અમરાવતી જિલ્લાના તાલેગાંવ દશાસર પોલીસ સ્ટેશનના પ્રભારી ઇન્સ્પેક્ટર અજય અકારે ભારપૂર્વક જણાવે છે, "અમે આ 58 ઊંટ જપ્ત નથી કર્યા. મહારાષ્ટ્રમાં આ પશુઓ પ્રત્યેની ક્રૂરતા સામે કોઈ ચોક્કસ કાયદો નથી તેથી અમારી પાસે આવું કરવાની સત્તા નથી."

તેઓ કહે છે, "(અમે) ઊંટને અટકાયતમાં લીધેલ છે."

અમરાવતીના સ્થાનિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની મદદ ન હોત તો તેમના પાલકો પણ અટકાયતમાં હોત. આ પાંચ રખેવાળ ગુજરાતના કચ્છના વિચરતા સમુદાયના પશુપાલકો છે, ચાર રબારી સમુદાયના અને એક ફકીરણી જાટ. બંને સામાજિક જૂથો પેઢીઓથી અને સદીઓથી પરંપરાગત રીતે ઊંટ-પાલકો છે. જાતે બની-બેઠેલા  'પ્રાણી અધિકાર કાર્યકરો'ની ફરિયાદ પરથી પોલીસ દ્વારા અટકાયતમાં લેવાયા બાદ મેજિસ્ટ્રેટે પાંચેયને તાત્કાલિક અને બિનશરતી જામીન આપ્યા હતા.

અકારે કહે છે, "આરોપી પાસે ઊંટની ખરીદી અને કબજાને લગતા કોઈ કાગળો અથવા તેમના પોતાના કાયમી વસવાટની જગ્યાને લગતા કોઈ કાનૂની દસ્તાવેજો નહોતા." તેથી આ પછી પારંપરિક પશુપાલકોને અદાલત સમક્ષ ઊંટના આઈડી કાર્ડ (ઓળખપત્રો) અને તેમની માલિકીના દસ્તાવેજો રજૂ કરવા પડે એવી વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ હતી.  આ ઓળખપત્રો અને માલિકીના દસ્તાવેજો તેમના સંબંધીઓ અને બે વિચરતા પશુપાલક જૂથોના અન્ય સભ્યો દ્વારા મોકલાવવામાં આવી રહ્યા છે.

તેમના પાલકોથી અલગ થઈ ગયેલા ઊંટ હવે ગૌરક્ષા કેન્દ્ર, ગાયો માટેના આશ્રયસ્થાન, ખાતે તેમની સંભાળ રાખવા અને ખવડાવવાની બાબતે તદ્દન અજાણ લોકોના કબજામાં દુઃખી રહે છે. ઊંટ અને ગાય બંને વાગોળનારા પ્રાણીઓ છે પરંતુ બંનેનો આહાર ખૂબ જ અલગ છે. અને જો કેસ લંબાયા કરશે તો ગાયો માટેના આશ્રયસ્થાનમાં ઊંટની હાલત ઝડપથી કથળવાની શક્યતા છે.

Rabari pastoralists camping in Amravati to help secure the release of the detained camels and their herders
PHOTO • Jaideep Hardikar

'અટકાયત' કરાયેલા 58 ઊંટ અને તેમના પશુપાલકોને છોડાવવામાં મદદ કરવા કેટલાક રબારી પશુપાલકો અમરાવતીમાં   પડાવ નાખીને રહ્યા છે

*****

ઊંટ રાજસ્થાનનું રાજ્ય પ્રાણી છે અને તે અન્ય રાજ્યોમાં અનુકૂળ થઈ શકતું નથી.
જસરાજ શ્રીશ્રીમલ, ભારતીય પ્રાણી મિત્ર સંઘ, હૈદરાબાદ

આ બધાની શરૂઆત થઈ એક ગંભીર આશંકાથી.

7 મી જાન્યુઆરી, 2022ના રોજ હૈદરાબાદ સ્થિત 71 વર્ષના પ્રાણી કલ્યાણ કાર્યકર્તા જસરાજ શ્રીશ્રીમલે તાલેગાંવ દશાસર પોલીસમાં ફરિયાદ નોંધાવી કે પાંચ પશુપાલકો કથિત રીતે હૈદરાબાદના કતલખાનામાં ગેરકાયદે ઊંટ પહોંચાડતા હતા. પોલીસે તરત જ આ પાલકો અને તેમના ઊંટની અટકાયત કરી. જોકે  શ્રીશ્રીમલને આ પશુપાલકોનો ભેટો હૈદરાબાદમાં નહીં પણ મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં થયો હતો.

શ્રીશ્રીમલની ફરિયાદમાં રજૂઆત કરાઈ છે કે, “હું એક સાથીદાર સાથે અમરાવતી જવા રવાના થયો અને [ચંદુર રેલ્વે તહેસીલમાં] નિમગવ્હાણ ગામ પહોંચ્યો. ત્યાં ચાર-પાંચ લોકોએ એક ખેતરમાં ઊંટ સાથે પડાવ નાખેલો હતો. ગણતરી કરતા અમને જાણવા મળ્યું કે ત્યાં 58 ઊંટ હતા - અને તેમની ડોકે અને પગે (દોરડા) બાંધેલા હતા, પરિણામે તેઓ બરોબર ચાલી પણ શકતા નહોતા, આમ તેમની સાથે ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. તેમાંથી કેટલાકને ઈજાઓ પણ થયેલી હતી જેના માટે પશુપાલકોએ કોઈ દવા લગાવી ન હતી. ઊંટ રાજસ્થાનનું રાજ્ય પ્રાણી છે અને અન્ય રાજ્યોમાં તે અનુકૂળ થઈ શકતું નથી. આ માણસો પાસે કોઈ દસ્તાવેજો નહોતા અને તેઓ ઊંટને ક્યાં લઈ જતા હતા એ સ્પષ્ટ કરી શક્યા ન હતા.”

વાસ્તવમાં ભારતમાં રાજસ્થાન, ગુજરાત અને હરિયાણામાં અને બીજા કેટલાક સ્થળોએ ઊંટ જોવા મળે છે. જો કે તેમનું સંવર્ધન રાજસ્થાન અને ગુજરાત પૂરતું મર્યાદિત છે. 20મી પશુધન વસ્તી ગણતરી-2019 અનુસાર દેશમાં ઊંટની કુલ વસ્તી માત્ર 250000 છે.  2012 ની પશુધન વસ્તી ગણતરીની સરખામણીએ તેમની સંખ્યામાં આ 37 ટકાનો ઘટાડો છે.

The camels, all male and between two and five years in age, are in the custody of a cow shelter in Amravati city
PHOTO • Jaideep Hardikar

બે થી પાંચ વર્ષની ઉંમરના તમામ નર ઊંટ અમરાવતી શહેરમાં આવેલ ગાયો માટેના એક આશ્રયસ્થાનની કસ્ટડીમાં છે

આ પાંચ માણસો અનુભવી પશુપાલકો છે અને મોટા પ્રાણીઓના પરિવહનમાં કુશળતા ધરાવે છે. પાંચેય ગુજરાતના કચ્છના છે. તેઓ ક્યારેય હૈદરાબાદ ગયા નથી.

શ્રીશ્રીમલે હૈદરાબાદથી ટેલિફોન પર પારીને જણાવ્યું હતું કે, "મને એ લોકો (પાલકો) તરફથી કોઈ સ્પષ્ટ જવાબો મળ્યા નહીં જેને કારણે મને શંકા ગઈ."  તેમની સંસ્થા - ભારતીય પ્રાણી  મિત્ર સંઘ - એ પાંચ વર્ષમાં સમગ્ર ભારતમાંથી 600 થી વધુ ઊંટને બચાવ્યા હોવાનો દાવો કરતા તેઓ કહે છે કે, "ઊંટની ગેરકાયદે કતલના કિસ્સાઓ વધી રહ્યા છે."

તેમનો દાવો છે કે આ બચાવ ગુલબર્ગા, બેંગલુરુ, અકોલા અને હૈદરાબાદ સહિત બીજા સ્થળોએથી કરાયો હતો. અને તેમની સંસ્થાએ ‘બચાવાયેલા’ પશુઓને રાજસ્થાનમાં ‘પાછા છોડી દીધા' હતા. તેઓ કહે છે કે  ભારતભરના બીજા કેન્દ્રોની સરખામણીએ હૈદરાબાદમાં ઊંટના માંસની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ સંશોધકો અને વેપારીઓનું કહેવું છે કે માત્ર વૃદ્ધ નર ઊંટને જ કતલ માટે વેચવામાં આવે છે.

પીપલ ફોર એનિમલ્સ ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્વ કરતા ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી સાથે શ્રીશ્રીમલ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં ગાંધીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “આ એક મોટું કૌભાંડ છે અને તેનું સંચાલન ઉત્તર પ્રદેશના બાગપતથી કરવામાં આવે છે. ઊંટને બાંગ્લાદેશ પણ લઈ જવામાં આવે છે. આટલા બધા ઊંટ એકસાથે રાખવાનું (બીજું) કોઈ કારણ  જ નથી.

પ્રાથમિક તપાસ પછી પોલીસે 8 મી જાન્યુઆરીએ પ્રથમ માહિતી અહેવાલ (ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ - એફઆઈઆર) દાખલ કર્યો. મહારાષ્ટ્રમાં ઊંટ સંરક્ષણ માટે કોઈ ચોક્કસ કાયદો ન હોવાથી પોલીસે પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા નિવારણ અધિનિયમ 1960 ( પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ 1960 ) ની કલમ 11(1)(d) હેઠળ કેસ દાખલ કર્યો.

હતા, તેમના પર; લગભગ 50 વર્ષના વિસાભાઈ સરવુ પર ; અને લગભગ 70 વર્ષના વેરસીભાઈ રાણા પર આરોપો ઠોકી બેસાડવામાં આવ્યા.

Four of the traditional herders from Kachchh – Versibhai Rana Rabari, Prabhu Rana Rabari, Visabhai Saravu Rabari and Jaga Hira Rabari (from left to right) – who were arrested along with Musabhai Hamid Jat on January 14 and then released on bail
PHOTO • Jaideep Hardikar

કચ્છના પરંપરાગત પશુપાલકો - વેરસીભાઈ રાણા રબારી, પ્રભુ રાણા રબારી, વિસાભાઈ સરાવુ રબારી અને જગા હીરા રબારી (ડાબેથી જમણે) - જેમની 14 મી જાન્યુઆરીએ મુસાભાઈ હમીદ જાટ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને પછી જામીન પર છોડવામાં આવ્યા હતા

ઇન્સ્પેક્ટર અકારે કહે છે કે 58 ઊંટની સંભાળ રાખવી એ હકીકતમાં એક પડકાર હતો. બે રાત સુધી અમરાવતીમાં મોટા ગૌરક્ષા કેન્દ્રનો સંપર્ક સાધી શકાય ત્યાં સુધી પોલીસે નજીકના નાના ગૌરક્ષા કેન્દ્રની મદદ લીધી. અમરાવતીના દસ્તુર નગર વિસ્તારનું કેન્દ્ર સ્વૈચ્છિકપણે સેવા આપવા આગળ આવ્યું અને આખરે ઊંટને ત્યાં મોકલવામાં આવ્યા, કારણ કે તેમની પાસે ઊંટને રાખવા પૂરતી જગ્યા હતી.

વિચિત્રતા તો એ હતી કે ઊંટને લઈ જવાનું કામ આરોપીના સંબંધીઓ અને પરિચિતોને માથે પડ્યું, જેઓ પશુઓને 55 કિલોમીટર ચલાવીને બે દિવસમાં તાલેગાંવ દશાસરથી અમરાવતી નગર લઈ ગયા.

પશુપાલકોને ચારે તરફથી  ટેકો સાંપડી રહ્યો છે. કચ્છની ઓછામાં ઓછી ત્રણ ગ્રામ પંચાયતોએ અમરાવતી પોલીસ અને જિલ્લા સત્તાવાળાઓને ઊંટને ખુલ્લામાં ચરવા માટે છોડવા માટેની અરજીઓ મોકલી છે, જો તેમ નહીં કરવામાં આવે તો તેઓ ભૂખે મરી જઈ શકે છે. નાગપુર જિલ્લાની મકરધોકાડા ગ્રામ પંચાયત, જ્યાં રબારીઓનો મોટો ડેરો (વસાહત) છે, તેણે પણ સમુદાયની સ્થિતિને સમર્થન આપ્યું છે કે આ લોકો પરંપરાગત પશુપાલકો હતા અને ઊંટને હૈદરાબાદમાં કતલખાનામાં લઈ જવામાં આવતા ન હતા. તેમની સોંપણી અંગે નીચલી અદાલત નિર્ણય કરશેઃ જે આરોપીઓ ઊંટને અહીં લાવ્યાં છે તેમને ઊંટ પાછા આપવા જોઈએ કે કચ્છ પાછા મોકલવા જોઈએ?

આખરી પરિણામનો આધાર કોર્ટ આ લોકોને ઊંટના પરંપરાગત પાલકો માને છે કે નહીં તેના પર છે.

*****

આપણી અજ્ઞાનતા આ પરંપરાગત પશુપાલકો પ્રત્યે શંકા જગાડે છે કારણ કે તેઓ આપણા જેવા દેખાતા નથી કે આપણી બોલી બોલતા નથી.
સજલ કુલકર્ણી, પશુપાલક સમુદાયો વિષયક સંશોધક, નાગપુર

પાંચ પશુપાલકોમાંના સૌથી વૃદ્ધ વેરસી ભાઈ રાણા રબારી આખી જિંદગી તેમના ઊંટ અને ઘેટાંના ટોળા સાથે પગપાળા દેશના મોટાભાગના ચરાઉ ઘાસના મેદાનોમાં ફર્યા છે, પરંતુ ક્યારેય કોઈએ તેમની પર પશુઓ પ્રત્યે ક્રૂરતાનો આરોપ મૂક્યો નથી.

કરચલીવાળા ચહેરાવાળા વૃદ્ધ માણસ કચ્છી ભાષામાં બોલતા કહે છે, “આ પહેલી વાર આવું થયું છે."  તેઓ પોલીસ સ્ટેશનમાં એક ઝાડ નીચે ઢીંચણથી પગ વાળીને અધૂકડા બેસી રહ્યા  છે - તેઓ ચિંતિત અને મૂંઝાયેલા છે.

Rabaris from Chhattisgarh and other places have been camping in an open shed at the gauraksha kendra in Amravati while waiting for the camels to be freed
PHOTO • Jaideep Hardikar
Rabaris from Chhattisgarh and other places have been camping in an open shed at the gauraksha kendra in Amravati while waiting for the camels to be freed
PHOTO • Jaideep Hardikar

છત્તીસગઢ અને બીજેથી આવેલા રબારીઓ (અટકાયતમાં રખાયેલા) ઊંટને છોડી મૂકવામાં આવે તેની રાહ જોતા અમરાવતીમાં આવેલા ગૌરક્ષા કેન્દ્રમાં ખુલ્લા શેડમાં પડાવ નાખીને રહ્યા છે

પાંચ આરોપીઓ પૈકીના એક પ્રભુ રાણા રબારીએ 13 મી જાન્યુઆરીએ અમને તાલેગાંવ દશાસર પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે "અમે મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં રહેતા અમારા સગાઓને પહોંચાડવા આ ઊંટ કચ્છથી લાવ્યા હતા."  14 મી જાન્યુઆરીએ ઔપચારિક રીતે તેમની અટકાયત કરવામાં આવી અને તેમને જામીન પર છોડવામાં આવ્યા તેના એક દિવસ પહેલા આ વાત થઈ હતી.

કચ્છમાં ભુજથી અમરાવતી સુધીના રસ્તામાં ક્યાંય કોઈએ તેમને રોક્યા ન હતા. કોઈએ તેઓ કોઈ ગેરકાયદે કામ કરતા હોય એવી શંકા પણ ઉઠાવી નહોતી. આ અકલ્પ્ય અનપેક્ષિત ઘટના સાથે તેમની આ અતિશય લાંબી મહાયાત્રા ઓચિંતી જ અટકી ગઈ.

વર્ધા, નાગપુર, (મહારાષ્ટ્રમાં) ભંડારા અને છત્તીસગઢની રબારી વસાહતોમાં પશુઓ પહોંચાડવાના હતા.

રબારી સમુદાય એ અર્ધ-વિચરતો પશુપાલક સમુદાય છે. આ સમુદાય કચ્છ અને રાજસ્થાનના  બીજા બે-ત્રણ જૂથો સાથે આજીવિકા માટે ઘેટાં-બકરાં પાળે છે અને ખેતરના કામ અને વાહનવ્યવહારમાં ઉપયોગ માટે ઊંટ ઉછેરે છે. કચ્છ કેમલ બ્રીડર્સ એસોસિએશન દ્વારા દસ્તાવેજીકૃત કરાયેલ સ્થાપિત 'બાયોકલ્ચરલ કોમ્યુનિટી પ્રોટોકોલ' અંતર્ગત તેઓ આ કામ કરે છે.

સમુદાયની અંદરનો જ એક વર્ગ, ઢેબરિયા રબારી, વર્ષનો મોટા ભાગનો સમય  પાણી અને ઘાસચારાની વિપુલતા ધરાવતા સ્થળોની શોધમાં લાંબા અંતરે સ્થળાંતર કરે છે; ઘણા પરિવારો હવે વર્ષનો મોટા ભાગનો સમય મધ્ય ભારતમાં વસાહતો અથવા ડેરાઓમાં  રહે છે. તેમાંના કેટલાક દિવાળી પછી મોસમી સ્થળાંતર કરે છે અને કચ્છથી ચાલતા-ચાલતા તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશ જેવા દૂર-દૂરના સ્થળોએ જાય છે.

પશુપાલકો અને પરંપરાગત પશુધન રાખનારાઓ વિષયક સંશોધક નાગપુર સ્થિત સજલ કુલકર્ણી કહે છે કે મધ્ય ભારતમાં ઢેબરિયા રબારીઓની ઓછામાં ઓછી 3000 વસાહતો છે .  કુલકર્ણી રિવાઈટલાઈઝિંગ રેઈનફેડ એગ્રિકલચરલ નેટવર્ક (RRAN) ના ફેલો છે, તેઓ કહે છે કે એક ડેરામાં 5-10 પરિવારો, ઊંટ અને ઘેટાં અને બકરાંના મોટા ટોળાં હોઈ શકે છે, જેને રબારીઓ માંસ માટે પાળે છે.

Jakara Rabari and Parbat Rabari (first two from the left), expert herders from Umred in Nagpur district, with their kinsmen in Amravati.They rushed there when they heard about the Kachchhi camels being taken into custody
PHOTO • Jaideep Hardikar

નાગપુર જિલ્લાના ઉમરેડના નિષ્ણાત પશુપાલકો જકારા રબારી અને પરબત રબારી (ડાબેથી પહેલા બે),  તેમના સગાઓ સાથે. કચ્છના પશુપાલકો અને ઊંટની અટકાયતની જાણ થતાં તેઓ અમરાવતી દોડી આવ્યા હતા

કુલકર્ણી એક દાયકાથી વધુ સમયથી રબારીઓ સહિતના પશુપાલકો અને તેમની પશુધન સંસ્કૃતિનો અભ્યાસ કરી રહ્યા છે.  પશુપાલકોની અટકાયત અને ઊંટને  'અટકમાં લેવા' અંગે તેઓ કહે છે, "આ ઘટના પશુપાલકો વિશેની સમજણનો  અભાવ દર્શાવે છે. આપણી અજ્ઞાનતા આ પરંપરાગત પશુપાલકો પ્રત્યે શંકા જગાડે છે કારણ કે તેઓ આપણા જેવા દેખાતા નથી કે આપણા જેવી બોલી બોલતા  નથી.”

કુલકર્ણી કહે છે જો કે આજકાલ રબારીઓના વધારે ને વધારે  જૂથો સ્થાયી થઈ રહ્યા છે. ગુજરાતમાં તેઓ તેમના પરંપરાગત કામથી દૂર જઈ રહ્યા છે, ઔપચારિક શિક્ષણ મેળવીને નોકરીઓમાં જોડાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઘણા પરિવારો પાસે હવે અહીં પોતાની જમીન છે અને તેઓ સ્થાનિક ખેડૂતો સાથે મળીને કામ કરે છે.

કુલકર્ણી કહે છે, "તેમની (પશુપાલકો) અને ખેડૂતોની વચ્ચે સહજીવનનો (પરસ્પરોપજીવનનો) સંબંધ છે." દાખલા તરીકે, 'પેનિંગ' - એક પ્રક્રિયા જેમાં ખેતીની સીઝન ન હોય તે દરમિયાન રબારીઓ તેમના ઘેટાં-બકરાંના ટોળાને  ખેતરની જમીનમાં ચરાવે છે. અને પરિણામે આ પશુઓની લીંડીઓ જૈવિક ખાતર તરીકે કામ કરી જમીનને વધુ ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. તેઓ કહે છે, "જે ખેડૂતો આ વાત જાણે છે અને રબારીઓની સાથે આવો સંબંધ જાળવે છે તેઓ તેમનું મૂલ્ય સમજે  છે."

જે રબારીઓને આ 58 ઊંટ મળવાના હતા તેઓ મહારાષ્ટ્ર અથવા છત્તીસગઢમાં રહે છે. તેઓ લગભગ આખી જિંદગી આ રાજ્યોની વસાહતોમાં રહેતા આવ્યા છે, પરંતુ તેઓ કચ્છમાં રહેતા પોતાના સગા-સંબંધીઓ સાથે ગાઢ સંબંધ જાળવી રાખે છે. બીજી બાજુ ફકીરણી જાટો લાંબા અંતરે સ્થળાંતર કરતા નથી પરંતુ તેઓ ઉત્તમ ઊંટ સંવર્ધકો છે અને રબારીઓ સાથે સાંસ્કૃતિક સંબંધ ધરાવે  છે.

ભુજમાં નફાના હેતુ વિના પશુપાલન કેન્દ્રનું સંચાલન કરતી સંસ્થા (એનજીઓ)  સહજીવનના જણાવ્યા અનુસાર, કચ્છમાં રબારીઓ, સમાસ અને જાટ સહિત તમામ પશુપાલક સમુદાયોમાં થઈને 500 જેટલા ઊંટ સંવર્ધકો છે.

સહજીવનના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ પારીને ભુજથી ફોન પર જણાવ્યું, "અમે તપાસ કરી લીધી છે, અને એ સાચું છે કે આ 58 યુવાન ઊંટને કચ્છ ઊંટ ઉછેરક  માલધારી સંગઠન [કચ્છ કેમલ બ્રીડર્સ એસોસિએશન] ના 11 સંવર્ધક-સભ્યો પાસેથી ખરીદવામાં આવ્યા હતા - અને તે મધ્ય ભારતમાં તેમના સંબંધીઓ માટે હતા."

ભટ્ટી અમને જણાવે છે કે આ પાંચ માણસો હોશિયાર ઊંટ પ્રશિક્ષકો પણ છે, તેથી જ તેઓને આ લાંબી, કઠિન, મુસાફરીમાં પશુઓ સાથે જવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. વેરસી ભાઈ કદાચ કચ્છના સૌથી જૂના સક્રિય નિષ્ણાત પ્રશિક્ષક અને પરિવાહકોમાંના એક છે.

Suja Rabari from Chandrapur district (left) and Sajan Rana Rabari from Gadchiroli district (right) were to receive two camels each
PHOTO • Jaideep Hardikar
Suja Rabari from Chandrapur district (left) and Sajan Rana Rabari from Gadchiroli district (right) were to receive two camels each
PHOTO • Jaideep Hardikar

અટકાયતમાં રાખવામાં આવેલ 58માંથી બે-બે ઊંટ ચંદ્રપુર જિલ્લાના સુજા રબારી (ડાબે) અને ગડચિરોલી જિલ્લાના સાજન રાણા રબારી (જમણે) લેવાના હતા

*****

અમે વિચરતો સમુદાય છીએ ; ઘણી વખત અમારી પાસે દસ્તાવેજો નથી હોતા...
મશરૂભાઈ રબારી, વર્ધાના (રબારી) સમુદાયના આગેવાન

તેઓએ કચ્છથી ચોક્કસ કઈ તારીખે નીકળ્યા હતા એ તેમને યાદ નથી.

લઘરવઘર અને પરેશાન પ્રભુ રાણા રબારી કહે છે, "અમે નવમા મહિના [સપ્ટેમ્બર 2021] માં વિવિધ સ્થળોએથી અમારા સંવર્ધકો પાસેથી પશુઓ ભેગા કરવાનું શરૂ કર્યું અને દિવાળી પછી તરત જ [નવેમ્બરની શરૂઆતમાં] ભચાઉ [કચ્છમાં આવેલ એક તહેસીલ] થી ચાલવાનું શરૂ કર્યું. આ વર્ષે ફેબ્રુઆરીના મધ્યમાં અથવા અંતમાં અમે - અમારે જ્યાં જવાનું હતું ત્યાં - બિલાસપુર, છત્તીસગઢ પહોંચી ગયા હોત."

તેમની અટકાયત કરવામાં આવી હતી તે દિવસે પાંચેય જણાએ તેમના વતન કચ્છથી લગભગ 1200 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ભચાઉથી અમદાવાદ થઈને પછી તેઓ મહારાષ્ટ્રમાં નંદુરબાર, ભુસાવળ, અકોલા, કારંજા થઈને તાલેગાંવ દશાસર આવ્યા હતા. તેઓ (મહારાષ્ટ્રમાં) વર્ધા, નાગપુર, ભંડારા તરફ આગળ વધીને પછી (છત્તીસગઢમાં) દુર્ગ અને રાયપુર થઈને બિલાસપુર પહોંચવા આગળ વધ્યા હોત. તેઓ વાશિમ જિલ્લાના કારંજા શહેર થઈને પછી નવા બંધાયેલા સમૃદ્ધિ હાઇવે પર પણ ચાલ્યા હતા.

આ પાંચ લોકોમાં કદાચ સૌથી નાના મુસાભાઈ હમીદ જાટ નોંધે છે, "અમે રોજના 12-15 કિલોમીટર ચાલતા, જોકે એક યુવાન ઊંટ સરળતાથી 20 કિલોમીટર ચાલી શકે છે. અમે રાત પડે (ક્યાંક) રોકાઈ જતા  અને વહેલી સવારે ફરી (ચાલવાનું) શરૂ કરતા." તેઓ પોતાના માટે રસોઇ કરતા, બપોરે થોડો વિસામો લેતા, ઊંટને આરામ કરવા દેતા અને પછી ફરી (ચાલવાનું) શરુ કરતા.

માત્ર ઊંટ પાળવા માટે અટકાયત કરવામાં આવતા તેઓ ગભરાઈ ગયા છે.

સમુદાયના પીઢ આગેવાન વર્ધા જિલ્લામાં રહેતા મશરૂભાઈ રબારીએ અમને જણાવ્યું, "અમે ક્યારેય અમારા માદા ઊંટ વેચતા નથી, અને પરિવહન માટે અમારા નર ઊંટનો ઉપયોગ કરીએ છીએ. ઊંટ તો અમારા પગ છે." હાલમાં જે 58 ઊંટ અટકાયતમાં છે તે બધા નર છે.

Mashrubhai Rabari (right) has been coordinating between the lawyers, police and family members of the arrested Kachchhi herders. A  community leader from Wardha, Mashrubhai is a crucial link between the Rabari communities scattered across Vidarbha
PHOTO • Jaideep Hardikar
Mashrubhai Rabari (right) has been coordinating between the lawyers, police and family members of the arrested Kachchhi herders. A  community leader from Wardha, Mashrubhai is a crucial link between the Rabari communities scattered across Vidarbha
PHOTO • Jaideep Hardikar

મશરૂભાઈ રબારી (જમણે) વકીલો, પોલીસ અને અટકાયત કરાયેલ કચ્છી પશુપાલકોના પરિવારના સભ્યો વચ્ચે સંકલન કરી રહ્યા છે. વર્ધાના એક સમુદાયના નેતા, તેઓ સમગ્ર વિદર્ભમાં ફેલાયેલા રબારી સમુદાયો વચ્ચે એક મહત્વપૂર્ણ કડી છે

તેમને (બધા) પ્રેમથી 'મશરૂ મામા' કહીને બોલાવે છે, પાંચ પશુપાલકોની પોલીસે અટકાયત કરી તે દિવસથી તેઓ તેમની સાથે ને સાથે જ છે. તેઓ પશુપાલકોના પરિવારના સભ્યો સાથે સંકલન કરી રહ્યા છે, અમરાવતીમાં વકીલોની વ્યવસ્થા કરી રહ્યા છે, પોલીસને અનુવાદમાં અને તેમના નિવેદનો રેકોર્ડ કરવામાં મદદ કરી રહ્યા છે. તેઓ મરાઠી અને કચ્છી બંને ભાષા સરળતાથી બોલી શકે છે અને અહીંની  રબારીઓની તમામ છૂટીછવાયી વસાહતો વચ્ચે તેઓ એક મહત્ત્વપૂર્ણ કડી છે.

મશરૂભાઈ કહે છે, “આ ઊંટ વિદર્ભ, તેલંગાણા અને છત્તીસગઢના વિવિધ ડેરાઓમાં રહેતા અમારા 15-16 લોકોને પહોંચાડવાના હતા. તેમાંના દરેકને 3-4 ઊંટ મળવાના હતા." રબારીઓ જ્યારે વિચરતા હોય ત્યારે પશુઓની પીઠ પર તેમનો  સામાન લાદે છે, ક્યારેક નાના બાળકોને તો ક્યારેક ઘેટાંના ગાડરાંને તેમની પીઠ પર બેસાડે છે  - આમ જુઓ તો તેઓ તેમની આખેઆખી દુનિયા આ પશુઓની પીઠ પર લાદે છે. મહારાષ્ટ્રના એક ભરવાડ સમુદાય  ધનગરથી વિપરીત આ લોકો  ક્યારેય બળદ ગાડાનો ઉપયોગ કરતા નથી.

મશરૂભાઈ કહે છે, “અમે આ ઊંટ અમારા પોતાના વતનના સંવર્ધકો પાસેથી ખરીદીએ છીએ. જ્યારે પણ અહીં 10-15 લોકોને તેમના ઘરડા થઈ ગયેલા ઊંટના બદલામાં યુવાન નર ઊંટની જરૂર હોય ત્યારે અમે કચ્છમાં અમારા સંબંધીઓને ઓર્ડર આપીએ. પછી સંવર્ધકો તેમને પ્રશિક્ષિત માણસો સાથે એક મોટા કાફલામાં અહીં મોકલે,  ખરીદદારો આ માણસોને ઊંટ પહોંચાડવા માટે વેતન ચૂકવે છે - જો મુસાફરી લાંબી અવધિની હોય તો મહિને 6000 થી 7000 રુપિયા વેતન ચૂકવે. મશરૂભાઈ અમને જણાવે છે કે એક યુવાન ઊંટની કિંમત 10000 થી 20000 રુપિયાની વચ્ચે હોય. ઊંટ 3 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કરે છે અને 20-22 વર્ષ  જીવે. તેઓ કહે છે, "નર ઊંટનો કાર્યકાળ 15 વર્ષનો હોય."

મશરૂભાઈ કબૂલે છે, "એ સાચું છે કે આ માણસો પાસે કોઈ દસ્તાવેજ નહોતા.  અમારે અગાઉ ક્યારેય તેની (દસ્તાવેજોની) જરૂર પડી નહોતી. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે ભવિષ્યમાં અમારે સાવચેત રહેવું પડશે. સંજોગો બદલાઈ રહ્યા છે.”

તેઓ ચિડાઈને કહે છે કે આ ફરિયાદે  ઊંટ-પાલકોને અને તેમના ઊંટને ઘણી બિનજરૂરી મુશ્કેલીમાં મૂક્યા છે. તેઓ મરાઠીમાં કહે છે, “આમી ઘુમંતુ સમાજ આહે, આમચ્યા બર્યાચ લોકે કડે કધી કધી કાગદ પત્ર નસ્તે, અમે વિચરતા સમુદાય છીએ; ઘણી વખત અમારી પાસે દસ્તાવેજો હોતા નથી [જેમ કે અહીં બન્યું હતું].”

Separated from their herders, the animals now languish in the cow shelter, in the custody of people quite clueless when it comes to caring for and feeding them
PHOTO • Jaideep Hardikar
Separated from their herders, the animals now languish in the cow shelter, in the custody of people quite clueless when it comes to caring for and feeding them
PHOTO • Jaideep Hardikar

તેમના પાલકોથી અલગ થઈ ગયેલા ઊંટ હવે ગાયો માટેના આશ્રયસ્થાન ખાતે તેમની સંભાળ રાખવા અને ખવડાવવાની બાબતે તદ્દન અજાણ લોકોના હવાલામાં દુઃખી રહે છે

*****

અમારા પર આરોપ છે કે અમે તેમની સાથે ક્રૂર વર્તન કર્યું. પરંતુ જ્યારે તેમને ખુલ્લામાં ચરવા દેવાની જરૂર હોય ત્યારે તેમને અહીં જ અટકાયતમાં ગોંધી રાખવા જેવી મોટી ક્રૂરતા બીજી કોઈ નથી.
નાગપુરના વડીલ રબારી અને ઊંટના રખેવાળ પ્રભાત રબારી

અટકાયતમાં રાખવામાં આવેલ તમામ ઊંટ બે થી પાંચ વર્ષની વયના યુવાન નર ઊંટ છે. તે ખાસ કરીને કચ્છની અંતરિયાળ ભૌગોલિક ઇકોસિસ્ટમ્સમાં જોવા મળતી  કચ્છી જાતિના છે. હાલ કચ્છમાં અંદાજિત 8000 આવા ઊંટ છે.

આ જાતિના નરનું વજન સામાન્ય રીતે 400 થી 600 કિલો હોય છે જ્યારે માદાનું વજન 300 થી 540 કિલોની વચ્ચે હોય છે. વર્લ્ડ એટલાસ નોંધે છે કે સાંકડી છાતી, એક જ ખૂંધ, લાંબી, વળાંકવાળી ગરદન અને ખૂંધ, ખભા અને ગળા પર લાંબા વાળ એ આ ઊંટની મહત્વની લાક્ષણિકતા છે. તેમનો રંગ ભૂખરાથી માંડીને કાળો કે સફેદ પણ હોય છે.

કથ્થઈ રંગના, આ સસ્તન કચ્છી પશુઓ ખુલ્લામાં ચરવાનું પસંદ કરે છે અને જાતજાતના છોડ અને પાંદડા ખાઈને જીવે છે. તેઓ જંગલોના ઝાડના પાંદડા   અથવા તો ગોચર જમીન પર  કે પછી  ખેડ્યા વિનાના પડતર ખેતરોમાં પડેલા પાંદડા ખાઈ શકે છે.

રાજસ્થાન અને ગુજરાતમાં દિવસે દિવસે ઊંટ ઉછેરવાનું વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. બંને રાજ્યોમાં છેલ્લા એક-બે દાયકામાં જંગલો અને મેન્ગ્રોવ સ્વેમ્પ્સમાં પ્રવેશ પર ઘણા બધા નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં જે પ્રકારનો વિકાસ થઈ રહ્યો છે તેને પગલે પણ ઊંટની અને તેમના સંવર્ધકો અને માલિકોની સમસ્યાઓમાં ઉમેરો થયો છે. આ બધા કારણોસર આ પશુઓને માટે અગાઉ પુષ્કળ પ્રમાણમાં મળી રહેતો મફત ચારો મેળવવાનું હવે મુશ્કેલ બન્યું છે.

હાલ જામીન પર છૂટેલા પાંચ જણ અમરાવતીના પશુઆશ્રયમાં તેમના સગાંઓ  સાથે રહે છે, જ્યાં તેમના ઊંટને હાલમાં - ચારે બાજુ વાડ બાંધેલા - એક વિશાળ મેદાનમાં ખુલ્લામાં રાખવામાં આવ્યા છે. રબારીઓ ઊંટની સુખાકારી વિશે ચિંતિત છે કારણ કે તેઓ જેનાથી ટેવાયેલો છે એ પ્રકારનો ઘાસચારો તેમને મળતો નથી.

A narrow chest, single hump, and a long, curved neck, as well as long hairs on the hump, shoulders and throat are the characteristic features of the Kachchhi breed
PHOTO • Jaideep Hardikar
A narrow chest, single hump, and a long, curved neck, as well as long hairs on the hump, shoulders and throat are the characteristic features of the Kachchhi breed
PHOTO • Jaideep Hardikar

સાંકડી છાતી, એક જ ખૂંધ, લાંબી, વળાંકવાળી ગરદન અને ખૂંધ, ખભા અને ગળા પર લાંબા વાળ એ કચ્છી ઊંટની  ઊંટની મહત્વની લાક્ષણિકતા છે

રબારીઓ કહે છે કે એ વાત સાચી નથી કે ઊંટ કચ્છ (અથવા રાજસ્થાન)થી દૂરના પ્રદેશોમાં અનુકૂળ થઈ શકતા નથી અથવા રહી શકતા નથી. ભંડારા જિલ્લાના પૌની બ્લોકમાં અસગાંવમાં રહેતા અનુભવી રબારી ઊંટપાલક આશાભાઈ જેસા કહે છે, "તેઓ યુગોથી અમારી સાથે દેશભરમાં રહે છે અને ફરે છે."

નાગપુરના ઉમરેડ શહેર નજીકના ગામમાં સ્થાયી થયેલા બીજા એક પીઢ સ્થળાંતરિત પશુપાલક પરબત રબારી કહે છે, "વિચિત્રતા તો જુઓ. અમારા પર આરોપ છે કે અમે તેમની સાથે ક્રૂર વર્તન કર્યું. પરંતુ જ્યારે તેમને ખુલ્લામાં ચરવા દેવાની જરૂર હોય ત્યારે તેમને અહીં જ અટકાયતમાં ગોંધી રાખવા જેવી મોટી ક્રૂરતા બીજી કોઈ નથી."

નાગપુર જિલ્લાના ઉમરેડ તાલુકાના  સિરસી નામના ગામમાં રહેતા જકારા રબારી કહે છે, “ગાય-ભેંસ જે ખાય તે ઊંટ ખાતા નથી." (58 ઊંટના) આ કાફલામાંથી જકારાભાઈને ત્રણ ઊંટ  મળવાના હતા.

કચ્છી ઊંટ વિવિધ જાતોના છોડ અને - લીમડો, બાવળ, પીપળો સહિત બીજી પ્રજાતિઓના ઝાડના - પાંદડા ખાય છે. કચ્છમાં તેઓ જીલ્લાના સૂકા અને પહાડી વિસ્તારોમાં ઊગતા ઝાડ(ના પાંદડા) અને ઘાસચારો ચરે છે, જે તેમના દૂધના નોંધપાત્ર ઉચ્ચ પોષક મૂલ્યમાં ફાળો આપે છે. આ જાતિના માદા ઊંટ સામાન્ય રીતે દિવસનું  3-4 લિટર દૂધ આપે છે. કચ્છી પશુપાલકો શક્ય હોય ત્યાં સુધી એકાંતરે દિવસે તેમના ઊંટને પાણી પીવડાવવા માટે લઈ જાય છે. સામાન્ય રીતે  - તરસ્યા હોય  ત્યારે 15 થી 20 મિનિટમાં - આ પશુઓ એકસાથે  70-80 લિટર પાણી પી શકે છે. પરંતુ તેઓ ઘણા લાંબા સમય સુધી પાણી વિના ટકી રહી શકે છે.

ગૌરક્ષા કેન્દ્ર ખાતે રાખવામાં આવેલા 58 ઊંટમાંથી એક પણ ક્યારેય બંધિયાર જગ્યામાં ચરવાની પદ્ધતિથી ટેવાયેલા નથી. પરબત રબારી કહે છે  ઘરડાં પશુઓ તો તેમને અહીં મળતો મગફળીનો ખોળ ખાતા હોય છે, પણ યુવાન પશુઓએ તો હજી સુધી ક્યારેય આવો ચારો ખાધો હોતો નથી. તેઓ કહે છે કે અમરાવતીમાં આવેલ આ સ્થળે પહોંચતા સુધી તેઓ રસ્તાના કિનારે કે ખેતરમાં ઉગેલા ઝાડના પાંદડા ખાતા હતા.

પરબત અમને જણાવે છે કે એક યુવાન નર ઊંટ દિવસનો 30 કિલો જેટલો ચારો ખાય છે.

Eating cattle fodder at the cow shelter.
PHOTO • Jaideep Hardikar
A Rabari climbs a neem tree on the premises to cut its branches for leaves, to feed the captive camels
PHOTO • Jaideep Hardikar

ડાબે: અમરાવતીમાં ગાયો માટેના આશ્રયસ્થાનમાં ઊંટ ગાય-ભેંસનો ચારો ખાય છે. જમણે: એક રબારી બંધિયાર જગ્યામાં રખાયેલા ઊંટને ખવડાવવા પાંદડા મેળવવા માટે લીમડાની ડાળીઓ કાપવા પરિસરમાં આવેલા લીમડાના ઝાડ પર ચઢે છે

અહીં આશ્રયસ્થાન ખાતે ગાય-ભેંસને તમામ પ્રકારના પાક - સોયાબીન, ઘઉં, જુવાર, મકાઈ, નાની બાજરી અને મુખ્ય બાજરી - ના ખોળ અને લીલું ઘાસ ખવડાવવામાં આવે  છે. અને હાલ અટકાયતમાં લેવાયેલા ઊંટને પણ આ જ આપવામાં આવે છે.

પોતાના માણસો અને ઊંટની અટકાયતની જાણ થતાં જ ઘણા દાયકાઓથી મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં સ્થાયી થયેલા પરબત, જકારા અને બીજા બારેક રબારીઓ  અમરાવતી દોડી આવ્યા. તેઓ (અટકાયતમાં લેવાયેલા) પશુઓ બાબતે ચિંતિત છે.

હાલમાં ગૌરક્ષા કેન્દ્ર ખાતે પડાવ નાખીને ઊંટની કસ્ટડી અંગે કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહેલા જકારા રબારી કહે છે, “બધા ઊંટ બાંધેલા ન હતા; પરંતુ તેમાંના કેટલાકને બાંધવાની જરૂર હતી, નહીં તો  તેઓ એકબીજાને બચકાં ભરે અથવા પસાર થતા લોકોને મુશ્કેલીમાં મૂકે." તેઓ ઉમેરે છે, "આ યુવાન નર ઊંટ ખૂબ જ આક્રમક બની શકે છે."

રબારીઓ ભારપૂર્વક કહે છે કે ઊંટને ખુલ્લામાં ચરવા માટે છોડવાની જરૂર છે. ભૂતકાળમાં પોલીસ દ્વારા અટકાયત કરાયેલા ઊંટ બંધિયાર જગ્યામાં મૃત્યુ પામ્યા હોવાના કિસ્સા છે.

તેમના સ્થાનિક વકીલ એડવોકેટ મનોજ કલ્લા દ્વારા નીચલી કોર્ટ સમક્ષ રબારીઓને શક્ય તેટલી વહેલી તકે ઊંટની કસ્ટડી પરત આપવા સંબંધિત અરજી કરવામાં આવી છે. કચ્છમાં તેમના સંબંધીઓ, સમુદાયના સ્થાનિક સભ્યો અને વિવિધ સ્થળોએથી આવતા ખરીદદારો - બધાએ કેસ લડવામાં મદદ કરવા, વકીલોની ફીની ચૂકવણી કરવા, તેમના પોતાના રોકાણ માટે અને પશુઓને યોગ્ય ઘાસચારો પહોંચાડવા ભંડોળ એકઠું કર્યું  છે.

દરમિયાન હાલ તો ઊંટની કસ્ટડી ગાયો માટેના આશ્રયસ્થાન પાસે  છે.

The 58 dromedaries have been kept in the open, in a large ground that's fenced all around. The Rabaris are worried about their well-being if the case drags on
PHOTO • Jaideep Hardikar
The 58 dromedaries have been kept in the open, in a large ground that's fenced all around. The Rabaris are worried about their well-being if the case drags on
PHOTO • Jaideep Hardikar

આ 58 ઊંટને ચારે બાજુ વાડવાળા વિશાળ મેદાનમાં ખુલ્લામાં રાખવામાં આવ્યા છે. જો કેસ લંબાયા કરે તો  રબારીઓને તેમની સુખાકારીની ચિંતા છે

પશુ-આશ્રયસ્થાનનું સંચાલન કરતી ગૌરક્ષણ સમિતિ, અમરાવતીના સેક્રેટરી દીપક મંત્રી કહે છે, "શરૂઆતમાં અમને તેમને ખવડાવવામાં તકલીફ પડતી હતી, પરંતુ હવે અમને ખબર પડી ગઈ છે કે તેમને કેટલો અને કેવો ચારો આપવો - રબારીઓ પણ તેમાં અમારી મદદ કરી રહ્યા છે." તેઓ દાવો કરે છે કે, “અમારી પાસે નજીકમાં 300 એકર ખેતીની જમીન છે, ત્યાંથી અમે ઊંટ માટે લીલા - સૂકા પાંદડા લાવીએ છીએ. તેમના માટે ઘાસચારાની કોઈ અછત નથી." પશુઓના ડોકટરોની એક ઇનહાઉસ ટીમે આવીને  જેમને થોડી ઇજાઓ હતી એવા ઊંટની સારવાર કરી હતી. તેઓ ભારપૂર્વક કહે છે, "અહીં તેમની સંભાળ રાખવામાં અમને કોઈ તકલીફ  નથી."

પરબત રબારી કહે છે, “ઊંટ બરાબર ખાતા નથી." તેમને આશા છે કે કોર્ટ તેમની બંધિયાર જગ્યામાં થયેલી અટકાયત  સમાપ્ત કરશે અને તેમના માલિકોને ઊંટ પાછા  સોંપશે. તેઓ કહે છે, "આ તો તેમના માટે જેલ જેવું છે."

હાલ જામીન પર છૂટેલા વેરસી ભાઈ અને બીજા ચાર માણસો ઘેર જવા બેચેન છે, પરંતુ  તેમના પશુઓને છોડી મૂકાય અને તેમને પાછા સોંપાય તે પછી જ. રબારીઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલ મનોજ કલ્લાએ પારીને કહ્યું, "21 મી  જાન્યુઆરી ને શુક્રવારે ધમણગાંવ (નીચલી અદાલત) ખાતેના જ્યુડિશિયલ  મેજિસ્ટ્રેટ દ્વારા પાંચ પશુપાલકોને  58 ઊંટની તેમની માલિકી સાબિત કરવા માટે દસ્તાવેજો રજૂ કરવાનું કહેવામાં આવ્યું. એ દસ્તાવેજો જે લોકો પાસેથી આ પશુઓ  ખરીદ્યા હોવાનો તેઓ દાવો કરે છે તેમના  દ્વારા જારી કરવામાં આવેલ રસીદો પણ હોઈ શકે."

દરમિયાન, આ ઊંટની કસ્ટડી પાછી મેળવવાની રાહ જોઈ રહેલા રબારીઓ પણ તેમના સગાંવહાલાંઓ અને ઊંટ ખરીદનારાઓ સાથે અમરાવતીના પશુ-આશ્રયસ્થાનમાં પડાવ નાખીને રહ્યા છે. તમામ નજર ધમણગાંવ અદાલત પર છે.

બિચારા અબોલ, નાસમજ ઊંટ હજી ય અટકાયતમાં જ છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Jaideep Hardikar

Jaideep Hardikar is a Nagpur-based journalist and writer, and a PARI core team member.

Other stories by Jaideep Hardikar
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik