આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન

https://ruralindiaonline.org/en/articles/%E0%AA%A6%E0%AB%87%E0%AA%96%E0%AB%80%E0%AA%A4%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AA%BE%E0%AA%AE-%E0%AA%85%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B6%E0%AB%8D%E0%AA%AF-%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%B2%E0%AA%BE%E0%AA%93-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BF%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8D%E0%AA%95-%E0%AA%88%E0%AA%A8%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9D%E0%AA%BF%E0%AA%AC%E0%AA%B2-%E0%AA%B5%E0%AB%81%E0%AA%AE%E0%AA%A8-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%93%E0%AA%A8%E0%AA%B2%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8-%E0%AA%AB%E0%AB%8B%E0%AA%9F%E0%AB%8B-%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B6%E0%AA%A8/

નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.

ટુ માર્કેટ , ટુ માર્કેટ...

આ વાંસ તેમને અહીં લાવનાર મહિલાઓની ઊંચાઈ કરતાં લગભગ ત્રણ ગણા લાંબા છે. ઝારખંડના ગોડ્ડામાં આ સાપ્તાહિક હાટ (ગ્રામીણ બજાર) માં દરેક મહિલા એક અથવા વધુ વાંસ લઈને આવી છે. અહીં સુધી પહોંચવા માટે કેટલીક મહિલાઓ માથા પર કે ખભા પર વાંસને સંતુલિત કરીને 12 કિલોમીટર ચાલ્યા છે. અલબત્ત તે પહેલા જંગલમાં જઈને વાંસ કાપવામાં પણ તેમણે કલાકો ગાળ્યા છે.

આ બધી મહેનત પછી જો તેઓ નસીબદાર હશે તો દિવસના અંત સુધીમાં 20 રુપિયાય કમાઈ શકશે. ગોડ્ડામાં જ બીજા હાટ તરફ જઈ રહેલ કેટલીક મહિલોઆ એવી પણ છે જેઓ તેનાથી પણ ઓછું કમાશે. પોતાના માથા પર પાંદડાના ઊંચા ગંજ લઈને આવતી મહિલાઓએ જ એ પાંદડા એકઠા કર્યા છે અને એકબીજા સાથે જોડીને સીવ્યા પણ છે. આ પાંદડાંમાંથી તેઓ ખાવાની સરસ ‘પ્લેટો’ બનાવે છે, જે એકવાર ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે. ચાની દુકાનો, હોટેલો અને કેન્ટીનો સેંકડોની સંખ્યામાં આ પ્લેટો ખરીદશે. મહિલાઓ કદાચ 15-20 રુપિયા કમાશે. હવે જ્યારે રેલ્વે સ્ટેશન પર તમે આ પ્લેટોમાંથી ખાશો ત્યારે તમને ખબર હશે  કે આ પ્લેટો ત્યાં શી રીતે પહોંચી.

જુઓ વીડિયોઃ 'ક્યાંય પણ જવા માટે તમારે ટેકરીના ઢોળાવવાળા રસ્તે  ઉપર ચઢીને અને નીચે ઉતરીને 15-20 કિલોમીટર અંતર કાપવું પડે '

તમામ મહિલાઓને લાંબી મજલ કાપવાની હોય છે અને તેમને માથે ઘરની પણ ઘણી જવાબદારીઓ હોય છે. બજારના દિવસે કામનું ભારે દબાણ હોય છે. હાટ સપ્તાહમાં એક જ વાર ભરાય છે. તેથી નાના ઉત્પાદકો અથવા વિક્રેતાઓ આજે જે કંઈ કમાય છે તેમાંથી જ તેમને આગામી સાત દિવસો સુધી તેમનું ઘર ચલાવવામાં મદદ થાય છે. તેમણે બીજા દબાણોનો પણ સામનો કરવાનો હોય છે. ઘણી વાર ગામને સીમાડે તેમનો ભેટો શાહુકારો સાથે થાય છે જેઓ દાદાગીરી કરીને સાવ નજીવી રકમ સાટે તેમની પેદાશ પડાવી લેવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો શાહુકારની દાદાગીરી સામે નમતું જોખે છે.

બીજા કેટલાક લોકો તેમના ઉત્પાદનો ફક્ત તેમના લેણદારોને જ વેચવા માટે કરારો દ્વારા બંધાયેલા છે. તમે ઘણીવાર તેઓને વેપારીની દુકાન પર રાહ જોતા જોશો. ઓડિશાના રાયગડામાં દુકાન પર બેસી દુકાનના માલિકની રાહ જોતી આદિવાસી મહિલાનો કિસ્સો આવો જ લાગે છે. કદાચ તેમણે કલાકો સુધી ત્યાં અટવાવું પડે. ગામની સીમમાં એ જ આદિવાસી જૂથના બીજા વધુ લોકો બજારમાં જતા જોવા મળે છે. તેમાંના મોટાભાગનાએ વેપારીઓ પાસેથી ઉછીના લીધેલ પૈસા પરત કરવાના હોવાથી તેઓ ખાસ ભાવતાલ કરી શકતા નથી.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

જાતીય સતામણી સહિતની ગુંડાગીરી પણ છે, જેનો મહિલા વિક્રેતાઓને દરેક જગ્યાએ સામનો કરવો પડે છે.  અહીં આ હરકતો માત્ર પોલીસ જ નહીં, વન રક્ષકો  પણ કરે છે.

ઓડિશાના મલકાનગિરીમાં બોન્ડા મહિલાઓ માટે બજારમાં આજનો દિવસ નિરાશાજનક રહ્યો છે. પરંતુ તેઓ પતરાની ભારે પેટીને ચપળતાપૂર્વક બસની છત પર ચડાવી દે છે. સૌથી નજીકનું બસ સ્થાનક તેમના ગામથી ખાસ્સું દૂર હોવાથી પછીથી તેઓ તે પેટી (માથે) ઊંચકીને છેક ઘર સુધી લઈ જશે.

ઝારખંડના પલામુમાં હાટ માટે જઈ રહેલી મહિલા તેની સાથે તેનું બાળક, તેના વાંસ અને તેનું બપોરનું થોડું જમવાનું ઊંચકીને લઈ જઈ રહી છે. તેમનું બીજું બાળક પણ તેમની સાથે છે.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

દેશમાં નાના ઉત્પાદકો અથવા વિક્રેતાઓ તરીકે કામ કરતી લાખો મહિલાઓને થતી કમાણી વ્યક્તિગત દ્રષ્ટિએ તો નજીવી છે જ. તેમની પ્રામાણિકતા અને તેમના કઠોર પરિશ્રમની દ્રષ્ટિએ પણ આ કમાણી નજીવી છે. પરંતુ તેમના પરિવારને ટકાવી રાખવા માટે તે નિર્ણાયક છે.

આંધ્રપ્રદેશના વિઝિયાનગરમમાં ગ્રામીણ બજારમાં ચિકન કાપીને વેચતી આ છોકરી માંડ 13 વર્ષની છે. તેની પાડોશમાં રહેતી તેની જ ઉંમરની છોકરી આ જ બજારમાં શાકભાજી વેચે છે.  તેમના સંબંધી તેમની જ ઉંમરના છોકરાઓ શાળાએ જતા હોય એવી શક્યતા ઘણી વધારે  છે. બજારમાં તેમની પેદાશ વેચવાના કામ ઉપરાંત એ જ છોકરીઓએ ઘરમાં 'મહિલાઓના કામ' ગણાતા ઘણા બધા ઘરેલુ કામ પણ કરવા પડે છે.

PHOTO • P. Sainath
PHOTO • P. Sainath

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

P. Sainath is Founder Editor, People's Archive of Rural India. He has been a rural reporter for decades and is the author of 'Everybody Loves a Good Drought' and 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom'.

Other stories by P. Sainath
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik