય છે.”

ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ બધાનો બોજો વધારે છે.

જેમ કે ડૉક્ટર શાંતિ જણાવે છે, “નવી નર્સોની ભરતી કરવાની જગ્યાએ, નવા [કોવીડ] કેન્દ્રો તેમને બીજી હોસ્પિટલો માંથી નોકરીએ રાખી લે છે. આવામાં, તમારે ઘણાં સમાધાન કરવા પડે છે. જો એક શિફ્ટમાં છ નર્સો ની જરૂર હોય, તો ઘણી હોસ્પિટલોમાં ફક્ત બે થી જ કામ ચલાવવું પડે છે. આ સિવાય કોવિડઆઈસીયુમાં એક દર્દી માટે એક નર્સનું હોવું ફરજીયાત છે, પરંતુ ચેન્નાઈ સિવાય, કોઈ પણ જીલ્લાની એકેય  હોસ્પિટલમાં આનું પાલન નથી થતું. તપાસની વાત હોય કે પછી બેડ મેળવવામાં વિલંબની જે ફરિયાદો તમે સાંભળી રહ્યાં છો, તે મુખ્યત્વે આના લીધે જ છે.”

જૂન  ૨૦૨૦માં, રાજ્ય સરકારે ચાર જીલ્લાઓ – ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ અને થિરુવલ્લુર – માટે ૨,૦૦૦ નર્સોની ભરતી કરી હતી, મુખ્યત્વે કોવિડડ્યુટી માટે, ૧૪,૦૦૦ રૂપિયાના માસિક પગાર પર. ડૉક્ટર શાંતિ કહે છે કે આ સંખ્યા કોઈપણ રીતે પુરતી નથી.

૨૯ જાન્યુઆરીએ, નર્સોએ રાજ્યભરમાં એક દિવસનું વિરોધ પ્રદર્શન કર્યું. એમની માંગણીઓમાં કેન્દ્ર સરકાર સાથે કામ કરવાવાળી નર્સો જેટલો પગાર; સંકટ દરમ્યાન કોવિડવોર્ડમાં કામ કરવાવાળી નર્સો માટે બોનસ; અને ડ્યુટી દરમ્યાન મૃત્યુ પામનારી નર્સોના પરિવારોને વળતર શામેલ હતી.

સ્વાસ્થ્ય કાર્યકર્તા અન્ય વોર્ડમાં કામ કરવાવાળી નર્સો માટે પણ એટલા જ ચિંતિત છે. ડૉક્ટર શાંતિ કહે છે, “જોખમનું સ્તર અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ બિન-કોવિડવોર્ડમાં કામ કરવા વાળાઓને પણ ખતરો તો છે જ. મારું માનવું છે કે કોવિડડ્યુટી પર કામ કરવા વાળી નર્સો પ્રમાણમાં સારી સ્થિતિમાં છે કેમ કે એમને પીપીઈ સુટ અને એન૯૫ માસ્ક મળે છે – તેઓ આની માંગણી કરી શકે છે, આ એમનો અધિકાર છે. પરંતુ અન્ય લોકો દેખીતી રીતે આવું નથી કરી શકતા.”

ઘણાં લોકો રામનાથપુરમ જીલ્લાના મંડપમ કેમ્પ, જ્યાં કોવિડ સંક્રમિતોની સારવાર ચાલી રહી હતી, તેમાં નર્સિંગ અધિક્ષક તરીકે ફરજ બજાવતા ૫૫ વર્ષીય એન્થોનીયમ્મલ અમિર્થાસેલવીનું ઉદાહરણ આપે છે. ૧૦ ઓક્ટોબરે, કોવિડ-૧૯એ હૃદયના દર્દી અમિર્થાસેલવીનો જીવ લઇ લીધો. એમના પતિ એ. જ્ઞાનરાજ કહે છે, “જ્યારે તેઓ થોડા બીમાર પડ્યા, ત્યારે પણ પોતાનું કામ ચાલું રાખ્યું. એણે વિચાર્યું કે આ તો સામાન્ય તાવ છે, પરંતુ એનું કોવિડ-૧૯પરીક્ષણ પોઝીટીવ આવ્યું – અને ત્યારબાદ કશું થઇ શક્યું નહીં.” અમિર્થાસેલવીને મદુરાઈ જનરલ હોસ્પિટલથી મંડપમ કેમ્પમાં એક વર્ષ પહેલાં જ સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.

Thamizh Selvi in a PPE suit (let) and receiving a 'Covid-warrior' award at a government hospital (right) on August 15, 2020, for her dedicated work without taking any leave
PHOTO • Courtesy: Thamizh Selvi
Thamizh Selvi in a PPE suit (let) and receiving a 'Covid-warrior' award at a government hospital (right) on August 15, 2020, for her dedicated work without taking any leave
PHOTO • Courtesy: Thamizh Selvi

તમીઝ સેલ્વી પીપીઈ સૂટમાં ( ડાબે ) અને કોઈ પણ રજા ભોગવ્યા વગર કામ પ્રત્યે સમર્પણ માટે ૧૫મી ઓગષ્ટ , ૨૦૨૦ના રોજ એક સરકારી હોસ્પિટલમાં કોવિડ - યોદ્ધા એવોર્ડ મેળવતી વખતે .

અને બદનામીનો સામનો હંમેશા કરવો પડે છે – જે દલિત નર્સો માટે એક વધારાનો બોજો છે

એવોર્ડ વિજેતા તમીઝ સેલ્વી (સૌથી ઉપર કવર છબીમાં) આનાથી અજાણ નથી. તેઓ મૂળ રાનીપેટ (ભૂતપૂર્વ વેલ્લોર) જીલ્લાના વાલજાહપેટ તાલુકાના લાલાપેટ ગામના એક દલિત પરિવારથી છે. તેમના પરિવારે હંમેશા ભેદભાવોનો સામનો કર્યો છે.

અને હવે આ બદનામીમાં એક નવું સ્તર જોડાઈ ગયું છે – કોવિડ-૧૯થી લડવાવાળી નર્સ. “ક્વોરૅન્ટીન પછી થેલો લઈને ઘેર  પરત ફરતી વેળાએ,” તમીઝ સેલ્વી કહે છે, “જ્યારે હું અમારી ગલીમાં પગ મુકું છું, ત્યારે ઓળખીતા ચહેરા પણ મને જોઇને પોતાના દરવાજા બંધ કરી દે છે. મને ખરાબ લાગે છે, પરંતુ હું સમજવાની કોશિશ કરું છું, કે તેઓ ચોક્કસપણે પોતાની સુરક્ષા વિષે ચિંતિત છે.”

તમિલ કવિયત્રી અને તમીઝ સેલ્વીની બહેન, સુકીર્થરાણી યાદ કરે છે કે એમની ત્રણ બહેનોએ શા માટે નર્સિંગમાં પોતાની કારકિર્દી પસંદ કરી: “આ ફક્ત અમારી જ વાત નથી, દલિત પરિવારોમાંથી ઘણાં લોકોએ નર્સ બનવાનું પસંદ કર્યું છે. જ્યારે મારી સૌથી મોટી બહેન નર્સ બની, તો જે લોકો પહેલાં અમારા ઘેર  આવતા સંકોચાતા હતા, એ પણ મદદ માંગવા અમારા ઘેર  આવવા લાગ્યા. ઉરના ઘણાં લોકો ચેરીમાં આવેલા અમારા ઘર તરફ ઈશારો કરીને કહેતા હતા કે તેઓ પોતાના બાળકોને આ જ રીતે શિક્ષણ અપાવવા માંગે છે જેવી રીતે મારા પિતા શનમુગમ એ કર્યું હતું. [પરંપરાગત રીતે, તમિલનાડુના ગામો ઉર અને ચેરીમાં વિભાજીત છે, ઉરમાં ઉજળિયાત જાતિઓ રહે છે જ્યારે ચેરીમાં દલિતો રહે છે.] હું પોતે શિક્ષક છું, અને મારો એક અન્ય ભાઈ પણ શિક્ષક છે. મારી બહેનો નર્સ છે.”

“એક ભાઈને છોડીને કે જેઓ ઈજનેર છે, બાકીના અમે બધાં સમાજને સારો બનાવવાની ફરજ બજાવીએ છીએ. અમારી પૃષ્ઠભૂમિ જોતા, આ અમારા માટે ખૂબ  ગર્વની વાત છે. જ્યારે મારી સૌથી મોટી બહેને નર્સનું યુનિફોર્મ પહેર્યું, તો આનાથી એમને દબદબો અને સન્માન મળ્યું. પરંતુ આ એમના નર્સ બનવાના ઘણાં કારણો માંથી એક જ કારણ હતું. હકીકત તો એ છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જેમ અમે પણ આખા સમાજની સેવા કરવા માંગીએ છીએ.”

પછી ભલે ને તેમણે આવી ચિંતાજનક ક્ષણો પણ જોવી પડે જેમાં બહેન તમીઝ સેલ્વી વોર્ડમાં ફરજ બજાવ્યા પછી  કોવિડ-૧૯પરીક્ષણમાં પોઝીટીવ આવે. “મને એ વાતની વધારે ચિંતા હતી કે તે હવે પોતાની ડ્યુટી નહીં કરી શકે, પરંતુ ઠીક છે, અમે પહેલાં એક-બે વાર ચિંતિત થયા હતા, હવે અમને આની આદત થઇ ગઈ છે,” સુકીર્થરાણી હસીને કહે છે.

ગોપાલા દેવી કહે છે, “કોવિડના જોખમોને જાણ્યા પછી પણ, કોવિડ ડ્યુટીમાં પગ રાખવા એ આગમાં પગ રાખવા જેવું છે, પરંતુ જ્યારે અમે નર્સિંગ કરવાનું નક્કી કર્યું, તેના પછી આ સ્વાભાવિક છે. આ સમાજની સેવા કરવાની અમારી રીત છે.”

કવિતા મુરલીધરન ઠાકુર ફેમીલી ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્ર પત્રકારિતા ગ્રાન્ટ ના માધ્યમથી સાર્વજનિક સ્વાસ્થ્ય અને નાગરિક સ્વતંત્રતા પર અહેવાલ લખે છે. ઠાકુર ફેમીલી ફાઉન્ડેશને આ રીપોર્ટની વિગતોમાં કોઈ સંપાદકીય નિયંત્રણ નથી કર્યો.

કવર છબી : એમ. પલાની કુમાર

અનુવાદક: ફૈઝ મોહંમદ

Kavitha Muralidharan

Kavitha Muralidharan is a Chennai-based independent journalist and translator. She was earlier the editor of 'India Today' (Tamil) and prior to that headed the reporting section of 'The Hindu' (Tamil). She is a PARI volunteer.

Other stories by Kavitha Muralidharan
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad