મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી - મહારાષ્ટ્ર જાહેર સેવા આયોગ) માટેની પ્રવેશ પરીક્ષા પોતે પાસ કરી છે એ જાણ્યાના થોડા કલાકો પછી સંતોષ ખાડેએ પોતાના એક મિત્રને તેમને બીડથી લગભગ 180 કિલોમીટર દૂર સોલાપુર હંકારી જવા વિનંતી કરી. શેરડીના લીલાછમ ખેતરોમાં પહોંચીને તેમણે કોપ - વાંસ, સૂકા ઘાસ અને તાડપત્રીના બનેલ કામચલાઉ ઘરને - શોધવા નજર દોડાવી. મિનિટોમાં જ 25 વર્ષના એ યુવાને એ ઘર તોડી નાખ્યું જ્યાં તેના માતાપિતા 30 વર્ષથી વધુ સમયથી (દર વર્ષે) છ મહિનાની શેરડીની મોસમ દરમિયાન લણણીના કામ માટે કામદાર તરીકે રહેતા હતા.

ખાડેએ કહ્યું, "હું (આ પ્રવેશ પરીક્ષા આપનાર તમામ) એનટી-ડી (વિચરતી જાતિઓની એક પેટા-શ્રેણી) ઉમેદવારોમાં પહેલો આવ્યો છું - એ પાછળથી જાણ્યું ત્યારે થયેલા આંનદ કરતાં મારા માતા-પિતાને હવે ફરી ક્યારેય શેરડીની લણણીના કામ માટે કામદારો તરીકે કામ કરવું નહીં પડે એ સુનિશ્ચિત કર્યાનો આનંદ કંઈક ગણો વધારે હતો." તેઓ પરિવારના 3 એકરના વરસાદી ખેતરને અડીને આવેલા પોતાના ઘરના વિશાળ વરંડામાં પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને વાત કરી રહ્યા હતા.

અગાઉ આ સમાચારને આંસુ અને હાસ્યની છોળો વડે વધાવી લેવાયા હતા. ખાડે એ છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુ સમયથી દર વર્ષે દુષ્કાળગ્રસ્ત પાટોદાથી સોલાપુર જિલ્લામાં સ્થળાંતર કરતા શ્રમિકોનો દીકરો છે. તેમણે કહ્યું કે સાવરગાવ ઘાટમાંથી તેમના જેવા 90 ટકા પરિવારો વાર્ષિક લણણીના  કામ માટે પશ્ચિમ મહારાષ્ટ્ર અને કર્ણાટકના શેરડી ઉગાડતા વિસ્તારોમાં સ્થળાંતર કરે છે.

વંજારી સમુદાયના સભ્ય ખાડેએ ખૂબ સારા ગુણાંક સાથે 2021ની એમપીએસસીની પરીક્ષાઓમાં સફળતા મેળવી – તેમણે સામાન્ય યાદીમાં રાજ્યભરમાં 16મું અને એનટી-ડી શ્રેણીમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.

લણણીની મોસમ દરમિયાન શેરડીના કામદારોની જિંદગીનું વર્ણન કરતાં તેમણે કહ્યું, “મારા માતા-પિતાએ વર્ષોના વર્ષો સુધી કરેલી તનતોડ મહેનતનું આ પરિણામ હતું. જો જાનવર કા જીના હોતા હૈ, વોહી ઉનકા જીના હોતા હૈ [તેમનું જીવન ઢોર જેવું હોય છે].  સૌથી પહેલા તો મારે મારા માતા-પિતાને આટલી બધી મહેનત ન કરવી પડે તેવું કરવું હતું, તે માટે મારે એક સારી નોકરી શોધવી હતી જેથી તેમને શેરડીની લણણીના કામ માટે સ્થળાંતર કરવું ન પડે."

Khade’s family’s animals live in an open shelter right next to the house
PHOTO • Kavitha Iyer

ખાડેના પરિવારના પશુધન તેમના ઘરની બાજુમાં જ ખુલ્લા વાડામાં રહે છે

2020 ના નીતિ આયોગના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશભરમાં સ્થાપિત 700 થી વધુ કેન ક્રશિંગ ફેક્ટરીઓ સાથે ભારતીય ખાંડ ઉદ્યોગ નું વાર્ષિક ઉત્પાદન અંદાજે 80000 કરોડ રુપિયા છે.

એકલા મહારાષ્ટ્રમાં જ શેરડીની લણણીના કામ સાથે સંકળાયેલા લગભગ 8 લાખ શ્રમિકો આ કારખાનાઓને ધમધમતા રાખે છે. મોટા ભાગના શ્રમિકો મરાઠવાડા ક્ષેત્રના છે, ખાસ કરીને બીડ જિલ્લાના. આ શ્રમિકોને પરંપરાગત રીતે ઊઘડી રકમ ચૂકવવામાં આવે છે, જેને ઉચલ તરીકે ઓળખવામાં આવે છે (જેનું શાબ્દિક ભાષાંતર 'ઉપડાઈ' થાય છે). સામાન્ય રીતે એ 60000 રુપિયાથી શરુ કરીને 100000 રુપિયા સુધીની હોય છે અને સામાન્ય રીતે એક દંપતીને એક આખી સીઝન માટે ચૂકવવામાં આવે છે, સીઝન છ થી સાત મહિના સુધી ચાલે છે.

કામની જગ્યાની પરિસ્થિતિ અને રહેવાની સ્થિતિ અત્યંત ખરાબ હોય છે: ખાડેના માતા સરસ્વતીએ જણાવ્યું હતું કે ફેક્ટરીમાં તાજી કાપેલી શેરડી પહોંચાડી શકાય એ માટે ઘણીવાર તેમણે સવારે 3 વાગ્યે ઊઠવું પડતું; તેઓ હંમેશ વાસી ખોરાક ખાતા, તેમને ક્યારેય શૌચાલયની સુવિધા મળી નહોતી અને વર્ષો સુધી પાણી ભરવા માટે પગ ઘસડીને દૂર દૂર સુધી જવું પડતું. 2022 માં રેતી ઊંચકવાની એક ટ્રકે તેમના બળદગાડાને ટક્કર મારતાં તેઓ બળદગાડા પરથી પડી ગયા હતા અને તેમના પગે ફ્રેક્ચર થયું હતું.

ખાડેએ ઘણી રજાઓ પોતાના માતા-પિતા સાથે શેરડીના સાંઠા અથવા વાડં (ઝાડ પરથી ખરેલા પાંદડા) ભેગા કરી બાંધવામાં ગાળી હતી.  આ પાંદડા તેઓ પછીથી ચારા તરીકે વેચતા હતા અથવા બળદોને નીરતા.

ખાડેએ કહ્યું, "ઘણા છોકરાઓનું સ્વપ્ન વર્ગ 1 ના અધિકારી બનવાનું હોય છે, એક આલીશાન ઓફિસ હોય, સારો પગાર હોય, સારી ખુરશી હોય, લાલ-દીવા વાળી ગાડી હોય. મારા એવા કોઈ સપના નહોતા. મારું સપનું મર્યાદિત હતું: મારા માતા-પિતાને માણસો જેવી જિંદગી આપવાનું.

2019 માં મહારાષ્ટ્ર સરકારે ગોપીનાથ મુંડે શુગરકેન કટીંગ વર્કર્સ કોર્પોરેશનની સ્થાપના કરી . નાણાકીય વર્ષ 2023-24 માટે સરકારે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવતી કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે 85 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે તેમ છતાં શ્રમિકો આજે પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં મજૂરી કરી રહ્યા છે.

*****

Santosh Khade and his mother, Saraswati, in the small farmland adjoining their home
PHOTO • Kavitha Iyer

સંતોષ ખાડે અને તેમના માતા સરસ્વતી, તેમના ઘરની બાજુમાં આવેલા નાના ખેતરમાં

પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે ખાડે, તેમની બે બહેનો અને તેમના પિતરાઈઓ વર્ષના છ મહિના તેમના દાદી પાસે રહેતા. તેઓ શાળાએથી પાછા ફરતા, ખેતરમાં કામ કરતા અને સાંજે ભણતા.

ખાડેના માતા-પિતાની ખૂબ ઈચ્છા હતી કે  પેઢીઓની આ તનતોડ મજૂરીમાંથી પોતાના છોકરાને છૂટકારો મળે, આથી તેમણે 5 મા ધોરણમાં ખાડેને અહેમદનગરમાં આશ્રમશાળા (રાજ્ય સરકાર દ્વારા વિચરતી જાતિઓ ઉપરાંત અન્ય લોકો માટે ચલાવવામાં આવતી મફત નિવાસી શાળા) માં દાખલ કર્યો.

“અમે ગરીબ હતા, પણ મારા માતા-પિતાએ મને લાડથી ઉછેર્યો હતો. તેથી અહેમદનગરમાં ત્યાં એકલા રહેવાનું મને ન ફાવ્યું ત્યારે ધોરણ 6 અને 7 માટે મને પાટોદા નગરના એક છાત્રાલયમાં મૂક્યો હતો.

હવે ઘરની નજીક આવી ગયેલા ખાડેએ શનિ-રવિ અને રજાઓના દિવસો નાની નોકરીઓ કરવામાં, રેસ્ટોરન્ટ્સમાં કામ કરવામાં અથવા થોડાઘણા કપાસનું વેચાણ કરવામાં પસાર કરવાનું શરૂ કર્યું. તેને મળતું દાડિયું તેમના માતાપિતાને માંડ પોસાઈ શકે તેવી વસ્તુઓ પર ખર્ચવામાં આવતું - બેગ, પુસ્તકો, ભૂમિતિના સાધનો વિગેરે.

10 મા ધોરણમાં આવ્યા ત્યાં સુધીમાં ખાડેએ  રાજ્ય જાહેર સેવા આયોગની નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંવાનું નક્કી કરી લીધું હતું.

ખાડેએ કહ્યું, “સાચું પૂછો તો બીજા કોઈ વ્યાવસાયિક શૈક્ષણિક અભ્યાસક્રમ પરવડી જ ન શક્યા હોત – મારા માતા-પિતા છ મહિના માટે સ્થળાંતર કરીને 70000-80000 રુ પિયા કમાતા અને મેં જે પણ અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો હોત તેને માટે અમારે 1 થી 1.5 લાખ [રુપિયા] ખર્ચ થયો હોત. એમપીએસસી પરીક્ષામાં બેસવાની પસંદગી પણ વ્યવહારુ હતી. પરીક્ષામાં બેસવા માટે તમારે કોઈ ખાસ ફી ચૂકવવાની કે કોઈ ખાસ કોર્સ લેવાની જરૂર નથી, નથી જરૂર કોઈને લાંચ આપવાની કે નથી જરૂર કોઈની ભલામણની. મારે માટે એ કારકિર્દીની સૌથી સુગમ પસંદગી હતી. ફકત આણિ ફકત આપલ્યા મહેનતીચા જોરાવર આપણ પાસ હોઉ શકતો [કોઈ પણ વ્યક્તિ માત્ર  પોતાની મહેનતના જોરે એ પરીક્ષામાં સફળ થઈ શકે છે.]”

સ્નાતક કક્ષાના અભ્યાસ માટે તેઓ બીડ શહેરમાં સ્થળાંતરિત થયા અને સાથે સાથે એમપીએસસી પરીક્ષાઓની તૈયારી કરવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, "મને લાગ્યું કે મારી પાસે સમય નહોતો, હું મારી સ્નાતકની પદવી મેળવું એ જ વર્ષે એમપીએસસી પરીક્ષા પણ પાસ કરવા માગતો હતો."

Left: Behind the pucca home where Khade now lives with his parents and cousins  is the  brick structure where his family lived for most of his childhood.
PHOTO • Kavitha Iyer
Right: Santosh Khade in the room of his home where he spent most of the lockdown period preparing for the MPSC entrance exam
PHOTO • Kavitha Iyer

ડાબે: ખાડે હવે તેના માતા-પિતા અને પિતરાઈઓ સાથે રહે છે જ્યાં રહે છે તે  પાકા ઘરની પાછળ ઈંટનું માળખું છે, ખાડેના બાળપણના મોટાભાગના સમય દરમિયાન તેમનો પરિવાર ત્યાં રહેતો હતો.

જમણે: સંતોષ ખાડે તેમના ઘરના એ રૂમમાં જ્યાં તેમણે લોકડાઉનનો મોટાભાગનો સમયગાળો એમપીએસસી પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં વિતાવ્યો હતો

ત્યાં સુધી આ પરિવાર પતરાના છાપરાવાળા માટીના નીચા ઘરમાં રહેતો હતો, સાવરગાવ ઘાટમાં તેમના નવા ઘરની પાછળ હજી આજેય આ માળખું ઊભું છે. ખાડે કોલેજમાં જવા માંડ્યો ત્યારે પરિવારે પોતાનું પાકું ઘર બાંધવાનું નક્કી કર્યું. ખાડેએ કહ્યું કે તેમને પોતાનું ભણતર પૂરું કરીને તાકીદે નોકરી શોધવાની ખૂબ જરૂર હોય એવું લાગ્યું.

2019 માં તેમનો સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ પુણેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બીજા વિદ્યાર્થીઓ સાથે છાત્રાલયમાં રહેતા હતા, ત્યાં પોતાનો મોટા ભાગનો સમય તેમણે પુસ્તકાલયોમાં ગાળવાનું શરૂ કર્યું. તેઓ મિત્રોને, બહાર ફરવા જવાનું અને ચા પીવા વિરામ લેવાનું ટાળનાર યુવક તરીકે જાણીતા થયા.

તેમણે કહ્યું, "અપુન ઈધર ટાઈમપાસ કરને નહીં આયે હૈં [અમે કંઈ ત્યાં જલસા કરવા નહોતા ગયા]."

પુણેના જૂના રહેણાંક વિસ્તાર કસ્બા પેઠમાં આવેલી લાયબ્રેરીમાં જતા પહેલા તેઓ પોતાનો સેલફોન રૂમમાં મૂકીને જતા. ત્યાં તેઓ રાતના 1 વાગ્યા સુધી ભણતા, તેઓ પાછલા વર્ષોના પ્રશ્નપત્રો વાંચતા અને ઉકેલતા, ઈન્ટરવ્યુ વિભાગમાં સંશોધન કરતા, પ્રશ્નપત્ર કાઢનારાઓ અને ઇન્ટરવ્યુ લેનારાઓની મનોવૃત્તિ સમજવાનો પ્રયત્ન કરતા.

એક દિવસમાં તેઓ સરેરાશ 500-600 એમસીક્યુ (બહુવિધ પસંદગીના પ્રશ્નો) હલ કરતા.

5 મી એપ્રિલ, 2020 ના રોજ લેવાનારી પહેલી લેખિત પરીક્ષા કોવિડ -19 મહામારીને કારણે અનિશ્ચિત સમય માટે પાછી ઠેલાઈ હતી.ખાડે કહે  છે, "મેં (આ વધારાના) સમયનો લાભ લેવાનું નક્કી કર્યું." તેથી સાવરગાવ ઘાટમાં તેમણે તેમના હવે લગભગ બંધાઈ જવા આવેલા પાકા ઘરના એક ઓરડાને પોતાને માટેના  અભ્યાસ ખંડમાં ફેરવી નાખ્યો. "ક્યારેક હું એ ઓરડાની બહાર નીકળું તો કાં તો રાન (ખેતર) માં જતો ને ત્યાં આંબાના ઝાડ નીચે બેસીને ભણતો, કે પછી ઠંડી સાંજે અગાશી પર ભણવા જતો."

આખરે જાન્યુઆરી 2021માં તેમણે એમપીએસસી પ્રિલિમિનરી પરીક્ષા આપી, આગલા સ્તર પર જવા માટે જરૂરી કટઓફ કરતાં 33 ગુણાંક વધુ મેળવ્યા. જોકે 'મેઈન્સ' અથવા મુખ્ય પરીક્ષા પણ આ વખતે પાછી ઠેલાઈ હતી, મહામારીની બીજી લહેરને કારણે.

દરમિયાન ખાડેના પરિવારમાં પણ દુઃખદ ઘટના બની ગઈ. તેઓ યાદ કરે છે, “મારો 32 વર્ષનો પિતરાઈ કોવિડથી મૃત્યુ પામ્યો. તે હોસ્પિટલમાં મારી સામે જ મૃત્યુ પામ્યો. અમે અમારા ખેતરમાં તેના અંતિમ સંસ્કાર કર્યા હતા."

તે પછીના 15-દિવસના આઈસોલેશન દરમિયાન નિરાશ થઈ ગયેલા ખાડેને લાગ્યું કે એક માત્ર શિક્ષિત યુવાન તરીકે હવે ઘેર રહેવાની જવાબદારી તેની હતી. મહામારીને કારણે આજીવિકાના સાધનો રહ્યા નહોતા અને આવકને નુકસાન પહોંચ્યું હતું. ખાડેએ તેમની એમપીએસસીની પરીક્ષા આપવાનું માંડી વાળવાનો વિચાર કર્યો.

તેમણે કહ્યું, "છેવટે વિચાર કરતા બધાને લાગ્યું જો હું અત્યારે (એમપીએસસી અધવચ્ચે) છોડી દઈશ તો મારા ગામના શેરડીની કાપણીના કામ પર નભતા એકેએક જણ માની લેશે કે તેઓ જિંદગીમાં ક્યારેય વધુ સારું કશુંક હાંસલ નહિ કરી શકે.

*****

Santosh Khade with one of the family’s four bullocks. As a boy, Khade learnt to tend to the animals while his parents worked
PHOTO • Kavitha Iyer

પરિવારના ચાર બળદમાંથી એક સાથે સંતોષ ખાડે. એક કિશોર તરીકે ખાડે જ્યારે તેના માતાપિતા કામ પર હોય ત્યારે પશુધનની સંભાળ રાખતા શીખ્યા હતા

ડિસેમ્બર 2021 માં મુખ્ય પરીક્ષામાં ખાડે ઈન્ટરવ્યુ રાઉન્ડ માટે ક્વોલિફાય થયા અને તરત તેમણે પોતાના માતા-પિતાને વચન આપ્યું કે 2022માં તેમને શેરડી કાપવા પાછા જવું નહીં પડે.

પરંતુ મૂંઝાયેલા અને ગભરાયેલા ખાડેએ તેમના પહેલા ઈન્ટરવ્યૂમાં ગોટાળા કર્યા. "મને જવાબો ખબર હોય તો પણ હું 'માફ કરશો' એમ કહેતો." તેઓ 0.75 ગુણથી કટઓફ ચૂકી ગયા અને 2022ની મુખ્ય પરીક્ષાને 10 દિવસ કરતાં ઓછા સમય બાકી હતો. “મૈં સુન્ન હો ગયા [હું સુન્ન થઈ ગયો હતો]. મારા માતા-પિતા શેરડીની કાપણી માટે દૂર હતા. મેં હતાશામાં બાપુ [પિતા] ને ફોન કર્યો અને કહ્યું કે મેં તેમને આપેલું વચન હું નહીં પાળી શકું.”

આગળ શું થયું તેની વાત કરતા ખાડે લાગણીવશ થઈ જાય છે. તેમને લાગતું હતું કે પોલિયોને કારણે અપંગ થઈ ગયેલા અને એમપીએસસી પરીક્ષા પ્રક્રિયા અથવા તેના સ્પર્ધાત્મક પ્રકાર વિશે કશુંય ન જાણતા તેમના અભણ પિતા નક્કી તેમને ઠપકો આપશે.

"તેને બદલે તેમણે મને કહ્યું, 'ભાવડ્યા [તેમના માતા-પિતા તેને પ્રેમથીઆ રીતે સંબોધે છે], તારે માટે હું બીજા પાંચ વર્ષ શેરડી કાપી શકું છું.' તેમણે મને કહ્યું કે હું પ્રયત્ન કરવાનું છોડી ન શકું, મારે સરકારી અધિકારી બનવાનું જ છે. એ પછી મારે બીજા કોઈ પ્રેરણા આપતા ભાષણની જરૂર ન પડી."

પુણેમાં પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને ખાડે લાયબ્રેરીમાં પાછા ફર્યા. તેના પછીના પ્રયાસમાં તેમના ગુણ 700 માંથી 417 થી વધીને 461 થયા. હવે તેમને ઈન્ટરવ્યુ રાઉન્ડમાં 100 માંથી માત્ર 30-40 ગુણની જરૂર હતી.

ઓગસ્ટ 2022 માં લેવાનાર ઈન્ટરવ્યૂ પાછો ઠેલાતો રહ્યો, તેમના માતા-પિતાએ બીજા વર્ષનું ઉચલ સ્વીકારવાનું નક્કી કર્યું. "તે દિવસે મેં મારી જાતને વચન આપ્યું કે જ્યારે હું તેમને ફરી મળીશ ત્યારે કંઈક નક્કર હાંસલ કરીને મળીશ."

જાન્યુઆરી 2023 માં જે દિવસે તેમનો ઈન્ટરવ્યુ પૂરો થયો ત્યારે તેમને લગભગ ખાતરી હતી કે તેમની પસંદગી થઈ જશે, તેમણે પિતાને ફોન કરીને કહ્યું કે તેઓને ફરી ક્યારેય કોયતા (દાતરડું) ઉપાડવું પડશે નહીં. ઉચલની ચૂકવણી કરી દેવા માટે તેમણે પૈસા ઉછીના લીધા અનેતરત સોલાપુરપહોંચ્યા, તેમણે તેમના માતા-પિતાનો સામાન અને તેમના બે બળદ ત્યાંથી એક પીક-અપ ટ્રકમાં ભરીને પોતાને ઘેર પાછા મોકલાવી દીધા.

“જે દિવસે તેઓ (શેરડીની લણણી માટે મજૂરો તરીકે કામ કરવા) ગયા હતા તે દિવસ મારા માટે કાળો દિવસ હતો. જે દિવસે મેં તેમને ઘરે પાછા મોકલ્યા તે દિવસ મારા જીવનનો સૌથી વધુ ખુશીનો દિવસ હતો.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Kavitha Iyer

Kavitha Iyer has been a journalist for 20 years. She is the author of ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021).

Other stories by Kavitha Iyer
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik