સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024 ના પહેલા તબક્કામાં, 19 મી એપ્રિલના રોજ ગડચિરોલી લોકસભા મતવિસ્તારમાં મતદાનના એક અઠવાડિયા પહેલા આ જિલ્લાના 12 તાલુકાઓની લગભગ 1450 ગ્રામસભાઓએ કોંગ્રેસના ઉમેદવાર ડો. નામદેવ કિરસાનને શરતી સમર્થન જાહેર કર્યું હતું. આ એક અભૂતપૂર્વ પગલું હતું.

અભૂતપૂર્વ એટલા માટે કારણ કે એક એવો જિલ્લો જ્યાં આદિવાસી સમુદાયો ભાગ્યે જ ખુલ્લેઆમ કોઈ રાજકીય પક્ષનું સમર્થન કરતા હોય છે ત્યાં કોંગ્રેસના જિલ્લા-વ્યાપી સંઘ મારફત ગ્રામસભાઓનું સમર્થન મળતા કોંગ્રેસને આશ્ચર્ય થયું હતું અને ભારતીય જનતા પક્ષ, જેના વર્તમાન સાંસદ અશોક નેટે સતત ત્રીજી મુદત માટે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે તેમાં ખળભળાટ મચી ગયો હતો.

12 મી એપ્રિલના રોજ આખો દિવસ ગ્રામ સભાના એક હજારથી વધુ પદાધિકારીઓ અને પ્રતિનિધિઓએ ગડચિરોલી શહેરના લગ્ન-પ્રસંગ માટે અપાતા હોલ, સુપ્રભાત મંગલ કાર્યાલયમાં કોંગ્રેસના ઉમેદવારો અને નેતાઓની જાહેર સભા માટે ધીરજપૂર્વક રાહ જોતા હતા. તે સાંજે વકીલ કાર્યકર લાલસુ નોગોટી, જેઓ ભામરાગઢ જિલ્લાના દક્ષિણ-પૂર્વ બ્લોકના સંવેદનશીલ આદિવાસી જૂથ, માડિયા સમુદાયમાંથી આવે છે તેમણે કિરસાનને શાંતિથી શરતો વાંચી સંભળાવી, કિરસાને સમર્થનનો પત્ર સ્વીકાર્યો અને જો તેઓ સંસદમાં ચૂંટાઈ આવે તો આ શરતોનું પાલન કરવાનું, આ માગણીઓ પૂરી કરવાનું વચન આપ્યું.

આ શરતોમાં બીજી શરતોની સાથે સાથે જિલ્લાના જંગલથી છવાયેલા વિસ્તારોમાં પૂરજોશમાં અને અવિચારીપણે ચાલતા ખાણકામને રોકવાની; વન અધિકાર અધિનિયમ (ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ) હેઠળ નિયમોને સરળ બનાવવાની; જે ગામોના સામુદાયિક વન અધિકારો (કમ્યુનિટી ફોરેસ્ટ રાઇટ્સ - સીઆરએફ - CFR) અંગેના દાવાઓ હજી સુધી અનિર્ણિત રહેલ છે એ ગામોને એ અધિકારો આપવાની; અને ભારતના બંધારણનું કડક પાલન કરવાની શરતોનો સમાવેશ થતો હતો.

પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, "અમારું સમર્થન ફક્ત આ ચૂંટણી માટે છે. જો વચનભંગ થશે, અમારી સાથે વિશ્વાસઘાત થશે તો અમે, ગામલોકો, ભવિષ્યમાં અમારું સમર્થન પાછું ખેંચી લઈશું."

ગ્રામસભાએ આવું પગલું કેમ ભર્યું?

એક પીઢ આદિવાસી કાર્યકર, સૈનુ ગોટા, જેઓ અગાઉ કોંગ્રેસ પક્ષના નેતા હતા તેઓ કહે છે, "અમે સરકારને ખાણો કરતાં વધુ રોયલ્ટી આપીશું. આ પ્રદેશમાં ઝાડ કાપી નાખીને, જંગલોનો નાશ કરીને ખાણો ખોદવી એ એક ભૂલ હશે."

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ડાબે: લાલસુ નોગોટી એક વકીલ-કાર્યકર છે અને ગડચિરોલીના ગ્રામસભા સંઘના મુખ્ય નેતાઓમાં સામેલ છે. જમણે: દક્ષિણ મધ્ય ગડચિરોલીના એક પીઢ આદિવાસી કાર્યકર અને નેતા સૈનુ ગોટા તેમના પત્ની અને ભૂતપૂર્વ પંચાયત સમિતિ પ્રમુખ, શીલા ગોટા સાથે તોડગટ્ટા પાસેના તેમના ઘેર

ગોટાએ આ બધું જોયું છે - હત્યાઓ, જુલમ, જંગલના અધિકારો મેળવવા માટે જોવી પડતી લાંબી રાહ, અને તેમની ગોંડ આદિજાતિની સતત તાબેદારી. ઉંમરના 60 મા દાયકામાં પહોંચેલા, ઘેરી અણિયાળી મૂછોવાળા, ઊંચા અને ખડતલ વ્યક્તિ ગોટા કહે છે કે ગડચિરોલીની પંચાયત એક્સટેન્શન ટુ શિડ્યુલ્ડ એરિયાઝ (પેસા) હેઠળ આવતી ગ્રામસભાઓએ સાથે મળીને ભાજપના વર્તમાન સાંસદની વિરુદ્ધ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાનું બે કારણોસર નક્કી કર્યું: પહેલું, એફઆરએમાં સુધારા કરી તેને હળવો બનાવવામાં આવ્યો છે, અને બીજું, જંગલથી છવાયેલા વિસ્તારોમાં ખાણકામનો ખતરો ઊભો થયો છે, જે તેમની સંસ્કૃતિ અને તેમના રહેઠાણનો નાશ કરશે. તેઓ કહે છે, "પોલીસ સતત લોકોની કનડગત કરે એ ચલાવી ન લેવાય. એ બંધ થવી જ જોઈએ."

ત્રણ પરામર્શ બાદ આદિવાસી ગ્રામસભાના પ્રતિનિધિઓ સર્વસંમતિ પર આવ્યા અને સમર્થન માટેની તેમની શરતો નક્કી કરી.

2017 માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે જિલ્લા પરિષદમાં ચૂંટાનાર નોગોટી કહે છે, “આ ચૂંટણી દેશ માટે નિર્ણાયક છે." તેઓ જિલ્લામાં વકીલ-સાહેબ તરીકે જાણીતા છે. તેઓ ઉમેરે છે, "લોકોએ નક્કી કર્યું છે કે તેઓએ જાણકાર વ્યક્તિને ચૂંટવી જોઈએ."

ઉશ્કેરણી વિનાની કાર્યવાહીના એક દાખલામાં, ગયા નવેમ્બરમાં (2023) ગડચિરોલી પોલીસે આ લોહ અયસ્ક (આયર્ન ઓર) સમૃદ્ધ પ્રદેશમાં બીજી ખાણ ખોલવાની સંભાવના સામે આદિવાસી સમુદાયોએ જ્યાં 253 દિવસથી મૂક વિરોધ આદર્યો હતો એ વિરોધ-સ્થળ ધરાશાયી કરી દીધું હતું.

દેખાવકારોએ સુરક્ષા ટીમ પર હુમલો કર્યો હોવાનો ખોટો આરોપ લગાવી સશસ્ત્ર સુરક્ષા કર્મચારીઓની વિશાળ ટુકડીએ તોડગટ્ટા ગામમાં કથિત રીતે એ સ્થળને જમીનદોસ્ત કરી દીધું હતું જ્યાં સૂરજાગઢ વિસ્તારમાં છ સૂચિત અને હરાજી કરાયેલ ખાણો સામે લગભગ 70 ગામના દેખાવકારો આંદોલન કરી રહ્યા હતા. તેમના સંઘર્ષને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યો હતો.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ડાબે: સ્થાનિક આદિવાસી સમુદાયો દ્વારા પવિત્ર મનાતી પહાડીઓ પર લગભગ 450 હેક્ટર જમીનમાં ફેલાયેલી સુરજાગઢ આયર્ન ઓરની ખાણે એક સમયે જંગલથી સમૃદ્ધ વિસ્તારને ધૂળના કટોરામાં ફેરવી દીધો છે. રસ્તાઓ લાલ થઈ ગયા છે અને નદીઓમાં પ્રદૂષિત પાણી વહે છે. જમણે: જો સરકાર ખાણો ઊભી કરવાની મંજૂરી આપશે તો આયર્ન ઓર માટે તોડગટ્ટા ગામના જંગલના વિસ્તારનો નાશ કરવામાં આવશે. સ્થાનિકોને ડર છે કે આના પરિણામે તેમના જંગલો, ઘરો અને સંસ્કૃતિનો કાયમી વિનાશ થશે. લોકસભાની ચૂંટણી પહેલા લગભગ 1450 ગ્રામસભાઓએ કોંગ્રેસના ઉમેદવાર ડો. નામદેવ કિરસાનને ખુલ્લેઆમ સમર્થન આપવા પાછળના કેટલાક કારણોમાંનું આ એક કારણ છે

હાલમાં લોયડ્સ મેટલ એન્ડ એનર્જી લિમિટેડ નામની કંપની દ્વારા સંચાલિત સુરજાગઢ ખાણોને કારણે થયેલ પર્યાવરણીય વિનાશને જોયા પછી નાના-નાના ગામડાઓ અને નાની-નાની વસાહતોના 10-15 લોકો વારાફરતી ચાર-ચાર દિવસ માટે લગભગ આઠ મહિના સુધી ધરણા-સ્થળ પર બેઠા. તેમની માંગ સરળ હતી: આ વિસ્તારમાં કોઈ ખાણકામ થવું ન જોઈએ. આ વિરોધ-પ્રદર્શન માત્ર તેમના જંગલોનું રક્ષણ કરવા માટે ન હતું. તે તેમની સાંસ્કૃતિક પરંપરા માટે પણ હતું - આ વિસ્તારમાં તેમના ઘણાં પવિત્ર સ્થાન આવેલાં છે.

પોલીસે આઠેક નેતાઓને ઝડપી લીધા હતા અને તેમની સામે કેસ કર્યા હતા,આ પગલાને સ્થાનિકોએ વ્યાપકપણે વખોડી કાઢ્યું હતું અને આ પગલાને કારણે અશાંતિ ફેલાઈ હતી. આ નવીનતમ ફ્લેશ પોઇન્ટ હતો, જેના પગલે હિંસા ભડકી ઊઠી હતી.

હવે ત્યાં શાંતિ છે.

પેસા હેઠળ આવતા વિસ્તારોની અંદર અને બહારની લગભગ 1500 ગ્રામસભાઓ સાથે ગડચિરોલી જિલ્લો સીએફઆરની સ્વીકૃતિના સંદર્ભમાં દેશમાં અગ્રેસર છે.

સમુદાયોએ તેમના જંગલોનું સંચાલન કરવાનું, ગૌણ વન પેદાશોની એકઠી કરવાનું અને વધુ સારો ભાવ મેળવવા માટે હરાજી યોજવાનું શરૂ કર્યું છે, જેના કારણે તેમની આવકમાં વધારો થયો છે. સંકેતો એ છે કે સીએફઆરને કારણે સામાજિક અને આર્થિક સ્થિરતા આવી છે અને દાયકાઓની સંઘર્ષ અને ઝઘડાઓની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે.

સુરજાગઢ ખાણો માથાનો દુખાવો બની ગઈ છે: ટેકરીઓ ખોદી નાખવામાં આવી છે; ટેકરીઓમાંથી વહેતી નદીઓ અને નાળાઓમાં હવે લાલ પ્રદૂષિત પાણી વહે છે. લાંબા અંતર સુધી તમે અતિ સુરક્ષિત અને વાડથી ઘેરાયેલા ખાણના સ્થળેથી અયસ્ક  બહાર લઈ જતી ટ્રકોની અતિશય લાંબી હાર જોઈ શકો છો. ખાણોની આસપાસના જંગલોથી છવાયેલા ગામો સંકોચાઈને એક સમયના મૂળે સમૃદ્ધ ગામોનો નિસ્તેજ પડછાયો બનીને રહી ગયા છે.

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

એક તરફ એક તળાવમાંથી સૂરજાગઢ ખાણો સુધી પાણી લઈ જવા માટે વિશાળ પાઈપલાઈન (ડાબે) નાખવામાં આવી રહી છે, તો બીજી તરફ, મોટી ટ્રકો (જમણે) આયર્ન ઓરને આ જિલ્લામાંથી બીજે સ્થળે આવેલ સ્ટીલ પ્લાન્ટ્સમાં લઈ જાય છે

PHOTO • Jaideep Hardikar
PHOTO • Jaideep Hardikar

ડાબે: તોડગટ્ટા ખાતે લગભગ 70 ગામોના લોકો સૂચિત આયર્ન ઓરની ખાણો સામે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છે. જમણે: શાંત અને નિર્મળ માલમપાડ ગામ સુરજાગઢ ખાણોની પાછળ આવેલું છે. ઉરાંઓ આદિજાતિની વસ્તી ધરાવતું આ ગામ આ આદિજાતિના જંગલો અને તેમના ખેતરોના વિનાશનું સાક્ષી રહી ચૂક્યું છે

ઉદાહરણ તરીકે, માલમપાડ ગામ લો. ચામોર્શી બ્લોકમાં સુરજાગઢ ખાણોની પાછળ આવેલું ઉરાંઓ સમુદાયનું આ નાનકડું ગામ સ્થાનિક રીતે માલમપાડી તરીકે ઓળખાય છે. અહીંના યુવાનો ખાણમાંથી નીકળતા પ્રદૂષકોને કારણે ખેતીને કેટલી ગંભીર અસર પહોંચી છે એની વાત કરે છે. તેઓ પાયમાલી, બરબાદી અને પ્રવર્તતી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે વાત કરે છે. કેટલાક ગામો, બહારના લોકો જેને ‘વિકાસ’ કહે છે તેને કારણે, શાંતિનો વિનાશ થતો જોઈ રહ્યાં છે.

ગડચિરોલીમાં રાજ્યના સુરક્ષા દળો અને સીપીઆઈ (માઓવાદીઓ) ના સશસ્ત્ર ગેરીલાઓ વચ્ચે હિંસા અને સંઘર્ષનો લાંબો ઇતિહાસ રહ્યો છે, ખાસ કરીને જિલ્લાના દક્ષિણ, પૂર્વ અને ઉત્તરીય ભાગોમાં આ સંઘર્ષ ઉગ્ર રહ્યો છે.

લોહી વહ્યું. ધરપકડો થઈ. ત્રણ દાયકા સુધી સતત પૂરજોશમાં હત્યાઓ થતી રહી, ફાંસા ગોઠવાતા રહ્યા, હુમલાઓ થતા રહ્યા, મારપીટ ચાલતી રહી. સાથોસાથ લોકો ભૂખમરાથી અને મેલેરિયાથી પીડાતા રહ્યા અને નવજાત શિશુ અને માતા મૃત્યુ દરમાં વધારો થયો. લોકો મૃત્યુ પામ્યા.

તેમના સમુદાયના પહેલી પેઢીના શિક્ષિત યુવાનોમાંના એક, હંમેશા હસતા રહેતા નોગોટી કહે છે, "અમને એક વાર તો પૂછો કે અમારે શેની જરૂર છે અને અમારે શું જોઈએ છે. અમારે અમારી પોતાની પરંપરાઓ છે; અમારી પોતાની લોકશાહી પ્રણાલીઓ છે; અને અમે અમારે માટે વિચારી શકીએ છીએ."

અનુસૂચિત જનજાતિ (શિડયુલ્ડ ટ્રાઇબ - એસટી) માટે આરક્ષિત આ વિશાળ મતવિસ્તારમાં 19 મી એપ્રિલના રોજ 71 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. 4 થી જૂને મતગણતરી પછી જ્યારે દેશને નવી સરકાર મળશે ત્યારે આપણને ખબર પડશે કે ગ્રામસભાના ઠરાવને કારણે કોઈ ફરક પડ્યો કે નહીં.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Jaideep Hardikar

Jaideep Hardikar is a Nagpur-based journalist and writer, and a PARI core team member.

Other stories by Jaideep Hardikar
Editor : Sarbajaya Bhattacharya

Sarbajaya Bhattacharya is a Senior Assistant Editor at PARI. She is an experienced Bangla translator. Based in Kolkata, she is interested in the history of the city and travel literature.

Other stories by Sarbajaya Bhattacharya
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik