કૃષ્ણાજી ભરીત કેન્દ્રમાં કોઈ નવરું નથી.

બપોરના અથવા રાતના ભોજનના કલાકો પહેલાં અને જલગાંવ રેલ્વે સ્ટેશન પર લાંબા અંતરની મુખ્ય ટ્રેનો ઊભી રહે એ પહેલાં લગભગ 300 કિલોગ્રામ રીંગણ અથવા રીંગણ ભરીત દરરોજ રાંધવામાં આવે છે, પીરસવામાં આવે છે, પેક કરવામાં આવે છે અને મોકલવામાં આવે છે. એ જલગાંવ શહેરના જૂના બીજે માર્કેટ વિસ્તારમાં આવેલું એક સાવ નાનુંઅમથું આઉટલેટ છે, અને તેના ગ્રાહકોમાં ઉદ્યોગપતિઓથી લઈને મજૂરો સુધી, મહત્વાકાંક્ષી સંસદસભ્યોથી લઈને કંટાળી ગયેલા પક્ષના કાર્યકરો સુધીના સૌ કોઈ છે.

ગરમીના દિવસોમાં અઠવાડિયાના ચાલુ દિવસે સાંજે રાત્રિભોજનના સમય પહેલાં, કૃષ્ણાજી ભરીતની અંદર સાફ કરવાનું, સમારવાનું, વાટવાનું, છોલવાનું, શેકવાનું, તળવાનું, હલાવવાનું, પીરસવાનું અને પેકિંગ કરવાનું એમ કંઈ કેટલાય કામ ચાલી રહ્યા છે. પુરૂષો ભોજનાલયની બહાર ત્રણ સ્ટીલની રેલિંગ ફરતે કતારમાં ઊભા છે, આ રેલિંગ એક જમાનામાં પેલા જૂના સિંગલ-સ્ક્રીન સિનેમાઘરોમાં કતાર વ્યવસ્થાપન માટે બોક્સ ઓફિસની બહાર રાખવામાં આવતી રેલિંગ જેવી લાગે છે.

અહીં મુખ્ય ભૂમિકામાં છે 14 મહિલાઓ.

PHOTO • Courtesy: District Information Officer, Jalgaon

જલગાંવના જિલ્લા કલેક્ટર આયુષ પ્રસાદે એપ્રિલ 2024 ના છેલ્લા અઠવાડિયામાં કૃષ્ણાજી ભરીતમાં ચૂંટણી જાગૃતિ અંગેનો વીડિયો શૂટ કર્યો હતો . જિલ્લા માહિતી અધિકારીના જણાવ્યા અનુસાર વીડિયો લાખો વખત ડાઉનલોડ કરવામાં અને જોવામાં આવ્યો હતો

રીંગણ ભરીત રાંધવા માટેની વિસ્તૃત તૈયારીમાં તેમની ભૂમિકા ખૂબ મહત્વની છે, તેઓ રોજેરોજ ત્રણ ક્વિન્ટલ રીંગણમાંથી રીંગણ ભરીત રાંધે છે, જે દેશમાં બીજે બધે બૈંગન કા ભરતા તરીકે ઓળખાય છે. જલગાંવ જિલ્લા વહીવટીતંત્રે આ વ્યસ્ત આઉટલેટમાં ચૂંટણી જાગૃતિ અંગેનો વીડિયો શૂટ કર્યા પછી,  હવે ઘણા લોકો તેમના ચહેરાઓ ઓળખતા થઈ ગયા છે.

આ વીડિયોનો ઉદ્દેશ્ય જલગાંવ સંસદીય મતવિસ્તારમાં 13 મી મેના રોજ મતદાન થાય ત્યારે મહિલા મતદારોની સંખ્યામાં વધારો કરવાનો છે, આ વીડિયોમાં કૃષ્ણાજી ભરીતની મહિલાઓ તેમના અધિકારો વિશે તેઓ શું જાણે છે તેની અને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રક્રિયા વિશે તે દિવસે તેઓ શું શીખ્યા તેની ચર્ચા કરતી દર્શાવવામાં આવી હતી.

મીરાબાઈ નરલ કોંડે કહે છે, "જિલ્લા કલેક્ટર પાસેથી મેં જાણ્યું કે એ એક ક્ષણ માટે, જ્યારે અમે અમારી શાહીથી ચિહ્નિત કરેલી આંગળીઓ સાથે મતદાન મશીનની સામે ઊભા હોઈએ છીએ, ત્યારે અમે ખરા અર્થમાં સ્વતંત્ર હોઈએ છીએ." મીરાબાઈના પરિવારની એક નાનકડી વાળંદની દુકાન છે. આ ભોજનાલયમાંથી તેમને મળતો પગાર એ પરિવારની આવકમાં એક મહત્વપૂર્ણ ઉમેરો છે. તેઓ કહે છે, "અમે અમારા પતિ અથવા માતાપિતા અથવા શેઠ અથવા નેતાને પૂછ્યા વિના મશીનની સામે અમારી પસંદગી કરી જાતે શકીએ છીએ."

ઓક્ટોબરથી ફેબ્રુઆરી, જ્યારે શિયાળાના શ્રેષ્ઠ રીંગણા સ્થાનિક બજારો ભરી દે છે ત્યારે, પીક સીઝન દરમિયાન કૃષ્ણાજી ભરીતના રસોડામાં ઉત્પાદન વધીને 500 કિલો સુધી પહોંચી જાય છે. મહિલાઓ કહે છે કે તાજાં પીસેલાં અને તળેલાં મરચાં, કોથમીર, શેકેલી મગફળી, લસણ અને નારિયેળનો સ્વાદ એ આ આઉટલેટની લોકપ્રિયતાનું એક કારણ છે. બીજું કારણ કે એ પોસાય એવું છે. 300 થી ઓછા રુપિયામાં પરિવારો એક કિલો ભરીત અને કેટલીક વધારાની વસ્તુઓ (એડ-ઓન્સ) લઈ શકે છે.

ચારેય સ્ટવટોપ ચાલતા હોય ત્યારે ભઠ્ઠીમાં ફેરવાઈ જતા 10 x 15 ફૂટના આ રસોડામાં દાળ ફ્રાય, પનીર-મટર અને બીજી શાકાહારી વસ્તુઓ સહિત કુલ 34 વસ્તુઓ બનાવાય છે. જોકે આ પ્રોડક્ટ લાઇનમાં શિરમોર તો છે ભરીત અને શેવ ભાજી, જે ચણાના લોટમાંથી બનાવેલી તળેલી શેવની રસાદાર વાનગી છે.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ડાબે: દરરોજ 3 થી 5 ક્વિન્ટલ રીંગણ ભરીત બનાવવા માટે કૃષ્ણા ભરીત સ્થાનિક ખેડૂતો પાસેથી અને બજારોમાંથી સારામાં સારા રીંગણ ખરીદે છે. જમણે: રાત્રિભોજન માટે ઉમટતા લોકો માટે તાજી કરી અને ભરીત બનાવવા સાંજના 7:30 વાગ્યાની આસપાસ સમારવા માટે તૈયાર ડુંગળી

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ડાબે: કૃષ્ણાજી ભરીતના નાના રસોડામાં ચારમાંથી એક સ્ટવટોપની બાજુમાં પડેલા વટાણા, મસાલા, કોટેજ ચીઝનો એક બ્લોક અને તાજી રાંધેલી દાળ ફ્રાયના બે ડબ્બા. જમણે: રઝિયા પટેલ સૂકા કોપરાને પીસીને અથવા વાટીને પેસ્ટ બનાવતા પહેલા તેના નાના ટુકડા કરી લે છે. તેઓ આ રીતે દિવસના 40 જેટલા કોપરાના નાના ટુકડા કરે છે

વાતચીત જ્યારે પોસાઈ શકવાના અને જીવનનિર્વાહના ખર્ચના મુદ્દા તરફ વળે છે ત્યારે અચાનક મહિલાઓ શરમ છોડી ખુલીને વાત કરવા માંડે છે. 46 વર્ષના પુષ્પા રાવસાહેબ પાટીલને સુરક્ષિત રસોઈ ઈંધણ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરનો લાભ મળી શક્યો નહોતો. તેઓ કહે છે કે દસ્તાવેજોમાં સમસ્યા હતી.

60 વર્ષથી વધુ ઉંમરના ઉષાબાઈ રામા સુતાર પાસે ઘર નથી. ઘણા વર્ષો પહેલા પોતાના પતિને ગુમાવ્યા પછી તેઓ પોતાને વતન પાછા ફર્યા હતા. તેઓ કહે છે, "લોકાંન્ના મૂળભૂત સુવિધા મિળાયાલા હવેત, નાહી [લોકોને મૂળભૂત સુવિધાઓ મળવી જોઈએ, ખરું ને]? તમામ નાગરિકો પાસે રહેવા માટે ઘરો હોવા જોઈએ."

મોટાભાગની મહિલાઓ ભાડાના આવાસમાં રહે છે. 55 વર્ષના રઝિયા પટેલ કહે છે કે 3500 રુપિયા ભાડું, તેમની નજીવી માસિક આવકના લગભગ ત્રીજા ભાગનું છે. તેઓ કહે છે, "એક પછી એક દરેક ચૂંટણીમાં, અમે મહંગાઈ [મોંઘવારી] વિશેના માત્ર વચનો સાંભળતા રહીએ  છીએ. ચૂંટણી પછી બધી વસ્તુના ભાવ વધતા જ રહે છે."

મહિલાઓ કહે છે કે તેઓ સ્વતંત્ર રહી શકે એ માટે આ કામ કરે છે, અને બીજું કારણ એ કે બીજો કોઈ વિકલ્પ નથી. ઘણી મહિલાઓ અહીં ઘણા વર્ષોથી કામ કરે છે - સુતાર 21 વર્ષથી, સંગીતા નારાયણ શિંદે 20 વર્ષથી, માલુબાઈ દેવીદાસ મહાલે 17 વર્ષથી અને ઉષા ભીમરાવ ધનગર 14 વર્ષથી.

તેમના દિવસની શરૂઆત 40 થી 50 કિલો રીંગણા તૈયાર કરવાથી થાય છે, તેઓ આખા દિવસ દરમિયાન જે કેટલીક બેચ તૈયાર કરશે તેમાંની આ પહેલી બેચ છે. રીંગણને વરાળે બાફીને, શેકીને, છોલીને, અંદરના ગરને કાળજીપૂર્વક બહાર કાઢીને હાથ વડે છૂંદવો પડે.  કિલોના માપમાં લીલા મરચાંને લસણ અને મગફળી સાથે હાથેથી ખાંડવામાં આવે. આ ઠેચા (લીલા મરચાં અને મગફળીની સૂકી ચટણી) ને ગરમ તેલમાં, ડુંગળી અને રીંગણ ઉમેરતાં પહેલાં, બારીક સમારેલી કોથમીર સાથે ઉમેરવામાં આવે. આ મહિલાઓ રોજેરોજ કેટલાક ડઝન કિલો ડુંગળી પણ સમારે છે.

PHOTO • Kavitha Iyer
PHOTO • Kavitha Iyer

ડાબે: મહિલાઓ દરરોજ લગભગ 2000 પોળી અથવા ચપાતી અને એ ઉપરાંત બાજરાની 1500 ભાખરીઓ બનાવે છે. જમણે:  કૃષ્ણાજી ભરીતની ‘પાર્સલ ડિલિવરી’ બારીની બહાર પાર્સલ કરવા તૈયાર કરીની પ્લાસ્ટિકની થેલીઓ

કૃષ્ણાજી ભરીત એ માત્ર સ્થાનિક લોકોમાં જ જાણીતું છે એવું નથી; દૂર-દૂરના શહેરો અને તાલુકાઓના લોકોમાં પણ એ જાણીતું છે. અંદરના નવ પ્લાસ્ટીકના ટેબલ પર વહેલું રાત્રિભોજન લઈ રહેલા લોકોમાંના કેટલાક 25 - 50 કિમી દૂર આવેલા પચોરા અને ભુસાવળથી આવ્યા છે.

કૃષ્ણાજી ભરીત ડોમ્બિવલી, થાણે, પુણે અને નાશિક સહિતના 450 કિમી દૂરના સ્થળોએ દરરોજ ટ્રેન દ્વારા 1000 પાર્સલ મોકલે છે.

અશોક મોતીરામ ભોલે દ્વારા 2003 માં સ્થપાયેલ કૃષ્ણાજી ભરીતનું નામ એક સ્થાનિક ધર્મગુરુના નામ પરથી રાખવામાં આવ્યું હતું જેમણે આ ભોજનાલયના માલિકને કહ્યું હતું કે શાકાહારી ખોરાક વેચતું ભોજનાલય નફાકારક સાબિત થશે. મેનેજર દેવેન્દ્ર કિશોર ભોલે જણાવે છે કે અહીંનું ભરીત એક ઘેર બનાવેલી અધિકૃત પરંપરાગત વાનગી છે જે લેવા પાટીલ સમુદાય દ્વારા સૌથી સારી રીતે રાંધવામાં આવે છે.

લેવા- પાટીલ, ઉત્તર મહારાષ્ટ્રના ખાનદેશ પ્રદેશમાં સામાજિક-રાજકીય રીતે આગળ પડતો આ સમુદાય, તેમની પોતાની બોલીઓ અને વાનગીઓ અને સાંસ્કૃતિક મૂળ ધરાવતો કૃષિ સમુદાય છે.

એક તરફ રીંગણની કરીની સુગંધ ભોજનાલયમાં પ્રસરવાનું શરુ થાય છે અને બીજી તરફ મહિલાઓ રાત્રિભોજન માટે પોળી અને ભાખરીઓ બનાવવાનું શરૂ કરે છે. મહિલાઓ દરરોજ લગભગ 2000 પોળી (ચપાતી, ઘઉંની રોટલી) અને લગભગ 1500 ભાખરીઓ (બાજરીના રોટલા, કૃષ્ણાજી ભરીતમાં સામાન્ય રીતે બાજરી અથવા મોતી બાજરીમાંથી રોટલા બનાવવામાં આવે છે) બનાવે છે.

ટૂંક સમયમાં જ રાત્રિભોજનનો સમય થઈ જશે અને એ દિવસ પૂરતું કામ પૂરું થતા મહિલાઓ એક પછી એક ભરીત પાર્સલ તૈયાર કરીને ધીમે ધીમે બધું સમેટવા માંડે છે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Kavitha Iyer

Kavitha Iyer has been a journalist for 20 years. She is the author of ‘Landscapes Of Loss: The Story Of An Indian Drought’ (HarperCollins, 2021).

Other stories by Kavitha Iyer
Editor : Priti David

Priti David is the Executive Editor of PARI. She writes on forests, Adivasis and livelihoods. Priti also leads the Education section of PARI and works with schools and colleges to bring rural issues into the classroom and curriculum.

Other stories by Priti David
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik