“હું જયારે નાનો હતો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે અમારો ટાપુ એક મોટા પરવાળા પર ટકેલો છે. પરવાળા બધા નીચે છે, જે ટાપુને પકડી રાખે છે. અને અમારી આસપાસ એક ખાડી છે જે અમને સમુદ્રની સામે રક્ષણ આપે છે,” બિત્રા ટાપુ પર રહેતા 60 વર્ષીય માછીમાર બી. હૈદર કહે છે.

બિત્રાના 60 વર્ષીય માછીમાર અબ્દુલ ખાદર કહે છે "જ્યારે હું નાનો હતો, ત્યારે અમે ઓટના સમયે પરવાળા જોઈ શકતા હતા. તે ખૂબ જ સુંદર હતા. હવે તેઓની સંખ્યા ખૂબ રહી નથી. પણ અમને આજે પણ મોટા મોજાઓને દૂર રાખવા પરવાળાની ખૂબ જ જરૂરત છે."

તે પરવાળા – જે કથાઓ, કલ્પનાઓ, જીવન, આજીવિકા અને લક્ષદ્વીપ દ્વીપસમૂહના ટાપુઓની જૈવિકવ્યવસ્થા ના કેન્દ્ર છે – તે ધીમે ધીમે સમાપ્ત થઇ રહ્યા છે. આની સાથે સાથે અન્ય ઘણા ફેરફારો થઇ રહ્યાં છે જે અહીંના માછીમારો દાયકાઓથી નોંધી રહ્યા છે.

"વાત ખૂબ જ સરળ છે. કુદરતમાં ઘણા ફેરફારો થયા છે,” અગાટી ટાપુના 61 વર્ષીય મુનિયામિન કેકે સમજાવે છે. તેઓ 22 વર્ષના હતા ત્યારથી માછીમારીનું કામ કરે છે. "પેહલાના સમયમાં, ચોમાસુ બરાબર સમય પર શરુ થઇ જતું (જૂન માં) પણ હવે અમે અનુમાન લગાવી શકતા નથી કે તે ક્યારે શરુ થશે. આજ કાલ માછલીઓનું પ્રમાણ પણ ઓછું થઇ ગયું છે. પેહલા માછલીઓ પકડવા ખૂબ દૂર જવાની જરૂરત નહતી, નજીકમાં જ માછલીઓના ટોળાઓ મળી જતા. પણ હવે લોકો કેટલાક દિવસો અને અઠવાડિયાંઓ સુધી બહાર રહે છે માછલીઓ શોધવા માટે.

અગાટી અને બિત્રા, એકબીજાથી બોટ દ્વારા લગભગ સાત કલાકના અંતરે સ્થિત આ ટાપુઓ, લક્ષદ્વીપ, જે કેરળના કિનારે અરબી સમુદ્રમાં સ્થિત ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, તેના કેટલાક સૌથી કુશળ માછીમારોનું ઘર છે. મલયાલમ અને સંસ્કૃત બંને ભાષાઓમાં ‘લક્ષદ્વીપ’ શબ્દનો અર્થ એક લાખ ટાપુઓ થાય છે. વાસ્તવમાં, આજે માત્ર 36 ટાપુઓ છે જે માત્ર 32 સ્કવેર કિલોમીટરમાં સિમિત છે. પણ આ દ્વીપસમૂહના પાણી, 400,000 સ્કવેર કિલોમીટર સુધી ફેલાયેલ છે અને દરિયાઈ જીવન અને સંસાધનોથી ખૂબ સમૃદ્ધ છે.

એક-જિલ્લાના આ કેન્દ્રશાસિત પ્રદેશમાં દરેક સાતમી વ્યક્તિ એક માછીમાર છે - 64,500 ની આ ટાપુઓની કુલ વસ્તીમાં (જનગણના 2011) 9,000 થી વધુ લોકો માછીમાર હોવાનો દાવો કરે છે.

PHOTO • Sweta Daga

બિત્રા (ઉપર) અને બાકીના લક્ષદ્વીપમાં ભારતના એકમાત્ર કોરલ ટાપુઓનો સમાવેશ થાય છે. બિત્રાના માછીમાર અબ્દુલ ખાદર (નીચેથી ડાબે) કહે છે, 'જ્યારે હું નાનો હતો, ત્યારે અમે ઓટના સમયે પરવાળા જોઈ શકતા હતા.[અગ્રભૂમિમાં, નીચેથી જમણે] હવે તેઓની સંખ્યા ખૂબ રહી નથી'

ટાપુઓ પર રહેતા વડીલો અમને કહે છે કે એક સમય એવો હતો જયારે તેઓ ચોમાસાના આગમનના આધારે વાર્ષિક તારીખિયું બનાવી શકતા. પરંતુ, "હવે દરિયો ગમે ત્યારે તોફાની બની જાય છે -  પહેલાં આવું નહોતું," 70 વર્ષીય, માછીમાર તરીકે ચાર દાયકાનો અનુભવ ધરાવતા, યુ.પી. કોયા કહે છે. “હું કદાચ ધોરણ 5 માં હતો જ્યારે મિનિકોય ટાપુ [લગભગ 300 કિલોમીટર દૂર] ના લોકો આવ્યા અને એમણે અમને 'પોલ એન્ડ લાઇન' ફિશિંગ (માછલી પકડવાની એક રીત) શીખવ્યું. ત્યારથી, લક્ષદ્વીપમાં, અમે મોટાભાગે ફક્ત તે પદ્ધતિથી જ માછલીઓ પકડીએ છીએ - અમે જાળીનો ઉપયોગ કરતા નથી કારણ કે તે પરવાળામાં અટવાય છે અને તેને તોડી નાખે છે. અમે પક્ષીઓની મદદથી અને અમારા હોકાયંત્રો (કંપસ) વડે માછલીઓ શોધીએ છીએ.”

પોલ અને લાઇન ફિશિંગમાં (માછલી પકડવાની રીત), માછીમારો રેલિંગ પર અથવા તેમના જહાજો પરના વિશિષ્ટ પ્લેટફોર્મ પર ઉભા રહે છે. છેડે એક મજબૂત હૂક ટૂંકા, મજબૂત પોલ સાથે બંધાયેલ હોય છે અને ઘણીવાર તે ફાઈબર ગ્લાસથી બનેલી હોય છે. તે માછીમારીનું વધુ ટકાઉ સ્વરૂપ છે, અને તેનો ઉપયોગ મોટાભાગે પાણીના ઉપરના સ્તરોમાં રહેતી ટુના પ્રજાતિના શોલને પકડવા માટે થાય છે. અગાટી અને અન્ય લક્ષદ્વીપ ટાપુઓ પર, નારિયેળ અને માછલી - મોટાભાગે ટુના - ભોજન માટેનો મુખ્ય આધાર છે.

બિત્રા આ દ્વીપસમૂહમાં  સૌથી નાનો ટાપુ છે - 0.105 સ્કવેર કિલોમીટર, અથવા લગભગ 10 હેક્ટરનો - અને આ દ્વીપસમૂહના 12 વસ્તીવાળા ટાપુઓમાં સૌથી દૂર સ્થિત છે. ત્યાંના નરમ, સફેદ રેતીવાળા દરિયાકિનારા નારિયેળના વૃક્ષો ધરાવે છે અને તેની આજુ બાજુ પાણીના ચારેય રંગો જોવા મળે છે - એઝ્યુર, પીરોજ, એક્વામેરિન અને સી ગ્રીન. પ્રવાસીઓને અહીં આવાની મંજૂરી નથી; એકવાર તમે અહીં પોહોંચો, પછી ચાલવું એ એકમાત્ર રસ્તો છે, ત્યાં કોઈ કાર અથવા મોટરબાઈક નથી, અને સાયકલ પણ દુર્લભ છે. 2011ની વસ્તી ગણતરીમાં બિત્રામાં માત્ર 271 રહેવાસીઓ નોંધાયા હતા.

જો કે, તે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી મોટી ખાડી ધરાવે છે - જેનો વિસ્તાર લગભગ 47 સ્કવેર કિલોમીટર છે. અને બિત્રા અને બાકીના લક્ષદીપમાં ભારતના એકમાત્ર પરવાળાના ટાપુઓનો સમાવેશ છે. એનો અર્થ એ છે કે, અહીંની લગભગ તમામ વસવાટવાળી જમીન વાસ્તવમાં પરવાળા-દ્વીપ છે. અહીંની માટીનો મોટા ભાગનો સ્ત્રોત પરવાળાઓ છે.

પરવાળાઓ એ સજીવો છે જેમાંથી ખડકો બને છે અને જે દરિયાઇ જીવન માટે આખી જૈવિક વ્યવસ્થા પ્રદાન કરે છે, ખાસ કરીને માછલીઓ માટે . પરવાળાના ખડકો એ કુદરતી અવરોધ છે, જે આ ટાપુઓને દરિયાના વધતા પાણીના સ્તર સામે રક્ષણ આપે છે અને ખારા પાણીને અહીંના મર્યાદિત તાજા પાણીના સ્ત્રોતોમાંથી બહાર રાખે છે.

અંધાધૂંધ માછીમારી, ખાસ કરીને યાંત્રિક જાળી વડે થતી ઊંડી માછીમારી, ચારાની માછલીઓને (બેટફિશ) ક્ષીણ કરે છે અને ખડકો અને તેની સાથે સંબંધિત જૈવવિવિધતાને પણ નુકસાન પહોંચાડે છે

વિડિઓ જુઓ: બેટફિશ (ચારાની માછલીઓ) પકડવા માટે બોટ પર

ખડકોમાં નાની નાની ચારાની માછલીઓ (બેટફિશ) પણ રહે છે જેને ટુના અને ખાડીની અન્ય ડઝનેક માછલીઓની જાતિને આકર્ષવા માટે પકડવામાં આવે છે. અહીંના સમૃદ્ધ જળાશયો અને ખડકો, ભારતની કુલ માછલીની પકડનો 25 ટકા ભાગ પૂરો પાડે છે એવું 2012 UNDP લક્ષદ્વીપ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટ ચેન્જ નોંધે છે. અને બેટફિશ ટુનાને પકડવા માટે ખૂબ જ કેન્દ્રિય છે.

બિત્રાથી લગભગ 122 કિલોમીટરના અંતરે આવેલ કાવરત્તી જિલ્લાના મુખ્યાલયમાં 30 વર્ષથી માછીમારી કરી રહેલા 53 વર્ષીય અબ્દુલ રહેમાન કહે છે, અમે, બેટફિશ તેમના ઈંડા મૂકી દે પછી જ પકડતા હતા, પરંતુ હવે લોકો તેમને ગમે ત્યારે પકડી લે છે. બોટની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ માછલીની પકડમાં ઘટાડો થયો છે." અંધાધૂંધ માછીમારી, ખાસ કરીને યાંત્રિક જાળી વડે થતી ઊંડી માછીમારીને કારણે ચારાની માછલીઓ (બેટફિશ) ક્ષીણ થઇ રહી છે અને ખડકો અને તેની સાથે સંબંધિત જૈવવિવિધતાને પણ નુકસાન થઇ રહ્યું છે.

અને તે સમસ્યાનો માત્ર એક ભાગ છે.

અલ નીનો જેવી ગંભીર જળવાયુંની પેટર્ન દરિયાની સપાટીના તાપમાનમાં વધારો કરે છે અને મોટા પ્રમાણમાં 'કોરલ બ્લીચિંગ'નું કારણ બને છે - પરવાળાના રંગ અને જીવંતતાને છીનવી લે છે, અને ટાપુઓનું રક્ષણ કરવાની તેમની ક્ષમતામાં ઘટાડો કરે છે. 1998, 2010 અને 2016 માં લક્ષદ્વીપે ત્રણ સામૂહિક કોરલ બ્લીચિંગ જોયા છે. નેચર કન્ઝર્વેશન ફાઉન્ડેશન (NCF), મૈસુર સ્થિત બિન-લાભકારી વન્યજીવ સંરક્ષણ અને સંશોધન સંસ્થાનો 2018નો અભ્યાસ દર્શાવે છે કે  અહીંની ખડકો જોખમમાં છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લક્ષદ્વીપ ટાપુઓમાં સંપૂર્ણ પરવાળાનું કવર 1998માં 51.6 ટકાથી ઘટીને 2017માં 11 ટકા થઈ ગયું છે - આટલો મોટો ઘટાડો માત્ર 20 વર્ષમાં.

બિત્રાના 37 વર્ષિય માછીમાર અબ્દુલ કોયા, કહે છે: “અમે જ્યારે 4 કે 5 વર્ષના હતા ત્યારે પરવાળાને ઓળખતા શીખી જતા. અમે પાણીમાં જઇયે તે  પહેલાં જ તે કિનારે ધોવાઈને આવી જતા. અમે તેનો ઉપયોગ અમારા ઘરો બાંધવા માટે કરતા.”

જયારે અહીં કાવરત્તીમાં, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના વૈજ્ઞાનિક ડૉ. કે.કે. ઇદ્રીસ બાબુ, ઘટતા પરવાળા વિષે સમજાવતા કહે છે: “સમુદ્રની સપાટીના ઊંચા તાપમાન અને પરવાળાના ખડકો વચ્ચે સહસંબંધ છે. 2016 માં, દરિયાનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને તેનાથી વધારે હતું! અભ્યાસો દર્શાવે છે કે તાજેતરમાં 2005માં, ખડકોના વિસ્તારોમાં 28.92 સે.નું તાપમાન જોવા મળ્યું હતું. 1985માં તે 28.5 સે. હતું. એવા ટાપુઓ જેની સરેરાશ ઊંચાઈ દરિયાની સપાટીથી 1-2 મીટર હોય છે ત્યાં આટલી ગરમી અને પાણીના સ્તરમાં વધારો એ ખૂબ ચિંતાનો વિષય છે.

PHOTO • Rohan Arthur, Nature Conservation Foundation, Mysuru

ઉપરની પંક્તિ: અલ નીનો જેવી ગંભીર આબોહવાની પેટર્ન દરિયાની સપાટીના તાપમાનમાં વધારો કરે છે અને મોટા પ્રમાણમાં 'કોરલ બ્લીચિંગ'નું કારણ બને છે - પરવાળાના રંગ અને જીવંતતાને છીનવી લે છે, અને ટાપુઓનું રક્ષણ કરવાની તેમની ક્ષમતામાં ઘટાડો કરે છે. નીચેની પંક્તિ: 2014માં પાવોના ક્લેવસ પરવાળાનો એક મોટો ભાગ, જે બટેટા જેવી જૈવિકવ્યવસ્થા અને ખડકોની માછલીઓ માટેનું આશ્રયસ્થાન હતો. પરંતુ 2016 ની અલ નીઓ ઇવેન્ટ દરમિયાન, તાપમાનમાં વધારો થતાં, પરવાળાઓએ તેમની સહજીવની શેવાળ બહાર ફેંકી દીધી અને સફેદ પડી ગયા

કાવરત્તી ખાતે 53 ફૂટ લાંબી સૌથી મોટી બોટના માલિક 45 વર્ષીય નિઝામુદ્દીન કે., પણ ફેરફારો અનુભવે છે અને કહે છે કે પરંપરાગત જ્ઞાન ગુમાવવાને કારણે તેમની સમસ્યાઓ વધી ગઈ છે: “મારા પિતા, એક માછીમાર, જાણતા હતા કે માછલી ક્યાં શોધવી. [તે પેઢી] પાસે તે માહિતી હતી. અમે તે ગુમાવ્યું છે અને FAD [માછીમારીના સાધનો] પર ઘણી વખત અમારે આધાર રાખવો પડે છે. જ્યારે અમને ટુના ન મળે, ત્યારે અમે ખાડીઓની માછલીઓ પાછળ દોડીએ છીએ. FAD એ નામ તો બહુ હાઈ-ફાઈ છે પણ એ કોઈ તરાપા અથવા લાકડાના તરતા ટુકડા જેવો જ ભાગ ભજવે છે - તે માછલીઓને આકર્ષે છે, જે પછી તેની આસપાસ અથવા તેની નીચે ભેગી થઇ જાય છે.

"અત્યારે, જોકે," ડો. રોહન આર્થર, દરિયાઈ જીવવિજ્ઞાની અને વૈજ્ઞાનિક જેઓ 20 વર્ષથી લક્ષદ્વીપ પર કામ કરી રહ્યા છે, કહે છે, "મારી મુખ્ય ચિંતા ખડકોની જૈવવિવિધતા નથી, પરંતુ તેમના કાર્યાત્મક હેતુ વિષે છે. અહીંના લોકોનું અસ્તિત્વ તેમના પર નિર્ભર કરે છે. ખડકો માત્ર પરવાળાઓ વિશે જ નથી, પરંતુ અહીંની સમગ્ર જૈવિકવ્યવસ્થા બનાવે છે. તેને સમુદ્ર નીચે વસેલા જંગલ તરીકે વિચારો - અને જંગલ માત્ર વૃક્ષો વિશે નથી હોતા."

ડૉ. આર્થર, જેઓ NCF ખાતે મહાસાગર અને દરિયાકાંઠાના પ્રોગ્રામના વડા છે, તેમણે કાવરત્તીમાં અમને જણાવ્યું હતું કે “લક્ષદ્વીપના ખડકોએ સ્થિતિસ્થાપકતાના સંકેતો દર્શાવ્યા છે, પરંતુ પુનઃસ્થાપનનો વર્તમાન દર જળવાયુ પરિવર્તનની ઘટનાઓ સાથે ગતિ જાળવી રાખવામાં અસમર્થ છે. અને તે પણ અંધાધૂન માછીમારી જેવી માનવરચિત તાણને ધ્યાનમાં લીધા વિના આ સ્થિતિ છે.”

જળવાયું પરિવર્તનની ઘટનાઓ અને પ્રક્રિયાઓ એ બ્લીચિંગની ઘટનાઓ ઉપરાંત અન્ય અસરો પણ કરે છે. ચક્રવાતો જેવા કે - 2015 માં મેઘ અને 2017 માં ઓખીએ - પણ લક્ષદ્વીપને ફટકો આપ્યો હતો. અને મત્સ્યોદ્યોગ વિભાગના ડેટા પકડ માટેની માછલીઓની સંખ્યામાં તીવ્ર વધઘટ દર્શાવે છે જે 2016માં લગભગ 24,000 ટન (તમામ ટુનાની જાતો) થી ઘટીને 2017માં માત્ર 14,000 ટન પર આવી ગઈ હતી - એટલે 40 ટકાનો ઘટાડો. 2019માં, તે 2018 વર્ષના 24,000 ટન થી ઘટીને 19,500 ટન પોહોંચી ગઈ હતી. ઘણા સારા વર્ષો પણ રહ્યા છે, પરંતુ માછીમારો કહે છે તે પ્રમાણે, સમગ્ર પ્રક્રિયા અનિયમિત અને અણધારી બની ગઈ છે.

અને આ પાછલા દાયકામાં ખડકોની માછલીઓની વૈશ્વિક માંગ વધવાથી, અહીંના માછીમારોએ ગ્રૂપર્સ અથવા મોટી શિકારી માછલીઓ માટેની શોધ વધારી છે, જેને સ્થાનિકો ચમ્મામ તરીકે ઓળખે છે.

PHOTO • Sweta Daga

ડાબે: 'બોટની સંખ્યા વધી છે, પણ માછલીઓની સંખ્યા ઘટી છે', કાવરત્તી ટાપુના માછીમારો કહે છે; અહીં તેઓ ટુના લાવી રહ્યા છે. જમણે: અબ્દુલ કોયા બિત્રા ટાપુ પર માછલી સૂકવી રહ્યા છે

અગાટી ટાપુના, 15 વર્ષથી માછીમારી કરનાર અને બોટ બનાવનાર, 39 વર્ષીય ઉમર એસ સમજાવે છે કે તે શા માટે મોટી શિકારી માછલી પકડે છે. “પહેલાં ઘણાં બધાં ટુના ખાડી પાસે મળી રેહતા, પરંતુ હવે અમારે તેને પકડવા 40-45 માઇલ દૂર જવું પડે છે. અને જો અમારે અન્ય ટાપુઓ પર જવાની જરૂર પડે, તો તેમાં બે અઠવાડિયા લાગી જાય છે. તેથી જ હું એવા સમયે ચમ્મામ માછલીઓ પકડી રાખું છું. તેમના માટે એક બજાર છે, પણ તે અઘરું છે, કારણ કે તમારે માત્ર એક ચમ્મામ મેળવવા માટે એક કલાક રાહ જોવી પડી શકે છે.

આ ક્ષેત્રના વિકાસનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિક રુચા કરકરેએ અમને બિત્રા ખાતે જણાવ્યું હતું કે, “વર્ષોથી પરવાળાના સ્વાસ્થ્યની સાથે સાથે મોટી શિકારી માછલી (ચમ્મામ )ની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અને અનિશ્ચિતતા અને જળવાયું પરિવર્તનના પરિણામે, માછીમારો જ્યારે ટુના ઉપલબ્ધ ન હોય ત્યારે ખડકની માછલીઓ પકડે છે, અને તેમની સંખ્યામાં વધુ ઘટાડો થાય છે. અમે તેમને સલાહ આપી હતી કે તેઓ મહિનામાં પાંચ દિવસ જયારે માછલીઓ ઇંડા મૂકે છ ત્યારે માછલીઓને ન પકડે.

બિત્રાના માછીમારોએ તે દિવસોમાં તેમની પ્રવૃત્તિઓ બંધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અન્ય લોકો તેમ કરવા તૈયાર ન હતા.

"કિલ્તાન ટાપુના છોકરાઓ અહીં બિત્રા આવતા અને રાત્રે માછલીઓ પકડતા હતા," અબ્દુલ કોયા, તેમની સૂકી માછલીઓનું વર્ગીકરણ કરતી વખતે અમારી સાથે વાત કરતા કહે છે. "આની મંજૂરી હોવી જોઈએ નહીં...આ ઘણી વાર થાય છે અને તેના પરિણામે બેટફિશ, ખડકોની માછલીઓ અને ટુના બધાની સંખ્યામાં ઘટાડો થયો છે."

બિત્રા પંચાયતના અધ્યક્ષ એવા બી. હૈદર કહે છે, "મુખ્ય ભૂમિમાંથી અને અન્ય દેશોમાંથી પણ, ઘણી મોટી બોટો, મોટી જાળી સાથે હવે અહીં આવે છે. અમે અમારી નાની બોટ સાથે તેમની સાથે સ્પર્ધા કરી શકતા નથી."

દરમિયાન, હવામાન અને આબોહવાની ઘટનાઓ વધુ અનિયમિત બની રહી છે. હૈદર કહે છે, “મને 40 વર્ષની ઉંમર સુધી માત્ર બે ચક્રવાત યાદ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંખ્યા ખૂબ વધી છે, અને તેઓ ખડકો તોડી નાખે છે."

PHOTO • Sweta Daga

ડાબે: 'અમે બેટફિશ તેમના ઈંડા મૂકી દે પછી જ પકડતા હતા, પરંતુ હવે લોકો તેમને ગમે ત્યારે પકડી લે છે.', કાવરત્તી ટાપુ પરના માછીમાર અબ્દુલ રહેમાન કહે છે. જમણે: કાવરત્તીની સૌથી મોટી બોટના માલિક,  નિઝામુદ્દીન કે., પણ ઘણા ફેરફારો અનુભવે છે

કાવરત્તીમાં, અબ્દુલ રહેમાન પણ ચક્રવાતની અસર વિશે વાત કરે છે, “પહેલાં અમને ખડકોની નજીક જમ્પિંગ ટુના માછલી જોવા મળતી હતી, પરંતુ ઓખી (ચક્રવાત) પછી બધું બદલાઈ ગયું છે. 1990 ના દાયકામાં, અમે ફક્ત 3-4 કલાક દરિયામાં વિતાવતા હતા. અમારી પાસે કોઈ યાંત્રિક સાધનો નહોતા, પરંતુ પુરવઠો એટલો પુષ્કળ હતો કે અમે અમારું કામ ઝડપથી પૂરું કરી શકીએ. હવે અમારે આખો દિવસ કે તેથી પણ વધુ બહાર રહેવું પડે છે. અમે ખડકોની માછલીઓને પકડવા જવા માંગતા નથી, પરંતુ જો ટુના ઉપલબ્ધ ન હોય, તો અમે કેટલીકવાર ખડકોની માછલીઓને પકડવા માટે જઈએ છીએ."

રહેમાન એમ પણ કહે છે કે “બોટની સંખ્યા – અને હવે તે ઘણી મોટી હોય છે – વધી છે. પરંતુ માછલીઓની સંખ્યામાં ઘટાડો થયો છે, અને અમારા સંચાલન ખર્ચમાં પણ વધારો થયો છે.

ડો. આર્થર કહે છે કે માછીમારોની કમાણીનો અંદાજ લગાવવો સરળ નથી અને તે દર મહિને બદલાય છે. "તેમાંના કેટલાક અન્ય નોકરીઓ પણ ધરાવે છે, તેથી ત્યાંની આવકમાંથી માછીમારીની આવકને અલગ કરવી મુશ્કેલ છે." પરંતુ આ વાત સ્પષ્ટ છે કે "છેલ્લા દાયકામાં તેમની આવકમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે."

તે કહે છે કે લક્ષદ્વીપમાં "એક જ સમયે બે મોટા ફેરફારો થઈ રહ્યા છે, જળવાયું પરિવર્તન પરવાળાના ખડકોને નુકસાન પહોંચાડી રહ્યું છે, માછલીના પુરવઠા પર અસર કરી રહ્યું છે, અને આ રીતે માછીમારો અને તેમની આજીવિકાને પર પણ અસર નાખી રહ્યું છે." . જોકે, લક્ષદ્વીપમાં એવી સંભાવના છે કે તેને આપણે 'બ્રાઈટ સ્પોટ' કહી શકીએ.જો આપણે દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કરીને ખડકોને પુનઃજીવંત થવામાં મદદ કરી શકીશું, તો આપણને લાંબા સમય સુધી તેને સાચવવાની તક મળશે."

પાછળ કાવરત્તીમાં, નિઝામુદ્દીન કે. કહે છે, “વીસ વર્ષ પહેલાં એટલી બધી માછલીઓ હતી કે અમે 4 કે 5 કલાકમાં કામ કરી શકતા, પણ હવે બોટ ભરવામાં દિવસો લાગે છે. ચોમાસાનો સમય બદલાઈ ગયો છે, અને અમને ખબર નથી કે ક્યારે વરસાદની અપેક્ષા રાખવી. માછલીઓ પકડવાની મોસમમાં પણ દરિયો તોફાને ચડેલો હોય છે. અમે અમારી બોટને સંપૂર્ણપણે કિનારા પર ખસેડવાના અઘરાં કામને જૂનમાં કરતા કારણ કે અમે માનતા હતા કે ત્યારે ચોમાસું શરુ થશે. પણ પછી હવે ચોમાસાને બીજો મહિનો લાગે! અમારી બોટ કિનારા પર જ અટકી રહે છે, અને અમને ખબર નથી પડતી કે બોટને ફરીથી ખસેડવી કે રાહ જોવી. તેથી અમે પણ અટવાઈ ગયા છીએ."

PARIનો જળવાયુ પરિવર્તન વિશેનો રાષ્ટ્રવ્યાપી રિપોર્ટિંગ પ્રોજેક્ટ સામાન્ય લોકોની વાતો અને તેમણે જીવેલા અનુભવો મારફતે તે પ્રક્રિયાને સમજવાની  UNDP-સમર્થિત પહેલ છે.

આ લેખ પુનર્પ્રકાશિત કરવો છે? કૃપા કરી [email protected] ને ઈમેલ લખો અને સાથે [email protected] ને નકલ મોકલો.

અનુવાદક: જાહ્નવી સોધા

Reporter : Sweta Daga

Sweta Daga is a Bengaluru-based writer and photographer, and a 2015 PARI fellow. She works across multimedia platforms and writes on climate change, gender and social inequality.

Other stories by Sweta Daga

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Series Editors : Sharmila Joshi

Sharmila Joshi is former Executive Editor, People's Archive of Rural India, and a writer and occasional teacher.

Other stories by Sharmila Joshi
Translator : Jahanvi Sodha

Jahanvi Sodha is a student of Critical Thinking and Liberal Arts Diploma Program at Ahmedabad University and works with Youth for Swaraj. She is interested in the environment and history.

Other stories by Jahanvi Sodha