“તમે જાતે આવીને જુઓ” તેણે કહ્યું. “અમે બધા હુકમ માનીએ છીએ. એકબીજાથી દૂર બેસીને માસ્ક પહેરીને કામ કરીએ છીએ. આ રેશન મળ્યું એ બહુ સારી વાત થઈ પણ એ તો થોડા દિવસ ચાલશે. એ પછી શું કરીશું ખબર નથી પડતી.”

આ છે રાજસ્થાનના ચૂરુ જિલ્લાના સુજનગઢ ગામથી અમારી સાથે ફોન પર વાત કરી રહેલ, ૫૫ વર્ષિય દુર્ગા દેવી. તેઓ દિશા શેખાવતી સ્વૈચ્છિક સંસ્થા દ્વારા અપાતા વિનામૂલ્ય અનાજ લેવાની લાઇનમાં ઊભા છે, જ્યાં તે શિબોરી કલાકાર તરીકે કામ કરે છે. શિબોરી એક જાતની બાંધણીની કળા છે. એમાં બધું જ કામ પૂર્ણ રૂપે હાથથી જ કરવાનું હોય છે. દુર્ગાદેવી જરા કડવું હસીને બોલે છે,  “અમને કોરોના થશે કે નહીં ખબર નહીં પણ અમે ભૂખથી મરી જવાના એ ચોક્કસ.”

થોડા વર્ષો પહેલાં, તેમના પતિના અતિશય દારૂ પીવાના કારણે મરણ પામ્યા પછી, દુર્ગા દેવી તેમના ઘરમાં એકલા કમાવનાર છે. પોતાના નવ બાળકોનું ભરણ પોષણ તેઓ એકલા હાથે કરે છે. તેમને દિવસ દીઠ રૂ.૨૦૦ મળે છે, અને એક માસમાં લગભગ પંદર દિવસ કામ મળી રહે છે.

દુર્ગાદેવી લાઇનમાં તેમની પાછળ ઊભેલ, અન્ય રોજમદાર કલાકાર, ૩૫ વર્ષિય પરમેશ્વરીને ફોન આપે છે. પરમેશ્વરી (એ માત્ર આ જ નામ વાપરવા માગે છે.) કહે છે કે તેનો પતિ બાંધકામની જગ્યા પર મજૂરી કરે છે, પણ એ કામ બંધ થઈ જવાના કારણે નવરો બેઠો છે. એ કહે છે કે, “અમારી પાસે કામ પણ નથી, ને અનાજ ખરીદવા માટે પૈસા પણ નથી.” દુર્ગા દેવીની જેમ જ તેને લાગે છે કે અહીં મળનારા પાંચ કિલો લોટ, એક કિલો દાળ, અને મરચાં, હળદર અને ધાણાજીરાના ૨૦૦ ગ્રામના પેકેટોથી તેનું, તેના પતિ અને ચાર બાળકોનું આવતા થોડા દિવસ તો ચાલી જશે.

હવે ૬૫ વર્ષિય ચાંદી દેવી શિબોરી કલા તો નથી કરતા, પણ બીજાની જેમ રેશન લેવાની લાઇનમાં ઊભા છે. તે કહે છે, “મેં ચોવીસ કલાકથી કશું જ ખાધું નથી. ગઈ કાલે ખાધેલું. તે ય માત્ર ભાત, સાદો ભાત. એમ તો કાલે અમારે ત્યાં એક વાન આવેલી. એમાં બધાને ખાવાનું આપતા હતા પણ હું ધીમે ધીમે ચાલીને ત્યાં પહોંચું એટલામાં તો વાન જતી રહી. મને સજ્જડ ભૂખ લાગી છે.”

'The last meal I ate was 24 hours ago. I am very hungry', says Chandi Devi (bottom row left). She and 400 shibori artisans including Parmeshwari (top right) and Durga Devi (bottom row middle) are linked to Disha Skekhawati, an NGO in Sujangarh, Rajasthan. Bottom right:Founder Amrita Choudhary says, 'Ninety per cent of the artisans are daily wage labourers and have no savings to fall back on'
PHOTO • Pankaj Kok

નીચેની લાઇનમાં ડાબે: ચાંદીદેવી કહે છે, “છેલ્લે ચોવીસ કલાક પહેલાં મેં કશું ખાધેલું. મને ખૂબ ભૂખ લાગી છે.” તે અને પરમેશ્વરી (ઊપર જમણે) અને દુર્ગા દેવી (નીચેની લાઈનમાં વચ્ચે) સહિત ૪૦૦ શીબોરી કલાકારો રાજસ્થાનના સુજનગઢના કાર્યરત એક સ્વૈચ્છિક સંસ્થા દિશા શેખાવતી સાથે જોડાયેલાં છે. જમણી બાજુ નીચે: સંસ્થાના સ્થાપક અમૃતા ચૌધરી કહે છે, “નેવું ટકા કારીગરો રોજમદારી મજૂરો છે અને તેમની પાસે કપરા દિવસો માટે જરા પણ બચત નથી હોતી.”

દિશા શેખાવતીમાં દુર્ગા અને પરમેશ્વરી જેવા ૪૦૦ શીબોરી બાંધણી કલાકારો કામ કરે છે. તેના સ્થાપક અમૃતા ચૌધરી કહે છે, “સરકાર કશું જ નથી કરતી. અમારી સાથેના નેવું ટકા કલાકારો રોજમદારી પર કામ કરતા મજૂર છે. તેમની પાસે જરા પણ બચત નથી હોતી. અમે અમારાથી થઈ શકે એટલું કરીએ છીએ.”

ચૌધરી કહે છે, “લગભગ ૧૦ દિવસ પહેલાં મને હસ્તકળાની વસ્તુઓ ખરીદનારા મોટા વેપારીઓના ફોન આવવા માંડ્યા કે એ લોકો મોટા ઓર્ડરોનો માલ ઉઠાવી નહીં શકે.” તેમણે કહ્યું કે હવે વધારે માલ તૈયાર ન કરવો. “અત્યારે મારી પાસે રૂ. ૨૫ લાખના લેબલ લગાડેલ, બારકોડિંગ કરીને પેક કરેલ સાડીઓ અને દુપટ્ટા પડ્યા છે. એ ક્યારે જશે ને હું મારા કારીગરોને પૈસા ક્યારે આપી શકીશ. ખબર નથી.”

ભારતમાં ખેતીવાડી પછી હાથવણાટ અને હસ્તકળા ઉદ્યોગો મળીને સૌથી મોટા રોજગાર દાતાઓ છે. માત્ર હાથવણાટમાં જ ૩૫ લાખ લોકો વિવિધ પ્રકારના કાપડ તૈયાર કરવાનું કામ કરે છે, જેમાંના મોટાભાગના સ્વતંત્રપણે કામ કરે છે. હેન્ડીક્રાફ્ટ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનની માહિતી અનુસાર ઓછામાં ઓછા ૭૦ લાખ લોકો હજારો પ્રકારના પરંપરાગત કલાકારી કરે છે, અને ૨૦૧૫માં આ ક્ષેત્રમાં માત્ર નિકાસ જ રૂ. ૮૩૧૮ કરોડનું થયું હતું.

પણ ક્રાફ્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા ચેન્નાઈના અધ્યક્ષ ગીતા રામ આ આંકડાને નકારી કાઢે છે. “આ આંકડા કોઈ જ રીતે આધારભૂત નથી. કારીગરો વિષે કોઈ ડેટાબેઝ નથી અને જીડીપીમાં એમનું ખરેખરું પ્રદાન કેટલું તે કહી ન શકાય. તેમ છતાં અમે એ જાણીએ છીએ કે મોટાભાગનું ઉત્પાદન અસંગઠિત ક્ષેત્રના સ્વરોજગાર કરતા કારીગરો દ્વારા થાય છે અને એમને રાહતની તાતી જરૂર છે.”

આંધ્ર પ્રદેશના પ્રકાસમ જિલ્લાના ચિરલા શહેરના જીવનના પાંચમા દાયકમાં પ્રવેશી ચૂકેલા જી. સુલોચના અને તેમના પતિ જી. શ્રીનિવાસ રાવ પણ આ વિષે પૂરા સંમત છે. શ્રીનિવાસ રાવ  કહે છે, “અમને કાચો માલ મળતો નથી એટલે અમારી પાસે કશું કામ નથી. આ લૉકડાઉને અમને ઘણી નાણાંકીય મુશ્કેલીમાં મૂકી દીધા છે. થોડા સમયમાં અમારે ખાવાનું લેવા પણ પૈસા ઉધાર માગવા પડશે.” ફોન પર વાત કરતાં સુલોચનાએ કહ્યું, “અમારી કમાણી એટલી ઓછી છે કે અમારી પાસે જરાય બચત છે જ નહીં.”

G. Sulochana and her husband G. Srinivas Rao, weavers in their 50s in Chirala town of Andhra Pradesh’s Prakasam district: 'We are not getting raw material, and so have no work. Soon we will need to borrow money to eat'
PHOTO • Srikant Rao

આંધ્ર પ્રદેશના પ્રકાસમ જિલ્લાના ચિરલા શહેરના પચાસ વર્ષના વણકર દંપતી જી. સુલોચના અને જી. શ્રીનિવાસ રાવ: “અમને કાચો માલ મળતો નથી અને એટલે અમારી પાસે કશું કામ નથી. થોડા સમયમાં અમારે ખાવાનું લેવા ય પૈસા ઉધાર માગવા પડશે.”

ચિરલા શહેરમાં ઘણા વણકર કુટુંબો ‘ચિરલા સાડી’ નામે ઓળખાતી રેશમ અને સુતરના મિશ્ર દોરાથી બનતી મોટી ડિઝાઇનવાળી સાડીનું વણાટકામ કરે છે.  સુલોચના અને શ્રીનિવાસ રાવ મળીને, માહિને ૧૦ થી ૧૫ સાડીઓ બનાવે છે. તેમના મુખ્ય વણકર, જેમના હેઠળ તેઓ કામ કરે છે, તે તેમને કાચો માલ આપે છે અને પાંચ સાડી દીઠ રૂ. ૬૦૦૦ આપે છે. એ બન્ને મળીને મહિને રૂ. ૧૫૦૦૦ કમાય છે.

ચિરલાના સાડીના અન્ય વણકર ૩૫ વર્ષિય બી. સુનીતા અને તેમના ૩૭ વર્ષિય પતિને પણ પોતે અને તેમના બે બાળકોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ લાગે છે. એ બે જણ સાથે કામ કરીને મહિનામાં ૧૫ સાડીઓ બનાવીને રૂ.૧૨૦૦૦ કમાઈ લે છે. સુનીતા કહે છે, “જરીના દોરા ૧૦મી માર્ચે જ મળવાના બંધ થઈ ગયા અને થોડા દિવસ પછી સિલ્કના દોરા પણ આવતા બંધ થઈ ગયા. કાચો માલ ના હોય તો અમે કામ કઈ રીતે કરીએ?”

લૉકડાઉન થયા પછી તેઓ રેશનની દુકાને પણ નથી જઈ શક્યા. ત્યાં ચોખા ખલાસ થઈ ગયા છે અને બજારમાં ચોખાના ભાવ બહુ જ વધી ગયા છે. તે વધુ કહે છે, “અમારી ભૂખ મટાડવા માટે અમને આ સિવાય બીજું કામ આવડતું પણ નથી”.

ચિરાલાના આ બન્ને વણકર કુટુંબો ઓબીસી વર્ગમાં  (અન્ય પછાત વર્ગ) આવે છે. હકીકમાં, ૨૦૧૯-૨૦૨૦માં કરાયેલી ચોથી અખિલ ભારતિય હેન્ડલૂમ વસ્તીગણતરી મુજબ બધા વણકર કુટુંબો પૈકી ૬૭ ટકા કુટુંબો, કાં તો અનુસુચિત જાતિ (૧૪) અથવા અનુસુચિત જનજાતિ (૧૯) અથવા અન્ય પછાત જાતિઓમાં આવે છે. (૩૩.૬ ટકા).

સુનીતા અને શ્રીનિવાસની વ્યક્તિગત કમાણી જોઈએ તો એ ભારતની માસિક માથાદીઠ આવક રૂ. ૧૧૨૫૪ કરતાં ખાસ્સી એવી ઓછી છે. જો કે વણકર કુટુંબોમાં તેમની સહિયારી આવકને લીધે તેઓ ઉપલા સાત ટકામાં આવે. ચોથી અખિલ ભારતીય હેન્ડલૂમ વસ્તી ગણતરી પ્રમાણે ૬૬ ટકાથી વધુ વણકર કુટુંબોની આવક મહિને રૂ. ૫૦૦૦ થી પણ ઓછી છે.

Left: B. Sunitha and her husband Bandla Pradeep Kumar in Chirala: 'With no raw material, we cannot work'. Right" Macherla Mohan Rao, founder president of the Chirala-based National Federation of Handlooms and Handicrafts, says, 'This [lockdown] will finish them off the weavers'
PHOTO • Guthi Himanth
Left: B. Sunitha and her husband Bandla Pradeep Kumar in Chirala: 'With no raw material, we cannot work'. Right" Macherla Mohan Rao, founder president of the Chirala-based National Federation of Handlooms and Handicrafts, says, 'This [lockdown] will finish them off the weavers'
PHOTO • M. Sravanthi

ડાબે: ચિરલામાં બી. સુનીતા અને તેનો પતિ બંદલા પ્રદીપ કુમાર: “કાચો માલ નથી એટલે અમે કામ કરી શકતા નથી.” જમણે: ચિરલાના નેશનલ ફેડરેશન ઑફ હેન્ડલૂમ્સ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સના  સ્થાપક સભ્ય મચરેલા મોહન કુમાર રાવ કહે છે, “આ લૉકડાઉન વણકરોને ખલાસ કરી દેશે.”

ભારતના ‘આથમતા’ ઉદ્યોગ રૂપે ૧૯૯૦માં ઉતારી પાડવામાં આવેલ, હાથવણાટ અને હસ્તકળા ઉદ્યોગે, ફરી પાછું ૨૦૧૮માં તેના ઉતપાદન પર ૫ થી ૧૮ ટકા જીએસટી ઝીંકવામાં આવતા ખૂબ નુકશાન ઉપાડેલ છે. ત્યારબાદ, તે ઉત્પાદ માત્ર કાપડ  હોય તો જીએસટી ઘટાડીને ૫ ટકા કરાયેલો. જો કે કાપડ માટે અતિમહત્ત્વપૂર્ણ રંગો અને રસાયણો પરનો જીએસટી ૧૨ થી ૧૮ ટકા જ રહ્યો છે. હેન્ડીક્રાફ્ટ્સ માટે જીએસટી ૮ થી ૧૮ ટકા છે જ.

ચિરલાના ૨૦૦૦૦ સભ્યો ધરાવતા ટ્રેડ યુનિયન નેશનલ ફેડરેશન ઑફ હેન્ડલૂમ્સ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સના સ્થાપક અને પ્રમુખ ૫૯ વર્ષિય માચરેલા મોહન કહે છે, “કોરોના પહેલાં પણ વણકરોને કામના સારા પૈસા નહોતા જ મળતા, અને તેમને ઘર ચલાવવું મુશ્કેલ પડતું હતું. આ (લૉકડાઉન) તેમને બરબાદ કરી નાખશે.”

મોહન રાવ પૂછે છે, “હું સરકારને (મિનિસ્ટ્રી ઑફ ટેક્સટાઈલ્સ) પૂછતો રહ્યો છું કે એ લોકો ગરીબ વણકરોની અવગણના શું કામ કરે છે? કર્મચારી રાજ્ય વીમા યોજના અને કર્મચારી પ્રોવિડન્ટ ફંડ, માતૃત્વ લાભ ગારમેન્ટ અને બીજા ક્ષેત્રોના લોકોને મળે છે એ જ રીતે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ્સના ક્ષેત્રના લોકોને કેમ ન મળે? લાચાર વણકરોને માટે ઘર બનાવવાની યોજનાની સુવિધા કેમ નથી?” તમણે ઘણા સંસદ સભ્યોને ૨૦૧૪થી લઈને આ સવાલ લોકસભામાં ઉઠાવવા વિનંતિ કરતા અનેક પત્રો લખ્યા છે.

તમિળનાડુના કાંચીપુરમ શહેર (અને જિલ્લા)માં રાષ્ટ્રીય પુરસ્કૃત મુખ્ય વણકર બી. કૃષ્ણમૂર્તિ, ૬૦ અને બી. જયંતિ, ૫૦ પાસે ૧૦ હાથશાળો છે.  એના પર આ યુગલ વિખ્યાત કાંચીપુરમની રેશમી સાડીઓ વણે છે. એક શાળ એ બંને પોતે ચલાવે છે અને બીજી શાળો તેમણે રોકેલા વણકરોને ત્યાં છે.

કૃષ્ણમૂર્તિ કહે છે, “મારા કારીગરો (લૉકડાઉન શરૂ થયો ત્યારથી) ખાવાનું ખરીદવા માટે મારી પાસે રૂ. ૨૦૦૦-૩૦૦૦ ઉધાર માગતા રહે છે.” તેમણે તેઓને એડવાન્સ રકમ તો આપી જ છે, પણ કૃષ્ણમૂર્તિને ચિંતા છે કે ક્યાંક આવા કુશળ કારીગરો નિરાશ થઈને બીજું કામ કરવા માંડશે અથવા શહેર છોડીને જતા રહેશે. એમનો ડર પણ ખોટો નથી, ૧૯૯૫થી ૨૦૧૦ દરમ્યાન ૨.૫ લાખ કુટુંબોએ આ કામ છોડી દીધું છે.

In Kancheepuram, Tamil Nadu, master weavers and national award winners B. Krishnamoorthy and B. Jayanthi: 'Weavers keep calling [since the lockdown began] asking for loans of Rs. 2,000-3,000 for food'
PHOTO • Prashanth Krishnamoorthy
In Kancheepuram, Tamil Nadu, master weavers and national award winners B. Krishnamoorthy and B. Jayanthi: 'Weavers keep calling [since the lockdown began] asking for loans of Rs. 2,000-3,000 for food'
PHOTO • Prashanth Krishnamoorthy

તામિલનાડુના કાન્ચીપૂરમમાં, મુખ્ય વણકર અને રાષ્ટ્રીય પુરસ્કૃત મુખ્ય વણકર બી. કૃષ્ણમૂર્તિ અને બી. જયંતિ: ““મારા કારીગરો (લૉકડાઉન શરૂ થયો ત્યારથી) ખાવાનું ખરીદવા માટે મારી પાસે રૂ. ૨૦૦૦-૩૦૦૦ ઉધાર માગતા રહે છે.”

ભારતના નાના મેટા શહેરોમાં હસ્તકળા અને હાથવણાટ પ્રદર્શન એક નિયમિત બાબત છે. કારીગરવર્ગ પ્રમાણે તેમનું વધુમાં વધુ વેચાણ તેમાં જ થાય છે. પરંતુ આ વર્ષે તો એની મુખ્ય મોસમ માર્ચ-એપ્રિલ મહિનાઓમાં યોજનારા પ્રદર્શનો રદ્દ થતા ખૂબ બધો માલ એમ જ પડ્યો રહ્યો છે.

ગુજરાતના કચ્છ પ્રદેશના ભુજોડી ગામના ૪૫ વર્ષિય વણકર શામજી વિશ્રામ પૂછે છે,  “દિલ્હી અને કલકત્તાના ત્રણ પ્રદર્શનો રદ્દ કરાયાં. મારી પાસે સ્ટોક પડ્યો છે પણ લેનાર કોઈ નથી. અમારે ખાવું શું? મને પરદેશથી ખરીદનારાઓના કૉલ આવે છે કે વણાટકામ બંધ કરો. એ કહે છે કે હમણાં એ લોકો કશું ખરીદશે નહીં.”

ઉત્તર પ્રદેશના વારાણસીના ૩૫ વર્ષિય લાકડાના રમકડા બનાવનાર કલાકાર અજીતકુમાર વિશ્વકર્મા કહે છે, “તમે મારી સાથે અત્યારે જે સમયે (બપોરે ૩ વાગે) વાત કરી રહ્યા છો એ મારો મારા પિતાજી અને ભાઈઓ સાથે અમારા વર્કશૉપમાં કામ કરવાનો સમય છે. અમને હવે ચિંતા થવા માંડી છે કે ખાવાનું ક્યાંથી મળશે અને લોટ, દાળ, બટાકાના કાળાબજારના ભાવ ન આપવા પડે એ માટે શું કરવું.”

Ajit Kumar Vishwakarma, a wooden toy-maker in Varanasi, Uttar Pradesh, with his family: '“Now I am thinking of where to get food'
PHOTO • Sriddhi Vishwakarma

ડાબે: વારાણસીમાં લાકડાના રમકડાંનો કારીગર અજીતકુમાર વિશ્વકર્મા કહે છે, “હવે મને ચિંતા થાય છે કે ખાવાનું ક્યાંથી લાવીશું?”  જમણે: મધ્ય પ્રદેશ, ભોપાલનો ગોંડ કારીગર સુરેશકુમાર ધ્રુવે કહે છે, “હું ઘરમાં કામ વગર નવરો બેઠો છું.”

અજિત અને તેનું કુટુંબ લાકડાના રમકડાં, નાનાં કદનાં પશુ-પંખીઓ અને હિન્દુ દેવ-દેવીઓની નાની મૂર્તિઓ બનાવે છે. તે કહે છે, “અમારું આખું કુટુંબ આ કામમાંથી મળતી આવક પર જ નભે છે.  મારે કેટલા ય પાસેથી પૈસા લેવાના છે પણ કોઈ આપવા તૈયાર નથી. મારી પાસે ૫ થી ૬ લાખ રૂપિયાનો માલ પ્રદર્શનમાં મૂકવા તૈયાર પડ્યો છે, જે હવે રદ્દ થયા છે. મેં રમકડાં રંગવાવાળા કુંભારોને પણ આગોતરા પૈસા આપી દીધા છે. એ લોકો પણ હેરાન થાય છે.”

અજીતને પોતે બનાવેલ એક એક ઈંચના પક્ષીઓ અને ભગવાનની મૂર્તિઓ પર સૌથી વધુ ગર્વ છે. તેના પિતા, બે ભાઈઓ, માતા, બહેન અને તેની પત્ની સહિત ઘરના બધા જ લોકો મળીને લાકડાના ટુકડાને કાપી કોતરીને રમકડાં અને ઘરેણાં બનાવે છે, સ્ત્રીવર્ગ ઘરના કામકાજ વચ્ચે ઘરથી અને પુરુષો ૧૨ કીલોમીટર દૂર વર્કશૉપમાં જઈને કામ કરે. આંબો, પીપળો, કદમ્બ જેવા વૃક્ષોના પોચા લાકડામાંથી આ રમકડાં બનાવીને કુંભાર પાસે રંગાવા માટે મોકલાય છે.

મધ્ય પ્રદેશમાં ભોપાલના ૩૫ વર્ષિય, ચોથી પેઢીના ગોંડ કલાકાર સુરેશ ધ્રુવે કહે છે, “હું ઘરમાં કામકાજ વિના બેઠો છું. અનાજ મળતું નથી, પાણી પણ માંડ મળે છે. કામ કરવા રંગો, પીંછીઓ, કાગળ, અને કેનવાસ પણ મળતા નથી. હું કઈ રીતે કામ કરું? હું નવું કામ કરીશ ત્યારે એ વેચાશે ક્યારે અને મને પૈસા મળશે ક્યારે? કોને ખબર? મારે મારા ઘરના લોકોનું પેટ ભરવાનું છે એ કઈ રીતે થશે? શી ખબર?”

ધ્રુવે કહે છે, એને ઓર્ડર આપનારા લોકો પાસેથી એને રૂ. ૫૦૦૦૦ લેવાના થાય છે, પણ એ પૈસા ક્યારે આવશે એ એને ખબર નથી. “મારા મગજમાં કોવિડ એવો ઘૂસી ગયો છે કે મને બીજો કશો વિચાર જ નથી આવતો”

આ સમાચાર માટે મોટા ભાગની મુલાકાતો ફોન પર લેવામાં આવી છે.

અનુવાદક: સ્વાતિ મેઢ

Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Swati Medh

Swati Medh is a freelance writer/translator in Gujarati. She has taught English, Journalism and Translation skills at graduate and post-graduate levels. She has two original, three translated and one compilation books published. A few of her stories are translated in English and other Indian languages. She also writes two columns in a Gujarati newspaper.

Other stories by Swati Medh