આ વર્ષે ૧૦ મી એપ્રિલે રાત્રે ૧૦:૩૦ વાગે હૈયુલ રહમાન અન્સારી મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ પર હતા. તેઓ ઝારખંડના રાંચી જિલ્લાના હટિયા રેલ્વે સ્ટેશન જવાવાળી હટિયા એક્ષ્પ્રેસની વાટ જોઈ રહ્યા હતા, જે રાત્રે ૧૨:૩૦ વાગે ત્યાં આવવાની હતી. હટિયા સ્ટેશનથી રહમાન ઓટોરીક્ષા લઈને બસ સ્ટેન્ડ જશે, અને ત્યાંથી તેઓ નજીકના ચતરા જિલ્લામાં આવેલા પોતાના ગામ અસરહિયા જવાવાળી બસ પકડશે.

આ આખી મુસાફરીમાં દોઢ દિવસ લાગશે.

પરંતુ ટ્રેનમાં બેસતા પહેલાં સ્ટેશનના એક શાંત ખૂણામાં ઊભેલા૩૩ વર્ષીય રહમાને અમને જણાવ્યું કે તેઓ એક વર્ષના ગાળામાં શા માટે બીજી વખત મુંબઈથી પરત ફરી રહ્યા છે.

તેઓ  ઘેર જવા માટે ટ્રેનની વાટ જોઈ રહ્યા હતા એના થોડા  દિવસો પહેલાં એમના નવા શેઠે (એમ્પ્લોયરે) એમને કહ્યું હતું કે કામ ધીમું થઈ ગયું છે. “એમણે કહ્યું, ‘રહમાન માફ કરો, અમે તમને કામ પર નહીં રાખી શકીએ. તમે પાછળથી ફરીથી કોશિશ કરી શકો છો’.” અને આ રીતે તેમણે હાલની નોકરી ગુમાવી  - જે હજી શરૂ પણ નહોતી થઈ.

રહમાન ૧૦ વર્ષ પહેલાં જમશેદપુરની કરીમ સીટી કોલેજથી માસ કમ્યુનિકેશનમાં સ્નાતક (બીએ) કર્યા પછી મુંબઈ આવ્યા હતા. એમણે વિડિઓ એડિટર તરીકે પ્રોજેક્ટ-આધારિત કામ લેવાનું શરૂ કર્યું, જેનાથી શહેરમાં તેમનો ખર્ચ નીકળી શકે અને થોડા પૈસા ઘેર મોકલી શકે તેટલી આવક થતી હતી.

વિડિઓ જુઓ : ‘ મને કોરોના ની ચિંતા નથી , મને ફક્ત મારી નોકરી ની ચિંતા છે .’

પરંતુ માર્ચ ૨૦૨૦માં દેશવ્યાપી કોવિડ-૧૯ લોકડાઉનની જાહેરાત પછી એમણે પોતાની નોકરી ગુમાવી - અને એ સાથે એમનો માસિક ૪૦૦૦૦ રૂપિયાનો પગાર પણ (બંધ થઇ ગયો). રહમાને બાંદ્રા પશ્ચિમના લાલ મીટ્ટી વિસ્તારમાં એમના ગામના ચાર અન્ય લોકો સાથે ભાડાની નાની ખોલીમાં રહેવાનું ચાલુ રાખ્યું. દરેક જણ માથાદીઠ ૨૦૦૦ રૂપિયા ભાડું આપતા હતા. તેઓ યાદ કરે છે કે, એ અઘરું હતું - એક સમયે એમની પાસે રેશન માટે પણ પૈસા નહોતા.

રહમાને જણાવ્યું, “ગયા વર્ષે મને મહારાષ્ટ્ર સરકાર તરફથી કોઈ પણ પ્રકારની કોઈ મદદ નહોતી મળી." એક જૂના સહ-કર્મચારીએ એમને થોડા ચોખા, દાળ, તેલ અને ખજૂર આપ્યા હતા. “મને એ વખતે ખૂબ જ ખરાબ લાગતું હતું અને કોઇની સાથે આ વિશે વાત પણ નહોતો કરી શકતો.”

આ કારણે ગયા વર્ષે મે મહિનાના મધ્યમાં રહમાને પોતાના ગામ અસરહિયા પરત ફરવા માટે ત્રણ મહિનાનું ભાડું બચાવ્યું હતું. તેઓ તથા તેમની સાથે રહેતા બધા લોકોએ ઘેર જવા માટે એક ખાનગી બસ ભાડે કરી, જેમાં તેમણે પ્રત્યેક સીટ માટે ૧૦૦૦૦ રૂપિયા ખર્ચવા પડ્યા. તેમણે મકાન માલિકને વિનંતી કરી કે તેઓ ભાડું પછીથી ચૂકવી દેશે.

ગામમાં પરત ફર્યા પછી  રહમાન પોતાના પાંચ ભાઈઓ સાથે પરિવારની ૧૦ એકર જમીન પર કામ કરવા લાગ્યા, ત્યાં તેઓ પાકની વાવણી અને કાપણીની દેખરેખ રાખે છે. તેમના માતા-પિતા, ભાઈઓ, તેમનો પરિવાર બધા એ જ ગામમાં સાથે રહે છે. રહમાનની પત્ની ૨૫ વર્ષની  સલમા ખાતુન અને એમના બાળકો ૫ વર્ષનો અખ્લાક અને ૨ વર્ષની  સાઈમા નાઝ તેમની સાથે જ રહે છે.

મહામારી પહેલા રહમાન ઘરખર્ચ અને પોતાનું ખેતર ચલાવવા માટે તેમના પરિવારે લીધેલ લોનની ચુકવણી કરવા ૧૦૦૦૦-૧૫૦૦૦ રૂપિયા ઘેર મોકલતા હતા. જ્યારે લોકડાઉનના પ્રતિબંધોમાં હળવા કરવામાં આવ્યા  ત્યારે ભાવિ નોકરીની શક્યતા તેમને પાછી મુંબઈ લઇ આવી. લગભગ ૧૦ મહિના સુધી દૂર રહ્યા પછી, તેઓ ફેબ્રુઆરી ૨૦૨૧ના અંતમાં ફરીથી (મુંબઈ) પરત ફર્યા.

Haiyul Rahman Ansari posing for a selfie at his farm in Asarhia (left), and on April 10, 2021 at the Lokmanya Tilak Terminus before leaving Mumbai
PHOTO • Haiyul Rahman Ansari
Haiyul Rahman Ansari posing for a selfie at his farm in Asarhia (left), and on April 10, 2021 at the Lokmanya Tilak Terminus before leaving Mumbai
PHOTO • Haiyul Rahman Ansari

હૈયુલ રહમાન અન્સારી અસરહિયા માં પોતાના ખેતરની નજીક સેલ્ફી માટે પોઝ આપતી વખતે (ડાબે), અને મુંબઈથી રવાના થતા પહેલાં ૧૦ મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ લોકમાન્ય તિલક ટર્મિનસ પર

ત્યાં સુધીમાં  તેમની ઉપર મકાન માલિકનું  ૧૦ મહિનાનું  ભાડુ ચડી ગયું હતું . ખેતરમાં કામ કરીને બચાવેલા પૈસા અને લખનૌમાં નાના-મોટા એડિટીંગના કામ કરીને કરેલ કમાણીથી રહમાને મુંબઈ પહોંચ્યા પછી ૧૮૦૦૦ રૂપિયા - નવ મહિનાનું ભાડું  ચુકવી દીધું.

પરંતુ તેઓ નવી ઓફિસમાં નવી શરૂઆત કરે તે પહેલાં જ મહારાષ્ટ્રમાં ૫ મી  એપ્રિલથી આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી (આખું લોકડાઉન ૧૪ એપ્રિલથી લગાવવામાં આવ્યું). ઝડપથી ફેલાતી કોવિડ-૧૯ની બીજી લહેરને કારણે પ્રોજેક્ટો ધીમા પડી ગયા છે અને રહમાનના નવા શેઠે તેમને જણાવ્યું કે તેઓ હવે તેમને કામ પર નહીં રાખી શકે.

કામ શોધવાની અનિશ્ચિતતાની આટલી ચિંતા રહમાનને પહેલા નહોતી રહેતી . “મને કોઈ પ્રોજેક્ટ મળતો તો તે લગભગ છ મહિના સુધી ચાલતો, ક્યારેક બે વર્ષ માટે કે પછી ત્રણ મહિના સુધી પણ ચાલતો. હું તે મુજબ ટેવાઈ ગયો છું,” એમણે કહ્યું. “પરંતુ જ્યારે ઓફિસો અચાનક બંધ થઈ જાય ત્યારે ખૂબ જ મુશ્કેલી થાય છે.”

આ પહેલાં જો કોઈ એક ઓફિસમાં બરોબર મેળ ન પડે તો તેઓ હંમેશા બીજી જગ્યાએ અરજી  કરી શકતા. રહમાન સમજાવે છે, “હવે બીજે કામ મેળવવું અઘરું છે. મહામારીને લીધે તમારે કોરોના ટેસ્ટ કરાવવો પડે છે, સેનિટાઇઝ કરવું પડે છે… અને લોકો અજાણ્યા લોકોને પોતાના મકાનમાં આવવા દેતા નથી. આ અમારા માટે એક મોટી સમસ્યા બની ગઈ છે."

પોતાના ગામમાં રહેવા જેવું બીજું કોઈ સુખ નથી. પરંતુ તેઓ કહે છે, “પરંતુ હું આ પ્રકારનું કામ [વિડીઓ એડિટીંગ] ત્યાં ન કરી શકું. તમારે પૈસા જોઈતા હોય તો શહેરમાં જવું જ પડે છે.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Subuhi Jiwani

Subuhi Jiwani is a writer and video-maker based in Mumbai. She was a senior editor at PARI from 2017 to 2019.

Other stories by Subuhi Jiwani
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad