કુંડલી ઔદ્યગિક  વિસ્તારમાં ઘરેલુ  ઉપકરણો બનાવતા કારખાનામાં સુરક્ષા નિરીક્ષક તરીકે કામ કરતા ૨૨ વર્ષના  નિઝામુદ્દીન અલી કહે છે, “અહીં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનથી  કંપનીના લોકો ચોક્કસ નારાજ છે. વિરોધ પ્રદર્શનને કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી  છે અને ધંધાની હાલત પણ ખરાબ છે/ધંધો ઠપ્પ થઈ ગયો છે." તેઓ હરિયાણા-દિલ્હી  સરહદ પર સિંઘુ ખાતેના ખેડૂતોના વિરોધ સ્થળથી   લગભગ ૬ કિલોમીટર દૂર રહે છે. (કુંડલી એક જુનું ગામ છે, જે હવે હરિયાણાના સોનીપત જીલ્લામાં નગર પરિષદ છે.)

વિક્ષેપોને લીધે નિઝામુદ્દીનને તેમની કંપનીએ બે મહિના કરતાં પણ વધુ સમયથી તેમનો પગાર ચૂકવ્યો નથી,  છતાં તેઓ આંદોલનકારી ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે. નિઝામુદ્દીન કહે છે કે, “મારી કંપની અત્યારે જે મુશ્કેલીઓ માંથી પસાર થઇ રહી છે એ હું જાણું છું અને એ  જ કારણે મારા પગારને પણ અસર પહોંચી છે. આ સાથે જ હું ખેડૂતોનું પણ સમર્થન કરું છું,” પણ તેમની નિષ્ઠા બંનેની તરફેણમાં સરખી રીતે વહેંચાયેલી નથી. – “જો હું મારા કારખાનાને ૨૦ ટકા સમર્થન આપતો હોઉં, તો ખેડૂતોને ૮૦ ટકા સમર્થન આપું છું.”

નિઝામુદ્દીન થોડાક વર્ષો પહેલાં બિહારના સિવાન જીલ્લાના એક ગામથી કુંડલી આવ્યા હતા. ત્યાં  ૬.૫ વીઘા જમીન (બિહારમાં લગભગ ૪ એકર)  પર એમનો પરિવાર ઘઉં, ચોખા, તુવેર દાળ, રાઈ, મગ દાળ અને તમાકુની ખેતી કરે છે. તેઓ કહે છે કે, “આજીવિકા રળવા માટે ખેડૂતો જ આ પાક ઉગાડે છે, નહીં કે સરકાર કે  અંબાણી અને અદાણી . હું ભારતભરના ખેડૂતોનું દુઃખ સમજુ છું. જો આ નવા કાયદાઓ અમલી બનશે તો અમને રેશન પણ નહીં મળે. શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પણ બંધ થઇ જશે.”

“[થોડાક વર્ષો પહેલાં] બિહારમાં અમને કહેવામાં આવ્યું હતું કે ઘઉંના પ્રતિ કિલો  25 રુપિયા ભાવ મળશે. બિહારમાં દરેક ખેડૂત પરિવારને એમના ખાતામાં [પીએમ-કિસાન યોજના અંતર્ગત] 2000 રુપિયા મળ્યા હતા. પણ પાછળથી એ દર  25 રુપિયાથી  ઘટીને 7 રુપિયા થઈ ગયો. અમે આગળ વધવા માગીએ છીએ, પણ સરકાર અમને પાછળ ધકેલી રહી છે.”

Left: Nizamuddin Ali, a security supervisor at a factory near the Singhu site, has not received his salary for over two months, but still supports the protesting farmers. Right: Mahadev Tarak, whose income has halved from his stall selling cigarettes and tea, says, 'We don't have any problems if the farmers stay here'
PHOTO • Anustup Roy
Left: Nizamuddin Ali, a security supervisor at a factory near the Singhu site, has not received his salary for over two months, but still supports the protesting farmers. Right: Mahadev Tarak, whose income has halved from his stall selling cigarettes and tea, says, 'We don't have any problems if the farmers stay here'
PHOTO • Anustup Roy

ડાબે: સિંઘુ વિરોધ સ્થળ પાસે એક કારખાનામાં સુરક્ષા નિરીક્ષક નિઝામુદ્દીન અલીને બે મહિના કરતા વધુ સમયથી તેમનો પગાર મળ્યો નથી, તેમ છતાં તેઓ વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોનું સમર્થન કરે છે. જમણે: મહાદેવ તારક, જેમની પોતાના સિગરેટ અને ચાના ગલ્લામાંથી થતી આવક ઘટીને અડધી થઇ ગઈ છે. તેઓ કહે છે, ‘જો ખેડૂતો અહીં રોકાય તો અમને કોઈ વાંધો નથી .’

સિંઘુ પર નિઝામુદ્દીન અલી અને આંદોલનમાં શામેલ નથી એવા બીજા લોકો  સાથે વાત કરતા પ્રસાર માધ્યમોમાં કેટલાક દિવસોથી બતાવાઈ રહેલા ચિત્ર કરતા કંઈક અલગ જ ચિત્ર સામે આવે છે.  કેટલાક દિવસોથી ‘રોષે ભરાયેલા સ્થાનિક લોકો’ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હોય એવા દ્રશ્યોનું પ્રસાર માધ્યમોમાં પ્રાધાન્ય રહ્યું  છે.

વિરોધ સ્થળની નજીક સિંઘુ સરહદથી લગભગ 3.6 કિલોમીટર દૂર નવી કુંડલીમાં ૪૫ વર્ષના મહાદેવ તારક સિગરેટ અને ચા  વેચવાનો ગલ્લો ચલાવે છે. વિરોધ પ્રદર્શનો શરૂ થયા પછી એમની દૈનિક કમાણીમાં ઘટાડો થયો છે. તેઓ કહે છે કે, “પહેલાં હું દિવસના ૫૦૦-૬૦૦ રુપિયા કમાતો હતો, પણ અત્યારે એનાથી અડધા જ કમાઉ છું.” થોડા સમય પહેલા એમના વિસ્તારમાં ‘સ્થાનિક લોકો’  આંદોલનકારી ખેડૂતો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અને સરહદ ખાલી કરવાની માંગ કરતા જોવા મળ્યા  હતા.

પરંતુ મહાદેવ હજી પણ ખેડૂતોનું સમર્થન કરે છે.

તેઓ કહે છે, “મને પાક્કી ખાતરી  છે કે જે  ‘સ્થાનિક લોકો’ થોડાક દિવસો પહેલાં આવ્યા હતા અને ખેડૂતો સાથે અથડામણમાં ઉતર્યા હતા તેઓ આ વિસ્તારના રહેવાસી નથી. ખેડૂતો અહીં રહે તેમાં અમને કંઈ વાંધો નથી. આ વિસ્તારમાં તમે જેટલા દુકાનદારોને જોશો એ બધા ખેડૂતોનું સમર્થન કરે છે. એમના આંદોલનથી મધ્યમવર્ગના લોકોને પણ ફાયદો છે. પણ કેટલાક લોકો આ સીધી વાત પણ સમજતા નથી.”

મહાદેવના ગલ્લા પાસે જ એક બીજો નાનો ગલ્લો ચલાવતી મહિલાએ કોઈ પણ ટીપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો.  પોતાનો ચહેરો ઢાંકતા તેઓ કહે છે, “હું મુસ્લિમ છું,  હું તમને મારું નામ જણાવવા નથી માંગતી અને  અહીં  ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન અંગે પણ હું કંઈ કહેવા માગતી નથી." અને  તેઓ હસીને પોતાના ખેડૂત ગ્રાહકોને ઠંડા પીણાં, ચિપ્સ અને સિગરેટ વેચવા તેમની તરફ વળે છે.

Ramdari Sharma, who works at a petrol pump near the Singhu site, asserts that his support for the protesting farmers is for a better future for the country. Right: Deepak's socks' sales have been hit, but he says, 'Don't think that I won't support the farmers. Their problems are much greater than my own'
PHOTO • Anustup Roy
Ramdari Sharma, who works at a petrol pump near the Singhu site, asserts that his support for the protesting farmers is for a better future for the country. Right: Deepak's socks' sales have been hit, but he says, 'Don't think that I won't support the farmers. Their problems are much greater than my own'
PHOTO • Anustup Roy

સિંઘુ વિરોધ સ્થળ પાસે એક પેટ્રોલ પંપ પર કામ કરતા રામદારી શર્મા કહે છે કે દેશના ઉજ્જવળ ભવિષ્ય ખાતર તેઓ આંદોલનકારી ખેડૂતોનું સમર્થન કરે  છે. જમણે: દીપકના મોજાના વેચાણને અસર પહોંચી  છે, પરંતુ તેઓ કહે છે, ‘એવું રખે માનતા કે હું ખેડૂતોનું સમર્થન નહીં કરું. એમની મુશ્કેલીઓ મારી પોતાની મુશ્કેલીઓ કરતા ઘણી વધારે છે .’

૪૬ વર્ષના રામદારી શર્મા સિંઘુ સરહદ જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી બે કિલોમીટર દૂર એક પેટ્રોલ પંપ પર કામ કરે છે. પહેલા અહીં એક દિવસનો  ૬-૭ લાખ રૂપિયાનો ધંધો થતો હતો, જે હવે ઘટીને ૧ લાખ રુપિયા પર આવી ગયો છે. રામદારી સિંઘુ સરહદથી ચાર કિલોમીટર દૂર હરિયાણાના સોનીપત જીલ્લાના જતીકલાન ગામથી રોજ કામ પર  આવે છે. ગામમાં એમના પરિવારની  ૧૫ એકર જમીન છે જેના પર તેમના ભાઈ ઘઉં, ચોખા  અને જુવાર ઉગાડે  છે.

તેઓ કહે છે, “બજારની દરેક વસ્તુની એક એમઆરપી (ગુરૂત્તમ ખરીદ મુલ્ય) નક્કી કરેલી હોય છે. પરંતુ અમારે આવું કંઈ જ નથી. અમે જે પાક ઉગાડીએ છીએ એની કિંમત નક્કી કરવાનો અમને  હક છે. પાક અમે ઉગાડીએ છીએ, તો પછી અમારી ઉપજ અમારી જાતે વેચવાના અધિકારથી કોઈએ અમને વંચિત શા માટે કરવા જોઈએ? [બાટલીમાં ભરેલું] એક લિટર  પીવાનું પાણી ૪૦ રુપિયે વેચાય છે. જમીનના એક નાનકડા ટુકડા પર ખેતી કરવા અમારે હજારો લિટર  પાણીની  જરૂર પડે છે. એ પૈસા આવશે ક્યાંથી? પૂર આવે છે. ક્યારેક દુકાળ પડે છે. પાકનો નાશ થાય છે. અમે માનીએ છીએ કે ઉપરવાળો [ઈશ્વર] અમારી રક્ષા કરશે. અને તે અમારું રક્ષણ કરે પણ છે, પણ પછી કોઈ વચ્ચે આવી જાય છે અને બધું બગાડે  છે.”

રામદારી ભારપૂર્વક કહે છે કે આંદોલનકારી ખેડૂતો માટે એમનું સમર્થન ફક્ત તત્પુરતું જ નથી, પરંતુ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે છે કારણ કે તેમણે ખેતીમાં પોતાના પરિવારની મુશ્કેલીઓ જોઈ છે. તેઓ કહે છે, “ભગત સિંહને ભારતમાં ફાંસી આપવામાં આવી હતી. તેમણે તે સમયના પોતાના  દેશવાસીઓ વિશે વિચારવાની સાથોસાથ  સ્વતંત્ર ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ વિચાર્યું હતું . મારું જીવન તો ગમેતેમ પસાર થઈ  જશે, પણ હું આવનારી પેઢીઓ માટે જીવન વધારે સુરક્ષિત બનાવવા માંગું છું. આ કારણે હું વિરોધ પ્રદર્શનોનું સમર્થન કરું છું.”

Rita Arora, who sells protest badges, flags and stickers on a street near the Singhu border, says, 'We get our food from farmers. It's impossible to ignore them'
PHOTO • Anustup Roy
Rita Arora, who sells protest badges, flags and stickers on a street near the Singhu border, says, 'We get our food from farmers. It's impossible to ignore them'
PHOTO • Anustup Roy

સિંઘુ સરહદ પર રસ્તા પર વિરોધ પ્રદર્શન સંબંધિત સિક્કા, ઝંડા અને સ્ટિકર વેચતા  રીટા અરોરા કહે છે, ‘ખેડૂતો આપણા અન્નદાતા છે. એમને અવગણવા અશક્ય છે .’

ખેડૂતો જે કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તે છે: કૃષિક ઉપજ  વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; કૃષિક  (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ પહેલા  5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં વર્તમાન  સરકાર દ્વારા ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા.

મોટા નિગમોને ખેડૂતો પર અને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ ત્રણે ય કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ  32 ને નબળી પાડીને  તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.

સિંઘુ સરહદથી લગભગ 1.5 કિલોમીટર દૂર  રસ્તા પર આંદોલન સંબંધિત સિક્કા, ઝંડા અને સ્ટિકર વેચતા 52 વર્ષના  રીટા અરોરા કહે છે, " યે કિસાન હૈ (આ ખેડૂતો છે). આ લોકો આટલા બધા દિવસોથી કડકડતી ઠંડીમાં અહીં બહાર બેઠેલા છે. જ્યારે સરકાર ચૂંટણી પહેલાં મત માગે છે, ત્યારે સારી-સારી વસ્તુઓનો વાયદો કરે છે. પરંતુ જ્યારે તેઓ સત્તામાં આવે છે ત્યારે? સરકારે પસાર કરેલા આ ત્રણ કૃષિ કાયદા જ જુઓ, તેને પરિણામે આ લોકો (ખેડૂતો) માટે કેટકેટલા સંકટ ઊભા થાય છે. ખેડૂતો આપણા અન્નદાતા છે. એમને અવગણવા અશક્ય છે.”

નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે રીટાની એક નાનકડી દુકાન હતી, જેમાં તેઓ ઠંડા પીણાં, ચિપ્સ, સિગરેટ વગેરે વેચતા હતા. મહામારી દરમિયાન એમના  ધંધાને ભારે અસર પહોંચી હતી, અને ભારે આર્થિક નુકસાન ઉઠાવીને તેમણે સિંઘુ આવીને કંઈક કમાવાનો પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો. તેઓ કહે છે કે, “હું [વિરોધ પ્રદર્શનની] શરૂઆતમાં પગરખાં વેચતી હતી. અને આ કાયદાઓ વિષે અને ખેડૂતો તેનો વિરોધ શા માટે કરી રહ્યા હતા તે અંગે મને કંઈ ખબર નહોતી. પછી મેં લોકો સાથે  વાતચીત કરી અને હું કાયદાઓ સમજી. મને સમજાયું કે સરકાર જે કંઈ કરી રહી છે તે ખોટું છે.”

Khushmila Devi, who runs a tea stall with her husband Rajender Prajapati near the protest site, says, 'The farmers provide us food. They are the basis of our existence'
PHOTO • Anustup Roy
Khushmila Devi, who runs a tea stall with her husband Rajender Prajapati near the protest site, says, 'The farmers provide us food. They are the basis of our existence'
PHOTO • Anustup Roy

વિરોધ સ્થળ પાસે પતિ રાજેન્દર પ્રજાપતિ સાથે ચાની દુકાન ચલાવતા ખુશમિલા દેવી કહે છે, ‘ખેડૂતો આપણા અન્નદાતા છે. તેઓ આપણા અસ્તિત્વનો મુખ્ય આધાર છે .’

તેઓ હાલ ખાસ કમાતા નથી, પરંતુ અહીં આવીને ખુશ છે. તેઓ કહે છે, “મને દિવસના માંડ  ૨૦૦-૨૫૦ રુપિયા મળે છે. પરંતુ મને એનો જરા ય અફસોસ નથી. હું આ વિરોધ પ્રદર્શનનો ભાગ છું એનો મને આનંદ છે. હું સરકારને આ કૃષિ કાયદાઓ  તાત્કાલિક રદ કરવા વિનંતી કરું છું.”

દીપક સિંઘુથી લગભગ એક કિલોમીટર દૂર રસ્તા પર મોજા વેચે છે. સરહદ ખાતે પોતાની કામચલાઉ દુકાન  ઊભી કરવા તેઓ  દરરોજ રીક્ષામાં અહીં આવે છે. તેઓ કુંડલી નગર પરિષદ વિસ્તારમાં પોતાની જમીનના નાનકડા ટુકડા પર તેઓ  કુબીચ  પણ ઉગાડે છે. ૩૫ વર્ષના દીપક કહે છે કે, “અહીં વિરોધ પ્રદર્શનો  શરુ થયાને લગભગ બે મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે. મારી આવકમાં ભારે ઘટાડો થયો છે. વિરોધ પ્રદર્શનો પહેલા હું દિવસના ૫૦૦-૬૦૦ રુપિયા કમાતો હતો, પરંતુ હવે દિવસના માંડ ૨૦૦-૨૫૦ રુપિયા કમાઉ છું. પરંતુ મહેરબાની કરીને એવું રખે માનતા  કે હું ખેડૂતોનું સમર્થન નહીં કરું. એમની મુશ્કેલીઓ મારી પોતાની મુશ્કેલીઓ કરતા ઘણી વધારે છે.”

સિંઘુ સરહદથી લગભગ એક કિલોમીટર દૂર ૪૦ વર્ષના  ખુશમિલા દેવી અને એમના પતિ  ૪૫ વર્ષના રાજેનદર પ્રજાપતિ પણ ચાનો ગલ્લો ચલાવે છે. તેઓ નવી દિલ્હીના નરેલાથી (અહીં આવવા માટે) દરરોજ લગભગ છ કિલોમીટર મુસાફરી કરે છે, અને અહીં ચાલતા વિરોધ પ્રદર્શનોને પરિણામે તેમણે પોતાની આવકમાં ધરખમ ઘટાડો થતો જોયો  છે. આ દંપતી કહે છે કે, “પહેલા અમે મહિને ૧૦,૦૦૦ રુપિયા કમાતા હતા, પણ હવે આવક ઘટીને માંડ ૪૦૦૦-૬૦૦૦ રુપિયા થઈ ગઈ છે. ઉપરાંત દિલ્હીથી સિંઘુ સુધીના રસ્તાઓ પર ૨૬ જાન્યુઆરીથી અવરોધો ઊભા કરવામાં આવ્યા છે, જેનાથી અમારી મુશ્કેલીઓમાં વધારે થયો છે. તેમ છતાં અમે ખેડૂતોનું સમર્થન કરીએ છીએ.”

ખુશમિલા ઉમેરે છે કે, “પહેલા એ લોકો  [સરકાર] નોટબંધી લાવ્યા, પછી તેમણે જીએસટી લાદ્યો, અને પછી આ મહામારી અને લોકડાઉન,   અમે કેટલાય મહિનાઓથી સતત તકલીફો વેઠીએ છીએ. ઉપરાંત બધી ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે. ખેડૂતો આપણા અન્નદાતા છે. તેઓ આપણા અસ્તિત્વનો મુખ્ય આધાર છે. જો આપણે એમની પડખે નહીં ઊભા રહીએ, તો કોણ ઊભું રહેશે?”

અનુવાદક - ફૈઝ મોહંમદ

Anustup Roy

Anustup Roy is a Kolkata-based software engineer. When he is not writing code, he travels across India with his camera.

Other stories by Anustup Roy
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad